Aage bhi jaane na tu - 49 in Gujarati Novel Episodes by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 49

આગે ભી જાને ના તુ - 49

પ્રકરણ - ૪૯/ઓગણપચાસ

ગતાંકમાં વાંચ્યું....

માયા અને મનીષ પર રતન પોતાના હૃદયમાં ભરાયેલો આક્રોશ ઠાલવે છે. સંબંધોના સમીકરણમાંથી લાગણીઓનું બાષ્પીભવન થઈ ગયું છે. પ્રેમની બાદબાકી થઈ ગઈ છે અને નફરતનું બીજ રોપાઈ ગયું છે. રાજીવ ત્યાંથી જ પાછા વળવાની વાત કરે છે પણ અનન્યા ના પાડે છે...

હવે આગળ....

"કોણ અનન્યા...હું કોઈ અનન્યા નથી, હું છું ત...રા...ના." અનન્યા રાજીવ તરફ આગળ વધી રહી હતી.

"આ તો સ્પ્લિટ પર્સનાલીટી ડિસઓર્ડર જેવું થઈ ગયું નહિ માયા, આના શરીરમાં ભૂલભુલૈયાની મંજુલિકાએ પ્રવેશ કર્યા જેવું લાગે છે." મનીષ માયાના કાનમાં ગણગણી રહ્યો હતો.

રણની શાંત રેતમાં અચાનક વંટોળ ચડ્યો હોય અને ધૂંધળા વાતાવરણમાં અટવાઈને પોતાનો જીવ બચાવવા હવાતિયાં મારતા મુસાફર જેવી સ્થિતિ અત્યારે આ બધાયની હતી. મઝધારે પહોંચ્યા પછી નાવ ડૂબવા લાગે અને કિનારો સામે હોવા છતાંય બચવાની આશા ન હોય ત્યારે આમાંથી રસ્તો નીકળવાની ઉમ્મીદ સાથે મનોમન બધા પોતપોતાના ઈશ્વરને યાદ કરવા લાગ્યા.....

હવામાં ઊડતી વિખરાયેલી લટો અને આંખોમાંથી ઝરતી આગ, અનન્યાનું આવું અશાંત અને વિકરાળ રૂપ જોઈ અનંતરાય અને રાજીવ અજંપાભર્યા અચરજમાં ડૂબી ગયા અને જેમ જેમ અનન્યા એક એક ડગલું આગળ વધતી ગઈ તેમ તેમ બધા બે બે ડગલાં પાછળ ખસતા ગયા. ઘુમરી ખાતા વંટોળની જેમ ફરીને અનન્યા અચાનક ખીમજી પટેલ પાસે જઈને ઉભી રહી ગઈ.

"આ....મિર" એક તીણી ચીસ સાથે એણે ખીમજી પટેલને બોચીએથી પકડીને આગળ ખેંચી લીધો, "હજી કેટલું સચ છુપાવીશ તું આ બધાયથી આમિર? તારા પાપનો ઘડો હવે ભરાઈ ચુક્યો છે. બધાંયને અંધારામાં રાખીને શું મળ્યું તને? હું જાણું છું કે તું આ લોકોને સાચી વાત ક્યારેય નહીં જણાવે. તારી નસ-નસ અને રગ-રગથી વાકેફ છું હવે. તારી સાથે રહીને તો તને ન ઓળખી શકી પણ હવે....હવે તો તારો ગુનો કબૂલ કરી લે આમિર..." એની શૂન્યતાભરી ભાવવિહીન ઝેર ઓકતી આંખો આમિર ઉર્ફે ખીમજી પટેલને અંદર સુધી દઝાડી ગઈ.

આમિરને ઢસડીને બધાની વચ્ચે લાવી ઉભો કરી પાછળથી એનો એક હાથ મરોડતી અનન્યાએ એને ગોળ ચક્કર ફેરવી જમીન પર પછાડી એની છાતી પર એક પગ જોરથી દબાવી ઉભી રહી ત્યારે એના પગમાં રહેલી પાયલની ઘૂઘરીઓ રણકતા બધાનું ધ્યાન એના તરફ ગયું.

