Nehdo - 10 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 10

નેહડો ( The heart of Gir ) - 10

કોણ જાણે કેમ? પણ રાધીને આજે કનાની શરમ લાગી. તેની સાથે શું વાત કરવી? તે રાધીને સૂઝ્યું નહીં. તેથી તે દોડીને ગોવાળિયા પાસે આવી ગઈ. કનાને અને રામુ આપાને જોઈ એ બધા ગોવાળિયાએ આવકારો આપ્યો, "એ હાલો બપોરા કરવા. બેય જણાં બેહી જાવ."


રામુ આપા, " જમાવો...જમાવો...અમી તો દાદો દિકરો બપોરા કરીને નિહર્યા. ભાણુભા કે મારે તો માલમાં આંઢવું સે. તે મેં કીધું લાવ્યને આઘેરેક મૂકતો આવું. ને હમણાંકથી જંગલમાં નથી ગ્યો તે ગોવાળિયાને મળતો આવું.".


નનો ગોવાળ કહે, " અલ્યા કાઠીયાવાડી તું તો આજ્ય નિહાળે જ્યો તો ઈમ? તું હવે હુશિયાર થઈ જાવાનો લ્યો! અમી ગરયવાળા અંગૂઠા સાપ સી. એટલે અમ્યને પણ કાકય હિખવાડજે વાલા. મારી આ રાધડી કાયમ મારી હંગાથે માલ સાર્યાં કરે સે ઈને કોય દાડો નેહાળ ભાળી નથ્ય.ઈને થોડું ઘણું કાગળ લખી વાસી હકે એટલું વાસતા હિખવાડજે. હો ને!".


આ દસ વર્ષની રાધી નના ગોવળની એકની એક દીકરી હતી. તેને બીજું સંતાન નહોતું. રાધી નાનપણથી જ નીડર અને બોલવામાં હોશિયાર હતી. તે લગભગ છએક વર્ષની હશે ત્યારથી તેનાં બાપા નનાભાઈ સાથે ભેંસો ચરાવવા જંગલમાં આવતી હતી. આખો દાડો તેનાં બાપા જોડે ભેંસો ચરાવે. સાંજે ઘરે જઈ ખાણ દેવું, પાડરુને ધવરાવવા છોડવા, દોવાઈ ગયેલી ભેંસોને વાડે પુરવી આવું બધું કામ કરવામાં તે તેના માબાપને મદદ કરે.


રાધી ગીરનાં જંગલ સાથે ઓતપ્રોત થઈ ગયેલી છે. તેને કોઈપણ પક્ષી વિશે પૂછો. તે શુ ખાય? તેનાં માળા કેવા હોય? તે ક્યારે ઈંડા મૂકે. અવાજ સાંભળી પક્ષીનું નામ કહી દે. જંગલનાં કોઈ પણ પ્રાણી વિશે પણ બધું જાણે. તેની સાથે કેવો વર્તાવ કરવો. તે પણ જાણે. ધૂળમાં પડેલું પગલું જોઈ, કયા પ્રાણીનું છે તે કહી દે. ઝાડે ઝાડ અને વેલાઓ વિશે પણ એટલી જાણકારી. નાના જીવડાં ને કીટકો ને પણ બરાબર ઓળખે. કયો સાપ ઝેરી કહેવાય અને કયો સાપ બિનઝેરી કહેવાય એની પણ જાણકારી રાખે. ભેંસને જોતાં વેંત આજ તેને ઠીક નથી તેવો ખ્યાલ તેને આવી જાય. રાધી નો હાકલો બધી ભેંસો અને ગાયો સમજે. સાવજ, દીપડાની તો તેને જરાય બીક ન લાગે. જંગલનો અભ્યાસ તેણે તેનાં આતા અમુ આતા પાસેથી કરેલો. ઘણી વખત નનોભાઈ બહારગામ ગયો હોય ત્યારે અમુ આતા અને રાધી ભેંસોનું ખાડું લઈ ચરાવવા આવે. એ વખતે અમુ આતા રાધીને જંગલ અને જંગલનાં નિયમોનાં પાઠ ભણાવે.


