Site Visit - 2 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 2

સાઈટ વિઝિટ - 2

2.

અમે અમારી ઑફિસેથી કાર સ્ટાર્ટ કરી. રાતના પોણા ત્રણ વાગેલા. પેલા ડાયલોગ 'દિન અભી પાની મેં હો, રાત કિનારે હો' જેવું હતું. ચારેય બાજુ સંપૂર્ણ શાંતિ. અંધારું એની ચરમસીમાએ હતું. અહીં ભારતની જેમ કૂતરાં પાછળ ન દોડે. અહીં શહેરી વિસ્તારમાં કૂતરાં હોતાં જ નથી. મ્યુનિ. વાળા જીવતાં જ રાખતા નથી.

મેં આદત મુજબ શક્રાદય પેનડ્રાઈવમાં મૂક્યું. ગૂગલ મેપ ઓન કર્યો. મસ્કત છોડી હાઇવે પકડ્યો ત્યારે તો એકદમ અંધારું છવાઈ ગયું. રસ્તો પણ એકદમ કાળો ડામરનો, અંધારાં સાથે મળી જાય એવો. કારની લાઈટ એ જ અમારી દીવાદાંડી, એ જ અમારી માર્ગદર્શક.

મેં બાજુમાં જોયું. ગોરી ગરિમા અત્યંત આછા પ્રકાશમાં વધુ ગોરી લાગતી હતી. સાવ આછા પ્રકાશમાં તેની ગુલાબી શ્વેત ત્વચા ઓપતી હતી. તેની આંખો કારની રસ્તા પર પડતી લાઈટના પ્રકાશમાં ચમકતી હતી. એકદમ કાળી કીકીઓ. તે ઘડીમાં સીધું આગળ જોયે રાખતી હતી તો ઘડીમાં અમારા બે વચ્ચે રહેલ મારા મોબાઈલમાં ગૂગલ મેપ. અમને નીકળ્યાં ત્યારે ડેસ્ટીનેશન 7 કલાક દૂર બતાવતું હતું પણ મસ્કત છોડતાં સાવ સૂમસામ રસ્તે મેં કલાકે 130 ની સ્પીડ કરી કાર ને ક્રુઝ મોડ પર મૂકી દીધી. આટલી સ્પીડે જતાં હવે 5 કલાક 40 મિનિટ બતાવતું હતું.

ગરિમા ઊંઘમાં તો નહીં આવી જાય? એને સાથે લેવાનો હેતુ જ ડ્રાયવરને જાગૃત રાખવાનો હતો. આમ તો આર્કિટેક્ચરનો કોઈ વિદ્યાર્થી ઉજાગરા કરવા ટેવાયેલો ન હોય એમ ન બને. છતાં મેં તેની સાથે વાત શરૂ કરી. પાસ થઈને તેણે ઇન્દોરમાં થોડો વખત નોકરી કરેલી. કલાક દીઠ પેમેન્ટ મુજબ. હું તેના અનુભવોની વાત કઢાવતો રહ્યો. હું કોઈ નાની સરખી વાત કહું તો તે મધ મીઠું 'હું' કહી હોંકારો પુરાવતી રહી.

મેં તેના મોબાઈલમાંથી તેને ગમતાં ગીતો વગાડવા કહ્યું. એણે પોતાના મોબાઈલમાંથી નહીં જૂનાં કે નહીં નવાં એવાં ફિલ્મી ગીતો વગાડવાં શરૂ કર્યાં. નવું જ પુષ્પા ફિલ્મનું ગીત ધમાકેદાર ટોનમાં ગુંજી રહ્યું અને તે પોતાની સાથળો પર તાલ દેવા લાગી. મારું તો સંપૂર્ણ ધ્યાન રસ્તા પર હતું. લગભગ પચાસેક કિલોમીટર દૂર એકાદ શહેર કે અહીં 'રાઉન્ડ એબાઉટ' કહે છે તે ટ્રાફિક સર્કલ આવે અને ત્યાંથી મેપ કહે તેમ સીધા જવાનું કે વળવાનું. અમુક અંતર પછી તો સાવ જ સીધો રસ્તો આવવાનો હતો.

અંધારાંની અંતિમ ક્ષણો જ ડ્રાઈવિંગમાં સાચવવાની હોય છે. લોકોને કાઈં ન હોય ત્યાં સામે કાઈંક છે તેમ લાગે અથવા રસ્તા પર કોઈ અવરોધ હોય તે છેક નજીક ગયા પછી ખબર પડે. 130 ની સ્પીડે તો કાઇંક અડે તો પણ રામ રમી જાય.

મને એ રૂઢિ પ્રયોગ 'રામ રમી જાય' યાદ આવ્યો એટલે મેં ગરિમાને કહ્યો. તે હસી પડી

પેટ્રોલની ટાંકીનો સિમ્બોલ પીળો થઈ બીપ વાગ્યું. મારે પેટ્રોલ પંપ ગોતવો ખુબ જરૂરી હતો. આગલી રાતે જ ટાંકી ફૂલ કરી નાખી હોત જો મારે પોતાની કાર લેવાની છે એવી ખબર હોત તો. મેં ગરિમાને ગૂગલ મેપ ઓન કરી petrol pump near me સર્ચ કરવા કહ્યું. મારાથી ચાલુ ડ્રાઈવિંગ સાથે એ કરાય એમ ન હતું.

એને શરૂમાં ફાવતું ન લાગ્યું પછી રસ્તો સીધો હોઈ ચાલુ કારે એને બતાવ્યું.

