Site Visit - 14 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 14

સાઈટ વિઝિટ - 14

14.

પૈસા વગર, એકલો અટૂલો નાયક બેદુઇન આરબોની કેદ માંથી ભાગી છૂટવામાં સફળ થયો. કામ આવ્યાં તેણે ચારો નાખેલાં ઊંટ. તેને ઊંટ જાણીતી સેન્ડ ડયુન પાસે લઈ આવ્યું જે કોઈ ટુરિસ્ટ પ્લેસ છે. નાયક પોતે ઉઠાવી લીધેલી ડફ્લી સાથે ટૂરિસ્ટોને મનોરંજન કરાવી પૈસા કમાય છે અને ખિસ્સામાં મૂકતાં જ જુએ છે કે તેણે ઉઠાવેલા ઝબ્બામાં તેની ચોરાઈ ગયેલી કે ઉઠાવી જવાએલી કારની ચાવી છે!

વાંચીએ આગળ.

**

ઓચિંતી મળેલી આ સફળતાએ મને ખુશીથી પાગલ જેવો કરી મૂક્યો. હું મારી જ ડફલી વગાડતો નાચવા લાગ્યો. મેં આજુબાજુ કોઈ જોતું નથી તેની ખાતરી કરી ફરી બીપ વગાડ્યું. દૂર કારની પાછળની ફ્લેશ પણ થઈ. અહીં ડ્યુનની નજીક એક સપાટ રસ્તો અને ત્યાં ત્રણ લેનમાં કાર પાર્કિંગ બનાવેલું. એક લેનમાં લાઈનબંધ પચાસ કાર પાર્ક થઈ હશે એમ લાગ્યું. એ વિઝીટર્સની કારો હતી. તે બધી એક લાઈનમાં પાર્ક કરેલી હતી. તેની પણ આગળ કેટલીક મીનીટ્રક, એક જનરેટર વાન, એક ઇટરીનો સામાન લાવેલી વાન અને ગાઈડ લોકોનાં વાહનો પડેલાં. હું લપાતો છૂપાતો મારી કાર સુધી પહોંચી ગયો. તેની ડ્રાઈવરની બીજી બાજુ અરેબિકમાં કોઈ ટ્રાવેલ કંપની જેવું સ્ટીકર પણ લાગી ચૂકેલું. માત્ર 'happy moving with us' એવું અંગ્રેજીમાં જોઈ આ ટ્રાવેલ અને ગાઈડ વાળાની કાર છે તેમ ખ્યાલ આવે. મેં એ જ સેન્સરથી ડ્રાઈવર ડોર ખોલ્યું.

આજુબાજુ કોઈ કારમાં એક ગાઈડ સ્ટીયરીંગ પર પગ રાખી સુઈ ગયેલો, ઈટરી વાળો ફૂડ સ્ટફમાંથી કાકડી મૂળા જેવું ખાઈ રહ્યો હતો. એક મહાશય અહીં ગુનો બને તો પણ કોણ જોવે છે? કારની આડશે મૂત્રત્યાગ કરી રહેલા. એમ જાગતી પબ્લિક વચ્ચેથી કાર લઈ જવી અઘરી હતી. થોડી વાર પછી મેં ઝબ્બાનાં ખિસ્સામાંથી કાઢી ઇગ્નીશનમાં ચાવી ભરાવી. હું કાર રિવર્સ લેવા લાગ્યો. આડી કોઈ મીની ટ્રક હતી. તેનો ડ્રાઈવર આજુબાજુમાં લાગ્યો નહીં. મેં મારી કાર ત્રાંસી લઈ આગળ પાછળ કરી. મિરરમાં જોતાં સાચવીને બે મોટાં વાહનો વચ્ચે કટોકટ જગ્યામાં કાર લાવી દીધી અને બિન્ધાસ્ત હોર્ન વગાડ્યું. દૂર આગ સળગાવી તાપણું કરી ગપ્પા મારતા લોકોમાંથી એક આવ્યો અને તેનું વાહન સહેજ આગલી તરફ લીધું. હું હળવેથી પેલી વ્યવસ્થિત કારો પાર્ક કરેલી લેનમાં પહોંચી ગયો અને કાર થોડી સ્પીડમાં એ લેનમાંથી એકઝિટ તરફ બહાર કાઢી ત્યાં પેલો મોટાં વાહનનો ડ્રાઈવર 'હેલો, હેલો' કરતો મારી કાર પાછળ દોડ્યો. એ વાહન પાછળ પણ એ ટ્રાવેલ કંપનીનું સ્ટીકર કે પેઇન્ટ કરેલું હતું.

