Site Visit - 1 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 1

સાઈટ વિઝિટ - 1

પ્રસ્તાવના

આ એક અલગ પ્રકારનાં કથાવસ્તુ અને સાવ અલગ પૃષ્ઠભૂમિમાં લખાયેલી એક દિલધડક, રોમાંચક નવલકથા છે.

વાર્તાનો નાયક એક આર્કિટેક્ટ છે. તે ઉપરાંત તે કહેવતોનો ભંડાર છે અને વારે વારે આપણી કહેવતો બોલે છે. આર્કિટેક્ટ એટલે આપ સહુ જાણતા હશો કે જે મકાનોના પ્લાન અને ડીઝાઇન બનાવે, જે કોઈ પણ કંસ્ટ્રકશન માટે જરૂરી માળખાં ઉપરાંત તે જગ્યાનો ઉપયોગ સમજી વિચારી તે વાપરનારાઓની વપરાશ માટેની સુવિધાઓનો વિચાર કરે અને એ માટે બારીકીથી ડીઝાઇન કરે તે મુજબ બાંધકામ થાય જે દેખાવમાં સુંદર લાગે ઉપરાંત ઘણો વખત ટકે અને જે જરૂર માટે તે બાંધકામ બનેલું તે યોગ્ય રીતે પૂરી થાય તે રીતે સૂચનો આપે.

જ્યાં આવી જગ્યા બનાવવાની હોય ત્યાં પહેલાં તો ઉજ્જડ પ્લોટ જ હોય. તેની જમીન કેમ એ બાંધકામને યોગ્ય બનાવવી, ત્યાં કયા સમયે શું ચણવું કે ઇન્સ્ટોલ કરવું એ બધું નિશ્ચિત કરવા આર્કિટેક્ટ ડીઝાઇન કરે પછી તે સાઈટ પર બધું તેણે સૂચવ્યા મુજબ થાય છે કે નહીં અને જો શરૂ ન થયું હોય તો ક્યાં શું કરવું તેનો ક્યાસ કાઢવા તેને પ્રાથમિક સાઈટ વિઝિટ કરવી પડે છે.

અહીં આપણો નાયક એવી એક ખૂબ અંતરિયાળ જગ્યા પરની સાઈટ વિઝિટ કરવા જાય છે. પોતે ત્યાં કામ કરવાનું હોય તેથી ભાડે વાહન કરીને કે ક્લાયન્ટ બુક કરે તે વાહનમાં જતો હોય પણ અહીં સંજોગો એવા છે કે તેને પોતાની અંગત કાર લેવી પડે છે. ખૂબ લાંબો રસ્તો હોઈ તે ખૂબ વહેલો નીકળે છે. સાથે તેની યુવાન, હસમુખી, ચતુર અને એકદમ સુંદર નવી આસિસ્ટન્ટ છે.

તેમને આ વિઝિટ દરમ્યાન થતા અતિ વિચિત્ર અનુભવો અને તેમાંથી બહાર આવવા તેમણે ખેડવાં પડતાં સાહસોની વાત આખા કથા પ્રવાહમાં વણી લીધી છે.

યુવાન સ્ત્રીનો સાથ હોય અને તે પણ ઉત્સુક હોય તો રોમેન્ટિક ક્ષણો આવે જ. તેનું વર્ણન પણ યથા સમયે આવે છે.

આ સાઈટ વિઝિટ પર જવાની તેની સફર માત્ર લાંબાં ડ્રાઈવિંગ પુરતી સીમિત ન રહેતાં કલ્પના બહારની મુશ્કેલીઓ ભરી પુરવાર થાય છે. બધી ચેલેન્જ વિશે ન કહું તો તે સફરમાં આવતી રૂંવાડાં ઊભાં કરી દે તેવી કેટલીક ક્ષણોનો અત્રે ટુંકમાં ચિતાર આપીશ.

