Nehdo - 28 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 28

નેહડો ( The heart of Gir ) - 28

ઘડીક ખાંભી સામે જોઈ, પછી આંખો બંધ કરી.પછી રાધીને કના સામે ફરીને અમુઆતા ગીરમાં બનેલી સોએક વર્ષ પહેલાની ઘટનાનું વર્ણન કરવા લાગ્યા." છોરાવ તમી તો હંધું જાણો સો.માલધારીનો અવતાર ગર્ય, વરહાદને ઈના માલમાં જ નીહરી જાય.જો વરહાદ હારો વરહે તો ગર્ય હોળે કળાએ ઊઘડે. ગર્ય હોળે કળાએ ખીલેલી હોય. ગર્ય હોળે કળાએ હોય એટલે ઈમાં ખડનો પાર નો રે. ખડ ઘાટું હોય પશે માલ શેનો ભૂખ્યો રે? માલનાં ભરેલાં પેડું જોય માલધારીનાં પેટ ઈમનમ ભરાય જાય હો. ધરાણેલો માલ ગોવાલણુનાં બોઘણાં છલકાવી દયે. છલકતાં બોઘણે બાઝેલા ફીણ માલધારીયુંનાં પાડરું,વાછરુંને છોરુડાને મોઢે બાઝે. આણથી મોટું હખ માલધારીને હેકી નય. અહાડ મયનાનો મેઘો જામી ગ્યો હોયને ખડની ગુંડિયુંમાં ભેંહૂ ગલોફા ભરીને સરતી હોય.આખી ગર્ય લીલું ઓઢણું ઓઢીને મરક મરક મલકાતી હોય પશે માલધારીને મોઢેથી દુહો આવ્યા વગર કિમ રે? "
એમ કહી જાણે સાચે અમુઆતા સો વર્ષ પહેલા આવા વાતાવરણમાં માલ ચારતા હોય તેવા રંગમાં આવી ગયાને નરવા હાદે દુહો પણ લલકાર્યો.

આભે અહાડો ધડુકિયો ને મને આવી મારાં મલકની આદ,
મોર,બપૈયાને હાદુળા(સિંહ) કેરા, હાંભર્યા મૂને હાદ.

