Nehdo - 77 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 77

નેહડો ( The heart of Gir ) - 77

રાધી અને કનો રોજ માલઢોર ચરાવવા આવતા ત્યારે ગીર હરીભરી અને વધારે રળિયામણી લાગતી હતી. આજે રાધી વિના કનો ઓશિયાળો હતો, ને કના વગર રાધી અડધી અડધી લાગતી હતી. અને આ બંને વગર ગીરનું જંગલ ભર ચોમાસે હરિયાળુ હોવા છતાં ફિક્કું લાગી રહ્યું હતું. પહેલા ઢેલડિયુંની પાછળ પાછળ કળા કરીને ફરતાં મોરલા ગેહકતા હતાં,જે અત્યારે શાંત થઈ ઢેલડીયુંથી આઘે આઘે રહીને પીંછાનો ભાર હળવો કરી ચણી રહ્યા હતા. ડેમના પાણીમાં તરતું બતકનું જોડું અત્યારે એકલું થઈ અલગ-અલગ પાણીમાં તરી રહ્યું હતું. ખાખરાનાં ઠોંગે માળો બાંધીને રહેતા હોલડાનું જોડું પણ અત્યારે વિખાયેલું લાગતું હતું. માદા હોલુ આજુબાજુમાં ક્યાંય દેખાતું ન હતું. નર હોલુ ગમગીન સ્વરે ગળુ ફુલાવી ઘુઘુ..ઘુ... ઘુઘૂ.. ઘુ.... બોલીને ઉદાસીમાં વધારો કરી રહ્યું હતું. નવરંગ પંખીનું જોડું પણ માળામાં ઈંડા મૂકીને ક્યાંય ઉડી ગયું હતું. સાવજે કરેલ શિકારના વધેલા અવશેષમાંથી પોતાની મજબૂત અણિયાળી ચાંચ વડે કાગડા ઠોલી રહ્યા હતા. અને ક્રો.. ક્રો..બોલીને જંગલની ઉદાસીમાં વધારો કરી રહ્યા હતા. કાયમ ટોળામાં રહીને ટેં...ટે.. નો શોર મચાવતાં લલેડા પક્ષી શાંતિથી ઝાડવાની ડાળી પર બેસીને ગીરના જંગલની સાથે ચુપકીદી સેવી રાખી હતી. વડલાના ઝાડ પર રહેતી ખિસકોલીઓ વડલાની ડાળીઓ ઉપર દોડાદોડી કરીને મસ્તી કરતી જોવા મળતી હતી. જે વડલાના પાકા ટેટા તોડીને પોતાના આગળના પગે પકડી બે પગ પર ઊંચી થઈ પોતાની લાક્ષણિક અદામા ખાઈ રહેલી જોવા મળતી.તે ખિસકોલીઓ પણ અત્યારે વડલાની ડાળી પર પોતાના પગ ફેલાવી પેટ ચોંટાડીને બેઠેલી હતી. કેમ જાણે આજે તેને ક્યાંય મન લાગતું ન હોય!
કાયમ સિંહણનો પીછો કરતો અને પોતાની કુદરતી ગંધને પોતાના વિસ્તારમાં મૂત્ર દ્વારા કે ઝાડવાના થડ સાથે પોતાનું શરીર ઘસીને પોતાનો વિસ્તાર મજબૂત કરવામાં મશગૂલ હાવજની સિંહણ ક્યાંક જતી રહી હોય તેવું લાગતું હતું. જેને શોધવા આખા દિવસના રઝળપાટ અને અથાગ પ્રયત્નથી થાકી ગયેલો અને ભૂખને લીધે હાંફી ગયેલો સાવજ ઝાડવાના છાયડે બેઠો બેઠો જીભ બહાર કાઢીને હાંફી રહ્યો હતો. મોઢામાંથી બહાર લબડી રહેલી જીભ પરથી લાળ ટપકી રહી હતી. વળી પાછો કંઈક હંસળ થાય ત્યાં એ તરફ કાન ધરીને ઉહા... ઊહા... હા..જેવાં અવાજો કાઢીને પોતાની સિંહણ ખોવાયાની લાચારી પ્રગટ કરી રહ્યો હતો.
