Site Visit - 13 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 13

સાઈટ વિઝિટ - 13

13.

આપણે આ હેરતભરી મુસાફરીમાં જોયું કે માત્ર શકને આધારે નાયકને ત્યાંના nomadic, એકથી બીજી જગ્યાએ રખડતા બેદૂઈન લોકો બંદી બનાવે છે અને તેની આસિસ્ટન્ટને તો ઉપાડી જ જાય છે. તેમને લાગે છે કે તેમની એક યુવાન છોકરી ઉપાડી જનારો આ જ માણસ છે. નાયક તેમને સમજાવવા પ્રયત્ન કરે છે. તેમનો મુખી બીજાઓ સાથે મસલત કરવા તેને તંબુમાં જ રાખીને ચાલ્યો જાય છે

અગાઉ 10 અને 11 માં પ્રકરણમાં જોયેલું તેમ પર્વત પરથી દૂર દેખાતાં ગામ તરફ જતાં નાયકને ત્યાંનાં જંગલી ઊંટો અને બકરાનો સામનો કરવો પડે છે. એમાં એક ઊંટ અને તેનું બચ્ચું જાણે તેને પોતાનો મિત્ર બનાવી લે છે. અહીં તંબુમાં બાંધેલો નાયક છૂટવાનો કોઈ રસ્તો શોધતો હોય છે.

તો શું તેને રસ્તો મળે છે? અપહરણ કરેલી ગરિમા ક્યાં હશે?

વાંચીએ આગળ.

***

ઊંટડી અને બચ્ચું મને જોઈ ખુશ થયાં હોય એમ લાગ્યું. મેં વળી એ 'આહો.. આહો.. હી..' કર્યું. તંબુમાં પડેલાં ઘાસનું બચ્ચાંને નીરણ આપ્યું. ઊંટડી તંબુ સાથે મોં ઘસવા લાગી. પેલું તંબુમાં કુતુહલવશ મોં નાખતું ઊંટ એ ઊંટડીને ઓળખતું લાગ્યું કે એને ઊંટડી ગમી ગઈ. બેય સામસામાં પુંછડી હલાવવા લાગ્યાં. મેં અવાજો અને બુચકારવું ચાલુ રાખ્યું. તંબુની આજુબાજુ કોઈ ન હોય એમ લાગ્યું.

પુરુષ ઊંટ વધુ નીરણ ખાવા કે મને બોલાવવા તંબુની બહારથી એ મજબૂત કેનવાસનું કપડું ખેંચવા લાગ્યું. મને ખ્યાલ આવી ગયો કે તંબુનાં બારણાંની ગાંઠ મારેલી કડી ક્યાં છે. મેં ત્યાં જઈ બૂચકારા અને અવાજો ચાલુ રાખ્યા. તે ત્યાં દરવાજા પાસે આવ્યું. ઊંટડી અને બચ્ચું પણ આવ્યાં. આ પાળેલું ઊંટ અને કદાચ રખડતી ઊંટડી એકબીજાનાં મોં ચાટવા લાગ્યાં. બચ્ચાંએ બારણાંની કડી ખેંચી. મેં ત્યાંથી સહેજ પહોળી થયેલી જગ્યામાંથી હાથ બહાર કાઢ્યો. ગાંઠમાં મોટાં દાતણ જેવી બે સ્ટીક આડી ઊભી ક્રોસમાં ખોસેલી તે ખૂલે એમ ન હતું પણ ત્યાં આગળ તંબુનું કાપડ થોડું ઊંચું થયું. નીચે ખાડો કર્યો હોય તો? મેં એ જગ્યામાંથી હાથ બહાર કાઢ્યા. પુરુષ ઊંટ ત્યાં પંજાથી ખોદવા લાગ્યું અને જોતજોતામાં હું દબાઈને સૂઈને નીકળી શકું એટલી જગ્યા થઈ ગઈ. હું કેનવાસ અને કાંકરાળ જમીન વચ્ચેથી પીસાતો બહાર નીકળી ગયો. બિલાડી શરીર દબાવી કોઈ વંડીના બે સળિયા વચ્ચેથી એમ જ જતી હશે.

