Aage bhi jaane na tu - 38 in Gujarati Novel Episodes by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 38

આગે ભી જાને ના તુ - 38

પ્રકરણ - ૩૮/આડત્રીસ

ગતાંકમાં વાંચ્યું.....

પારેખવિલા અને માલતીમાસીના બંગલે રાજીવ અને અનન્યાની સગાઈ માટે મહેમાનોનું આગમન, મહેંદી, ગરબા, ડીજે, જેવા વિવિધ કાર્યક્રમોની મહેફિલ જામે છે. અન્ય મહેમાનોની સાથે એક અજાણ્યા અતિથિનું પણ પારેખવિલામાં આગમન થાય છે અને શરૂ થાય છે અણધારી સફર......

હવે આગળ.....

પંદર-વીસ મિનિટ પછી એક કાર પારેખવિલાના ગેટ પાસે આવીને ઉભી રહી અને બંગલામાં ગયેલી વ્યક્તિ બહાર આવીને પોતાની બેગ પાછલી સીટ પર મૂકી પોતે આગળની સીટ પર ગોઠવાઈ એટલે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિએ મોબાઈલમાં જીપીએસ ઓન કરી, આઝમગઢનું લોકેશન ગોઠવી કાર દોડાવી મૂકી..

વડોદરા શહેર છોડીને આઝમગઢ તરફની દિશા પકડ્યા બાદ રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ રસ્તા પર મોડે સુધી ખુલ્લી રહેલી ચાની હોટેલ પાસે કાર થોભાવી બંને જણ નીચે ઉતરી મોઢે પાણીની છાલક મારી, આંખો પર હાવી થતી ઊંઘની અસરને ગરમ ચાની ચૂસકી દ્વારા ઉડાડી ફરીથી કારમાં બેસી રવાના થયા ત્યારે ઘડિયાળનો કાંટો અઢી પાર કરી ચૂકયો હતો. વહેલી સવારે આઝમગઢથી કેટલાક કિલોમીટર દૂર એક નાનકડી હોટેલમાં રૂમ બુક કરી બેય જણ ત્યાં રોકાયા અને સાંજે ત્યાંથી રવાના થઈ રતન અને રાજીવ જ્યારે રણમાં પ્રવેશ્યા ત્યારે બીજી દિશાએથી આ બંને પણ રણની હદમાં ઘુસી ચુક્યા હતા. એમણે પણ પોતાની કાર કોઈની નજરે ન ચડે એવી રીતે ઘેરી ઝાડીઓ પાછળ પાર્ક કરી હતી. રૂપિયાની લાલચ આપી એમણે હોટેલના માલિકને કહી બે ઊંટની વ્યવસ્થા કરાવી હતી અને એ બંને પણ પોતપોતાના સામાન સાથે ઊંટ પર સવાર થઈ આઝમગઢ તરફ વધી રહ્યા હતા.

જ્યારે રતન અને રાજીવ પોતાના તંબુમાં નિંદ્રાદેવીને રિઝવીને સુવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એમનાથી અડધો કિલોમીટર છેટે બીજા તંબુમાં આ બંને વ્યક્તિઓ આવતીકાલે કયું કદમ ઉઠાવવું એની ચર્ચામાં વ્યસ્ત હતા.

રણના વાતાવરણમાં જેમ અચાનક પલટો આવે એમ આ બંનેના મનના વિચારો પણ વારંવાર પલટો ખાઈ રહ્યા હતા. વિચારોના ઘોડા છુટ્ટા દોડી રહ્યા હતા અને બેઉ પોતપોતાના મનમાં ચાલી રહેલી ગડમથલ અને શકયતા-અશક્યતાના દાયરાની લગામો ખેંચતા વર્તુળના ઘેરાવામાં ઉભા હતા જ્યાંથી કોઈપણ દિશામાં જાય તો પણ અંતે કેન્દ્ર સુધી પહોંચવાનું તો નક્કી જ હતું.

"હવે આપણે અહીં સુધી તો આવી ગયા છીએ, પણ રતન અને રાજીવથી બચતા પણ રહેવાનું છે. અત્યારના વાતાવરણ પરથી તો એવું લાગે છે કે કાલે પણ મોસમ સાફ હશે અને જો એવું થયું તો આપણા માટે આઝમગઢના અવશેષ શોધવા આસાન બની જશે. કાળની કારમી થપાટ ખાધા પછી આ સૂકા વેરાન ભઠ્ઠ રણમાં આઝમગઢ ક્યાં દબાઈને બેઠું હશે?"
પોતાના હાથનું જ ઓશીકું બનાવી આડી પડેલી વ્યક્તિએ કહ્યું.