બની શકે કે તેણે મફતના ભાવે આ નધણીયાતી કાર લીધી હોય ને થોડા કલાકમાં તેના હાથમાંથી જતી જોતો હોય. તેણે બૂમાબૂમ કરી મૂકી. એ સાથે એના જેવાં સ્ટીકર સાથેની કારોનો કાફલો મારી પાછળ પડ્યો. મેં એક્સેલરેટર પર પગ દબાવ્યો. પાર્ક કરેલી કારોની લાઈન વચ્ચેથી તો નીકળાય એમ ન હતું. પાર્કિંગ લેન આખી પૂરી કરીને જ બહાર નીકળાય તેવું હતું. મેં એક જગ્યા ખાલી જોઈ અને વેગથી એમાં મારી કાર પાર્ક કરી લાઈટ બંધ કરી દીધી. હું નીચો વળી સૂઈ ગયો. તે કારોનો કાફલો આગળ નીકળી ગયો અને ઝડપથી મારો પીછો કરવા જતાં કોઈ રાતવાસો ન કરવા માગતા ટુરિસ્ટની કાર આગળ જતી હતી તેને આ કાફલાની આગલી કારે જોરથી ઠોકી. પાછલી કારો એ આગલી કારમાં અથડાઈ. તેઓ મારામારી પર આવી ગયેલા એ દરમ્યાન મેં ફરી કાર બહાર કાઢી અને બંધ લાઈટે જ ઊંધી બાજુ લીધી. પેલી ફૂડ ટ્રક બહાર નીકળી તેની પાછળ પાછળ હું જતો રહ્યો. એ લોકોએ ક્ષણિક ઝગડો બંધ કરી એ ટ્રકને રસ્તો આપ્યો ને પાછળ હું નીકળી ગયો. મેં એ લોકો પહેરે તેવો સફેદ ઝબ્બો પહેરેલો અને માથે બાંધેલું. ચહેરો નીચો રાખેલો હતો.

હું એ રીતે એક માત્ર એકઝિટમાંથી પણ બહાર આવી ગયો.

જે થાય એ, મારે ગરિમાને લાવવી જ રહી.

આજે રાતે એ શક્ય નહીં બને. મારે સવાર સુધી રાહ જોવી પડશે.

હું ડ્યુનથી થોડે આગળ જઈ એવી જ એક રેતીની ટેકરી પર સુઈ ગયો.

આમ તો હું જાગતો સૂતો. અહીં તો રાતે સાપના લીસોટા જોયા. એક કોબ્રા જેવો સાપ દૂરથી નીકળી ગયો. એક અંધારામાં લીલું ચમકતું જીવડું જોયું જે ઝેરી હતું. વિંછીઓ પણ હોઈ શકે. દૂર એ લોકોના નાચવાના ને ડફલીઓના અવાજો આવતા હતા.

ઉનાળો હોઈ સવારે પાંચ પહેલાં તો અજવાળું થઈ ગયું. હું એ વસ્તી કે ગામમાં ગયો જ્યાંથી ગરિમાનું અપહરણ થયેલું.

મેં કાર ઠોકેલી એ વાડો દૂરથી વટાવી, જાણીજોઈને તેનાથી ત્રીજી શેરી લીધી.

મારી કાર પર  ટ્રાવેલનું સ્ટીકર હતું તેથી મારી સામે ન જુએ તો કોઈને મારી પર શક જાય એવું નહોતું.

