Aage bhi jaane na tu - 41 in Gujarati Novel Episodes by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 41

આગે ભી જાને ના તુ - 41

પ્રકરણ - ૪૧/એકતાલીસ

ગતાંકમાં વાંચ્યું......

રતન અને રાજીવ વર્ષો પુરાણા મંદિર તરફ પોતાના ઊંટ વાળે છે, મનીષ અને માયા પણ એ જ તરફ જાય છે. આ બાજુ રોશનીને ઘરની નોકરાણી આશા મારફત મનીષ કોઈ સ્ત્રી સાથે બહાર ગયો હોવાના સમાચાર મળતા એ શંકા-કુશંકાની લહેરોમાં ગોથાં ખાય છે.....

હવે આગળ.....

રતન અને રાજીવના ઊંટ મંદિર લગોલગ પહોંચી ચુક્યા હતા. બંને જણ નીચે ઉતરી બેય ઊંટને છુટ્ટા મૂકી મંદિરના પગથિયા પાસે ઉભા રહી નિરીક્ષણ કરી રહ્યા હતા. સદીઓ જૂનું મંદિર વૈભવશાળી ઇતિહાસની મુક સાક્ષી પુરી રહ્યું હતું. રાતા સેન્ડસ્ટોન અને રાજસ્થાની પરંપરાગત કોતરણી ધરાવતું મંદિર સોનેરી રેતીમાં સુવર્ણમય બની ચળકી રહ્યું હતું. એનો મોટો ગોળ ગુંબજ અને એની ઉપર લહેરાતી ધજા આટલા વર્ષેય હજી અકબંધ હતા. કોણ જાણે સમયની કેટલીય થપાટો ખાધા પછી પણ પોતાના ગભારામાં રહસ્ય ધરબીને બેઠેલા આ મંદિરના ઉંબરે વર્ષો પછી કોઈ માનવીઓ આવ્યા હતા. રતન અને રાજીવે મંદિરની બહાર ઉભેલી ખાંભીઓ સાથે બંને ઊંટ બાંધી દીધા અને મંદિરમાં દાખલ થવા પગથિયાં ચડીને દરવાજાને ધક્કો માર્યો......

કિ......ચુ.......ડ.......કિ.....ચુ.....ડ... કરતા મંદિરના મોટા નકશીદાર કમાડ ધીરે-ધીરે અંદરની તરફ ખુલતા ગયા. ત્રણ અર્ધગોળાકાર પગથિયા પર ઉભેલા રતન અને રાજીવ મંદિરનો ઉંબરો ઓળંગી અંદર ગયા અને મંદિરની ભવ્યતા જોઈ મોમાં આંગળા નાખી ગયા. બહારથી ગોળાકાર પણ અંદરથી પંચકોણાકાર બાંધણી ધરાવતા મંદિરના ગભારામાં કોઈ જ થાંભલો નહોતો. મંદિરની દીવાલો પર ક્યાંક-ક્યાંક કરોળિયાના મોટા જાળાં લટકી રહ્યા હતા અને ફર્શ પર ધૂળ-માટીના એટલા થર જામી ચુક્યા હતા કે જેમાં રાજીવ-રતનના બુટના નિશાન સ્પષ્ટ ઉપસી આવ્યા હતા. પ્રવેશદ્વારની બરાબર સામે લગભગ આઠેક ફૂટ ઊંચું ચમકીલા કાળા પથ્થરનું શિવલિંગ ઝગારા મારતું હતું. એની ડાબી બાજુએ માતા પાર્વતીની પ્રતિમા હતી તો જમણી તરફ દુંદાળા દેવ ગણપતિની મનોહર મૂર્તિ હતી. દરવાજાની ડાબી બાજુએ રામ-સીતાજી-લક્ષ્મણની નયનરમ્ય પ્રતિમાઓ હતી અને જમણી બાજુએ રાધા-ક્રુષ્ણની આંખોને પાવન કરનારી મૂર્તિઓ હતી. આ દરેક સ્થાપિત મૂર્તિઓની વચ્ચે નાના-નાના જાળીદાર ગોખલાઓ બનાવેલા હતા જેની જાળીમાંથી સૂર્યના કિરણો ચળાઈને અંદર શિવલિંગ પર પડતા હતા. લોકવાયકા મુજબ મંદિરના બાંધકામમાં એ સમયે એવી વૈજ્ઞાનિક ટેકનોલોજી વપરાઈ હતી કે જેમ જેમ સૂરજ ચડતો અને ઢળતો જાય તેમ તેમ દરેક ગોખલાની જાળીમાંથી સૂર્યકિરણો શિવલિંગ પર જ પડે. બધીજ મૂર્તિઓ જાણે હમણાં જ સ્થાપિત થઈ હોય એમ નવી દેખાઈ રહી હતી. દરેક મૂર્તિપર સોના-રૂપાના શણગાર હતા અને દરેક મૂર્તિની સામે સીસમની બનેલી અને સોનાની ફુલવેલની કિનારી ધરાવતી મોટી લંબચોરસ દાનપેટીઓ મુકવામાં આવેલી હતી. શિવલિંગ ફરતે સોનાનો મોટો કાળો નાગ ફેણ ચઢાવી શિવલિંગ માથે જરાક આગળ તરફ ઝુકીને સ્વાગત કરી રહ્યો હતો. દરેક મૂર્તિઓને મનભરીને જોતાંજોતાં રતન અને રાજીવ થોડાક ડગલાં આગળ વધીને શિવલિંગ તરફ ગયા અને સુવર્ણનાગની પ્રતિમા જોતાં જ બંનેને તરાનાનો કમરપટ્ટો નજર સમક્ષ આવી ગયો અને બંનેની આંખો એક થઈ એકમેકના મનની વાત ઉકેલવાની કોશિશ કરવા લાગી. એ જ પ્રતિકૃતિ, એ જ આકાર, એવા જ રત્નો ધરાવતી નાગપ્રતિમા તરાનાના કમરપટ્ટા કરતા ઘણી મોટી હતી. આખરે શું રહસ્ય છે આ...? આંખો ચોળતા બંને જણ શિવલિંગ સામે જઈ ઉભા રહ્યા.