" હવે આપણે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ભરવું પડશે, જો એક કદમ પણ ચુક્યા તો આટલા સમયથી કરેલી આપણી મહેનત પર પણ પાણી ફરી વળશે અને અધૂરામાં પૂરું કમરપટ્ટો તો હાથમાંથી જશે સાથે સાથે ડોસી આપણો જીવ પણ લેશે"

"એય..... ડોસી નહિ... ડોસી નહિ....એ તો ડોસીનેય સારી કહેવડાવે એમાંની છે... બહુ શાતિર દિમાગ છે એનું. વડોદરામાં બેઠાં-બેઠાં ય અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એ પણ એને ખબર પડી ગઈ હશે અને મનોમન આપણને ગાળો ભાંડતી હશે." બંનેનું હાસ્ય મોઢે દાબી રાખેલી હથેળીમાં દબાઈ ગયું.

ત્યાંથી છેટે રતન અને રાજીવ હજી જાગતા આડા પડ્યા પડ્યા વિચારી રહ્યા હતા.

"રતન, પેલી ચાવી બતાવ તો... " રાજીવ ફટ કરતો બેઠો થઈ ગયો.

રતને ખિસ્સામાંથી સાચવીને ચાવી બહાર કાઢી અને આગળ ધરેલી હથેળીમાં મૂકી દીધી.

"રતન... તને ખબર છે કે આ ચાવી શેની છે... આઈ મીન કે ખીમજીબાપાએ કંઈ ફોડ પાડ્યો છે આપતા પહેલા?"

"ના રે ના.... હું પણ જસ્ટ એ જ વિચારતો હતો કે આ ચાવી આખરે છે ક્યા તાળાની? કોઈ દરવાજાના કે પછી કોઈ પેટી કે સંદૂકના તાળાની? ખીમજીબાપાએ ફક્ત એટલું જ જણાવ્યુ હતું કે આ ચાવી જ બધા રહસ્યોનો જવાબ આપશે."

"હમમમ...." રાજીવ ચાવીને એકદમ ધ્યાનથી નીરખી રહ્યો.

મધ્યમ કદ અને સર્પાકાર ધરાવતી લોખંડની ચાવી પાછળથી ગોળ અને આગળથી ચપટી હતી અને એના પર ઝીણા અક્ષરે કાંઈક કોતરેલું હતું જે અત્યારે રાત્રીના મોબાઈલ ટોર્ચના અજવાળામાં અસ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ હાથ વડે એની કોતરણીનો અનુભવ થઈ માત્ર થઈ રહ્યો હતો.

"મારા અનુમાન પ્રમાણે આ ચાવી કોઈ પેટીના તાળાની લાગે છે."

"આ અનુમાન અને આશંકાના આટાપાટામાં જ હજી અટવાયેલા છીએ આપણે. ધડ-માથા વગરનો કોયડો ઉકેલવાનો છે આપણે અને સમય વહેતા પાણીની જેમ આગળ ને આગળ વધી રહ્યો છે. આ ભેંકાર વેરાન રણમાં નથી નેટવર્કનું ઠેકાણું જેથી આપણે કોઈનો સંપર્ક પણ સાધી શકતા નથી."

"કુદરતની કોઈ અકળ કહી શકાય એવી લીલા છે આ. ખીમજીબાપાના કહ્યા પ્રમાણે એ સમયની આઝમગઢની ઝલહળતી સંસ્કૃતિ અને આર્થિક સધ્ધરતાનો આછો ચિતાર તો નજર સામે આવે જ છે. એવું કોઈ અકથ્ય, અકલ્પિત, અકળ રહસ્ય આ ચાવીના તાળામાં બંધ છે જે ખીમજીબાપા સ્વમુખે નથી કહેવા માંગતા અને આપણે હવે પાછીપાની કરવાનો તો વિચાર પણ મનમાં નથી લાવવાનો."

