The end of the earth is the house in Gujarati Children Stories by Kirtipalsinh Gohil books and stories PDF | ધરતીનો છેડો એટલે ઘર

ધરતીનો છેડો એટલે ઘર

"નાનકા હવે જમીશ કે પછી લઉ ધોકો. ક્યારની બૂમો પાડુ છું સાંભળતો જ નથી." રસોડેથી મમ્મીનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો એટલો જ હું મારા એક મહત્વનાં કામમાં વધારે વ્યસ્ત થઈ રહ્યો હતો અને એટલે મમ્મીને માત્ર 'આવું' કહીને સમય લંબાવી રહ્યો હતો પણ હવે હદ થઇ ગઈ એટલે અંતે મમ્મીનાં ગુસ્સા ભર્યા સ્વર તથા જમીનને હચમચાવી દે તેવા તેણીનાં પગરથનો અહેસાસ મને જલ્દી જોવા મળ્યો. મારી પાસે આવીને મારો કાન એવો મચકોડ્યો કે જાણે આજે તો જમવાનો છેલ્લો દિવસ હોય અને આખી દુનિયામાં મારે જ જમવાનું બાકી હોય.
"ક્યારની બૂમો પાડુ છું. શું કરે છે તું?" મમ્મીએ હજી કાન છોડ્યો નહોતો.
"હું જોતો તો કે અહીં કેટલા મોટા અળસિયાં છે?" કાન છોડવવાનાં પ્રયાસ કરતા કરતા હું બોલ્યો.
અમારાં ઘરમાં એક નાનો એવો બગીચો હતો. વરસાદની ઋતુ હતી તો માટી ભીની અને પોલી જણાતી હતી. તેમાં મને થોડાંક અળસિયાં દેખાયા હતા. હજી થોડા દિવસ પહેલા જ સ્કૂલમાં આના વિશે સાંભળવા મળ્યું હતું પણ આજે તેઓને રૂબરૂ જોયા એટલે તે જાણવાનું કુતૂહલ જાગ્યું હતું. જમીનની અંદર રહેતા આ અળસિયાં જોવામાં હું એટલો ડૂબી ગયો હતો કે જમવાની ઈચ્છા ન્હોતી પણ હવે માર ખાઈને રોવા બેસવું એના કરતા ડાહ્યોડમરો છોકરો બનીને સીધી રીતે મમ્મીની વાત માનવામાં જ ભલાઈ હતી જાણીને મમ્મી જોડે રૂમ તરફ જતો રહ્યો.
મારું ઘર; બાળમંદિર સુધીતો કંઈ ખબર ન્હોતી પડતી. હવે પહેલા ધોરણમાં આવ્યા એટલે ખબર પડી કે મારું ઘર કેટલું સુંદર અને સરસ છે. એક મોટું રસોડું, એક રૂમ, એક હોલ, ટોયલેટ તથા બાથરૂમ, એક નાનો ચોક તેમજ તે ચોકની બાજુમાં એક નાનો બગીચો કે જે મારું વાંચવાનું, લખવાનું, બેસવાનું, ક્યારેક મમ્મીનાં ઠપકા પર રડવાનું અને આખો દિવસ રમવાનું સ્થળ હતું.
મારી આજુબાજુ ઘણા ઘર. કેટલાક મારા ઘર જેવા જ તો કેટલાક અલગ. જેમ-જેમ મિત્રો બનતા ગયા તેમ-તેમ અલગ ઘરોનાં અનુભવો પણ મળતાં રહ્યા.