તેઓ જંગલી કૂતરાઓ વચ્ચે ફસાય છે, તેમનું પેટ્રોલ ખૂટી જાય છે અને ત્યારે તેઓ રણની મધ્યમાં હોય છે, તેની યુવાન આસિસ્ટન્ટનું અપહરણ થઈ જાય છે, નાયકની કાર તો ચોરાઈ જાય છે પણ તે પોતે સાવ પૈસા વગરનો ફરે છે, તેને ખોટા શક પરથી વાર્તા જે દેશમાં બને છે ત્યાંના આરબો કેદ કરી બાંધી રાખે છે, તેની પોતાની જ કાર તે ચોરી ગયો છે કહી પોલીસ પકડે છે અને બાકી હતું તો કોઈ હમશકલ ને કારણે તેની ઉપર છોકરીઓને પકડી લાવી ગેરકાયદે વેંચી મારતો હોવાનો આરોપ મુકાય છે અને પોલીસ રિમાન્ડ પર લે છે. કોઈ જગ્યાએ તેની કારનો પીછો તેને અકસ્માત કરી મારી નાખવા માટે થાય છે, ક્યાંક રણમાં ચક્રવાતમાં તે ફસાય છે અને કોઈ ભલો આરબ તેને મદદ પણ કરે છે.

હવે સાઈટ પર તો રાત્રે નીકળીને બીજી સવારે પહોંચવાનું હતું! આ બધામાં જે દિવસો ગયા તેનું શું? શું તે સાઈટ પર પહોંચે છે? શું ક્લાયન્ટને તે મળી શકે છે? આખી સફર કેવી વિતે છે? આ બધું એક જ યાદગાર સાહસિક સફરમાં વર્ણવ્યું છે.

કથા જ્યાં બને છે તે ઓમાન દેશ છે. તેની રાજધાની એટલે મસ્કત શહેર. તે એક ખૂબ સમૃદ્ધ શહેર છે જ્યાં આપણો ગુજરાતી નાયક પ્રેક્ટિસ કરે છે. મસ્કતમાં ઘણા ભારતીયો રહે છે. ગુજરાતીઓ પણ ઘણા છે.

ઘટનાઓમાં આવતાં સ્થળો સાચે જ અસ્તિત્વ ધરાવે છે પણ ઘટનાઓ કાલ્પનિક છે. ઓમાન એક રણ પ્રદેશ છે અને તેની ફરતે દરિયા કિનારાઓ પણ સારા એવા છે. અહીં તે રણમાં આવેલાં નાનાં ગામો, ત્યાંના હાઇવે, ત્યાંની ડ્રાઈવિંગ સિસ્ટીમ, અમુક ત્યાંના કાયદા, ત્યાંના રિવાજો, વાહનોમાં મળતી સગવડ વગેરે જેમ હોય છે તેમ વર્ણવ્યું છે.

હું, આ નવલકથાનો લેખક એ રસ્તાઓથી અને મસ્કત શહેરથી પરિચિત છું કેમ કે મારો પુત્ર ત્યાં ઘણો લાંબો સમય વસેલો હતો અને અવારનવાર વર્ષે બે ત્રણ મહિના ત્યાં મસ્કતમાં કાઢ્યા હોઈ એ જગ્યાઓ અને આસપાસનું નિરીક્ષણ મેં કર્યું છે જેનો આ નવલકથામાં બને તેટલો રસપ્રદ રીતે ઉપયોગ કર્યો છે. ત્યાંના કેટલાક રિવાજો અને લોકજીવન, ત્યાંની હોટેલો અને ઢાબાનું વાતાવરણ, ત્યાંનાં રણ અને તેની ખાસિયતો, લોકોનાં ઘરો, પહેરવેશ વગેરે જેમ જોયું તેમ વર્ણવ્યું છે જેથી વાચક પોતે ઓમાનમાં ફરતો હોય તેમ લાગે. ઓમાનની એ જગ્યાઓ જ્યાંથી નાયક પસાર થાય છે તેનું વર્ણન કથામાં વણી લીધું છે.

આર્કિટેક્ટનાં કામ વિશે અમુક જગ્યાએ નાયક સાહજિક રીતે સમજ આપે છે. બહુ ટેકનિકલ પાસાંઓમાં ઉતર્યો નથી જેથી વાર્તાપ્રવાહ કંટાળાજનક ન બની જાય.

