RETRO NI METRO - 27 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 27

રેટ્રો ની મેટ્રો - 27

"દિલ કા દિયા જલાકે ગયા યે કૌન મેરી તન્હાઈ મેં..."જેવા મધુર ગીતોના રચયિતા સંગીતકાર ચિત્રગુપ્ત સિને જગતમાં જાણીતા,કર્ણપ્રિય ધૂનો આપનાર સંગીતકારો થી જરાય ઉતરતા ન હતા પરંતુ તેમનું દુર્ભાગ્ય એ હતું કે તેઓ હંમેશા અંડર રેટેડ રહ્યા.ફિલ્મ જગતમાં તેઓ કાર્યરત હતા તે સમયના સિને સંગીતકારોમાં કદાચ સૌથી વધુ ભણેલા સંગીતકાર ચિત્રગુપ્ત હતા. બિહારના ગોપાલગંજ જિલ્લાના કમરૈની ગામમાં જન્મેલા ચિત્રગુપ્ત શ્રીવાસ્તવે, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયો સાથે ડબલ એમ એ ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કેટલોક સમય પટનામાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું .એમના મોટાભાઈ જગમોહન આઝાદ પત્રકાર હતા અને સંગીતનાં ખૂબ શોખીન હતા. એમણે ચિત્રગુપ્ત ને સંગીત શીખવાની પ્રેરણા આપી.પંડિત શિવપ્રસાદ ત્રિપાઠી પાસે તેમણે સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ મેળવ્યું.ભાતખંડે કોલેજમાંથી સંગીતની નોટ્સ મંગાવી તેઓ રિયાઝ કરતા.સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવાના હેતુથી તેઓ મુંબઈ આવ્યા જોકે ત્યારે પણ સંગીતનો અભ્યાસ અટક્યો નહોતો.એક મિત્ર મદન સિંહાની મદદ થી તેઓ કેટલીક ફિલ્મી હસ્તીઓને મળ્યા. સંગીતકાર એચ પી દાસે એક ગીતમાં તેમને કોરસ માં સામેલ કર્યા તો બદામી નામના એક મિત્રના માધ્યમથી સંગીતકાર એસ એન ત્રિપાઠી સાથે મુલાકાત થઈ અને એમણે કેટલોક સમય તેમની સાથે કામ કર્યું. 1946 માં પહેલી તક તેમને મળી "લેડી રોબિનહૂડ" ફિલ્મમાં. રાજકુમારી સાથે બે ગીત પણ તેમણે ગાયા.૧૯૪૬ થી શરૂ થયેલી તેમની સંગીત યાત્રા ૧૯૯૮ સુધી ચાલતી રહી જે દરમિયાન લગભગ 150 ફિલ્મોનું સુમધુર સંગીત આપ્યું સંગીતકાર ચિત્રગુપ્તે .1946 થી 1950 સુધી વિવિધ સ્ટંટ ફિલ્મો માં મુખ્યત્વે તેમણે સંગીત આપ્યું. આવી ફિલ્મોમાં સંગીત થોડું ઉપેક્ષિત રહેતું હોય,ફિલ્મ "ભક્ત પુંડલીક" નું કીર્તનશૈલીમાં રચાયેલ ગીત "માતા પિતા કી સેવા કરકે.... કે ઉમાદેવીના સર્વશ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામી શકે તેવું "આંખોને કહા દિલને સુના..."ફિલ્મ "શૌકીન "નું "ઓ ટાંગેવાલે પ્રેમ નગર હે જાના..."હમારા ઘર" ફિલ્મના"કહા ચલે સરકાર..." અને "ચોરી ચોરી મત દેખ બલમ...."જેવા કેટલાક ગીતોને બાદ કરતા આ સમયે ચિત્રગુપ્ત નું સંગીત ખાસ લોકપ્રિય થયું નહીં.