"હા... રાજીવ, કુવા પાસે આવીને તરસ્યા રહેવું પડે એ મોટા દુઃખની વાત છે અને આપણે હજી કુવા સુધી પહોંચીને એનું પાણી પણ ઉલેચવાનું છે ત્યારે તળિયું દેખાશે."

"ના... રતન, કુવાનું પાણી ઉલેચવા કરતાં એમાં જ ડૂબકી મારીને તળિયે પહોંચવું વધુ સરળ રહેશે.. પાણી ઉલેચતાં સમય વેડફાશે અને એ આપણને નહિ પરવડે."

"હું કાંઈ સમજ્યો નહિ..."

"આપણે અત્યારે જ અહીંથી નીકળવું પડશે. બની શકે કે કોઈ આપણો પીછો કરતું અહીં સુધી પણ પહોંચી આવ્યું હોય. એ આગળની કોઈપણ ચાલ ચાલે એ પહેલાં આપણે આપણા આગલા કદમ માટે તૈયાર રહેવું પડશે.",

"અત્યારે.....?" રતન હજી અવઢવમાં હતો એને હજીપણ રાજીવની વાત સમજાતી નહોતી.

"આપણે અહીં અજાણ્યા છીએ પણ આ ઊંટ તો આ વાતાવરણમાં સફર કરવા ટેવાયેલા જ હશે. જો અત્યારે આપણે નીકળી જઈશું તો સવાર સુધીમાં કદાચ કોઈ ને કોઈ કડી કે કેડી કે કદાચ બંને પણ મળી જાય...અને એક વાત હમેશા યાદ રાખજે કે હકારાત્મક અભિગમ જ અપનાવવાનો ક્યારેક નિરાશાવાદી નહિ બનવાનું. હિંમતે મર્દા તો મદદે ખુદા..."

"તો ચાલ.... રાહ કોની જોવાની. બંદા તો તૈયાર જ છે."

રતને ચાવી પાછી ખિસ્સામાં મૂકી અને રાજીવ સાથે મળીને ખુબજ ઓછા સમયમાં ડેરા-તંબુ પાછા વ્યવસ્થિત બાંધી ઊંટ પર સવાર થઈ ગયા અને એમના હળવા બુચકારે બંને ઊંટ રેતાળ પ્રદેશમાં એમના પગ થોડે ઊંડે ખુંપાવતા રેતીની ડમરીઓ ઉડાડતા દોડવા લાગ્યા.

અજાણ્યો પ્રદેશ, અજાણી વાટ અને અજાણી દિશા.....

*** *** ***

મળસ્કે સૂર્યનારાયણનો રથ વાદળોની આછી ઘટામાંથી ડોકિયું કરતો ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. આછા પીળા-કેસરી કિરણો રેતી પર પડતાં રેતીમાં અનેરી સ્વર્ણઆભા છવાઈ રહી હતી. મંદ-મંદ વહેતો સ્વાગત કરતો પવન શરીરને સ્પર્શી ઠંડક પ્રસારી રહ્યો હતો. દૂર દૂર સુધી સોનેરી થતી જતી રેતીના નાના-મોટા ઢુવા વચ્ચેથી બેય ઊંટ આગળ વધ્યે જતા હતા.

"રાજીવ, હજી ઠંડક છે ત્યાં સુધી આપણે પણ અહીં જરીક વિસામો લઈ લઈએ. આખી રાત આપણી સાથે આ બેય પણ જાગ્યા છે. એમને પણ થોડો પોરો ખાવો જરૂરી છે. અત્યારે તો આ બંને ઊંટ જ આપણો એકમાત્ર સહારો છે તો એ પણ થોડો ચારો ખાઈ લે અને આપણે પણ થોડું ખાઈ લઈએ."

અફાટ રણમાં થોડાક પાંદડા ધરાવતા નાનકડા ઝાડ પાસે રતન અને રાજીવે બેય ઊંટને થોભાવ્યા અને પોતે સામાન સાથે નીચે ઉતરી ઊંટને છુટ્ટા છોડી દીધા.