જે હિરણ નદીને કાંઠે જ્યારે કનોને રાધી બેઠા હોય ત્યારે ગાંડી ઘેલી થતી હિરણ પોતાનું પાણી ઉછાળી બંનેને ભીંજાવી જતી હતી. તે હિરણ પણ આજે આ જોડાની રાહે ડાઈ ડમરી થઈને અજંપા ભરી ખળખળાટી કરતી આગળ વધી રહી હતી. કાયમ જોડામાં રહેતા લાલ માથાવાળા સારસ પક્ષીમાનું એક અત્યારે તેના કાયમી ઠેકાણે ડેમના છીછરા પાણીએ આવી ગયું હતું. પરંતુ આજે એક જ સારસ દેખાઈ રહ્યું હતું. કોણ જાણે બીજા સારસને કોઈ શિકારી પ્રાણી કે પક્ષી એ પોતાનો શિકાર બનાવી દીધું હશે? જેના વીરહમાં કાંઠે ઉભેલું સારસ કંઈ ખાતુ પીતું ન હતું. તે બસ દૂર સુધી પાણીને પેલે પાર નજર કરી રહ્યું હતું. તો ઘડીક આકાશ તરફ નિરાશ નજરે તાકી રહ્યું હતું. આકાશમાં ગોરંભાયેલા વાદળમાંથી જાણે હમણાં વરસાદ નહીં પણ નિરાશા ટપકી પડશે તેવું ગમગીન વાતાવરણ હતું. સારા વરસાદને લીધે ચારે બાજુ ઊગી નીકળેલું ઘાસ ચરી રહેલ ગાયો ભેંસો પણ એક ધ્યાન થઈ ચબડ...ચબડ ખાઈ રહી હતી.નહિતર આવું ઘાસ જોઈને માલઢોર રમણયે ચડે છે. તે પોતાનો આનંદ વ્યક્ત કરવા પૂછડા ઊંચા કરીને દોડા દોડી કરી રૂંબાડે ચડે છે. પણ જાણે ગાયો ભેંસો પણ ગંભીર વાતાવરણને કારણે ગમગીન લાગી રહી હતી.અને શાંતિથી ઘાસ ચરી રહી હતી.
આમલીના જુના ઝાડની બખોલમાંથી ચીબરી બહાર નીકળી તેના કર્કશ અવાજે ચિત્કારી રહી હતી. ચીબરીનું દિવસે બોલવું અમંગળ ગણાય છે. ચીબરી નો ચિત્કાર વાતાવરણમાં બેચેની અને ભય ઉમેરી રહ્યો હતો. કાયમ માલઢોરનો પગલે પગલે પીછો કરતા બગલાનો ઘેરો પણ હજી સામે ખાખરાના ઝાડની ટોચે બેઠો હતો. આજે હજી બગલાને પણ માલઢોરની પાછળ ફરી જીવડા વીણવાની ઉતાવળ ના હોય તેમ લાગતું હતું. જીવડા વીણવામાં બગલાના સાથીદાર એવા કાબરા પણ બાવળની તીરખી ઉપર હાર બંધ બેઠેલા હતા.
ગોવાળિયાઓને માલઢોર ચરાવવા એ કામ વેઠ નથી લાગતી. તે બધા આખો દિવસ મોજ કરતા કરતા પોતાનું કામ કરે રાખે છે. દિવસમાં બે ત્રણ વાર ચા બનાવીને પીવે. રોજ બપોરે ગરમ શાક બનાવી બધા ભેગા જમે. તેમાં પણ ભરપૂર ચોમાસુ હોય અને ઘાસચારાથી ગીરનું જંગલ ઉભરાતું હોય ત્યારે તો ગોવાળિયાની મોજ જ જુદી હોય છે. બધા ડાયરો ભરીને બેઠા હોય માલઢોર ઘાસમાં ચરવામાં પોળી ગયા હોય. પછી તેઓ એકબીજાની મશ્કરીએ ચડે ને જોર જોરથી હસતા હોય તો કોઈ કોઈ ગોવાળિયા નરવ્યા ગળે ગીર ગજાવતા દુહા છંદની રમઝટ બોલાવતા હોય. કે લોકગીત લલકારતા હોય. પરંતુ આજે માલમાં કનો કે રાધી એ કે નહોતા. તેની અસર હોય કે ગમગીનીથી ભરેલા વાતાવરણની અસર હોય કોણ જાણે! પરંતુ ગોવાળિયા પણ આજે છુટા છુટા ગુમસુમ થઈ બોલ્યા ચાલ્યા વગરના માલઢોરનું ધ્યાન રાખી બેઠા હતા. હંમેશા ચોમાસામાં રૂડીને રળિયામણી અને પંખીડાના ગાનથી ગુંજતી ગીરને આજે કોણ જાણે કોકની નજર લાગી ગઈ હોય તેવું લાગતું હતું.
