Nehdo - 59 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 59

નેહડો ( The heart of Gir ) - 59

પ્રિય વાંચકો, પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો ઢગલા બંધ પ્રેમ મને એસએમએસ, ફોન કોલ, whatsapp અને માતૃભારતી પર પ્રતિભાવ રૂપે મળ્યા. મને તમે આટલો ઝનૂનથી વાંચતા હશો એ મને ખબર નહોતી. હું જ્યારે નવલકથા "નેહડો (The heart of Gir)"લખતો હતો ત્યારે હું ગીર સાથે ઓતપ્રોત થઈ ગયો હતો. પરંતુ તમે પણ વાંચતા વાંચતા ગીર સાથે આટલા બધા ઓતપ્રોત થઈ જશો તેવી મને ખબર નહોતી. મારી વાર્તામાં બહુ આંટીઘૂટી કે સસ્પેન્સ આવતું ન હતું. તે એકધારી સરળ શૈલીમાં ગીર સાથે ગૂંથાતી જતી હતી. જેમ જેમ વાંચકો વધતા ગયા અને વાર્તાનો અંત નજીક આવતો ગયો તેમ તેમ હું મૂંઝાતો ગયો. આ વાર્તા આમ તો કરુણાંતિકા જ છે. છેલ્લો હપ્તો મુકતી વખતે મારી કલમ પણ ધ્રુજી રહી હતી. સાચું કહું તો હું પણ દુઃખી હતો.
ગીરના જંગલમાં નાનેથી મોટા થયેલા કનો અને રાધીની જોડી ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ. રાધી પાસેથી ગીરની રીત ભાત અને ગીરની વાતો કનો અને આપણે બધા શીખતા રહ્યા. એ પણ નેહડાની લોક બોલીમાં. નેહડા વાસીઓનો પ્રેમાળ સ્વભાવ,ખમીરવંતા અને બહાદુર લોકો આપણે જોયા. સિંહ પરિવારને એ લોકો પોતાનો ગણે છે. ઘણી વખત પોતાના માલ ઢોરનો શિકાર કરી જાય તો પણ આ લોકો સહજ પણે સ્વીકારી લે છે. આ પણ તેમના મોટા મનનું ઉદાહરણ છે. ગીરનાં એક એક ઝાડને આ લોકો ચાહે છે.નહીંતર એમની પાસે એક એક ભેંસ એક દોઢ લાખની હોય છે. આવી ભેંસનો શિકાર થાય તો પણ તેનું વળતર સરકારી ધારાધોરણો મુજબ જ મળે છે. સિંહનો શિકાર કરનાર ટોળકીને પકડવા માટે ગેલો પોતાના જીવ પર ખેલી લે છે. ગેલાને તેની ભેંસ જીવથી પણ વાલી બતાવવામાં આવી છે. આવી રીતે નેહડાવાળા પોતાના પશુને ખૂબ પ્રેમ કરે છે. સાથે સાથે મેં ગીરના પશુ પંખી કીટકોને પણ વાર્તામાં વણવા કોશિશ કરી. ગીરના ઝાડવા ગીરની દંત કથાઓ આવું આવું બધું મેં વાર્તામાં વણી લીધું છે. ખરેખર નેહડો એ ગીરનું હૃદય જ છે.
મને ખબર નહોતી કે વાર્તાની ગુંથણીમાં આપ બધા વાંચકો પણ આટલા બધા ગુંથાતા જતા હશો. વાર્તાના અંતમાં પાણીમાં ડૂબી જવાથી રાધીના શ્વાસ બંધ થઈ ગયા હતા અને કનો વિલાપ કરતો હતો. જેણે વાંચકોના કલ્પના જગતને ઠેસ પહોંચાડી એવું મને લાગ્યું. અમુક વાચકોએ મને પર્સનલ whatsapp પર મીઠો ઠપકો આપ્યો. કે તમારો વાર્તાનો આવો અંત અમને ના ગમ્યો. વાર્તાના અંતે મને પણ આ બીક હતી,કે વાંચકોનો ઠપકો આવશે.