Site Visit - 15 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 15

સાઈટ વિઝિટ - 15

15.

ગરિમા મને ઓળખી ગઈ અને મારું ધ્યાન ખેંચ્યું. એણે બિલાડી જેવો અવાજ કર્યો કારણ કે અહીં ઓમાન દેશનાં ગામોમાં લગભગ દરેક કચરાપેટી પાસે બિલાડી હોય છે જેથી ઉંદર ન રહે. બિલાડીનું મ્યાઉં કોઈ સાંભળે તો પણ કાઈં અસામાન્ય ન લાગે.

તેણે કરેલા ઈશારા મુજબ હું પાછલી શેરીમાં ગયો. પાછળ પણ એક લોખંડનો ઝાંપો હતો જેની ઉપર અણીદાર ભાલા આકારના સળિયા હતા. એ દીવાલ અને એ ઘર વચ્ચે છ ફૂટ જેવું અંતર હતું. ગરિમાને કેવી રીતે બહાર લાવવી તેનો વિચાર કરતો હું ગેટ પાસે સંતાઈને ઊભો.

તેણે હિઁમત કરી. મુસ્લિમ ઘરોમાં બારીના ઉપરના અર્ધગોળ પર એક અણી જેવું હોય છે. ગરિમા કોઈક રીતે બહાર આગળ કે પાછળથી આવી. તેણે એક સીડી પાસે આવી અને નીચે એ બારીની અણીમાં પગ ભરાવ્યો. તે થોડું લસરી. એના પગ બારીના કાચ આડેની ગ્રિલ પર આડો સળીઓ હતો તેની ઉપર ટેકવ્યા. તેણે નીચે જોયું. તે બીજે માળ હતી. પહેલા અને બીજા માળ વચ્ચે ફરતી એક પાળી હતી જે ગરિમા ઊભી હતી તે બારણાંનાં લિંટર્ન લેવલથી સાતેક ફૂટ નીચે હતી.

મેં ઈશારો કર્યો કે તે બારણાં નીચે જાળી હોય તો એમાં પગ ભરાવે. એણે ના માં હથેળી હલાવી. થોડું વિચારી તે એ સળિયા પર આંગળાં રાખી લટકી અને હવે બે ફૂટ જેવું જ અંતર બે માળ વચ્ચેની પાળી અને તેના પગ વચ્ચે હતું. તેણે હાથ લાંબો કર્યો પણ સહેજ માટે અટકી. તેની હાઈટ હશે પાંચ ફૂટ બે ઇંચ જેવી અને નીચેની ફરતી પાળી હજી તેનાથી દોઢ ફૂટ દૂર હતી, જે માંડ પાંચ ઇંચ જેવી પહોળી હતી. સરકે તો સીધી નીચે પડી પગ ભાંગે.

મેં નજીકમાં એક ઝાડની ડાળી જોઈ જે સરખી જાડી અને સાતેક ફૂટ લાંબી હતી. તે લાકડી મેં ગેટ પરથી સરકાવી આડી રાખી ભીંત સુધી પહોંચાડી. તેને એ વંડી પર કિલ્લાના કાંગરાના આકાર હતા તેમાંથી પસાર કરી. ગરિમાએ એ લાકડી તરફ પડતું મૂક્યું અને કેચ કરી લીધી. પોતે એ કિલ્લાની રાંગ જેવા ખાંચામાં પગ ટેકવી ઊભી અને લાકડી નીચે ફેંકી. મેં ફરી તે લાકડીને ઊભી કરી એક હાથે પકડી રાખી અને રમતવીરો વાંસ ઠેકે એમ તે લાકડીને ઝોલો આપી ગરિમા વંડીની બહાર આવી ગઈ.

સ્કૂલમાં હું ક્રિકેટમાં કેચ ઝીલવામાં નબળો હતો પણ આજે મારું સંપૂર્ણ ધ્યાન ગરિમા સામે રાખી તેને મેં પડતી ઝીલી. એના ફોર્સથી અમે બેય જોરથી પડ્યાં. હું નીચે ને તે મારી ઉપર. લાકડી ફેંકાઈને હતી ત્યાં સામેનાં મકાનની ભીંતે જઈ પડી. કોઈનું ધ્યાન પડે તે પહેલાં અમે કપડાં ખંખેરતાં દોડી શેરીના નાકે પાર્ક કરેલી કારમાં બેસી, તેને ઝડપથી રિવર્સ લઈ રસ્તા પર ભગાવી.

અમે રસ્તો પકડીએ ત્યાં આગળ પેલી છોકરીઓથી ભરેલી SUV મળી. મેં તેનો નંબર લઇ લીધો.