રોજ માલઢોર ચરાવવા આવતો કનો પણ હવે જંગલમાં ક્યારેક જ આવતો હતો. રાધી વિના ગીરનુ જંગલ કનાને સુનુસુનું લાગતું હતું. હિરણ નદીનો કાંઠો જોઈને પણ કનો રાધીની યાદોમાં ખોવાઈ જતો હતો. એક દાડાની વાત છે. કનોને રાધી બંને હિરણનદીને કાંઠે મોટા પથ્થર પર નદીમાં વહેતા નિર્મળ નીરમાં પગ જબોળીને બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. સામે કાંઠે નદી તરફ ઝૂકીને ઉભેલા હરમાની ડાળ પર ચમકતા વાદળી રંગનો અને કેસરી લાંબી ચાંચવાળો કલકલીયો (કિંગફિશર )પાણી તરફ ધ્યાન ધરીને બેઠો હતો. રાધીએ કનાને તેના તરફ ધ્યાન રાખવાનું કહ્યું. બંને જણા કલકલીયાને એક નજરે તાકી રહ્યા હતા. અચાનક કલકલીયાએ પાણી તરફ ડાઇવ મારી. બંને પાંખો સંકોડીને રોકેટ જેવા આકાર કરી કલકલિયો પાણીમાં ગરકાવ થઈ ગયો. થોડી સેકન્ડો થઈ હશે ત્યાં પાણીની સપાટી પર સળવળાટ થયો. કલકલિયો પ્રગટ થયો પાંખો ફેલાવી ઉડીને ફરી પાછો હરમાની ડાળીએ બેસી ગયો. તેની ચાંચમાં એક માછલી પકડેલી હતી. જેને ઘડીક ચાંચમાં મમળાવી પછી ઊંચી ડોક કરી કલકલિયો માછલીને ગળી ગયો. કનો આ જોઈ ખૂબ પ્રભાવિત થયો હતો. કનોને રાધી આ દ્રશ્ય જોવામાં મશગુલ હતા. ત્યાં એક મગર પાણીની અંદર આ બંનેના પગના સળવળાટને લીધે ખેંચાઈને આવ્યો હતો. મગર એકદમ નજીક આવી જતા નિર્મળ પાણીમાં રાધીની પારખુ નજર તરત મગરને ઓળખી ગઈ. મગર હુમલો કરે એ પહેલા રાધીએ પોતાના પગ ઉપર લઈ લીધા અને કનાને પાછળ તરફ ધક્કો મારી પાણીની બહાર પાડી દીધો. આવી રીતે રાધીએ બંનેનો જીવ બચાવી લીધો હતો.
આવી આવી તો કેટલીયે રાધીની યાદો દરેક જગ્યા સાથે જોડાયેલી છે. જે કનાના મનને વિચલિત કરી દે છે.ને રાધી વગર ગમગીની કરી દે છે. એટલે જ તો હવે કનાને ગીરના જંગલમાં માલઢોર ચરાવવા આવવું ગોઠતું નથી.
ક્રમશ....
(શું હવે રાધી ક્યારેય રૂડીને રળિયામણી ગીરના જંગલમાં નહીં આવે? જાણવા માટે વાંચતા રહો "નેહડો(The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts app no. 9428810621



Rate & Review

Priti Patel

Priti Patel 2 weeks ago

Rajendra Patel

Rajendra Patel 2 months ago

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Balkrishna patel

Balkrishna patel 5 months ago

rupashangbhai kalabhai

ખુબજ સરસ ,કુદરત ના ખોળાનો વાસ્તવિક અનુભવ કરાવતું પુસ્તક.