"રતન, કંઈ સમજાતું નથી કે આ શું ચક્કર છે?.. ભ્રમણાની ભૂલભુલામણીમાં ભટકી રહ્યા હોવાનો એહસાસ થઈ રહ્યો છે. એક તરફ મંદિરની દીવાલો પર અને ઉપર ગુંબજ પર કરોળિયાના જાળા અને ચામાચીડિયાઓ જાણે વર્ષોથી લટકી રહ્યા છે અને જમીન પરના માટીના થર જોતા એવું લાગે છે કે કેટલાય લાંબા સમયથી અહીં કોઈ આવ્યું નથી અને બીજી બાજુ આ બધી પ્રતિમાઓ એકદમ નવી જ લાગી રહી છે. શું ચક્કર છે આ?" રાજીવ પોતાના સ્માર્ટફોનમાં મંદિરના ફોટા ક્લિક કરી રહ્યો હતો.

"હા રાજીવ.... મને પણ કાંઈ ગડ નથી બેસી રહી કે આ શું માજરો છે પણ એટલું તો ચોક્કસ લાગે છે કે આ નાગપ્રતિમા અને તરાનાના કમરપટ્ટા વચ્ચે કાંઈક અનુસંધાન તો છે જ."

"હમમમમમમ.... રતન, ચાલ આપણે મંદિરની આજુબાજુ અને પાછળ પણ ચક્કર લગાવીએ, કદાચ કંઈ જાણવા જેવું મળી પણ જાય."

"ચાલ, જઈને જોઈએ તો ખરા... આખરે કુદરતે આપણને અહીં પહોંચાડ્યા જ છે તો આગળ પણ એ જ આપણને મદદ કરશે." રતન અને રાજીવ બંને પગથિયાં ઉતરી મંદિરની બહાર આવ્યા અને આજુબાજુના પરિસરનું નિરીક્ષણ કરતાં કરતાં પાછલી બાજુએ આવ્યા.

*** *** ***

"મનીષ... આ રેતીના ઢુવાઓ પણ પાર કરવા આકરા છે. એ પણ કોઈ નાની પર્વતમાળા જેવા લાગે છે. દૂરથી જોતાં એમ લાગતું હતું કે જાણે હમણાં પેલી પાર પહોંચી જઈશું પણ નજીક આવ્યા બાદ ખબર પડી કે આ કેટલું મુશ્કેલ અને અગવડભર્યું કામ છે." ધીમે ધીમે મનીષ અને માયાના ઊંટ એક ઢુવા પર ચડી રહ્યા હતા.

"માયા, આપણી જિંદગી પણ આવા ઉતાર-ચઢાવ વાળી છે... ક્યારેક સુખના અમીછાંટણા તો ક્યારેક દુઃખની બળબળતી રેત... આ બધાથી પાર આપણે પહોંચવાનું છે.. જ્યાં ફક્ત સુખ હોય અને એની વ્યાખ્યા તું હોય."

