Site Visit - 10 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 10

સાઈટ વિઝિટ - 10

10.

આર્કિટેક્ટ માટે સાઈટ વિઝિટ અગત્યની હોય છે પણ આ સાઈટ વીઝીટ તો યાદ રહી જાય એવી વિરલ અનુભવોથી ભરેલી નીકળી. આપણો બહાદુર મિત્ર એમાં આવતી બધી ચેલેન્જ ઉપાડી સફળ થાય છે પણ એને સાથ દેનારી, રસ્તો સુઝાડનારી આસિસ્ટન્ટનું કોઈ અકળ કારણોસર રસ્તે વાડા બાંધી રહેતા લોકો અપહરણ કરે છે.

તેને બચાવવા મિત્ર કૃતનિશ્ચયી છે. પણ કેવી રીતે તે એને છોડાવી શકશે? તે માટે શું કરશે? ચાલો વાંચીએ એની દાસ્તાન.

**

હું દોડતો રહ્યો અને તેઓ પાંચસાત હટ્ટાકટ્ટા લોકો ચીસો પાડતી ગરિમાને ઉપાડી સામે દેખાતા ઊંચા પર્વતો પાછળ કોઈ શેરીમાં ઓઝલ થઇ ગયા.

મને માનસિક રીતે ઝટકો લાગ્યો. એકલો આવ્યો હોત તો મારું જે થવું હોય એ થાત પણ મારે ભરોસે આવેલી મારી ઓફિસમાં મારો આધાર સ્તંભ બની રહેલી આ યુવતીને તો ગુમાવવાનો વારો ન આવત!

હું ખૂબ હતાશા અને ચિંતામાં આવી ગયો. મારે ગમે તેમ કરી કાઈંક કરવું પડશે. ઓમાન પોલીસની પેટ્રોલ વાન રસ્તે મળે તો તેને કહું. એમાં છે એવું કે ઓમાન પોલીસ કહેવાય છે અને છે પણ ખુબ વિનયી પણ જ્યાં સુધી તમે અરેબિકમાં વાત કરી શકો ત્યાં સુધી. બે પાર્ટી સામસામે ફરિયાદ કરે તો જે અરેબિક બોલતી હોય તેનું પલ્લું ભારે. એમ હતું તો પણ અત્યારે હું બીજું કાંઈ કરી શકવાનો ન હતો. પોલીસ દેખાય તો વાત કરું.

મેં પહેલાં તો મારો મોબાઈલ લઈ ક્લાયન્ટ ને અને નંબર મળે તો સર્ચ કરી પોલીસને વાત કરવા તેમને કહું તેમ મેં નક્કી કર્યું.

ઓહ! મોબાઈલ તો મેં ગરિમાને કોઈ ફોન રિસિવ કરવા આપેલો જે કારને ધક્કો લાગતાં પડી ગયેલો. એ કારમાં હશે કે ગરિમા સાથે જતો રહ્યો? હું કાર તરફ દોડ્યો. એન્જિન ફટાફટ બંધ કરી પેલાઓ પાછળ દોડેલો એટલે ચાવી તો મારા ખિસ્સામાં હોવી જોઈતી હતી. એમાં કાર નજીક આવે એટલે બીપ વાગે એવી વ્યવસ્થા હતી. મેં કાર છોડી હતી ત્યાં હું દોડતો ગયો.

ત્યાં સૂમસામ જગ્યા હતી. કાર પણ પેલા લોકોનો કોઈ માણસ કે બીજો કોઈ લઈ ગયો હતો. ટો કરીને કે કોઈ ડુપ્લીકેટ ચાવીથી એ તો કેમ ખબર પડે? મારી કારમાં ડુપ્લીકેટ ચાવી લાગે એવી શક્યતા ઓછી હતી પણ પેલા લોકો રણમાં ફેરવવા જે મોટી અને શક્તિશાળી એન્જિન વાળી કાર ધરાવતા હતા તેનાથી આ કાર ટો ચોક્કસ થઈ શકે. તો તેનાં વ્હીલના પટ્ટા હોય ને? જો હું કી ઇગ્નીશન માં છોડી આવ્યો હોઉં તો પત્યું!

મેં આજુબાજુ જોયું. કારના પટ્ટા હતા. તે ગામ તરફ જતા હતા. હું તે તરફ ઝડપથી ગયો.

એ તેજ ચાલ સાથે વિચાર આવ્યો - પહેલાં તો એ લોકોએ સીધી ગરિમાને કેમ ઉઠાવી લીધી? કદાચ એનો વાડો ઠોક્યો એટલે નુકસાન થયું એ માગવું હોત અને વ્યાજબી હોત તો મેં જાન છોડાવવા આપી પણ દીધું હોત. તેમાંનો એક સીધો ગાળો બોલતો ધસી આવ્યો અને તરત જ બીજાઓ આવ્યા અને કાઈં જ બોલ્યા વગર ગરિમાનું અપહરણ કરી લીધું. એના પૈસા માટે પણ કોઈ વાત નહીં.

મારું મગજ સુન્ન પડી ગયેલું.

મેં ખિસ્સાં ફંફોસ્યાં. અરે! મારું પાકીટ પણ ન હતું. એમાં મારી અહીંની રેસીડંટ પરમીટ પણ હતી અને કારનું લાયસન્સ પણ.

તો હું સાવ ગેરકાયદે ઘૂસી આવેલા માણસ જેવો હતો અને penni less. એક પણ પૈસા વગર, ફોન વગર હું શું કરીશ?

અત્યારે જ મગજ ચલાવવાનું છે.

મેં વિચાર કરી લીધો. પોલીસમાં જઈ ફરિયાદ કરવી અને મારી રીતે પણ કોઈ પણ રીતે તક ઝડપી ગરિમાની તપાસ કરી તેને છોડાવવી. જાનનું જોખમ હોય તો તે પણ લઈને. આમેય હું ચેલેન્જ સામે આવે ત્યારે છેલ્લે સુધી લડી રહેનારો માણસ છું.

13મી, મિટિંગનો દિવસ તો નકામો ગયો. આજે 14મી. જે થાય તે. ગરિમાને છોડાવીશ અને પછી મસ્કત ભેગો થઈ જઈશ.

હું શહેરથી વિરુદ્ધ દિશા તરફ ચાલવા લાગ્યો. હાઇવે પર પેટ્રોલિંગ કારો વારંવાર જોઈ છે અને આ ગુના માટે પકડ્યા ને તે ગુના માટે એવું સાંભળ્યું છે. મોટે ભાગે ઓવર સ્પીડ, જાહેરમાં ઊંધા ફરી મુત્રત્યાગ (એમાં ભારતીયો અને પાકિસ્તાનીઓ જ પકડાય છે!), રોંગ સાઇડ ચલાવવું, ચેકીંગ કરે તો લાયસન્સ કે વીમો ચાલુ ન હોય એવા ગુનાઓ. તો એવી કોઈ પેટ્રોલિંગ કરતી કાર રસ્તે મળશે જ. હું રસ્તા પર આવી એક બાજુ ચાલવા લાગ્યો.

આગળ જતાં અગાઉ કહ્યું એવી એક ઊંચા ઢાળ સાથે પર્વત ચડી બાજુમાં ખીણ જોઈ જેમાં નાનાં નાનાં મકાનો જોયાં.

પરિશ્રમ તો સારો એવો પડ્યો પણ હું રસ્તાની બાજુએ થઈ જતો એ પર્વતીય ઢાળ ચડ્યો અને સામે મકાનો તરફ જવા ઉતરવા લાગ્યો. એ દૂરથી દેખાતાં હતાં એટલાં નજીક નહોતાં. હું સાચવીને રેતી અને ખડકાળ જમીનનો ઢાળ ઉતરતો હતો.

આગળ કાંટાળાં ઝાંખરાં અને ઝાડ દેખાયાં. હું એ તરફ જાઉં ત્યાં માણસ જોઈ એક ત્યાં ચરતું જંગલી ઊંટ મારી તરફ  તીક્ષ્ણ દાંત ફાડતું ગેં.. ગરર.. કરતું દોડ્યું. હું ભાગ્યો પણ તે નજીક આવી ગયું. ત્યાં એની સાથે બીજા ઢાળ પરથી દોડતું બીજું ઊંટ આવી ગયું. અહીં સંતાવાય એવું કાઈં નહોતું. હું ઊભો રહી ગયો અને આપણે ત્યાં ડચકારા કરે છે તેવા કરવા લાગ્યો. મેં નજીકમાં એક પીલુડીનું ઝાડ જોયું. પીળાં ઝીણકાં ફળો ઊગેલાં. ઊંટને ઓફર કરતો હોઉં તેમ ડચકારા કરતો ડાળી હલાવવા લાગ્યો. બેય ઊંટ ખુંખારતા મારી સામે ઉભી ગયાં. એક નાનું બાળ ઊંટ દોડી આવી એની મા ને વહાલ કરવા લાગ્યું. ઠીક. એ મા ને લાગ્યું હશે કે હું એનાં બચ્ચાંને લઈ જઈશ એટલે હુમલો કરવા આવેલી અને મારી હરકત જોઈ મને મિત્ર સમજી અટકી ગયેલી. મેં પીલુડીની ડાળી ખાવા આપતાં તે શાંત થઈ ખાવા લાગી. મેં એનું મોં પણ પંપાળ્યું અને એને થાબડી થપથપાવ્યું.

તેમનાથી પીછો છોડાવી હું આગળ વધું ત્યાં બે મોટા શિંગડાં વાળા, આખે  શરીરે વાળ વાળા પહાડી બકરા મારી પાછળ પડ્યા. તેઓ તો ઢાળ દોડતાં ઉતરવા ટેવાયેલા હોય, હું પામર શહેરી મનુષ્ય એનાથી કેવી રીતે બચું? હું ઘડીમાં તેમની સામે કૂતરાને કરીએ તેમ હટ હટ કરતો તો ક્યાંક આડો તેડો દોડતો ઢાળ ઉતરવા લાગ્યો. એકદમ steep ઢાળ આવતાં હું જોરથી લપસ્યો અને ઢાળ પરથી ગબડતો પડવા લાગ્યો.

ક્રમશઃ

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 4 months ago

name

name 4 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

Vijay

Vijay 5 months ago

Deepa Shah

Deepa Shah 5 months ago