Sami sanjnu svpan - 9 - last part in Gujarati Fiction Stories by અમી books and stories PDF | સમી સાંજનું સ્વપ્ન.. - 9 - છેલ્લો ભાગ

સમી સાંજનું સ્વપ્ન.. - 9 - છેલ્લો ભાગ

(ભાગ -૯)

બસ તું સાથે છે તો જિંદગીમાં શું બાકી છે ? - ગરિમા,

મારી આંગળીઓમાં તારો હાથ થામી જિંદગીના પથ પર ચાલવું છે. -- વ્યોમેશ

તું મારી લાગણીઓ સમજે પણ છે અને અનુભવે છે એજ તો તારો પ્રેમ છે -- ગરિમા.

વાસ્તવિકતા માટે ગરિમા આપણે મનનનાં કહેવા પ્રમાણે લિવ ઈન રીલેશનશીપનો કોન્ટ્રાક્ટ કરી દઇએ.
તો તારા મનમાં પણ કોઈ સવાલ નાં રહે.

વ્યોમેશ તું કેટલી ઈજ્જત આપે છે મને, સવાલ કરવાનો હકક આપે છે. સ્વીકારવું કે સમાધાન કરવું વિશે પૂછે છે.

લિવ ઈન રીલેશનશીપ આપણે બંનેએ નિર્ણય લેવાનો છે, મનને આપણને રસ્તો બતાવ્યો કે આ કરી શકો છો.

આપણે કોન્ટ્રાક્ટ કરીએ ત્યારે એકબીજાની પ્રોપર્ટી પર હકક રહેશે નહીં એ ખાસ લખવાનું. મનનને કે મારે તમારી પ્રોપર્ટી નથી જોઇતી, મને તારો સાથ મળે એજ દીકરો ઈચ્છે છે. પરમને પણ એવું નાં થવું જોઈએ મારી મિલકતમાં ભાગ પડાવ્યો. પ્રેમમાં પડાવ્યો તો ચલાવી લીધું. પ્રોપર્ટીને લીધે સબંધો ભવિષ્યમાં કદાચ બગડે. પ્રેમને પ્રેમ જ રહેવા દઈ મિલકતથી દૂર રહીએ. તો મને લિવ ઈન રીલેશનશીપ સબંધ મંજૂર છે વ્યોમેશ.

ઉડાન ભરું તારા સંગ,
સાથ સપનાનો ભરી,
માંગી તારો સાથ,
હું વ્યોમને પામી.

પ્લેનનાં ઉડાન સાથે અરમાનોની ઉડાન પણ આકાશને સ્પર્શી. જિંદગીભરનો સાથ હવે ઉડાન ભરવા લાગ્યો એકમેકના સાથમાં, સમી સાંજનું સ્વપ્ન જે જોયું હતું મનગમતા સાથનું, વ્યોમ લઈને ઉડ્યો ગરિમા આપવા સમી સાંજના સ્વપ્નની, નિહાળ્યો ગગનમાં સૂર્યાસ્ત સિંદુરી રંગનો, એકબીજાની બાહોમાં લાગે હર શામ સિન્દુરી. જે દિલમાંથી સુંગધ પ્રસારે, તનમન મ્હેકાવે. લાગણીઓ અને હૂંફનો વરસાદ જાણે ભીંજવે.

ગરિમા પોતાનું માથું વ્યોમેશનાં ખભા પર નાખી દીધું જાણે જવાબદારીઓની મુક્તિ મેળવી, ગગનમાં ઉડી. વ્યોમેશ વાળમાં હાથ પસારતો રહ્યો જાણે ચિંતાઓનો ટોપલો ઉતાર્યો. બંને એકબીજામાં અસ્તિત્વમાં ઓગળતા રહ્યા. પ્લેનની સફરને રોમાંચક બનાવી, મીઠી પળોમાં રાચતા રહ્યા.

બોસ્ટન એરપોર્ટ પર પ્લેન લેન્ડ થતાં જ બંને વાસ્તવિકતા પર આવી ગયા. ભાવિ જીવનના સપનાં ગૂંથી લીધા આકાશ મધ્યે. ગૂંથણી એવી ગૂંથી જેમ બંનેની આંગળીઓમાં આંગળી ગૂંથી.

મનને બંનેને જોઇને, ખુબ ખુશ થઈ જાદુની ઝપ્પી આપી. ગરિમા બહુ વર્ષે દીકરાને જોઈ હરખનાં આંસુ રેલાવી બેઠી. આ રેલો તો ગાલને ગમતો હતો. માં દીકરાના પ્રેમનો રેલો હતો.

કારમાં સામાન ગોઠવાઈ ગયો. મનન કાર ડ્રાઇવ કરતો હતો, હવે આગળ કોને બેસાડું એની વિમાસણમાં હતો ને વ્યોમેશ પાછળની સીટ પર બેસી ગયો, માં દીકરા જોડે બેસી શકે, આત્મીયતા સુખની માણી શકે.