તો માણીએ એક રોમાંચક સાહસકથા એક અદ્ભુત સાઈટ વિઝીટની.

***

 

1.

"Be quick. આપણે થોડા સમયમાં ઘણું કામ પતાવવાનું છે. એને અમે કહીએ છીએ રાત થોડી ને વેશ ઝાઝા." મેં મારી નવી આસિસ્ટન્ટ ગરિમાને કહ્યું.

તે કોમ્પ્યુટર સામે બેસી આમથી તેમ સ્ક્રિન સ્ક્રોલ કરતી ડીઝાઇન ચેક કરતી રહી અને મેં કેટલાંક કેલ્ક્યુલેશન ફટાફટ મૂકી આસિસ્ટન્ટને ડ્રોઈંગ્સ ડ્રાફ્ટ કરવા કહ્યું ત્યાં મારો ફોન રણક્યો .

મેં ફોન ઉપાડી વાત શરૂ કરી. "યસ સર. ડેફીનીટલી. એક વાર સાઈટ જોઈ લઈએ પછી તમારી રિકવાયરમેંટ મુજબ બધું ડિઝાઇન કરવાની જવાબદારી મારી. યસ. તો તમે સાઈટ પર તમારી ટીમ સાથે મળો છો ને! હાસ્તો. ઇલેક્ટ્રિક, વોટર સપ્લાય, લેન્ડ ડેપ્ત્થ વગેરે માટે concerned સ્પેશિયાલિસ્ટ કહેશે એ મુજબ મારે બધું ડિઝાઇનમાં સ્પેસિફિકેશન કરી મૂકવું પડશે. માઈન્યુટલી. યસ. પ્રોજેક્ટ કાઇં નાનોસૂનો થોડો છે? આખરે કોનો, તમારી અલ ખૂર્શીદ કંપનીનો." મેં ક્લાયન્ટને મોટો ભા કરવા મસ્કો લગાવ્યો.

"શુક્રિયા. તો અમે બધા સ્પેશિયાલીસ્ટ સાથે ત્યાં આવીએ છીએ." ત્યાંના મેનેજરે કહ્યું

"ભલે. તો સાઈટ પર મળીએ. લેટર ફેકસમાં મોકલ્યો ને? ઓકે. વેલકમ." કહેતાં મેં ફોન મૂક્યો અને મારી ખીલતી કળી જેવાં ફૂટતાં યૌવન વાળી ખૂબસૂરત આસિસ્ટન્ટ સામે ફર્યો. તે મારા આદેશ મુજબ ઝડપથી કામ કરી રહી હતી.

તેને મેં બોલાવી એટલે તેણે કોમ્પ્યુટરમાંથી માથું ઊંચું કરતાં મારી સામે જોયું.

"ગરિમા, તારે માટે પણ સારૂં ચેલેંજીંગ વર્ક આવ્યું. આ ફેક્સ જો. આપણા ક્લાયન્ટ અલ ખૂર્શીદ કંપનીએ મોકલ્યો છે. અત્યારે સાવ વેરાન જગ્યાએ શૂન્યમાંથી સર્જન કરવાનું છે." મેં કહ્યું અને મારી આઠમે માળ આવેલી ઓફિસની બારીમાંથી સુંદર સૂર્યાસ્ત જોઈ રહ્યો.

"સર, તમે આ રાત થોડી.., શૂન્યમાંથી સર્જન.. ને એવા વાક્યોનો ઉપયોગ ખુબ કરો છો. મેં પણ ક્યારેક જ સાંભળેલાં." ગરિમાએ કહ્યું.

"યસ. આર્કિટેક્ટ એટલે સાયન્સ લાઇનનો માણસ પણ મૂળભૂત આર્ટ લવર. એમાં લેંગ્વેજ પણ આવે. નહીં તો પણ સ્કૂલ ટાઈમથી મને વકતૃત્વ, વાર્તાલેખન ને એવા શોખ છે એટલે મારી ભાષા સમૃદ્ધ છે. થેંકસ." મેં તેણે આપેલ ફેક્સ જોતાં કહ્યું.