એ વખતની વાત છે. જ્યારે રાધી સાતેક વર્ષની હશે.અમુ આતા મોટા પથ્થર ઉપર માથે બાંધવાના ફાળીયાની ભેટ મારીને માલ ચરતા હતાં તેનાં પર નજર રાખીને બેઠાં હતાં. બીજા ગોવાળિયા છુટા છુટા માલનું ધ્યાન રાખી બેઠા હતા. અમુ આતાની એક ભગરી ચરતી ચરતી નદી બાજુ ચાલવા લાગી. જો તેને પાછી ન વાળે તો તે નદીમાં જઈ બેસી જાય. અમુ આતાએ બેઠાં બેઠાં જ હાંકલો કર્યો, " હી...હો....ભગરી... હય.." પણ પાણી જોઈ ગયેલી ભગરી તો સાંભળ્યું ન સાંભળ્યું કરી આગળ ચાલવા જ લાગી. તરત જ રાધી લાકડી લઈ દોડી. ભગરીને મોઢા ઉપર એક વાળી લીધી. ભગરી તરત પાછી વળી ટોળા માં આવી ચરવા લાગી. રાધીએ નદીના ભેડા માંથી કોઈ જનાવર નીકળી પાણી પીતું જોયું. તે તરત ત્યાં દોડી. પેલું જનાવર રાધીને જોઈ ભાગ્યું. રાધી તેની પાછળ પડી. જ્યાં રાધી તેની લગોલગ પહોંચી ત્યાં પેલાં જનાવરે તીર જેવું કંઈક છોડ્યું. રાધી કંઈ સમજે તે પહેલા પેલું તીર તેની પગની પિંડીમાં આવી ખૂતી ગયું. જનાવર દોડીને નદીના ભેડાની બખોલમાં જતું રહ્યું. રાધીથી ઑય મા, આઈ ખોડલ...નો સાદ નીકળી ગયો. અમુ આતા રાધીનો અવાજ સાંભળી દોડતા આવ્યા.,

" હૂ થ્યુ આઈ તને?"

અમુ આતા નાનકડી રાધી ને આઈ કહેતાં હતાં. નજીક આવીને જોયું તો રાધીની પિંડી માંથી લોહી નીકળી રહ્યું હતું. પિંડીમાં શાહુડીનું અણીદાર પીછુ તીરની માફક ભોકાઈ ગયેલું હતું.અમુ આતાએ રાધીનાં પગમાંથી શાહુડીનું પીછુ ખેંચી કાઢયું. ખેંચતા જ લોહીની ધાર થઈ ગઈ. અમુ આતાને દોડતા આવતા જોઈ બીજા ગોવાળિયા પણ દોડી આવ્યા. અમુ આતાએ રાધીનો ઘા ઘડીક દબાવી રાખ્યો. લોહી જામી ગયું. વહેતું બંધ થયું. ત્યાં બીજા ગોવાળિયા ઘાબાજરિયાનાં પાંદડા લઈ આવ્યા. આ પાંદડાને મસળીને રાધીનાં ઘા પર લગાડી દીધા. અમુ આતાએ તેનાં માથે બાંધવાનાં ફાળિયામાંથી એક લીરો ફાડી રાધીનાં પગે બાંધી દીધો. આટલું થયું પણ રાધીનાં મોઢા ઉપર જરા પણ ડર કે દર્દ દેખાતા નહોતા. આ જોઈ અમુ આતાએ રાધી નો વાહો થાબડી કહ્યું,

"છોડી તું મારાં ગર્યની આઈ સો."

રાધી એ પ્રશ્ન કર્યો, " આતા ઈ ક્યું જનાવર હતું?"

" એને શેઢાડું કેવાય. ઈનો સાળો નો કરાય. ઈ ભિહમાં આવે તિયારે ઈના પીસા તીરની જેમ છોડી હકે. હાવજ દીપડો પણ ઈની થી સેટા રીયે.".

આવાં આવાં તો કેટ કેટલાંય ગીરનાં જંગલનાં પાઠ રાધી અમુ આતા પાસેથી અને ગીર પાસેથી શીખેલી હતી. જે કોઈ નિશાળમાં શીખવા મળતાં નથી.

બધા ગોવાળિયા બપોરા કરી ઘડીક, વડલા નીચે આડા પડખે થયા. આ સમયે રાધી રોજ ભેંસો માંદણે પડી હોય ત્યારે તેનું ધ્યાન રાખે. પરંતુ આજે તે ત્યાં ન ગઈ. તે તેનાં બાપા નનાભાઈ પાસે જ બેસી રહી.

કનો અને તેના નાનાજી ભેસો જ્યાં પાણીમાં બેઠી હતી ત્યાં એક હરમાનાં છાયડે તેનું ધ્યાન રાખી બેઠા. કનો નાનાજી સાથે વાતો કરતો હતો. આજે નિશાળે શું ભણ્યો,તેને ક્યાં સાહેબ ભણાવે છે,નિશાળ કેવી હતી. એવી વાતો બંને કરી રહ્યાં હતાં. પરંતુ કનાનું ધ્યાન તો રાધી તરફ જ હતું. કનો વિચારવા લાગ્યો, " આજ રાધી આયા કેમ નહિ આવી હોય?"


ક્રમશઃ....


(રાધીનાં મનની વાત જાણવા વાંચો હવે પછી નો ભાગ...)


લેખક: અશોકસિંહ એ. ટાંક


wts up no. 942881062


Rate & Review

Priti Patel

Priti Patel 2 weeks ago

Bhart sadhu

Bhart sadhu 8 months ago

Rahul Purohit

Rahul Purohit 9 months ago

Mayuri Purohit

Mayuri Purohit 11 months ago

Niraj Tank

Niraj Tank 12 months ago