મનન રોડ પર આજુબાજુ જે આવતું એ બતાવતો હતો. લાઈનબંધ એક સરખા ઘર, એક જ કલરથી રંગેલા, પ્રકૃતિતો સમરમાં ત્યાં મનભરીને ખીલે છે. તમે કેટલી માણો છો. રોડ પર શિસ્તબદ્ધ ઊભી રહેલી કાર. સફાઈ તો આંખે ઉડીને વળગે. ગગનચુંબી ઇમારતો, લોકોમાં ભરેલી ડીસિપ્લીન. ન ઓળખવા છતાં ઊંચા થતાં હાથ. નજર મળી જાય તો અપાતું સ્મિત.

માણતાં માણતા ઘર ક્યારે આવી ગયું ખ્યાલ જ ના રહ્યો. મનને હમણાં જ બે બેડરૂમનો એપાર્ટમેન્ટ લીધો, ગ્રોસરી અને ફર્નિચર વસાવી લીધું, હવે જેમ જરૂર પડશે ત્યારે મમ્મી કહેશે એમ લાવીશું.

થાક જર્નીનો લાગ્યો હતો પણ દીકરાને જોઇને ભુલાઈ ગયો. સફરમાં હમસફરનો સાથ હતો તો થાક હોય તો પણ કયા લાગે !!!

મનને કહ્યું તમે તમારા રૂમમાં આરામ કરો, હું થોડું મારું કામ કરી લઉં. ગરિમાએ કહ્યું અમારો રૂમ એટલે તું કહેવા શું માંગે છે ?

મમ્મી એટલે તો મે લિવ ઈન રીલેશનશીપનો કોન્ટ્રાક્ટ કરાવ્યો, સાથે રહી શકો અને તમારું મન અમૂંઝવણનાં અનુભવે. હવે તમે એક રૂમમાં રહી શકો છો. અંકલ કેમ તમે કંઈ કીધું નથી મમ્મીને ?

નાં દીકરા ગરિમાનું મન જ્યારે માનસે ત્યારેજ એક રૂમમાં સાથે રહીશું, હું એને ક્યારેય ફોર્સ નહીં કરું. પ્રેમ કર્યો છે પણ એની એક મર્યાદા હોય.

ગરિમા વાતો સાંભળીને એક નિર્ણય પર આવી, સાચી વાત છે બાકી સ્ત્રી તો સંપતિ હોય એમ હુકુમ જ છૂટતા હોય, લાગણીઓની ક્યા કદર હોય, વ્યોમેશ આટલું માન આપે છે. દીકરો સમજાવે છે એથીકસ, તો મારે શું કામ મુંઝાવવું !!!

શરમાતી ગરિમા રૂમમાં દોડી ગઇ, માથું નીચે નમાવી ગોઠણમાં છુપાવી બેઠી..

આજની સવાર રંગીન મિજાજવાળી હતી. રાતનો રંગ બંને પર હતો, મનનને એ બંનેને ખુશ જોઇને રંગીન બન્યો હતો. મમ્મીને ખુશમા જોઇને અધિક આનંદ થતો જે એને વિચાર્યું હતું એવું થયું.

આજે કોનવોકેશન હતું. મનન તો અતિ આનંદમાં હતો. આજે એને ડોકરેટની પદવી મળવાની હતી સાથે માં હતી. જીવનનું મહામૂલું સ્વપ્નું સાકાર થઇ રહ્યું હતું.
ગરિમાએ આજે વેસ્ટર્ન લુક રાખ્યો હતો. મનન તેના માટે શોપિંગ કરી આવ્યો હતો. મનનનું મન રાખવા એને પેન્ટ સાથે ફોર્મલ ટોપ અને ઉપર કાર્ડીગન પહેરી લીધો. વ્યોમેશને ખુલ્લા વાળ લહેરાતા ખુબ ગમતાં તો વાળ પણ ખુલ્લા જ રાખ્યા. મેટ ફિનિશ લિપસ્ટિક રસ ઝરતા હોઠો પર, બ્લશર અને કોમ્પેક્ટથી ગાલને લાલી આપી. એના આ રૂપને જોઈ બંને ખુશ થયા. પ્રેમ જ જાતને પણ પ્રેમ કરાવે.

વ્યોમેશે ફોર્મલ પહેરવાનું જ પસંદ કર્યું, દીકરો આજે બ્લેઝર પહેરી ડેશિંગ લાગતો હતો. ચમચતમતા શૂઝ, ટ્રિમ કરેલી દાઢી એના વ્યક્તિત્વમાં નિખાર લાવતા હતા.