પહાડી અવાજમાં ગવાયેલા આ દુહાથી ગભરાઈને ફરી ચીબરી ચીવીક.... ચીવીક... કરતી બોલતી અહીંથી ઉડી સામે ખાખરાનાં ઝાડની ડાળી પર બેસી, ભયથી આ તરફ તાકી રહી હતી. તેના અવાજથી અમુઆતા ઘડીક કંઈ બોલ્યા નહીં.તે પણ ચીબરીની તરફ તાકી રહ્યાં.પછી બોલ્યાં, "પણ ગર્યમાં વરહાદ નો પડે તો ગર્યનું પેટ હુંકાઈ જાય. ગર્ય હુકાયને મડદાલ ગાવડીનાં પેટ જેવું ઉજડ થઈ જાય.હમણાં તો આપડી ઉપર દુવારિકાવાળા દેવનો હાથ હહે એટલે વરહાદ હારા થાય સે.તોય ઉનાળે તો તમે ગર્ય જોવો જ સો ની? સોમાહે નવી પવણીને આવેલી બાયનાં મોઢાં જેવી ગર્ય ઉનાળે રાંડીરાંડ બાયનાં મોઢાં જેવી ઉજ્જડ થઈ જાય. ઈમાય દુકાળ પડે ઈવે વખતે તો ગર્યમાં ભૂતાવળ રાહડા લેતી હોય. ખડ બધું માલ ચરી જ્યાં હોય. વરહાદ વગર નવું ખડ ઉગે નય.આયા અટાણે ખડની પથારી દેખાય ન્યા દુકાળ ટાણે ટાકડી ભો થઈ જઈ હોય માલ બસારો હરમા,બાવળ,ખીજડાની પડેલી શીંગુને પાંદડા ખાયને દાડા ટૂંકા કરે.નદીયું, નાળાને ડેમડા હૂકાયને તવડા નાખી જાય.માલને પાણી પાવા ઊંડી ગર્યનાં કવે લઈ જય સિસણીયે પોખું બાંધી સિસીને પાણી ખેહવા પડે.
દુકાળની વાત કરતા કરતા અમુઆતાનું મોઢું પણ સુકાવા લાગ્યું. તેણે બોલતા બોલતા ઘડીક પોરો ખાધો. રાધી અને કનો તેની સામે તાકી રહ્યા હતા. રાધીએ પાણીનો બાટલો અમુઆતાને આપ્યો. પાણી પીય અમુઆતાએ વાત આગળ ચલાવી.
"ઈ વખતે અહાડ આંખો કોરો ગ્યો. મોરલા ગહેકી ગહેકીને મૂંગા થઈ જ્યાં. પણ આભ જાણે વાંઝિયું થઈ જ્યું હોય ઈમ એકેય સાંટો ય પડ્યો નય. માલધારી તો બસારા મેહુલા ઉપર વાટ રાખી બેઠા હોય. ઈ એમ વસારે કે અહાઢ કોરો ગયો પણ સાવણનાં હરવડા તો વરહશે ને! પણ સાવણ ય આખો કોરો ધાકોડ નિહરિ જ્યો. ભાદરવે આભમાંથી અગન ગોળા વરહવા માંડી ગ્યાં. હવે ગર્યનાં માલઢોરનીને માલધારીની ધીરજ ખૂટતી જાતિ'તિ. રોજયે એક એક માલ ઓસો થાવાનાં વાવડ આવવા મંડયા. માલ એટલો મરી જ્યો કે હવે હાવજયુ ય મડદા સુથતા મટી જ્યાં. ગર્યમાં જ્યાં નજર નાંખો ન્યા ગાયું, ભેંહુંનાં હાડપિંજર રજળતાં'તા."
વાત કરતા કરતા અમુઆતાનાં મોઢા ઉપર દુઃખના ડુંગરો તૂટી પડેલા દેખાતા હતા. નહિતર એ વખતે તો અમુઆતા હતા પણ નહીં. એટલી જૂની આ વાત હતી. આ વાત તેણે તેના દાદા પાસેથી સાંભળી હતી. પણ માલ ઢોર દુઃખી તો માલધારી પણ દુઃખી. "ઈ ટાણે વરુણદેવને રીઝવવા કઈક બાધા આખડિયું રખાણી. નવાં નવાં ગતકડાં પણ કરી લીધાં. નવાં જનમેલા છોરાવને ખાલી તળાવમાં દડતાં મેલ્યા, માદેવજીના મંદિરમાં પાણી ભર્યા, દેડકા દેડકીનાં લગન કરાયા, ભામણ બોલાવી હોમ-હવનય કરાયા.પણ વાંઝિયા આભમાંથી એક ટીપુંય પડે નય.ઇઝ વરહે કછમાંથી (કચ્છ) એક માલધારી નીયાં એને મોળું વરા હહે એટલે ગર્યનો ખોળો ખૂંદવા ઈના પહુડાં લઇ ગર્યનાં આશરે આયા હહે. ઈ કછીએ નેહડા પડખે ઈનો ઉતારો કર્યો. કાટય કાપીને વાડો કર્યો.