ઊંટ અને ઊંટડી મોં ચાટવા અને શરીરો ઘસવામાં મગ્ન હતાં ત્યાં હું મારી સામે જોતાં, નીચે બેસવા જતાં બચ્ચાં પર સવાર થઈ ગયો અને તેની પીઠમાં કિક મારી. તે ભાગવા લાગ્યું. મેં તેની ઉપર બેઠે ભાગતાં ભાગતાં નજીકમાં કોઈ તાર પર સુકાતો સફેદ ઝબ્બો ઉઠાવી લીધો.

ઊંટડી બચ્ચું ભાગતાં તેની પાછળ આવી. બચ્ચું બેસી ગયું. નજીકમાં કોઈ તંબુને ટેકે મોટી ડફલી પડેલી એ પણ મેં ઉપાડી લીધી. મારો જ પગે બાંધેલો રૂમાલ છોડી માથે બાંધ્યો અને ઉપર પેલો ઉઠાવેલો ઝબ્બો ચડાવી લીધો. હવે મારો પહેરવેશ લગભગ બેદૂઈન આરબ જેવો બની ગયેલો. હું નીચે ઉતર્યો અને નજીક આવેલી ઊંટડી નીચે બેઠી એટલે એની ડોકે વળગી એને પીઠમાં કિક મારી ભાગ્યો. એ પાછી પહાડ પર જતી હતી તેને મેં રણ બાજુ વાળી.

ચકુને મસ્કતનાં સવાદી ગાર્ડનમાં ઊંટગાડીમાં બેસાડેલો, એક બીચ પર અમે નાનાં ટટ્ટટુ જેવાં ઊંટ પર સવારી કરેલી પણ આ તો સાચું ઊંટ. એની ચાલ તો એકદમ ઊંચી નીચી હોય. હું માંડ બેલેન્સ રાખતો એની ડોકે વળગી રહ્યો. ઊંટડી ભાગતી ભાગતી કોઈ મોટી સેન્ડ ડ્યુન પાસે આવી પહોંચી. આજુબાજુ અફાટ સોનેરી પીળી રેતીનું રણ આવી પહોંચ્યું. ત્યાં બધે રેતીના ખૂબ મોટા ટેકરાઓ હતા.

આ બધામાં બપોર ઢળી ચૂકેલી. મેં સાંજના આથમતો સૂર્ય જોવા કે રણમાં રાત કાઢવા આવતા લોકો જોયા. બેદૂઈન લોકો જ તેમના ગાઈડ હતા. તેઓ મોટી 4x4 કાર ડયુન્સ પર ચડાવી સ્ટન્ટ કરી પાછા લાવતા હતા. અત્યાર પુરતો હું એક ટુરિસ્ટ ગ્રુપ સાથે થઈ ગયો જેથી પેલા મને કેદ કરનારાઓ પીછો કરે તો જલ્દી પકડાઉં નહીં.

થોડે જઈ હું ગૃપથી અલગ થઈ ગયો કેમ કે એનો બેદુઇન ગાઈડ મને બહારનો જોઈ ઓળખી જાય તો ઉલમાંથી ચૂલમાં પડું. (હાશ! કેટલા વખતે હું કહેવત બોલ્યો!)

મેં એ સફેદ ઝબ્બો વ્યવસ્થિત પહેરી લીધો. રૂમાલનો ફટકો તો માથે હતો જ! હાથમાં ડફ્લી રાખી. હું આજુબાજુ જોતો ચાલવા લાગ્યો.

કેટલાક લોકો પેલા બેદુઇન સાથે ભાવતાલ કરે એ મેં સાંભળી લીધું. માત્ર ડ્યુનની પગે ચાલી સેર અને આજે ચૌદશ કે પૂનમની રાત્રિમાં કેમ્પ ફાયર હું સસ્તામાં કરાવીશ, તેમને ટેન્ટ ગોતવા પડશે એમ કહી સાવ સસ્તા, એ લોકોથી ત્રીજા ભાગના ચાર્જમાં મેં અમુક ટુરિસ્ટ લોકોને મારી સાથે લીધા.

તેમને મારું ફ્લુઅંટ ઈંગ્લીશ સાંભળી નવાઈ તો લાગી. બેદૂઈન તો તોતડું અને ભાંગ્યું તૂટ્યું બોલતા હોય. તેમનાં ગ્રુપોએ મને ગાઈડ તરીકે રાખી લીધો.