" આ.... પાયલ તો માયાની હોય એવી જ લાગે છે." જોરુભા પણ મનોમન વિચાર કરવા લાગ્યા. મનીષ અને માયાના એકમેક તરફ જોતા ચહેરા પર કઈ સમજમાં ન આવતું હોવાના ભાવ ઉભરાઈ આવ્યા.

"તો એ રાતે ત્યાં ત...રા....ના....આવી હતી એમ.." રતન અને જોરુભા બેયના મનમાં એકસાથે વિચાર ઝબકયો.

"શું જોઈ રહ્યા છો જોરુભા, એ જ પાયલ છે જે તમને કોઇએ આપી હતી પણ હવે એ તમારી પાસે નથી," પછી માયા તરફ ચહેરો ફેરવ્યો, " આ તારી પાયલ નથી છોકરી, તારી પાયલ તારા જ કમરાના કોઈ ખૂણે પડી હશે. આ તો બસ... તમને જરાક શંકા-આશંકામાં ભમરાવવા માટે ને તમને ચકરાવે ચડાવવા માટે નાની અમથી યુક્તિ લડાવી." આંખોમાં અનેરી ચમક આંજી અનન્યા ફરી ખીમજી પટેલ તરફ ફરી.

"આમિર કહું કે ખીમજી પટેલ કહું, એનાથી તારી લુચ્ચાઈ, ખંધાઈ ને લંપટતા ઓછી નહિ થાય. અરે...ક્યાં સુધી તારા પાપથી પડેલા પગલાંના નિશાન મિટાવતો રહીશ? ખુદથી નહિ તો ખુદાથી તો ડર આમિર અલી. જ્યારે આ લોકોને તારા કાળા કરતુત ખબર પડશે ત્યારે તારા આ ઝુર્રિયોવાળા ચહેરા પર શરમને પણ આવતા શરમ લાગશે." અનન્યાએ પોતાના ચહેરા પરથી વાળ હટાવ્યા એક હાથે ગરદન પાછળ ઝુકાવી દીધા.

"એટ...લે...તું કહેવા શું માંગે છે છોકરી, શું કર્યું છે મેં?" ખીમજી પટેલ હજી પોતાના પ્રપંચો પર પરદો પાડવાની વ્યર્થ કોશિશમાં લાગ્યા હતા.

"શું કર્યું છે તેં, તારી જાતને પૂછ. તારો જ પડછાયો બનીને હર કદમ, હર પળ તારી સાથે રહેલી તારી તરાનાને એક જ પળમાં રૂંધી નાખી. તારા જ પ્રેમને તારા જ પગ નીચે કચડીને આગળ વધ્યો છે તું. તારા આ નિર્દય હાથોથી મારું ગળું દબાવીને મને રહેસીને મારી લાશને, મારા નિર્જીવ શરીરને ગીધડાઓને ખાવા માટે નિર્જન ઝાડીઓમાં ફેકીને કાયરની જેમ ભાગી ગયો. કોતરી કોતરીને તારા મગજને ખાઈ જનારી શંકાની ઉધઈએ તારા હૃદયમાં રહેલી તરાનાને પણ કોતરી ખાધી."

"સા...વ... જૂઠ છે આ, એકદમ સફેદ જુઠ..." ખીમજી પટેલ બરાડી ઉઠ્યા.

"આ....મિર......." અલીનો હાથ મરોડતી અનન્યા એટલે કે તરાના જોરથી ચિલ્લાઈ ઉઠી એ સાથે જ આમિરની આંખમાંથી દડદડ કરતા આંસુઓ પરાણે રોકી રાખેલો બાંધ તોડી ધસમસતા બહાર આવવા મજબૂર બની ગયા.

"અને એ ય જમના, તું તો ભારે જમ જેવી નીકળી. આખરે તો તું પણ લાજુબાઈ નામની ડંખીલી નાગણનું જ ઝેર ઓકતું બચ્ચું જ ને!!! આ અલી પછી તારો જ વારો આવશે. ક્રોધની જ્વાળાઓમાં સળગતી તરાના વેરની વસુલાત કરવા આવી પહોંચી છે." ત્રાંસી નજરે જમના તરફ જોતી તરાનાએ આમિરને બોચી પકડી ઉભો કર્યો.