એ રીતે જોવામાં ઓચિંતું કોઈ ગામ આવે ને રસ્તો ફંટાય તો મુશ્કેલી થાય. એણે જોયું કે 30 કિમી દૂર જતાં ડાબે વળી બીજા બાર કિમી. એક પંપ છે. અહીં કાર રસ્તાની જમણી બાજુ ચલાવવાની હોય છે અને ભારતમાં હોય તેમ ઓચિંતી સાઈડ લાઈટ આપી બ્લિંકર ઝબકાવતા બીજી બાજુ વળી જઈએ એમ ન થાય. પાછળ પણ 130 ની સ્પિડે કાર ધસમસતી આવતી હોય. છતાં અમારી સાઈડે કોઈ પંપ અનંત અંતર સુધી બતાવતું ન હતું.

મેપ માંથી અવાજ આવ્યો - at the roundabout turn left and then..

તેણે કોઈ ફોર્ક એટલે Y જેવા ત્રણ રસ્તા હોય ત્યાં જવા કહ્યું. એ વખતે હું આગળ નીકળી જાત પણ ગરિમાએ ' સ..ર.. મૂડો, મુડો..' કહ્યું. એ જ વખતે એ ફૉર્ક આવ્યો. એક ગામ શરૂ થયું. મેપમાંથી સ્ત્રી કાઈંક બોલી. એણે લેફટ કહ્યું કે રાઈટ એ ખ્યાલ ન આવ્યો. મેં હવે ધીમી એટલે 75 ની સ્પીડે એકદમ બ્રેક મારી અને કાર લેફ્ટ વાળી અને ફરી રાઈટ લીધી. બાજુમાં બેઠેલી ગરિમા એકદમ મારી ઉપર પડી. મારા ખોળામાં. એ સાથે મારા હાથ સ્ટીયરિંગ પરથી હલી ગયા અને કાર એક બંધ ટી શોપ સાથે અથડાતી રહી ગઈ અને હું બાજુના ખાંચામાં ઘુંસી ગયો.

બાજુમાં કોઈ વીલા જેવાં ઘર પાસે ઢાળ હતો અને તેની પાછળ ડુંગર હતો. કારની બ્રેકની સ્ક્રિચના અવાજ સાથે એ વીલામાં લાઈટ થઈ. એક આરબ બહાર દોડ્યો. મેં સોરી કહી તેને પેટ્રોલ પંપનું પૂછ્યું. તેણે હાઈવેના રસ્તેથી જવાને બદલે શેરીઓમાંથી થઈ ડાબે પછી જમણે પછી વળી ઊંધા પછી જમણે એમ બ્લા બ્લા કહ્યું. અમે બેય પૂરું સમજ્યાં નહીં એટલે તેને ફરી બોલવા કહ્યું જે રેકોર્ડ કર્યું. એ અમારો ગામની અંદરનો ગૂગલ મેપ.

અમે એ રેકોર્ડેડ અવાજ મુજબ જઈ ગામની બહાર સીમમાં આવી પહોંચ્યાં. દૂર કદાચ પેટ્રોલપંપની હોય તેવી લાઈટો દેખાઈ. સવારના સાડાચાર વાગેલા. મોં સૂઝણું કહીએ તેવું આછું ભૂરું અજવાળું થએલું.

હું વળી એ શબ્દ ગરિમાને કહેવા જાઉં ત્યાં સામેથી ડુંગરના ઢાળ પરથી દોડતા આવીને ચારેક જંગલી કૂતરા ગર્જના કરતા કારને ઘેરી વળ્યા.

આસપાસ કોઈ મકાન કે વીલા ન હતાં.

તેમની આંખો પર લાઈટ આવતાં તે ખીજાએલા.

આ કૂતરાઓ વરુ જેવા હોય. તેના કાન અણીવાળા ને બદલે ગોળ અને મોટા હોય. મોં આપણા ચહેરા જેવું ગોળ અને દાંત તથા નખ ખૂબ અણીદાર હોય. એ માણસોને પણ ફાડી ખાય.

કૂતરાઓ મોટેથી ભસતા અમને ઘેરી રહ્યા.

અમે થોડી વાર ઊભાં રહ્યાં. મેં અરીસામાં જોયું. પાછળ કોઈ વાહન આવતું ન હતું. મેં કાર રીવર્સમાં લીધી ત્યાં એક કૂતરો બારી ઉપર કૂદ્યો. સદભાગ્યે કાચ ફૂટ્યો નહીં. કદાચ સ્ક્રેચ પડ્યો. આ કૂતરાઓ ભયાનક હુમલાખોર હોય છે. અમે થોડી વાર ઊભાં પણ કૂતરાઓ ગયા નહીં. ઉલટા કારનાં બોડી પર માથું અને પગ મારવા લાગ્યા. કાર ધણધણી ઉઠી અને પાર્કિંગ બ્રેક મારું તે પહેલાં રિવર્સમાં ચાલતી ઊંધી ઢાળ ઉતરવા લાગી. કૂતરા સામેથી દોડ્યા. પાછળથી પણ બે કૂતરાઓ કાર પર હલ્લો બોલાવવા લાગ્યા.

"સર, જલ્દી ડેકી ખોલો. " ગરિમા બોલી. તે ગભરાયેલી લાગતી હતી છતાં પ્રેઝન્સ ઓફ માઈન્ડ વાપરી તેણે ચીસ પાડી. પાછલું ડોર અમે ઘરનાં લોકો બહારથી આવ્યાં હશું ત્યારે પ્રોપરલી લોક નહીં હોય. તે ખુલી ગયું અને એક કૂતરો બહારથી કારમાં અમારી ઉપર જ કૂદ્યો.

ક્રમશ:

Rate & Review

Shesha Rana Mankad
Kaumudini Makwana

Kaumudini Makwana 4 months ago

name

name 4 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

neha gosai

neha gosai 5 months ago