Site Visit - 30 - Last Part in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 30 - છેલ્લો ભાગ

સાઈટ વિઝિટ - 30 - છેલ્લો ભાગ

30.

આખરે નમતા બપોરે એટલે કે ગરમી ભલે 45 સે. ઉપર હોય, ધગધગતી લુ ઓછી થતાં અમે નીકળ્યાં.

એક આર્કિટેક્ટ તરીકે પાછા ફરતી વખતે પહેલાં તો અહીંના સત્તાવાળાઓને મળી અહીંની નજીકના રસ્તાઓના સ્લોપ ઠીક કરવા, માઈલ સ્ટોન યોગ્ય જગ્યાએ મૂકવા અને ગામ આવતાં કોઈ તેમની સંસ્કૃતિ મુજબની સાઈન બતાવતો દરવાજો મૂકવા અને સ્પીડ બ્રેકર યોગ્ય હાઈટનાં કરવા વગેરે માટે કહયું. મને પડી એવી તકલીફ બીજા બહાર દૂરથી આવતા લોકોને પડે નહીં તે હેતુથી.

સાઇટ પર કોન્ટ્રેક્ટર આવી ગયેલા તેમને ગરિમાએ પાડેલા એ જગ્યાના ફોટા અને સ્કેચ બતાવી તેમનું કામ સમજાવ્યું.

ત્યાંથી જ ગૂગલ મેપમાં રિવ્યૂ લખી આ તરફના મેપ ઠીક કરવા લખ્યું. પછી સંતોષથી બહાર આવી કારમાં બેસતાં હાથ જોડી "નિર્વિઘ્ને કુરુ મે દેવ, શુભ કાર્યેષુ સર્વદા" પ્રાર્થના કરી અને કારની ઇગ્નીશન કી ઘુમાવી, શક્રાદય મૂકી કાર તે સાઇટની બહાર લીધી. મેં એકસેલરેટર દબાવ્યું. જે વહેલા ઘર ભેગા થઈએ!

પહોંચતાં મધરાતથી થોડું વહેલું થશે તેવો આઈડિયા હતો. કોઈ ભારે ટ્રાફિક નડ્યો નહીં. સાંજ ઢળી ચુકી. રસ્તે એક જગ્યાએ પેટ્રોલ પુરાવી કદાચ હાલ પૂરતું છેલ્લી વાર હું અને ગરિમા હાથમાં હાથ પરોવી નજીકમાં ફર્યાં અને કોફી, નાસ્તો કરી લીધો.

સમી સાંજ ઢળતાં સાવ સીધો અને લગભગ તદ્દન ખાલી રસ્તો હતો.

દૂર લાઈટો જોઈ મેં કહ્યું કે નીઝવા શહેરનો બાયપાસ આવી ચૂક્યો છે. અમે ધારેલા સમય કરતાં દોઢેક કલાક વહેલાં હતાં.

પોતાનું ઘર નજીક આવે તો કોનું દિલ આનંદથી ન ઉભરાય?

મેં ગરિમાને કહ્યું કે મસ્કત હવે માંડ સવા કલાકના અંતરે છે. અંધારું થઈ ગયેલું.

ત્યાં વળી એક ઢંગધડા વગરનો ઊંચો સ્પીડબ્રેકર અને તરત વળાંક આવ્યો. આ બધા સ્પીડબ્રેકર ખુબ ઊંચી 4x4  કારને ધ્યાનમાં રાખી બનેલા હોય છે. હું કારને જોરથી બ્રેક મારું ત્યાં કાર ઉછળી. તરત મેં કાબૂમાં લઈ લીધી ત્યાં શાર્પ વળાંક આવ્યો. પટ્ટો બાંધેલી ગરિમા પણ એકદમ આગળ ઝૂકી અને એનો ચાર્જરમાં ભરાવી રાખેલો મોબાઈલ નીકળી ગયો અને નીચે પડ્યો. ગૂગલ મેપ તેમાં ચાલતો હતો તે ફરી સેટ કરવા અને મારા બ્રેક પાસેના પગ નજીક ક્યાંક રહેલો તેનો મોબાઈલ શોધવા મેં કાર સાઈડમાં લઈ ઊભી રાખી. મોબાઈલ ક્યાં ગયો?

કારમાં અંધારું હતું તેમાં અમે હાથ ફંફોસતાં આમતેમ, બે સીટ વચ્ચે, પગ પાસે, બારણાંની ગાસ્કેટ પાસે, સીટ નીચે એમ ગોતવું શરૂ કર્યું.

ગરિમાના હાથમાં મેટી નીચેથી કોઈ બિસ્કીટ જેવી ચોરસ વસ્તુ આવી. આ મોબાઇલ હતો, કોઈ ચાલુ કંપનીનો. તે ચાર્જરમાં નાખી ચાલુ કરું ત્યાં તો તેની રીંગ વાગી. મેં ઉપાડ્યો તો..

હું માની શક્યો નહીં. મારી વાઇફનો અવાજ.

"હેલો, કેટલે છો?"

"અરે મારી xxx (મેં પાડેલું એનું હુલામણું નામ) તું ક્યાંથી?"

"ક્યાંથી તે ઘરમાંથી જ હોઉં ને? હેલો, કહું છું કલાકેક માં આવતા હો તો અર્ધી કલાક રહી ચા મૂકી દઉં અને નાસ્તો તૈયાર રાખું. અને ફોન એટલા માટે કર્યો કે રસ્તે આવતાં પેલા મોલમાંથી સ્કીમમાં બે કિલો ખાંડ છે તે, થોડું શાક અને દૂધનાં બે લીટરનાં કેન લેતા આવશો?"

ઘર આવ્યું. ખબર પડી. હું સ્વગત બોલ્યો.

"Xxx, તું કહે અને ન લાવું એ મારી મજાલ છે?" કહેતાં મેં ખાસ અવાજનો બુચકારો કર્યો. મારી xxx ને બોલાવવાનો ખાસ અવાજ.

ત્યાં તો ગરિમા કૂદી. "સર, મારો મોબાઈલ આ આપણી બે સીટ વચ્ચે સરકી ગયેલો. મળી ગયો.

અને હા. મેં કાઈં સાંભળ્યું નથી."

તે લુચ્ચું હસી.

"પણ પહેલાં તો મારી શ્રીમતી, એ કહે, પાંચ દિવસથી મારો કોઈ સંદેશ ન હતો એની તને ચિંતા નહોતી થતી?" મેં મારી પત્નીને કહ્યું.

"સંદેશ કેમ નહીં? મને બે ચાર મિસ્કોલ પણ મળેલા. મને એમ કે બહુ કામમાં હશો એટલે આ રીતે મિસકોલથી હાજરી પુરાવી.

અરે એક વાર તો લાઈવ લોકેશન પણ મળેલું."

એમ કેમ હોય?

પછીથી ખ્યાલ આવેલો કે મારો પ્રમાણમાં નવો અને મોંઘો ફોન તેઓએ તફડાવ્યો તો ખરો પણ અહીં મારા બધા અંગત મેસેજ ગુજરાતીમાં અને અમુક કામની વસ્તુઓ અંગ્રેજીમાં. મારું કામનું બધું હોય પાછું ટેકનિકલ. એટલે એ લોકોને સમજાયું નહીં હોય અને ટપ્પો નહીં પડતાં એ મોબાઇલનું જે કર્યું હોય એ, દયા કરતા હોય એમ એમાંથી મારું સીમ કાર્ડ લઈ કોઈ પ્રમાણમાં સસ્તો, જૂનો, કદાચ તફડાવેલો સ્માર્ટ ફોન લઈ તેમાં નાખી દીધું. મારે બેલેન્સ પણ જરૂર પૂરતું જ હતું. એ મોબાઈલ પણ પગ પાસે ફેંકી દીધો હોય કે પડી ગયો હોય, મેટી નીચે ઘૂસી ગયેલો એટલે 'મૃગ કી નાભિ માહી કસ્તુરા બન બન ફિરત ઉદાસી' જેવું મારે થયું. છતે મોબાઈલે મોબાઈલ વગરનો રહ્યો.

