Dhup-Chhanv - 94 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 94

ધૂપ-છાઁવ - 94

બસ હવે દિવાળી નજીક આવી રહી હતી એટલે લાલજી પોતાની પત્ની અને બાળકો પાસે વતનમાં જવાનું વિચારી રહ્યો હતો પરંતુ હજુ તો હમણાં જ ધીમંત શેઠ પથારીમાંથી ઉભા થયા હતા એટલે તેમને આમ એકલાં મૂકીને જવાની હિંમત લાલજીમાં નહોતી એટલે તે વિચારી રહ્યો હતો કે જો અપેક્ષા મેડમ થોડા દિવસ અહીં શેઠ સાહેબ સાથે રહેવા માટે આવી જાય તો હું નિશ્ચિંત પણે મારા વતનમાં મારી પત્ની અને બાળકો સાથે પંદરેક દિવસ રોકાઇને પાછો આવું હવે ગમે તે કારણસર અપેક્ષા મેડમ અહીં ધીમંત શેઠના બંગલે આવે તેવી લાલજી મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો.
હવે આગળ....
એ દિવસે રાત્રે ધીમંત શેઠને ઊંઘ ન આવી અને આખી રાત તે પડખાં ફેરવતાં જ રહ્યાં અને વિચારતા રહ્યાં કે, "જિંદગી પણ કેવી અજીબ છે..!! માણસની કેટ કેટલી પરિક્ષા લે છે. રીમાના મારા જીવનમાંથી ચાલ્યા ગયા બાદ મેં વિચાર્યું હતું કે હું હવે એકલો જ જિંદગી જીવીશ અને મારી કમાણીની રકમ દાન ધર્મમાં વાપરીશ.. પરંતુ આ જીવલેણ એક્સિડેન્ટે મને જાણે એક સાથીની ઉણપ વર્તાતી દીધી અને ફરીથી લગ્ન નહીં કરવાના મારા નિર્ણયને બદલી કાઢ્યો. અપેક્ષા જેવી કોઈ ખૂબજ સુંદર છોકરી ફરીથી મારા જીવનમાં આવશે એવું તો મેં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. અપેક્ષા ખૂબજ સુંદર, હોંશિયાર અને લાગણીશીલ છે તે ખરેખર મને ખૂબ ગમે છે પરંતુ તેની મોમ અને તેનો ભાઈ તેનો હાથ મારા હાથમાં સોંપવા માટે તૈયાર થશે ખરા? તે એક મોટો પ્રશ્ન છે અને તેની પણ ઈચ્છા તો હોવી જોઈએ ને? તેને કઈરીતે પૂછવું..પૂછાય કે ન પૂછાય.." અને આ બધા અવિરત વિચારો સાથે ધીમંત શેઠ આખી રાત પડખાં ફેરવતાં રહ્યાં અને પરોઢિયે ચાર વાગ્યે તેમની આંખ મીંચાઈ.