"આ....આ.... આણે જ બેરહેમીથી મને મારીને ઝાડીઓમાં ફેંકી ભાગી ગયો. અર્જુનસિંહે કરેલી બળજબરીને શંકાની સોયથી વીંધી એણે મારા પર કુલટા, બદચલન અને.... બોલતાંય જીભ ન ઉપડે એવા ખોટા આળના અંચળા હેઠળ પોતાનામાં રહેલા નમાલા, નામર્દ પુરુષાતનનો પરચો આપી દીધો. વેજપરથી ભાગીને જે ધર્મશાળામાં અમે રોકાયા હતા, ત્યાં જ, એ કમરામાં આ એના બે બાવડાનો ફંદો મારા ગળામાં નાખી દીધો. જળ વિનાની માછલીની જેમ જીવ બચાવવા તરફડતી રહી, દયાની ભીખ માંગતી રહી પણ...." તરાનાએ આમિરને લાતના એક જ ફટકે ધૂળ ચાટતો કરી દીધો.

તરાના પોતાની વીતક વ્યથા અનન્યાની આંખો અને જુબાન વડે વ્યક્ત કરતી રહી અને સૌ કોઈ ગંભીરતાથી એકચિત્તે એની હૃદય સોંસરવી ઉતરી જતી કથની સાંભળી રહ્યા.

કાળની કારમી અને કપરી થપાટો ખાધા પછી ઇતિહાસના પોપડા ધીરે ધીરે ઉખડી રહ્યા હતા. દરેક ઉખડતા પોપડા પાછળ છુપાયેલી હતી એક વેદના, એક વ્યથા, એક વીતક કહાની....!!

"જે રાતે અર્જુનસિંહે મારી આબરૂ પર હાથ નાખી મને પીંખી નાખવાનો પોકળ પ્રયત્ન કર્યો એ રાતે આ આમિરે બુરી દાનતવાળા દાનવને ઘડી બે ઘડીમાં જ હતો ન હતો કરી નાખ્યો. પણ..... એના મનમાં લાજુબાઈએ પાયેલી શંકાની સુરાનો નશો દિન-બ-દિન વધતો ગયો અને એ નશો એના પર એટલો હાવી થઈ ગયો કે એ સારા-નરસાનું ભાન ભુલી ગયો. અને પોતાને જીવથીય વ્હાલી તરાના, એટલે કે મારો જ જીવ લઈ બેઠો. અફસોસ મને એક જ વાત નો રહી ગયો કે એ કાચા કાનનો નીકળ્યો અને લાજુબાઈએ તાકેલા અચૂક લક્ષ્યવેધનું નિશાન બની ગયો અને એટલે જ લાજુબાઈ અમને વેજપરથી ભાગી જવામાં મદદરૂપ તો થઈ પણ એમાંય એનો જ સ્વાર્થ હતો અને એટલે જ એણે મને અને અલીને વેજપરથી રવાના કર્યા. જો અલી મારું કાસળ કાઢી નાખે તો મારી હત્યાનો આરોપ અલીને માથે આવે અને લાજુબાઈ કમરપટ્ટો લઈ આઝાદ પંખીની જેમ ફુરર્ર... થઈ જાય." તરાના જેમ જેમ રાઝ ખોલતી ગઈ એમ એક પછી એક કડીઓ જોડાતી ગઈ.

