Site Visit - 7 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 7

સાઈટ વિઝિટ - 7

7

આપણે આપણા આર્કિટેક્ટ મિત્રની સાઈટ વિઝીટ માટેની દિલધડક મુસાફરીમાં તેની અને ગરિમાની સાથે જોડાયાં. આપણે પણ રાતની મુસાફરી ઘોર અંધારે કરી, મિત્રને જંગલી કુતરાઓ વચ્ચે જંગ ખેલી બહાર આવતો જોયો અને પેટ્રોલ પુરાવી અફાટ રણમાં તેની સાથે ઊગતા સૂર્યને જોતાં મુસાફરી કરી ભુલાં પણ પડ્યાં અને સાચો તો નહીં પણ બીજો રસ્તો મળતાં તે રસ્તે ગયાં. મિત્ર બેલડી રણમાં ફસાય છે અને હિમ્મતભેર જાતે જ રેતીમાં ઊંડી ફસાયેલી કાર કાઢે છે. તેમની સાથે કારમાં બળબળતો બપોર અને ગરિમાના શબ્દોમાં સ્વર્ગની સફર માણી અને આખરે એક સમુદ્ર કિનારે આવી પહોંચ્યાં. મંઝિલ હવે સામે કાંઠે છે. તો તેઓ કેવી રીતે પહોંચશે?

તો ચાલો જોડાઈએ આ રોમાંચક મુસાફરીમાં.

**

મને તો ખ્યાલ જ ન હતો કે દુક્મ આ રસ્તે ખાડી ક્રોસ કરીને જવાનું હશે. પેલો રસ્તો ચુક્યા તે અમારાં નસીબ!

કાર સખત ગરમ થઇ અવાજ કરવા લાગેલી. આમેય, એકધારું 550 કિલોમીટર જવું એ પણ આવા રસ્તે એ સહેલું નથી. મેં એ ચેલેન્જ ઉપાડી અને મારી યુવાન આસિસ્ટન્ટ ગરિમાએ સારો સહકાર આપ્યો.

બપોરના દોઢ વાગી ચૂકેલો. ચારે બાજુ જાણે આગ સળગતી હતી. થોડો વિશ્રામ લેવો જરૂરી લાગ્યો.

અમે કાંઠાનાં ગામમાં કોઈ હોટેલ, ઢાબો કે એવું ગોતવા લાગ્યાં. પહેલાં તો ગામનું નામ ગોતવું પડ્યું. કાઈંક અલ આદમ અલ જખીલ એવું હતું. ત્યાં એક નાની હોટેલ ગોતી ત્યાં બેઠાં. બહાર જૂનાં લાકડાંની પાટિયાં જડેલી ખુરશી, જાડાં લાકડાંનું ટેબલ, અંદર જાળીવાળી ગ્રિલ પર કોલસામાં શેકાતાં માંસની વાસ અને આરબી સાફો પહેરીને બેઠેલો માલિક. આવો ટિપિકલ ગેટ અપ હતો એ 'હોટેલ' નો. અમે ટેબલ પર બેસી કોઈ વેજ ડીશ હોય તો પૂછ્યું. ઘણું ઇશારાઓથી પરસ્પર સમજાવ્યું . તેને ચા, ચાય, ટી વગેરે પૂછ્યું. તેણે હકારમાં ડોકું હલાવી 'કરક' મળશે તેમ કહ્યું. કોઈ કપમાં અત્યારે બચેલી લાલ ઘૂમ ચા બતાવી. અચ્છા, આપણી કડક મીઠી ચા ને અહીં અંતરિયાળ ઓમાનમાં 'કરક' કહે છે.

તે બે મોટા પિત્તળના ગ્લાસમાં કરક અને મૂળા, કાકડી, મોટું લીંબુ અને લેટયુસ જેવી કોબીનું કચુંબર આપી ગયો. બે મોટી પીતા રોટી અમારી દેખતાં પેલા માંસ શેકતા સળિયાઓ દૂર કરી એક પત્થરનું તાવડી જેવું મૂકી એના સગડા પર શેકી અને અમને આપી ગયો. મેં આ બ્રેડ, કચુંબરના કેટલા બૈસા તેમ પૂછ્યું. તેણે હાથથી ના પાડી. 'ફ્રી' તેણે કહ્યું. બીજું કાઈં ઓર્ડર કરો તો રોટી આ લોકો ફ્રી આપે છે. મને ખ્યાલ હતો કે અંતરિયાળ ઓમાનમાં આમલેટમાં પણ બીફના કટકા નાખે છે એટલે બે વેજ ઓમલેટ કહી. ભારતમાં ક્યાંય 'વેજ આમલેટ' કહીએ તો નવું લાગે!

ખાવાનું શરૂ કરતાં મેં કહ્યું "હે રામ! સવારે કોનું મોઢું જોઈને નીકળ્યાં હશું?"

ગરિમા તરત બોલી ઉઠી "સર, અરીસામાં. પહેલાં આપણે બ્રશ કરવા જઈએ તો આપણને જ જોઈએ. બાકી તમારે માટે મારું, મારે માટે તમારું."

મારાથી થોડું હસી પડાયું. તે ખુશ થઈ લાગી.

ખાધા પછી જે થાક લાગવો શરૂ થયો! ઊંઘ પણ આવવા લાગી. પણ કારવાંને વિસામો ક્યાં?

મેં તે હોટલવાળાને દુક્મ જવાની બોટનું પૂછ્યું. તેણે ત્યાં મટનભાત હાથથી આરોગતા બીજા ઓમાનીને પૂછ્યું. તેણે અમારી સામે જોતાં કહ્યું કે દિવસમાં ચાર પાંચ ફેરી જાય છે. ત્રીજી ફેરી નમતા બપોરે નીકળે એ હમણાં જ નીકળશે.

