RETRO NI METRO - 4 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 4

રેટ્રો ની મેટ્રો - 4

ફિલ્મ જગત અને ફિલ્મ સંગીતની વાતમાં તમને રસ પડવા માંડયો છે ખરું ને? જુઓને ,એટલે જ તો તમે મારી રેટ્રો ની મેટ્રો માં સફર ખેડી રહ્યા છો. તો આજની સફરને આનંદદાયક બનાવવા માટે એક સરસ મજાનું ગીત યાદ કરીએ -"અખિયો કે ઝરોખો સે"ફિલ્મનું ટાઈટલ સોંગ.જેના સંગીતકાર રવિન્દ્ર જૈન, તેમનું સંગીત 20 મી સદીના આઠમા દાયકામાં પાશ્ચાત્ય સંગીતના પ્રભાવના જમાનામાં પણ ભારતીયતા ના રંગે રંગાયેલું હતું છતાં તે અત્યંત લોકપ્રિય ધૂનો બનાવતા.ખમાજ તેમનો પ્રિય થાટ. જો કે અન્ય થાટો અને રાગો પરથી પણ એમણે ઘણી સુંદર રચનાઓ બનાવી.મુખ્યત્વે તેમના ઓરકેસ્ટ્રા નો આધાર બાંસુરી,સિતાર,તબલા અને સંતુર કે વાયોલીન રહેતા.શાસ્ત્રીય રાગો નો આધાર હોવા છતાં સ્વરોના લાજવાબ મિશ્રણથી તથા લોક- સંગીતના રંગે રંગાયેલી અત્યંત આકર્ષક મધુર ધૂનો તેઓ બનાવી શકતાં.૧૯૭૮માં પ્રદર્શિત થયેલી ફિલ્મ"અખિયો કે ઝરોખો સે"થી તેમની લોકપ્રિયતા એ નવા શિખરો સર કરી લીધા.આ ફિલ્મનું ટાઈટલ સોંગ હેમલતાના સ્વરથી ઓર નિખરી ઉઠ્યું. હૈદરાબાદમાં મારવાડી બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અને કોલકત્તામાં ઉછરેલા લતા ભટ્ટ એટલે કે જેમને આપણે હેમલત્તા તરીકે ઓળખીએ છીએ તે મધુર સ્વર ધરાવતા ગાયિકા.શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ પામેલા હેમલતા 1977 થી 1981 દરમિયાન પાંચ વાર ફિલ્મફેર બેસ્ટ ફિમેલ પ્લેબેક એવોર્ડ માટે નોમિનેટ થયા અને 1977 ની ફિલ્મ "ચિત્તચોર"ના ગીત-તું જો મેરે સુર મેં સુર મિલા લે- માટે આ એવોર્ડ જીત્યા પણ ખરા. અભિનેત્રી યોગીતા બાલી ના ભાઈ સાથે લગ્ન કરનાર હેમલતા એ રવિન્દ્ર જૈનના સંગીત નિર્દેશનમાં ઘણાં સરસ ગીતો ગાયા પણ તેમની પાસે પહેલું સોલો સોંગ ઉષા ખન્ના એ 1968 માં ગવડાવેલું. હેમલતા એ હિન્દી ઉપરાંત હરિયાણવી,રાજસ્થાની, ઉર્દુ, નેપાળી,પંજાબી, મલયાલમ, ઉડિયા,ભોજપુરી, બંગાળી જેવી ભાષાઓમાં પણ ઘણા ગીતો ગાયા છે.
રેટ્રો સોંગ્સ નાં ચાહકોને જો પૂછવામાં આવે કે હિન્દી ફિલ્મ સંગીતમાં,સંગીતકાર ઓ પી નૈયર નું સૌથી મોટું યોગદાન શું? તો તરત જ જવાબ મળે રીધમ. પર્કશન્સ સેક્શનમાં તેમના ઈનોવેશન્સ એટલા આકર્ષક હતા કે તે ઓ.પી.નૈયર નાં ટ્રેડમાર્ક બની ગયા. બંદા પરવર થામ લો જીગર (ફિર વહી દિલ લાયા હું) જરા હોલે હોલે ચલો મોરે સાજના(સાવન કી ઘટા) યું તો હમને લાખ હસીં દેખે હૈ(તુમ સા નહિ દેખા) પિયા પિયા પિયા મોરા જીયા પુકારે (બાપ રે બાપ) જેવા નૈયર બ્રાન્ડ ગીતો યાદ કરીએ તો ઘોડાગાડી ની રીધમ આપોઆપ મનમાં ગુંજવા માંડે.નૈયર આ કમાલ એક સ્પેનિશ પર્કશન દ્વારા તેમના ગીતોમાં લઈ આવતા. લાકડાના બે ગોળ ટુકડા એટલે કે સ્પેનિશ પર્કશનનો બોહળા પ્રમાણમાં ઉપયોગ ઓ પી નૈયરે તેમના સંગીતમાં કર્યો. આ વાજિંત્ર દ્વારા નૈયરે કેવી રીતે ગીત ને આકર્ષક બનાવ્યું તે જાણવું હોય તો 'આઈયે મહેરબાન' (હાવડા બ્રિજ) ગીત સાંભળો જ્યારે આશા ભોંસલે 'ઇશ્ક કે ઇમ્તિહાં'ગાય છે તેના પછી સ્પેનિશ પર્કશનની અદભુત રીધમ ન હોત તો ગીત આટલું આકર્ષક બની શક્યું હોત?'