બીજે દિવસે રાબેતા મુજબ તે ઉઠી પણ ગયા અને સમયસર પોતાની ઓફિસે પણ પહોંચી ગયા પરંતુ આજે તેમનો મૂડ બરાબર નહોતો તે વાત અપેક્ષાએ નોટિસ કરી લીધી અને નક્કી કર્યું કે હમણાં મારે સર સાથે મીટીંગમાં જવાનું છે તો હું વાતવાતમાં તેમને પૂછી લઈશ પણ ધીમંત શેઠે તો તેને અંદર બોલાવી અને આજની પોતાની મીટીંગ કેન્સલ કરવાનું કહ્યું.
હવે અપેક્ષાથી રહેવાયું નહીં અને તેણે પોતાના સરને આમ મીટીંગ કેન્સલ કરવાનું કારણ પૂછી જ લીધું.
ધીમંત શેઠે પોતાની તબિયત બરાબર ન હોવાનું જણાવ્યું. આ વાત સાંભળીને અપેક્ષાને વધારે ચિંતા થઈ અને તેણે ધીમંત શેઠને ડૉક્ટર સાહેબને બતાવવા જવા માટે પૂછ્યું.
પરંતુ ધીમંત શેઠે તેને જણાવ્યું કે, "એ તો ગઈકાલે રાત્રે ઊંઘ બરાબર નથી આવી એટલે જરા તબિયત બરાબર નથી અને સાથે એમ પણ કહ્યું કે ડૉક્ટર સાહેબને બતાવવા જવું હશે તો તે જણાવશે અને સાથે એમ પણ કહ્યું કે તું ચિંતા ન કરીશ શાંતિથી તારું કામ કરી શકે છે."
હવે અપેક્ષાને થોડી રાહત થઈ અને તે પોતાના કામે વળગી. ઓફિસ ટાઈમ પૂરો થતાં તે પોતાના ઘરે પહોંચી તો લક્ષ્મીએ તેને જે સમાચાર આપ્યા તેનાથી તે ચોંકી ઉઠી.
અપેક્ષા ઘરે પહોંચી ત્યારે લક્ષ્મીએ તેને માટે તેને ભાવતું ભોજન ઈડલી સંભાર બનાવીને રાખ્યા હતા.
માં દીકરી બંને સાથે ડાઈનીંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાયા ત્યારે લક્ષ્મી અપેક્ષાને કહેવા લાગી કે, "આજે તો ખરું થયું બેટા..!!"
અપેક્ષાએ કુતુહલવશ પૂછ્યું કે,"શું થયું માં?"
લક્ષ્મી પણ અધીરાઈપૂર્વક કહી રહી હતી કે,‌ "ઘરનું બધુંજ કામકાજ પતાવીને હું બપોરે થોડીકવાર આડી પડી હતી અને લગભગ ચારેક વાગ્યે ઘરનો ડોરબેલ રણક્યો એટલે મેં બારણું ખોલ્યું, જોયું તો મારી સામે સ્વચ્છ સફેદ સદરામાં અને સફેદ લેંઘામાં એક પ્રૌઢ માણસ ઉભેલો હતો જેણે મને જોતાં જ બે હાથ જોડ્યા અને તે મને પગે લાગ્યો હું કંઈ વિચારું કે કંઈપણ બોલું તે પહેલાં જ તેણે મને પ્રશ્ન કર્યો, તમે લક્ષ્મીબેન છો ને? અપેક્ષા મેમના મમ્મી છો ને? હું તમને બહુ સારી રીતે ઓળખું છું અપેક્ષા મેમ તમારા બહુ વખાણ કરે છે અને તમારી બહુ વાતો કરે છે."
"કોણ હતું મોમ એ.." અપેક્ષાએ વચ્ચે જ પૂછ્યું.
લક્ષ્મીના હોઠ ઉપર સ્મિત હતું તે આગળ બોલી કે, "સાંભળ તો ખરી બેટા, હું તેમને કંઈ પૂછું તે પહેલાં તેમણે મને પૂછ્યું કે, "હું અંદર આવી શકું છું.? મેં તેમને ઘરમાં આવકાર આપ્યો અને તે અંદર આવ્યા અને તારા આ મોટા ફોટા પાસે આવીને ઉભા રહી ગયા અને બોલ્યા,‌ બહુ જ સુંદર દેખાય છે અપેક્ષા મેડમ અને જેટલા તે સુંદર દેખાય છે તેટલા જ સ્વભાવના પણ સારા છે."
તેમની આ હરકતથી અને ત્યાં સુધીમાં થોડું વિચાર્યા બાદ મને ખ્યાલ આવ્યો કે, કદાચ આ લાલજીભાઈ તો નથી ને..? અને તે બોલતાં હતાં અને મેં તેમને વચ્ચે જ પૂછી લીધું કે, તમે લાલજીભાઈ? તેમણે હા પાડી અને ફરીથી મારી સામે હાથ જોડ્યા...
અપેક્ષા ફરીથી વચ્ચે જ બોલી ઉઠી કે, "પણ મોમ લાલજીભાઈ અહીંયા શું કામ આવ્યા હતા?"
લક્ષ્મીના ચહેરા ઉપર સ્મિત છવાયેલું હતું અને તે વિચારી રહી હતી કે, હજી પણ દુનિયામાં આવા ભલા માણસો છે જે પોતાની ચિંતા પછીથી કરે છે અને બીજાની ચિંતા પહેલાં કરે છે અને માટે જ કદાચ આ પૃથ્વી ટકી રહી છે અને તે આગળ બોલી કે, "હા મેં તેમને એ જ પૂછ્યું કે, બોલો લાલજીભાઈ અહીંયા કેમ આવવાનું થયું? તમારે અપેક્ષાનું કામ હોય તો તેને ત્યાં ધીમંત શેઠના બંગલે બોલાવી લેવી હતી ને તમે છેક અહીં સુધી કેમ લાંબા થયા? ત્યારે તેમણે જણાવ્યું કે, "ના બેન બા, મારે અપેક્ષા મેડમનું નહીં તમારું જ કામ છે. હું તમને જ મળવા માટે આવ્યો છું."
"ઓહો, એવું શું કામ પડ્યું એમણે કંઈ પૈસા બૈસા તો નહોતા માંગ્યા ને?"
"ના બેટા ના, પૈસાની તો ધીમંત શેઠને ત્યાં ક્યાં કમી છે તો આપણી પાસે માંગે."
"અરે, સરે કદાચ પૈસા આપવાની ના પાડી હોય."
"ના ના એવું નથી બેટા સાંભળને, પછી મેં તેમને બેસવા માટે કહ્યું અને હું તેમને માટે પાણી લઈ આવી તેમણે પાણી પીધું અને તે બોલ્યા કે, મોટી બહેન મારે તમારું એક કામ છે જે તમારે કરવું જ પડશે તમારે મને ના નથી કહેવાની. હું બહુ આશા લઈને તમારી પાસે આવ્યો છું. મેં તેમને મારું શું કામ છે તેમ પૂછ્યું..."
વધુ આગળના ભાગમાં....
લાલજી લક્ષ્મી પાસે શું કામ આવ્યો હશે?
જોઈએ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/3/23


Rate & Review

chetan

chetan 3 months ago

Hina Thakkar

Hina Thakkar 5 months ago

milind barot

milind barot 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Jigisha Shah

Jigisha Shah 6 months ago