Ujas olvayo in Gujarati Motivational Stories by Kanubhai Patel books and stories PDF | ઉજાસ ઓલવાયો

ઉજાસ ઓલવાયો

IPL ની મોસમ ચાલી રહી છે ત્યારે દરેક યુવાન માટે પથદર્શક એવી મારી કલમે લખાયેલી વાર્તા અચુક વાંચો તેમજ શેર પણ કરો...... કોઈના પરિવારના ચિરાગને બુઝાતો અટકાવો....

"એક પરિવારનો ચિરાગ તો બુઝાતો અટક્યો પરંતુ બીજા પરિવારનો ઉજાસ હંમેશને માટે ખોવાઈ ગયો......."
કીચુંડ...... અવાજ સાથે ખડકીનો દરવાજો ખુલ્યો. ચિરાગનો પ્રવેશ થયો. મોડીરાત્રે ઘરે આવવાનો સિલસિલો જ્યારથી IPL ની મેચ શરૂ થઈ ત્યારથી ચાલુ થઈ ગયો હતો. થાકમય પરિસ્થિતિમાં ખાટલામાં આડા પડેલા સુકેતુભાઈએ એકના એક દીકરા ચિરાગની આવવાની નોંધ લીધી. સામાન્ય રીતે મોડી રાત્રે દિકરો ઘેર આવે ત્યારે ચિંતા થાય, જ્યારે આજે રોજ કરતા વહેલા આવેલા દિકરાએ પિતાને ચિંતા કરતા કરી દીધા. ચિરાગ એકપણ શબ્દ બોલ્યા વગર કપડાં ચેન્જ કરી સીધો ધાબે સુવા માટે ચડી ગયો. સુકેતુભાઈ ગામથી દસેક કિલોમીટર દુર આવેલી ફેક્ટરીમાં ફીટર તરીકેની બાર કલાકની શિફ્ટમાં નોકરી કરે છે. દરરોજ સાંજે સાડા સાત વાગે ઘેર આવી, જમી પરવારી, ગામના ચોરે આવેલા ગલ્લે માવો મસાલો ખાઈ, મિત્રો સાથે થોડી વાતો કરી, ઘેર આવી થોડીવાર ટીવી જોઈને ઊંઘી જવું એ એમનો નિત્યક્રમ. મોટા ભાગે આનંદિત વદને ઘરે આવતો ચિરાગ, આજે IPL ની ફાઈનલ મેચ જોઈને દિવેલ પીધેલ મોં સાથે પરત ફર્યો. તેની નોંધ વિધુર એવા સુકેતુભાઈએ લીધી. સુકેતુભાઈના પત્ની બે વર્ષ પહેલા ગંભીર બિમારીનો ભોગ બનતાં પરિવારને છોડીને સદાયને માટે પરધામ સીધાવી ગયા હતા. ચિરાગથી બે વર્ષ મોટી બહેન વંદનાએ ઘરની સઘળી જવાબદારીઓ સંભાળી લીધી. સુકેતુભાઈનો એકમાત્ર આધાર ચિરાગ કોલેજના બીજા વર્ષની પરિક્ષા પતાવી વેકેશન માણી રહ્યો છે. પુત્રપ્રેમને વશ થઈ સુકેતુભાઈ ચિરાગને ક્યારેય ઉગ્ર ભાષામાં વાત કરતા નહીં. જમાનાને પારખી ગયેલા સુકેતુભાઈને ચિરાગનું દિવેલિયું મોં જોઈને ખ્યાલ આવી ગયો કે, દાળમાં કંઈક કાળું છે....!! રોજ કરતા વહેલા આવેલા ચિરાગે પિતાની ઊંઘ હરામ કરી દીધી....! બીજા દિવસે નિત્યક્રમ મુજબ સુકેતુભાઈ ચિરાગ ઉઠે એ પહેલાં નોકરીએ જતા રહ્યાં. આખો દિવસ ચિરાગ ઘરમાં જ પુરાઈ સુનમુન બેસી રહ્યો. વંદનાએ કહ્યું, "ભઈલા આજે ભાઈબંધો જોડે નથી જાવું?" ચિરાગે નકારમાં માથું હલાવ્યું. રોજ બેનડી સાથે મજાક મસ્તી કરતો ભાઈલો આજે બેનડીની સામે આંખ મિલાવી શકતો નથી. વંદનાએ ચિરાગના મોં પરની અપરાધયુક્ત રેખાઓ પારખી લીધી. ચિરાગ થોડો આઘોપાછો થયો કે તરત વંદનાએ સાઈલન્ટ મોડ પર રહેલો ચિરાગનો મોબાઇલ તપાસ્યો......... અધધધધ..... પચાસથી વધારે કોલ પડ્યા હતા...... પરંતુ એકપણ કોલ ચિરાગે રીસીવ કર્યો નહોતો. સાંજના સુકેતુભાઈ ઘેર આવે તેની દસ મિનિટ પહેલાં ચિરાગ ઘરની બહાર નીકળી ગયો. પપ્પાને જમાડતાં જમાડતાં દુ:ખી બેનડીએ ભઈલાની દર્દભરી વર્તણૂકની વાત રડતાં રડતાં છેડી. સુકેતુભાઈએ કહ્યું, "વંદના તારી વાત સાચી છે. મને પણ ગઈકાલ રાતથી કંઈક અજુગતું લાગે છે." હમણાં ચિરાગને આપણે પુછીએ કે શું વાત છે? ત્યાં સુધી તું ઘરનું કામ પતાવી નાખ. હજું તો જમવાનું પત્યું નથી કે ખડકીના દરવાજે કોલાહલ જામ્યો. બહારથી આવતા અવાજોથી સુકેતુભાઈ અને વંદના ડઘાઈ ગયા. ચિરાગને ચાર-પાંચ યુવાનો ધમકાવી રહ્યા હતા. પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. એલ-ફેલ વાણી વિલાસ ઉચ્ચારી રહ્યા હતા. સુકેતુભાઈએ સમયસુચકતા વાપરી, યુવાનોને સમજાવીને ઉઘરાણીના પૈસા આવતીકાલે જ મળી જશે એવી હૈયાધારણા આપી, છેલબટાઉં છોકરાઓને રવાના કર્યા. ચિરાગને ઘરમાં લઈ ગયા. હજું તો સુકેતુભાઈ અને વંદના કંઈ પુછે એ પહેલાં તો ચિરાગ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. વંદના ભઈલાની વેદના પામી ગઈ. પાણી પાયું પછી પુછ્યું, "ભઈલા જે હોય તે સાચું કહી દે.....!" તેમ છતાં પણ ચિરાગની જીભ તેના કરતુતોને કબુલવા ઉપડતી નથી............ સુકેતુભાઈએ કમાન હાથમાં લીધી.... "જો બેટા, તારા જે મિત્રો ઉઘરાણી આવ્યા હતા તે શાની છે...? તે કોની પાસેથી રૂપિયા લીધા.....?કેટલા લીધા.....? શા માટે લીધા.....? સાચે સાચું કહી દે તો કંઈક માર્ગ નીકળે.....!!" છતાં પણ ચિરાગ ગુમસુમ.........!! ગમગીનીભર્યુ વાતાવરણ છવાઈ ગયુ. થોડીવાર પછી ચિરાગ ફરીથી રડવા લાગ્યો. પિતા અને બેનની સામે હાથ જોડી માફી માગવા લાગ્યો......." મને માફ કરો.......મારાથી ભૂલ થઈ ગઈ....... તમારા પ્રેમનો મેં વિશ્વાસઘાત કર્યો....... ખરાબ મિત્રોની સંગતમાં આવી ગયો........ વિકાના વાડાના વંટોળિયામાં હું ફસાઈ ગયો છું....." વિકાનો વાડો એટલે વિકાસનું ઘર......... ગામની ભાગોળે આવેલા વાડામાં વિકાસના ઘરે જ્યારથી IPL ની મેચ શરૂ થઈ ત્યારથી ગામના યુવાનોનું ટોળું મેચ જોવા ભેગું થતું. જ્યારે ફોર, સિક્સ કે વિકેટ જાય ત્યારે બુમબરાડા અને ચીચીયારીઓથી વાતાવરણ ઉલ્લાસ ભર્યું હોય તેવું લાગતું. ભારતનો બોલર ભારતના ખેલાડીને આઉટ કરે તો પણ બુમબરાડા....... વડીલોને મન આ રહસ્ય રહેતું........!!
વિકાસ કે જે માંડ માંડ ગ્રેજ્યુએટ થયો હતો. તેના પિતા નોકરીઅર્થે મોટાભાગે પુનામાં જ રહેતા. પુનાની એક જાયન્ટ કંપનીમાં ઉંચા પગારવાળી નોકરી કરતા. ગામમાં જ વ્યાજવા આપેલા રૂપિયાના વ્યાજથી વિકાસના ઘરનો ખર્ચો નીકળતો. વિકાસની સાથે તેની મમ્મી અને નાનો ભાઈ રહેતા હતા. વિકાસે ભણવામાં તો કાંઈ કાંઠું કાઢ્યું નહોતુ. આખો દિવસ બાઈક લઈને ગામમાં રખડવું........ યુવાનોનું ટોળું બનાવી ગામ ગપાટા મારવાં.......... મિત્રોને ગાડીમાં બેસાડી નજીકના શહેરમાં જઈ હોટલમાં જમાડવા તેના માટે સહજ હતું........ આખો દિવસ કામધંધો ના હોય તેવા છોકરાઓ વિકાસની સાથે હંમેશા જોવા મળતા. ગામમાં કોઈપણ સામુહિક કાર્યમાં જોતરાઈ જવા વિકાસની ગેંગ હંમેશા તૈયાર રહેતી. પરિણામ સ્વરૂપે વડીલોની રોકટોક રહેતી નહીં