એટલે જ મેં વાંચકો પાસેથી અભિપ્રાય મંગાવ્યો હતો. અમુક મિત્રો તો રીતસર મારી સાથે લડી પડ્યા કે આવા કરવાના હોય? અમુક મિત્રો એ મારા પર છોડી દીધું કે તમે જે કરો તે બરાબર જ હોય. એ મિત્રોના મનમાં તો દુઃખ હતું,પરંતુ એમને કદાચ એવું લાગ્યું હોય કે લેખકને વધારે કંઈ નો કહેવાય! મારા મિત્રોએ એવી પણ ઈચ્છા વ્યક્ત કરી કે આ વાર્તાની બુક બનાવી,ગીર ફોરેસ્ટ સફારીની ઓફિસે સેલીંગ માટે મૂકીએ.તો તેમની આ મારા પ્રત્યેની સહાનુભૂતિ હતી.અમુક મારા વડીલો અને સ્વજનોએ તો અને ખૂબ સુંદર રસ્તો પણ બતાવ્યો કે હજી પણ વાર્તાને આવી આવી રીતે આગળ લઈ જઈ શકાય. એક બહેને મને વાર્તા આવી રીતે પૂરી ન કરવા વિનંતી કરી. તેમણે એવું જણાવ્યું કે આ વાર્તામાંથી તેઓ પોતાના પૌત્રને જંગલની અને પ્રાણી પક્ષીઓની વાતો સંભળાવે છે. મારા અમુક વાંચકોએ આ અંતને કાળજુ કંપાવનારો પણ કહ્યો.કોઈ યોગ્ય વ્યક્તિ તૈયાર થાય તો મને આ વાર્તાની સળંગ ટીવી સિરિયલ બનાવવા પણ કહ્યું.કોઈ વાંચકોને આવો ટ્રેજિક એન્ડ ગમ્યો પણ ખરો. આખા ગુજરાતમાં મારા વાંચકો છે.ગુજરાત બહાર વસતા કેટલાય ગુજરાતી પરિવારો જેવાં કે મુંબઈ,બેંગલોર જેવાં મહાનગરોમાંથી પણ મને પ્રતિભાવો મળતાં રહે છે.દેશની બહાર પણ મારી નવલકથાની સુવાસ પહોંચી છે.મારા એક વાંચક લંડનથી તો એક મિત્ર કેનેડાથી પણ મને નિયમિત વાંચે છે. જેમનાં અભિપ્રાયો પણ મળતા રહે છે.કેનેડા રહેતાં હસન મોમીન સાહેબ તો વાર્તાને લીધે મારાં મિત્ર બની ગયા છે.આ બધો તમારો પ્રેમ જ છે.જે લેખકનાં વાંચકો મજબૂત તે લેખકની કલમ મજબૂત બને છે. આપનાં આ પ્રેમના લીધે તો મને લખવાની શક્તિ મળે છે.
મારી આટલી સફળતા માટે હું માતૃભારતી ટીમનો ખૂબ ખૂબ આભારી છું. જેમણે મારી નવલકથાને બુક તરીકે પ્રસિદ્ધ કરવાની ઓફર પણ આપી છે.

ટૂંકમાં કહું તો તમે બધાં વાંચકો જીત્યા અને હું હાર્યો ....."નેહડો (The heart of Gir)" નવલકથા હવે આગળ ચાલશે.પરંતુ તેનાં ભાગ પ્રસિધ્ધ થવામાં વહેલું મોડું થાય તો નિભાવી લેજો.અને હા, આ નવલકથાનો અંત હેપી એન્ડ જ હશે તેવું માની ન લેતાં.કદાચ વાર્તાનો અંત દુઃખદ પણ હોય તો હવે ઠપકો ન આપતાં.
(હવે રાધીનું શું થશે? તે જાણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no.9428810621


Rate & Review

Priti Patel

Priti Patel 4 days ago

Pratikshaben

Pratikshaben 10 months ago

વાચકોના અભિપ્રાય ને ધ્યાનમાં લ ઈ વાર્તા આગળ વધારો છો જાણી ખૂબ આનંદ થયો

Rahul Purohit

Rahul Purohit 9 months ago

bhavna

bhavna 9 months ago

Vadhavana Ramesh

Vadhavana Ramesh 10 months ago