Atut Bandhan - 28 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 28

અતૂટ બંધન - 28

(શિખાને બચાવવા જતાં વૈદેહી વિક્રમ અને શિખાની વચ્ચે આવી જાય છે અને ખંજર વૈદેહીને વાગે છે. હવે આગળ)


વૈદેહીએ દર્દથી ચીસ પાડી. વિક્રમ દૂર ખસી ગયો.


"વિકી, આ શું કર્યું તેં ? તેં તો કહ્યું હતું કે તું ફક્ત એને ડરાવશે. પણ તેં તો...." વિક્રમનાં એક મિત્રએ કહ્યું.


"મ...મને ગુસ્સો આવ્યો અને મેં..." વિક્રમ પણ ડરી ગયો. એણે વિચારેલું કે ચપ્પુ બતાવી એ શિખાને ધમકાવશે. અને જો નહીં માને તો સહેજ ઘસરકો કરશે. પણ એને ગુસ્સો આવ્યો અને એણે શિખા પર ખરેખરનો હુમલો કરી દીધો. એમાં પણ એને સહેજ પણ અંદાજો નહતો કે આમ વૈદેહી અચાનક વચ્ચે આવી જશે.


એ અને એનાં ફ્રેન્ડ ડરી ગયા. એમને કંઈ સૂઝ્યું નહીં તેથી તેઓ ત્યાંથી ભાગી ગયા. શિખા વૈદેહીને લોહીલુહાણ હાલતમાં જોઈ પહેલાં તો કંઈ રિએક્ટ કરી નહીં શકી પણ પછી અચાનક એને ભાન થયું કે વૈદેહીને હેલ્પની જરૂર છે તેથી એ તરત જ વૈદેહી પાસે પહોંચી ગઈ..


"વૈદુ...વૈદુ...તું...હેલ્પ...પ્લીઝ કોઈ હેલ્પ કરો." શિખાએ બૂમ પાડી. એણે પેલું ચપ્પુ જોયું અને ધ્રૂજતાં હાથે વૈદેહીનાં પેટમાંથી એ ખેંચી નાંખ્યું. વૈદેહીએ ફરીથી ચીસ પાડી. શિખાએ વૈદેહીનો જ દુપટ્ટો લીધો અને એનાં ઘાવ પર કસીને બાંધી દીધો. વૈદેહી દર્દથી કણસી રહી હતી.


શિખા દોડીને કોલેજની આગળ તરફ ગઈ જ્યાં થોડાક છોકરાં છોકરીઓ ટોળું વળીને ઊભા હતા. એનું જીન્સ અને ટી શર્ટ બંને લોહીથી ખરડાયેલા હતા. એ લોકો આશ્ચર્યથી શિખા તરફ જોવા લાગ્યા.


"ત..ત્યાં..ત્યાં... વૈદુ...પ્લીઝ હેલ્પ...." શિખા બોલતાં બોલતાં રડવા લાગી.


"પ્લીઝ, વૈદુને...બચા...બચાવી લો." શિખા પાછળ તરફ હાથ કરીને બોલી. એનાં આંસુ રોકાઈ નહતાં રહ્યાં.


પેલાં લોકો તરત જ પાછળ દોડ્યાં. શિખાની હાલત ત્યાં બીજા બધા સ્ટુડન્ટ્સે તેમજ ત્યાંથી પસાર થતાં એક પ્રોફેસરે પણ જોઈ. તેઓ પણ પાછળ ગયા. વૈદેહી બેભાન થઈ ચૂકી હતી.


"આ કેવી રીતે થયું ? કોણે કર્યું ?" પ્રોફેસરે પૂછ્યું.


શિખા બસ રડયે જતી હતી અને એનું વૈદેહીને બચાવી લો નું રટણ ચાલુ હતું.