મારા ઘરનો કલર આછા વાદળી રંગનો. અને કદાચ એટલે જ તે મારો મનપસંદ પણ થઈ ગયો હતો. પછી બાળમંદિરથી લખવાનું શીખવાની સાથે જ મને દીવાલ પર લીટા પાડવા, મમ્મીનું નામ લખવું, પપ્પાનું નામ લખવાનું તો હિમ્મત પણ ન્હોતી થતી એટલે મમ્મીનાં પડતા ઠપકા પણ વ્હાલા લાગતા તો તેણી તરફ પ્રેમ પણ વધારે જાગતો એટલે તેણીનું નામ વધારે લખતો. ક્યારેક કોઈક અંક લખતો તો ક્યારેક એકાદ મિત્ર સાથે શૂન્ય-ચોકડીની રમત રમી લેતાં. પણ આ રમત સૌથી વધારે જોખમી રહેતી કેમકે દરેક મિત્રનાં ઘરે આ રમત રમતી વખતે હાથમાં પોતુ ન રાખીએ તો મમ્મી ને માસી ને કાકી ને દાદીઓનાં મારથી કોઈ ન બચાવી શકે.
સમય પસાર થતો ગયો. પહેલા ધોરણથી બીજા ધોરણ, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા ધોરણમાં પણ આવી ગયો. ઘર એટલે મંદિર કહેવાય ખબર પડી એટલે મારું ઘર મારી અંતરાત્માનો હિસ્સો બની ગયું, મારા જીવનનો હિસ્સો બની ગયું. જ્યારે પણ સ્કૂલમાં કે બહાર ઘર વિશે વાત નીકળે એટલે હું મારા ઘરનાં વખાણ કરતા થાકતો નહિ.
શિયાળામાં મારું ઘર મને ઠંડીમાં હૂંફ આપતું, ઉનાળાની ગરમીમાં મારું ઘર મને ટાઢક આપતું, ચોમાસામાં વીજળીનાં ડર સામે રક્ષણ આપતું. દિવસે બહાર જઈને ઘરે આવીને જે શાંતિ મળતી એ અહેસાસ, એ અનુભૂતિ લેવા આખો દિવસ બહાર રહેતો કે જેથી ઘરે જવાની ઉત્સુકતા બની રહે. મારા માટે મારું ઘર મારા પરિવારનો હિસ્સો ત્યારે બની ગયો જ્યારે મને સાંભળવા અને આ જાણવા મળ્યું 'ધરતીનો છેડો ઘર'.
પાંચમા ધોરણની શરૂઆત થવાની હતી. આ વખતે વેકેશનમાં મામાનાં ઘરનો દીવો બાળવા વધારે સમય લાગ્યો હતો મતલબ કે મામાને ત્યાં આ વેકેશન પર ઘણા દિવસ વિતાવ્યા હતા પણ આ તો જ્યારે મામાનું આમંત્રણ આવ્યું એટલે તમામ લોકો મને આ જ કહેતા કે, મામાનું ઘર કેટલે દીવો બળો એટલે. તો દીવો બાળવા તો જવાનું જ હતું. મામાનું ઘર મારા ઘરથી મોટું હતું, સુંદર અને સરસ પણ મારા ઘર જેવું તો બિલકુલ નહોતું. અને એટલે જ મારા ઘરને હું એટલો બધો યાદ કરી રહ્યો હતો કે હવે જલ્દીથી ઘરે જઈને ઘરને ભેટી પડવું છે બસ.
હમણાં એકાદ કલાક પછી ઘર માટે રવાના થવાનું છે જાણીને હું ખૂબ જ ઉત્સાહિત હતો. સમય પસાર કરવા ટીવી ચાલુ કર્યું. ટીવીમાં એક સિરિયલમાં એક પરિવારને તેમના જ ઘરમાંથી બહાર નીકાળવામાં આવ્યા છે જોઈને દુઃખ થયું એટલે ટીવી બંધ કર્યું. થોડાક સમય બાદ હું અને મામા ઘરે જવા માટે ઉપડ્યા. આખા રસ્તે હું મારા ઘરને જ યાદ કરતો રહ્યો. હવે આ કરીશ, તે કરીશ વાળા વિચારો અને યોજનાઓ બનાવતા બનાવતા ઘર તરફ જવાનાં માર્ગ પર આવી પહોંચ્યા પણ, આ શું! મામાએ ઘર તરફનાં વળાંકને બદલે સીધા માર્ગે ગાડી ચાલુ રાખી. મને થયું કે કદાચ ક્યાંક બીજે લઈ જઈ રહ્યા હશે, કંઇક જોવા માટે યા તો પછી એમને કંઇક કામ હશે. કંઈ નહિ થોડું મોડું તો મોડું વળી વિચારીને મૈં મામાને એ વિશે પૂછ્યું નહિ અને ઘરનાં વિચારોમાં ફરી ખોવાઈ ગયો. જોતજોતામાં એક સોસાયટીમાં ગાડી વળી અને એક મોટા ઘર આગળ ઊભી રહી.
