The love of the village in Gujarati Moral Stories by Rakesh Thakkar books and stories PDF | ગામડાની માયા

ગામડાની માયા

ગામડાની માયા

-રાકેશ ઠક્કર

ગોરધનભાઇને પોતાના મલકમાં રહેવાનું એટલું ગમતું હતું કે લાખોનો પગાર મેળવતા પુત્ર મિલાનની લાખ કોશિષ પછી પણ એ શહેરમાં ગયા ન હતા. હવે તો મિલાને પણ એમને આગ્રહ કરવાનું છોડી દીધું હતું. તે મહિને- બે મહિને બે-ત્રણ દિવસ માટે ગામમાં પિતાના ઘરે આંટો મારી જતો હતો. બે દિવસથી વધારે તેને ગામમાં ગમતું ન હતું. કોલેજમાં અભ્યાસ માટે શહેરની વાટ પકડ્યા પછી તેને ત્યાંની હવા એવી લાગી કે ત્યાં જ નોકરી મેળવી અને લગ્ન પછી પણ શહેરમાં જ રહેતો હતો. પત્ની સલોની એને ઘણી વખત કહેતી કે દર અઠવાડિયે હવાફેર માટે ગામ જવું જોઇએ. પણ એ મહિને-બે મહિને માંડ તૈયાર થતો હતો. શહેરની જીવન પધ્ધતિનો એ એવો દિવાનો બની ગયો હતો કે ગામડાનું તેને કોઇ મહત્વ રહ્યું ન હતું.

છેલ્લા પંદર દિવસથી સલોની એને આગ્રહ કરી હતી કે એક મહિનો ગામડે રહેવા જતાં રહીએ. એ માટે મજબૂત કારણ હતું. મિલાનની તબિયત છેલ્લા વીસ દિવસથી બગડી હતી. કોઇ ગંભીર બીમારી ન હતી પણ શહેરની જીવન પધ્ધતિની આડ અસર તેના શરીર પર દેખાતી હતી. તેનું પેટ વધી ગયું હતું અને ડાયાબીટીસ સાથે બીપીની બીમારીએ તેના શરીર પર ભરડો લીધો હતો. પરિવારના જ ડૉકટર સારાભાઇની સારવાર ચાલતી હતી. પરિણામ માત્ર દવાથી આવી શકે એમ ન હતું. મિલાને પોતાની જીવનચર્યા બદલવાની હતી. તે રાત્રે મોડે સુધી જાગીને મોડેથી ઉઠતો હતો. મોટાભાગે બહારનું જ ખાતો હતો. દરરોજ પિઝા ના ખાય તો એને ખાધું હોય એવું ના લાગે. બપોરે એ હોટલનું જ મંગાવીને ખાતો હતો. સલોની એના માટે ટિફિન બનાવી આપવા કહેતી પણ એને ઘરનું રાત્રે ખાવું પડે એમાંય તકલીફ થતી હતી. સલોનીએ મિલાનની આ જીવન પધ્ધતિને સ્વીકારી લીધી હતી. હવે જ્યારે બધા રિપોર્ટ તેની તબિયત ખરાબ થઇ રહી હોવાની આલબેલ પોકારતા હતા ત્યારે સલોનીએ મિલાનની કોઇપણ વાત ન સાંભળવાનો નિર્ણય કરી લીધો. મિલાનની તબિયત વિશે જાણ્યા પછી ગોરધનભાઇ એને બોલાવ્યા કરતા હતા. ડૉકટર સારાભાઇએ પણ તેને હવાફેર માટે એક-બે મહિના ગામડે જઇ થોડી પરેજી પાળવાની સલાહ આપી, બલ્કે આગ્રહ જ કર્યો. અને જો તે આ વાત નહીં માને તો આરોગ્ય પર ગંભીર ખતરો હોવાની ચેતવણી આપી ત્યારે એ ગામ જવા તૈયાર થયો.

મિલાને ગામ પહોંચીને વિચાર્યું કે દિવસ કેવી રીતે પસાર થશે. પહેલા દિવસે તો એ ઘરમાં જ બેસી રહ્યો. બીજા દિવસે ગોરધનભાઇએ એને કહ્યું કે આજથી તું પણ આપણા ખેતરે આવવાનું શરૂ કરી દે. સમય પસાર થશે અને નવું જાણવા મળશે. કંટાળેલો મિલાન પિતા સાથે ચાલતો જ ખેતરોની કેડી વચ્ચેથી પોતાના ખેતરો પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં થાકી ગયો. એક ઝાડ નીચે બેસી પડ્યો. ગોરધનભાઇએ એને પોતાની જમીન અને એમાં લેવાતા પાકો વિશે માહિતી આપી. પછી પોતે પણ ખેતરમાં કામ માટે આવેલા મજૂરો સાથે કામે જોતરાઇ ગયા. મિલાને થોડીવાર મોબાઇલમાં સમય પસાર કર્યો. ઇન્ટરનેટ બરાબર પકડાતું ન હોવાથી આમતેમ ફરવા લાગ્યો. બપોર પડી એટલે ગોરધનભાઇ એની સાથે ઘરે આવ્યા.

રોટલા, શાક અને છાસની લિજ્જત માણતા એમણે કહ્યું:'મિલાન, હું તો કહું છું તું અહીં જ કોઇ કામ શરૂ કરી દે. શહેર કરતાં તારી તબિયત પણ સારી રહેશે...'

'પપ્પા, શું વાત કરો છો? હું આટલું બધું ખેતરમાં મજૂરી કરવા માટે ભણ્યો છું? આ ગામડામાં તો મારો શ્વાસ રુંધાય...'

'બેટા, ગામડાની હવામાં શ્વાસ લેવાની મજા કંઇ ઓર જ છે. રહી વાત મજૂરીની તો એ તારી ગેરસમજ છે. આપણા ગામમાં હીરાલાલનો છોકરો રવેશ એમબીએ ભણીને આવ્યા પછી એમની જમીનમાં એવી ખેતી કરાવે છે કે મહિને લાખો કમાય છે. આપણી પાસે તારી આંખની નજર ના પહોંચે એટલી જમીન છે. રૂપિયાનું રોકાણ પણ આપણે આસાનીથી કરી શકીએ એમ છે. ..'

'હા મિલાન, પપ્પા બરાબર કહે છે. અહીં મજા આવશે...' સલોની વચ્ચે જ બોલી પડી.

'અરે શું મજા આવવાની છે? સરખું ઇન્ટરનેટ પકડાતું નથી. હું મેનેજરની નોકરી છોડીને આવી ખેતીમાં પડું તો મારી કિંમત શું રહે? મહેરબાની કરીને મને આ જફામાં પડવા ના કહીશ...' મિલાન સલોની પર ચિડાઇ ગયો.

પછી કોઇ બોલ્યું નહીં અને બધાએ જમવામાં ધ્યાન પરોવ્યું. આમ પણ મિલાનને અહીંનું ભોજન કરવાનું ખાસ ગમતું ન હતું. મજબૂરીમાં તે ખાતો હોય એવું લાગતું હતું.

બીજા દિવસે ગોરધનભાઇ મિલાનને બીજા માર્ગ પરથી લઇ ગયા. ત્યાં એક જગ્યાએ અટકીને એક મોટું ખેતર બતાવી કહ્યું:'જો મિલાન, આ છે રવેશનું ખેતર. એણે લીચી, કેળા અને મોસંબીની કેવી સરસ ખેતી કરી છે...'

"હા, પણ એમાં શું મોટી વાત છે. કોઇને કોન્ટ્રાકટ આપી દઇએ તો પણ થાય ને?'

'ના બેટા, આમાં અંગત ધ્યાન આપવું પડે. થોડો અભ્યાસ કરીને આવી ખેતીથી ઘણી કમાણી કરી શકાય. હું રહ્યો અભણ જેવો માણસ. આમાં મને ઝાઝી ગતાગમ ના પડે. થોડે દૂર વટાલા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. એ લોકો આવી આધુનિક ખેતીમાં મદદ કરે છે. હું ઉંમરવાળો છું, મને સરખી સમજ ના પડે પણ જો તું...' ગોરધનભાઇએ વાક્યને અધૂરું જ છોડી દીધું. મિલાનને એમાં રસ પડતો હોય એવું લાગ્યું નહીં. ત્યાં રવેશ એમની પાસે આવી પહોંચ્યો. એણે ખેતી વિશે મિલાનને જાણકારી આપી. અને કહ્યું કે તું તો મેનેજર છે આ બધાનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે. મિલાને તેની વાતો સાંભળવા ખાતર સાંભળી.

ગામમાં મિલાનની દિનચર્યા ધીમે ધીમે આખી જ બદલાઇ ગઇ હતી. તે દરરોજ સવારે વહેલો ઉઠી જતો હતો. સમય પસાર કરવા ગામમાં ફરવા સાથે ગોરધનભાઇને મદદ કરતો હતો. માતા-પિતા સાથે ઘણા સમય પછી રહેવાનું મળ્યું એનો આનંદ પણ હતો. સાંજે તે નજીકના ફળિયામાં ગામના લોકોની ગીત-સંગીતની મહેફિલ જામતી એને સાંભળવા જતો હતો. તેને સત્સંગમાં રસ પડવા લાગ્યો હતો. એમાં 'આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વહ્યા આવો મારા મેહરબાન, રિયોને આપણા મલકમાં, રે હાલો...' ભજન તેને બહુ ગમતું. ગામનો હરિયો એટલા સરસ અવાજે ગાતો કે એમાં બધા ડૂબી જતા અને સૂર પુરાવવા લાગતા.

પચીસ દિવસ પછી મિલાનને શહેર યાદ આવવા લાગ્યું હતું. તેને સલોનીએ વધુ એક સપ્તાહ માટે રોકી લીધો. એ પછી તે એને રોકી ના શકી. કંપનીમાંથી એને ફોન આવ્યા કરતા હતા. તેણે હાજર થવાનું જરૂરી બની ગયું હતું. તેણે કહ્યું કે તબિયત હવે સારી થઇ ગઇ છે. વધારે રોકાવાની જરૂર નથી.

મિલાન માતા-પિતાને પગે લાગીને પોતાની કારમાં બેઠો એ દરમ્યાન સલોની ઘરમાં તેનું પાકિટ લેવાનું બહાનું બનાવી ગઇ હતી. એ પાછી આવીને ગોરધનભાઇને પગે લાગી અને કહ્યું:'પપ્પા, આ તો તમે આગ્રહ કર્યો અને મેં ડૉક્ટરને ખાનગીમાં એને ગામડે મોકલવા વિનંતી કરી એટલે આવ્યા.'

"બેટા, તેં સારું કર્યું. જોને, એનું શરીર હવે વ્યવસ્થિત થયું છે... ત્યાં જઇને બધા રિપોર્ટ કરાવી દવા લેવા કહેજે, એને સાચવજે...' પુત્રવધુને વિદાય આપતાં ગોરધનભાઇનો અવાજ લાગણીભીનો થઇ ગયો.

મિલાન અને સલોનીના ગયા પછી ગોરધનભાઇ અને મીનાબેનને બે-ત્રણ દિવસ તો ગમ્યું જ નહીં. એ પછી બે-ત્રણ દિવસે ફોન પર વાત થતી રહી. મિલાનની તબિયત હવે સારી થઇ ગઇ છે અને હમણાં કોઇ દવાની જરૂર ન હોવાનું ડૉકટરે કહ્યું છે એ જાણી બંનેને આનંદ થયો હતો.

દિવસો ઝડપથી વીતી રહ્યા હતા. મિલાન આવીને ગયો એ વાતને પાંચ અઠવાડિયા થઇ ગયા હતા. ગોરધનભાઇની દિનચર્યામાં કોઇ ફરક આવ્યો ન હતો. સાંજ પડી રહી હતી. ગોરધનભાઇ ખેતરેથી આવી નહાઇને બહાર ખાટલામાં બેઠા હતા. થોડીવારમાં સત્સંગના કાર્યક્રમમાં જવાનું હતું. ત્યાં સામે મિલાનની કાર આવીને ઉભી રહી. બે દિવસ પહેલાં જ મિલાને કહ્યું હતું કે તે મળવા આવવાનો છે.

મિલાન અને સલોનીને જોઇ ગોરધનભાઇ ખુશ થઇ ગયા.

બંને પગે લાગ્યા. મિલાન કહે:'પપ્પા, કેમ છો?'

'હું તો સારો જ છું. તું કહે તબિયત હવે સારી છે ને? કેટલા દિવસ રહેવાનો છે? આ વખતે બે નહીં પણ ચાર દિવસ રહેજે. અમને ગમશે...' ગોરધનભાઇએ તેને બાંધી લેવા પહેલી જ વાતમાં કહી દીધું.

'બે-ચાર દિવસ? હું તો....'

'બેટા, એક દિવસ માટે તે કંઇ અવાતું હોય? સલોની બેટા તું જ એને સમજાવજે. વચ્ચે કેવો મહિનો રહીને ગયો હતો...'

'પપ્પા, હું એક દિવસ નહીં આખી જિંદગી અહીં રહેવાનો છું. જુઓ...'

ગોરધનભાઇએ મિલાનના હાથના ઇશારા તરફ જોયું તો એક ટ્રક સામાન ભરીને એમના બંગલા તરફ આવી રહી હતી. ગોરધનભાઇને પોતાની આંખ અને કાન પર વિશ્વાસ જ બેસતો ન હતો. તેમના દિલમાં હરખ સમાતો ન હતો. તે કંઇ બોલે એ પહેલાં મિલાન ટ્રકવાળાને સમજાવવા તેની પાસે જવા લાગ્યો.

સલોની હરખથી ઉછળીને બોલી:'પપ્પા, મિલાન અહીં એક મહિનો રહીને ગયા એમાં ચમત્કાર થઇ ગયો! એમની બધી બીમારી ગાયબ થઇ ગઇ હતી. પરંતુ એક મહિના પછી એમની જૂની જીવનશૈલી અપનાવી લેતાં બીમારીઓ પાછી આવી ગઇ છે. હવે કોલેસ્ટ્રોલ પણ વધ્યું છે. ડોકટરે કહ્યું કે વજન વધી રહ્યું છે એટલે હ્રદયરોગની સંભાવના વધી જશે. અને મિલાને એક અઠવાડિયું વિચાર્યું. જો ગામમાં બીમારી વગર તંદુરસ્ત જીવન જીવાતું હોય અને કામધંધો પણ મળી જાય એમ છે તો ત્યાં જ જવું જોઇએ. બસ રાતોરાત એમ નક્કી કરી સામાન ભરાવી લીધો. શહેરનું ઘર ભાડે આપી દીધું. એ તો કહેવા લાગ્યા કે જે માટીમાં જન્મ્યો એમાં જ હવે જીવીશ. શહેરમાં સવારથી જ વાહનોના જાતજાતના હોર્ન ચાલુ થઇ જાય છે. ત્યાં તો ઉઠતાની સાથે પક્ષીઓના મીઠા ટહુકા સાંભળવા મળે છે. સાંજે લોકો ડિસ્કો ક્લબમાં નાચવા અને દારૂ પીવા જાય છે. ગામમાં હરિના ભજનમાં રસતરબોળ થવાની મજા આવે છે. અહીનું જીવન મશીન જેવું લાગે છે. ત્યાં ખુલ્લી શુધ્ધ હવામાં માણસની જેમ જીવવાનું મળે છે... હું બહુ ખુશ છું...હવે કાયમ માટે અમે અહીં રહેવાના છે...'

'અમારું તો ઘડપણ સુધરી ગયું બેટા...એને આપણા મલકની માયા લાગી ગઇ ખરી!' બહાર આવી પહોંચેલા મીનાબેન સલોનીના શબ્દો સાંભળી બોલ્યા.

'અને અમારી જિંદગી સુધરી ગઇ. ચાલો...સામાન ખાલી કરાવીએ...' કહી સલોનીએ ખુશીથી ટ્રક તરફ ડગલાં ભર્યાં.

થોડે દૂર હરિયાના સ્વરમાં ભજન ગવાઇ રહ્યું હતું...રિયોને આપણા મલકમાં, રે હાલો...

Rate & Review

atul chadaniya

atul chadaniya 2 months ago

mahesh damaniya

mahesh damaniya 4 months ago

Mital Thakkar

Mital Thakkar Matrubharti Verified 4 months ago

Rakesh Thakkar

Rakesh Thakkar Matrubharti Verified 4 months ago

Bindu Mody

Bindu Mody 4 months ago