વૈદેહી ને કોઈએ મારવાનો પ્રયાસ કર્યો છે એ વાત વાયુવેગે કોલેજમાં ફેલાય ગઈ. અપૂર્વના કાને આ વાત પડતાં એ પણ ત્યાં દોડી આવ્યો. એક છોકરો તરત જ એની ગાડી લઈ આવ્યો અને વૈદેહીને ગાડીમાં સુવડાવી દીધી અને એને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે પોલીસ કેસ છે એમ કહ્યું ત્યારે શિખાએ કહ્યું કે એની સારવાર શરૂ કરી દે પછી તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. શિખાએ ફોર્મ ભરી જમા કરાવી દીધું.


શિખાનું મગજ બહેર મારી ગયું હતું. એને કંઈ સૂઝી નહતું રહ્યું. અચાનક કંઇક મગજમાં આવ્યું અને એણે સાર્થકને કોલ કર્યો પણ સાર્થકે એનો કોલ એમ વિચારી નહીં ઉપાડ્યો કે એ એને એનાં અને વૈદેહી વિશે પૂછશે. શિખા વારંવાર એને કોલ કરતી હતી અને એ એનો કોલ રીસિવ નહતો કરતો. આખરે શિખાએ રજનીશભાઈને ફોન કર્યો.


"પપ્પા...પપ્પા...એ..." શિખા આગળ કંઈ બોલી શકી નહીં.


"શિખુ શું થયું ? તું રડે છે કેમ ? પહેલાં શાંત થા અને મને જણાવ કે શું થયું ?" રજનીશભાઈ એમની જગ્યા પરથી ઉભા થઈ ગયા. એ સમયે સાર્થક પણ ત્યાં જ હતો. એણે રજનીશભાઈનાં હાથમાંથી ફોન લઈ સ્પીકર પર કર્યો.


"શિખુ, શું થયું ?" સાર્થકે પૂછ્યું.


"ભાઈ...." શિખા ફરીથી રડી પડી.


"ભાઈ...ભાઈ....જલ્દી ટેક એન્ડ કેર હોસ્પિટલ આવો." શિખા માંડ બોલી અને ફરીથી રડી પડી.


સાર્થક અને રજનીશભાઈને ધ્રાસ્કો પડ્યો. તેઓ તરત જ બધું કામ પડતું મૂકી હોસ્પિટલ પહોંચ્યા. શિખા ફર્સ્ટ ફ્લોર પર જ હતી અને કંઇક દવાઓ લઈ રહી હતી. એને સહી સલામત જોઈ સાર્થક અને રજનીશભાઈનાં જીવમાં જીવ આવ્યો. સાર્થકે એને બૂમ પાડી.


"શિખુ !"


સાર્થકની બૂમ સાંભળી શિખાએ એ તરફ જોયું અને દોડીને સાર્થકને વળગી પડી. એનાં આંસુ રોકાવાનું નામ નહતાં લઈ રહ્યાં. સાર્થક એને બસ આશ્વાસન આપી રહ્યો હતો. સાર્થકે રજનીશભાઈ તરફ જોયું. રજનીશભાઈએ શિખાનાં માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું,


"શું વાત છે બેટા ? તું અહીંયા શું કરે છે ? અને તું...તું રડે છે કેમ ?"


"પપ્પા....પપ્પા...વૈદુ...ત્યાં...." વૈદેહીનું નામ સાંભળી સાર્થક અને રજનીશભાઈ બંને ચોંક્યા.


"શું થયું વૈદેહીને ? ક્યાં છે એ ?" સાર્થકે પૂછ્યું.


"શિખા, ડોક્ટર મેડિસીન અને ઈન્જેકશન માંગે છે." એક છોકરાએ કહ્યું અને શિખા દોડીને ઉપર ગઈ. સાર્થક અને રજનીશભાઈ પણ એની પાછળ ગયા.


ત્યાં જઈને જોયું તો કોલેજના ઘણા બધા સ્ટુડન્ટ્સ તેમજ પ્રોફેસર ત્યાં હાજર હતા. એટલીવારમાં પોલીસ પણ ત્યાં આવી ગઈ. બધાને જોઈ સાર્થકનું હૃદય બમણી ગતિએ ધડકવા લાગ્યું.