બીજી બાજુની કડવી વાસ્તવિકતાથી વડીલો અજાણ હતા. વિકાસ ગામના છોકરાઓને IPL ની મેચ જોવાના બહાને તેના ઘેર બોલાવતો. ગામની ભાગોળે ઘર હતું તેથી ત્યાં શું ચાલે છે તેની ગામમાં ખબર નહોતી પડતી. વિકાસ IPL ની મેચ પર વિવિધ પ્રકારના સટ્ટા નોંધતો. જે શહેરમાં વ્યવસ્થિત રીતે ચાલતા ષડયંત્રનો એક ભાગ હતો. ભણવાનું છોડી દીધેલ યુવાનો, કોલેજમાં ભણતા યુવાનો તેમજ નાનીમોટી નોકરી કરતા યુવાનો રાતપડે વિકાસના ઘેર અડિંગો જમાવતા. વિકાસનું ઘર એક મોટા વાડામાં આવેલું તેથી તે સ્થળ "વિકાના વાડા" તરીકે ઓળખાતું. વિકાના વાડામાં મોડી રાત સુધી IPL ની મેચ પછી મહેફિલ જામતી. વિકાસની મમ્મીને મેચમાં કાંઈ ખબર ના પડે એટલે તેમનું કામ પતાવી, નાના દિકરાને લઈને ધાબે સુવા માટે જતા રહેતા. વિકાસ બાપકમાણીના વ્યાજવા મુકેલા રૂપિયાનું વ્યાજ ઉઘરાવી, શહેરમાંથી જરૂરી વસ્તુઓ ઘરમાં લાવી આપતો. વિકાસના ખોટા ખર્ચાથી તંગ વિકાસની મમ્મી ક્યારેક વિકાસ સાથે જીભાજોડી કરતી, પરંતુ પરિણામ શુન્ય........!! વિકો હવે કોઈના કહ્યામાં નહોતો. સુકેતુભાઈનો ચિરાગ અને તેના ભાઈબંધો મેચ જોવાની મજા માણવા રોજ રાત્રે વિકાના વાડામાં જતા, એટલું જ નહીં યુવાનોને બરબાદી તરફ દોરી જતા સટ્ટાબજારના રવાડે પણ ચડી ગયા હતા. રોજ જુદાજુદા પ્રકારના સટ્ટાની નોંધણી વિકા પાસે કરાવતા. નોંધણી વેળાએ રોકડા રૂપિયા આપવાના. જયારે હારજીતનો હિસાબ બીજા દિવસે થતો. બીજા દિવસે બપોર સુધીમાં વિકો શહેરના સટોડિયા સાથે આર્થિક વ્યવહાર કરી આવતો. રાત્રે મેચ શરૂ થાય એ પહેલાં આગલી મેચમાં જે લોકો જીત્યા હોય તેમનું ચુકવણું થઈ જતું. IPL સિરીઝની શરૂઆતની મેચોમાં પચાસ-સો રૂપિયાથી શરૂ થયેલો સટ્ટો ફાઈનલ આવે ત્યાં સુધીમાં તો હજારો રૂપિયા સુધી પહોંચી ગયો હતો. સટ્ટા નોંધણી માટે કોઈને પૈસાની જરૂર પડે તો, વિકો તેના બાપાની મુડીમાંથી વ્યાજે ધીરતો. આમ વિકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ગામના યુવાનોને અવળે રવાડે ચડાવી રહ્યો હતો. ચાલુ મેચમાં જ્યારે ફોર, સિક્સ કે વિકેટ જાય ત્યારે વિકાનો વાડો બુમો અને ચિચિયારીથી ગુંજી ઉઠતો...... રમતના આનંદની નહીં..........પરંતુ સટ્ટામાં નોધાવેલા રૂપિયાની જીત થવાની બુમો પડતી......!! ધાબે સુતા વિકાસના મમ્મી રોજ રોજના આ ભવાડાથી તંગ આવી ગયા હતા પણ તેમના છેલબટાઉ છોકરાની સામે બોલવાની તાકાત ખોઈ બેઠા હતા. મેચ પુરી થતાં સટ્ટામાં જે જીત્યા હોય તે યુવાનો વિકાના વાડામાં મોડી રાત સુધી રોકાઈ જતા, જયારે બાકીના યુવાનો નિરાશ થઈને ઘેર ચાલ્યા જતા. વાડામાં રોકાયેલા યુવાનો મહેનત વગર કમાયાનો આનંદ ઉજવતા.... જેમાં નાસ્તા અને દારૂ ને છુટો દોર મળી જતો. ગામના બધા જ યુવાનો વાડામાં જતા એવું નહોતું. સંસ્કારી અને સમજું યુવાનો પોતાની જાતને આ ગોરખધંધાથી અલગ રાખતા. ગામમાં જ ચાલતી આ પ્રકારની, યુવાનોને બરબાદીના પંથે દોરી જતી પ્રવૃત્તિની ગંધ સુધ્ધા નહોતી આવતી. વાડાના સભ્યો શિવાયના કેટલાક યુવાનો આવા અનિચ્છનીય ધંધા વિશે જાણતા, પરંતુ વિકાની ટોળકીની એવી ધાક કે કોઈ તેમની સામે આંગળી કરવાની હિંમત ના કરે.....!!