૧૯૪૬ થી શરુ થયેલ ચિત્રગુપ્તની સંગીત યાત્રા માં છેક 1955માં જોડાયા કોકિલ કંઠી ગાયિકા લતા મંગેશકર .સ્ટન્ટ ફિલ્મોના સંગીતકાર ગણાતા ચિત્રગુપ્ત જોકે ધીરે-ધીરે સ્ટન્ટ ફિલ્મના દાયરામાંથી નીકળીને ભક્તિપ્રધાન,પૌરાણિક ફિલ્મોના સંગીતકાર તરીકે સ્થાન જમાવવા માંડ્યા હતા.સંગીતકાર એસ.ડી બર્મન ને ધાર્મિક ફિલ્મ "શિવ ભક્ત"નું સંગીત આપવા આમંત્રણ અપાયું ત્યારે એસ.ડી બર્મને જ પ્રોડ્યુસરને ચિત્રગુપ્ત નું નામ સૂચવ્યું ,અને "શિવ ભક્ત"માં લતા મંગેશકરના સુમધુર અવાજમાં ચિત્રગુપ્તે જાદુભરી શાસ્ત્રીય રચનાઓ બનાવી. આ ફિલ્મમાં રાગ જોનપુરીમાં લાજવાબ તબલા સંગત સાથે એક અદભુત તિલ્લાના નૃત્યગીત લતા મંગેશકર પાસે ચિત્રગુપ્તે ગવડાવ્યું "કૈલાશ નાથ પ્રભુ અવિનાશી નટરાજ મેરે મન કે બાસી...."આ ગીતમાં ચિત્રગુપ્ત નું કમ્પોઝિશન લતા મંગેશકરની ગાયકી જેટલું જ અસરકારક હતું. આ ઉપરાંત તબલા અને મેન્ડોલીન ની રીધમ પર "કહાં જા કે યે નૈના લડે કી હમ તો રહે ગયે ખડે કે ખડે."અને"દેખોજી મેરી ઓર મુસ્કુરા ભી તો દો..." તેમજ રાગેશ્રી પર આધારિત મૃદંગ ની રીધમ સાથે "બાર બાર નાચી ,રહે તુમ હી જનમ ભર દૂર દૂર..." જેવાં મધુર ગીતોએ ચિત્રગુપ્તને પ્રતિભાશાળી સંગીતકારોની હરોળમાં મૂકી દીધા.લતા મંગેશકર સાથે ચિત્રગુપ્તે ઘણા મધુર ફિલ્મી ગીતોનું સર્જન કર્યું . ચિત્રગુપ્તના સંગીત નિયોજનમાં લતા મંગેશકર ના આવાજ નું માધુર્ય ખૂબ નીખરી ઉઠતું તેનું કારણ ચિત્રગુપ્તની બેહદ કર્ણ પ્રિય ધૂન હતી. ચિત્રગુપ્ત નું ગેય તત્વ તેમના સંગીતની ખુબી ગણાતી .લતા મંગેશકરના સ્વરની મીઠાશને અદ્વિતીય રીતે ઉભારવામાં ચિત્રગુપ્ત કેટલા સક્ષમ હતા તે જાણવું હોય તો ,ભાભી ફિલ્મનું રાગ મેઘ મલ્હાર માં કમ્પોઝ થયેલું કારે કારે બાદરા....... ગીત સાંભળવું જ પડે . "ભાભી"ફિલ્મના સંગીતને મળેલી સફળતા પછી તો જાણે ચિત્રગુપ્તે મધુર ધૂનો નો વરસાદ કર્યો. ધુનોની મીઠાશ હતી એટલે લતાજી નો સાથ હતો અને લતાજી હતા એટલે દરેક રંગની મેલડી ચિત્રગુપ્ત ના સંગીતમાં ઝળકી ઊઠી. ધૂનની મધુરતા હોય ,કોમળતા હોય , ઝુમાવતા ઝંકાર હોય,અભિભૂત કરતું દર્દ હોય કે મદહોશ કરતો રોમાન્સ હોય ચિત્રગુપ્તે લતા મંગેશકર ના અવાજમાં દરેક ભાવ પ્રદર્શિત કરતા ગીતો ને બેજોડ સંગીત સૌંદર્ય સાથે સજાવ્યા છે. થીરકતા,મચલતા ગીતો ની પણ એક લાંબી યાદી બની શકે જેમાં સૌથી મોખરે છે અનુપમ લાવણ્યથી ભરેલું અને અદ્વિતીય રીધમ તથા ગાયકી થી સજ્જ ભૈરવીની છાયા લઈને આવેલું ફિલ્મ "કાલી ટોપી લાલ રૂમાલ" નું "દગા દગા વઈ વઈ વઈ.."આ ગીતમાં ચિકોનમ ચિકોનમ શબ્દો સાથે તબલા નો જબરદસ્ત પ્રયોગ કરીને ચિત્રગુપ્તે ફિલ્મ સંગીતને એક અણમોલ ભેટ આપી છે. લતા મંગેશકર સાથે ચિત્રગુપ્તે આવા ઝુમતા,થીરકતા ઘણાં હીટ ગીતો આપ્યાં." મૈં ચૂપ રહુંગી" નું બિલાવલ થાટના સૂરો થી સજેલ" ચાંદ જાને કહા ખો ગયા..."ગંગા કી લહેરે ફિલ્મ નું" છેડોના મેરી ઝુલ્ફે સબ લોગ ક્યા કહેંગે..." અને "મચલતી હુઈ હવા મેં છમ છમ..."પતંગ ફિલ્મનું કાફી થાટ અને કહેરવા તાલમાં નિબધ્ધ "રંગ દિલ કી ધડકન ભી લાતી તો હોગી..."જેવા ગીતો રેટ્રો ભક્તોનાં દિલની ધડકન બનીને આજે પણ ગુંજે છે.
સંગીતકાર ચિત્રગુપ્ત સાથે મહમ્મદ રફી તો કારકિર્દીની શરૂઆત થી જ હતા ,પણ મુકેશ નો સાથ ચિત્રગુપ્તને મળ્યો છેક 1958માં .ફિલ્મ "સન ઓફ સિંદબાદ" નું એક ગીત ચિત્રગુપ્તે મુકેશ પાસે ગવડાવ્યું .ખુબજ કોમળ સ્પર્શવાળું એ ગીત એટલે "વો ચાંદ ચમકા વો નૂર ઝલકા ...."લતા મંગેશકર સાથે ના આ યુગલ ગીત માં મુકેશ ને બેહદ રોમેન્ટિક, મુલાયમ અંદાજમાં ચિત્રગુપ્તે પેશ કર્યા અને આ ગીત પછી મુકેશ પણ મહમ્મદ રફી ની જેટલા જ ચિત્રગુપ્તના પ્રિય બની રહ્યા. AVM પ્રોડક્શનની "બરખા"ફિલ્મનું યુગલ ગીત "એક રાત મેં દો દો ચાંદ ખીલે એક ઘૂંઘટ મેં એક બદરી મે....." તો લોકપ્રિયતાનો રેકોર્ડ તોડનાર ગીત સાબિત થયું .
એક સમય એવો હતો કે સાહિર લુધિયાનવીની રચનાઓને એસ.ડી બર્મન,રોશન,ખૈયામ,જયદેવ , રવિ કે એન દત્તા સંગીતબધ્ધ કરતા. આ વિશિષ્ટ મોનોપોલી તોડવી ખૂબ મુશ્કેલ હતી, અને જે એકમાત્ર સંગીતકાર આ મોનોપોલી તોડી શક્યા તે હતા ચિત્રગુપ્ત .1958માં પરાજય નામની ફિલ્મ માટે આમ તો ચિત્રગુપ્તે સાહિર ની કેટલીક રચનાઓ સંગીતબદ્ધ કરી હતી પણ ફિલ્મ અધૂરી રહી,પછી છેક 1968માં "વાસના" ફિલ્મ માટે સાહિર ની રચનાઓને સંગીત આપવાનો મોકો મળ્યો ચિત્રગુપ્તને. "યે પરબતોંકે દાયરે…. "ગીત સાંભળીને એ જરૂર કહી શકાય કે સાહિર ની શાયરાના,રૂમાનનીયતને ચિત્રગુપ્તે કેટલી દિલકશ અંદાજમાં પેશ કરી છે.
ચિત્રગુપ્ત ખૂબ સીધાસાદા વ્યક્તિ હતા તેઓ ધાર્મિક વૃત્તિના હતા તો સાથોસાથ અત્યંત ઉદ્યમી પણ હતા .તેઓ તેમની એક તૂટેલી ચંપલ ની જોડ રેકોર્ડિંગ વખતે પહેરી રાખવાનો અંધવિશ્વાસ ધરાવતા હતા. લતા મંગેશકર તેમની આ બાબતની મજાક પણ કરતા અને કહેતા કે "ચિત્રગુપ્તને મારી ગાયકી કરતા તો વધુ પોતાની તૂટેલી ચંપલ પર વિશ્વાસ છે."