"સારું છે કે આપણી પાસે હજી પાણીનો સ્ટોક છે. હજી કેટલો સમય આ રણમાં ગોથાં ખાવા પડશે એ પણ નક્કી નથી." રતને ચહેરા પર પાણીની છાલક મારી, કોગળા કરી પાણીની બોટલ રાજીવના હાથમાં થમાવી દીધી. રાજીવે પણ રતનનું અનુસરણ કરી થોડાક પાણી વડે પોતાનો ચહેરો સાફ કર્યો અને ઝાડની છાયામાં બેસી બેગમાંથી બિસ્કિટનું પેકેટ કાઢી બંને જણ ખાવા લાગ્યા અને બંને ઊંટ પણ આજુબાજુમાં ઉગેલી ઝાડીઓના પાંદડા ચાવવામાં મશગુલ થઈ ગયા.

એકાદ કલાક પછી રતન અને રાજીવ પાછા ઊંટ પર સવાર થઈ મુકામે પહોચવા મક્કમ બની સફર ખેડવા તૈયાર થઈ સાગરખેડુની જેમ રણખેડુ બની મંઝિલ પામવા નીકળી પડ્યા ત્યારે એ નહોતા જાણતા કે રેતીના ઢુવા પાછળ છુપાઈને સંતાકૂકડી રમતી એમની મંઝિલ આઝમગઢ એમનાથી સોએક મીટરના અંતરે જ હતી અને વાટે જતાં જેમ વળાંક આવે એમ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો અને રેતીની ડમરીઓ ઉડવા માંડી. ચારેતરફ રેતીનું સામ્રાજ્ય છવાઈ ગયું. આકાશ પણ રેતીના વાદળોથી ઘેરાઈ ગયું. રતન અને રાજીવ જેમતેમ કરી એક પાંદડા વગરના ઝાડના ઠુંઠાની ઓથે ઊંટને ઉભા કરી આ વિઘ્ન જલ્દી દુર થાય એની પ્રાર્થના કરતા ઉભા રહ્યા. બેય ઊંટની સાથે રતન અને રાજીવ પણ રેતીથી આખા ખરડાઈ ગયા હતા ત્યારે....બીજા તંબુમાં પોતાના જ પોતાને બરબાદ કરવાની યોજના બનાવી એનો અમલ કરવાની પેરવીમાં હતા...

"આ અચાનક રેતીનું તોફાન કેવી રીતે શરૂ થઈ ગયું. કાલ સાંજ સુધી સાફ દેખાતું આકાશ સાવ ધુંધળું નજરે પડે છે અને આપણા તંબુની બહાર તો રેતીના થર પથરાઈ રહ્યા છે..." બંને અજાણી વ્યક્તિઓ તંબુમાં ભયના ઓથાર હેઠળ એકમેકનો હાથ ઝાલી ધ્રુજી રહી હતી.

ધીમી ગતિએ રેતીના થર તંબુની આસપાસ જામી રહ્યા હતા અને તંબુ રેતીમાં ગરકાવ થતું જણાઈ રહ્યું હતું.

"આ...પ...ણે....બહાર તો નીકળી શકીશું ને મનીષ? ક્યાંક એવું ન થાય કે આપણે પણ તંબુ સાથે આખા ને આખા આ રેતીના દરિયામાં ડૂબી જઈએ."

"થોડીક હિંમત રાખ માયા...થોડીવારમાં રેતીનું તોફાન શમી જશે. બસ મારો હાથ નહિ છોડતી."

"આ હાથ છોડવા માટે નથી ઝાલ્યો...કેટલા વર્ષોના ઇંતજાર પછી તારો હાથ મારા હાથમાં આવ્યો છે. ક્યારેક તને પામવાનો વિચાર પણ છોડી દીધો હતો પણ કુદરતે ફરીથી આપણને મેળવી આપ્યા છે."

"આટલી રાહ જોઈ છે તો થોડી વધારે....અને હવે આપણે હિંમત અને શાંતિથી અહીં જ બેસી રહીએ કેમકે અત્યારે આપણું બહાર નીકળવું જોખમી જણાય છે."

"હા.. મનીષ, બસ એકવાર આઝમગઢ પહોંચી જઈએ પછી ગમે એ પરિસ્થિતિને સાથે મળી પહોંચી વળશું." માયાએ મનીષના ખભે માથું ઢાળી દીધું અને બંને તોફાન શમવાની રાહ જોતા તંબુમાં જ બેસી રહ્યા.

વધુ આવતા અંકે.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 1 year ago

Ms Patel

Ms Patel 1 year ago

Divya Patel

Divya Patel 1 year ago

Ashok Prajapati
Vijay Raval

Vijay Raval Matrubharti Verified 1 year ago