સટ્ટાકાંડમાં ફસાયેલા લાડકવાયા દિકરાની વાત સાંભળી સુકેતુભાઈની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ. સ્વપનામાંય આવું નહોતું વિચાર્યું કે, ચિરાગ આવી લતે ચડી જશે. પિતાની આંખના ખુણામાં છુપાયેલા આંસુને દિકરીથી વધારે કોણ પારખી શકે...?? વંદનાએ પરિવાર પર આવેલી આફતને પારખી લીધી. કાળજું કઠણ કરી બોલી, "ભઈલા તે ખોટું કર્યું છે.... મને તારા રખડેલ ભાઈબંધો પર શંકા હતી જ...... ચાલ હવે જે થઈ ગયું તે અંગે પસ્તાવો કરવાથી કંઈ નહીં થાય... બોલ કેટલા રૂપિયા કોને આપવાના છે તે જણાવ તો કંઈક માર્ગ નીકળે....!! ચિરાગે રડમસ અવાજે કહ્યું....." બે લાખ........ વિકાસને....!!" બે લાખ....!! સુકેતુભાઈથી બોલાઈ ગયું. બે લાખ રૂપિયા તેમના માટે મોટી રકમ હતી. આટલી રકમની જોગવાઈ આવતીકાલે જ કરવી એ અશક્ય વાત હતી. મને માફ કરો... મને માફ કરો.. ફરીથી ચિરાગે કાકલુદીભર્યા અવાજે પોક મુકી... તમને દુઃખી કરીને મને જીવવાનો કોઈ અધિકાર નથી... વંદનાએ ભાઈને આશ્વાસન આપ્યું... "આવું ના બોલ ભઈલા.... પપ્પાનો તો તું આધાર છે...!!" વંદના અને સુકેતુભાઈ એકબીજાના દુ:ખને સમજી ગયા કે પરિવારની ઈજ્જત સાચવવા આવતીકાલે જ રૂપિયાની જોગવાઈ કોઈપણ ભોગે કરવી જ પડશે. સુકેતુભાઈ ઉભા થયા, તીજોરીમાંથી પત્નીની છેલ્લી યાદગીરી રૂપે સાચવેલું મંગળસુત્ર કાઢી લાવ્યા અને વંદના સામે ધર્યું...." ચિંતા ના કર બેટા... આવતીકાલે સવારે આપણે શહેરમાં જઈને આ મંગળસુત્ર વેચીને તારા ભાઈલાનું દેવું ચુકવી નાખશું...." વંદનાના દિલને જોરદાર ધ્રાસ્કો લાગ્યો. મનોમન વિચારી રહી કે,.. મમ્મી તો ચાલી ગઈ પણ તેની યાદગીરી જે પપ્પા માટે મુકીને ગઈ છે તે ઘરમાંથી નીકળી જાય તે કોઈકાળે ના ચલાવી લેવાય...!! આંસુ લૂછતાં લૂછતાં વંદના બોલી.."પપ્પા મંગળસુત્ર પાછું મુકી આવો... ફરીથી આવું વિચારો તો તમને મારા સમ...!!" સુકેતુભાઈ ભગ્નર્હદયે બોલ્યા, તો પછી ઘરના ચિરાગને જલતો રાખવાનો બીજો કોઈ ઉપાય ખરો......??
હા પપ્પા.... મમ્મીએ મને ઘરકામની સાથે સાથે શીખવાડેલું કે ઘરમાં રોજ રોજ કરકસર કરીને નાની નાની બચત કરવી જે સંકટ સમયે કામ આવી જાય....!! મેં આશરે પચાસ હજાર રૂપિયાની બચત તમારી જાણ બહાર કરી છે....!!
સુકેતુભાઈના ચહેરા પર ગર્વ અને આનંદની લાગણી છવાઈ ગઈ. વાહ મારી વંદુ વાહ.....!! હવે જો મારા બેન્ક એકાઉન્ટમાં સાઈઠેક હજાર રૂપિયા જમા પડ્યા છે. બાકીના એક લાખ રૂપિયા તો હું ગામમાંથી વ્યાજવા લાવી દઈશ. વંદના બોલી ના પપ્પા... વ્યાજ ભરીશું તો ક્યારેય ઊંચા નહીં આવીએ. તમે મારી માટે જે ઘરેણાં બનાવ્યા છે તે શા કામના...? મારા ઘરેણાં કરતાં મારો ભઈલો મારા માટે મહત્વનો છે.
સુકેતુભાઈ અવાચક બની વંદનાને નીરખી જ રહ્યા...! આજે જાણે કે વંદનામાં એમની પત્નીના દર્શન થયા...!!
બીજા દિવસે વહેલી સવારે અંધારામાં જ ચિરાગના બાઈક પર ત્રણેય જણાં શહેર જવા રવાના થયા.
વંદનાના ઘરેણાંની સાટુ રૂપિયા લઈ, બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી બપોરે પાછા ગામમાં આવી ગયા. ઘરમાંથી બચતના રૂપિયા, શહેરમાંથી લાવેલા રૂપિયા ભેગા કરતાં કુલ રકમ બે લાખ દસ હજાર રૂપિયા થયા. તેમાંથી બે લાખ રૂપિયા લઈને ચિરાગ અને સુકેતુભાઈ વિકાના વાડા તરફ રવાના થયા. સુકેતુભાઈ વાડાની બહાર ઉભા રહ્યા. એકલા ચિરાગને રૂપિયા ચુકવવા અંદર મોકલી રાહતનો દમ લીધો. વંદનાની કુનેહથી ઘરની આબરૂ બચી ગઈ. ઘેર આવી સુકેતુભાઈએ ચિરાગને બેસાડી શિખામણ આપી, ફરીથી આવી ભુલ ના કરવાનું વચન લીધુ. ચિરાગને પણ બહુ પસ્તાવો થયો.
વંદના હાંફરી-ફાંફરી દોડતી દોડતી ખડકીની અંદર દાખલ થઈ. સીધી જ ચિરાગને ભેટી પડી. એના ચહેરા પરથી ખડકીની બહાર ગામમાં કંઈક અજુગતું બન્યાનો અણસાર સુકેતુભાઈને આવી ગયો. બહાર જઈને જોયું તો ગામમાં માતમ છવાઈ ગયેલો છે. ગામના ચોરે ટોળેટોળાં ગુપસુપ કરી રહ્યાં છે......
ચિરાગનો ખાસ મિત્ર ઊજાસ.... ઊજાસે જ ચિરાગને વિકાનો વાડો બતાવ્યો હતો. તે ઊજાસ ગઈકાલ રાતથી ઘેર નથી આવ્યો. દુર્ભાગ્યવશ ગામની નજીકમાંથી પસાર થતી કેનાલમાંથી ઊજાસની લાશ મળી આવી. ગામ આખામાં સન્નાટો વ્યાપી ગયો.....!!
કોઈનો વહાલસોયો આજે યુવાનવયે પરધામ સીધાવી ગયો છે...!!
"કોઈનો લાડકવાયો ભઈલો..., કોઈનો અનમોલ રતન સમો પુત્ર..., કોઈનો કાળજાનો કટકો... બધાને રડતાં મુકીને કાયમ માટે હાલી નિકળ્યો છે......!!"

સુકેતુભાઈના પરિવારનો ચિરાગ તો ના બુઝાયો, પરંતુ કોઈના ઘરનો ઊજાસ સદાયને માટે અંધારું પાથરીને હાલી નીકળ્યો....!!
કારણ........
વિકાના વાડામાં ચાલતો સટ્ટો.....
સટ્ટામાં ગુમાવેલા રૂપિયા.....
વધી ગયેલું દેવું......
કડક ઉઘરાણી.....
ગામમાં - સમાજમાં આબરૂના ધજાગરા.....

લેખક:- કનુભાઇ પટેલ (કનુ સેઢાવી)

Rate & Review

bhavna

bhavna 3 weeks ago

Amita Vashi

Amita Vashi 3 months ago

Mamta Ganatra

Mamta Ganatra 3 months ago

Zankhana Patel

Zankhana Patel 3 months ago

paresh chaudhary

paresh chaudhary 3 months ago

Bad reality of today. Very nicely explained Very nicely written sir