ચિત્રગુપ્ત ના સંગીત માં પૂર્વ ભારતીય લોકસંગીત ની મીઠાશ આપણને ઠેર ઠેર જોવા મળે. રીધમ પ્રધાન રચનાઓ હોય, કોમળ રોમેન્ટિક રચનાઓ હોય કે દર્દીલા ગીતો હોય ચિત્રગુપ્ત ના ઘણા ગીતોમાં લોકસંગીતના ધ્વનિ,ભંગીમાંઓ,ભાવનાઓ અને ચેષ્ટાઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. 1965 માં આવેલી ફિલ્મ "ભૌજી"માં ચિત્રગુપ્તે બિહારના ગ્રામીણ જીવન માં ઝલકતા વાત્સલ્ય થી ભરપૂર પારંપરિક ગીતો કે શૃંગાર પૂર્ણ સહજ પ્રેમ ભર્યા ગીતો લતા મંગેશકર પાસે ગવડાવીને આ ગીતોને અમર બનાવી દીધા. હિન્દી સાહિત્યના ટોચના સર્જક ગોપાલ સિંહ નેપાલી અને ચિત્રગુપ્ત ની જોડી ફિલ્મ સંગીત ના ઇતિહાસમાં ચર્ચિત ગીતકાર સંગીતકાર જોડીઓમાં સ્થાન પામે છે. ચિત્રગુપ્ત ના પુત્રો આનંદ -મિલિન્દ પણ ફિલ્મ સંગીતમાં એક જાણીતી જોડી છે. ફિલ્મ સંગીતના કામ ઉપરાંત પણ લતા, ઉષા અને મીના મંગેશકર, દિલીપ ધોળકિયા,ગીતકાર પ્રેમ ધવન અને ચિત્રગુપ્ત અવારનવાર મહેફિલ જમાવતા. ચિત્રગુપ્ત ના પુત્ર મિલિન્દ નું નામ લતા મંગેશકરે પાડ્યું હતું. એક મુલાકાત દરમિયાન ચિત્રગુપ્ત ના પુત્ર આનંદે કહ્યું કે"1964 નું વર્ષ ચિત્રગુપ્ત માટે ખૂબ વ્યસ્તતા લઈને આવ્યુ, તે સમય એવો હતો કે એક દિવસ આનંદ બક્ષી ઘરના બગીચામાં ગીત લખતા હતા, તો મજરૂહ સુલતાનપુરી ઘરના એક ઓરડામાં સ્થાન જમાવીને બેઠા હતા ,રાજેન્દ્ર કૃષ્ણ ચિત્રગુપ્ત ના મ્યુઝિક રૂમમાં વ્યસ્ત હતા અને પ્રેમધવન ઘરના વાડામાં ઉગેલી નારીયેળી નીચે ગીત લખતા હતા અને ચિત્રગુપ્ત વારા ફરતી તેમની પાસે જઈને કેટલું ગીત લખાયું તે જોતા હતા."
ચિત્રગુપ્ત માટે સંગીત એક આરાધના હતી. તેઓ ધૂનો પર ખૂબ મહેનત કરતા.મૃદુભાષી ચિત્રગુપ્ત સૌની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરતા.મેલોડી અને લાલિત્ય પર અગાધ વિશ્વાસ ધરાવતા ચિત્રગુપ્ત સ્વભાવે ખૂબ ઉદાર પણ હતા. ફિલ્મ દોસ્તી માટે લક્ષ્મીકાંત-
પ્યારેલાલ સાથે કામ કરવા માટે અચકાતા મજરુહ સુલતાનપુરી ને ,ચિત્રગુપ્તે જ લક્ષ્મીકાંત- પ્યારેલાલ ની પ્રતિભા અંગે જણાવી તેમની સાથે કામ કરવા રાજી કર્યા હતા .શંકર જયકિશન નું ફિલ્મ ગુમનામ નું ગીત" ઇસ દુનિયા મેં જીના હો તો સુનો મેરી બાત...." જેવી જ મસ્તી ચિત્રગુપ્તે તેમના એક ગીતમાં ભરી છે એ ગીત એટલે ફિલ્મ "વાસના"નું "જીને વાલે ઝુમકે મસ્તાના હોકે જી..."આ બંને ગીતોમાં શ્રેષ્ઠ કયુ તેનો નિર્ણય તો હું તમારા જેવા રેટ્રો ભક્તો પર છોડુ છું. કારણ કે મને તો આ બંને ગીતો એક સરખા પ્રિય છે.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.

Rate & Review

કેતન પટેલ સમજકેતુ.
Balkrishna patel

Balkrishna patel 4 months ago

Dhyey

Dhyey 4 months ago

Saloni

Saloni 4 months ago

Imaran

Imaran 4 months ago

अच्छी कहानी है