વાડામાં પહૂડા ભેરા ઇય પડાવ નાખી પડ્યા. પણ ઈના ભાગ્ય નબળા. ગર્યમાં આયાને ગર્યમાં દુકાળ ઈની પેલાં પુગી જ્યો. ઈ બસાડા બધાં માલધારીયુંની ભેળાં ઈનું ધણ લઈ ગર્યમાં રખડાવવા નીહરી જાય.પણ આવડા આવડા માલનાં ટોળા ગર્યનાં પવડાં ખાયને હૂ ધરાય બસારા? ગાયું ને ભેન્હૂનાં પેટનાં ખાડા તળનાં કૂવાની જેમ ઊંડા જાતાં હાલ્યાં."કનો અધીરો થઈ બોલ્યો,
" હે આતા પસે વરહાદ કિયારે થ્યો?" " અલ્યા કાઠીયાવાડી તું ઉતાવળો ભારી! કવ હંધૂય હાંભળય તો ખરો."
કનાની અધીરાઈ જોઈ રાધીનાં મોઢા પર ગુસ્સો આવ્યો. તે તેની અણિયાળી આંખોથી છણકો કરી કના સામે તાકી રહી. કનાને ઠપકો મળી ગયો. તે ફરી ચૂપ થઈ સાંભળવા લાગ્યો.
ક્યારની બચ્ચાથી દુર બેઠેલી ચીબરીને હવે કામ કર્યા વગર છૂટકો ન હતો. તેના બચ્ચા બખ્યમાંથી મોઢા કાઢી ઘડી ઘડી ચાંચમાં કંઈ ખવરાવ્યું નહોતું તો પણ ચાવી રહ્યા હતા. આવી રીતે તે પોતાની ભૂખ પ્રગટ કરી રહ્યા હતા. ચીબરી ક્યાંકથી જીવડું પકડી લાવી હતી. તે માણસોની બીકને ગણકાર્યા વગર તેના બચ્ચા પાસે પહોંચી ગઈ. ત્રણેય બચ્ચા ક્રેવ... ક્રેવ... કરતાં બખ્યમાંથી ખોરાક ખાવા અડધા બહાર નીકળી ગયા. મા ચીબરી ત્રણેયને થોડું થોડું ખવડાવી ફરી ખોરાક લેવા ઉડી ગઈ. તેને જોતા અમુઆતા આગળ બોલ્યા,
"ગાયુ, ભેંહુનાં પેટમાં કાંક્ય પડે તો બસાડીયુંને દૂધ ફૂટે ને? ઈના પેટ હારયે ઈના દૂધ પણ હૂકાય ગ્યાં. ભેહૂના આવ હૂકાયને કાસલીયું જેવાં થઈ જ્યાં.એવું કેવાય સે કે ઈ વખતે નેહડાનાં માલધારીની છોડી હતરેક વરહની હહે. ઈ છોડીય આપડી રાધી ઘોડયે ઈના આપા હંગાથે માલ સારવા આવતી હહે. કછીનો માલ ઈનો અઢારેક વરાનો છોરો ને ઈનો બાપ સારતા"તા.હારું ખડ હોય તો માલ પોળી જાય.ઈને વાળવો નો પડે.પણ દુકાળમાં ખડનું તવણુ ય નો મળે.ઈમાં બસારો માલ સરે હૂ? આયાંથી નીયાને નીયા થી આયાં હડિયું દીધાં કરે.ગોવાળિયા ઈને વાળ્યો કરે ને ઇમનીમ દાડો કાઢી લાખે.ઈમાં એક દાડો આ છોડીને કછી છોરો પાંદડા વગરનાં ખાખરાનાં ઠુંઠાનાં તલક છાયડે ઊભા'તા. કછી છોરે છોડીને પુસ્યું, છોડી તમારાં મુલકમાં મી કડે થીંધો? છોડીને મસ્કરી હૂઝી ઈણે કછી જુવાનને કીધું, અમારાં મુલકમાં ઈમ વરહાદ નથ થાવાનો. વરહાદ લાવવો હોય તો.....
ક્રમશ:....
( વરસાદ લાવવા શું કરવું પડશે જાણવા માટે વાંચતા રહો. "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621


Rate & Review

Priti Patel

Priti Patel 2 weeks ago

Mayuri Purohit

Mayuri Purohit 10 months ago

Parash Dhulia

Parash Dhulia 11 months ago

Bhavna

Bhavna 11 months ago

M V Joshi M

M V Joshi M 12 months ago