કોનવોકેશનમાં મનને પહેરેલો અટાયર જોઈ ગરિમા અભિભૂત થઇ રહી હતી. પપ્પાનું સપનું આજે દીકરાએ પૂરું કર્યું એની આંખોમાં અશ્રુધારા થવા લાગી. વ્યોમેશે હિંમત આપી, અત્યારે તું મજા માણ, આવું સેલિબ્રેશન જિંદગીમાં એકજ વાર આવે છે. જ્યારે મનનનું નામ એનાઉન્સ થયું તો મનન સાથે ગરિમા પણ એની વિંગમાં ઊભી થઈ ગઇ, દિલમાં હરખ સમાતો નહોતો. હવે દીકરાની કોઈ ચિંતા રહી નહતી, જીવનના અનુભવોથી નાની ઉમરમાં મેચ્યોર બની ગયો હતો.

આજે નાયગ્રા ફોલ જોવા જવાની તૈયારી ચાલી રહી હતી. બોસ્ટન થી બફેલો સિટીની કારમાં સફર માણવાની હતી. સુંદર દ્રશ્યો બહારનાં અને સુંદર વાતો કારમાં, શું બાકી રહે આનંદમાં !!!

દૂર દૂરથી મીઠો મધુરો અવાજ જાણે નજદીક છે નો ભાસ થતો. અવાજની દિશામાં કાર દોડાવી, ત્યાં પહોચીને પેકેજ લીધું. હાથમાં બેલ્ટ પહેર્યો એટલે તમે બિન્દાસ બધાં પોઇન્ટ પર સરળતાથી જઇ શકો.

નાયગ્રા ફોલ ત્રણ ઝરણાંમાંથી બને છે. એની ભવ્યતા વિશાળ બનાવે છે. અમેરિકન ફોલ, બ્રાઇડલ ફોલ, અમેરિકા બાજુ છે. હોર્શસો ફોલ કેનેડા સાઇડ. ત્રણેને માણવા બોટમાં જવું પડે રેન્કોટ પહેરીને, દૂર દૂર સુધી આવતી વાછંટ તમને પલાળી દે.

બોટમાં બધાં ફોટોગ્રાફી કરવામાં જ હોય કુદરતનો અદભુત નજારો કંડારવામાં. કોઈક આંખોથી કંડારી દિલમાં ઉતારી દે. જે કેદ થાય સ્મૃતિપટલ પર વિસ્મૃતિ નહીં થવાની શરતે.

ગરિમા અને વ્યોમેશ માટે અવિસ્મરણીય યાદો બની ગઇ. બોટમાં નજારો માણતાં અને ભીંજાતા તન અને મનથી. મનન થોડીવાર દૂર થઈ જતો જેથી ક્વોલિટી ટાઈમ બંનેને મળે. બંને બિન્દાસ ત્યાં પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી શકતાં કારણ ત્યાં માહોલ જ એવો છે.

બોટ ટુર માણીને અમેરિકન ફોલ નજીકથી જોઇ શકો ત્યાં ગયા, મનભરીને અવાજ સાથે સતત પડતો પાણીનો પ્રવાહ, જાણે વિચારો પર બ્રેક. ધવલ જેવો સફેદ, ફીણ ફીણ કરતો ને ત્યાજ ક્ષીણ થતો માણ્યો.

બ્રાઈડલ ફોલને સ્પર્શીને માણવા બંને ત્યાં ગયા. બીજો રેનકોટ મળે તે પહેરીને અને સ્પેશિયલ સેન્ડલ મળ્યા એજ પહેરયા જેથી પગની ગ્રીપ રહે લપસીનાં જવાય.

હાથમાં હાથ નાખીને બંને બ્રાઇડલ ફોલનો સ્પર્શ કરતાં, ઊંચેથી પડતાં ધોધ નીચે બંને દિલ અનરાધાર ભીંજાતા રહ્યા પાણીથી અને પ્રેમથી. ઠંડા ઠંડા પાણીનો સ્પર્શ ને દિલમાંથી નીકળતી ઠંડી આહ.

સમી સાંજનો સમય, સીંદુરી રંગથી ભાસતો, નવી બ્રાઈડલ, બ્રાઈડલ ફોલ સાક્ષી, સૂર્ય પણ હસતો ચાલ્યો, સ્વપ્ન પૂરા થયાની ખુશીમાં, દરિયાકિનારે કરેલો પ્રેમનો ઇકરાર પૂર્વમાં, પશ્ચિમના હાર્દ સમા નાયગ્રાનાં સાનિધ્યમાં સમી સાંજનું સ્વપ્ન પૂરું થયાની ખુશી. ગરિમાએ મુખ છુપાવ્યું વ્યોમેશની વિશાળ છાતી પર. અસ્તિત્વનો જાણે એકરાર કર્યો મોતી જેવી બુંદો સંગ. મનને ક્લિક કરી કંડારી તસ્વીર, સમી સાંજના સ્વપ્નની.

""અમી""

સંપૂર્ણ...














Rate & Review

bhavna

bhavna 6 days ago

Ranjan Rathod

Ranjan Rathod 3 months ago

Charu Pandya

Charu Pandya 6 months ago

Happy ending

Jagruti Oza

Jagruti Oza 6 months ago

Pooja

Pooja 6 months ago