આવા દમદાર સંગીતકાર ઓ પી નૈય્યર જેની મૂળ છાપ તો સફેદ વસ્ત્ર ધારી વિલાસી જીવન જીવનાર સંગીતકારની, આ કારણે જ પરિવારથી તેઓ દૂર થઈ ગયા હતા અને વર્ષો સુધી(જીવનના અંત સુધી)થાણે માં પેઇંગગેસ્ટ તરીકે એકલા રહેતા હતા.તેમના ઋજુ સ્વભાવનો પરિચય ચાહકોને થાય તેવો એક પ્રસંગ યાદ કરીએ.એકવાર ઓ પી નૈય્યરને ખબર પડી કે સંગીતકાર વિનોદ ખૂબ બીમાર છે અને પરિવાર ભયંકર આર્થિક મુશ્કેલીઓ વેઠી રહ્યો છે એટલે નૈય્યર સાહેબ તરત જ તેમના ઘરે પહોંચી ગયા. હવે સંગીતકાર વિનોદનાં સ્વમાનને ઠેસ ન પહોંચે તે રીતે એમને આર્થિક મદદ કરવી કઈ રીતે? નૈયર સાહેબે વાત વાતમાં જાણી લીધું કે વિનોદ ની દીકરી નૃત્ય શીખે છે એટલે તેમણે એ નાનકડી દીકરીને બોલાવી તેની નૃત્યકલા બતાવવા કહ્યું. નૃત્ય એમણે એટલા માટે જોયું કે નાનકડી દીકરીને ઇનામ રૂપે કેટલીક રકમ આપી શકાય અને એ રીતે આર્થિક ભીંસ ભોગવતા એ પરિવારને ટેકો કરી શકાય.આવા કોમળ હૃદયી હતા નૈય્યર સાહેબ.
ચાલો હવે વાત કરીએ,લિજેન્ડરી સંગીતકાર જોડી શંકર-જયકિશનના સંગીતની.એક મુલાકાતમાં શંકરે કહ્યું હતું કે "ગીત કંપોઝ કરતી વખતે રાગ, પટ્ટી વગેરેનો વિચાર કરીને તેઓ કમ્પોઝિશન નહોતા કરતા.એકવાર સિચ્યુએશન મગજમાં બેસી જાય પછી તેને ધ્યાનમાં રાખીને સંગીતની અભિવ્યક્તિ વિચારાતી. છેવટે જે સર્જાય તે સાંભળ્યા પછી જ જણાતું કે કયો રાગ છે અને કયો તાલ." શંકર- જયકિશનના સંગીત માટે સુહાસચંદ્ર કુલકર્ણીએ કહેલું કે"તેમના સંગીતની સાદગી પણ અલૌકિક લાગે." એવું પણ કહેવાતું કે "એમની ધૂનો માં એટલી ગહેરાઈ હતી કે તમે તેને પિયાનો પર વગાડો,મેંડોલિન પર કે ગિટાર પર ,એમ જ લાગે કે એ ધૂન એ જ વાદ્યને ધ્યાનમાં રાખીને બનાવાઇ છે." આ સંગીતકારોએ ફિલ્મ સંગીતના ઑર્કેસ્ટ્રેશનમાં મોટી ક્રાંતિ લાવી દીધી હતી. મોટા ઑર્કેસ્ટ્રા સાથે જ તેઓ ગીતો રેકોર્ડ કરતા. મોટેભાગે ગીતોના રેકોર્ડિંગ માં 50થી વધુ તો વાયોલિન વાદકો જ રહેતા.હવે અંદાજ આવે છે ને કે તેમનું ઓરકેસ્ટ્રા કેટલું વિશાળ હશે ? એક સમય એવો હતો કે શંકર જયકિશન નો ફિલ્મમાં સંગીત આપવાનો ચાર્જ ફિલ્મી સિતારાઓ કરતા પણ વધારે રહેતો અને છતાં તેમને કરારબધ્ધ કરવા નિર્માતાઓની લાઈન તેમના સ્ટુડિયો પર લાગેલી રહેતી. ફિલ્મ "સંગમ" પછી શંકર અને જયકિશન વચ્ચે કેટલાક મનમુટાવ ઉભા થયા જેને કારણે 1965 મા પ્રદર્શિત થયેલી રામાનંદ સાગર ની ફિલ્મ "આરઝુ" નું સંગીત ફક્ત જયકિશને પાંચ લાખ રૂપિયામાં તૈયાર કર્યું. જયકિશન વિદેશ હતા ત્યારે ફિલ્મમાં વધુ એક ગીત ઉમેરવાનું નક્કી થયું, ત્યારે તે એક ગીત શંકરે વધારાના ૨૫ હજાર રૂપિયા લઈને તૈયાર કર્યું હતું. "આરઝુ" ફિલ્મનું એ ગીત એટલે આશા ભોંસલે, મુબારક બેગમ અને સાથીઓના સ્વરમાં ગવાયેલ કવ્વાલી "જબ ઈશ્ક કહીં હો જાતા હૈ".
"રેટ્રોની મેટ્રો"નું વિરામ સ્થળ આવી ગયું છે. એટલે હમણાં તો વિરમીએ.રેટ્રો ચાહકો, આવી જ કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે આપણી સફર આગળ વધશે તો સફરમાં જોડાવાનું ચૂકશો નહીં.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.

Rate & Review

Lata Suthar

Lata Suthar 3 months ago

Hetal Bhatt

Hetal Bhatt 5 months ago

Shwetal Patel

Shwetal Patel Matrubharti Verified 6 months ago

Saloni

Saloni 6 months ago

Dhyey

Dhyey 6 months ago