"મનીષ....આપણે એક તો થઈ શકશું ને? કોણ જાણે કેમ આજે મારો જીવ ઉચાટમાં છે." માયાના ચહેરા પર ઊડતી લટો પાછળ એની આંખોમાં રહેલો વિષાદ છતો થતો હતો.

"ચિંતા નહિ કર મારી માયા મેમસાબ, મારા પર ભરોસો રાખ અને હવે બીજું કંઈપણ વિચાર્યા વગર આગળ વધીએ. આપણી પાસે ગણીને માત્ર ચોવીસ કલાક જ બચ્યા છે. રાજીવ અને અનન્યાની સગાઈ પહેલા આપણે અહીંથી પોબારા ભણી જવા પડશે." મનીષે માયાના ખભા હળવેથી દબાવી એને ભયમુક્ત બનાવવા એના ગાલે પણ હળવી ટપલી મારી. બંનેના ઊંટ ઢુવાની ટોચે પહોંચી ચુક્યા હતા જ્યાંથી દેખાતું હતું હેમ રેતથી ચળકતું અનંત અને અસીમ રણ અને એની વચ્ચે ડોકાતી હતી લહેરાતી લાલ ધજા.

*** *** ***

"કહું છું, સાંભળો છો? પરમદિવસે કેશવપર પહોંચ્યા પછી માયાનો ફોન એક જ વાર આવ્યો હતો. મારો જીવ ઊંચો-નીચો થાય છે.. આવનારી આફતના એંધાણ વરતાય છે. રતન અને રાજીવના ય કાંઈ ખબર નથી." કનકબા જોરાવરસિંહને ભાણું પીરસી રહ્યા હતા.

"તું નાહક વહેમાય છે, વહુ પિયર ગઈ છે, કદાચ ભૂલી ગઈ હશે. ઘણા વખત પછી ગઈ છે ને. વહુને ભલે સાસરિયામાં સો સુખ હોય પણ પિયરનું આંગણુંય એની આગળ નાનું પડે. મા ના પાલવનો પવન અને બાપના ખભાનું ઝૂલણું દરેક દીકરીનો આજીવન વિસામો હોય છે. બધાથી પરવારશે એટલે ફોન કરશે અને સાંજ સુધી જો માયાનો ફોન નહિ આવે તો આપણે સામેથી એને ફોન કરશું.. તું ચિંતા મા કર. જમીને જરાક આરામ કર. સાંજે વાત..." જોરવરસિંહ કોળિયા ભરવા લાગ્યા.

*** *** ***

"રોશની, ચાલ બેટા જમી લે. નીચે બધા તારી રાહ જુએ છે." જમનાબેને રોશનીના રૂમનો દરવાજો ખખડાવ્યો.

"માસી, થોડીવાર પછી આવું છું, હમણાં ભૂખ નથી. બધાંયને કહો કે જમી લે, મારી રાહ ન જુએ." દરવાજો ખોલ્યા વગર જ રોશનીએ અંદરથી જવાબ આપ્યો.

"એમ કાંઈ થોડું ચાલે, તબિયત તો સારી છે ને તારી? ડૉક્ટરને બોલાવવા કહું?" જમનાબેન હજી દરવાજે કાન માંડીને ઉભા હતા અને અંદર રોશનીના મનમાં શું ગડમથલ ચાલી રહી હતી એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા.

"હમણાં તો ખાલી રોશનીની જ આ હાલત થઈ છે. હજી તો આગળ પારેખ પરિવારની દરેક વ્યક્તિએ ભોગવવાનું આવશે અને ત્યારે જ મારા કાળજાને ઠંડક વળશે. આટલા વર્ષો કાઢી નાખ્યા મેં આ પરિવાર માટે, પણ હવે સમય પૂરો થવા આવ્યો છે." મનોમન બબડી રહેલા જમનાબેન પાછા વળવા જતા હતા ત્યાં જ રોશનીએ દરવાજો ખોલ્યો.

"અરે...માસી, તમે હજી અહીંયા જ ઉભા છો? તમને કીધું ને કે મને અત્યારે ભૂખ નથી." રોશનીની સુજેલી લાલ આંખો જોઈ જમનાબેનને એની પરિસ્થિતિનો ચિતાર મળી ગયો હતો.