"શિખુ, આ બધું શું છે ? વૈદેહી...એ ક્યાં છે ? એને કંઈ થયું છે ? આ પોલીસ અહીંયા કેમ આવી ? શિખુ કંઈ તો બોલ. શું થયું છે વૈદેહીને ?" સાર્થકની આંખમાં આંસું આવી ગયા. એનાં અવાજમાં રહેલી કંપારી ત્યાં હાજર સૌ કોઈ મહેસૂસ કરી શકતાં હતાં.


"સાર્થક, પહેલાં અહીંયા બેસ." અપૂર્વએ સાર્થકનો હાથ પકડી કહ્યું.


"ન...નહીં અપૂર્વ. પહેલાં તું મને જણાવ કે વૈદેહી ક્યાં છે ?" સાર્થકે એનો હાથ છોડાવી કહ્યું.


"વૈદેહી, અંદર છે. એની ટ્રીટમેન્ટ ચાલુ છે." અપૂર્વએ કહ્યું.


"ટ્રીટમેન્ટ ! પણ કેવી ટ્રીટમેન્ટ ?" આ વખતે સાર્થકની જગ્યાએ રજનીશભાઈએ પૂછ્યું.


"એનો જવાબ હું આપું છું." એસીપી ચતુર્વેદીએ કહ્યું.


"સાચી હકીકત તો વૈદેહીજી ભાનમાં આવે ત્યારે જ ખબર પડશે પણ તમારી બહેનની ગવાહી પર વિશ્વાસ કરીએ તો કોઈ વિક્રમ નામનાં છોકરાએ...." એસીપી ચતુર્વેદીએ શિખાએ આપેલી ગવાહી સાર્થક અને રજનીશભાઈને કહી સંભળાવી.


"વિક્રમ ! આઈ વિલ કીલ યુ." સાર્થકે ગુસ્સામાં કહ્યું.


સાર્થકનાં મોંઢે વિક્રમ નામ સાંભળી ચતુર્વેદીએ ભ્રમરો સંકોચી અને પૂછ્યું,


"શું તમે પહેલાથી જ આ વિક્રમને ઓળખો છો ?"


"નહીં સર, એક બે વખત એને મળવાનું થયેલું. એ... એ મારી બહેનને હેરાન કરતો હતો તો મેં એને ધમકાવ્યો હતો." સાર્થકે કહ્યું.


"અને તમારી ધમકીનો બદલો એણે આ રીતે વાળ્યો છે. એ આમ તો તમારી બહેનને મારવા માંગતો હતો પણ તમારી બહેનને બચાવવા વૈદેહીજી વચ્ચે આવી ગયા. અત્યારે એમની હાલત ખુબ જ નાજુક છે."


ચતુર્વેદીની વાત સાંભળી સાર્થક ત્યાં જ ફસડાઈ પડ્યો. સામે રજનીશભાઈ પણ સાવ સુન્ન થઈ બેસી પડ્યાં.


******


ગરિમાબેન ક્યારનાં ઘરમાં આમતેમ આંટા મારી રહ્યાં હતાં. એમણે બપોરથી લઈ અત્યાર સુધી સાર્થક અને રજનીશભાઈને કેટલાય ફોન કર્યા પણ બંનેમાંથી એકેયે એમનો કોલ રીસિવ મહતો કર્યો. ઓફિસનાં નંબર પર ફોન કર્યો તો જાણવા મળ્યું કે બંને ઉતાવળમાં ક્યાંક જવા નીકળ્યાં છે પણ ક્યાં એ કોઈ નહતું જાણતું. એમણે શિખાને પણ ઘરે આવી જવા ફોન કર્યો પણ એનો ફોન પણ બીઝી બતાવતો હતો.


"આખરે આ લોકો ગયા ક્યાં છે ? કોઈ મિટિંગમાં ગયા હોત તો પણ આટલીવાર તો લાગે જ નહીં. અને એનાં પીએ એ કહ્યું કે કોઈ મિટિંગ પણ નથી આજે. આઠ થઈ ગયા. આ પહેલા ક્યારેય આવું નહતું થયું કે એમને મોડું થવાનું હોય અને મને જણાવ્યું ન હોય. ક્યાં ગયા હશે ? બધું ઠીક તો હશે ને ?" ગરિમાબેન એકલા એકલા બોલતાં હતાં.


એ ક્યારેક ઘડિયાળમાં જોતાં તો ક્યારેક દરવાજે નજર કરતાં. લગભગ પોણા નવ જેવા રજનીશભાઈ આવ્યા. એમને જોઈ એમનાં મનને શાંતિ થઈ.


"ક્યાં રહી ગયા હતા તમે ? બપોરથી ફોન કરું છું પણ રિપ્લાય જ નથી આપતા. તમને ખબર પણ છે મને કેટલી ચિંતા થતી હતી ?" ગરિમાબેને નારાજગીનાં સ્વરમાં કહ્યું.


"હું અને સાર્થક વૈદેહી..."


"વૈદેહી ! તમે વૈદેહી પાસે ગયા હતા ? સાર્થક ક્યાં છે ? એ ત્યાં જ રહી ગયો ? પણ કેમ ? તમને લોકોને હું કઈ રીતે સમજાવું ?" ગરિમાબેનને હવે ગુસ્સો આવવા લાગ્યો.


"પહેલાં મારી પૂરી વાત તો સાંભળ."


"શું સાંભળું ? તમને લોકોને વૈદેહી સિવાય બીજું કંઈ દેખાઈ જ ક્યાં છે ? હું તો...."


"બસ ગરિમા બસ." રજનીશભાઈએ સહેજ ઊંચા અવાજે કહ્યું.


"તને ખબર પણ છે એ છોકરી સાથે શું થયું છે ? એ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી છે."


"હોસ્પિટલ ! શું થયું ? શિ...શિખા પણ એની સાથે હતી ને ? એને તો કંઈ થયું નથી ને ?" ગરિમાબેને પૂછ્યું.


ગરિમાબેનને હજી પણ શિખાની જ પડેલી હતી એ જોઈ રજનીશભાઈને ગુસ્સો આવ્યો.


"તને ફક્ત શિખાની જ ચિંતા છે ગરિમા ? તેં એકવાર પણ એવું નહીં પૂછ્યું કે વૈદેહીને કેમ છે ? એ છોકરી આજે મૃત્યુનાં દ્વારે પહોંચી ગઈ છે અને તું...."


"રજનીશ...હું...તમે મને ખોટી સમજો છો. હું તો બસ શિખા વિશે પૂછતી હતી. હું કંઈ વૈદેહીની દુશ્મન નથી. મને એની ચિંતા છે જ." ગરિમાબેન ઢીલા પડ્યાં.


"કેટલી ચિંતા છે એ હું સારી રીતે જાણું છું. વૈદેહીને હોસ્ટેલમાં રહેવા જવા તેં કહ્યું હતું એ પણ હું જાણું છું. એને સાર્થકથી દૂર રહેવા પણ તેં જ કહ્યું હતું. સાર્થક આવવાનો હતો એનાં આગલાં દિવસે તું વૈદેહીને મળવા ગઈ હતી ત્યારે હું પણ ત્યાં જ હતો ગરિમા." રજનીશભાઈએ કહ્યું.


પોતે વૈદેહી પાસે ગયા હતાં ત્યારે રજનીશભાઈ પણ ત્યાં હતા એ સાંભળી ગરિમાબેનને તો કાપે તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ.


વધુ આવતાં ભાગમાં......

Rate & Review

patel

patel 6 months ago

Shital V Ramanuj

Shital V Ramanuj 6 months ago

Keval

Keval 6 months ago

Nehal

Nehal 6 months ago