મેં સેન્ડ ડ્યુનનો ઈતિહાસ, એ કેમ બને, અહીંની વનસ્પતિ ને એ બધું આર્કિટેકચરમાં ભણેલું જ્ઞાન simplify કરી પીરસવા માંડ્યું. મારી સાથે ટૂરિસ્ટોનું ટોળું થઈ ગયું.

કોઈએ મને તેમની સાથે લાવેલ કેળાં અને બ્રેડ, થર્મોસની કોફી ઓફર કર્યાં. મેં ના ન પાડી. બાંધેલી હાલતમાં પેલા મોં માં રેડેલા સૂપ સિવાય હું બે દિવસનો ભૂખ્યો હતો.

રાત પડી. હું તે સહુને ચાંદની ખુબ સારી દેખાતી હતી તે જગ્યાએ લઈ ગયો. નજીકમાંથી કરગઠીયાં કહે છે એવાં સૂકાં લાકડાં તોડી લાવી મેં અગ્નિ પ્રગટાવ્યો. ડફલી વગાડતાં મેં નાચ શરૂ કર્યો. થોડા ઇન્ડિયન્સ જોઈ 'મેરા નામ રાજુ', 'રામજી કી નિકલી સવારી' ગીત ગાવા લાગ્યો. તેઓ તાળી પાડી તાલ આપવા લાગ્યા. એમાં પણ મેં 'હમ ઇસ દેશ કે વાસી હૈ જીસ દેશમેં ગંગા..' ગાયું તો સહુ મારી સાથે નાચવા લાગ્યા. મેં હેલારો ફિલ્મનું 'મીઠાંનાં રણમાં વાગ્યો રે ઢોલ' ગીત શરૂ કર્યું ત્યારે તો લોકો સાનભાન ભૂલી નાચવા લાગ્યા. એક બે સિવાય કોઈને ગુજરાતી આવડતી ન હતી પણ રણની વાત છે એમ સમજાવી કચ્છનો ઈતિહાસ ટુંકમાં કહી મેં જે લહેકાથી ગાયું એમાં લગભગ બધી સ્ત્રીઓ જોડાઈ. સ્ત્રીઓ જેવા આવડે એવા ગરબા લેવા લાગી.

અમારું સમૂહ નૃત્ય પતતાં મારી તરફ ઓમાની રીયાલમાં પૈસાનો વરસાદ થયો. અમુક ડોલર પણ મળ્યા. મેં એ લોકો સામે ઝૂકીઝૂકીને કુર્નીશ બજાવી.

આપણો ખેલ સમાપ્ત થયો પણ ચાંદની અને તારાઓ હવે જ તેમનો ખેલ બતાવશે કહી મેં તેમને જકડી રાખ્યા. ફરી કોઈએ મને તેમની સાથે ચટાઈ પર બેસી ખાવા કહ્યું. હું બેસી ગયો.

થોડી વાર પછી તેઓ રેતીમાં આડા પડ્યા. હું મારા ઝબ્બામાં કેશ મૂકતો નજીકમાં આંટો મારવા ગયો. મારે પણ ક્યાંક તો સૂવું પડશે ને? એ પણ પેલા બેદૂઈન લોકોથી બચીને!

હું ડ્યુન ની ટેકરીની ધાર પાસે ગયો. અજાણતામાં જ ખિસ્સાંમાં પૈસા ચેક કરતાં દૂર 'બી.. પ' વાગ્યું. મેં હાથ દબાવ્યો. ફરીથી વાગવું ચાલુ રહ્યું.

અરે! આ તો મારી જ કારનું બીપ! મારી કાર હું મસ્કતના મોલના પાર્કિગમાં કે જાહેર સ્થળે શોધવા કી ચેઇનમાં આવું સેન્સર રાખતો. મારી કારે સામેથી મને બોલાવેલો.

ક્રમશ:

Rate & Review

name

name 4 months ago

Balkrishna patel

Balkrishna patel 4 months ago

Indu Talati

Indu Talati 4 months ago

Vijay

Vijay 5 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago