Sharat - 14 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | શરત - ૧૪

શરત - ૧૪

(આદિ વિચારતો હોય છે કે નિયતીને એ કઈ રીતે સમજાવશે.)

*******************

અજાણતાં જ આદિ નિયતી અને ગૌરીની તુલના કરવા લાગે છે. ગૌરી કેટલી સમજદાર, સીધીસાદી પણ સ્વમાની અને માયાળું છે. નિયતીમાં આ ગુણો હશે તો પણ એને કદી દેખાયાં નથી.

નિયતી માટે હવે પહેલાં જેવી લાગણી કેમ નથી થતી? શું એ ખરેખર પ્રેમ હતો કે પછી માત્ર આકર્ષણ કે પ્રેમનો ભ્રમ? નથી ખબર પણ જે લાગણી ગૌરી માટે અનુભવું છું એ અલગ છે. એ માત્ર બે મહિનાથી મને જાણે છે છતાં ઓળખે છે, સમજે છે, સાચવે પણ છે. પરીને પ્રેમ કરે છે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખે છે, મારું પણ.

"હું તો આવું છું રોજ મુલાકાતે
પણ તું આંખો ખોલી દે છે.
હોઠ તો સીવી લીધાં પણ આ આંખો!
તુ આવે ને આંખો બોલી દે છે."

ડ્રોવરમાંથી ડાયરી કાઢી વાંચી. પંક્તિ નીચે આખા પેજ પર આદિના નામનું ચિતરામણ હતું.

ત્યાં જ ગૌરી આવી જાય છે અને તે ડાયરી લઈ લે છે.

"બેડ મેનર્સ. કોઈની ડાયરી ના વંચાય."

"મેં તો ખાલી જોઈ, વાંચવા ક્યાં દીધી તમે!"

"તમારે વાંચવી હતી!"

"ના... આ કંઇ નવલકથા થોડી છે કે વાચવુ ગમે."

"તો પછી કેમ ખોલી?"

"એમ જ. થયું કે કોઈ ખાસમખાસ વિશે કંઈ ખબર પડે."

"મારે કોઈ ખાસમખાસ નથી."

"હું નથી?" આદિ ગૌરીની એકદમ નજીક જઈને બોલ્યો.

થોડીવાર માટે તો ગૌરી એકદમ હેબતાઈ ગઈ, શું કહેવું એને સમજાયું નહીં. ધીરે ધીરે આદિ એનાં માટે ખાસ બનતો જતો હતો એ તો નકારી શકાય એમ નહોતું.

"પરી."

"પરી!!"

"તમારું પત્યું હોય તો પરીને અંદર મોકલું." બારણાની આડશે ઉભેલા મમતાબેન બોલ્યાં.

"હા. આવોને મમ્મી. તમારે પૂછવાનું હોય કંઈ! અને તમે વિચારો છો એવું કંઈ નથી." આદિ બોલ્યો.

"હા પૂછવાનું ન હોય પણ એ તો તું એકલો હતો ત્યારે. હવે તો ગૌરી પણ છે તો પૂછવું પડે."

".…."

"ગૌરી પરીને જમાડી દીધી છે પછી એનું દૂધ લઇ આવજે. હું ને તારા પપ્પા મંદિરેથી આવી જમીશું. તમે બંને જમી લેજો."

"બીજી કોઈ આજ્ઞા દેવીજી." આદિ બે હાથ જોડી એની મમ્મીને પૂછી રહ્યો.

"હા... હવે નીચે આવો મારા લાલ."

"જેવી આજ્ઞા."

"વાતો તો એવી કરે છે જાણે મારી દરેક વાત માનતો હોય!" મમતાબેને એનો કાન પકડ્યો.

"આ..આહ..આહ.. દુઃખે છે. કઈ વાત નથી માની?"

"ગૌરીને ક્યાંય લઇ ગયો તું?"

"આજે જ લઇ ગયેલો પાર્કમાં."

"આનું કંઈ નહીં થાય." માથું કૂટતા મમતાબેન બોલ્યાં અને જતાં રહ્યાં.

આદિ ગૌરી અને પરી નીચે હૉલમાં આવ્યાં. આદિએ ટીવી ઑન કર્યું. પરી રમકડાં રમવા લાગી. ગૌરી એની બાજુમાં બેઠી હતી.

"મારે વાત કરવી છે."

"બોલોને."

"એમ નહીં અહીં સોફા પર બેસ."

"હવે બોલો." સોફા પર બેસતી ગૌરી બોલી.

"આ તારી પાસે રાખ." ગૌરીના હાથમાં ક્રેડિટ કાર્ડ રાખતાં બોલ્યો.

"મને જરૂર નથી આની." કાર્ડ પાછો આપતી એ ઊભી થવા ગઈ પણ આદિએ એનો હાથ પકડી સોફા તરફ ખેંચી. સંતુલન ખોરવાતાં એ સોફાને બદલે આદિ પર પડી. બંને એકબીજાને જોઈ રહ્યાં. ક્ષોભ અનુભવતા બંને એકબીજાથી દૂર થયાં અને ખોંખારો ખાઈ આદિએ ફરી વાત શરું કરી,

"તે દિવસે હું વધારે જ કંઇ બોલી ગયો. સૉરી.... મેં એ પણ ન વિચાર્યું કે તમે હજી નવા છો છતાં પરીને એકલાં હાથે હૉસ્પિટલ લઈ ગયા. તમે કેવી રીતે મેનેજ કર્યું. બીલ પણ ચૂકવ્યું એ પણ ન વિચાર્યું. હું જરા..."