"ઓહ, આણે તો પાણી પીવાનો પણ ટાઇમ ન આપ્યો." મેં વોટર કૂલરમાંથી ગ્લાસ ભરી એકદમ ઠંડું પાણી પીતાં કહ્યું

"ક્યારે આપી સાઈટ વિઝિટ, સર?" તેણે ફાઈલ બંધ કરતાં પૂછ્યું.

"ઘોડે ચડીને માગે છે બધા. 13 મે. આજે તો થઈ 12મી. સાંજે સાત વાગે છે. સાઈટ છે દુકમ ગામમાં. આપણી આ મસ્કતની ઓફીસથી પૂરા 500 કિમી. ડ્રાઇવ કરીને કે ટેક્ષીમાં જતાં સાત કલાક તો ઓછામાં ઓછા લાગે. કાલે સવારે દસ વાગે તેઓ સાઈટ પર મળવા માંગે છે. રાતે ત્રણ વાગે મારે નીકળવું પડશે. હું નીકળું છું. એ સમયે ડ્રાઈવર સાથે કેબ નહીં મળે. ટ્રાવેલ વાળાને રેંટ એ કારનું કહી દઉં. તું ઓફિસ બંધ કરીને નીકળજે." કહેતાં હું ફટાફટ ઉઠ્યો.

"સર, તમને વાંધો ન હોય તો મને … પોઇન્ટ પર ડ્રોપ કરી દેશો? આમ તો રોજ અહીંની મસલત બસ સર્વિસમાં જાઉં છું. એ પહેલાં શેરિંગ ટેક્સી મળે તો એમાં."

ગરિમાએ કામ કઢાવવા એકદમ મીઠું સ્મિત આપતાં પૂછ્યું.

"નો પ્રોબ્લેમ. એમ કર, તું પણ રેંટ એ કાર વાળા પાસે મારી સાથે આવ. આગળ જતાં તારે પોતાને ક્યાંક જવું પડે તો કામ આવે અને જાણકારી મળે." મેં કહ્યું અને અમે સાથે જ ઓફિસ બંધ કરી નીકળ્યાં. મેં જરૂરી ફાઈલો અને ડ્રોઈંગ્સના પ્રિન્ટઆઉટસ સાથે લીધા અને એક કન્ટેનરમાં મૂક્યા.

કન્ટેનર એટલે રામ પોતાનાં બાણ રાખવા પાછળ ભાથું રાખતા એ ચિત્ર જોયું છે ને? એવું ભૂંગળાં જેવું, સિલિન્ડર આકારનું, ઢાંકણાં વાળી પાઇપ જેવું. અમારાં ડ્રોઈંગ એમાં રાખીએ. સાથે પોર્ટફોલિયો હોય એમાં અમારાં મોટાં ટેકનિકલ ડ્રોઈંગ્સ કરેલા કાગળો રાખવાના. હું તો એક નાની બ્રિફકેસમાં મીઝર ટેપ, કાતર, કટર, સેલો ટેપ ને એવું પણ રાખું. અમુક વખતે અમારાં ડ્રોઈંગ માટેની ખાસ પેનોનો પણ એક્સ્ટ્રા સેટ હોય. સંકટ સમયે બધું કામ આવે.

એ બધો લબાચો ગરિમાએ મારા હાથમાંથી લઈ લીધો અને લીફ્ટમાં ઉતરી અમે નજીકના કાર ભાડે આપનારની દુકાને ગયાં.

રેંટ એ કાર વાળાએ અવેલેબલ કાર જોઈ, મેં તેને થોડી ચલાવી ચેક કરી.

"હું રાત્રે અઢી વાગે કાર લઈ જઈશ, તમે તૈયાર કરી રાખો. રણમાંથી અને એકાંત રસ્તે જવાનું છે. પેટ્રોલ પણ ભરી રાખો." મેં સૂચના આપી. બુકિંગ એડવાન્સ આપ્યો અને હવે હું ગરિમાને એના રેસિડન્સ નજીકની જગ્યાએ ઉતારી મારે ઘેર ફોન કરવા વિચારતો હતો.