મેં ગરિમાની ચીસો આવતી હતી એ શેરી યાદ કરી. તે તરફ એક સર્પાકાર ઢાળ હતો. શેરીના અંતે મસ્જિદના બે મિનારા દેખાતા હતા અને શેરીની શરૂઆતમાં બે ખજુરીઓ સામસામે હતી. હું ઊભેલો એ શેરીમાં કાર રાખી હું આસપાસ જોતો નીકળ્યો અને..

બાજુમાં જ ખજુરીઓ જોઈ. હું એ શેરીની પાછળ જ હતો. કાર હતી ત્યાં જ અન્ય કારો સાથે પાર્ક કરી એ શેરીમાં ગયો.

અહીં ગરિમા ક્યાં હશે?

જૂની ફિલ્મમાં આવતું તેમ એક પાત્ર ગીત ગાતું નીકળે અને બીજું બારીમાં હોય એમ તો ન જ બને ને?

મેં એ શેરીમાં આંટા મારવા શરૂ કર્યા. પેલી મસ્જિદમાંથી નમાઝ પૂરી કરી લાઈનબંધ લોકો નીકળ્યા એની વચ્ચે હું ચાલવા લાગ્યો. કોઈ વયસ્કે મને અસ્સસલામ આલેકું કહ્યું. મેં ધીમા અવાજે વાલેકુ સલામ કહી તેમને આગળ જવા દીધા.

એક મકાનમાં ઉપર બારીમાંથી કપડાં સુકાતાં જોયાં એમાં સ્ત્રીઓના સફેદ કે ક્રીમ સ્કાર્ફ હતા. અરે! વચ્ચે લાલ ઓઢણી, અંદર પીળાં ટપકાં. આ તો ગરિમાની જ.

હું આંટા મારતો હતો ત્યાં જોયું કે શેરીઓ મળતી હતી ત્યાં એક ચોકમાં બીજી દુકાનો સાથે ચા કોફીની દુકાન હતી તેનાં ટેબલે પેલો મહિષાસુર બીજા એવા જ પહેલવાન લોકો સાથે બેઠેલો.

હું છુપાઈ ગયો. હવે એની આગલી શેરીમાં ગયો જ્યાં એ મકાનની દાખલ થવાની ડેલી હતી. ઉપર જોઉં ત્યાં બે ચાર પઠ્ઠા આરબો કેટલીક છોકરીઓને તૈયાર કરી સુટકેસો સાથે નીચે લાવતા હતા.

તેમની આસપાસ પહેરો હતો. તેમને આરબોએ એક મોટી SUV માં બેસાડી. હું આગલી શેરીમાંથી મારી કાર લાવ્યો અને ઢાળ ચડવો હોય તેમ ઢાળ ઉપર પાર્કિંગ બ્રેક મારી SUV ની આગળ ઊભી હોર્ન માર્યું.

હોંશિયાર ગરિમા એ હોર્ન ન ઓળખે એમ બને?

એ બહાર આવી અને ધડાધડ પગથિયાં ઉતરવા લાગી. પછી મને ઇશારાથી પાછળ હતો તે શેરીમાં જવા કહ્યું.

ત્યાં સાવ સાંકડું પછવાડું હોઈ રસ્તો ખુબ સાંકડો હતો. ઉપરથી સીધો ઢાળ. આગળ કાર જાય તો પાછી આવે એમ ન હતું. હું નાકે ઊભો. દૂર મહિષાસુર કોઈ ટીમ લીડર તેની નીચેના કર્મચારીઓને સવારમાં કામની સૂચના આપે તેમ કેડે હાથ દઈ અમુક લોકોને કાંઇંક કહેતો હતો અને તેઓ અદબ વાળી સાંભળી રહ્યા હતા. એક સાવ નાનો મ્યાઉં અવાજ આવ્યો. માણસ મિમિક્રી કરે એવો. મેં તે દિશામાં જોયું. ગરિમા.

ક્રમશઃ

Rate & Review

name

name 4 months ago

Balkrishna patel

Balkrishna patel 4 months ago

Vijay

Vijay 5 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

GIRISH AHIR

GIRISH AHIR 5 months ago