"સમજું છું.. પરી માટેની તમારી ચિંતા અને લાગણી. પરીએ મને પણ પૂર્ણ કરી છે એટલે જ કદાચ એવું સાહસ હું કરી શકી, અને બીજું કે પરી મારી માટે શરત નથી."

"હા. એ શરતને તે આપણને જોડતી કળી બનાવી દીધી છે ગૌરી." આદિ મનમાં બોલ્યો.

"એટલે જ કહું છું, રાખી લો. ક્યારેક કામ લાગશે અને એમપણ હક છે તારો." આદિએ કાર્ડ આપતાં કહ્યું.

"સૉરી."

"શેને માટે?"

"તમને તું'કારે બોલાવ્યા એટલે."

"ગમ્યુ મને." એમ કહી ગૌરી રસોડામાં જતી રહી ને આદિના ચહેરે સ્મિત આવ્યું. હજી બીજી એક ભૂલ સુધારવાની છે એમ વિચારી રહ્યો.
___________________

આ આદિ ટિફિન ભૂલી ગયો. પહેલાં તો આમ ક્યારેય ન ભૂલતો.

"હમણાં એકદિવસ પહેલાં તો ભૂલી ગયેલાં." ગૌરીએ યાદ અપાવ્યું.

"હા... એટલે કે કોઈ વાર ટેન્શનમાં ભૂલી જાય." મમતાબેને પોતાની વાત વાળતા કહ્યું. એ દિવસે તો એમણે જ ટિફિન છૂપાવ્યુ હતું.

"વાંધો નહીં હું આપી આવીશ." ગૌરી બોલી.

"ના..ના.. આજે તો તમારા પપ્પાજી ઘરે જ છે એ આપી આવશે."

"પપ્પાજીને આટલાં તાપમાં ક્યાં મોકલવા? એમને આરામ કરવા દો. હું આપી આવીશ."

"ઠીક છે તું જજે પણ જમીને જજે."

" આવીને જમી લઈશ."

એણે આદિને ફૉન કર્યો.

"હૅલો. તમે આજે પણ ટિફિન ભૂલી ગયા."

"ઑહ.. નો. સૉરી ભૂલાઇ ગયું. તું લઈ આવીશ?"

આદિ એટલું પ્રેમથી બોલ્યો કે ગૌરીના રોમરોમમાં એનાં શબ્દો ગુંજી ઉઠ્યા. એ રોમાંચિત થઇ ઉઠી પણ પોતાના પર કાબૂ રાખી બોલી,
"ઠીક છે. કેટલાં વાગ્યે આવું?"

"તે દિવસે આવ્યાં હતાં એ જ સમયે."

"ઓકે.. બાય."

ફૉન મૂકીને ગૌરી તો જાણે આદિને જોવાં તલપાપડ થઇ રહી હતી અને ઘડિયાળનો કાંટો હતો જે સરકતો જ નહોતો. એની બેચેની એનાં ચહેરે અને વર્તનમાં દેખાતી હતી.

આજે ફરી એ સરસ તૈયાર થઇ અને ઓફિસે પહોંચી. પહેલી જ નિયતી સામે મળી ગૌરીએ એને સ્મિત આપ્યું પણ નિયતીએ
"આવી ગઇ કામવાળી." એમ ટોન્ટ માર્યો.

એને અવગણી ગૌરી આદીના કૅબીનમાં જવા દરવાજે ટકોરા પાડવા ગઇ ત્યાં જ આદિ દરવાજો ખોલી બહાર નીકળ્યો. એણે ગૌરીનો હાથ પકડ્યો અને બોલ્યો,

"ફ્રેન્ડસ... મીટ માય લાઈફ, માય વાઇફ ગૌરી."

બધાંએ ગૌરીનું અભિવાદન કર્યું. ગૌરી એકક્ષણ માટે આદિને જોઇ રહી પછી બધાને નમસ્તે કર્યું.

"તે દિવસે જરૂરી મિટિંગ હતી એટલે ઓળખાણ ન કરાવી શક્યો તો ઘણાંને ગેરસમજણ થઈ ગઈ." એ નિયતી તરફ જોઈ બોલ્યો.

"આ મારા ઘરની રાણી અને મનની પણ..." એમ કહી ગૌરીને કમરથી પકડી પોતાની નજીક ખેંચી.

ગૌરીને શું કરવું સમજાયું નહીં. બસ, આદિ તરફ એક નજર કરીને શરમાઇ ગઇ.

નિયતી તો આ સાંભળી કાપો તો લોહી ન નીકળે એમ સ્તબ્ધ ઉભી રહી ગઈ.

"બહું ભૂખ લાગી છે ગૌરી." એમ કહી આદિ ગૌરીને કૅબીનમાં લઇ ગયો.

પાછળ નિયતી પણ પ્રવેશી.

"ઓહ.. નિયતી આવે બેસ. મારી વાઈફ જમવાનું સરસ બનાવે છે."

"તેં મને પહેલાં કેમ ન કહ્યું? કે તેં લગ્ન કરી લીધાં છે?" નિયતી ધૂંધવાયેલી હતી.

(ક્રમશઃ)

Rate & Review

Jamna Bhansali

Jamna Bhansali 3 weeks ago

Priya Mehta

Priya Mehta 5 months ago

DIPAK CHITNIS. DMC
bhavna

bhavna 5 months ago

Daksha Dineshchadra