"હું ધારત તો એ બંનેને પહેલાં જ આ દુનિયામાંથી વિદાય કરી શકી હોત પણ આ અલી અને લાજુબાઈએ કોઈ અઘોર તાંત્રિકની મદદથી મારી બધી જ શક્તિઓ છીનવી લીધી હતી અને મારી આ અતૃપ્ત આત્મા અહીંતહીં ભટક્યા કરી બધું જોઈ તો શકતી હતી પણ રોકવાને અસમર્થ હતી... " આટલું બોલતાં બોલતાં તો તરાનાનો શ્વાસ ફૂલી ગયો હતો. વીતેલા વર્ષોનો થાક હવે એના ચહેરાની રેખાઓમાં સમાઈને પોતાની હાજરી વર્તાવી રહ્યો હતો પણ હજી એની વાત પૂરી થઈ ન હતી. એકધારું સતત બોલ્યા પછી એના ગળે શોષ પડતો હોય એમ એણે ઈશારો કરી પાણી માગ્યું પણ રતન અને રાજીવ સિવાય કોઈ આગળ ન આવ્યું. રાજીવે ખભે લટકતી બેગમાંથી પાણીની બોટલ કાઢી તરાનાના અનન્ય સ્વરૂપ એવી અનન્યાના હાથમાં આપી એટલે તરાનાએ આભારવશ થઈ હળવા સ્મિત સાથે આંખો ઝુકાવી અને ઢાંકણું ખોલી બોટલ મોંએ માંડી. એક જ ઘૂંટડે અડધી બોટલ ખાલી કરી એણે પોતાની હથેળી વડે મોઢું લૂછયું અને અધૂરી રહી ગયેલી વાતનો દોર ફરી આગળ વધાર્યો.

"આમિર, યાદ છે ને તને, મરતા પહેલાં મેં તને કીધું હતું કે હું જરૂર પાછી આવીશ, મારા જ સ્વરૂપે... પણ એ વખતે તેં હસીને મારી વાત વાઢી નાખી પણ જો અત્યારે હું પ્રત્યક્ષ તારી સામે હાજર છું અને એ પણ મારી બધી શક્તિઓ પાછી મેળવીને. મેં વરસો સુધી આ જ મંદિરના આંગણે મારી અધૂરી ઈચ્છાઓ અને અધૂરાં ઓરતાની ધૂણી ધખાવી મારી શક્તિઓ પાછી મેળવવા તપ આદર્યું કેમકે હિન્દૂ ન હોવા છતાંય મને આ નિરાકાર શિવજી પર અતૂટ આસ્થા હતી અને મારી શ્રદ્ધાના મજબૂત તાંતણે પ્રસન્ન થઈને ભોળાનાથે મારી શક્તિઓ મને પાછી તો આપી પણ એની સાથે સાથે જ્યાં સુધી મારા પ્રતિબિંબ જેવું મારું બીજું સ્વરૂપ આ જ આંગણે મારી સામે ન આવે ત્યાર સુધી શક્તિઓ હોવા છતાંય હું નિર્બળ જ રહેવાનો અભિશાપ મારા માથે જડી દીધો. કેટલાંય વર્ષોની પ્રતિક્ષા પછી હું મારા જ પ્રતિબિંબને મારી સામે લાવવામાં સફળ બની. બસ હવે મારે એક આખરી અંજામ આપવાનો બાકી રહ્યો, આ અલીએ જે અપરાધ આદર્યો એની સજા આપવાનો અને મારો કમરપટ્ટો પાછો મેળવી એના હકદારને સુપરત કરવાનો. મારા કમરપટ્ટાની એક ખાસિયત છે જે અલીએ કદાચ કોઈનેય નહિ જણાવી હોય....." વાર્તાનો છેડો અધવચ્ચે છોડી તરાના ફરી આમિર અલી એટલે કે ખીમજી પટેલ પાસે ઉભી રહી.

"કોણ હશે એ કમરપટ્ટાનો હકદાર..." બધાના મનમાં એકીસાથે ઘુમરાતો પ્રશ્ન દિલમાંથી દબાઈને નીકળતો હોઠો પર આવતાં આવતાં રહી ગયો.

વધુ આવતા અંકે......

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.


Rate & Review

Divya Patel

Divya Patel 10 months ago

Krishna Thobhani

Krishna Thobhani 10 months ago

Nathabhai Fadadu

Nathabhai Fadadu 10 months ago

Bhavin Ghelani

Bhavin Ghelani 10 months ago

Mukta Patel

Mukta Patel 10 months ago