Site Visit - 29 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 29

સાઈટ વિઝિટ - 29

29.

થોડો વખત 130ની સ્પીડ સેટ કરી ક્રૂઝ મોડમાં કાર મૂકી ગરિમાને સ્ટીયરીંગ સોંપી દીધું.

મેં બાજુમાં બેસી ડફલી વગાડી ગાયું "નિકલ પડે હૈ ખુલ્લી સડક પર આપના સીના તાને.."

ગરિમાએ સુર પુરાવ્યો- "અપના સીના તાને."

મેં ડફલી પર તાલ દેતાં ગાયું, "મંઝિલ કહાં કહાં રૂકની થી.."

મીઠડા અવાજે સુર પુરાવાયો- "ઉપરવાલા જાને.."

મને થયું, આ પાંચ દિવસ જે જે થયું એ યાદ રહી જાય એવું છે. મેં ગરિમાને આ કહ્યું. તે કહે સાચી વાત. તેણે પણ તેને યાદ આવતું ગીત લલકાર્યું, "સાઈટ વિઝીટ કા સફર, હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં."

હું વિચારતો રહ્યો. સાચું. કેવી વિચિત્ર હતી આ સફર!

થોડું આગળ જઈ કદાચ છેલ્લા ચાર રસ્તે અમે કોઈ એકલાં અટુલાં ગામને ગોંદરે એક ખૂણે આવેલાં આવેલાં કોફીહાઉસમાં 'કરક' ચા પીધી. પછી ડફલી પાછલી સીટે મૂકી મેં ફરી સ્ટીયરીંગ સંભાળ્યું. Permissible 125 સામે 140, ક્યારેક 150 સુધીની સ્પીડે કાર જવા દીધી. સવાબે લીટરનાં એન્જિનની તાકાત વસૂલી લીધી.

બીજા દોઢેક કલાકમાં જ દુક્મનું પાટીયું દેખાયું અને અમે બન્નેએ હથેળીઓ અથડાવી રાજીપો વ્યક્ત કર્યો.

અમે કારની રફતાર ધીમી કરી. મેપ રી સેટ કરી અમારું લોકેશન આપ્યું અને સાઇટનું લોકેશન destination માં આપ્યું. મેપ ગોળ ગોળ ફર્યા કર્યો. કોઈ રીતે ડેસ્ટીનેશન પકડાય જ નહીં.

શું કાંઠે આવીને વહાણ ડૂબવાનું થયું? આસમાન સે ગીરા ઔર ખજૂરી પે અટકા!

ફરીથી બેય, અમારું લોકેશન અને ક્લાયન્ટે મોકલેલ લોકેશનનું ડેસ્ટીનેશન સેટ કર્યાં. અમારું લોકેશન આમથી તેમ થતું હતું. મેગ્નેટિક ઇફેક્ટ? ખડકાળ પર્વતોમાં લોખંડ હોય તો એવું થાય. આ લગભગ રેતાળ જમીનમાં એ શક્યતા નહોતી. અતિશય પવનને કારણે? ખબર ન પડી.

ફરી મેં જોયું કે અમે ઊંચા ખડકો પર ઊભેલાં અને સામે દૂર નીચે ગામ હતું. પેલો બકરાં અને ઊંટ વાળો પ્રસંગ યાદ આવ્યો. "આ દેખાય.." કરતા ચાલવા માંડીએ તો પાંચેક કિલોમીટર અને કદાચ દોઢેક કલાક ચાલીને પગની કઢી થઈ જાય.

અમે રસ્તા પર જાય ત્યાં સુધી કાર ચલાવી. આખરે થોડે જ દૂર ડેડ એન્ડ પણ દેખાયો.

તો પછી સાઇટ ક્યાં હશે? કોને પૂછવું?

અમે સહેજ આગળ એક વળાંક પાસે સડકની બાજુમાં સપાટ જગ્યાએ ત્રણેક કાર પાર્ક થએલી જોઈ. આગળ એક લાકડાંનાં ખપાટીયાંનો બનેલો લીલો દરવાજો પણ જોયો. અરેબિકમાં કાઈંક લખેલું.

મેં જોયું કે અંદર સફેદ ઓમાની ઝબ્બા વાળા શિક્ષિત લાગતા માણસો ફરે છે અને કાઈંક ચર્ચા કરે છે. એક ઇન્ડિયન માળી પાણી પાતો હતો. (અહીં odd jobs અને મજૂરી કામ માટે ભારતીયો જ દેખાય.) વસ્તીવધારાને કારણે આપણે ત્યાં માણસની કિંમત ઓછી હશે કે થોડા વધુ પૈસા માટે તેઓ અહીં આવ્યા હશે?

મેં મને જ કહ્યું, તું પોતે અહીં શું કામ આઠ આઠ વર્ષથી છે? ગરિમા પણ ઇન્દોર મૂકી અહીં કેમ જોડાઈ? ચંચળ લક્ષ્મીનો પાલવ પકડવા જ ને!

મેં એ માળીને "હેલો, .. સાઈટ કહાં હૈ?"

પૂછ્યું.

એણે અમારી સામે જોઈ કહ્યું..

અમારા હાર્ટબીટ્સ ખુશીના માર્યા એક ક્ષણ બંધ થઈ ગયા.

"યહીં પે. આઇએ સર." કહેતાં તેણે ગેટ ખોલ્યો.

તેણે પેલા ઓમાનીઓમાંથી કોઈને બોલાવ્યો.

તે સામે આવ્યો અને મને ઓમાની રીતે ભેટતાં કહે "welcome sir! Before time! હજી સવાનવ વાગ્યા છે. દસ વાગ્યા સુધીમાં બીજા બધા પણ આવી જશે."

મારાથી " હેં! એમ કેમ હોય?" નીકળી ગયું. પાંચ દિવસ જે કાઈં બન્યું એ ચાલુ કારે જોયેલું સપનું તો ન જ હોઈ શકે.

તેઓ મારા મેઈન ક્લાયન્ટ હતા જેમનો આ પ્રોજેક્ટ હું શરૂ કરી રહેલો.

"પણ હું પાંચ દિવસ લેટ છું તેનું શું? મેં પૂછયું.

"લેઈટ? ઍપોઇન્ટમેન્ટ તો 18મીએ સવારે દસ વાગ્યાની જ છે. આ રહ્યો મારો લેટર જે મેં તમને ફેક્સ કરેલો. તે ખિસ્સાંમાં રાખ્યો જ છે. Just in case needed."

મેં એ લેટર જોયો. વર્ડ ટુ વર્ડ એ જ.

ગરિમા કારની ચાવી લઈને ગઈ અને પાછળ રાખેલું અમારું ફોલ્ડર લઈ આવી. તેમાં ડ્રોઈંગ્સ, કોન્ટ્રેકટ પેપર્સ વગેરે સાથે સહુથી ઉપર ફાઈલ કરેલો હતો એ લેટર.

ફેક્સમાં કાગળની નાની કરચ વચ્ચે આવી જતાં એક જગ્યાએ બધી તો નહીં, અમુક લાઈનો સહેજ કપાયેલી. તેમાં કાગળની પ્રિન્ટ માં 13 વંચાયું હોય છે તે ખરેખર 18 તારીખ છે.

મને યાદ આવ્યું. મેં ગરિમાને કહેલું કે ક્લાયન્ટ ઘોડે ચડીને ખુબ ઉતાવળમાં સાઇટ વિઝીટ એરેંજ કરે છે.

8 ની આગળ નાની લીટી મૂકી દો તો 3 વંચાય. એટલે હું પાંચ દિવસ મોડો નહીં, પચાસ મિનિટ વહેલો હતો!

મને 13મી સમજતો હતો તે 18મી માટેનો લેટર 12મીએ સાંજે સાતેક વાગે મળ્યો. હું 13મી સમજી તે દિવસે ઉતાવળો રાત્રે ત્રણ વાગ્યાનો નીકળી પડેલો. સાથે ગરિમાને પણ ખોટી હેરાન કરી.

ક્લાયન્ટે અમને ઓફિસ ખોલી, બેસાડી ક્યાંકથી તાજો ગ્રેપ જ્યુસ મગાવી પાયો. તેમણે આવીને અમારી સાથે બેઠક લીધી અને ખુલાસો કર્યો.

14,15 શુક્ર, શની હોઈ રજાઓ હતી. 13મીએ પણ તેઓનો કોઈ તહેવાર હતો. 16મીએ રાત્રે નીકળી અહીં આવવા બીજા ટેકનિકલ એક્સપર્ટ નીકળ્યા હતા પણ તેઓ આવી જ શક્યા ન હતા કેમ કે સીધે અને સાચે રસ્તે તો લેન્ડ સ્લાઇડ થઈ હતી. સરકારી બાબુઓ ત્યાં ફસાયેલા.

"તમે બચી ગયા. આબાદ બચી ગયા. નહીંતો ન પાણી, ન ખોરાક અને ભઠ્ઠીની જેમ શેકતી ખુબ ગરમી. લટકામાં આગળ ફસાયેલી કારો ની લાંબી કતાર. તેઓ તો ખુબ હેરાન થએલા."

તેઓ તો કોઈ કારણે એક દિવસ અગાઉ નીકળી ગયેલા અને પહોંચ્યા પછી આ ખબર મળતાં નક્કી કર્યું કે હવે પાછા જવું નથી, તેથી એક દિવસ વહેલા 17મીએ આવી જઈ અહીં રોકાઈ ગયા હોય છે અને આજે 18મી છે.

ટેકનિકલ લોકો આવી ગયા. અમે સાથે ફરીને બધું જોયું. જરૂરી ફોટા લીધા. ગરિમાએ માપ નોટ કરી રફ સ્કેચ કરી લીધા. આવી જગ્યાએ શું કરવાનું અને શું ખાસ ધ્યાન રાખવાનું તે મેં તેને સમજાવ્યું. હું ભવિષ્યની કુશળ આર્કિટેક્ટ તૈયાર કરી રહ્યો હતો.

બધું પત્યું. તેમણે અમારી સાથે લંચ લેવા બહારથી કાઈંક મગાવ્યું. અમારું બે નું વેજ. એ લોકોએ કદાચ બકરાનું લાલ માંસ ખાધું, અમે ટોમેટો ગ્રેવીમાં સરસ શાક.

આખરે કામ પૂરું થયું તેના સંતોષથી હાશકારો અનુભવ્યો. અમે થોડું બેસી, સાઈટ પર ફરી આખરે પરત નીકળવા તૈયારી કરી.

ક્રમશઃ

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 4 months ago

JAGDISH.D. JABUANI
Dipti Desai

Dipti Desai 4 months ago

Deepa Shah

Deepa Shah 4 months ago

Sanjay Bodar

Sanjay Bodar 4 months ago