કારમાં ગરિમાએ કહ્યું કે પેલો મહિષાસુર અને આ ઘરનો માલિક, બે અલગ વ્યક્તિઓ હતા. આને પોતે ખાલી જોયો છે. આ માણસ દ્વારા છોકરીઓ પકડી, તેમને થોડું રાખી બીજા સાઉદી કે નજીકનાં દેશમાં વેંચી મારવાનું ચાલતું હશે એવું ગરિમાને લાગ્યું. તે તો એક જ દિવસ રહેલી તેમાં તેને ઉપર બીજી એક નેપાળી છોકરી સાથે બંધ રાખેલી. ખાવા બે ટાઇમ આપેલું. પૂરતું તો ક્યાંથી હોય?

અત્યાર પૂરતું અમે પોલીસ સ્ટેશન કે દુક્મ જવાનું મુલતવી રાખી મસ્કતની દિશા પકડી લીધી.

ગરિમા અથડાઈ અને મારો મોબાઈલ કારમાં પડી ગયેલો તે તો ગાયબ હતો. સદભાગ્યે ગરિમાનો મોબાઈલ બચેલો પણ તેમાં બેટરી જવામાં હતી. રસ્તાનાં પાટિયાં પરથી દિશા પકડી અમે જવા લાગ્યાં.

ફરી એ જ એકદમ સીધો રસ્તો અને બેય બાજુ રણ આવ્યું.

અમે કાર ક્રૂઝ મોડ પર મૂકી દીધી. 130 ની ઝડપે.

વળી કારમાં બીપ.. બીપ.. વાગ્યું અને પેટ્રોલ ખૂટવા આવ્યાની નિશાની આવી. અમે અર્ધે રસ્તે હતાં.

હવે ઉનાળાનો ભરબપોર જામ્યો હતો. સામે રસ્તા પરથી આંધી ઉઠી. દેખાય નહીં તેવો વિકરાળ વંટોળ ફૂંકાયો. રસ્તાની બાજુમાં જ ચક્રવાત કહે છે તે. વિશાળ, પાંચ માળ જેટલા ઊંચા નળાકાર જેવો ચક્કર ચક્કર ફરતો. રણની નક્કર રેતીનો બનેલો. એ ખુબ ગરમી થતાં કોઈ જગ્યાએ શૂન્યાવકાશ સર્જાય તેની જગ્યા લેવા હવા ધસે તેનાથી બનતો હોય છે. તેના કેન્દ્રમાં જે કાઈં હોય તે પણ ઊંચકાઈ, ગોળ ફરતું ઉડે એવું પણ ક્યારેક બને. રસ્તે અમે લાઈટ કરી ચલાવે રાખી પણ આગળ કાઈં જ દેખાતું બંધ થઈ ગયું. અધૂરામાં પૂરું ટાયરમાં પેલા ટ્રાવેલવાળાએ ફૂલ હવા ભરાવી હશે તે જોરથી ધડાકા સાથે પાછલું એક ટાયર ફાટ્યું અને મારે ફરજિયાત કારને રીમ પર ઘસડાતી રસ્તાની બાજુમાં રણમાં લેવી પડી.

અહીં એકદમ દૂર દરિયાની પટ્ટી દેખાતી હતી. ખુબ નીચે. અમે ખાસ્સાં ઉપર હતાં.

અમારે ત્યાં જ થોભી ગયા સિવાય છૂટકો ન હતો.

રેતીનું તોફાન વધ્યું. મેં તરત ગરિમાને બહાર આવી જવા કહ્યું. બને કે કાર રેતીમાં દટાઈ જાય. પણ અમે બહાર જઈને પણ ક્યાં જઈએ?

આવાં તોફાનમાં નીચું મોં કરી ઊંધા સૂઈ રહેવાનું હોય છે. તેમ કરવું કે બંધ કારમાં બેઠા રહેવું?

અમે બંધ કારમાં બેઠા રહેવાનું મુનાસીબ માન્યું. એસીમાંથી પણ ધૂળ આવવા લાગી.

લગભગ એક કલાક જેવું આ તોફાન ચાલ્યું.

અમે બે આગળની સીટ છોડી પાછળ એક સાથે અડકીને બેઠાં રહ્યાં. કોઈને રોમાંચિત થવાનો મૂડ બને એવી સ્થિતિ નહોતી.

આખરે તોફાન ધીમું પડ્યું. ગરિમાએ હળવેથી બારણું ખોલ્યું અને એક ક્ષણ આસપાસ જોઈ બે હાથ પહોળા કરી ગાવા લાગી "રેતી મેં જલે મેરા ગોરા બદન રેતી મેં. ખારી શિંગ બને મેરા ગોરા બદન રેતી મેં."

તેને ગમે ત્યાં રમૂજ ઉપજતી.

હું પણ બહાર નીકળ્યો.

મેં કહ્યું કે હવે હાઇવે પરથી કોઈ વાહન પસાર થાય તો તેની સાથે નજીકના પંપ પર કે નજીકનાં ગામમાં જઈ પંચરવાળાને બોલાવી લાવવો પડશે. ત્યાં સુધી અઠે દ્વારકા.

ક્રમશઃ

Rate & Review

name

name 4 months ago

Balkrishna patel

Balkrishna patel 4 months ago

Vijay

Vijay 5 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

Dipti Desai

Dipti Desai 5 months ago