"રોશની બેટા, આમ ન કરાય, ઘરે આટલા બધા મહેમાનો આવ્યા છે. એમની વચ્ચે આપણી ફજેતી થાય, આપણું નાક કપાય, સારું ન લાગે. તમારા અને મનીષકુમાર વચ્ચે જો કોઈ અણબનાવ બન્યો હોય તો એને અત્યારે આ ચાર દીવાલોમાં જ કેદ કરી રાખો. અત્યારે જો કોઈને પણ જરાસરખો અણસાર આવ્યો તો વાતનું વતેસર થતા વાર નહિ લાગે." મનનો હરખ ચહેરા પર ન દેખાય એવા હાવભાવથી જમનાબેન રોશનીને સમજાવી રહ્યા હતા.

"ભલે, તમે જાઓ, હું મોઢું ધોઈ, ફ્રેશ થઈને આવું છું." રોશનીએ અંદર જતા પહેલા ધ...ડા...મ.. કરતો દરવાજો બંધ કર્યો.

"રોશની, આ દરવાજો તારા લગ્નજીવનની સાથે સાથે અનંતરાયની કિસ્મત પર પણ આમ જ પછડાશે અને એવી લપડાક મારશે... એ દિવસ પણ હવે બહુ દૂર નથી." મનમાં મલકાતાં અને બેય હાથે ચપટી વગાડતા જમનાબેન દાદર ઉતરી ગયા.

*** *** ***

જોરવરસિંહ જમીને બહાર ઢોલિયામાં બેઠા બેઠા એમનો હુક્કો પી રહ્યા હતા પણ એમના ચહેરા પર થાક અને ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી હતી.

"કનકની વાતેય સાચી છે, પહેલાતો માયા પિયર જઈને દિવસમાં ચાર-પાંચ વખત ફોન કરતી અને એક દીકરી મા-બાપને સમજાવે એમ અમને બેયને શિખામણ આપતી રહેતી તો પછી આ વખતે....." હવાથી હુક્કામાંથી એક તણખો ઉડીને એમના હાથ પર પડ્યો તોય એમને ખબર ન પડી એટલા વિચારોમાં જોરવરસિંહ હવાતિયાં મારી રહ્યા હતા. એટલામાં એમના મોબાઇલની રિંગ વાગી એટલે એમણે બાજુમાં મુકેલો ફોન ઉપાડ્યો અને માયાના બાપુ નટવરસિંહનું નામ સ્ક્રીન પર જોઈ એમના મનમાં અને મોઢા પર ખુશી ચમકી ઉઠી.

"હેલો....બોલો વેવાઈ, કેમ છો બધાય?" મોબાઈલ કાને માંડી જોરવરસિંહ માયાના બાપુ જોડે વાતે વળગ્યા, "થોડીવાર પહેલા જ હું ને રતનની મા તમને જ યાદ કરતા હતા."

"આ તો શેતાન કા નામ લિયા ઔર શેતાન હાજીર જેવું થયું વેવાઈ, પણ હું શેતાન નથી હોં...." સામે છેડે નટવરસિંહનો ખડખડાટ હસવાનો અવાજ સાંભળીને જોરવરસિંહ પણ એમનું હસવું ન ખાળી શક્યા અને એ ય મોકળા મને હસવા લાગ્યા.

બંને વેવાઈ વચ્ચે ઘર-પરિવાર, ખેતી-ધંધા જેવી વ્યવહારિક વાતો ચાલી રહી હતી.

"રતનની માડી એ જ કહેતી હતી કે આ ફેરે તો માયા પિયર જઈને અમને ભૂલી ગઈ. બે દા'ડાથી એનો ફોન નથી આવ્યો. અમને ચિંતા થતી હતી. સાંજે ફોન કરવાનું વિચાર્યું ત્યાં તમારો જ ફોન આવી ગયો."

"પ....ણ.... માયા તો કેશવપર આવી જ નથી અને બે દિવસથી ન તો એનો ફોન આવ્યો છે કે નથી એનો ફોન લાગતો. અમનેય ચિંતા થાતી'તી એટલે તમને ફોન લગાડ્યો." નટવરસિંહના અવાજમાં ચિંતા ભળી હતી.

"શું........ માયા કેશવપર આવી જ નથી. તો પછી માયા ગઈ ક્યાં." જોરવરસિંહના હાથમાંથી મોબાઈલ પડતાં પડતાં રહી ગયો.....

વધુ આવતા અંકે........

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 11 months ago

ashit mehta

ashit mehta 12 months ago

Ila Patel

Ila Patel 1 year ago

Vijay Raval

Vijay Raval Matrubharti Verified 1 year ago

Krishna Thobhani