પહેલા તો મને થયું કે આ વળી ક્યાં આવ્યા પણ જ્યારે મમ્મી-પપ્પાને એ મોટા ઘરની બહાર ઊભેલા જોયા તો થોડું આશ્ચર્ય તો થયું. તેઓના હસમુખ ચહેરા પાછળ કંઇક રહસ્ય લાગ્યું. મામા પણ મારી સામે જોઈને હવે સ્મિત કરવા લાગ્યા. કંઇક તો છે સમજીને હું ગાડીમાંથી બહાર આવ્યો. મમ્મી-પપ્પા બંને મારી નજીક આવ્યા અને પપ્પાએ મને તેડી લીધો.
"નવા મકાનમાં તારું સ્વાગત છે, નાનકા." આ સાંભળીને પ્રથમ તો હું જૂના ઘરની યાદમાં જ ડૂબી ગયો. મતલબ હવે હું જૂના ઘરે નહિ જઈ શકું! શું પેલી સિરિયલ જેમ મમ્મી-પપ્પાને કોઇએ તે ઘરમાંથી કાઢી મૂક્યા! હવે શું થશે? જૂના મકાનની યાદમાં હું દુઃખી દુઃખી થઈ ગયો, અડધો થઈ ગયો.
"નાનકા, આમ ઢીલો કેમ થઈ ગયો? આ પણ હવે આપણું જ ઘર છે. હવેથી આપણે અહીં જ રહેવાના છીએ." મમ્મીએ સમજાવ્યો અને થોડીવાર માટે હું સમજી પણ ગયો. પણ નવી દીવાલો, ભૂખરો લાલ રંગ. ચોક અને બગીચો તો છે જ નહિ જોઈને હવે શું કરીશ કરતા કરતા દિવસો વીતતાં ગયાં ને મારા મનમાં જૂના ઘરની યાદો વધારે ભારે થવા લાગી.
હું મારા રૂમમાં સૂનમૂન બેઠો રહેતો. નવી ચોપડીઓ લાવી દીધી હતી પણ જોવાની બી ઈચ્છા ન્હોતી થતી. કોઈ રમતમાં રસ નહોતો પડી રહ્યો.
સ્કૂલો ચાલુ થઈ ચૂકી હતી. શરીર સ્કૂલમાં રહેતું પણ મન માળવે ફરતું. અને આખરે એક દિવસ એવો આવ્યો જેની મને જરૂર હતી. એકવાર વર્ગમાં અમારા એક શિક્ષકે ઘર તથા પરિવર્તન ઉપર ખુબ જ સરસ વર્ણન કર્યું. પરિવર્તન એ સંસારનો નિયમ છે તેને અપનાવીને ચાલવું એ જ સમજદારી છે અને ધરતીનો છેડો એટલે ઘર; ઘર નાનું હોય કે મોટું, પાકું હોય કે કાચું, ઘર એ ઘર કહેવાય. ને મારી નાની બુદ્ધિમાં આ મોટી વાત ઘર કરી ગઈ ને તરત નવી ઊર્જા સાથે મૈં જૂના ઘરને મારા હ્રદયમાં સુંદર સંસ્મરણોની યાદીમાં મૂકીને મારા નવા ઘરને મારા મનમંદિરમાં વસાવી દીધું.

•સમાપ્ત•

Rate & Review

Manoj P

Manoj P 10 months ago

Rekha Chheda

Rekha Chheda 10 months ago

S J

S J 10 months ago

શિતલ માલાણી

સાચી વાત છે

Pinkal Mahida

Pinkal Mahida 11 months ago