મેં ઘડિયાળમાં જોયું. ત્રણ વાગતાં હતા. અમે દોડતાં કારમાં બેઠાં અને તે ઓમાનીને જ જેટીનો રસ્તો પૂછી બોટ ઉપાડવાની જગ્યાએ જવા કાર દોડાવી. કાર પાર્ક કરી ઉતરીએ ત્યાં જ તેનો માણસ અરેબિકમાં કોઈ બૂમો પાડતો હતો અને એક વ્હિસલ વાગી, બોટનું પાટિયું અમે બંધ થતું જોયું. બોટ આગળ વહેવા લાગેલી.

હવે શું? મેં કોઈ નાવિકને અંગ્રેજીમાં પૂછવા કોશિશ કરી. તેણે ઉર્દૂ હિન્દીમાં જ કહ્યું કે આમ તો હવે પછીની ટ્રીપ સીધી રાત્રે જાય, આજે એક મોટી બોટ માછલીઓનાં કાર્ટન લઈ ચાર સાડા ચારે ઉપડશે. એમાં તમે કાર પણ લઈ જઈ શકશો અને ત્યાં સામેનાં બંદરે ઉતરી ત્યાંથી ફરી રણ માર્ગે દુક્મ પહોંચી શકશો. મેં કાર અને અમારી ટિકિટ બૂક ક્યાં કરવી તે પૂછ્યું. તેણે કહ્યું બોટમાં જ ખલાસી ઉઘરાવી લેશે. છૂટા પૈસા આપજો.

હું તો મસ્કતમાં કાર્ડ પેમેન્ટ કરનારો. છુટા નું શું? મેં વિચાર્યું, થઈ રહેશે. વધુ લે તો એના. બીજું શું થાય?

ગરિમા તો કહે ભલે મોડી રાત થાય, પાછા જઈએ. પણ આવા અજાણ્યા રસ્તે ફરી રાતે ભૂલા પડીએ કે રેતીનાં તોફાનમાં ફસાઈએ તો શું થાય?

વળી એ જગ્યા જોઉં તો મને મારા પૂરતો ઘણો ખ્યાલ આવે. એ લોકો તો નીકળી ગયા હશે. મને ઓફિસ જતાં જ એની ઓફિસમાં બેઠે ખખડાવશે. બિચારાઓનો દિવસ બગડ્યો. લેવાદેવા વગરનો.

મેં ત્યાં પહોંચવાનો નિર્ણય જાહેર કર્યો. કદાચ ત્યાં પહોંચતાં રાત પડી જશે. પડશે એવા દેવાશે.

વળી હું કહેવત બોલ્યો!

અમે સાડાચાર વાગે એક ધો કહેવાતી જર્જરિત લાકડાંની બોટમાં બેઠાં અને કાર પણ તેમાં ચડાવી. કાર દરિયાનાં મોજાંઓ સાથે અહીંતહીં અથડાય નહીં એટલે બરાબર બાંધી.

એના ખલાસીના કહેવા મુજબ કાંઠે ઉતરીને પણ કલાક જેવું ડ્રાઇવ કરીને જવાનું છે. ઠીક છે. પલાળ્યું મુંડવું પડે. એટલે કે શરૂ કર્યું અમુક કામ પૂરું કરવું જ પડે. આ કહેવત મેં પગ પલાળતી ગરિમાને કહી. કહેવતનો અર્થ સાંભળી એ ખડખડાટ હસી પડી. એની શ્વેત દંતપંક્તિઓ, હસતી વખતે ફૂલતા ગુલાબી ગાલ હું જોઈ રહ્યો.

હિલોળા મારતી બોટ ચાલી. આમ તો આવી મુસાફરીમાં મઝા આવવી જોઈએ પણ હું હવે અનેક ટેન્શનમાં હતો. ક્લાયન્ટ અને એક્સપર્ટ લોકો શું કહેશે, ત્યાં અંધારું અને એકાંત છે તો શું કરીશ, સાથે યુવાન અને ખૂબસૂરત ગરિમા પણ આજે મારી જવાબદારી હતી. એનું શું, એ લોકો કાલે ભલે ન આવે ને પરમદિવસે આવે અને મને ફરી બોલાવે તો? પાછો વળું તો હજી કાલે રાતે તો હું ઘેર પહોંચું.

અહીં તો ઉનાળામાં પણ સાંજના છ વાગે એટલે સૂર્યાસ્ત થઈ જાય. સૂરજ ધીમેધીમે નીચે આવતો હતો. લુ હવે ઓછી થઈ દરિયાની ઠંડી લહેરો આવતી હતી. સવાપાંચ થયા અને સામેથી ધસમસતાં મોજાંઓ આવ્યાં. દરિયો તોફાની બન્યો હતો. કાર પણ હમણાં ડૂબી જશે તેવી હાલકડોલક થતી હતી. અમે સહુ ભીનાં થઈ રહ્યાં હતાં. સાવ ભીની ગરિમા બેલેન્સ જાળવતી મને વળગીને જ ઊભી ગઈ હતી.

અમારું કાઈં સીધું ઊતરે જ નહીં. ખલાસીએ કહ્યું કે વહાણ મૂળ લક્ષ્ય કરતાં બીજી બાજુ ફંટાઈ ગયું હતું. મૂળ રસ્તો ક્યો હતો ને કેટલા દૂર છીએ એ ખબર પડતી નથી. હવે?

ક્રમશઃ

Rate & Review

name

name 4 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

Vijay

Vijay 5 months ago

Deepa Shah

Deepa Shah 6 months ago

Veena shailesh Amin