એ મોબાઈલ સાચે જ ચોરાઈ ગયેલો.  ચોરોએ જ એની ભાષા ન સમજતાં એને ફેંકી દીધેલો. અને હું તો એમ માનતો હતો કે હું રેતીમાં સૂઈ ગયેલો ત્યારે મને ઉઠાવી જતાં તે લોકોએ ઝાડીમાં ફેંકી દીધો હશે કે તેમની પાસે ક્યાંક મૂક્યો હશે. વળતાં આખરે આ તો આ, મેં કનેક્ટેડ મોબાઈલથી આટલા કલાકે ઘર સાથે વાત કરી. અમે બેય ખુશ થયાં.

હવે મોબાઈલ બ્લ્યુ ટૂથ સાથે એટેચ હતો અને કાર ચાલુ હતી. 130 ની સ્પીડે, ક્રૂઝ મોડમાં. સુકાન સેલ ખાતી હોય એમ ગરિમા પાસે હતું. મારી પત્નીએ પૂછ્યું "ગરિમા કેમ રહી? સહકાર આપે એવી લાગે છે મને."

વચ્ચેથી ગરિમા બોલી "ના મેડમ. સરને ખુબ હેરાન કર્યા છે."

"ભલે કર્યા. (હસવાનો અવાજ) અને તું મને દીદી કહેજે. મેડમ કહેવાની જરૂર નથી.

હા, તો તમને કહું છું, તમારી રાહ જોઉં છું.

અને તમારી સાઈટ વિઝિટ કેવી રહી?"

અમે બેય, હું અને ગરિમા એક સાથે બોલી ઉઠયાં "કાયમ માટે યાદ રહી જાય એવી."

"એવી તે કેવી હતી? ભલે તો. ઘેર આવી ફ્રેશ થઈ જાઓ એટલે સાંભળીએ તમારી આ નવી નવાઈની સાઈટ વિઝીટની વાત. લવ યુ. બાય."

તેણે કહ્યું અને ફોન મૂક્યો.

"સર, આઇ લવ યુ ટુ. રિયલી." કહેતાં સ્ટિયરીંગ હાથમાં રાખી અંધારી કારમાં બહારનાં આકાશનાં આછાં અજવાળાંનો લાભ લઈ ગરિમાએ મને આ ફોર્મલ સાઈટ વિઝીટની આખરી ઇન્ફોર્મલ કીસ કરી.

હું તો મળ્યા કરતાં મોટી રિટર્ન ગીફ્ટ આપવામાં માનું હોં!

હવે મેં સુકાન સંભાળ્યું.

ક્ષિતિજ ફાડી રાતનું અંધારું ઉતરી આવ્યું. થોડી જ વારમાં અમારી સામે મસ્કત જાણે જમીનમાંથી ફૂટી આવ્યું હતું. શહેરની બાઉંડ્રી પર ઊંચાઈએ આવેલા એમીરાત વિસ્તારમાંથી અમે મસ્કતના ટમટમતા દીવાઓ જોતાં પ્રવેશી ચૂક્યાં હતાં.

ગરિમાને તેના ઘર પાસેના રસ્તે ઉતારી મેં મારા ઘરનો રસ્તો લીધો.

આખરે આ દિલધડક સાઈટ વિઝીટ પૂરી થઈ ખરી.

આખરે ઘર આવ્યું. મેં કારનું ઈગ્નીશન બંધ કર્યું અને જે પણ બન્યું, આખરે સલામત લાવવા બદલ ઈશ્વરનો આભાર માનતાં આકાશ સામે હાથ જોડયા.

***

(સમાપ્ત)

Rate & Review

Ketki Vaja

Ketki Vaja 3 months ago

Nishita

Nishita 4 months ago

JAGDISH.D. JABUANI
Deepa Shah

Deepa Shah 4 months ago

Geeta Patel

Geeta Patel 4 months ago