મેં કાર સ્ટાર્ટ કરી. મારી પત્નીનો ફોન રણક્યો. ચાલુ કારે મેં બ્લ્યુ ટૂથ પર કનેક્ટ કરી હેલો કહ્યું.

ચકુ હતો. મારો પુત્ર. એના નાનકડા અવાજે 'પાપા, ક્યારે આવો છો? આપણે ભાગમભાગ રમવું છે. ચેઇઝ.' તેણે કહ્યું.

"બસ આ આવ્યો હોં! " મેં કહ્યું.

બાળકને તો પિતા ક્યારે આવે ને રમે એની જ રાહ હોય. ઘેર જાઉં એટલે હું એક પ્રોફેશનલમાંથી એક બાપ, એક વત્સલ પતિ બની જાઉં. ઓફિસ ભરી દઉં મારાં કન્ટેનરમાં.

ફોન પર જ મેં કાલની વહેલા જવું પડશે તેની વાત મારી પત્નીને કરી. તેણે સ્વાભાવિક ચિંતા વ્યક્ત કરી કે હું આવા રસ્તે અને આ સમયે એકલો ન જાઉં. એકાંત અને લાંબો રસ્તો, મધરાતનો સમય. સાથે કોઈ આવે તો સારું.

મેં કહ્યું આવા સમયે કોને લઉં?

મારી ગુજરાતીમાં થતી વાત એમ.પી. ની હિન્દીભાષી ગરિમા સમજી ગઈ.

હજી એક મહિના પહેલાં મારી ઓફિસમાં રિકૃટ કરેલી 22 વર્ષની છોકરી. ભર યુવાન. એને સાથે આવવા કેમ કહેવાય? અને આ સાઈટમાં એને હજી કોઈ ટપ્પો નહીં પડે.

"સર, તમારાં મિસિસ કોઈને સાથે લેવા કહેતાં હતાં? મને આવવામાં કોઈ વાંધો નથી. શીખવા મળશે." તેણે કહ્યું.

મેં થોડો વિચાર કર્યો. પછી લાગ્યું કે વાત આમ તો સાચી છે. અમે મારી કાર ઓફિસમાં મૂકી ત્યાંથી રેન્ટ એ કાર લઇ નીકળીએ એમ નક્કી થયું.

રાતે હું સૂતો જ નહીં. ખાલી પડ્યો રહ્યો. અઢી વાગે ઊભા થઈ ફોન કર્યો તો રેન્ટ એ કાર વાળાએ ઉપાડ્યો જ નહીં. શ્રીમતિએ કોફી બનાવી આપી. એક નાના મગમાં ભરી

ગરિમા માટે પણ લઈ લીધી.

ઓફિસ જતા પહેલાં મેં એ શોપ પર જઈ તેના બોર્ડ પર જે નંબર હતા ત્યાં ફોન લગાવે રાખ્યા. આખરે એક ઉપડ્યો. એ કહે કોઈ કાર રેડી થઈ શકી નથી. હવે તો મારી જ કાર લેવાની. સાત દુ ચૌદ કલાક સેલ્ફ ડ્રાઈવિંગ.

મેં ગૂગલ સર્ચ કર્યું. અહીંની અલ સલામ એર વે કે કોઈ ફ્લાઇટ મારે જવું હતું તેની ફ્લાઇટ મારી સાઇટ નજીકનાં શહેરમાં જતી ન હતી. બસ તો હતી પણ એ ઘણા વધારે કલાક લે અને આટલી રાતે ક્યાંથી હોય? આખરે ન છૂટકે હિઁમત કરી મારી કાર લેવાનું નક્કી કર્યું.

પેટ્રોલ પણ 500 કિમી પહોંચે એટલું તો કારમાં ક્યાંથી હોય? અત્યારે તો બધા પંપ પણ બંધ હોય. ભગવાન ભરોસે અમે કાર સ્ટાર્ટ કરી.

(ક્રમશ:)

Rate & Review

Jaydip H Sonara

Jaydip H Sonara Matrubharti Verified 3 months ago

adbhut sir

Dhruv Vyas

Dhruv Vyas 4 months ago

name

name 5 months ago

Balramgar Gusai

Balramgar Gusai 5 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago