Sorth Tara Vehta Pani in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | Sorth Tara Vehta Pani

Sorth Tara Vehta Pani

સોરઠ તારાં વહેતાં પાણી

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•સુન્દરગિરિના શિખર ઉપર

•મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ

•મુંબઇના સમાચાર : ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ

•સુવર્ણપુરના સમાચાર : કારભારીનો શિક્ષાપાત્ર પુત્ર

•વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે

•સંસ્કૃત પ્રકરણ : લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ :

•સ્વપ્ન, જાગૃત અને પાછું સ્વપ્ન રત્નનગરીના રાજ્યો અને પ્રધાનો

•મલ્લરાજ અને તેનાં રત્ન

•મલ્લરાજની ચિન્તાઓ

•મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ

•પરરાજ્યનું પ્રથમ વમળ

•નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ

•મલ્લરાજની નિવૃત્તિ અને મણરાજનું યૌવરાજ્ય

•મણિરાજનો શોક અને પિતૃદર્શન

•સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત

•મીઠો પુલાવ

•સાહેબના મનોરથો

•રૂખડની વિધવા

•મારી રાણક !

•ઝલેખાને જોઈ આવ્યો

•બહેનની શોધમાં

•મરદનું વચન

•વેરની સજાવટ

•સુરેન્દ્રદેવ

•તાકાતનું માપ

•જાતિ-સતીને પંથે

•બાપુજીનું તત્ત્વજ્ઞાન

•પાછા જવાશે નહિં

•નવી ખુમારી

•બ્રાહ્મતેજ

•બહાદુરી !

•વાતાવરણ ભણાવે છે

•અમલદારની પત્ની

•કોઈ મેળનો નહિ

•પ્રેરણામૂર્તિ

•ચુડેલ થઈશ

•લોઢું ઘડાય છે

•ફૂટપાથ પરનો ટ્રાફિક

•ચકાચક !

•લશ્કરી ભરતી

•વટ રાખી જાણ્યું

•ઓટા ઉપર

•વાવાઝોડાં શરૂ થાય છે

•બધાં એના દૂશ્મનો

•ઉજળિયાતોનાં રુદન

•એ બહાદુરો ક્યાં છે ?

•એક જ દીવાસળી ?

•વિધાતાએ ફેંકેલો

•નવો ખેડુ

•એક વિદ્યાપીઠ

•ખેડૂતની ખુમારી

•પુષ્પા ક્યાં ગઈ ?

•એ મારી છે

•કલમની દુનિયાનો માનવ

•ધરતીને ખોળે

•ઉપસંહાર

૧. અમલદાર આવ્યા

ગીરના નાકા ઉપર એક સરકારી થાણું હતું. અમલદારી ભાષામાં એ ‘આઉટ-પોસ્ટ’ તરીકે ઓળખાતું. પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જાના અધિકારીનો મૅજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો. મૅજિસ્ટ્રેટ ‘થાણદાર સાહેબ’ કહેવાતા. પોલીસ અમલદારનું લોકનામ ‘જમાદાર સાહેબ’ હતું. થાણદારના હાથમાં ઈન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી.

ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી ‘બ્રિજિલોડ’ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મૅજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે-કલાકે બજતી ઝાલરના ડંકા, રાતના દસથી ચાર સુધીની લાંબા સૂરોની ત્રેવડી આલબેલો, ઘોેડેસવારોની રોજ સાંજની બબે ગાઉ સુધીની ‘રૉન’ (રાઉન્ડ) - એ બધાનો પ્રભાવ લોકો પર વિશેષ પડતો. આથી થાણદાર અને જમાદાર વચ્ચેની સત્તાની સરસાઈ એક ધૂંધવાતા છાણાની જેમ, અહર્નિશ ખુલ્લી-અણખુલ્લી, ચાલ્યા જ કરતી.

આ આઉટ-પોસ્ટ પર બદલી થઈ આવનાર દરેક માણસ પોતાને કાળા પાણીની સજા થઈ સમજતો. અહીંની બદલી અટકાવવા માટે એ રાજકોટની ઉપરી-ઑફિસમાં લાગવગ, ફળ-મેવાના કરંડિયા તેમ જ રોકડ નાણાંના પણ પ્રયોગો અજમાવતો.

ઉપરી-ઑફિસના શિરસ્તેદારો જે નોકરો પોતપોતાની ન્યાતના ન હોય તે બધાને કાં તો તુચ્છ અથવા વિરોધીઓ લેખતા. ઉપરી-ઑફિસમાં નાગર, બ્રાહ્મણ ને વાણિયા - એમ ત્રણ કોમોની ખટપટ ચાલતી. ને સામી કોમના માણસને હેરાન કરવો હોય ત્યારે શિરસ્તેદાર પોતાના ગોરા અધિકારીની સમક્ષ ઘણે ભાગે એ રીતની જ દરખાસ્ત મૂકતો કે અમુક આઉટ-પોસ્ટ પર કડક આદમીને મૂકવાની જરૂર છે : તાબાની વસ્તી અતિશય ફાટી ગઈ છે, માટે ફલાણા બાહોશ અમલદારને ત્યાં મૂકવો જોઈએ.

અંગ્રેજ અધિકારીઓ તે કાળમાં ઘણુંખરું લશ્કરી ખાતામાંથી જ આવતા. તેઓને કડક બંદોબસ્તની વાત જલદી ગળે ઊતરી જતી.

શીતળ નામના સ્ટેશન પર બે દિવસોથી બે બળદ-ગાડાં છૂટેલાં હતાં. બેકાર બળદો કંટાળી કંટાળી ઊભા થતા, ને પાછા બેસતા. કાબરા બળદનું છોલાયેલું કાંધ ઠોલતો કાગડો જોરાવરીથી પૈસા ઉઘરાવનાર ફકીરની યાદ આપતો હતો. બળદનું પૂંછડું ભગ્નહૃદયી પ્રેમિકાની પેઠે નિરુત્સાહે ઊપડતું હતું, તેથી કાગડો બે-ચાર વાર ઊડીઊડી નિર્ભય બન્યો હતો. બન્ને ગાડા-ખેડુ કણબીઓએ પોતાના બળદ પાસે નીરેલ કડબ ખાવા આવતી બાડી ગાયને ‘હો હો ગાવડી !’ કહી હોકારવાનુંય છોડી દીધું હતું. ચલમમાં પીવા માટે ગોળના પાણીમાં કેળવેલી ગડાકુની ચામડાની કોથળીમાં બાકી રહેલો કસ લૂછતો હતો. સાથે આવેલા બે પસાયતા (ગ્રામ ચોકિયાત) પૈકીનો એક જણ બાજુના વડ નીચે બેઠેલા એક બાવા પાસે જઈ પોતાનું પિત્રાઈનું મોત થાય તેવું કંઈક મંત્રતંત્ર કરાવતો હતો. બીજો જુવાન પસાયતો નાના આભલામાં જોઈ વારેવારે પોતાનાં ઓડિયાં ઓળતો હતો.

સ્ટેશનના ગોદામ પરથી મરચાંના કોથળા એક કાળા વૅગનમાં પછડાતા હતા. તેની ઝીણી રજ ઊડવાથી ચોપાસ ‘ખોં-ખોં’ થઈ રહ્યું હતું.

સ્ટેશન-માસ્તરની સગર્ભા સ્ત્રી એક વરસના છોકરાને તેડીને પોતાના ઘરને ઓટે ઊભીઊભી બૂમો પાડતી હતી : “ખબરદાર - એઈ ગાડાવાળાઓ, કોઈને છાણના પોદળા લેવા ન દેશો.”

“એ હો બેન.” કહીને ગાડા-ખેડુ એક સાંધાવાળાને છાને સ્વરે મર્મ કરતો હતો : “માસ્તરાણી છે ને ?”

“નહિ ત્યારે ?” સાંધાવાળો સામા સવાલથી ગાડાવાનોના આવા અજ્ઞાનની નવાઈ દાખવતો હતો.

“તે છાણછાણ કાં કૂટી રહી છે ?”

“શું કરીએ, ભઈ ?” સાંધાવાળો કશીક ફરિયાદ કરવા જતો હતો.

“આ વાણિયાબામણાંને ભારેવગાં થાય ત્યારે શું છાણનાય ભાવા થાતા હશે ?” બીજા ગાડા-ખેડુએ આંખ ફાંગી કરી કહ્યું.

“શી આ વાતો કરો છો તમે ?” લાંબા વાળવાળો જુવાન પસાયતો કાંઈ સમજતો નહોતો.

“ઈ સમજવાની તમારે હજી વાર છે, સુરગભાઈ !”

“તમે ઓડિયાં તો ઠીકઠાક કરી લ્યો ! પછેં સમજાશે !”

કેડ-ભાંગલો સ્ટેશનનો કાયમી ભિખારી પણ આ હસવામાં ભળ્યો. એની કમરથી નીચેનું અંગ ઘવાયેલા સારસ પક્ષીના ટાંટિયાની પેઠે લબડતું હતું.

સાંધાવાળાએ એ માનવ-કીડા તરફ ફરીને કહ્યું : “તું તો દાંત કાઢ્ય જ ને, મારા બાપ ! તેંય કસબ કરી જાણ્યું દુનિયામાં. બે હજાર ભેગા કરી લીધા ભીખમાંથી ને ભીખમાંથી.”

“સાચેસાચ ?” ગામડિયા ચમક્યા.

“પૂછો મોટા માસ્તરને.”

“ક્યાં સાચવે છે ?”

“મામદ ખાટકીને ચોપડે વ્યાજ ચડાવે છે લૂલિયો.”

“હેં એલા ?”

“હવે, ભઈ, વાત મૂકોને !” એમ કહેતો પગ-ભાંગલો ભિખારી બેઠક ઘસડતો-ઘસડતો મોટી ખડમાંકડીની માફક ચાલ્યો ગયો. દૂર બેસીને એ હિંસક નજરે સાંધાવાળા તરફ તાકી રહ્યો.

સાંધાવાળાએ ફાંગી આંખ કરીને ગાડાવાળાઓને કહ્યું : “ખબર છે ? કમ નથી, હો ! શી વેતરણ કરે છે - જાણો છો ?”

સાંભળનારાઓના કાન ચમક્યા.

“એને પરણવું છે : હે-હે-હે-હે...”

અને પાંચ જણા નિચોવાતા કપડાની માફક મરડાઈને હસ્યા.

દૂરથી શંકાશીલ બનેલી સ્ટેશન-માસ્તરની વહુએ તીણી ચીસે પૂછ્યું : “અલ્યા, કેમ દાંત કાઢો છો ?”

“એકાદ દી આંહીં આવીએ તો દાંતેય ન કાઢવા અમારે ?” ગાડાખેડુએ ધીરેથી બીજી તરફ જોતાંજોતાં કહ્યું.

ને બીજાએ ઉમેર્યું : “ઘરે પોગ્યા પછી તો રોવાનું છે જ ને, બાઈ !”

“રહો તમે, રોયાઓ ! એલા, સાહેબને બોલાવી લાવ. એને સીધા કરે.” માસ્તર-પત્નીએ સાંધાવાળાને હુકમ કર્યો.

“એ લ્યો, બોલાવું.” કહી સાંધાવાળો આ સ્વાભાવિક ભાઈબંધો પ્રત્યે આંખો મારતો સ્ટેશન તરફ ચાલ્યો ગયો.

“ગાડી છૂટી...છે...” વો માસ્તરનો પુકાર પડ્યો. ડંકા બજાવીને થોડી વારે સાંધાવાળો સાંધાનો હૅન્ડલ દબાવી, ઉપર ઘોડો પલાણીને બેસી ગયો. મડદા જેવા સ્ટેશનમાં નવસૃષ્ટિ સળવળી ઊઠી. ગાડી આવી ત્યારે ચારેય ગામડિયા દરવાજાની બહાર ‘રેલિંગ’ની પડઘી ઉપર પાંજરાપોળની પીંજરાગાડીમાંથી ડોકિયું કરી જોતાં ઓશિયાળાં કૂતરાંની માફક તાકી રહ્યા.

હાંફતી-હાંફતી ગાડી ઊભી રહી. કેટલાંક ઉતારુઓ ઊતરતાં હતાં, તેમાં અમલદાર કયો તે આ ચાર જણ એકદમ નક્કી ન કરી શક્યા. ભૂલભૂલમાં ભળતા પોશાકવાળા બે-ચારેકને સલામો પણ કરી નાખી.

આખરે એક આધેડ આદમી દરવાજા પર આવ્યો. એના હાથમાં પાતળી, રાતી, પીળી પડી ગયેલ જસતના ટોપકાવાળી સોટી હતી. સોટીને એ પોતાની ખાખી બ્રિચીઝના, થીગડું મારેલ પિંડીના ભાગ ઉપર પટકાવતો હતો. એની ભરાવદાર કાબરી મૂછોના થોભિયાએ પાકી ખાતરી કરાવી આપી કે આ જ આપણા સાહેબ.

ચારેય જણાએ ‘મે’રબાન !’ એમ બોલી સલામ કરવા કપાળ પર ચતો હાથ મૂક્યો - કેમ જાણે ખેતરમાં કામ કરતાકરતા પરસેવો લૂછતા હોય !

સોટી વતી સલામો ઝીલીને પ્રભાવશાળી બનવા મથતા એ પુરુષે ભરાવદાર અવાજે પૂછ્યું : “એલા, ભેખડગઢથી કોણ તમે જ આવ્યા છો કે ?”

“હા, મે’રબાન, બે દીથી બેઠા છીએ.” મોટેરો પસાયતો બોલ્યો. અમલદારે પ્રસન્નતા બતાવી, એથી ઉમંગમાં આવી જઈ એક ગામડાવાળાએ કહ્યું : “આપ સાહેબની બહુ વાટ જોઈ. કાં’ક કામ આવી ગયું હશે ને ! નીકર તો કાંઈ ડાયું માણહ ગાડી ચૂકે ?”

અમલદારે પસાયતાને કહ્યું : “સામાન લઈ લ્યો આપણો.”

પ્લૅટફૉર્મ પર અમલદારની સ્ત્રી ગાડીમાંથી સામાન ફગાવતી હતી, ને અમલદારની પુખ્ત દીકરી સવાએક મહિનાના નાના બચ્ચને તેડી બાજુએ ઊભી હતી. દસ વર્ષનો એક છોકરો અમલદારની કીરીચ (વિલાયતી તરવાર) ઉપાડીને ઊભો હતો.

સામાન ઊતરી રહ્યો. સહુ નીચે આવી ગયાં. ગાડી ઊપડી અને ‘ખોં-ખાં’ ખાંસી ખાતી શહેરી શેઠાણી જેવી મહામહેનતે ચાલી ગઈ.

એક બૂઢો પુરુષ પણ અમલદારની જોડે હતો. તેણે કહ્યું : “અરે વહુ ! સહુ હાલો, એકએક દાગીનો ઉઠાવી લેશું.”

હમાલનું કામ કરતી સાંધાવાળાની સ્ત્રીઓ નિરાશ થઈને ત્યાં ઊભેલી હતી. તેઓના હાથની ઈંઢોણીઓ ભિખારીઓના રામપાત્ર જેવી દેખાતી હતી.

૨. થાણાને રસ્તે

“પણ તમને કોણે કહ્યું કે ઉપાડો !” એવા ઉગ્ર પણ ચૂપ અવાજે કચકચતા દાંતે બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રંક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું : “મારી ફજેતી કાં કરી ?”

ડોસા સડક થઈ ગયા.

અમલદારનાં દૂબળાં પત્નીથી ન રહેવાયું. થોડી લાજ કાઢઈને પણ એણે કહ્યું : “આકળા કેમ થઈ જાવ છો ? બાપુને...”

“તમે બધાંય મારાં દુશ્મન છો.” એટલું કહી અમલદારે પીઠ ફેરવી સામાન ઉપડાવ્યો. એક ગાડું સામાનનું ભરાવ્યું. બીજામાં કુટુંબ બેઠું.

અમલદારે પૂછ્યું : “એલા, દરબારી સિગરામ કેમ નથી લાવ્યો ?”

“સિગરામ હાલે એવો મારગ નથી, મે’રબાન.”

“ભેખડગઢ કેટલું થાય અહીંથી ?”

“વીસ ગાઉ પાકા.”

“કાળું પાણી ! ખરેખર કાળું પાણી !... રસ્તે રાત ક્યાં રહેવાનું છે ?”

“દેવકીગામ.”

“તૈયારી રખાવી છે ?”

“બે ઠેકાણે.”

“ક્યાં-ક્યાં ?”

“દરબાર અમરો પટગર કહે કે જમાદાર સા’બ મારા મે’માન થાશે : સામી પાટીમાંથી રૂખડ શેઠે હઠ કરી છે કે મારે ત્યાં જ ઉતારીશ.”

“રૂખડ શેઠ કોણ છે ?”

“વાણિયા છે. પણ કાઠીયુંનો પીર છે : હા, મે’રબાન.”

“એણે દીપડો ચીરી નાખ્યો’તો એ વાત સાચી ?”

“સાચી.”

ધારોડ ધરતી ઉપર અધ્ધર ચડીચડી નીચે પછડાયે જતા એ ગાડામાં બીજાં સર્વ ચૂપચાપ ધાકમાં બેઠાં હતાં. દીકરીનું નાનું બાળ બફાતું હતું. ગાડામાં છાંયાના લાકડે માએ એક ખોયું બાંધી આપ્યું તેમાં બાળક ફંગોળાતું-ફંગોળાતું પણ ઊંઘવા લાગ્યું. ડોસા-ડોસી બેઉ સંકોડાઈને ખૂણા તરફ લપાઈ ગયાં હતાં. કાચી સુવાવડે ઉઠાડવી પડેલી દીકરીને આરામ આપવા મથતી અમલદારની પત્ની કંઈક ને કંઈક હેરફેર કર્યા કરતી હતી. તેમાં કોઈને ખબર ન પડે તેવી અદબથી લપાઈ બેઠેલા દીકરીના મોટા પુત્ર ‘ભાણા’ના કાન ચમક્યા. એણે પોતાના અમલદાર પિતામહથી ફળ ખાતેખાતે પમ હામ ભીડી પૂછ્યું : “શું દાદા ! દીપડો - શું કરી નાખ્યો ?”

પસાયતાએ ગાડાની નજીક આવીને કહ્યું : “હા, ભાઈ, દીપડો એટલે વાઘ. તેને - સૅ ને - તે એક માણસે બાથંબાથા કુસ્તી કરીને - સૅ ને, વગર હથિયારે હેઠો પસાડ્યો, ને દીપડાના માથે સડી બેઠો. દીપડાને ગૂંદ્યો, ગૂંદ્યો, મરણતોલ ગૂંદ્યો, ને પસૅ બે હાથે દીપડાનાં બે ઝડબાં ઝાલી, આ તમે જેમ દાતણની સીર ફાડી નાખો ને - એમ એણે દીપડાને આખો ઠેઠ પૂંસડા લગણ સીરી નાખ્યો.”

બાળકનું મોં ફાટી રહ્યું. એના વિચારો ભમવા માંડ્યા. બન્ને બાજુએ ડુંગરાની ખોપો પણ હેબત પામીને પાષાણ બની ગયેલા પ્રેક્ષકો જેવી ઊભી હતી.

બાળકે પૂછ્યું : “કોણે ફાડી નાખ્યો ?”

“જેણે ફાડી નાખેલ છે તેને આપણે રાતે મળશું, હો ભાણાભાઈ !”

અમલદાર પણ ઝોલાં ખાવા લાગ્યા, ગાડાખેડુને પસાયતાએ ભૂંગળી ભરવા સૂચવ્યું. જવાબમાં પેલાએ સાફ કોથળી બતાવી દીધી.

ખેલ કરી રહેલા સાપને મદારી જેમ કરંડિયામાં પૂરે તેમ અંધકાર દિવસને રાત્રિના ટોપલામાં પૂરવા લાગ્યો.

બેઉ પસાયતા બીડી ચેતાવીને જરા પાછળ રહ્યા. વાત શરૂ થઈ. જુવાને પૂછ્યું : “જમાદાર જાતે કેવા છે ?”

“બામણ લાગે છે. નામ મૈપતરામ છે - ખરું ને ?”

“આમની પહેલાં કોણ હતો ?”

“વાણિયો.”

અંધારું ખરલમાં ઘૂંટાતા સુરમાની પેઠે ઘાટું બની રહ્યું હતું.

“વાણિયાબામણ કેટલાક ?”

“અરે, હું તો પચીસ વરસથી જોતો આવું છું : એક રજપૂત ને એક મિયાણા સિવાય તમામ વામિયાબામણ જ આપણા જમાદારો બનીને આવી ગયા.”

“ફટ્ય !”

“કેમ, સુરગ, ફટકાર કોને આપ્યો ?

“આપણી જાતને જ.”

“શા માટે ?”

“મને વિચાર આવે છે, કે આ વાણિયાં-બામણાં શી તાકાતને જોરે ઠેઠ આ ગરકાંઠો ખેડે છે ? લેખણને જ જોરે ?”

“છાતીને જોરે, સુરગ, કલેજાને જોરે. લેખણ એકલી હોય તો આ કાઠી જેવા અને જત જેવા કાંટિયા મુલકમાં એ ઢૂંકે કે ? આવી અઘોર એકાંતમાં ફાટી ન પડે ?”

“મારા મનમાં પાપ ઊપડે છે.”

“શું છે ?”

“આની પાસે પાંચસો-હજાર તો હશે જ ને ?”

“છાનો મર, સુરગ, વા ગાડાઢાળો છે.”

“આ ડુંગરામાં હાથતાળી દઈને જાતાં શી વાર !”

“કેમ બહુ તલપાપડ થયો છે, લાડા ?”

“ન થાઉં ?”

“કાં ?”

“મારે મામે ચાંપે કોટીલું ચોખ્ખું કે’વરાવ્યું છે...”

“- કે ?”

“- કે કાઠીનો દીકરો એકાદ લોટોઝોટો ન કરી આવે ત્યાં લગી કાઠીની કન્યા ફેરો કોની હારે ફરે ? - બકાલની હારે ?”

“હા; ઈ વાત સાચી, સુરગ. હવે તું મનસૂબા કરછ એ સમજાણું.”

“તમે હારે છો એટલે શું કરું ?”

મોટો પસાયતો મૂંગો રહ્યો. અંધારું પણ એની સાથે જાણે કશોક સંતલસ કરતું હતું.

“સાંભળો છો, આપા મામૈયા ! કે ઝોલે આવ્યા ?” જુવાન બૂઢાને પૂછ્યું : “આમ પગઢરડા ક્યાં લગી કરવા છે ? સરકારી ટપાલના બીડા ખેંચ્યે અવતાર નહિ નીકળે.”

“કરને ઝપટ...”

“સાચેસાચ ? જરીક પાછળ પડી જાશો ? આ બામણું થોભિયા વધારીને બેઠું છે, પણ હમણાં એક હાક ભેગું એનું પેડું ઝીક નહિ ઝીલે.”

“ઠેકડી કરછ કે સાચું કે’છ, સુરગ ?”

“ઠેકડી તો મારી તમે કરો છો, આપા !”

“કેટલો ભાગ ?”

“અરધોઅરધ.”

“અજમાવ ત્યારે.”

“તમે હાકોટા કરશો ? આપણે જાડા જણ છીએ એમ દેખાડીએ.”

“ભલે. પણ મારા હાથ-પગ મારા ફેંટાથી બાંધતો જા.”

સુરગ પસાયતાએ મોટેરાના શરીરને જકડી લીધું. પછી પોતાના હાથમાંની કાળી લાંબી ડાંગ એક સળગતી દોરી બાંધી બંદૂકનો દેખાવ કર્યો, ને પોતે તલવાર કેંચીને ઊપડ્યો - મામાની દીકરીને પરણવાની લાયકાત પ્રાપ્ત કરવા !

૩. પહાડનું ધાવણ

જકડાયેલા બૂઢા સાથીએ પાછળથી અવાજ કર્યો : “સુરગ, ગાડાંને ભેરવના નહેરામાં ઊતરવા દે, અધીરાઈ કરીશ મા.”

જુવાન પસાયતાએ આ શિખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો. પણ ‘મામાની દીકરી’ને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતું નહોતુ.ં

આગળ ચાલ્યા જતા ગાડામાં સહુ ઝોલે ગયાં હતાં ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા.

“તને ઊંઘ નથી આવતી, ભાણા ?”

“ના.”

“કાં ?”

“વાતો સાંભળવી છે.”

“શેની ? દીપડાની ને દીપડા જેવા માણસોની ?”

“હા.”

“અરે પસાયતા ! શું તારું નામ ?” અમલદારે હાક મારી. જવાબ ન મળ્યો. જોડાનો સંચાર પણ ન સાંભળ્યો. રોજની આદત બોલી ઊઠી : “ક્યાં મરી ગયા બેય જણ ?”

“હે-હે-હે - ખુટલ !” એવા સુરીલા શબ્દો સાથે એકતાલ કરીને ગાડાવાળો પોતાની જમણી બાજુના બળદનું પૂછડું, રાંઢવાને વળ ચડાવે તે રીતે, મરડી રહ્યો હતો.

“એ હેઈ હેવાન !” અમલદારે ગાડાવાળાને પૂછ્યું : “પસાયતા ક્યાં રોકાઈ ગયાં ?”

“કાંઈ સરત નથી રહી, સા’બ. કાં’ક કામ આવી પડ્યું હશે.”

“શેનું કામ આંહીં મારગમાં ? - અને આ અસૂરી વેળાએ ?”

“કાઠી છે ખરાને, સા’બ ! એટલે પછેં મારગ, ને વળી અસૂરી વેળા - બેય વાતે ફાવતું આવે ને ?”

ગાડાવાળો ઠંડે કલેજે, પછવાડે જોયા વગર, બળદોનાં પૂછડાંને કૂણાં કરતો કરતો અરધું સ્પષ્ટ, અરધું અસ્પષ્ટ એવું કશુંક બોલ્યે જતો હતો.

અમલદારે ગાડાવાળાનો કાન પકડ્યો અને જંક્શનનો ‘ફાયરમેન’ જે રીતે ‘ટર્ન-ટેબલ’ના સંચા પર એન્જિનને ફેરવે તે રીતે એનું માથું પોતાના તરફ ફેરવી ક્રોધમાં કહ્યું : “ગોટા શું વાળી રહ્યો છે, રોંચા ? અડબોત ઠોકું ?”

પહાડ જેવા મોટા ખૂની ખૂંટડાને એક પાળેલ કુત્તાની પેઠે શાસનમાં રાખવાની હિંમત ધરાવનાર ખેડૂત પોતાથીય નીચા કદના આ માનવીની હાક પાસે મેંઢું બન્યો, બોલ્યો : “સા’બ, આ જગ્યા વંકી છે, પાંચ રૂપિયાના પગારમાં કાઠીને ન પરવડે. કોઈક અભાગિયું મુસાફર સામું મળ્યું હશે તેને ખંખેરતા હશે બેય જણા.”

“શું ? - શું, મોટાબાપુ ?” ભાણો નવી વાર્તાનો મર્મ પકડવા આતુર બન્યો.

“છાનોમાનો બેસ, છોકરા. આ લે - આ મારી કીરીચ સાચવ.” એટલું કહેત અમલદાર ચાલતે ગાડે નીચે ઠેક્યો, ને એણે ગાડાની પછવાડે આંટો માર્યો. ગાડું તે વખતે ‘ભેરવનું નેરું’ નામની એક સાંકડી ઊંડી નદીનો ઢાળ ઊતરતું હતું.

“હં - હં !” ગાડામાંથી મહીપતરામ જમાદારની પત્નીએ સસરાની અદબ સાચવતે સાચવતે બૂમ મારી : “તમે એકલા ક્યાં ચાલ્યા ? નથી જવું. પાછા ગાડે ચડી જાઓ.”

“લે - બેસ-બેસ હવે, વેવલી !” ગાડાની પાછળથી બેપરવા જવાબ મળ્યો.

જુવાન પુત્રી હેબતાઈ ગઈ. તાજી સુવાવડી હતી, તેથી એની ચીસ વધુ દયાજનક હતી : “બાપુ ! પાછા વળો. મારા -”

“હત્‌ ગાંડી ! મારી છોકરી કે ?” ગાડા પાછળના દૂર-દૂર પડતા અવાજે પુત્રીને ‘સોગંદ’ શબ્દ પૂરો કરવા ન દીધો.

એ બન્નેને હિંમત આપતા ડોસા ગાડામાંથી ઊતરવાનો પ્રયાસ કરતાં ફક્ત આટલું જ બોલ્યા : “વહુ, મહીપત તો મારો દીકરો છે, જાણો છો ને ?”

ત્યાં તો ભેરવના નેરાના સામા કાંઠાના ચડાવ પરથી એક કદાવર આદમી દોડતો આવ્યો, ને ઉપરાઉપરી હાકલા પડકારા કરવા લાગ્યો : “ખબરદાર. જો ગાડું હલ્યુંચલ્યું છે તો ફૂંકી દઉં છું. કાઢો, ઝટ ઘરેણાં કાઢો : હો-હો-હો-હો...”

ને એ હોકારાના સંખ્યાબધ પડછંદા નેરાની ભેખડોના પોલાણે પોલાણમાંથી ઊઠ્યા, એટલે ત્યાં દસ-વીસ આદમીઓ હોવાનો ભાસ થયો, ને પાછલે કાંઠેથી બીજા વિશેષ મરદોનું જૂથ ચાલ્યું આવતું હોય તેવો પ્રભાવ પાડતી વિવિધસ્વરી હાકો સંભળાઈ.

“ઓ - મારી બા !” કરતી એક ઝીણી ચીસે ગાડાના જાણે બે ટુકડા કરી નાખ્યા. ને “દીકરી ! દીકરી !” કરીત માતાએ એ કાળચીસ પાડનાર પુત્રીને ખોળાામાં લપેટી.

સામે ઊભેલા માણસના હાથમાં બંદૂક જેવું કશુંક હતું. એક રસીનો છેડો તાજા લોહીના ટીપા જેવો સળગતો હતો.

“કોણ છે, કોણ છે, એ હેઈ !” એ અવાજ ભાણાનો હતો. ભાણો ગાડાવાળાની બાજુમાં ઊભો થઈ કીરીચ ખેંચતો ગયો.

“હવે કોણના દીકરા ! તારી માને કહે કે ઝટ દાગીના નાખી દે નીચે.”

એટલું કહેતાં તો એ બોલનારના કંઠમાં પાછળથી ઓચિંતો કશીક રસીનો ગાળિયો પડ્યો, ને નીચેથી ખેંચાતા એ ગાળિયાને જોરે પહાડ જેવડા એ આદમીની ગરદન મયૂરાસનને પંથે પાછળ બંકી બની; ને એની કમર પર એક જોરાવર લાતનો પ્રહાર પડતાં એ લૂંટારાનું મયૂરાસન આગળ વધ્યું.

રસી સખ્ત બનતી બનતી એના ગળાને પાપડના લોટના ગોરણાની પેઠે કાપવા લાગી હતી.

“બેટા” રસીને વધુવધુ ભીંસતો એ ઠીંગણો પુરુષ કહેતો હતો : “દાગીના તો અમારી બામણાંની પાસે બીજા શા હોય ? તારા ગળાને શોભે તેવી માત્ર આ જનોઈ જ અમારો દાગીનો : લે, બેટા, પરણવા પડ !”

મહીપતરામ જનોઈને હંમેશાં શૌચાદિની સગવડ માટે ખભાને બદલે ગળામાં જ વીંટી રાખતા હતા, તેથી તે એને તત્કાલ કામ આવી ગઈ.

“મોટાબાપુ ! મોટાબાપુ !” ભાણાએ અવાજ ઓળખ્યો; એનો સ્વર હર્ષથી ફાટી ગયો : “મોટાબાપુ !”

“કોણ - મહીપત !” બૂઢા નીચે કૂદ્યા. “રંગ ! મેં કહ્યું નહોતું, વહુ, કે મહીપત કોનો દીકરો છે ? મારો છે - મારો.”

પડેલા જુવાનની છાતી પર મહીપતરામ ચડી બેઠા. ને પેલાના ગળા પર જનોઈ કસકસતી રાખી, એની બંદૂક ઝૂંટવી બોલ્યા : “જોઉં તારી... ઓહો ! રંગ ! કરામત જબરી ! બાપુ, જુઓ - જુઓ - આણે બંદૂક કેવી બનાવી છે તે.”

“હવે, મહીપત !” બૂઢાએ કહ્યું : “તું શું જનોઈ વગરનો છો ને ?”

“હાસ્તો; જનોઈ બાપડી પિસ્તાળીશ વર્ષે આજ લેખે લાગી ! ત્રાગડા બદલી-બદલી હું તો કંટાળ્યો હતો. પણ માતાજીએ ખરો જવાબ દીધો.”

“તે ઋષિમુનિઓ કાંઈ ઓછા દીર્ઘદૃષ્ટિવાળા હશે, મહીપત ? પણ, ભાઈ, હવે તું ઊઠતો નહિ; ને ઊઠવું હોય તો પછી બોલતો નહિ. તારે ગળે જનોઈ નથી તે પાપ લાગે - ખબર છે ?”

“તમારી કને બીજી છે, બાપુ ?”

“હા; લે કાઢી આપું.” એમ કહી ડોસા પોતાની જનોઈના જોટામાંથી એક જુદી પાડવા લાગ્યા, ને બોલતા ગયા : “આયે કેટલું ડહાપણનું કામ છે ! બાયડીની જનોઈ પુરુષોને પહેરવાની ઠરાવી તેનો હેતુ પણ આ જ હશે ને ?”

ટૂંપાતો આદમી નીચે પડ્યો બોલવા પ્રયત્ન કરતો હતો : “હું હું - ઉં - ઉં પસાયતો.”

“તું પસાયતો ?” તારાઓના તેજમાં ઝીણી નજરે જોતાં લૂંટારો ઓળખાયો.

અમલદાર નીચે ઊતરી ગયો. પેલાનો ટૂંપો કાઢી લીધો. એ અધમૂઆને ઊભો કર્યો, ને એક તમાચો ઠોકીને કહ્યું : “ધૂળ પડી આ ધિંગાણામાં; મેં તો ગર્વ કર્યો’તો કે કોઈક મીર માર્ય મેં આજ. હટ, બેવકૂફ !”

પેલો હજુ ઊભો નહોતો રહી શકતો. એને ઉપાડીને ગાડાની ઊંધ ઉપર નાખ્યો, ગાડાનાં આડાં જોડે જકડી બાંધ્યો ને પછી ગાડું હંકાવ્યું.

રસ્તે એ અધમૂઆને મહીપતરામ વાતો સંભળાવતા આવ્યા : “ગાંડિયા ! તેં માન્યું કે તું કાઠિયાણીને ધાવ્યો છો ને મેં તો કોઈ ફૂવડ બામણીનું જ દૂધ પીધું છે ! પણ, બચ્ચા, તું ને હું બેય, આ જો, આ પહાડને જ ધાવ્યા છીએ. તું ગીરને ધાવ્યો, તો હું ઈડરિયા ડુંગરને ધાવ્યો. નીકર ગુજરાત છોડીને આંહીં હું કાઠીઓને માથે જમાદારું કરવા ન આવ્યો હોત, દીકરા મારા ! પહાડને ખોળે બામણ, કાઠી અને હીંગતોળ - એવા ભેદ નથી હોતા, હો કાઠીભાઈ !”

૪. વાઘજી ફોજદાર

ભાણો મોટાબાપુની ગોદમાં લપાયો હતો. એના હાથ મહીપતરામ જમાદારના હાથના પોંચા પરના મોટામોટા ઘાટા વાળને પંપાળવા લાગ્યા હતા. મોટાબાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ-સંચાની માફક ગરમ-ગરમ હતું.

ગાડાવાળાની જબાન ચૂપ હતી. એણે હેહેકારા બંધ કર્યા હતા. બળદની ગતિ ધીરી પડી હતી, તેનું પણ એણે ભાન ગુમાવ્યું હતું.

એ ચુપકીદીએ જ મહીપતરામનું ધ્યાન ખેંચ્યું. એણે પૂછ્યું : “એલ્યા એય બેવકૂફ! ઝોલાં તો ખાતો નથી ને ?”

“ના, સા’બ.”

“આ લૂંટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો, હેવાન ?”

“હું શું કરું, સા’બ ? બેસી રિયો’તો.”

“કાં બેસી રિયો’તો ?”

ગાડાવાળો કશું ન બોલ્યો.

“તુંય ગીરનો ખેડુ ખરો કે ?”

“હા, સા’બ.”

“ત્યારે તુંય શું પહાડની ભોમને નથી ધાવ્યો ? શું કાઠીનો એકલાનો જ ઈજારો છે ? આડું લઈને ઊભો ન થઈ ગયો ?”

ગાડાખેડુ કણબી દોરી વિનાનાં ભમરડા જેવો સૂનમૂન હતો. એણે એક જનોઈધારી લોટમગા બ્રાહ્મણની બહાદુરી દીઠી હતી.

મહીપતરામે કહ્યું : “મારો ગુરુ કોણ છે, કહું ? મારો ગુરુ તારી જાતનો, એક કણબી જ છે.”

“એ કોણ હેં મોટાબાપુ ?” ભાણાને નવી વાર્તાનો ત્રાગડો મળ્યો.

“એ અમારા વાઘજી ફોજદાર - એજન્સી પોલીસની સ્થાપના થઈ ત્યાર પહેલાંના પ્રથમ પોલીસ-અમલદાર. હાથમાં હળ ઝાલેલું, કલમ તો એને પ્રથમ પહેલી મેં ઝલાવી : ને મકોડાનાં ટાંગા જેવી સહી ઘૂંટાવી.”

“એણે શું કર્યું હતું, હેં મોટાબાપુ ?”

“એણે શું શું કર્યું તે બધું તો સાંભળ્યું જાય તેમ નથી, દીકરા ! પમ એણે એક વાત તો કરી બતાવી : શિકારો કરીને સાવજદીપડા માર્યા. દાઢીમૂછોના કાતરા ખેંચીખેંચીને કાઠીઓને ને ગરાસિયાઓને, જતો ને મિયાણાઓને, અપરાધીને ને નિરપરાધીને, કાંટિયા વરણનો જે કોઈ લાગમાં આવ્યો તેને - તમામને બેફાટ માર માર્યો; ને માર ખાતા જે ખલાસ થઈ ગયા તેનો પત્તોય ન લાગવા દીધો.”

“અરર !” ભાણો દયાર્દ્ર બન્યો.

“અરેરાટી કર મા, દીકરા. વાણિયા-બ્રાહ્મણોએ સોરઠને સહેજે નથી કડે કરી. આપણે આ કમજાતને ગાડે બેસારી ઉપાડી જઈએ છીએ; પણ મારો ગુરુ વાઘજી ફોજદાર કેમ લઈ જાત - ખબર છે ? બતાવું ?”

“એ-એ-એ-, ભાઈસા’બ !” સુરગની જીભમાંથી હાય નીકળી ગઈ.

“નહિ ? કાંઈ નહિ.”

“કેવી રીતે, હેં મોટાબાપુ ?”

“પછી તું અરેરાટી કરીશ તો ?”

“પણ કહી તો બતાવો, કેવી રીતે ?”

“કહી બતાવતાં તો આવડે ભાટચારણોને ને આપણા સતનારાયમની કથા કહેનારાઓને. તુંય, ભાણા, ભણીગણીને કથાઓ જ લખતે, મારા બાપ ! કહેણી શીખજે; કરણી તને નહિ આવડે.”

“પણ કહો તો, કેમ ? હેં કેમ ?” ભાણાએ હઠ પકડી.

“એ જો, આમ : અમારા વાઘજી ફોજદાર આ બદામસને આ ગાડાની મોખરે ઊંટડા જોડે બાંધી ને ભોંય પર અરધો ઘસડતો લઈ જાય - ગામની વચ્ચોવચથી લઈ જાય, છીંડીએથી નહિ. ને માથેથી એના કોરડા પડતા જાય, બળદોનાં ઠેબાં વાગતાં જાય, અને...”

“હવે બસ કરો ને !” અંદરથી પત્નીનો ઠપકો આવ્યો.

“કેમ ? કોઈ આવે છે પાછળ ?”

“ના ના.”

“ત્યારે ?”

“આંહીં તો જુઓ જરાક.”

“શું છે ?”

“આ જુઓ, ટાઢીબોળ થઈને પડી છે.”

“કોણ - નંદુ ?”

“હા.”

સુવાવડી પુત્રીને પિતાએ સ્પર્શ કર્યો. બરફમાંથી કાઢેલ સોડાની બાટલી સરખું એનું શરીર હતું.

“આ અભાગિની ફાળ ખાઈને પડી છે દીકરી.”

“- ને મેં આને જીવતો રાખ્યો ! આ ભેરવને ?” દાંત ભીંસીને બોલતા મહીપતરામે પસાયતા સુરગ ઉપર ગડદાપાટુના મૂઢ માર શરૂ કર્યા.

“હં-હં-હં, બાપુ, તમે એને વારો, એનો હાથ ઝાલો. મારા ખોળામાં આનો દેહ છે. એને વારો.” વહુએ સસરાને પોતાની લાજમાંથી વીનવ્યા.

“મહીપત !” વૃદ્ધે પોતાનો દેહ સુરગની આડો પાથરીને પુત્રની ક્રૂરતા અટકાવી, “દીકરા ! બ્રાહ્મણ છો ? સંસ્કાર વિનાનું શૂરાતન બ્રાહ્મણને શોભે ? ખબરદાર, હેવાન, જો એ શરણાગતને હાથ લગાડ્યો છે તો.”

“મારી દીકરી !!!” મહીપતનો કંઠ શેકેલી સોપાની પેઠે ફાટ્યો.

ડૂસકાં ખાતી પત્ની બોલી : “એમાં આ બચારાનો શો દોષ ! આપણને આંહીં ફગાવનાર તો બીજા છે.”

“કોઈને દોષ ન દેશો, વહુ !” ડોસાએ હસીને કહ્યું : “આપણું તો ક્ષત્રિયનું જીવન ઠર્યું. ખભે બંદૂક ઉપાડ્યા પછી વળી મરવા-મારવાનો ને પહાડે-સમુદ્રે ફેંકાવાનો શો ઉચાટ, શો ઓરતો ! આ તો રજપૂતી છે. હિંમત રાખો. હમણાં સામું ગામ આવશે, ને ત્યાં બધી ક્રિયા કરી લઈશું.”

ભાણાને પૂી ગમ નહોતી પડી. પ્રશ્ન પૂછવાની એની હિંમત નહોતી. ગાડાનાં પૈડાં તળે ચગદાતા પથ્થરોની ચીસો હવે નહોતી પડતી. ગામ-પાદરની પોચી ધૂળમાં મૂંગો ચીલો આંકતાં પૈડાં માતાના માંસલ શરીર પર ઘૂમતા બાળક જેવાં લાગતાં હતાં.

૫. લક્ષ્મણભાઈ

ગામપાદર નજીકનો રસ્તો બે ઊંચાં ખેતરોની વચ્ચે થઈને જતો હતો. ઊંટ ચાલે તો માથું જ ફક્ત દેખાય એટલી ઊંચી હાથિયા થોરની વાડ બેઉ ખેતરને ઢાંકતી હતી; એટલે રસ્તો બંદૂકની નળી જેવો સાંકડો બની ગયો હતો. હાથિયા થોરના હજારો પંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ-સમુદાય ત્યાં લપાઈને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા.

“હો-હો-હો,” એવા નેળની અધવચ્ચેથી હાકલા સંભળાયા. સામે કોઈક ગાડાં આવતાં હતાં. આ નેળમાં સામસામાં ગાડાંને તારવવાનું અશક્ય હતું. ગાડાં થંભાવીને એક ગાડાવાળો સામો દોડ્યો.

થોડીવારે એણે પાછા આવીને કહ્યું કે, “રૂનાં ધોકડાંનાં ભરતિયાંની પચીસ ગાડાંની લાંબી હેડ્ય છે. એ આખી હેડ્યને પાછી સામે છેડે કાઢવા માટે બળદો છોડી નાખવા પડે, ને ગાડાં ધકેલી લઈ જવાં જોવે.”

“આપણાં ગાડાં પાછાં લઈએ તો કેમ, સા’બ ?” ગાડાખેડુએ પૂછ્યું.

“નહિ બને. કહી દે ધોકડાંવાળાને કે અમલદારનાં ગાડાં છે.”

“અમલદારનાં ગાડાં શું ટીલાં લાવ્યાં છે !” સામી બાજુથી ગોધાના ગળા જેવું કોઈક ગળું ગાંગર્યું.

“કોણ બોલે છે એ ?” અમલદારે પોતાના કણબીને પૂછ્યું.

“ગીરના મકરામી છે, સા’બ. એનો માલ ઠેસણે જાય છે.”

મકરાણી નામ સાંભળીને મહીપતરામ ઢીલા પડ્યા.

તેટલામાં પછવાડેશી કશીક ધમાચકડી સંભળાઈ, ને કોઈક મરદનો સ્વર - ઠાકરદ્વારની ઝાલર જેવો મીઠો, ગંભીર સ્વર - સંભળાયો : “નળ્યમાં ગાડાં કાં થોભાવ્યાં, ભાઈ ? માતાજીયુંને રસ્તો આપો. ઘેર વાછરું રોતાં હશે.”

“કોમ - લક્ષ્મણભાઈ !” ગાડાખેડુએ અવાજ પારખ્યો.

“હા, કરસન, કેમ રોક્યાં છે ગાડાં ?” કહેતો એક પુરુષ આગળ આવ્યો.

એના માથા પર પાઘડી નહોતી; નાનું ફાળિયું લપેટેલું હતું. એના શરીરનો કમર પરનો ભાગ ખુલ્લો હતો. એની છાતી પર કાળું, પહોળું એક કૂંડાળું હતું. ગાડાની નજીક એ આવ્યો ત્યારે નાનો ભાણો નિહાળી શગક્યો કે એ તો છાતીના ઘાટા વાળનો જથ્થો છે. કમર પર એણે ટૂંકી પછેડીનું ધોતિયું પહેર્યું હતું. પાતળી હાંઠીના એ દેહનો ઘાટ દેરાસરની પ્રતિમાઓના ઘાટને મળતો આવતો હતો. મોં પર થોડીથોડી દાઢી-મૂછ હતી, હાથમાં એક ફરસી હતી ને ખભે દોરડું તથા ચામડાની બોખ (ડોલ) લટકતી હતી. ગળામાં તુલસીના પારાની એક માળા ઝૂલતી હતી.

ગાડાખેડુએ કહ્યું : “ભેખડગઢના અમલદારનું કુટુંબ છે, ને સામે મકરાણીનાં પચીસ ગાડાંની હેડ્ય છે.”

“ત્યારે તો આપણે જ પાછાં લઈ જવાં પડશે.”

“પણ ભાઈ,” અંદરથી ડોસા બોલ્યા : “આંહીં અમારી દીકરી મડું થઈને પડી છે.”

‘મડું’ શબ્દ ભાણાના કાન પર સીસાના રસ જેવો રેડાયો.

“એમ છે ?” લક્ષ્મણભાઈ નામે પેલો જુવન બોલ્યો : “ખમો , હું આવું છું.” કહતો એ સામાં ગાડાં પાસે ગયો. થોડી વારે સામેથી પેલા સાંઢ જેવા કંઠમાંથી ઉદ્‌ગાર સંભળાયો કે “મૈયત છે ? તો તો અમારી ફરજ છે. અમે ચાહે તેટલી તકલીફ વેઠીને પણ અમારાં ગાડાં તારવશું.”

“ઊભા રો” એમ કહીને એ જુવાને પોતાના ખભા પરથી બોખ-સીંચણિયું નીચે મૂક્યાં, ને ડાબી ગમના ખેતર પર ચડી પતાની ફરસી ઉઠાવી. ફરસીના ઘા માનવીના શ્વાસોચ્છ્‌વાસની માફક ઉપરાઉપરી અખંડ ધારે થોરની વાડ પર વરસવા લાગ્યા, થોડી વારે એક ગાડું પેસી શકે તેટલા અવકાશમાં કદાવર હાથિયા થોર ઢળી પડ્યા.

“લ્યો, તારવો હવે,” કહીને એ જુવાને હેડ્યના પહેલા ગાડાનાં પૈડાં પાછળ પોતાના ભૂજ-બળનું જોશ મૂક્યું. પચીસેય ગાડાં એક પછી એક ગયાં. ને જુવાને અવાજ કર્યો કે “સામી બાજુ ઓતરાદું છીંડું છે, હો જમાદાર !”

“એ હો ભાઈ, અહેસાન !” સામે જવાબ મળ્યો.

અમલદારનાં ગાડાં નેળની બહાર નીકળ્યાં ને તેની પછવાડે સાઠેક ગાયોનું ધણ દોરતો આ જુવાન નીકળ્યો. ગાયો એ જુવાનના ખભા ઉપર ગળાંબાથો લેવા માટે પરસ્પર જાણે કે સરસાઈ કરતી હતી.

“તમે કોણ છો, ભાઈ ?” મહીપતરામે પૂછ્યું.

“ગોવાળ છું.” જુવાને ટૂંકોટચ જવાબ દઈ કહ્યું : “લ્યો રામરામ !” ને ગાયોને જમણી બાજુ દોરી.

“ગોવાળ ન લાગ્યો,” મહીપતરામના ડોસાએ કહ્યું.

“ગોવાળ પણ હોય.”

“આ ગાડાખેડુને ખબર હશે.”

“એલા પલીત, કેમ બોલતો નથી ?” જમાદારે ગાડાખેડુને તડકાવ્યો.

“પૂછ્યા વગર મોટા માણસની વાતુંમાં શીદ પડીએ, સા’બ ?”

“જાણી તારી વિવેક-શક્તિ. કહે તો ખરો, કોણ છે એ ?”

“અમરા પટગરના દીકરા લખમણભાઈ છે. અડવાણે પગે ગાયો ચારવાના નીમધારી છે. સાઠેય ગાયને પોતાને હાથે જ કૂવા સીંચીને પાણી પાય છે. શિવના ઉપાસક ચે. બાપુ હારે બનતું નથી. ક્યાંથી બને ? એકને મલક બધાનો ચોરાઉ માલ સંતાડવો, માળવા લગી પારકાં ઢોર તગડવાં, ખૂનો.. દબાવવાં, ને...” ગાડાવાળાએ ઓચિંતું જાણે ભાન આવી ગયું કે પોતે વધુ પડતું બકી ગયો છે. એટલે પછી નવાં વાક્યોને, સાપ ઉંદરડાં ગળે તેવી રીતે ગળી જઈ, એણે બળદો ડચકાર્યા. ગામની ભાગોળ આવી.

ચોખંડા કાચે જડ્યા એક કાળા ફાનસની અંદર ધુમાડાની રેખાો આંકતો એક દીવો પાદરમાં દેખાયો. એ ફાનસની પાસે એક નાનું ટોળું ઊભું હતું. મુખ્ય માણસના હાથમાં બળકો હોકો હતો. હોકાની નાળીનો રૂપે મઢ્યો છેડો એ પુરુષના બે હોઠમાં તીરછું પોલાણ પાડતો હતો. એના માથા પર ચોય ફરતી આંટીઓ પાડીને બાંધેલું માથાથી પાંચગણું મોટું પાઘડું હતું. એની મૂછો પરથી કાળો જાંબુડિયો કલપ થોડોથોડો ઊખડી જઈને ધોળા વાળને વધુ ખરાબ રીતે ખુલ્લા પાડતો હતો. એની આંખો આગગાડીના એન્જિનમાં અંધારે દેખાતા ભડકા જેવી સળગતી હતી.

“એ પધારો !” કહીને એણે અમલદારને પહેલા જ બોલ વડે પરિચિત બનાવી લીધા. મહીપતરામ નીચે ઊતર્યા. હોકાવાળાએ સામે ધસી જઈને જમણો ખાલી હાથ જમાદારના ખભા પર મૂક્યો, ને જાણે કોઈ વહાલા વાલેશરીને ઘણે દહાડે દીઠા હોય તેવી લાડભરી બોલી કરીને કહ્યું : “પધારો, પધારો મારા બાપ ! બાપ ! ખુશી મજામાં ? માર્ગે કાંઈ વસમાણ તો નથી પડી ને ? એલા, જાવ દોડો, મકન ગામોટને કહીએ કે ઉતારે પાણીબાણી ભરી સીધુંસામાન લઈ આવો હે ઝટ રસોઈનો આદર કરે, ને લાડવા કરી નાખે, હો કે !”

મહીપતરામ જમાદારે જાણી લીધું કે હજુ ઉતારે પાણીપાગરણ પણ પહોંચ્યાં નથી.

“ના દરબાર, એ બધું પછી. પ્રથમ તો અમારી દીકરી અંતકાળ છે. તેની સારવાર કરી જોવી છે. રસોઈને માટે માફ રાખો.”

૬. સિપારણ

એ વખતે દૂર એક ખૂણામાં ગામઝાંપાની ડેલી પર ઊભેલા આદમીએ ધીરેધીરે અમલદાર તરફ પગલાં ભર્યાં. એના ખભા ઉપર દેશી બંદૂક હતી. એનું બદન ખુલ્લું હતું, માથા પર પાઘડી હતી, ને કમ્મરે કાછડી હતી.

એણે નવા અમલદારને સાદી ઢબે રામરામ કર્યા.

“દીકરીને બહુ કોશીર છે ? અંતકાળ છે ?” દરબાર નામે ઓળખાયેલા કાઠી અમરા પટગરે વિસ્મય બતાવ્યું. “ત્યારે - માળું શું થાય ?” પટગર વિમાસણમાં પડ્યા.

નવા આવનારે વિવેકવિધિ કર્યા વગર જ પૂછ્યું : “કોને કોશીર છે ?”

ગાડાખેડુએ એની બાજુમાં ચીડને આખી વાત સમજાવી.

દરમિયાન પટગર દરબાર ચિંતા કરતા હતા : “દાક્તર તેડવા ઘોડું મોકલશું ? કયું ઘોડું મોકલીએ તો ઠીક ? રોઝડો તો જાણે કે પછાડે એવો છે ને -”

“ગાડાં આપણે ફળિયે હાંકી જાશું ?” નવા આવનાર બંદૂકધારીએ ટૂંકો સવાલ કર્યો.

“કેમ ? તમે કોણ ?” અમલદારે પૂછ્યું.

“શેઠ છે આંહીંનાં.” દરબારે ટૂંકું પતાવ્યું.

“મારી ઓળખાણ પછી આપીશ. હમણાં બાઈની બીમારીનો તો ઉપાય કરીએ. ચાલો, હાંકો, એલા ગાડાખેડુઓ.”

“ભલે,” પાટગર દરબારે કહ્યું : “તેય આપણું ઘર છે ને ? શેઠ અને હું કાંઈ નોખા નથી.”

“નોખા તો છીએ, પણ આખરે ભેળા થયે જ છૂટકો છે, આપા !” એટલું કહીને એ બંદૂકધારી શેઠ ગાડાંને દોરી આગળ ચાલ્યા ને એણે ગાડાવાળાઓને પડકાર્યું : “ઝટ હાંકો, એય મડાઓ !”

મોટું ચોગાન જેવડું આંગણું હતું. આંગણાની એક બાજુએ ઊંચી પડથારના ઓરડા હતા. મોટા દરવાજા ઉપર માઢમેડી હતી.

“આપણે મર્દો અહીં ઊતરી જાયેં,” કહી બંદૂકધારીએ અમલદારના પિતાને હાથનો ટેકો આપી નીચે ઉતાર્યા.

“આ એક છે હજી અંદર.” ગાડાવાળાએ યાદ આપી.

“કોણ છે ?” બંદૂકધારીએ પૂછ્યું.

“પસાયતો છે.”

“કેમ ?”

તરત ડોસાએ જવાબ દીધો : “બાપડો તાવે ભરાયો’તો એટલે અમે ગાડામાં લીધો’તો.”

એને કોથળા જેવાને ઉઠાવીને ડેલીના ઓટા ઉપર સુવરાવ્યો. ગાડું અંદર ગયું. બંદૂકધારીએ ફળીમાં જઈ સાદ કર્યો : “કાં, ક્યાં ગઈ ?”

ઊંચી ઓસરી ઉપર એક સ્ત્રી દેખાઈ. ભાણાએ એને દીઠી, પણ એ કોઈ શેઠાણી નહોતી. હરિકેન ફાનસને અજવાળે એન સોટા જેવો દેહ ઘેરદાર મોટા ઘાઘરાને મોજાં ચડાવતો હતો. એના હાથમાં કાચની બંગડીઓ બોલી ઊઠી. બંગડીઓ જાડી હતી. એને ફરતા, કૂંડાળે, ગંજીપાની ‘ચોકડી’ આકારના પીળા હીરા હતા. જૂના કાળમાં આ ઝગમગિયા કાચ ‘હીરા’ નામે ઓળખાતા.

અટલસનું તસતસતું કાપડું, ઉપર આછી ચૂંદડી ને ઘેર ઝુલાવતો ઘાઘરો, તેની વચ્ચે સહેજ ભીનાવરણું સુડોલ મોં જોતાં જ લાગે કે કાં તો ઈદ રમીને ને કાં તો તાજિયાના ચોકરા કૂટીને સીધેસીધી કોઈ સિપારણ અહીં ચાલી આવેલ છે.

ઓસરીની કોર સુધી જઈને બંદૂકધારીએ આ સ્ત્રીને હળવેથી ટૂંકા બોલ કહી દીધા.

તુરત એ સ્ત્રી મહેમાનોને મળવા નીચે ફળીમાં ઊતરી. ઊતરતી વેળા એના દેહને ઘાઘરા-ઓઢણીની સાગર-છોળો વીંટતી હતી.

“સજુ, આંહીં આવ,” કહીને એણે એક બીજી સ્ત્રીને ઘરમાંથી બોલાવી ને થોડી વારમાં તો મહીપતરામનાં પત્ની પોતાની શબવત્‌ પુત્રી તથા ભાણા-ભાણી સહિત ઓરડામાં પહોંચ્યાં. ઢોલિયા પર ગાદલું પથરાયું, તે પર બીમાર પુત્રી સુવાડવામાં આવી ને એક નાનો મજુ ઉઘાડ્યો. એક સીસો બહાર આવ્યો. ને એનું બૂચ ઊઘડતાં માદક સોડમ હવામાં જાણે કે કેફના થર પર થર ચડાવવા લાગી.

“બોનનાં કપડાં ખોલી નાખો.” ઘરની સ્ત્રીએ આદેશ આપ્યો.

“એ શું છે ?” મહીપતરામનાં પત્નીનું નાક ફાટતું હતું.

“દવા છે.”

“શું નામ ?”

“નામનું અત્યારે કામ નહિ, બા !” કહેતી જુવાન ઘર-નારી એ અચેતન શરીર પર પ્રવાહીની અંજલીઓ ઠાલવતી ઠાલવતી માલિસ કરવા માંડી.

ભાણો ત્યાં સ્તબ્ધ ઊભોઊભો પોતાની મૂર્છિત માને લેપ કરી રહેલ મનુષ્યાકૃતિનું દર્શન કરતો હતો.

“છોકરી સજુડી !” લેપ કરતી સ્ત્રીએ કહ્યું : “જા, કૂવામાંથી ચોખ્ખા પાણીનો એક ઘડો ભરી આવ.”

પાણી આવ્યું. ચોખ્ખા પ્યાલામાં પાણી ભરી, તેમાં દસ ટીપાં દવાનાં પાડીને એણે પ્યાલો મૂર્છિતના મોંએ માંડ્યો.

“અરે અરે, બેન !” પુત્રીની માએ એનો હાથ ઝાલ્યો.

“કાં ?”

“દારૂ ! નહિ, મારી દીકરીનું ઉજ્જ્વળ ખોળિયું ન અભડાવો.”

“ચૂપ રહો, મા ! ચૂપ ! અત્યારે એને શુદ્ધિ નથી. પછી તીરથ કરાવજો ને ! અત્યારે તો એને બચાવવાની જ એક વાત કરો.”

પેઢાનપેઢીથી મદિરાને આસુરી પીણું માનતી આવેલી ને મદિરાના સ્પર્શ માત્રમાં પણ નરકવાસની અધોગતિ સમજનારી માતા ચૂપ બેસી રહી.

ને આંહીં પુત્રીના શરીરમાં ગરમ શોણિતનો સંચાર થયો. નાનો ભાણો ચકળવકળ જોતો જ રહ્યો. પોતાની બા અવાચક પડી હતી, પણ આસપાસની દુનિયામાં સૂરો ર્યા હતા, ઘેરદાર પહેરવેશવાળીનું રૂપ બોલતું હતું, રંગોમાંથીય વાચા વછૂટતી હતી. બ્રાન્ડીના મઘમઘાટના જાણે ઢોલ ધડૂકતા હતા, ને ફળિયામાંથી ઘોડાની લાદ પણ એની એક પ્રકારની લહેજતદાર સુવાસ રાતના અંધકાર પર તરતી મૂકતી હતી.

દસ-અગિયાર વર્ષન ભાણો એટલું તો સમજી શકતો હતો કે આજ સુધી એણે જોયેલી તમામ સ્ત્રીઓ જાણે કે પોશાક પરિધાનના જીવતા કોથળાઓ હતી : જ્યારે આ એક સ્ત્રીનો લેબાસ એના બદનને ઢાંકતો નહોતો, ઊલટાનો અળગાં રૂપને એનું પોતપોતાનું પહાડી ગાન ગાવા દેતો હતો.

આવી સજીવન અને પ્રાણ ધબકતી દુનિયામાં બાએ આંખો ઉઘાડી એમાં શી નવાઈ ? અહીં બાને ભાન ન આવે તે તો ન બનવાજોગ હતું. ભાણાએ દોટ મૂકી. ઊંચી પરસાળેથી ઊતરતાં એ ઊંચાંઊંચાં પગથિયાં ઉપર ડગલાં ભરવાનું માપ ભૂલ્યો, કેમ કે મુંબઈમાં રહેતો, એટલે ટૂંકાં અંતરનાં પગથિયાંવાળા દાદરથી ટેવાયેલો હતો. બેક ગડથોલિયાં ખાઈને એ ડેલી તરફ ધસ્યો, વચ્ચે ઘોડીના પાછલા પગને બાંધેલી પછાડી હડફેટમાં આવતાં ત્યાં પણ ભાણાએ પછાડિયું ખાધું. એનું રડવું અંધારામાં નજીક બાંધેલી વાછડીઓ સિવાય કોઈ ન જોઈ ગયું. ને એણે ડેલી પર પહોંચી ખબર આપ્યા કે “બાને સારું થયું છે.”

કપાળે હાથ ટેકવી માઠા ખબરની તૈયારી વિચારતા બેઠેલા પિતાને એવું લાગ્યું કે જાણે સ્મશાનેથી પુત્રી જમરાજાએ પાછી મોકલી છે.

ડેલીની સામી ચોપાટ પર બંદૂકધારી ઘર-ધણી ઘડીવાર બેસતા; વળી ઘડીભર ઊઠીને પોતાના માણસોને ટપાર્યા કરતા : “છોકરા, ઘોડીની પથારી કરી ? ઊંટનો ચારો વાઢી આવ્યા, ઢેઢાઓ ! સાંઢિયો હજી કેમ નથી આવ્યો ? એલા, જા તપાસ કર, ઈ કુત્તો સામી પાટીના લીમડા ન કરડતો હોય હજી.” વગેરે વગેરે.

ભાણાના મોટા દાદાજી રુદ્રાક્ષનો ગંઠો બે હાથમાં લઈને રાવણે રચેલું શિવનું સ્તોત્ર જપતા હતા. એ સ્તોત્રનો પ્રત્યેક બોલ આ બૂઢા ઈડરિયા બ્રાહ્મણના કંઠમાં અષાઢી વીજના કડાકા રચતો હતો.

મહીપતરામે દૈહિત્રને કહ્યું : “ભાણા, આમને જોયા ? એ કોણ - ખબર છે ?”

“કોણ ?”

“એ જ પેલા દીપડો ચીરી નાખનારા રૂખડ શેઠ.”

ભાણો નવી નજરે નિહાળી રહ્યો. એની પ્રથમ-પહેલી નજર હંમેશાં માણસના શરીરના ખુલ્લા ભાગો પર ઊગેલા વાળના જથ્થા પર પડતી. મોટાબાપુજીના પંજા ઉપર લાંબા રોમ હતા, તેથીય વધુ ઘાટી, લાંબી રોમવળ એણે આ રૂખડ શેઠના હાથના પોંચા ઉપર દીઠી. ને પાદરની નેળમાં ગાયોવાળા જુવાન લખમણભાઈ મળેલા, તેની છાતી ઉપર પણ આટલી બધી તો ઘાટી રોમ-ઘટા નહોતી.

“ને, હેં મોટાબાપુજી, ત્યાં અંદરના ઘરમાં એ કોણ છે ?”

“કોણ છે ?”

“બાને એણે જ બોલતાં કર્યાં. એની બંગડીઓ વગડે છે તે મને બહુ ગમે છે. એવાં સરસ કપડાં મારી બા પહેરે ને, તો કેવા સુંદર લાગે ! આપણને બહુ જ ઓળખતાં હોય ને, તેવી રીતે એ તો હસીને બોલે છે.”

રૂખડ શેઠનું મૂછેભર્યું મોં પોતાના શરમિંદા મલકાટને દાઢી-મૂછના કેશમાં છુપાવતું હતું. એની ઉંમર હજુ ત્રીસેક વર્ષની હશે, પણ ચાલીસની પૂરી મરદાઈએ એ જુવાનને એક દસકો વહેલેરો પોતાનો કરી લીધો હતો. એણે ત્યાંથી ઊઠીને ગમાણ તરફ પ્રયાણ કર્યું : “એલા છોકરા, કાંગલી દોવાઈ રહી કે નહિ ?” એ એનું જવાનું બહાનું હતું. એનાં ઓખાઈ પગરખાં, ધાબો કૂટતી પોરબંદરી ખારવણના ધોકાની પેઠે ધરતી પર પડતાં હતાં.

“કોણ હશે ?” અમલદારે નજીક બેઠેલ કોઈ આદમીને પ્રશ્ન કર્યો. આદમીએ ધીમેથી કહ્યું : “શેઠના ઘરમાંથી બાઈ પોતે જ છે. જાતનાં સપારણ છે. ડાયું માણસ છે, આમ હજી અવસ્થા છોટી છે.”

૭. કોનું બીજક ?

ઘુનાળી નદીના કાંઠા પરથી જ્યારે ભાણાભાઈએ સામા કિનારાની ટોચ પર ચૂનો ધોળેલાં, સરખા ઘાટનાં મકાનોનું ઝૂમખું જોયું ત્યારે એનું મન પહેલી વાદળીને જોતા મોરલાની માફક નાચી ઊઠ્યું. એ જ આઉટ-પોસ્ટ, એ જ ભેખડગઢનું થાણું.

પૂરા દોઢ ગાઉ ઉપરથી આ મકાનો હસતાં હતાં. આ કિનારો એટલે સપાટ મેદાન- સોનાના મોટા ખૂમચા સરીખું : ને સામો કિનારો જાણે રમકડાંનો દેશ હોય એવો ડુંગરિયાળ. ઘુનાની નદીના ઢોળાવમાં ગાડાં ઊતર્યાં તે પહેલેથી જ એકલવાયું કોઈ ઊંટ ગાંગરતું હોય તેવો વિલાપ-ભરપૂર, ઘેરો ઘુનાળીનો પ્રવાહ ગોરતો સંભળાતો હતો. ને નદીનો કુદરતે વાઢેલો અણઘડ ગાળો પાર કરી સામ કાંઠે ચડવા માટે ત્યાં એક-એક ભરતિયા ગાડાને ચોકિયા - એટલે કે બબે જોડી - બળદ જોતરવા પડતા. મહીપતરામનો રસાલો ત્યાં ઊતર્યો ત્યારે એક તૂટી ગયેલો, પગ-ભાંગલો ઊંટ ધણીધોરી વિનાનો એક બાજુ પડ્યોપડ્યો પોતાનાં નસકોરાં બે-ત્રણ કાગડાઓ પાસે ઠોલાવતો હતો.

એ ઊંટની જેવો જ નધણિયાતો જાણે કે આખો મુલક આંહીં પડ્યો હતો. પાંચ-સાત ભરતિયાં ગાડાં સામા પારથી આ કાંઠે ચડવા માટે પણ નદીમાં ચીલા શોધતાં, સાથળબૂડ પ્રવાહના પેટમાં પડેલી પાષાણી ચિરાડોમાં પોતાના બળદોની ખરીઓ અને પૈડાં ભંગાવતાં હતાં. ભાણાને થયું કે ક્યારે અહીં હું એક વાર મોટી વયે અમલદાર બનીને આવું અને નદી ઉપર પાંચ માથોડાં ઊંચો પુલ બંધાવું !

“કાં, આયો કે નવો સા’બ ! બાલબચ્ચાં તેરાં ખુસીમજામેં સૅ ને ? હારી પેરે સૅ ને, બચ્ચા ?” એવી વાચા વાપરતો એક જટાધારી બાવો ફક્ત લંગોટીભર સામા કાંઠાની નજીક ઢોરા ઉપર ઊભો હતો. એના હાથમાં ચલમ હતી. એની પછવાડે એક ખડખડી ગયેલ ખોરડું હતું ને ત્યાં એક વાછડી ભાંભરડા નાખતી હતી. ચોતરફ કાંટાની વાડ અને લીમડાની ઘટા હતી. ખોરડા ઉપર રાતી ધજા ઊડતી હતી.

“હા, બાવાજી, આવ્યા છીએ તમારી સેવામાં.” મહીપતરામે વિવેકભર્યો જવાબ આપ્યો. ને ભાણેજને લાગ્યું કે અમલદારોનેય બચ્ચા કહી બોલાવનારી કોઈ નાગડી સત્તા અહીં દુનિયાની કિનારી પર પડી છે ખરી.

“હડમાનજી તેરો સબ ભલો કરસે, બચ્ચા ! એક નાલીએરની માનતા રાખજે. તારો બેડો પાર હોઈ જાસે.” એમ કહેતો નાગડો બાવો ચલમના ભડકા ચેતાવતો રહ્યો. ગાડાં ગામ-ટીંબે ચડવા લાગ્યાં.

“આ લોકો મૂળમાં બાવા-સાધુ નથી, હો બાપુ !” મહીપતરામે પિતાને સમજ પાડી : “અસલ કેટલાક તો બળવાના કાળમાં ઉત્તર હિંદુસ્તાનમાંથી ભાગી અહીં ભરાઈ ગયેલા, ને તે પછી કેટલાક ફિતૂરીઓ બંગાળમાંથી છૂપા નીકળી ગયેલા : મતલબ કે સરકારવિરોધી કાવતરાખોરોની જમાતવાળા આ બધા.”

“એને પકડવાનો હુકમ ખરો કે, ભાઈ ?” ડોસાએ ધીરેથી પૂછ્યું.

“હુકમ તો ખરો. પણ એમાં કોણ કાળા હાથ કરે ? ગમે તેમ તોય દેશને માટે માથું ડૂલ કરનારા તો ખરા જ ને !”

“સાચું છે, ભાઈ ! માઈના પૂત તો ખરા જ ને !”

ભાંગેલી જૂની દેરી, કલાલનું પીઠું, લુહાણાની પાંચ દુકાનો, લીંબડિયા બજરંગ, ઠાકરદ્વારો અને પંદરેક ખંડિયેરોનાં અધઊભાં ભીંતડાં પાર કરીને નવા અધિકારીએ થાણાની થાણદારી ગેટના ત્રણ પહેરેગીરોની તથા એક નાયકની ‘ગાટ ! ટં...ચન !’ એવા બોલથી ગાજતી સલામી લીધી.

ત્રીજે દિવસે ખબર આવ્યા કે દેવકીગામમાં સૂનકાર છવાઈ ગયો છે. બન્યું હતું એમ કે આગલા દિવસે જ રૂપગઢના મહારાજની મોટર નીકળી. મોટર મહારાજાએ લાવીને છેક રૂખડભાઈ શેઠની ડેલીએ ઊભી રાખી. મહારાજ કહે કે ચાલો શિકારે જવું છે. ભેળા ગામના કુંભાર મુખી પટેલ કાનાભાઈને પણ લીધા, કારણ કે કાનાભાઈને બંદૂકનો શોખ, બંદૂક બરાબર હાથ બેસી ગયેલી. ને પછી મોટર છેક ખાંભાના ડુંગરામાં પહોંચી. ત્યાં મહારાજની ગોળીએ એક ‘ભભૂતિયા’ નામે ઓળખાતા સિંહને ઘાયલ કર્યો. જખમી સાવજ સંતાઈ ગયો. સાંજ સુધી એના સગડ ન મળ્યાં. સાંજે પાછા ફરતી વેળા માર્ગની બાજુમાં સાદા કુત્તાની માફક બેઠેલો ભભૂતિયો છલાંગ્યો, પણ જો રૂખડ શેઠે બંદૂક સહિત પોતાનો પોંચો ભભૂતિયાની દાઢો વચ્ચે ન પેસાડી દીધો હોત તો મહારાજને અને મોતને ઘડીકનું છેટું હતું. રૂખડ શેઠે ભભૂતિયાને પાછો પછાડ્યો તે પછી જ મહારાજની બંદૂકના એક બારે એને પૂરો કર્યો. મહારાજા પ્રસન્ન થઈ રૂખડ શેઠની પીઠ થાબડવા લાગ્યા, ને અઢારસો પાદરના ધણીને વધુ તો મોજ ન આવી, ફક્ત શાબાશીના જ શબ્દો છૂટી શક્યા : “વાહ વાણિયો ! વાહ શેઠ ! રંગ તારી માતને.”

ત્યાં તો બાજુમાં ચડીને મહારાજાને કાના પટેલે કહ્યું : “બાપા ! આ જવાંમર્દીનું બીજક કા...કા...”

એટલું બોલવા જાય છે ત્યાં તો રૂખડ શેઠ પોતાનો ભભૂતિયાએ ચાવી ખાધેલો હાથ બીજા હાથમાં ઝાલીને મોટરમાંથી ઊઠ્યા ને બોલ્યા : “કાના પટેલ ! જો હું કાઠીનું બીજક હોઉં તો તો જાણે કે તું સતવાદી રાજા હરિશ્ચંદ્ર; પણ જો આજથી છ મહિનામાં તને ઠાર મારું, તો પચી જાણકે રૂખડ અણીશુદ્ધ વાણિયાનું બીજક હતો. ને, મહારાજ ! આપને પણ કહી દઉં છું, કે આજથી છ મહિનામાં અમારા બેમાંથી એક મરે તો ખૂનીને ગોતવાની જરૂર જોશો મા : બેમાંથી જે જીવતો હોય તેને જ હાથ કરજો !”

પછી તો ત્યાં પોતાના માટે રોટલાપાણી લઈ આવનારને ચાર-ચાર આનાની બક્ષિસ આપી મહારાજા ચાલી નીકળ્યા, ને આ બે જણાઓની વચ્ચે જીવતમોતનું વેર બંધાયું. કાનો પટેલ એના પાંચ દીકરાઓની ખડી ચોકી નીચે રહે છે, ને રાતે પાંચ વાર સૂવાના ઓરડા બદલે છે.

એવી એક વાતનું સ્મરણ લઈને જમાદારનો ભાણેજ પિનાકી ત્યાંથી બાર ગાઉ પર આવેલા એક નાના શહેરની નિશાળમાં અંગ્રેજી ભણતર ભણવા ગયો.

૮. માલિકની ફોરમ

છ મહિને પિનાકી દિવાળીની રજા ભોગવવા પાછો ફર્યો ત્યારે પહેલા પાંચ ગાઉ સુધીમાં તો એને વચગાળાના પ્રત્યેક ગામડે વાહન બદલવું પડ્યું. અમલદારના દીકરાની વેઠ માટે પ્રત્યેક ગામ સામા ગામડા સુધીનું જ ગાડું કાઢતું. સામા ગામે પહોંચ્યાં પછી ગામનો પોલીસ-પટેલ પોતાને ઘરને ઓટે ઊભો રહી પસાયતાઓને હાકોટા પાડી ચોરેથી બોલાવતો. પસાયતા પટેલને શોધી પાડતા. પટેલ વેઠના વારાની ચિઠ્ઠીઓ તપાસતો, તે પછી વારાવાળા ખેડૂતને જાણ પહોંચાડવામાં આવતી. પછી ખેડુ પોતાના સાંતીએ જોતરેલા બળદોને એક ગાઉ પરના ખેતરેથી ગામમાં લાવવા જતો. તે પછી અમલદારનો પુત્ર આગળ પ્રયાણ કરતો.

પરંતુ મહીડા ગામથી પિનાકીને એક ઘોડીનું વાહન આપવામાં આવ્યું.

મધ્યમ ઊંચાઈની, કેસરવરણી, બાંકી ગરદન પર ભૂરી કેશવાળી ઝુલાવતી ને કાનોટી માડંતી ઘોડીને નિહાળતાંની વાર જ પિનાકીના દિલમાં કશોક સળવળાટ ઊઠ્યો. ઘોડીના લાદ-પેશાબની સોડમ પણ એને સુખદાયક લાગી.

ઘોડીની પીઠ બાજઠ જેવી હતી. તે પર ચારજામાનું પહોળું પલાણ હતું. ચારજામા ઉપર પોચી ગાદી હતી. બાર વર્ષના પિનાકીને જાણે કે ઘોડીએ ક્રીડા રમાડવા પીઠ પર લીધો. રેવાળ ચાલમાં ચાલતી ઘોડી સરોવરનાં બાંધ્યાં નીર પર વહેતી નાવડીની સરસાઈ કરતી હતી. પસાયતાને તો ક્યાંનો ક્યાં પાછળ છોડી દઈ ઘોડીએ થોડી જ વારમાં પિનાકીને પેલાં હસતાં સફેદ ચૂનાબંધ મકાનો દેખાડ્યાં; ને છૈયાને તેડી મા ઊતરે તેવાં સાવચેત ડગલાં ભરતી ઘોડી ઘુનાળી નદીના ઘૂઘવતા પ્રવાહને પાર કરી ગઈ.

વટેમાર્ગુઓ ઘોડીને નિહાળી રહેતા, ઓળખી લેતા ને નિશ્વાસ છોડી અર્ધસ્પષ્ટ ઉદ્‌ગારો કાઢતા : “વાહ તકદીર ! આ ઘોડી કેવી પરગંધીલી હતી ! મૂછાળો છેલ શેઠિયો એકલો જ એનો ચડનારો, એને ખેલવનારો હતો. આજ એ જ રાંડ ટારડી બનીને વેઠે નીકળી. હટ્‌ નિમકહરામ !”

“અરે, યે લોંડી કાંથી આઈ ?” હડમાનજીની જગ્યાના બાવાએ ફરી એક વાર ડોરા પર ચડી ચલમના દમ દેતાંદેતાં જોયું ને તિરસ્કારથી હસતાંહસતાં કહ્યું.

“હે-હે ગધાડી !” કલાલ રંગલાલ પણ પીઠીના ઓરડામાંથી બોલ્યો.

“મર રે મર, નુગરી !” ઠાકરદ્વારાના પૂજારીએ ઘોડીને ફિટકાર આપ્યો.

“એને માથે કોઈ પીરાણું નહિ હોય.” જમાલશા પીરના તકિયાામંથી ગોદડિયા સાંઈએ ઉદ્‌ગાર કાઢ્યા.

ને થાણામાં પહોંચેલી ઘોડીએ પોલીસ ગાર્ડની દરવાજાની નજીક આવતાં એકાએક કશીક ફોરમ આવી હોય તેમ નસકોરાં ફુલાવી અતિ કરુણ સૂરે હીંકોટા ઉપર હીંકોટા કરવા માંડ્યા, ત્યારે લૉક-અપમાંથી સામા ઓચિંતા હોંકારા ઊઠ્યા : “બાપો કેસર ! બેટા કેસર ! મા મારી ! આંહીં છું.”

ટેલતો સંત્રી થંભ્યો. નાયક અને બીજા બે પોલીસો આરામ લેતા ઊભા થઈ ગયા ને કમરપટા બાંધતાં ‘લૉક-અપ’ તરફ દોડ્યા. નાયકે એવા બોલ બોલનાર કેદી પ્રત્યે ઠપકાનાં વચનો કહ્યાં : “હાં-હાં, શેઠ ! આંહીં જેલખાનામાંથી હોંકારા કરાય ? અમલદારો સાંભળશે તો અમને તો ઠપકો મળશે.”

તેટલામાં તો ઘોડીની હણહણાટીએ એકધારા અખંડ સૂરો બાંધી દીધા હતા. ઘોડીના પગ તળે પૃથ્વીનું પેટાળ કોઈ અગ્નિરસે ઊભરાઈ રહ્યું હોય એવી આકુલતા ઘોડીના ડાબલાને છબછબ પછડાવી રહી હતી. ઘોડીના ગળામાં આહ હતી, આંખોમાં આંસુ હતા, અંગે પસીનો ટપકતો હતો. એ જાણે હવામાંથી કોઈક સુગંધને પકડવા મથતી હતી.

થાણાનાં માણસોનો આખો બેડો (જથ્થો) ત્યાં જમા થઈ ગયો. સહુ મળીને ઘોડીને ઠંડી પાડનારા બોલ બોલવા લાગ્યા. કેટલાકે જઈને ઘોડીને થાબડી, લલાટે હાથ ફેરવી પંપાળી, માણેક-લટમાં ખજવાળ કરી, ને પિનાકીને ઘોડી પરથી ઉતારી લેવામાં આવ્યો.

ભમરાને ફૂલની સુગંધ આવે છે કે નહિ તે તો ખબર નથી, પણ ઘોડાંને માનવીની ઘ્રાણ આવે છે. કેસર ગોડી પોતાને ઝાલનાર ચાર લઠ્ઠ સિપાઈઓને ઘસડતી ઘસડતી લૉક-અપ તરફ ખેંચાવા લાગી.

થાણદાર સાહેબનું મકાન કચેરીને ડાબે છેડે હતું. જમણા છેડા પર તિજોરી તેમજ લૉક-અપ હતાં. કાચાં કામના કે સજા પામેલા કેદીને રાંધવાનું એક છાપરું હતું.

કચેરી બાજુની ખડકીનું કમાડ જરા જેટલું જ ઊઘડ્યું. બન્ને બારણાંની પાતળી ચિરાડમાંથી ગોરા ગોરા ઊંચા ભરાવદાર શરીરનો વચલો ભાગ, પગથી માથા સુધીના એક ચીરા જેવો દેખાયો.

“શી ધમાલ છે ?” એમણે પૂરા બહાર આવ્યા વિના જ પૂછ્યું. નાયકે કહ્યું : “સાહેબ, ખૂનના કેદીની ઘોડી તોફાન મચાવી રહી છે.”

“શા માટે ?”

“એના ધણીને મળવા માટે.”

“એવી મુલાકાત તે કાંઈ અપાતી હશે ? આ તે શું બજાર છે ? આ તો કહેવાય કેન્ટોનમેન્ટ.” એટલું કહીને સાહેબે બારણાં બીડ્યાં.

પણ તેટલામાં તો થાણદાર સાહેબની ત્રણ નાની-મોટી દીકરીઓ બહાર નીકળી પડી હતી, ને પિનાકી પણ ગાર્ડ-રૂમના દરવાજા બહાર થોભીને કેદીનો દીદાર જોવા ડોકું તાણતો હતો.

“આ જામદાર સાહેબ આવ્યા.” નાયકે ત્રણેય પોલીસને ‘ટં...ચન’ ફરમાવ્યું. ‘ટંચન’ એટલે ‘એટિન્શન’; આઝે આપણી વ્યાયામ-તાલીમમાં એને માટે વપરાતો આદેશ-બોલ છે ‘હોશ્યાર’.

મહીપતરામના મોં પર ગામડાંના રસ્તાઓની પડસૂંદીના લોટ જેવી મુલાયમ બારીક ધૂળ છંટકોરાઈ ગઈ હતી. એણે પૂછ્યું : “શું છે ?”

નાયકે એમને વાકેફ કર્યા. કેદીની કેસર ઘોડી હજી જંપી નહોતી. એની અને એના ઝાલનારાઓ વચ્ચેનો ગજગ્રાહ ચાલુ હતો, ને ઝાડુ કાઢેલા કચરાના જુદાજુદા ઢગલાઓને સળગાવતાં ભંગી જેવો શિયાળાનો સૂરજ આભનાં ભૂખરાં વાદળાંને આગ મૂકતો ઊંચે ચડતો હતો.

“તે શું વાંધો છે ?” જમાદારે કહ્યું : “ફિકર નહિ, લઈ જાવ ઘોડીને લૉક-અપના સળિયા સુધી.”

“પણ થાણદાર સાહેબે...”

“હવે ઠીકઠીક : વેવલા થાઓ મા. નાયક, હુ ંકહું છું ને કે લઈ જાવ.”

“જેસા હુકમ !” નાયકે સલામ કરી. સિપાઈઓનો સારો બેડો ઉલ્લાસમાં આવી ગયો.

ને ચૂપ ઊભેલા પિનાકીને ખબર પણ ન પડી, કે ક્યારે પોતે અંદર ચાલ્યો ગયો અને ક્યારે એનો હાથ થાણદાર સાહેબની વચેટ પુત્રી પુષ્પાના હાથમાં પરોવાઈ ગયો.

સહુ છોકરાં ને સિપાઈઓ જોઈ રહ્યાં : ઘોડી ‘હં-હં-હં-હં-હં, હં-હં-હં’ એવા હણહણાટો કાઢતી છેક પરસાળ પર ચડી. પરસાળના કાળા પથ્થરોની લાદી ઉપર એના પોલા ડાબલા વેરાગીના હાથમાં બજતા ડફ જેવા ગુંજ્યા, ને એના હોઠ કેદખાનાના કાળા સળિયા ઉપર રમવા લાગ્યા.

કેદી પોતાનું મોં પાછલી બાજુ ફેરવી ગયો હતો.

નાયકે કહ્યું : “લ્યો શેઠ, હવે તો મળો.”

પુષ્પાને ખેંચતો પિનાકી આગળ વધ્યો.

કેદીનું મોં આ તરફ ફર્યું, એટલે પિનાકીએ કેદીને ઓળખ્યો : દેવકીગામવાળા રૂખડભાઈ - જેને ઘેર બા જીતી થઈ હતી.

કેદીએ ઘોડીને બોલાવી : “બાપ ! કેસર ! મજામાં ?”

કેદીની આંખો તાજી લૂછેલી હતી, પણ ગાલ ઉપર ઓસનાં મોતિયાં ભૂલથી બાઝેલાં રહી ગયાં હતાં. એના હાથ કેસર ઘોડીની માણેક-લટ ઉપર કાંચકીની માફક ફર્યા. ઘોડીના કપાળ પર માણેકલટમાં એણે પાથીપાડી. ઘોડીના લલાટમાં લાંબું સફેદ ટીલું હતું. તેની ઝીણી રુંવાટીમાંથી કેદીએ એક નાની ઈંતડી ખેંચી કાઢી.

“ક્યાંથી - રાજકોટથી આવી લાગે છે !” નાયકે પૂછ્યું.

બારે અવાજે કેદીએ કહ્યું : “હા, હું ત્યાં રજૂ થયો’તો.”

કેદીએ ઘોડીને કહ્યું : “કેસર, બાપ, હવે તો તું ઘેર જઈશ ને ? ડાહીડમરી થઈને રે’જે, પછાડી બાંધવા દેજે રોજ. ને જોજે હો, સીમમાં છોડે તોય કોઈ ટારડા ઘોડાને પડખેય ચડવા દેતી નહિ. ને - ને ખુશી-ખબર દેજે !”

બધા જ બોલ કેદી ફક્ત ઘોડી સાંભળી શકે તેવી જ હળવાશથી બોલ્યો.

એકઠા થયેલ સિપાઈઓ તદ્દન ચૂપ હતા. ત્યાં જાણે કે કોઈ પીર અથવા દેવ પ્રગટ થયા હતા.

ઘોડીએ માથું નીચે નમાવી નાખ્યું. કેદીએ છેલ્લી વાર પંપાળીને કહ્યું : “જા બચ્ચા હવે ! આને લઈ જાવ, ભાઈ !”

બન્યું તેટલા બધાએ ઘોડીની રેશમી પૂંઠ પર હાથ ફેરવ્યા. માણસો વિખેરાયા.

પુષ્પાના હાથમાં હાથ જોડી પિનાકી હજુ પણ ઊભો હતો. એ જેલની કોટડીના દરવાજા સુધી ગયો. એણે કેદીને બોલાવ્યો : “તમે દીપડો મારેલો તે જ ને ?”

કેદીએ કહ્યું : “ઓહો, ભાણાભાઈ, તમે તો ખૂબ ગજું કરી ગયા ને શું !”

પુષ્પાએ પિનાકી તરફ ખાસ નિહાળીને નજર કરી. છ-આઠ મહિનાના ગાળામાં પિનાકી જબ્બર બની ગયો હતો, એ વાત પુષ્પાને સાચી લાગી.

“હું તમારી ઘોડી પર ચડીને આવ્યો.”

“સારું કર્યું, ભાણાભાઈ !”

“મને બહુ ગમ્યું.”

“હું બહાર હોત તો તમને ખૂબ સવારી કરાવત.”

“હવે બહાર નીકળો ત્યારે -”

“હવે નીકળવાનું નથી.”

“કેમ ?”

“મને ફાંસી જડશે. મેં ખૂન કર્યું છે.”

પિનાકીની યાદદાસ્ત ઊઘડતા પ્રભાત જેવી તાજી બની : “તમે તો પેલાને માર્યો હશે - તમને કાઠીના દીકરા કહ્યા’તા તેને.”

“મને કાઠઈનો દીકરો કહ્યો હોત તો તો બહુ વાંધો ન હતો. પણ એ ગાળ તો મારી વાણિયણ માને પડી. મા અત્યારે જીવતી પણ નથી. મરેલી માને ગાળ પડે તે તો શે ખમાય !”

આ દલીલોમાં પિનાકીને કંઈ સમજ ન પડી. એને હજુ ભણકારા તો રૂખડ શેઠની ઘોડીના જ વાગી રહ્યા હતા. રૂખડ શેઠની ઘોડી પર પોતે સવાર થયો હતો, એ ગર્વ પોતે અલક્ષ્ય રીતે પુષ્પા પર છાંટતો હતો.

“હું હવે તમારી ઘોડીને ખડ-પાણી નિરાવવા જાઉં છું. હું એને બાજરો પણ આપીશ, હોં !” એમ કહી પિનાકી ચાલ્યો.

“આવજો, ભાણાભાઈ !”

“હેં, તમે ક્યારે આવ્યા, પિનાકીભાઈ ?” પુષ્પાએ હવે નિરાંતે પૂછ્યું.

“પછી કહીશ. પહેલાં ઘોડીને જોઈ આવું.” એમ કહી પિનાકી દોડ્યો ગયો.

દરમિયનમાં થાણદાર સાહેબની ઘર-કચેરીમાંથી ઉગ્ર બૂમો ઊઠતી હતી : “થાણાનો ઉપરી કોણ ? એ કે હું ? આ તો ઠીક છે, પણ કોક દી આમાંથી ખૂન થઈ જશે, ખૂન ! તોહમતદારોને ફટવી મૂકે છે !”

ને જમાદારની ઑફિસ ત્યાંથી બહુ દૂર નહોતી. આ બરાડા ત્યાં સાંગોપાંગ પહોંચતા હતા. એના જવાબમાં મહીપતરામ પોતાના માણસોને કહેતા હતા : “જોયું ? મૅજિસ્ટ્રેટ ઊઠીને કહે છે કે ખૂન થઈ જાશે, ખૂન ! છે અક્કલ ! જો, માજિસ્ટરી ઉકાળે છે કૉડો ! જો, એમાં સરકારનાં માટલાં ઊંધાં વળી ગયાં !”

- ને ઘરમાં પિનાકી મોટી બાથી છાનો-છાનો કેસર ઘોડીને માટે એક મોટી તાસકમાં બાજરાનો આખો ડબો ઠાલવતો હતો.

૯. શુકન

દીપડિયો વોંકળો થાણાની ભેખડને ઘસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઈ કારમી હતી. તાજું જન્મેલું હરણું જો માને બે-પાંચ વાર ધાવ્યું હોય તો જાણે કે વોંકળો ટપી જવાના કોડથી થનગની ઊઠે.

પ્રભાતનાં તીરછાં કિરણો દીપડિયાના ઊંચા એક ધોધ ઉપર પડતાં ત્યારે ધોધના પછાડામાંથી લાખો જળ-કણોની ફરફર ઊઠીને પ્રભાત સામે ત્રણ થરાં મેઘધનુષ્યોની થાળી ધરતી.

થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ-દીપડા રાતનું મારણ કરીને ધરાઈ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઊતરતા, તે ઉપરથી એ વોંકળાનું નામ દીપડિયો પડ્યું હતું.

રાતભર દીપડિયો જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઈ ગાંડા થઈ ગયેલા રબારીના રોવા જેવું હતું.

સામે કાંઠે શિયાળોની દુત્તી ટોળી રોવાનો ડોળ કરી કોણ જાણે કેવીય જીવનમોજ માણતી; કેમકે હવાલદાર અને ઘોડેસવાર-નાયકનાં કૂકડાંમાંથી હંમેશનાં એક-બે ઊપડી જતાં. હડકાઈ ગયેલી એક શિયાળે હમણાં હમણાં આખો વગડો ફફડાવી મૂક્યો હતો.

આઘેઆઘે ઘુનાળી નદી રોતી. રાતના કલાકે કલાકે સંધાતી પોલીસોની ત્રણ-ત્રણ આલબેલ ઝીલતાં કૂતરાં રોતાં.

આવી ‘ખાઉં-ખાઉં’ કરતી રાત, પિનાકીને એકને જ કદાચ, થાણાના સો-પોણોસો લોકોમાં, મીઠી લાગતી.

પ્રભાતે ઊઠઈને પિનાકી ઓટલા ઉપર દાતણ કરવા બેઠો ત્યારે કચેરીના દરવાજા ઉપર પહોળું એક ગાડું જોતરેલ બળદે ઊભું હતું, ને વચ્ચોવચ રૂખડ વાણિયો પાણકોરાની ચોતારી પછેડી ઓઢીને બેઠો હતો. એના માથા પર કાળા રંગની પાઘડી હતી. ઘણા દિવસથી નહિ ધોવાયેલી પાઘીડના ઉપલા વળ ઉખેડી માંયલા ઊજળા પડની ઘડી બહાર આણી જણાતી હતી. પાઘ બાંધવાનો કસબ તો રૂખડનો એટલો બધો સાધેલો હતો કે માથાની ત્રણ બાજુએ એણે આંટીઓ પાડી હતી. ગરદન ઉપર વાળનાં ઓડિયાં જાણે દુશ્મનના ઝાટકા ઝીલવા માટે જૂથ બાંધીને બેઠાં હતાં.

“ક્યાં લઈ જશે ?” પિનાકીએ પિતાને પૂછ્યું.

“રાજકોટ.”

રૂખડ શેઠ સહુ પહેરેગીરોને કહેતા હતા : “બોલ્યુંચાલ્યું માફ કરજો.”

પહેરેગીરોનાં મોંમાં ફક્ત આટલા જ બોલ હતા : “એક દિન સૌને ત્યાં મળવાનું જ છે, ભાઈ ! કોઈ વે’લા, તો કોઈ બે વરસદ મોડા.” પોલીસોની આંગળીઓ આકાશ તરફ નોંધાતી હતી.

ગાડામાં બેઠે બેઠે રૂખડ શેઠ આ તરફ ફર્યા ને મૂંગે મોંએ એણે મહીપતરામને બે હાથની સલામો ભરી; છેલ્લી સલામ પિનાકીને પણ કરી.

ભાણેજ અને મોટાબાપુ - બેઉના હાથમાં દાતણ થંભી ગયા.

ત્રણ પોલીસની ટુકડીએ આવીને જમાદાર પાસેથી ‘હૉલ્ટ’નાં કદમો પછાડ્યા. નાયકે કહ્યું : “સા’બ ! એક કેદી ને એક કાગળનો બીડો બરાબર મળ્યા છે.”

“બરાબર ? ઠીક; રસ્તે ખબરદાર રહેજો. ને જુઓ : તોફાન કરે તેમ તો નથી ને ?”

“ના રે ના, સાહેબ !એને શેનો ભો છે !”

“તો પછી ગામ વચ્ચે રસીબસી ન રાખશો.”

“મહેરબાની આપની. અમનેય એ બાબત મનમાં બહુ લાગતું’તું, સાહેબ.”

“જોઈએ તો ગામ બહાર બાંધજો, પણ પાછું વચ્ચે દેવકીગામ આવે છે ત્યાં છોડી લેજો.”

“સારું, સાહેબ !.. ગાટ ! સ્લોપ-હામ્સ ! આબોટ ટર્ન ! ક્વીક માર્ચ !” કરતો નાયક પોલીસ-પાર્ટીને કૂચ કરાવી ગાડા પાછળ ચલાવી ગયો. તે જ વખતે સંત્રીએ રેતીની કલાક-શીશી ખલાસ થતી જોઈ. ‘ગાટ’માં ઝૂતી ઝાલર પર નવના ડંકા લગાવ્યા. ને તરત મહીપતરામના વૃદ્ધ પિતાએ નિશ્વાસ નાખ્યો : “અરે રામ !”

“કેમ, દાદા !” પિનાકીએ પૂછ્યું.

“નક્કી રૂખડ શેઠને લટકાવી દેશે. આ તો કાળડંકાનું શુકન.”

“ત્યાં રાજકોટમાં શું થશે ?”

“કેસ ચલાવશે.”

“કોણ ?”

“સેશન જડજ.”

“પણ એમાં આમનો શો વાંક ? પેલા પટેલે તો આમની મરી ગયેલી માને ગાળ આપી હતી ને ?”

“આ ભાણોય પણ, બાપુ, જડજ જ જન્મ્યો દેખાય છે.” મહીપતરામે ટોળ કર્યું.

“હા, ભાઈ, ભાણો જડજ થાશે તે દી પછી કાયદાકલમોની જરૂર જ નહિ રહે !” દાદા હસ્યા.

બાપ-દીકરો ખૂબ હસ્યા. આ હાંસી પિનાકીને ન ગમી. એણે એક પણ વધુ પ્રશ્ન પૂછ્યા વિના ચૂપચાપ દાતણ કરી લીધું.

ગળામાંથી જાલિમ ઊબકા કરતેકરતે ઊલ ઉતારીને મહીપતરામે બે ચીરો ચોકમાં ફગાવી. બંને ચીરો ચોકડી આકારે એકબીજાની ઉપર પડી. એ જોઈને મહીપતરામે કહ્યું : “આજ કંઈક મિષ્ટાન્ન મળવાનું હોવું જોઈએ.”

“આજ હું કશું જ મિષ્ટાન્ન નથી ખાવાનો, બાપુજી !” પિનાકીએ દુભાયેલા સ્વરે કહ્યું.

“પણ તને કોણે કહ્યું ? હું તો મારી વાત કરું છું.”

થોડી વાર થઈ ત્યાં જ બે ગાઉ નજીકના ગાયકવાડી ગામડેથી એક પીળી પાટલૂન અને કાળાં કોટ-ટોપીવાળા પોલીસ-સવારે આવી પોતાનો તાડ જેવો ઊંચો, પેટની પ્રત્યેક પાંસળી ગણી શકાય તેવો ઘોડો લાવીને ઊભો રાખ્યો. જમાદારને લિફાફો આપ્યો. કવર ફોડીને અંદરનો કાગળ વાંચી મહીપતરામ જમાદારે મોં મલકાવ્યું.

બાપે પૂછ્યું : “કાં ? વળી કાંઈ દંગલ જાગ્યું કે શું ?”

“હા, ચૂરમેશ્વરનું.”

“ક્યાં ?”

“રુદ્રેશ્વર મહાદેવમાં.”

“કોણ ?”

“ગાયકવાડી મોટા ફોજદાર અને ઇન્સ્પેક્ટર પેલા ભીમા વાળાની ડાકાઇટીની તપાસ માટે આવેલ છે, તે ગોઠ્ય ઊડવાની છે.”

“ઠીક, કરો ફતે ! તમને તો દાતણની ચીર-માતા ફળી.”

ને એક કલાકમાં તો મહીપતરામ જમાદાર ઘોડે બેસી ઊપડી ગયા.

લાડુ અને ‘ડાકાઇટી’ વચ્ચે તે સમયમાં આટલું જ છેટું હતું.

૧૦. ગંગોત્રીને કાંઠે

બા મુંબઈ ચાલી ગઈ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી; પણ રોટલી અને રોટલા ઉપર હર વખતે લોંદો-લોંદો ઘી ‘ખા ને ખા જ !’ એવી જિકર એને કડવી ઝેર લાગતી. શિયાળાની રજામાં મૂસળીપાક ને સાલમપાકના મસાલેદાર લાડુ ભાણાને જોરાવરીથી ખાવા પડતા. ખારેકનો આથો એને દુર્ગંધ દેતો, અને વારંવાર એને બોલાવવા આવતી થાણદારની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઈ ગઈ હતી.

છીંટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે ! એની રાજકોટની નિસાળમાંથી શીખેલી ચટક-ચટક ચાલ શું સારી કહેવાય ! ને એના કાનનાં એરિંગો તો ચિરાઈ ઉતરડાઈ ગયેલી ચામડી જેવાં લબડે છે !

રૂખડ શેઠની ઘોડીને બે દિવસ રોકાવી રાખી પોતે સવાર-સાંજ ગંગોત્રીના ઘૂનામાં પાણી પાવા જતો. ગંગોત્રીનો કૂવો આખા ગામને માટે પીવાનું હળવું પાણી પૂરું પાડતો. નદીઓ ત્યાં ત્રણ-ત્રણ, છતાં પીવાને માટે અણખપની હતી; કેમકે એ તો હતી ગીરની વનસ્પતિઓનાં મૂળિયાંના અનેક રોગો ચૂસીને ચાલી આવતી નદીઓ.

ગંગોત્રીનો કૂવો નમતા બપોરથી ગાજવા લાગતો. એની ગરેડીઓ પર તસુ-તસુ ઊંડા કાપા પડી રહેતા. પાણિયારીઓની કતાર ગંગોત્રીના આંબાવાડિયાને ગામ તેમજ થાણાની જોડે તાંબા-પિત્તળની હેલ્યોની સાંકળીએ બાંધી લેતી. બધાં જ ત્યાં આવતાં, તો પછી પુષ્પાને એકાદ ગાગર માથે માંડી ત્યાં આવતાં શું થઈ જતું હતું ! અમલદારની દીકરીને માટે શું એ મજાની મનાઈ હતી ?

ગંગોત્રીના કુંડ ઉપર તે દિવસે બપોરે ધોણ્ય ધોનારાઓનો ડાયરો મચ્યો હતો. પોલીસના ધિંગા પોશાકની ધોણ્ય, ગામડાંના કળી શકદારો જેવી, ધોકાના માર વગર માનતી નહોતી. ધોતાંધોતાં વાતો ચાલતી હતી :

“દાદુ સિપાઈની બાયડી તો ગજબ જોરાવર, ભાઈ !”

“કાં ?”

“ગંગોત્રીને ઘૂને એણે તો મગરને મીણ કહેવરાવ્યું.”

“શી રીતે ?”

“બકરી લઈને ધોવા આવી’તી. પોતાનું ધ્યાન ધોવામાં, ને આંહીં બકરીએ બેંકારા દીધા. જોવે તો બકરીના પાછલા પગ ઘૂનાની મોટી મગરના ડાચામાં, ને મગર ખેંચવા જાય છે પાણીમાં. ત્યાં તો દાદુની વહુ પોગી ગઈ. ‘અરે તારાં વાલાં મરે રે મરે, નભાઈ !’ એણ કહેતી ઈ તો બકરીના આગલા પગ લઈને મંડી ખેંચવા. ત્યાં તો મગરની હારે રસાકસીનું જુદ્ધ મંડાઈ ગયું. આખરે મગરે થાકીને બકરી મેલી દીધી. એવી લોંઠકી દાદુની વહુ !”

“એવો જ એક પાઠ આવે છે અમારે પાંચમી ચોપડીમાં.” ગંગોત્રીને કાંઠે કપડાં ચોળતા બેઠેલા ગામના સ્કૂલ-માસ્તર બોલ્યા.

“પણ, માસ્તર,” થાણદારનો પટાવાળો તુળજારામ બોલ્યો : “છોકરાંના લૂગડાં તો ઠીક, પણ તમે માસ્તરાણીનાં લૂગડાંય શીદ ધોવા લાવો છો ?”

“ન ધોવે તો જાય ક્યાં ? માસ્તરાણીની એક હાક પડે તે ભેળું તો....” જમાદારનો ‘ઑર્ડરલી’ કહેતો કહેતો અટક્યો.

“હવે ઠીક...” માસ્તર ઝંખવાણા પડ્યા.

“વાઘજી ફોજદારનો મામલો સાંભળ્યો ?”

“ના ભઈ; શો મામલો ?”

“વઢવણ જંક્શને લોમાપરના ઠાકોર જાલમસંગ જોડે ધિંગાણું રમ્યો વાઘડો.”

“જાલમસંગજી ? વાઘ ફોજદારના દિલોજાન દોસ્ત ?”

“દોસ્ત તો હતા તે દી, બાકી તો એ દોસ્તીએ જ બધો દાટ વાળ્યો ને !”

“કાં ?”

“વાઘ ફોજદાર જાણે કે વેશ કાઢવાનો અતિ શોખીન. આજ પઠાણ બને, તો કાલ વળી બાવો બને; પરમદા’ડે પુરબિયો બને. બને તો બને પણ ભોળાં છોકરાંઓને પણ વેશ કઢાવે. પ્રાંત સા’બ, સુપરીટન સા’બ - જે કોઈ સા’બની સવારી હોય તે તે વખતે વગડામાં વેશ કાઢીને સાહેબોની જોડે મુલાકાતો કરે. સાહેબો થાય રાજી, ને ઘેરે દરબારો પણ આવજા-જતા થાય. જાલમસંગજીનો કાંઈક વધુ પગરવ, ને એમાં પૂરજુવાન દીકરી હોય ઘરમાં : લાજમલાજો રાખ્યો નહિ. પછી જાલમસંગ કાંઈ ઘા ભૂલે ?”

“કેમ ભૂલે ! ગરાશિયા ભાઈ...”

“હવે, ભાઈ, ગરાશિયાનું નામ દિયો માને !” એક રજપૂત સિપાઈએ આંખ ફાડીને વાંધો લીધો.

“ઠીક, મેલો નામ પડતું. મેલો ગરાશિયાના નામમાં ટાંડી !”

“હા, પછી ?”

“પછી તો જાલમસંગ વાઘ ફોજદારની દીકરીને લઈને ભાગ્યો. વાઘડો કહે કે ફરિયાદ નહિ કરું : ભુજાઓથી ભરી પીશ. એમાં પરમ દા’ડે જાલમસંગ રાજકોટ જાય; વાઘ વઢવાણ આવે. સ્ટેશન ઉપર જ જામી. વાઘ વગર હથિયારે દોડ્યો. જાલમસંગ પાયખાનામાં સંતાણો.”

“પાયખાનામાં !” ધોનારા રજપૂતે વિસ્મય ઉચ્ચાર્યું.

“હા, હા, દરબાર !” વાત કહેનારે પેલા રજપૂત સિપાઈને શબ્દોના ડામ આપ્યા.

“હવે, સંડાસને તો બેય બાજુ બારણાં. એક બાજુથી જાલમસંગ નીકળી જાય તો ?” સ્ટેશનની ગાડીઓ થંભી ગઈ. માણસોની હૂકળ મચી. પણ વાઘ તો વાઘ હતો; વીફરેલો વાઘ ! કોમ રોકે ? ચડ્યો જાજરૂ માથે. માથેથી અંદર જાલમસંગને માથે ત્રાટક્યો. શત્રુના હાથમાં ખુલ્લો છરો : આંચકવા જાતાં વાઘનાં ત્રણ આંગળાં ભીંડાનાં ફોડવાં માફક સમારાઈ ગયાં, ને વાઘ ફોજદાર આંગળાં સંભાળે, ત્યાં જાલમસંગ રફુ થઈ ગયો.

“ક્યાં ગયો ?”

“હરિ જાણે.”

“પત્તો જ નહિ ?”

“ના.”

આગગાડીથી વીસ ગાઉને અંતરે પડેલા કાળા પાણીના ટિંબા ઉપર આઘેઆઘેના બનાવો આટલા વેગથી પહોંચી જતા. ગંગોત્રીના કુંડને કાંઠે પિનાકી પણ નહાવા જતો. આ વાતો એને વાતાવરણ પાતી. રાતે એ સિપાઈઓની ‘ગાટ’ પર જઈ બેસતો. નાનકડો ખાટલો રોકીને એ ત્યાં વાતો સાંભળથો સાંભળતો ઊંઘી જતો.

વળતા દિવસે સાંજે એક નાનો-શો બનાવ બન્યો. ગામડેથી ભેંસના દૂધનાં બે બોઘરાં ભરીને પસાયતા ઘેરે આવ્યા. જમાદારે કહ્યું : “લઈ જાવ ઘરમાં.”

ગરીબડા લાગતા પસાયતા બહાર આવ્યા ત્યારે જમાદારે પૂછ્યું : “એલા, તમામ ઘેરેથી દૂધ ઉઘરાવ્યું છે કે ?”

“હા, સા’બ, બધેથી. એક ઘેર ધાવણા છોકરાને પાવા જેટલુંય નથી રહેવા દીધું.”

“ઠીક, જાવ.”

પસાયતાઓના છેલ્લા શબ્દો પિનાકીને કાને પડ્યા, ને એ બહાર ઓટલા પર જઈ ઊભો. આભનાં ચાંદરણાં, કોઈ મધપૂડા પર ચોંટી ગયેલ પતંગિયાં જેવાં, પાંખો ફટફટાવતાં હતાં.

૧૧. જીવની ખાઈ

રાતે વાળુ થઈ ગયા પછી આંગણામાં પથ્થરોને મંગાળે દૂધનો તાવડો ચડ્યો.

મહીપતરામ બહુ પોરસીલા આદમી હતા, અને થાણદાર સાથે સરસાઈ કરવાનો એક પણ અવસર ન ચૂકવાની એની જિદ્દ હતી. વળી આગલે જ અઠવાડિયે થાણદારને ઘેર પચીસેક માણસોના ચૂરમાના લાડુ ઊડ્યા હતા. તેનું વેર લેવા એણે આ વખતે ચાલીસ જણાની તૈયારી માંડી દીધી. ને આ તૈયારીનું બહાનું બન્યો ભાણેજ પિનાકી.

“ભાણો ચારમી અંગ્રેજીમાં પડ્યો છે, ને બાપડો બૉર્ડિંગનાં કાચાં-દાઝ્‌યાં બાફણાં ચાવીચાવી ઘેર આવ્યો છે, એટલે આજ તો ભાણાને મોજ કરાવવી છે.”

નોતરા દેવા કારકુન પાસે ટીપ કરાવવા માટે તેમણે કારકુનને કહ્યું : “એક નોટ કરી લાવો.”

કારકુન કોરા કાગળની એક જાડી નોટ-બુક સીવીને લાવ્યો.

“આ શું ?”

“નોટ.”

“શા માટે ?”

“આપે કહ્યું તું ને... નોટ કરી લાવવાનું ?”

“અરે ડફોળ ! મેં તુને આવી નોટ બાંધી લાવવા કહ્યું’તું ? કે માણસોની નોંધ કરવા ?”

કારકુન મૂંગો ઊભો રહ્યો. અમલદારે માથું કૂટ્યું : “આ ગધેડાને બદલવા મેં દસ રિપોર્ટો કર્યા, પણ કમજાતના પેટના ઑફિસવાળાઓ...”

પછી પોતે જ ટીપ કરવા માંડી. એ વખતે અંદરથી પત્નીએ આવીને વચલા કમાડ પર ઊભાં રહી, સસરાની સહેજ લાજ કાઢીને સ્વામી પ્રત્યે ધીમે સ્વરે કહ્યું : “સાંભળ્યું ?”

“શું છે ?”

“ત્યાં - એમને પણ કહેરાવજો.”

“કોને ?”

“ઓને !” બાઈએ હાથ પહોળાવીને કોઈક કોઠી જેવી વસ્તુની ઈશારત કરી.

“કોને ? એ ઓપાને ! લે, હવે જા, વલકૂડી ! તું તારું કામ કર.”

“અરે, પણ - કહેવું જોવે.”

“કહેશું - તારો બાપ મરી જાય તેના કારજ વખતે !”

“હવે તમે સમજો નહિ ને !!!” બાઈએ ડોળા ફાડ્યા. “તમારે ને એને કજિયો કરવો હોય તો બહાર કરી લેજો. આંહીં મારા ઘરમાં તો મારે વહેવાર સાચવવો પડશે. ઘર મારું છે.”

“અને મારું ?”

“તમારો વગડો; જાવ, ઘોડાં તગડ્યા કરો.”

“સાચું કહે છે, ગગા ! - વહુ સાચું કહે છે.” બૂઢાએ પહેલી જ વાર લાગ જોઈને વચન કાઢ્યું. ડોસો વ્યવહારમાં બડો તીરંદાજ હતો. “સાચી વાત. ઘર તારું નહિ, હો ગગા ! ઘર તો સ્ત્રીનું.”

પિનાકી તો બેઠોબેઠો ચોપડીમાં મોં ઢાંકવાનો પ્રયાસ કરતો હતો. કોણ જાણે કેમ પણ ‘ઘર મારું છે’ એ મોટીબાનું વાક્ય અને, બીજું, મોટાબાપુને પચાસ વર્ષની વયે પણ ‘ગગા’, ‘મહીપત’ વગેરે તોછડા શબ્દોથી બોલાવતા દાદાની હંમેશની મોટીબાની તરફદારી - એ બન્ને વાતો પિનાકીને ગમી ગઈ.

તરત જ પિનાકી જોઈ શક્યો કે મહીપતરામના મોં પરથી રેખાઓ, જે તપેલા ત્રાંબાના સળિયા સરખી હતી, તે કપાળમાં ને કપાળમાં કોઈ અણદીઠ ભઠ્ઠીની આંચ થકી ઓગળીને કપાળ જોડે એકરસ બની ગઈ.

“બાળો ત્યારે એનુંય નામ નોટમાં.” એણે કઠોર રીતે હસીને કહ્યું.

પિનાકીનાં મોટીબાએ નાની-શી લાજમાંથી સસરા પ્રત્યે માયાળુ નજર નાખતાં નાખતાં ધીરે અવાજે પતિને કહી દીધું : “બાપુ બેઠા છે ત્યાં સુધી તો મારાં નસીબ છે; પણ જે દા’ડે બાપુ...”

“તુંનેય તે દા’ડે બાપુ ભેળી ચેહમાં ફૂંકી દેશું; લે, પછી છે કાંઈ !” મહીપતરામના એ બોલમાં ઊંડી વહાલપ હતી એ ફક્ત એની પત્ની અને દાદા - બે જ જણ સમજી શક્યા. સાવજ-દીપડાના મમતાળુ ઘુરકાટનો મર્મ તો રખેવાળો જ પારખી શકે, બીજાંને તો એ બધી ત્રાડોમાં એકસરખું ખુન્નસ જ ભાસે. ને સાવજ-દીપડાનું તેમ જ કેટલાંક માનવીઓનું એવું દુર્ભાગ્ય હોય છે કે એની વાણી હર એક વાતમાં હિંસક સ્વરૂપે જ બહાર આવે.

“અહે વહુ !” ડોસા પણ ઠેકડીમાં ભળ્યા : “તમે શીદ ચિંતા કરો છો ? હું તો હજી બાર વરસનો બેઠો છું. એમ હું તમને રઝળાવીને કેમ જઈશ !”

“લે, બાપુ તો જમનેય પાછો વાળશે !” મહીપતરામે ટોળ કરી.

“અરે ગગા, મસાણખડીમાંથીય ઠાઠડીઓ સળવળીને પાછી આવી છે - જાણછ ?”

“ત્યારે તો તમારી વહુનેય બાળીને પછી જવાના, ખરું !”

“તો તો હું બહુ નસીબદાર થઈ જાઉં.” વહુએ ધીરેથી કહ્યું. એની આંખોમાં પાણી હતાં. એના અળાજમાં કાંચકી પડતી હતી.

“ના રે, મારી દીકરી !” ડોસાનો અવાજ કંઠમાં કોઈ ખૂતેલા લાકડાની પેઠે સલવાઈ જતો હતો : “ઈશ્વર ઈશ્વર કરો. સૌ આબરૂભેર સાથરે સૂઈએ, એવું જ મારો શંભુ પાર ઉતારશે આપણું.”

“આ એક ભાણો ભડવીર બની જાય ને, એટલે પછી બસ.” મહીપતરામે ઉમેર્યું.

દૂધપાકના તાવડાને પામિયારાની ઠંડકમાં ઢાંકીને જ્યારે અમલદારની સ્ત્રી સૂવા ગઈ ત્યારે રાતના એક વાગ્યની આલબેલ પોકારાતી હતી.

ચાળીસ વર્ષની એ સ્ત્રીનો મજબૂત તો ન કહેવાય પણ મનોબળને કારણે ખડતલ રહી શકેલો બાંધો હતો. ધણીની જોડે રઝળપાટમાં એના વાળ પાંથીની બેય બાજુએ મૂળમાંથી જ સફેદ બન્યા હતા. એટલે કાળા આકાશમાં શ્વેત આકાશ-ગંગા ખેંચાઈ ગયા જેવી એના માથાની પાંથી લાગતી હતી. મોટો પુત્ર મરી ગયા પછી એણે ગૂઢા રંગના જ સાડલા પહેર્યા હતા; નાકમાં ચૂંક અને પગમાં કડલાં નહોતાં ધારણ કર્યાં.

બારેક મહિને પહેલી જ વાર એ આજ રાતે પતિના ઢોલિયા પાસે જઈ ચડી. ગઈ તો હતી ચોફાળ ઓઢાડવા ભાણાને. બીજા ઓરડામાં જઈ ઓઢાડ્યું. ને ધણી પણ કોણ જાણે કેવી દશામાં સૂતો હશે તે સાંભરી આવતાં ત્યાં ગઈ. નમતી રાતનો પવન વધુ ઠંડક પકડતો હતો.

જરીક સ્પર્શ થતાંની વાર પોલીસ-ધંધો કરનાર પતિ જાગી ગયો. બેબાકળા બની એણે પૂછ્યું : “કોણ છે ?”

“કોઈ નથી; હું જ છું.”

“બેસ ને !” ધણીએ જગ્યા કરી આપી.

“કેટલા દૂબળા પડી ગયા છો !” પત્નીએ છએક મહિને ધણીના દેહ પર હાથ લગાડ્યો.

“તારો હાથ ફરતો નથી તેથી જ તો !”

“ઘેર સૂતા છો કેટલી રાત ? યાદ છે ?”

“ક્યાંથી સૂઉં ? વીસ રાત તો કોઈ ને કોઈક અકસ્માત બન્યો જ હોય.”

“આજે કાંઈ નહિ બને.”

“સાચે જ ?” કહીને મહીપતરામે પત્નીને છાતી પર ખેંચી. ઝાડની કોળાંબેલી ડાળ નાના છોકરાના હાથમાં નમે એમ એ નમી. છાતી પરથી પડખામાં પમ એ એટલી જ સહેલાઈથી ઊતરી ગઈ. એના ઊના નિસાસાએ પડખાનું રહ્યુંસહ્યું પોલાણ પણ ભરી નાખ્યું.

“કેમ ?” પતિએ પૂછ્યું.

“કાંઈ નહિ.”

“ના; મારા સોગંદ.”

“ના, એ તો વહુ બિચારી યાદ આવી ગઈ.”

“એ કમબખ્તનું અત્યારે નામ ન લે.”

“એનો બિચારીનો શો અપરાધ ? દીકરો મૂવો ત્યારે વીસ વરસની જુવાનજોધ; ખરાબે ચડતાં શી વાર લાગે !”

“છોડ એની વાત.” ઘણા દિવસ પછીની આવી રાત્રિમાં, કોઈ વખંભર ખાઈ ઉપર તકલાદી પાટિયાંનો જૂનો સેતુ પાર કરતાં કરતાં કડેડાટી બોલતી હોય તેવો ભય મહીપતરામે અનુભવ્યો. જીવનની ખાઈ ઉપર પત્નીને એ કોઈ આખરી ટેકાની માફક બાઝી રહ્યા. ત્યાં તો બહારથી અવાજ પડ્યો : “સા’બ....”

“કેમ ?”

“લાશ આવી છે.”

“ક્યાંથી ?”

“ગાલોળેથી.”

“કોની છે ?”

“કોળીની.”

“ઠીક, ભા ! બોલાવો કારકુનને. સળગાવો ઑફિસમાં બત્તી.”

ઊઠીને એણે કપડાં પહેર્યાં.

૧૨. દૂધપાક બગડ્યો

ઑફિસે જતાં જ ત્યાં ઘોડી ઝાલીને ઊભેલા એક માણસે અવાજ દીધો : “સાહેબ મે’રબાન... હેં-હેં.” ‘હ’ અને ‘સ’ એ બે અક્ષરની વચ્ચે અણલખાયો ને અણપકડાયેલો એ ‘હેં હેં’ ઉચ્ચાર મહીપતરામને કાને પડતાં જ બોલનાર આદમી પણ અંધારેથી પકડાયો. નરકમાંથી પણ પરખાય તેવો એ ઉચ્ચાર હતો.

“કોમ - મોડભા દરબાર ?”

“હેં - હેં... હા, મે’રબાન.”

“તમે અત્યારે ?”

“હેં-હેં... હા જી; ગાલોળેથી.”

“કેમ ?”

“આપને મોઢે જરીક...”

“બોલો.”

“હેં-હેં... આ રામલા કોળીએ અફીણ ખાધું ને !”

“તે મારે શું છે ?”

“હેં-હેં... છે તો એવું કાંઈ નહિ... પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધુંચત્તું... ભરાવી જાય... તો એ બચાડાની બાયડી હેરાન થાશે... એટલા માટે...”

મોડભા દરબારે અંધારામાં અમલદારના હાથણાં એક કોથળી મૂકી. કોથળી નાની હતી, પણ વજનદાર હતી. અંદર પાંચસો જેટલા રૂપિયા હતા.

“ઠીક, ઠીક, મોડભા દરબાર,” અમલદારે જરા ધીમાશથી કહ્યું : “તમે એ બોજને ઘોડીએ નાખીને પાછો જ લઈ જાવ, ને ઝટ ગાલોળે પહોંચી જાવ.”

“હેં-હેં... કાં મે’રબાન ?”

“ઉપાડવાનું મારું ગજું નથી.”

“આ તો હું એક મહોબત દાખલ...”

“હા, હા, દરબાર ! હું મહોબત કરી જાણું છું ને રુશવત પણ લઈ જાણું છું. હું સિદ્ધની પૂંછડી નથી. મારે રૂપિયા ખંખેરવા હોય છે ને, ત્યારે નિર્દોષમાં નિર્દોષને પણ અડબોત મારીને ખંખેરું ચું. પણ, મોડભા દરબાર, આ ખપે તો તો મારે ગાનું રગત ખપે : સમજ્યા ? ને ઝટ પાછા ફરો.”

“પણ - પણ -”

“ગેં-ગેં, ફેં-ફેં કરો મા, દરબાર; હું જાણું છું. ઘરની ગરાસણીનાં દેવતાઈ રૂપ રગદળી નાખીને તમે બધા આ ડાકણ જેવી કોળણો પાછળ હડકાયા થયા છો - એમાં જ આ કોળીને અફીણ ઘોળવું પડ્યું ને ! એવાં તમારાં કામાં છુપાવવાની કિંમત આપો છો તમે મને બ્રાહ્મણને ?”

મોડભા દાજી ચૂપ રહ્યા.

“જાવ, દરબાર; મને મારું પેટ નહિ ભરાય તે દા’ડે વટલોઈ લઈ ઈડરની બજારામં ફરતાં આવડશે; જાઓ, નીકર નાહક થાણામાં ગોકીરો કરાવશો.”

મોડજી ગયા. થાણાના ચોગાનમાં ગાડું ઊભું હતું તેમાં સૂતેલા શબની સફેદ પછેડી અંધારામાં કાળ-રાત્રિના એક દાંત જેવી દેખાતી હતી.

ઑફિસમાં રિપોર્ટો, પંચનામું, દાક્તર પરની યાદી વગેરેની ધમાલ મચી ગઈ, ને સવારે પાંચ વાગતાં જમાદારે કારકુનને કહ્યું કે “ધકેલ આ યાદી ને આ લાશ દાક્તર પાસે. ભલે ચૂંથે, ને રળી ખાય બાપડો એ ભૂખ્યો વાઘ ! હાલ્ય, ઊઠ; દે હાફિસને તાળું. ને ઝટ નોતરાં દઈ આવ સૌને.”

પ્રભાતે ખબર પડી કે ગામમાં શાક કશું જ નથી મળતું. ગામમાં કોઈ શાકભાજીની વાડીઓ કરતા નહિ. સરકારી થાણાં જીવતાં હિમ જેવાં હતાં. એ હિમ જ્યાં જ્યાં પડે ત્યાં શાકપાંદડું ઊગે નહિ.

ભાણિયા વાઘરીએ પાંચ વર્ષ ઉપર નદીના પટમાં સાકરટેટીનો વાડો કરેલો. જમાદાર-થાણદારનાં નામ લઈને સિપાઈઓ-પટાવળાઓ એની ટેટીઓ વીણી ગયા; ને પછી વેપારીને કરજ ચૂકવવા માટે ભાણિયાને પોતાની બાયડી વેચી નાખવી પડી હતી.

થાણાં હોય ત્યાં મોચી, સુતાર, કુંભાર વગેરે કારીગર વર્ગ પણ ન જામે. એને વેઠ્યમાંથી જ નવરાશ ન મળે.

“આ ચંડાળને પ્રતાપે શાક પણ સળગી ગયાં !” કહી મહીપતરામે થાણદારના જ શિર પર બધો દોષ ઢોળ્યો.

“પણ મારે તો એ ડફોળને બતાવી દેવું છે આજ !” એવા ઉમંગથી એણે બે ગાઉ પર તાબાના ગામે ઘોડેસવારને શાક લેવા મોકલ્યો.

ડૉક્ટરે કશીક વિધિનો દોષ કાઢી શબ પાછું કાઢ્યું. એ ઊણપ ઉપર ડૉક્ટર-જમાદાર વચ્ચે લડાઈ લાગી પડી; ને છેવટે, સાંજ સુધી રઝળતી લાશના ઓછાયા નીચે જ જમણવાર ઊજવવો પડ્યો.

થાણદાર સાહેબને સંભળાય તે રીતે મહીપતરામ પોતાના માણસોને ઉલટાવીઉલટાવી જુદીજુદી ચાલાથી કહેતા હતા : “એલા, ચાળીસ પાટલા ઢાળ્યા છે કે ? જોજો હો, વધુ પાંચ ઢાળી મૂકજો. વખત છે, ભાઈ, કોઈક મહેમાન આવી ચડે. આવે, કેમ ન આવે ? ચાળીસ માણસને રસોડે પાંચ વધુ જમી જાય એમાં શી નવાઈ ?”

જમણ પોણા ભાગનું પૂરું થવા આવ્યું ત્યારે કોઈકે ધ્યાન ખેંચ્યું કે “ભાણાભાઈનો દૂધપાકનો વાટકો તો હજુ ભર્યો ને ભર્યો પડેલો છે.”

“કેમ ભાણા ! ત્રીજો વાટકો કે ?”

પીરસનારે કહ્યું : “ના, જી; પે’લો જ વાટકો છે.”

“એમ કેમ ?”

“અડ્યા જ નથી.”

“કેમ, ભાણા ?”

“મને ભૂખ નથી.”

“જૂઠું. બોલ - શું છે ?”

“પછી કહીશ.”

“પછી શીદ ? આંહીં કોની શરમ છે ? મારી તો સરકારી ટપાલોય ઉઘાડેછોગ ફૂટે છે, તો તારે વળી ખાનગી શું છે - સરકારથીય વધારે !”

“મારું મન નથી.”

“કાં ?”

“પેલાએ કહ્યું’તું ને ?”

“કોણે ? ક્યારે ? શું ?”

“કાલ રાતે દૂધ લઈને આવેલા તે કહેતા’તા કે નાનાં છોકરાંને પાવા માટે પણ રાખઅયા વિના બધું દૂધ અહીં લઈ આવ્યા છે.” એટલું કહીને ભાણાનો ચહેરો ઉનાળાના મધ્યાહ્નના બાફમાં બફાઈ વરાળો કાઢતા ચીભડાની ફાડ જેવો ગરમ, લાલ ને પીળો બની ગયો.

જમનારા સહુ થોડી પળ સુધી ચૂપ રહ્યા. મહીપતરામના એક થોભિયાવાળા મિત્રે કહ્યું : “અરે ગાંડિયા ! એ મારા બેટાઓને પસાયતાઓને તું ઓળખતો નથી. એ તો પાજી છે - પાજી !”

“હવે કંઈ નહિ; બાજી બગડી ગઈ.” થાણદારે લાગ સાધીને ઠંડો છમકો ચોડ્યો.

પછી તો આખા જમણના કળશરૂપ જે કઢી પીરસાઈ તે કઢીનો સ્વાદ બરાબર જામ્યો નહિ.

મહીપતરામનું મોં ઉજ્જડ વગડા જેવું બન્યું.

૧૩. દેવલબા સાંભરી

પિનાકીની રજા પૂરી થઈ. વળતા પ્રભાતે એને ઘોડા પર ચડવાનું હતું. એની ટ્રંક એક વેઠિયો ઉપાડવાનો હતો.

આગલી રાતે મોટીબાએ એના માટે પેંડા વાળી આપ્યા. એ પેંડાનો માવો ઉતારવાનું દૂધ આ વખતે મહીપતરામે રોકડા પૈસાથી મંગાવ્યું હતું, ભાણાના દેખતાં જ રૂપિયો ચૂકવ્યો. ભાણો કોઈ પણ રીતે દૂધપાકનો પ્રસંગ વિસારે પાડે એવું કરવાની એની નેમ હતી. પત્નીને એ કહેતા કે “મેં તો ઘણાયના નિસાસા ને પૈસા લીધા છે; પણ આ દૂધપાકના દૂધનો સાવ નજીવો બનાવ મને જેટલો ખટકે છે એટલા બીજા પૈસા નથી ખટકતા.”

પિનાકી જાય છે તેની વ્યથા મોટાબાપુને અને મોટીબાને ઊંડેઊંડે થતી હતી. મોટીબા પેંડાનો ડબો ભરીને એ વ્યતાને મટાડવા મથતાં હતાં. રખે ક્યાંક રોઈ પડાય એવી બીકે એ પિનાકીને તાડૂકી તાડૂકીને ચેતવણી આપતાં હતાં કે “રોજ અકેકો જ પેંડો ખાજે. ભાઈબંધ-દોસ્તારોને રોજ-રોજ ભેગા કરીને ખવરાવી દેતો નહિ, કોઈકોઈ વાર જ બીજાને આપજે. દાનેશ્વરી કરણ થતો નહિ.”

ને પિનાકીએ બરાબર પૅક કરી લીધેલી ટ્રંક પણ મોટાબાપુએ ફરી વાર ઉખેળી છેક તળિયેથી બધી ચીજો નવેસર ગોઠવી આપી.

ઘુનાળી નદીને સામે કાંઠે ચડીને પિનાકીએ પાછળ નજર માંડી. સફેદ મકાનો દૂર ને દૂર પડતાં હતાં... મોટીબાને કામ કરવાનું સૂઝતું નહિ હોય. દાદાને ભગવાન, ઘણાં વર્ષ જિવાડજો ! નહિતર મોટા બાપુનો ગરમ સ્વભાવ મોટીબાને બાળી નાખશે !

- ને ઘુનાળીના શીતળ વાયરાએ એની આંખનું એક આંસુ લૂછ્યું.

પહેલું ગામ વટાવી પોતે આગળ વધ્યો. તે પછી થોડી વારે એણે પોતાની પાછળ સાદ સાંભળ્યો. સાથે આવતો પસાયતો ભાણાભાઈની ટ્રંક માટે વેઠિયો બદલાવવા રોકાઈ ગયો ગયો હતો. આ વખતે એ ટ્રંકને ઊંચકનાર કોઈ બાઈ માણસ જણાયું. પિનાકીએ ઘોડીની ચાલ ધીરી પાડી.

પસાયતાની અને એ બાઈની વચ્ચે કશીક ગરમાગરમ વડછડ ચાલતી હતી. માર્ગની બેઉ બાજુએ લેલાં પક્ષીઓની પણ અંદર-અંદરની એવી જ કોઈ તકરાર મચી ગઈ હતી. સેંકડો લેલાં જ્યાં ને ત્યાં, બસ, સામસામાં ‘તેં - તેં - તેં -’ અવાજ કરીને એક જૂની લોકકથાને તાજી કરતાં હતાં : ઘણે દિવસે મળવા આવનાર એકના એક ભાઈને પોતપોતાને ઘેર ખેંચી જવા મથતી સાત બહેનોએ એ ખેંચાખેંચીથી ભાઈનું મોત નિપજાવ્યું, અને પછી ‘તેં માર્યો... તેં માર્યો... તેં - તેં - તેં’ કરી એકબીજાનો રોષ કાઢતી એ બહેનો મરીને લેલી પંખણીઓ સરજાઈ છે.

‘આ પસાયતો અને આ વેઠિયાણી પણ એવો જ કોઈ અવતાર પામશે ?’ એવું કલ્પતો પિનાકી મનમાં રમૂજ પામતો હતો. કેરડાંનાં ગુલાબી નાનાં ફૂલ રસ્તાને બેઉ કાંઠેથી એની સામે હસતાં હતાં. કાઠીઓનાં પડતર ખેતરો વચ્ચે બોરડીનાં જાળામાં લાલ ટબા-ટબા ચણીબોર દેખાડીને પિનાકીને રમવા આવવા લલચાવતાં હતાં. એ વિચારે ચડ્યો : આ ચણીબોર વીણવા માટે મોટીબા અને બાપુજીની ચોરીછૂપીથી હું દીપડિયાને સામે પાર કોઈકની જોડે જતો હતો.

કોની જોડે ?

સાંભર્યું : દાનસિંહ હવાલદારની દીકરી દેવલબા જોડે. આ વખતની રજામાં મેં દેવલબાને બહુ થોડી જ દીઠી. એની કોટડીની ઓસરીમાં ખપાટની જે જાળી છે, તેની આડા કંતાનના પડદા ચોડી નાખેલ છે. હું એક-બે વાર ત્યાં ગયેલો; પણ દાનસિંહ હવાલદારની દીકરા-વહુને મેં ‘ભાભી’ શબ્દે બોલાવી તે દેવલબાની માને ન ગમ્યું. એણે મને કહ્યું કે અમારામાં ‘ભાભી’ કહેવાની મનાઈ છે. સગો દિયર પણ ભાઈની વહુને ‘બોન’ કહી બોલાવે. આવું બન્યા પછી મને ત્યાં જવાનું દિલ નથી થયું. પણ દેવલબા મારાથી નથી ભુલાતાં. આ વખતે તો મેં સાંભળ્યું કે એના ફોટોગ્રાફ પણ પાડવામાં આવ્યા છે. ને એને લઈને એનાં માબાપ વિક્રમપુર શહેરમાં પણ જઈ આવ્યાં. એને માટે શી દોડાદોડી થઈ રહી છે !

બે વર્ષ પર તો હું ને દેવલબા બેઉ એનાં માબાપની જોડે દરિયાકાંઠે નાગનાથને મળે ગયાં હતાં. પૂનમની રાતે ગાડું ચાલતા ઢોલિયા જેવું લાગતું, ને કાગાનીંદરમાં હું દેવલબાની માનાં ગાણાં સાંભળતો. દાનસિંહે ના કહેવા છતાં એની વહુ ‘મારાથી ગાયા વિના નહિ રહેવાય - આજ તો નહિ જ રહેવાય !’ એવો જવાબ દઈને સીમાડાને લીંપી નાખતા સૂરે ગાતાં હતાં કે -

ચાંદા પૂનમ-રાત

અગરચંદરણ રાત :

અણસામ્યાં અજવાળાં

ક્યાંથી ઊભરે ?

આકાશની ઝાલર જેવો ચાંદો દેખી મને એના ઉપર ડંકા બજાવવાનું દિલ થયેલું. નાગનાથ પહોંચીને બાકીની રાત અમે બેઉ જણાં ગાડાની નીચે એક જ છાપરે સૂતેલાં.

ચણીબોરના ગોળ રાતા ટબામાંથી ઊપડેલા વિચારો બે વર્ષોના ભૂતકાળ પર કૂંડાળું દોરીને પાછા વળ્યા ત્યારે પસાયતા ને વેઠિયાણી તેને આંબી ગયાં હતાં.

૧૪. વેઠિયાં

બાઈની એક બગલમાં બેઠુંબેઠું - નહિ, લબડતું - દસેક મહિનાનું એક છોકરું, બાઈના સુકાઈ-ચીમળાઈ ગયેલા, કોઈ બિલાડાએ ચૂંથી નાખેલ હોલા પક્ષી જેવા, સ્તન ઉપર ધાવતું હતું. બીજા હાથે બાઈએ ટ્રંકનો બોજો પોતાના માથા પરની ઈંઢોણીની બેઠકે ટેકવ્યો હતો. બાઈનું બીજું સ્તન પણ જાણે કે શરીર જોડેના કશા જ કુદરતી સંબંધ વિના કેવળ ગુંદરથી જ ચોડેલી મેલી કોથળી જેવું, બીજી બાજુ લબડતું હતું. ભેખડગઢ થાણાની થાણદાર કચેરીની ચૂનો ઊખડેલી અને અને ઉંદરોએ ગાભા-ગાભા કરી નાખેલી છત જેવું બાઈનું કાપડું હતું. એના ગાભા જાણે કે જીભ કાઢીકાઢીને કહેતા હતા કે એક દિવસ અમેય, ભાઈ, રાતી અટલસના સૂરતી કારીગરોએ ઠાંસીઠાંસી વણેલા ત્રાગડા હતા, એ તો આજે અમારો આવો દિનમાન બની ગયો છે.

બાઈનો ઘાઘરો, ઘૂંટણ ઉપરવટ ખોસેલો, બાઈના ઝટપટ ઊપડતા પગના ઠોંસા ખાતો હતો. ને માથે ઓઢવાનું બાઈને હતું કે નહિ તે તો ખાસ યાદ કરવા બેસવું પડે.

એ ઘાઘરાને અઢાર હાથનો ઘેર હતો, ને એ ઘેર નાગનાથના મેળામાં રાસડાની સાગર-લહેરો લેતો, તે કોઈ પ્રાચીન ભૂતકાળની વાતો - લોકભાષામાં ‘વે’લાની વાતું’ - કહીને યાદ કરી શકાય, ને પ્રખર પુરાતત્ત્વનો વિજ્ઞાની પણ કદી એમ કહેવાની હામ ન ભીડી શકે કે એક વખત નાગનાથને મળે,

દેતા જાજો રે તમે દેતા જાજો !

મારી સગી નણંદના વીરા !

રૂમાલ માલો દેતા જાજો !

- એ રાસડો ગવરાવીને પુરાનપુરના આધેડ કારભારીની પથારીમાં સ્થિતિ પામવા જેટલી આકર્ષક આ વેઠિયાણી કદાપિ હોઈ શકે.

પિનાકીએ જોયું તો પસાયતો પણ બદલાયો હતો. આ નવા પસાયતાએ પોતાની તલવાર ચામડાના પટા વડે ખભા પર નહોતી લટકાવી, પણ પછેડી લપેટીને બગલમાં દબાવી હતી. એનો અવાજ સ્પષ્ટ હતો : “તમારાં ઢેઢુંના તો બરડા જ ફાડી નાખવા જોવે. ઢેઢાં ફાટ્યાં : કોઈ નહિ ને ઢેઢાં ફાટ્યાં !”

“ફાટ્યાં છે - અમારાં લૂગડાં ને અમારાં કાળજાં ! હવે એક આ ચામડાં બાકી રહ્યાં છે, તે ફાડી નાખો, દાદા !” પગના વેગને લીધે હાંફતાં હાંફતાં ટેકા લેતો લેતો એ બાઈનો જવાબ સીમના કલેજામાં કોઈ સજેલી કટાર જેવો ખૂંતતો હતો.

“ચામડાંય ફાટશે - જો એક હાક ભેળાં હવે વાસમાંથી બહાર નહિ નીકળો તો.” પસાયતો પણ ખાસડાં ઘસડતો ઘસડતો એવા જ ઘસડાતા અવાજે બોલતો હતો.

“શું કરીએ, બાપા ? બીજો કોઈ હોત તો નોખી વાત હતી; પણ તમે તો ગામના ગરાશિયા રીયા.”

“બીજાને જવાબ આપો એવાં તમે ઢેઢાં નથી, એટલે જ સરકાર અમને ગામેતીઓને પસાયતું આપે છે ને !”

“તમે તો, આપા આલેક, બધુંય જાણો છો.” બાઈ પોતાનો વિરોધ છોડીને કરુણા ઉત્પન્ન કરવા લાગી : “મેં તો આ મારી છોડીને પેટમાં આઠમો મહિનો હતો તોય મારો વારો ખેંચ્યો રાખ્યો’તો. હું કાંઈ ગોમતી જેવી દગડી ન’તી. એણે તો ચારમે મહિનેથી જ હાડકાં હરામનાં કર્યાં’તાં. એક વાર એક ફુલેસ બદલીએ જાય : એનું બચકું વહેવાનો વારો આવ્યો. ગોમતીએ એની દસ વરસની છોકરીને કાઢી. હવે છોડી તો છે રાંડ ખડમાંકડી જેવી : બે ગાઉ કાંઈ બોજ ખેંચી શકે ? રસ્તામાં મારે પીટ્યે ફુલેસે પણ કાંઈનાં કાંઈ વાનાં કર્યાં. છોડી આજ લગણ કરગઠિયા વીણવા જેવીય નથી થઈ.”

“તમે તો, ઢેઢાં, ફુલેસ પાસે જ પાંસરાં દોર : બંદૂકનો કદો દેખ્યો કે સીધાં સોટા જેવાં !” પછી એણે અવાજ ધીરો પાડીને, પિનાકી ન સાંભળે તેમ ઉમેર્યું : “અમારી ભલમનસાઈને તમે ન માનો...”

“હવે જાવ, જાવ : ગધેડિયું તગડો - ગધેડિયું, આપા !” બાઈ હસી પડી.

આ બધી વાતચીત પિનાકીના ગળા ફરતી કઈ રસીના ગાળિયા જેવી બનતી હતી. એ રસીના બીજે છેડે આ ગામડાનું લોકજીવન બાંધેલું હતું. પિનાકી પોતાને પ્રત્યેક ડગલે આ રસી ખેંચતો હતો, ને લોકજીવન એની પાછળ પાછળ ઘસડાયે આવતું હતું.

અજબ જેવી વાત : આ ચોપડીઓના ને કપડાંના ને પાંચ શેર પેંડાના બોજાને ખેંચતું હાડપિંજર હસતું હતું : ઠેકડી પણ કરી શકતું હતું. બાળકને ધવરાવી રહ્યું હતું. ગામના કાઠી પસાયતાને પોતાના નર્યા હાડચામની લાલચમાં પણ લપેટી રહ્યું હતું.

બીજા ગામના ઢેઢવાડાને ઊંચે ટિંબે ટ્રંક ઉતારીને એ બાઈ બાળક સહિત પાછી વળી નીકળી. અંદરથી કોઈકે સાદ કરી જોયો : “નંદુ, રોટલા ખાતી જા !”

“ના, મામી, આ તો રોજનું થિયું.” કહેતી એ નંદુ ઢેઢડીએ પોતાના ગામને માર્ગે ઝપટ કરી કેમકે એને આપા આલેકની જોડે પાછા વળવાની બીક હતી.

એ ગામના પાદરમાં પિનાકીએ ઘોડી થંભાવી. ગામનો પસાયતો એક ખેડુને અને બે બળદોને લઈ ત્યાં ઊભો હતો.

“રામ રામ, આપા આલેક.”

“રામ.” બેઉ મળ્યા.

“કેમ આંહીં બેઠા છો ?”

“ભાઈ, આ ત્રણેય ઢાંઢાની ચોકી કરું છું.” ગામના પસાયતાએ ખેડુ તથા બળદો બતાવ્યા.

“કાં ?”

“થાણદાર સા’બ નીકળવાના છે, તે આંહીં એના ગાડાની જોડ બદલવાનો હુકમ છે.”

“ક્યારે નીકળશે ?”

“ભગવાન જાણે. કોઈક વાર તો સાંજરે જાતા નીકળે છે.”

“હા, ભાઈ, હા; એ તો એની સગવડે નીકળે !”

“પણ આ ભૂત કાંઈ અમલદારુની બાબસ્તા થોડો સમજે છે ! હજી તો ભળકડે એને આંહીં ઢાંઢાં લઈ ઊભો રાખ્યો છે, તે આટલી વારમાં થાકી ગયો !”

ખેડુએ કહ્યું : “હવે નૂરભાઈ, થાકબાક વળી શીનો ? મારે વાડીમાં રજકો સુકાય છે.”

“તો પછી, બાપા, મોટા સાંગા રાણા, વેઠ્ય કરવા નોખી બળદ જોડ વસાવીએ ! ને કાં તો પછી સરકારમાં લખાણ કરીને વેઠમાંથી કાયમી ફારગતી કરાવી લઈએ !”

“હા, પછેં બીજું તો શું થાય ?” આપા આલેકે પાઘડીમાંથી બીડી શોધવા માંડી. “ક્યાં મરી ગઈ ? ગધાડીની એક હતી ને !” એમ કહીને બીડીને પણ એણે સજીવારોપણ કર્યું.

ત્યાં તો માલિયો ઢેઢ ટ્રંક ઉપાડીને ઢેઢવાડેથી આવતો દેખાયો. ગામ પસાયતાએ કહ્યું : “કાંઈ નહીં, દાખડો કરો મા, આ માલિયા પાસે હશે. એલા, એક બીડી હેઠ ફગાવજે તો. લ્યો, હું છાંટી લઉં.”

સામે અવેડો હતો. છાપવું અંજલિ ભરીને પસાયતો પાણી લઈ આવ્યો. છાંટીને બીડી લઈ લીધી. બે-ચાર ઘૂંટ તાણી લીધા પછી આપા આલેક પાછા વળ્યા; ને પિનાકી માટે નવા પસાયતાની શોધ ચાલી.

૧૫. ખબરદાર રે’નાં

ભદ્રાપુર ગામના કાઠી દરબાર ગોદળ વાળાએ પોતાની બે બાઈઓનાં ખૂનો કર્યાં. ત્રીજી પટારા નીચે પેસી ગઈ તેથી એનો જીવ બચ્યો. દારૂના નશામાં ચકચૂર ગોદડ વાળાને ત્રીજી સ્ત્રી હજુ જીવતી છે એટલી શુદ્ધિ રહી નહિ.

એ મામલાની તપાસ માટે અંગ્રેજ પોલીસ-ઉપરી જાતે ઊતર્યા. તપાસના પ્રારંભમાં જ એણે પોતાના નાગર શિરસ્તેદારને ઑફિસનું કામ છોડાવી બીજા કામ પર ચડાવ્યો. ઑફિસનો કબજો નવા માણસોએ લીધો. જાણે કોઈ દેશનું પ્રધાનમંડળ પલટાવ્યું.

“ગોદડ વાળા ખૂનના મામલામાં ઊંડા ઊતરવા માટે તમારી પાસે કોણકોણ ત્રણ સારા માણસો છે ?” નવા સાહેબે નવા બ્રાહ્મણ શિરસ્તેદારને પૂછ્યું.

શિરસ્તેદારે રજૂ કરેલાં ત્રણ નામોમાં મહીપતરામનું પણ નામ હતુ.ં

ત્રણેય જણાને સાહેબે રૂબરૂ તેડાવ્યા. હિન્દુસ્તાની ભાષા સૌ પહેલી પકડનાર આ પહેલો ગોરો હતો. મૂછના થોભા રાખતો, ઘોડે ચડી કાઠિયાવાડ ઘૂમતો, વગડામાં ખેડૂતોનાં ભાતમાંથી માગીને રોટલા ખાતો, ખેડૂતોની ભંભલીમાંથી પાણી પીતો, ખાઈ-કરીને પછી પોતાને ખવરાવનાર ખેડૂતની ભથવારી વહુ-દીકરીના હાથમાં દસ રૂપિયા મૂકી દેતો.

“સનો : ટુમ ગરીબ લોક.” એણે આ ત્રણેય અમલદારોને કહ્યું : “ટુમ બચરવાલ ! અમ ભી બચરવાલ ! મઢમ સા’બ કો દો બાબાલોગ હય, તીસરા આનેવાલા હય. સુના ?”

અમલદારો પોતાનું હસવું માંડમાંડ ખાળી શક્યા. તેઓએ માથાં ધુણાવ્યાં.

“મગર ટુમ રુશવત નહિ લેનાં, હમ રુશવત નહિ લેનાં. નેકીસેં કામ કરનાં. દરબાર કા લોક બડમાસ. માલૂમ ?”

“હા, સા’બ.”

“ક્યા ‘હા સા’બ’ ! ‘ફૂલ્સ’ (બેવકૂફના સરદારો) !” સાહેબે સિગાર ખંખેરી. “ટુમ ખબરડાર રે’નાં, હમ ખબરડાર રે’નાં. ટુમકો સરકાર રિવોર્ડ (ઇનામ) ડેગા : હંય !”

“અચ્છા, સા’બ.”

“જાઓ, અપને કામ પર લગ જાઓ ! એબાઉટ ટર્ન ! ક્વિક માર્ચ ! ડિસમિસ !”

મહીપતરામે પોતાનું મથક રાજકોટમાં બદલી નાખ્યું. એની બદલી થઈ ત્યારે ભેખડગઢમાં બે-ત્રણ નાના બનાવો બની ગયા : એક તો, દૂધવાળા, શાકવાળા અને ગામનો મોદી અકેક વરસ પૂર્વેની ઉઘરાણીઓ કાઢીને પૈસા માગવા ઊભા થયા. અગાઉ આ ને આ જ મોદીએ વરસોવરસ એમ જ કહ્યા કરેલું કે ‘અરે મે’રબાન, આપના તે પૈસા હોય ! એમાં શી મામલત છે !’

બીજું, ગામના લોકો - ખાસ કરીને ગરાસિયાઓ - કાંઈક પહેરામણી કરશે એવી આશાથી મહીપતરામે બસોએક માણસોને ચા પીવા બોલાવ્યા. પણ એની વિદાય વેળાએ બે-ત્રણ સાકરના પડા અને બે-ત્રણ નાળિયેર સિવાય કશું ઉત્પન્ન ન થયું. ત્રીજું, એણે જે દિવસ સવારે વિદાય લીધી તે દિવસે સાંજે થાણદારે રુદ્રેશ્વરની જગ્યામાં મોટી મહેફિલ રાખી હતી.

આ બધાંનો બદલો એણે પોતાની પત્ની પર ને પોતાના બૂઢા બાપ ઉપર લીધો હોત; પરંતુ આજે તો પોતાની બદલી કોઈક અભ્યુદયનો માર્ગ ઉઘાડનારી હતી, તેથી સ્ટેશન સુધીનો રસ્તો શાંતિથી કપાયો.

પિનાકીને પણ રાજકોટ તેડાવી લેવામાં આવ્યો. છએક મહિના વીતી ગયા હતા. બીજે જ દિવસ રૂખડ વાણિયાની ફાંસીનો દિન મુકરર થયો હતો.

રાજકોટ શહેર તે રાત્રિએ ગુલતાનમાં આવી ગયું હતું, કેમ કે તે દિવસોમાં ફાંસી જાહેરમાં અપાતી. ગુનેગારનું મોત તો એક મોટા મેળાનો અવસર ઊભો કરતું.

“કાં, બૂંગિયો ઢોલ સાંભળ્યો ને ?” પાન-બીડીની દુકાનવાળો ચાંદમિયાંને એક પૈસાનું મસાલેદાર બીડું કરી આપતો આપતો પૂછતો હતો. એના કાનમાંથી અત્તરનું પૂમડું મહેક-મહેક દેતું દેતું પાનના શોખીનોને ખુશબોનાં ઈજન આપતું હતું.

ચાંદમિયાંએ કહ્યું : “હા, યાર, અબ તો યે છેલ્લી-છેલ્લી ફાંસી દેખ લેવે.”

“કેમ છેલ્લી ?”

“બાતાં ચાલતી હૈ કે અબ તો ફાંસી જેલ કી અંદર જ દેનેવાલી.”

“હા, કેટલાય ડરપોક જોનારાંઓની આંખે તમ્મર આવી જાય છે.”

“તો એસે નામરદોં કુ ઉધર આના નહિ ચાઈએ. લેકિન જાહેર ફાંસી તો આદમી કી મર્દાઈ કુ માપનેવાલી હૈ.”

પાનની પટ્ટી તૈયાર થઈ ગઈ હતી. તે ચાવતો ચાવતો મિયાં ચાંદભાઈ પોતાના દોસ્તોને ખબર આપવા ચાલ્યો.

નાના છોકરા વહેલે મળસકે ઊઠીને એકબીજાને જગાડવા જવાની તૈયારી કરતા હતા. પગે ન ચાલી શકે તેવા પ્રજાજનો ઘોડાગાડીઓની વરધી દેતા હતા.

“ખબરદાર, ભાણાને જવા દેશો નહિ.” એવુ ંકહી મહીપતરામ આગલી સાંજે ભદ્રાપુરના મામલાની તપાસે ઊપડી ગયા હતા.

પિનાકી સવારે છાનોમાનો બહાર નીકળી ગયો, ને લોકોના ટોળામાં સામેલ થયો.

આગળ પોલીસ : પાછળ પોલીસ : ડાબી ને જમણી બાજુ બેઉ બાજુએ પણ પોલીસ. પોલીસોની બંદૂકો ઉપર સંગીનો ચકચકતાં હતાં. ઘોડા પર સવારી કરીને આગળ ચાલનાર પોલીસ અમલદાર અવારનવાર હુકમો છોડતો જતો હતો. લોકોનાં ધસી પડતાં ટોળાંને હટાવવા માટે બજારની પોલીસ પોતાના ચાબુકવાળા ધોકા વીંઝતી હતી.

પોલીસોના ચોથરા બંદોબસ્ત વચ્ચે એક ગાડું ચાલતું હતું. ચોમાસામાં ધોવાઈ ધોવાઈ બહાર નીકળેલા પથ્થરો એ ગાડાંને પોતાના માથા પર ચડાવી ચડાવી પાછા નીચે પછાડતા હતા.

ગાડામાં બે માણસ બેઠા હતા. બેઉના હાથ હાથકડીમાં જકડેલા હતા. બેઉ પગોમાં પણ બેડી પહેરાવી હતી.

એક છોકરો પિનાકીની બાજુમાં ચાલ્યો આવતો હતો. તેણે કહ્યું : “શાબાશ : જોયો અમારો સુમારિયો ! જોયું - મૂછોને કેવો વળ ચડાવી રહ્યો છે !”

પિનાકી જોતો હતો કે બેમાંનો એક કેદી પોતાના કડી જડેલા બે હાથને નવરા, નકામા ન રાખતાં પોતાની લાંબી મૂછોને બેઉ બાજુએ વળ ચડાવતો હતો. ને બબે તસુ મૂછ તો એના પંજાના બેવડમાંથી બહાર ડોકિયાં કરતી હતી. પિનાકીને યાદ આવ્યું કે પૂજામાં બેસતાં દાતા બરાબર આવી જ રીતે રૂને વળ દઈ દેવની દીવી માટે વાટો વણતા હોય છે.

“જોયું ?” પેલા છોકરાએ ફરીથી કહ્યું : “આજ જ નહિ હો, પણ દરરોજ એને કોર્ટમાં લઈ જતા ને, ત્યારે રસ્તે ગાડામાં બેઠોબેઠો અમારો સુમારિયો દોસ્ત, બસ, આમ મૂછો જ વણ્યા કરતો. આજ મરવા જાય છે તો પણ મૂછો વણવી છોડતો નથી.”

“તમારો સુમારિયો ?” પિનાકીએ વધુ નીરખવા માટે પોલીસોની નજીક ને નજીક ભીંસાતે ભીંસાતે પૂછ્યું.

“હા,” બીજો છોકરો ધીમેથી બોલ્યો : “અમે રોજરોજ એના ગાડાની પાછળ ચાલતા.”

“ને એ અમને રોજ રામરામ કરતો. ‘શું ભણો છો ?’ એમ પૂછતો. ‘કાંઈક કવિતા સંભળાવો ને !’ એમ પણ કહેતો.”

“અમે પૂછતા કે મૂછો કેમ વણો છો ? તો કહે કે ‘બાંધેલા હાથ બીજું શું કરી શકે ? - મરદો તો મૂછો જ વણે ને !”

ત્યારે પિનાકીએ કહ્યું : “આ બીજા છે ને, તે અમારા રૂખડ શેઠ છે.”

“તારા શી રીતે ?”

“હું એને ઘેર રાત રહેલો, એની ઘોડી પર ચડેલો, ને એણે મને ઘોડી પર ખૂબખૂબ બેસાડવા વચન આપેલું.”

આ શબ્દો પિનાકી કંઈક વધુ પડતા અવાજે બોલી ગયો. એના અવાજે ગાડામાંથી બીજા કેદીની આંખોને ઊંચી કરાવી. બેઉ આંખોએ એ અવાજને શોધી કાઢ્યો. પિનાકીને જોઈ રૂખડ કેદી સહેજ હસ્યો. એણે બેડીબંધ હાથના જોડેલા પંજા પિનાકી તરફ ઊંચા કર્યા. પિનાકી પોલીસ-પહેરાનું ભાન ભૂલી ગયો ને રૂખડ શેઠને રામરામ કરવા ગાડાની નજીક ધસ્યો. પહેરેગીરોએ એને પાછો ધકેલ્યો. અને પછવાડેથી કોઈકે ઝીલી ન લીધો હોત તો એ નીચે પટકાઈને થોકથોક ઊભરાતાં લોક-વૃંદના પગમાં હડફેટે ચડ્યો હોત.

નીચે પડી ગયેલી ટોપીને એ શોધે તે પહેલાં તો એનું ધ્યાન એને ઝીલનાર હાથ પર ચોંટ્યું. એ બેઉ હાથનાં કાંડાં બંગડીઓથી ભરપૂર હતાં.

નિસરણીનાં પગથિયાં સમી એ બંગડીઓ પર થઈને પિનાકીની નજર દોટમદોટ પોતાને ઝીલનાર માનવીના મોં પર પહોંચી ગઈ, ને એ મોં બોલી ઊઠ્યું : “ભાણાભાઈ, તમે આંહીં છો ?”

એ મોં રૂખડ શેઠની સિપારણ સ્ત્રીનું હતું. એને જોતાંની વાર પ્રથમ તો પિનાકી સ્તબ્ધ બન્યો : પગથી માથા સુધી નવોનકોર પોશાક : ભરપૂર ઘરેણાં : અત્તરની સુગંધ મઘમઘે. પોતાના ધણીને ફાંસી થવાની છે તે સમયે આ ઓરત આટલો ભભકો કરીને કાં આવી હશે ?

પછી તો પિનાકીના ખભા પર હાથ મૂકીને જ એ ઓરત ચાલવા લાગી. રસ્તામાં વખતોવખત એણે પડકાર કરી કહ્યું : “હોશિયાર રે’જો ! ખબરદાર રે’જો ! માલિકનું નામ લેજો, હો ખાવંદ !”

એ પ્રત્યેક પડકાર લોકમેદનીને કઈ મસીદ પરથી ઊઠતી બાંગના પુકાર સમો જણાતો. ટોળું ચુપકીદી ધારણ કરતું. પડકાર દેનારી ઓરતની આજુબાજુ માર્ગ પહોળો બની જતો. પોલીસોની કરડાકી ઓસરી જતી. સિપાઈઓ પોતે કોઈક ઘોર નામોશીનું કૃત્‌ કરવા જઈ રહ્યા હોય તેવા શ્યામ ચહેરા કરી, ભોંય પર નજર ખુતાડીને ચાલતા હતા.

ને સુમારિયો કેદી તો, બસ, મૂછોને વળ ચડાવ્યા જ કરતો રહ્યો. લોકોના ટોળામાંથી છાનીમાની હાકલો પડતી જ રહી - ‘દોસ્ત સુમારિયા ! શાબાશ, દોસ્ત સુમારિયા !’ હાકલ સાંભળતો સુમારિયો બે હાથના પંજા વચ્ચે મૂછના વાળનું વણાટકામ વધુ જોશથી ચલાવતો હતો. એના ખોંખારા અને એનો કસબ એની બાજુમાં શાંત બેઠેલ કેદી રૂખડના મોં પર પણ મલકાટ ઉપજાવતા હતા.

મામાના ખીજડા પાસે ઊપસેલી ધરતી હતી. લોકો એને ‘ખપ્પર ટેકરી’ કહેતા. એ ધરતી પર ફાંસીના માચડા ખડા થયા હતા. માચડાને ફરતી ઘોડેસવારોની તેમ જ પાયદળ-પોલીસની સાતથરી ચોકી હતી. એ ચોકીની બહાર ચોફરતું લોકોનું ટોળું હતું. આસપાસનાં ઝાડોને જાણે કે પાંદડે પાંદડે માનવી ફૂટ્યાં હતાં. પણ માચડા પાસે શું શું બન્યું તેનો સાક્ષી રહેનાર પિનાકી પેલી ઓરતની જોડે જ છેલ્લી વિધિઓના સમયમાં નજીક ઊભો હતો.

સરકારી હાકેમે રૂખડ કેદીને પૂછ્યું : “તારી કાંઈ આખરી ઇચ્છા છે ?”

“હા, એક વાર મારી ઓરતને મળી લેવાની.”

રજા આપવામાં આવી. સિપારણ ઓરત નજીક આવી. કેદી એની સામે જોઈ રહ્યો. ઓરતે કહ્યું : “ધરાઈ ધરાઈને જોઈ લેજો, હો કે !”

કેદીએ કલેજા ઉપર હાથ મૂકીને સમજાવ્યું કે તૃપ્ત થઈ ચૂક્યો છું.

“મસ્તાન રે’જો.” ઓરતે ભલામણ કરી.

કેદીએ બે પગલાં આગળ ભર્યાં, ધીમેથી કહ્યું : “તું... તું...”

“કહો, કહો : શું છે ?”

“તું દુઃખી થાતી નહિ.”

“એટલે ?”

“તું ફરીને તને ફાવે ત્યાં...”

સિપારણની આંખોમાં પહેલીવાર આંસુ દેખાયાં. એણે આંખો મીંચીને જ પોતાને કલેજે હાથના પંજા ચાંપી લીધા.

“બોલ્યું-ચાલ્યું માફ કરજો...” કહીને કેદી ફરી ગયો.

“ભાઈ સુમારિયા ! તારે કાંઈ મન છે ?” હાકેમે બીજા કેદીને પૂછ્યું.

“હા, સા’બ.” કહીને એ માચડા પર ચડ્યો અને પછી એણે ગીત લલકાર્યું :

અરે, શું માનવનો અભિમાન

પલકમાં પડી જશે રે.

જૂના સમયમાં ભજવાતા ‘વીણાવેલી’ નામના નાટકનું ગાયન દસ જમાનાં ખૂન કરનારો સુમારિયો કેદી ફાંસીના માચડા પરથી એટલા બુલંદ સૂરે બોલ્યો કે સાતથરી ચોકીની બહારના પ્રેક્ષકોના કૂંડાળાએ પણ એ ગીત સાંભળ્યું.

ગીત પૂરું કરીને તરત જ એણે કહ્યું : “હવે લાવો, સા’બ, ટોપી.”

કાળી ટોપી પહેરાવી. ગળામાં રસી ગોઠવાઈ. હજુ તો મુકાદમ પાટિયું પાડવા જાય છે, ત્યાં તો સુમારિયો મિયાણો પાટિયાની બહાર છલાંગ મારી ટિંગાઈ પડ્યો.

રૂખડ કેદીને જ્યારે કાળી ટોપી પહેરાવી ત્યારે અને તે પછી પાટિયું પડ્યું ત્યાં સુધી ‘હોશિયાર રે’જો !’, ‘ખબરદાર રે’ના !’ - એવા સુકોમળ વીરતાથી ભરેલા સ્વરો ઊઠ્યા.

થોડીક જ વાર તરફડીને બંને લાશો ઝૂલવા લાગી. દૂરદૂરથી એ ઝૂલણગતિને જ જોઈ કેટલાકોએ મૂર્છા ખાધી.

બંનેનાં શબોને અવલમંજલ પહોંચાડવા સરકારી પોલીસના હેડક્વાર્ટર્સમાંથી જ સિપાઈઓ આવ્યા. સુમારિયાને દફનાવીને પાછા સહુ રૂખડ શેઠની ચિતા પાસે બેઠા.

એ ચિતામાં રૂખડ શેઠની સિપારણ ઓરતના શણગારો પણ સળગતા હતા. સિપારણ પોતે પગથી માથા સુધી કાળા લેબાસે દૂર એકલી બેઠી હતી. એ કાળાં કપડાંને પોતે ઉપલા સોહાગી શણગારની નીચે જ અંગ પર છુપાવ્યાં હતાં.

૧૬. મીઠો પુલાવ

બનાવો ઝડપથી બનતા જતા હતા. અષાઢ-શ્રાવણનાં વાદળાંને રમાડતી લીલા જેવી એ ઝડપ હતી. ભદ્રાપુરના દરબાર ગોદડને એના ગઢમાંથી કોઈ જીવતો ઝાલી શકે તેવી સ્થિતિ નહોતી રહી. સરકારની આજ્ઞા એના ઉપર કેસ ચલાવીને એને જીવતો કેદ કરવાની હતી. એજન્સીનો કારભાર બેસતી અવસ્થાનો હતો. રાજાઓને એક ઝપાટે સાફ કરી નાખવાની એની ગણતરી નહોતી. એને તો લાંબી અને બહુરંગી લીલા રમવી હતી. વૉકર સાહેબના અટપટા કોલ-કરારો એજન્સીના હાકેમોને ડગલે ને પગલે ગૂંચ પડાવતા હતા.

જે જાય તેને તમંચા વડે ઠાર મારવાનો તોર પકડીને ભદ્રાપુરનો ગોદડ દરબાર બેઠો હતો. એને જીવતો ઝાલવા માટે જાનનું જોખમ ઉઠાવે એવા એક માનવી ઉપર એજન્સીના ગોરા પોલીસ-ઉપરીની નજર પડી : સાત વર્ષની સજામાંથી છૂટીને એક ભાવર બહાર આવ્યો હતો. અમલદારે એ ભાવરની જોડે ગિરનારના બોરિયા ગાળામાં મુલાકાત ગોઠવી. જોડે મહીપતરામ હાજર રહ્યા.

ભાવર અંબાઈ રંગનાં ઈજાર અને પહેરણ પહેરીને પથ્થર પર બેઠો હતો. એની આંખોમાં સિંહ-દીપડાનાં લોચનની લાલાશ હતી. સાહેબે પૂછ્યું : “સાત વરસ પર કાંથડ કામદારને ગામની બજારમાં ઝાટકા કોણે મારેલા ?”

“અમે.”

“દરબાર એ ખૂનમાં સામેલ હતા તે વાત ખોટી ?”

“તે દિવસે કોર્ટમાં ખોટી હતી, આજે સાચી છે.”

“એ ખૂન તમે જ ત્રણ જણાએ માથે લઈ લીધાં તેનું શું કારણ ?”

“દરબારને બચાવવા હતા.”

“એનો બદલો દરબાર તમને શું દેવાના હતા ?”

“અમને ફાંસી થાય તો અમારાં બાલબચ્ચાંને પાળત.”

“કેવાંક પાળ્યાં તે તો તેં જોઈ લીધું ને !”

ભાવરે કશો જવાબ ન આપ્યો, પણ તેની લાલ આંખો વધુ લાલ બની, પછી એ આંખોમાં ઝળઝળિયાં ભરાયાં. એ આંસુના પડદા ઉપર એને એક તમાશો દેખાતો હતો... એની પચીસેક વર્ષની જુવાન ઓરત ઝુલેખા ઘરમાં મીઠા પુલાવની હાંડી પકાવતી બેઠી છે : દીકરાની સાત વર્ષની ગેરહાજરી દરમિયાન માતાપિતા પોતાના અન્નદાતા દરબારને પોતાને ઘેર પરોણલા નોતરે છે : પુલાવ જમતાં જમતાં દરબાર રાંધણાની મીઠપને વખાણે છે : “એ મીઠપ તો, બાપુ, તમારીદીકરીના હાથની છે.” ને એ મીઠપના ઝરા - એ બે હાથ - દરબારની નજરે પડે છે : ઝુલેખાનું મોઢુંય દરબારી આંખોની હડફેટમાં આવી જાય છે : ઝુલેખાને દરબાર પોતાની કરી લે છે : માબાપ પુલાવની હાંડીનાં કાછલાં કરીને દરબારની હદ છોડી ભાગે છે : કેદમાં પડ્યોપડ્યો ભાવર ઝુલેખાના ઝળકતા તકદીરની કથા સાંભળે છે : ને છૂટીને પહેલું કામ શું કરવું તેનો નિશ્ચય ભાવર પોતાની હાથકડી ઉપર ઠીકરું ઘસીને નોંધી લે છે.

“હવે ?” મહીપતરામે કહ્યું : “નામર્દ થઈને રોવું છે ? - કે દરબારનો હિસાબ ચોખ્ખો કરવો છે ? તારું કોઈ નામ ન લે : સાહેબ બહાદુરનું વચન છે.”

સાહેબે આ વચનના પાલનની કબૂલાત સૂચવતો પોતાનો પંજો ભાવર તરફ લંબાવ્યો.

ભાવરે જવાબ આપ્યો : “સાહેબ, હવે તો મોડું થઈ ગયું. મારો હિસાબ પતી ગયો.”

“કેમ ?”

“આજ સવારે જ દરબાર તરફથી સંદેશો હતો, ને સમાધાનીનાં નાણાં હતાં.”

“કેટલાં ?”

“એ તો મને ખબર નથી; સાહેબ, હું ભાડખાયો નથી.”

“તેં નાણાં ન લીધાં ?”

“ના, એણે મારી માફી માગી. થવાનું હતું તે થઈ ગયું. મારે એટલું જ બસ છે.”

“ને તારી બાયડી રાખીને બેઠા છે તેનું શું ?”

“મેં બધુંય જાણ્યું છે, સાહેબ. એને ગમ્યું ને એ ગઈ છે. એને અને મારે જમીન-આસમાનનું અંતર પડ્યું.”

“એટલે તેં વેર મૂકી દીધું ?”

“તમંચો ચોરીને લાવ્યો’તો, તેને આજ બપોરે જ ઓલ્યા ભાડિયા કૂવામાં નાખી દીધો છે, સાહેબ.”

એટલું કહીને ભાવર ઊઠ્યો.

“ત્યારે હવે તું શું કરીશ ?” સાહેબે ભાવરને પૂછ્યું.

“મારાં માવતર ભેગો જઈને ખેડ કરીશ, લાકડાં વાઢીશને ભારી વેચીશ. કંઈક ધંધો તો કરીશ જ ને !”

સાહેબે એના તરફ હાથ લંબાવીને કશુંક આપવા ધાર્યું. “લો, યે લે કર તુમારા ધંધા કરો.”

એ એક પડીકું હતું. ઉપર રૂપિયાનાં ગોળ ચગદાંની છાપ પડી હતી. ભાવરે છેટેથી જ સલામ કરી.

“માફી માગું છું.”

“કેમ ?”

“ધંધો કરવાનો છું તે તો બાકીની જિંદગાની ખેંચી કાઢવા માટે - તાલેવર થવા માટે નહિ, સાહેબ.”

“લો, લો, બેવકૂફ !” સાહેબે જિદ્દ પકડી.

“સાહેબ બહાદુરની બડી મહેરબાની. હું તો હવે ખાઈ ખૂટ્યો છું.” કહીને ભાવર અંબાઈ રંગની પછેડીને છેડે આંખો લૂછતો બહાર નીકળ્યો. મહીપતરામ એને વળાવવા ગયા.

જુવાન ભાવરે આંખો લૂછતે લૂછતે કહ્યું : “એક મહેરબાની માગું ?”

આ માગણીથી મહીપતરામ રાજી થયા. એણે જુવાનની પીઠ ઉપર પ્રેમભર્યો હાથ મૂક્યો, ને કહ્યું : “બેટા, આમ જો : હુંય તારી જ જાતનો છું : સિપાઈ છું. જનોઈ તો મારું જૂનું બરદામું છે. તું ડરીશ ના. તું ને હું બેય સિપાહીઓ.”

“તો જે દી તમે દરબારને ઝાલો, તે દી ફક્ત એટલું જ કરજો : મારી... મારી ઝુલેખાને કોઈનું નામ આપ્યા વિના પૂછી જોજો, કે એ જ્યાં છે ત્યાં સુખી તો છે ને ?”

મહીપતરામ થોડી વારે હસ્યા, ને એણે ભાવર જુવાનને પૂછ્યું : “તું તો કહેતો હતો ને કે તારે ને એને હવે જમીન-આસમાનનું છેટું થઈ પડ્યું ?”

“કહેતો’તો ખરો, પણ સાહેબ, વળી વખતે માયલી કોરથી જેમ કોઈ વાયુનો ગોળો ચડતો હોય ને, તેમ એ બધું યાદ ચડે છે.”

“તારે એનાં સુખ-દુખઃના ખબર જાણવા છે ને ? જા, છોકરા; આઠમે દિવસે આવજે. હું પોતે જઈને ખબર કાઢી ન આવું તો હું બ્રાહ્મણના પેટનો નહિ.”

એમ કહીને એણે પોતાના મુકામનું ઠામઠેકાણું આપ્યું. ભાવરે મહીપતરામના પગ ઝાલી લીધા.

“ઊઠ.” મહીપતરામે એને ઊભો કર્યો. “મરદ બની જા. ને ખેતીબેતી કે મજૂરીધંધો તું હવે કરી રહ્યો. મારું માને તો જાજે ગાયકવાડની પલટનમાં, ધારી ગામે; ને નોકરી માગી લેજે. નીકર આ ઝાવડેઝાવડાં ને આ ભદ્રાપરની સીમના ડુંગરેડુંગરા દિવસ-રાત તને એ-ના એ જ અજંપા કરાવશે, ગાંડિયા !”

૧૭. સાહેબના મનોરથો

ખૂબખૂબ ભાવરની પીઠ થાબડીને મહીપતરામે તેને ડુંગરા બહાર વળાવ્યો, ને પછી પોતે પણ સાહેબની જોડે ઘોડેસવાર બન્યા.

સૂરજે પોતાના ઘોડલાની રાશ ગગનમાં ઢીલી મૂકી હતી. અધ્ધર આભના શૂન્યમાં ફરતાં એના રથ-પૈડાંની ને ઘોડાના ડાબલાની અબોલ ગતિ ચાલતી હતી. રેવતાચળના ગળા ફરતા વાદળીઓના વણેલા ખેસ વીંટળાતા હતા. ગરવો ગિરિ સોરઠની ધરા ઉપર ગાદીએ બેઠેલા મોટા મહાજન જેવો - નગરશેઠ જેવો - દેખાતો હતો.

“મહીપટરામ !” સાહેબે પોતાની પાછળ પાછળ ઘોડો હાંક્યે આવતા અધિકારીને દમામભેર હાક દીધી.

મહીપતરામે ઘોડો નજીક લઈને પૂછ્યું : “સાહેબ બહાદુર !”

“હું વિચાર કરું છું.” સાહેબે હિન્દીમાં વાર્તાલાપ કરવા માંડ્યો.

“ફરમાવો.”

“અજબ જેવી છે આ કાઠિયાવાડી કોમો. હું એ ભાવર જુવાનનો વિચાર કરું છું. હું ફાંસી પર લટકેલ સુમારિયાને ને રૂખડનો વિચાર કરું છું. સચ ફાઈન ટાઈપ્સ ઑફ શિવલ્‌રી ફાસ્ટ ડિકેઈંગ : હાં ?”

સાહેબ વીસરી ગયા કે મહીપતરામને અંગ્રેજીનું જ્ઞાન સાહેબની સિગારેટના ગોટામાંથી પેટમાં ખેંચવા પડતા ધુમાડાના જેટલું પણ નહોતું.

“કેમ બોલતો નથી તું ?” સાહેબે રોષ કરીને મહીપતરામ તરફ જોયું.

મહીપતરામ કહેવા લાગ્યા : “સાહેબ બહાદુર, આઈ ડોન્ટ નો ઈંગ્લિશ (હું અંગ્રેજી નથી જાણતો).”

“ઓહો !” સાહેબ હસી પડ્યા. “હમ ભૂલ ગયા, બાબા ! બેગ યોર પાર્ડન (દરગુજર ચાહું છું) !”

પછી સાહેબે પોતાના કથનનું ભાષાંતર કરી સંભળાવ્યું : “અફસોસ ! આ નેકબહાદુર લોકનો નાશ થતો જાય છે, મહીપતરામ ! હું હિંદી સૈન્યમાં મોટો અફસર હોઉં, તો એક સોરઠી રેજિમેન્ટ બનાવવાનો સવાલ ઉઠાવું : કોઈ એક કોમની નહિ, પણ તમામ સોરઠની રેજિમેન્ટ.”

“સાહેબ બહાદુર જરૂર મોટા લશઅકરી હોદ્દા પર જવાના.”

“ઐસા ?” સાહેબનુ ંમોં ફળફળતા ભાતની તપેલી જેવું હરખાયું.

“જી હા, મારા બાપ જૂના જ્યોતિષી છે. એમણે મને કહ્યું છે કે સાહેબ બહાદુર આંહીંથી ઘણા મોટા હોદ્દા પર જવાના.”

જ્યોતિષની આગાહી જાણીને ગોરો સાહેબ ટટ્ટાર થઈ ગયો. લોખંડી અણીવાળા, ઘૂંટણ સુધીના બૂટ ઘોડાનાં પેગડાંમાં ચાંપીને પોતે જીન પર ખડો થયો. ઘોડાએ દોટ દીધી. પછવાડે મહીપતરામની ઘોડી, કોઈ ગરાશિયાની માગેલી, વારકુ ચાલ્યમાં નટવીની માફક નાચતી ચાલી.

સાહેબે પોતાના મુકામ એજન્સી-થાણાના એક ગામની વાડીમાં વડલાને છાંયે કર્યો હતો. એક નાનો તંબુ ને નાની રાવટી - સાહેબનો મુકામ - તે દિવસોમાં નાનાંમોટાં લોકોનું મન હરનાર બની ગયાં હતાં.

રાવટી પર આવી ઘોડેથી ઊતરતાં જ સાહેબે થોડે દૂર લોકોનાં ટોળાં જોયાં. અરજદારોને બોલાવવામાં આવ્યાં. એક તો ‘ધૂપ પીપળા’ની જગ્યાનો બાવો હતો. તેણે અરજ ગુજારી : “અમારા થાનકની જગ્યા ફરતા પાંચ-પાંચ ગાઉમાં કોઈ શિકાર નથી થાતો. માટે સાહેબ બહાદુરને વિનંતી કરવાની કે કાલ હરણકું માર્યું તેનું પ્રાછત કરે, એટલે સાહેબનાં બાળબચ્ચાં ગુરુદત્ત અખંડ આયખું બક્ષશે.”

બીજા ગામના વાણિયા હતા. તેમણે હાથ જોડીને વિનંતી ગુજારી : “કૂતરાંને ઝેરનાં પડીકાં ખવરાવીને આજ ગામના થાણા પોલીસે અમારી લાજઆબરૂ લીધી છે.”

“ઓ ! કુત્તા - કુત્તા કો મારેંગા; હમ હુકમ દેકર મારેંગા. ક્યું નહિ મારેંગા ! રૅબિડ (હડકાયા) હો જાતા તબ કુત્તા સબકો કાટતા. તબ તુમ માજન લોગ ક્યા કરતા ! ગાય કો કાટતા, બેલ કો કાટતા, ઓરત કો કાટતા, બચ્ચા કો કાટતા : હંય ? તબ તુમ ક્યા કરતા : હંય ?”

“ઈ ઠીક ! સાહેબ બહાદુરનું કહેવું સોળ વાલ ને એક રતી છે.” મહાજનના આગેવાન દસેય આંગળીએ વેઢ પહેરેલા પંજા પહોળા કરતા કરતા બોલતા હતા, “પણ આ તો ધરમની વાત છે, સાહેબ.”

“નહિ નહિ, ઢરમ નહિ.” સાહેબે ટોપો પછાડ્યો, એટલે વણિકો બે ડગલાં પછવાડે હટી ગયા, ને સાહેબે કહ્યું : “જાઓ.”

સાહેબે બાવાને કહ્યું : “ઑલ રાઇટ ! હમ અફસોસ કરતા હે. માલૂમ નહિ થા. અબ શિકાર નહિ કરેંગે, યોર હોલીનેસ !”

ધૂમ પીપળાના બાવાએ ‘અહા...લેક... તેરે બાલબચ્ચે કો ગુરુદત્ત આબાદ રખે ! તેરા રાજ અમર તપે !’ વગેરે શબ્દોના મંત્ર-રટણની સાથોસાથ પોતાની પાસેના ઝગતા ધૂપિયા ઉપર ધૂપની ભૂકી ભભરાવી સાહેબના મોં સુધી ધૂપિયું ફેરવ્યું. બે હાથ વતી ધૂપ લેવાની વિધિથી સાહેબ બિનમાહિતગાર હોઈ આ ક્રિયા જોઈ ડર પામ્યા. ત્યાં તો મહીપતરામે સાહેબની આગળ આવી ધૂપ લઈ બાવાજીને વિદાય કર્યા. ‘જે હો ! ગોરે કા રાજ કા જે હો !’ એવી બાંગો દેતો દેતો, કમ્મરે બાંધેલ દોરડામાંથી લટકતા પાંચેક ટોકરાના ઘમકાર કરતો ચાલ્યો જતો બાવો છેક ગામઝાંપા સુખી સંભળાયો.

એ બધાંને પતાવી લીધા પછી સાહેબે છેટે એક કાળા પોશાકવાળી ઓરતને દેખી. ઓરતના મોં પર એક બાજુ લાજનો ઘૂમટો હતો. એની પાસે એક પંદર વર્ષનો છોકરો ઊભો હતો.

“કોણ છે ? શું છે ? ઇધર લાવ.” સાહેબે સાદ કર્યો. ને મહીપતરામે નજીક આવતા તેને ઓળખ્યો. એ તો પિનાકી હતો.

મહીપતરામે ધીરેથી કહ્યું : “તું આંહીં ક્યાંથી ?શું છે આ કાગળમાં ?”

પિનાકીએ એ ઘૂમટાવાળી બાઈના હાથમાંથી કાગળ લઈને શિરસ્તેદારને આપ્યો.

શિરસ્તેદારે કાગળ ફોડી વાંચ્યો. ભાંગીતૂટી શિખાઉ અંગ્રેજીમાં લખેલી એ અરજી હતી. નીચે અંગૂઠાની છાપ હતી. છાપ નીચે અંગ્રેજીમાં લખ્યું હતું કે ‘ફાંસીએ ચડનાર શેઠ રૂખડની વિધવા ઓરત ફાતમાબાઈ.’

૧૮. રૂખડની વિધવા

“શેઠ રૂખડની વિધવા ફાતમા ?” શિરસ્તેદારે આ સમસ્યાનો ઉકેલ કરવા મહેનત લેવા માંડી હતી, એ તો પિનાકીએ શિરસ્તેદારના કપાળ પર સળગતી કરચલીઓ જોઈને કલ્પી લીધું.

અરજીમાં એવી મતલબનું લખ્યું હતું કે ‘હું મરનાર રૂખડ શેઠની ઓરત છું. એનો ઘર-સંસાર મેં દસ વર્ષ સુધી ચલાવ્યો છે, છતાં મને આજે શા માટે એની માલમિલકત તેમ જ જાગીરોનો કબજો-ભોગવટો કરવા દેવાની ના પાડવામાં આવે છે ?’ વગેરે વગેરે.

“આ તો ઓલ્યા રૂખડિયાની રાંડ ને ?” શિરસ્તેદારે મહીપતરામને પૂછી જોયું. પ્રશ્નમાં તિરસ્કાર ભર્યો હતો.

‘રાંડ’ શબ્દ મહીપતરામ પણ સો-સો વાર વાપરતા હતા. એમણે હા પાડી.

પિનાકી લાલપીળો થઈ ગયો. એના હોઠ ફફડવા લાગ્યા : “મોટા બાપુજી ! તમે - તમે -”

“ચૂપ મર.” મહીપતરામે પિનાકીને દબડાવ્યો : “આને આંહીં કોણ તુ ંજ લઈ આવ્યો કે ?”

“હા; એને બીજું કોણ લઈ આવે ?”

“નાલાયક !” મહીપતરામે ડોળા ફાડ્યા. “ભણી ઊતર્યો એટલે પરદુઃખભંજક થઈ ગયો !”

શિરસ્તેદારે રાવટીમાં જઈ સાહેબને અરજીનો કાગળ આપ્યો; અને અરજદારને ‘ફાંસી ખાનાર રૂખડ વાણિયાની વંઠેલ રાંડ’ તરીકે ઓળખાવી.

‘રૂખડ !’ સાહેબના કાન ચમક્યા. એ ખૂની વાણિયાની ઓરત હોવાનો દાવો કરનાર એક વટલેલી સિપારણને જોવાનું સાહેબના હૃદયમાં કુતૂહલ જાગ્યું.

“સાહેબ, પોલીસ ખાતાનો આ કિસ્સો નથી. ઓરતે રેવન્યૂ ખાતે જવું જોઈએ.”

“છતાં, મારે એને મળવું છે.”

સાહેબ રાવટીની બહાર આવ્યા. કાળા ઓઢણાની લાજના ઘૂમટા પછવાડે એણે કદાવર નારીદેહ દીઠો. મહીપતરામની પણ સૌ પહેલી નજર આ બાઈ ઉપર તે દિવસે જ પડી. ને એને પોતાની મરતી પુત્રીનું એ ચિંતાભરી સાંજનું સ્મરણ થયું. સ્મરણ થતાં જ મહીપતરામની મુખરેખાઓ સખ્પ્તાઈના મરોડ છોડવા લાગી.

આ ઓરતના દેહ ઉપર વૈધવ્યના વેશ જોયા. ચૂડીઓ બંગડીઓ વિનાના અડવા હાથનાં કાંડાં તેમજ પંજા ક્ષીણ થયા હતા. જાણે એને કોઈક તાજી કબરમાંથી કફન સોતી ખડી કરવામાં આવેલી હોય તેવું ભાસતું હતું.

“કેમ કંઈ બોલતી નથી ? મોં ઢાંકીને કેમ ઊભી છે ?” સાહેબે શિરસ્તેદારને પૂછ્યું. શિરસ્તેદારે જવાબ આપ્યો : “એ તો વિધવાનો વેશ પાળતી હોવાનો દેખાવ કરી રહી છે.”

“એને કહો કે પ્રાંતના સાહેબ પાસે જાય.”

બાઈએ ઘૂંઘટમાંથી કહ્યું : “કોની પાસે જાઉં ? હું કોઈને નથી ઓળખતી. બધા મારી મશ્કરી કરે છે. હું તો આ ભાણાભાઈ મને લાવ્યા તેથી મહીપતરામ બાપુ પાસે આવી છું.”

“આ છોકરો કોણ છે ?” સાહેબે પ્રશ્ન કર્યો.

મહીપતરામ જવાબ ન આપી શક્યા. પિનાકીએ જ કહ્યું : “એક વિદ્યાર્થી.”

“તારે ને એને શો સંબંધ છે ?”

“એણે મારી બાને મરતી બચાવેલી.”

તે પછી તો આખો સંબંધ ત્યાં પ્રગટ થયો.

પોલીસના સાહેબે પોલિટિકલ એજન્ટ પર એક ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠીઓનો એ જમાનો હતો. કાયદા અને ઈન્સાફ ચિઠ્ઠીઓની પાસે કમજોર બનતા.

વિધવાએ દૂર એક ઝાડ છાંયે એક માણસને ઘોડું દોરીને ઊભેલો દીઠો. ઘોડીની હણહણાટી સ્વજનના બોલડા જેવી ઓળખીતી લાગી.

“લ્યો, ભાણાભાઈ,” વિધવાએ કહ્યું : “તમારા કોડ અધૂરા હતા ને ?”

“શેના, મામી ?” પિનાકીએ આ સિપારણને માટે સગપણ શોધી લીધું હતું.

“તમારા મામાની ઘોડીએ ચડવું હતું ને ?”

“હા.”

“તો આ ઊભી.”

“આંહીં ક્યાંથી ?”

“ઘેરથી મેં ધજાળા હનુમાનની જગ્યામાં મોકલી દીધી હતી, એને આંહીં લાવવા મેં વરધી આપી હતી.”

“તમે હવે એને ક્યાં રાખશો ?”

“મારી સંગાથે જ. ઘોડીએ ચડીને ગામતરાં કરીશ.”

એક ખાંભા પાસે ઘોડીને ઊભી રાખી વિધવાએ પિનાકીને ચડવા કહ્યું. ઘોડીની પાસે ગયેલો પિનાકી પાછો વળી ગયો.

વિધવાએ પૂછ્યું : “શું થયું ?”

“નહિ, મામી, હું નહિ ચડું.”

“કેમ ?”

“મને એના ઉપર કોઈક અસવાર બેઠેલો ભાસ્યો.”

“કોના જેવો ?”

“નહિ કહું.”

“કેવાં કપડાં હતાં ?”

“માથા પર કાળી કાનટોપી હતી, ને ગળામાં ગાળિયો ઊડતો હતો, ટોપીને પોતે ફેંકી દેવા મથતો હતો.”

આટલું કહેતાં પિનાકીને તમ્મર ચડી ગયાં. એ ઝાડના થડ ઉપર ઢળી ગયો.

“ડરશો મા, ભાઈ; એ તો નક્કી તમારા મામા જ હશે.”

“શું થશે ?”

“બસ, હવે આ ઘોડીને મારી પાસેથી કોઈ પડાવી શકશે નહિ. મારું બીજું બધું ભલે લઈ જાવ : આ ઘોડી તો મારી છે ને !” એમ કહેતી એ ઘોડીને પગે લાગીને બોલવા લાગી : “હવે તો, માડી, તું મારી પીરાણી થઈ ચૂકી, તારે માથે પીર પ્રગટ્યા ! તમે... હવે એ ગાળિોય કાઢી નાખો. લ્યો. મારા શેઠને હું તલવાર બંધાવું... ને તમારે તો હવે... નીલો નેજો ને લીલુડી ધજા ! રણુજાના રામદે પીર જેવા બનજો, હો ! જેને કોઈને ભીડ પડે તેની વારે ધાજો !... હાં...હાં... તમારે તો જ્યાં જ્યાં જેલખાનાં, ફાંસીખાનાં, ત્યાં જ સહાય દેવા દોડવાનું. કેદખાનાનાં તાળાં તોડવાં - ભીંતું ભાંગવી - શાબાશ, શેઠ ! તમે પાછા આવ્યા મારા -”

એટલું બોલતી બોલતી એ ઘોડીના દેહ ઉપર ટેકો લઈ ઢળી : જાણે એ અંતરીક્ષણાં કોઈકને ભેટતી હતી.

“હાલો, ભાણાભાઈ ! આજ આપણે ઘોડીને દોરીને જ હાલ્યા જઈએ. તમને સ્ટેશને મૂકીને પછી હું રજા લઈશ.”

“પછી ક્યારે આવશો ?”

“આવીશ, તમને ઘોડીની સવારી કરાવવા.”

સ્ટેશને પિનાકીથી છૂટી પડીને એણે ઘોડી ડુંગરા તરફ દોરી. તે તરફ ધજાળા હનુમાનનું ધર્મ-સ્થાન હતું.

પિનાકીએ આજે રેલગાડીના ચાર-પાંચ ડબા આસોપાલવનાં તોરણ અને ફૂલના હાર વડે શણગારેલા દેખ્યા. તેના મનમાં કુતૂહલ જાગ્યું : ‘કોણ હશે એ ડબામાં ?’

૧૯. મારી રાણક

સ્ટેશન જંક્શન હતું. ગાડી ઊભી રહી કે તરત જ એક શણગારેલા સફેદી-સોનેરી ડબા સામે બરકંદાજો ગોઠવાઈ ગયા.

સામા પ્લૅટફૉર્મ પર એક બીજી ગાડી ઊભી રહી. તેમાંથી પ્રથમ તો મોરબી-ઘાટની ચપટી પાલી જેવી ગોળ સુંદર પાઘડીઓથી શોભતા કદાવર પુરુષો ઊતર્યા. તેમની દાઢીના વાળ વચ્ચે સેંથા પડેલા હતા. તેમના ટૂંકા કોટની નીચે લાંબે છેડે પછેડીઓ બાંધેલી હતી. તેની ચપોચપ સુરવાળો હરણ સરખા પાતળા પગોની મજબૂત પિંડીઓ બતાવતી હતી. તેઓના પગમાં રાણીછાપના ચામડાના મુલાયમ કાળા ચકચકિત બૂટ હતા. મચ્છુ કાંઠાનો જાડેજો તે ખતે નવા જમાનાની રસિકતામાં તેમ જ રીતરસમમાં પ્રવેશ કરનાર સૌ પહેલો રજપૂત હતો.

આ સફેદ બાસ્તા જેવાં ને ગળીની આસમાની ઝાંય પાડતાં વસ્ત્રો એક પ્રકારની મીઠી સુગંધ વર્તાવીને સામા પ્લૅટફૉર્મ પર ચાલ્યાં ગયાં. તે પછી નવું દૃશ્ય નજરે પડ્યું. ડબાનાં બારણાં સામે લાલ મધરાસીના ઘૂંઘટવાળા ને સફેદ જગન્નાથીની દીવાલવાળા ડેરા ગોઠવાઈ ગયા. તેમાં કોઈકને પૂરવાનો કશોક મામલો મચી રહ્યો. ડેરા પણ બારણાંને ઢાંકવા માટે પૂરા ન પડતા હોય તે રીતે બીજા પણ પડદા બારણાંની બેઉ બાજુ પાડી દેવામાં આવ્યા. પાંચ-સાત માણસો આ ડેરાને ધરી આકુલવ્યાકુલ દશા દાખવતા હતા, ત્યારે ચાર-છ ઘેરદાર ઘાઘરાવાળી બાઈઓ એ ડેરાની ફડક ઊંચી કરતી, ડેરો પકડી ઊભેલાઓને ટપારતી, ઠપકો દેતી, સૂચના આપતી, ડબામાંથી કોઈક રહસ્યભર્યું, કોઈ ભેદી ને નિગૂઢ કશુંક, ડેરાના પડદા વચ્ચેથી ઉતારતી હતી.

આવા દેખાવો અગાઉ કદી ન જોયા હોવાથી પિનાકીને આ દેખીને કોઈ મોટું માછલું પકડનારા માછીમારો અથવા કોઈ એકાદ ભાગેડુ કે હિંસક પશુને ફાંસલામાં આણવા ઉશ્કેરાટભર્યા મથનાર શિકારીઓ સાંભરતા હતા.

આખરે ડેરાની અંદર કશુંક સહીસલામત ઊતર્યું લાગ્યું, ને ડેરો ગતમાં મુકાયો. છ-આઠ સ્ત્રી-પુરુષોએ પકેલા એના પડદા ઘટ્ટ હોવાથી અંદર ફક્ત ઊંચાં-નીચાં થતાં એક-બે માથાં હોવાનું અનુમાન થઈ શકતું હતું.

એવા તો ત્રણ-ચાર ડેરા જુદા જુદા ડબાઓમાંથી નીકળી પડ્યા, ને સહુ મળી પેલા શણગારેલા ડબાઓ પાસે પહોંચ્યા. ફરીથી પાછી ડબાના દરવાજા ઉપર ડેરાઓ ખાલી કરવાની ગડમથલ મંડાઈ, અને બે આગગાડીઓનાં ઉતારુઓની ત્યાં મળેલ ઠઠ વચ્ચે પણ ડેરામાંથી નીકળીને કોઈક માનવીઓ ડબામાં વણદેખાયાં પ્રવેશ કરી ગયાં. તેનો વિજય-ગર્વ પેલી આઠ-દસ ઘેરદાર પોશાકવાળી વડારણોના ચહેરા પર વિસ્તરી ગયો.

આંટીદાર પાઘડીઓ, પાનીઢક ઝૂલતી કમર-પછેડી અને ચપોચપ ચોંટેલી સુરવાળોનો ત્યાં સુમાર ન રહ્યો, તમાશો મચી ગયો. ને એ ઘાટી તેમ જ આછી દાઢીવાળા, દાઢી વચ્ચે કાપવાળા તેમ જ કાપ વગરના, કાતરાવાળા તેમજ થોભિયાં રાખનારા, બાલાબંધી તેમ જ છ-બગલાં કેડિયાંવાળા, ફાસરાવાળી તેમ જ ફાસરા વગરની બાંયોવાળા, કાંડે ચપોચપ કરચલીઓ પાડેલી બાંયોવાળા તેમ જ ચાર કાંડા એક સાથે નાખી શકાય તેટલી પહોળી બાંયોવાળા, બૂટ, સ્લિપર અને બીલખા બાજુનાં હળવા ઓખાઈ પગરખાં પહેરનારા, તરવારવાળા તેમ જ તરવારનો બોજો ન સહી શકે તેવા નાજુક સોટીએ શોભતા હાથવાળા - એ રજપૂતોની વચ્ચે એક પુરુષ સર્વનાં સન્માન પામતો ઊભો હતો. સહુ તેને બાથમાં ઘાલી મળતા ને ભલકારા દેતા હતા.

પણ એ આદમીની સ્થિતિ કેવી હતી ! ઓચિંતો ધરતીકંપ થવાથી કોઈ સપાટ રેતાળ જમીનનો ટુકડો પણ અણધાર્યો ઊપસી આવ્યો હોય ને ઘાટઘૂટ વગરનો ડુંગર બની ગયો હોય, તેવી એ સ્થિતિ હતી. નવી સ્થિતિની અકળામણ એના મોં ઉપર દેખાતી હતી. પહાડી પ્રદેશનાં સ્વાભાવિક રેખાઓ ને મરોડ એમાં નહોતાં. ઓચિંતા ને ધડા વગર ઉપર ધસી આવેલા ખડકની કર્કશતા દર્શાવતો એ માનવી હતો.

પિનાકીને થયું કે આ માણસને પોતે ક્યાંક જોયો છે, ને સારી પેઠે સમાગમ પણ એની જોડે પોતે પામયો છે. પણ એની યાદદાસ્ત ઉપર આ બધા ભભકાનું ઢાંકણ વળી ગયું હતું.

બે પ્રેક્ષકો પિનાકની નજીક ઊભાઊભા વાતો કરતા હતા :

“નસીબ આડે પાંદડું જ હતું ને !”

“હા; નકીર એની વેરે મારું માગું દાનસંગે કેટલી વાર મારા જીજી કને નાખેલું - ખબર્ય છે નાં ?”

આ બોલનાર માણસને અમથી અમથી પણ આંખોના ખૂણા દબાવવાની તેમજ વાં વાંકાં કરીકરી ઉછાળવાની ને ભાંગવાની ટેવ હતી.

“ને એમાં રૂપ પણ શું બળ્યું છે કે રાવલજી અંજાયા ?”

“રૂપ નો’તું એટલે જ મારા જીજીએ મારી વેરે વેશવાળ કરવાની ના પાડી’તી ને !” એમ કહીને ફરી પાછા એ બોલનારે ભમર ભાંગ્યાં ને જમણી આંખનો ખૂણો દાબ્યો.

“અરે, આજ સુધી એજન્સીનાં થાણાંની પોલીસ-લેનોમાં દેદા કૂટતી ને ઘોલકિયું રમતી’તી આ બચાડી.”

“હા, ને આજ તો બેસી ગઈ વિક્રમપુરને પાટઠકરાણે.”

“પણ રાવલજી મોહ્યા શી રીતે ?”

“પોટુગરાપો જોઈજોઈને. પોટુગરાપમાં તો રૂપ ન હોય તોયે રૂપ દેખાય છે ને ?”

“હા, ને મારો પોટુગરાપ મારા જીજીએ પડાવ્યો’તો તેમાં રૂપ આવ્યું જ નહિ ! રૂપાળાં ન હોય ઈ પોટુગરાપમાં રૂપાળાં વરતાય, ને રૂપાળાં હોય ઈનાં મોં પોટુગરાપમાં વરહાં આવે, એવી કરામત કરી છે મારે દીકરે સરકારે !”

પિનાકીને થોડુંથોડું ઓસાણ આવ્યું : પેલા સહુની વચ્ચે દેખાતા આદમી દાનસિંહજીકાકા તો નહિ ? એ જ; હા, હા, એ જ.

એટલા નિર્ણય પછી એકાએક પિનાકીના હૃદય પર એક ધ્રાસકો પડ્યો. એને શરીરે જાણે શરદીનો ટાઢો વા વાયો. બે જણા જે કન્યાની વાત કરે છે તે કોણ ? દેવુબા ? દેવુ કોને - વિક્રમપુરના રાજ રાવલજીને વરી ? દેવુબાની પેલી છબીઓ પડાવી પડાવીને શું દાનસિંહજીકાકા વિક્રમપુર મોકલતા હતા ? દેવુબાની જોડે મને છેલ્લેછેલ્લે મળવા નહોતા દેતા તે શું આ કારણે ?

એ પડછંદ કાયાધારીઓનો સમૂહ ભેદતો પિનાકી પેલા ઓળખાણવાળા પુરુષની પાસે પહોંચ્યો, ને એનો હાથ ઝાલી હલાવ્યો; બોલ્યો : “દાનસંગજીકાકા ! મને ઓળખ્યો ?”

ઊંચા આદમીએ હાથ પાછો ખેંચી લઈને છોકરા તરફ નજર કરી; એટલું જ કહ્યું : “કેમ છે એલા ? ક્યાં છે તારો બાપુજી ? તું અહીં ક્યાંથી આવી ચડ્યો ? હમણાં જતો રહે, હો; પછી પછી !”

છોભીલો પડવા છતાં પિનાકી એક પ્રશ્ન પૂછ્યા વગર ન રહી શક્યો : “દેવુબાબહેન અહીં જોડે છે ? ક્યાં જાઓ છો તમે ? મને યાદ કરે છે...”

આ બધા સવાલોમાં હસવા જેવુ ંકશું નહોતું, છતાં આજુબાજુના લોકોએ ઠેકડી માંડી. કોઈ ેક માણસે એના હાથ ઝાલીને મહેમાનોની વચ્ચેથી બહાર કાઢ્યો, ને સમજ પાડી : “રાંડ વેવલીના ! વિક્રમપુરની પટરામી શું તારા ગામની કોળણ છે તે આવું પૂછવા બેઠો’તો ? ભાગી જા.”

પણ પિનાકીને માટે ભાગી જવું સહેલું નહોતું. એ આસમાની સલૂનની ઘાટી ઝીણી જાળીઓ પાછળ દેવુબા બેઠેલી હતી તેની પોતાને ખાતરી મળી. એ દેવુબા પોતાની હતી. પોતાની આ રીતે હતી : બન્નેએ દીપડિયા નાળાની સામી ભેખડે જઈ સહિયારાં બોર વીણ્યાં હતાં : બાવળને છાંયે બેસીને એ બોરનાં બેઉએ જોડે જ જમણભાતાં કરેલાં હતાં : પોતાને પોચું રસભર્યું બોર જડતું તે પોતે દેવુબાના મોંમાં મૂકીને ખવરાવતો : રા’ ખેંગાર અન રાણકદેવડીનું નાટક થાણાના છોકરાને એકઠા કરી પિનાકી પોતાને ઘેર બાપુજીની ગેરહાજરીમાં ભજવતો : ડામચિયાન ઉપરકોટ અને ઊંચી બારીનો ગિરનાર ઠરાવતો, પોતે ખેંગરા બનતો, ને દેવુબાને રાણક બનાવતો : રા’ખેંગારનો પાઠ માગનાર એક બીજા છોકરાને દેવુબાએ જ ચોખ્ખું સંભળાવી દીધેલું કે ભાણાભાઈ સિવાય બીજા કોઈની રાણકદેવડી હું નહિ બનું : ને પોતે રા’ખેંગાર તરીકે રણસંગ્રામમાંથી મરીને જ્યારે શબ જેવો બની પડેલો ત્યારે પોતાનું માથું ખોળામાં લઈ ‘ગોઝારા ગરનાર’ના દુહા ગાતી દેવુબા સાચેસાચ રોવા લાગતી : ને છેલ્લું સ્મરણ પેલી મેશની મૂછોનું : રા’ખેંગારના પાઠમાં પિનાકીએ તાવડીની તળેથી મેશ લૂછી આવી પોતાની મૂછો ચીતરેલી; પછી દેવુબાએ રાણકના પાઠમાં પોતાનું મોઢું પિનાકીના મોઢાને અડકાડેલું એટલે એને પણ હોઠ ઉપર મૂછો છપાઈ ગઈ હતી : સહુ કેટલું હસ્યાં હતાં !

તે દિવસ સમજણ નહોતી કે આ એક રમત છે અને આ રમતનો અંત આવવાનો છે. પિનાકી રજાના દિવસો પૂરા કરીને ભણવા જતો ત્યારે તે દિવસોમાં તો દેવુબા ખાતી નહોતી; ખાવું એને ભાવતું નહોતું. એ રડતી. તે રડવાનું કારણ બતાવી શકતી નહિ. પિનાકીને જતો જોતી છતાં ઘુનાળી નદીની ભેખડ સુધી વળાવવા જઈ શકતી નહિ. હૈયામાં ઊઠતા ‘મારા રા’!, ‘મારા ખેંગાર !’ એવા ભણકારા હોઠ સુધી આવ તા, અને ગુલાબના પૂલના કાંટામાં પરોવાઈ ગયેલી પાંખે તરફડતા પતંગિયાની પેઠે એ ભણકાર હોઠ ઉપર જ ફફડતા હતા.

તેર અને સોળ વર્ષની વચ્ચેની વયમાં રમનાર કિશોર લેખે પિનાકીની મનોવસ્થા તે વખતે કેટલી વિકલ બની ગઈ ! એ અવસ્થાની કઢંગી દશા નથી સમજાવી શકાતી, નથી કોઈ સમજવાની પરવા પણ કરતું. પિનાકી તો પોતાની માની લીધએલી કેરી પોતાના હાથમાંથી ઝૂંટવીને બીજો ચૂસતો હોય ને પોતે એ ચૂસનારની સામે દયાજનક, ભયાનક, હિંસામય તેમ જ લાચાર નજરે ટાંપી રહ્યો હોય તેમ પેલી ઘાટા-ઝીણા તારોની બનેલી સલૂન-જાળી તરફ જોઈ રહ્યો.

બીજી બાજુના પ્લૅટફૉર્મ ઉપર પોતાની ગાડીનો પાવો વાગ્યો. એ પાવાએ પિનાકીના અંતરમાં જાણે કે ધગધગતા કોઈ ધાતુ-રસની ધાર કરી. પોતે ત્યાં ન પહોંચી શક્યો. પછી થોડી જ વારે આ સલૂને શોભતી ગાડી પણ જ્યારે ચાલતી થઈ ત્યારે એના જીવની એવી દશા થઈ, જેવી દસા કોઈક શીતળ મકાનની અંદર બાંધેલો પોતાનો માળો ખેરી નાખતા એ મકાનવાળાની લાકડીને ચાંચોના પ્રહારો કરી કરી તરફડતા, પુકારતા ચૈત્ર-વૈશાખના નાના ચકલાની થઈ પડે છે.

પિનાકીને અરધી રાત સુધી બીજી ગાડીની રાહ જોતા બેસવું પડ્યું. બેઠાં બેઠાં એણે ભયંકર મનોરથો ઘડ્યા ને ભાંગ્યા. મામીની પીરાણી ઘોડી પર એક દિવસ હું વિક્રમપુરમાં પેસીશ : જૂની લોકકથા માંહેલી ચંદનઘો જો ક્યાંકથી જડી જાય, તો પછી રાવલજીના દરબારગઢની દીવાલ ઉપર ચડતાં શી વાર છે ! ઉનાળાની અંધારી રાત હશે : ઝરૂખા ઉઘાડા મૂકીને દરબાર તથા દેવલબા સૂતાં હશે : દરબારની ખુદની જ તલવાર ખેંચી લઈને એની છાતી પર ચડી બેસીશ, ને પછી જાગેલી દેવલબાને પછી જોઈશ કે ‘તું અહીં સુખી છો ? આ બૂઢો તને દુઃખ તો દેતો નથી ને ? આ ત્રણ રાણીઓ ઉપર તને ચોથીને લાવનાર તને શી રીતે પ્રિય થઈ પડ્યો ? મારી રાણક એના બાળુડા ખેંગારને કેમ વિસારી શકી ?’

ને પછી કંઈ નહિ, પણ દેવુબાને એક કાપડું આપીને હું પેલા દુષ્ટને કહી રાખીશ : ‘જોજે, હો ! આ મારી બહેન થઈ. હવે - હવે એ મને જો કદાપિ એવો સંદેશો મોકલશે કે વીરા, હું દુઃખી છું, તો મારી મામીની પીરાણી ઘોડીને પાંખો પ્રગટશે, ને આંહીં આમ આવી હું આમ કરીને આમ તારી છાતીમાં તલવાર પરોવી લઈશ...’

આ વખતે ‘કટ્‌’ જેવો કોઈક અવાજ થયો. પિનાકીના તરંગ-પડદા વીખરાઈ ગયા. એણે ભાનમાં આવીને જોયું, તો પોતાના હાથમાંની પેન્સિલને રેલવે સ્ટેશનની લાદી ઉપર પોતેજોર કરી દબાવી હતી, તેથી તેની અણી ભાંગી ગયાનો જ એ નાનો કડાકો થયો હતો.

૨૦. ઝુલેખાને જોઈ આવ્યો

“એવડી બધી સત્તા સરકારની - કે મારે મારી બાયડિયુંને કેમ રાખવી, કેમ ન રાખવી, મારી નાખવી કે જીવતી રાખવી, એ બધી મારા ઘરની વાતુંમાં ઈ માથું મારે ! ના, ના; ઈ નહિ બને.”

વડલા-મેડીના રાજગઢમાં ગોદડ દરબારનું આ પ્રકારનું તત્ત્વાલોચન ચાલતું હતું.

“પણ આપણે શા માટે એમ કહેવું પડે -” વાણિયા કારભારી દરબારને સમજાવતા હતા : “- કે બાઈઓને કોઈએ માર્યાં છે ?”

“ત્યારે સું મેં મારે સગે હાથે ઝાટકા નથી માર્યા ? હું શું નામર્દ છું ?”

કામદારને જાણ હતી કે આ મરદ નશાની અસરમાં બોલે છે. એણે કહ્યું : “રાણીસાહેબને માર્યાં તો છે તમે જ, વીરતા તો તમે જ કરી છે; પણ આપણે આપણી વીરતા આપણે મોંએથી શા માટે ગાવી ? શૂરવીર તરીકે આપણે તો શરમાવું જોઈએ.”

“શાબાશ !” દરબારે હવામાં હાથનો પંજો થાબડ્યો. કામદાર તદ્દન બીજી જ બાજુએ બેઠા હતા. “મેં કાંઈ અમથો તું-જેવો કારભારી રાખ્યો હશે ! નવાનગરને ઘેરેય તારું દીવાનપદું દીવડા કરે. મહારાજ ભાવસંગજી માગણી કરે તોય તને હું ન છોડું.”

“હવે જુઓ, બાપુ, પણે તો એમ જ કહેવાનું કે બેઉ બાઈઓ સામસામાં કપાઈ મૂઆં, કેમકે બેઉ વચ્ચે ખાર અને ઈર્ષ્યા હતાં.”

“બસ, બરાબર છે. એ સલાહ લાખ રૂપિયાની છે. એ સલાહ બદલ તમને, કામદાર, હું રાજવડું ગામ પેઢાનપેઢી માંડી આપું છું.”

“એ હવે સવારે વાત.” કામદારને ખબર હતી કે અત્યારે બોલનાર અને પ્રભાતે પાળનાર બે જણા એ આ એક જ માનવ-શરીરની અંદર નિરાળા છે. વડલા-મેડી ગામની રાજદેવડીમાં તે વખતે એક ફકીર દાખલ થતો હતો. આટલો બૂઢો સાંઈ દેવડી પરના આરબોએ જિંદગીભર કદી દેખ્યો નહોતો. એ ફકીરના લાંબા વાળ રૂપાનાં પતરાં જેવા સફેદ અને ચળકતા હતા. મોં બોખું હતું. હાડકાં ખખળેલાં હતાં. ગલોફામાં ખાડા હતા. કમ્મરની કમાન વળી ગઈ હતી. હાથમાં લોબાનની ભભક દેતું ધૂપિયું હતું, ને બીજા હાથમાં મોર-પીંછાની સાવરણી હતી.

આરબોની સલામોને ‘બાપુ ! બાપુ ! જીતે રહો !’ એવા ગંભીર અને સુકોમલ બોલોથી ઝીલતો સાંઈ, કોઈ જંગમ વડલા જેવો, દેવડી પછી દેવડી વટાવતો અંદર ચાલ્યો ગયો. પાછળ એક ગોલી ચાલી આવતી હતી. દરવાનોએ માન્યું કે સાંઈબાપુને અંદર ભાવરાણી માએ જ તેડાવેલ હશે. દરબારને માથે સરકારી તહોમતનામાની તરવાર કાચા સૂતરને તાંતણે લટકી રહી હોવાથી નવાં ભાવરાણી મા અનેક જાતની ખેરાતો, માનતાઓ તેમ જ બંદગીઓ-તપસ્યાઓ કર્યા જ કરતાં હતાં.

ભાવરાણી ઝુલેખા વીસેક વર્ષની હોવા છતાં, ને એક ભ્રષ્ટ મનાતી રખાત હોવા છતાં, દરબારગઢની અંદરના એંશી-એંશી વર્ષના બુઝુર્ગોનાં મોંથી પણ ‘મા’ શબ્દે સંબોધાતી.

બૂઢો સાંઈ જ્યારે અંદરના ગાળામાં ગયો ત્યારે એણે ત્રણ ડેલીઓ વટાવી હતી. ત્રીજી દેવડીના ઘાવાખાનામાં સો-સો વર્ષના જૈફ આરબો ચોકીદાર હતા. તેઓ ઝીણી નજરે જુએ તે પહેલાં તો ‘બાપુ ! બાપુ ! જીતે રહો ! નેકી-ઈમાન તુમારા સલામત રહો !’ એવા ગંભીર બોલ લલકારતો ફકીર અંદર દાખલ થઈ ગયો.

અંદરનું દૃશ્ય દેખીને ફકીરે તાજુબી અનુભવી. પરસાળ ઉપર થાંભલીને અઢેલી એક ચાકળા ઉપર વીસ વર્ષની ઝુલેખા અદલ કાઠિયાણી વેશે, પુનિત દીદારે બેઠી છે. સામે ત્રણ પુરુષ-વેશધારી બાળકો શાંત મુખમુદ્રા ધારણ કરીને બેઠાં છે. તેમના વેશ સુરવાલ તેમ જ પહેરણના છે : માથા પર ઝીક ભરેલી ટોપીઓ છે, પણ કેશના મોટા અંબોડા છે - હાથમાં ચૂડીઓ-બંગડીઓ છે, ને પગમાં ઝાંઝર-ત્રોડા છે : નાકમાં કાનમાં ચૂકો ને છેલકડીઓ છે. એક છ વર્ષની, બીજી આઠેક વર્ષની, ને ત્રીજી નવ વર્ષની - એ ત્રણેય ગોદડ દરબારની મૂએલી સ્ત્રીઓની પુત્રીઓ છે. સામ એક બ્રાહ્મણી સ્ત્રી બેઠીબેઠી મહાભારત લલકારે છે.

તાજુબ ફકીર પોતાની ચેષ્ટાઓ ચૂકી ગયો. મોરપીંછનો ઝુંડ તેમ જ લોબાનનું ધૂપદાન એના હાથમાં જ થંભી રહ્યાં. સાંભળેલી વાત સાચી પડી : આ લબાડ ગણાતી ઓરત પોતાની શોક્યોની પુત્રીઓને તાલીમ આપે છે. માતાઓ જીવતી હતી ત્યારથી જ પુત્રીઓએ અહીં રહેવાનું પસંદ કર્યું છે.

બ્રાહ્મણી વિધવાને માથે મુંડન હતું. સફેદ વસ્ત્રો એના ગંભીર, ગમગીન, તોયે તાજા મુંડ ને તેજસ્વી લાગતા મોંને વિના લાળ-લટોએ પણ શોભાવતાં હતાં. મહાદેવને મસ્તકે ચૈત્ર-વૈશાખની જળાધારી ગળે તેમ એના ગળામાંથી મહાભારતના શ્લોકો ટપકતા હતા. એનું રસપાન કરતી ભાવરાણીનાં નેત્રો મીટ પણ નહોતાં ભાંગતાં. વચ્ચેવચ્ચે જ્યારે દ્રૌપદીના ધા-પોકારવાળા શ્લોકો આવતા ત્યારે એનું મોં ધીરે રહીને પેલી પુરુષવેશધારી ત્રણ કન્યાઓ તરફ ઢળતું ને મલકાતું.

ફકીર તરફ ઝુલેખાનું ધ્યાન થોડી વાર પછી ગયું. એક મુસ્લિમ પંથના ધર્મપુરુષને આવી અદમ રાખી હિન્દુ ગ્રંથ સાંભળતો દેખી ઝુલેખા પણ ચકિત થઈ. એણે મહાભારત વાંચનારી વિધવાને હાથની ઈશારત કરી. વાજાની ધમણ ધીમેધીમે બંધ પડે તે રીતે બાઈના લલકાર ધીરા પડ્યા.

ઝુલેખાએ ઊઠીને ફકીરને બે હાથની કુરનસ કરી : “પધારો, સાંઈબાપુ !”

“દાતાર આબાદ રખે, બચ્ચા !” ફકીરે સન્મુખ જોયા વગર જ પંજો ઊંચો કરી દુવા પોકારી.

“દાતારને ડુંગરેથી પધારો છો, બાપુ ?”

“હાં બેટી ! જમિયલશા કા હુકમ હુવા. આના પડા.”

ફકીરની આંખો ધરતી પરથી ઊખડતી નહોતી. આટલી વૃદ્ધાવસ્થાએ પણ સાંઈ ઊંચી નજર નથી કરતો, એટલે હોવો જોઈએ કોઈક પરમ સંત, એમ સમજીને ઝુલેખાએ વિશેષ સન્માનની લાગણી અનુભવી કહ્યું : “ફરમાવો, સાંઈબાપુ !”

ફકીર ચૂપ રહ્યો. ફક્ત એના હોઠ જ ફફડતા હતા.

થોડી વાર થઈ, એટલે ચતુર ઝુલેખાએ ત્યાંથી સર્વને રજા આપી. નાની કન્યાઓએ એક પછી એક અપરમાના ખોળા સુધી વાંકા વળી હાથજોડ કરી કહ્યું : “મા, રામરામ !”

“રામરામ, બેટા ! માલુબા ! રામરામ ! જાવ, હવે ઘોડીયું કઢાવો. સામાન મંડાવો.”

ઝુલેખાએ એમ કહી મોટી કન્યાના મોંએ હાથ પસાર્યો.

વચેટે આવીને કહ્યું : “મા, રામરામ !”

ત્રીજી સહુથી નાનીએ કશો જ બોલ બોલ્યા વગર ઝટપટ જેમતેમ હાથ જોડી લીધા.

“કેમ બેટા, જસુબા !” કહેતાં કહેતાં ઝુલેખાએ નાની કન્યાને પોતાના હૈયા સાથે ચાંપી નજીક ખેંચી, પણ નાની કન્યા કોઈ જડબાં ફાડીને બેઠેલ અજગરથી ડરી ભાગે તેમ જોર કરી છૂટી થઈ નાસી ગઈ.

“માલુબા !” ઝુલેખાએ પછવાડેથી ભલામણ કરી : “જોજો હો, આજ રેડીનું ચોકડું ડોંચશો નહિ. નકીર ઈ ઘોડી સાંકળની ઝોંટ મારશે તો ડફ દેતાં જઈ પડશો હેઠાં.”

“એ હો, મા.”

“ને બાલુ,” ઝુલેખાએ વચેટ કન્યાને કહ્યું : “તું ચીભડાંની ફાંટની જેમ બાવળા ઉપર ન ખડકાતી હો ! ઘોડેસવારીમાં તો ડિલને ટટ્ટાર રાખીએ.”

“જી હો, મા !” વચેટ કન્યા વધુ વિનયશીલ હતી.

“ને સુને આજ હરણ-ગાડી હાંકવાની છે. બહુ તગડાવે નહિ, હો કે !”

એ દિવસોમાં કાઠી રજવાડાં બોકડા-ગાડી, હરણ-ગાડી, કૂતરાં-ગાડી વગેરે જાતજાતનાં પ્રાણીઓ જોતરેલાં વાહનો પોતાનાં બાળખો માટે વાપરતાં હતાં.

સર્વને વળાવી પોતાના મલીરને ભરાવદાર છાતીનાં ડોક નીચેનાં નીલાં છૂંદણાં ઉપર ઓઢાડી દેતીદેતી ઝુલેખા સાંઈની પાસે આવી. પોતે ચાકળા પર બેઠી. સાંઈએ ચાકળે બેસવાની ના પાડી : “નહિ, બેટા ! ફકીરો કું તો જમીં કા જલેસા જ ખપે, મેરા બાપ !”

એટલું કહીને ફકીરે પહેલી વાર નેત્રો ઊંચાં કર્યાં, ને ઝુલેખાની મુખમુદ્રા સામે નોંધ્યાં. એની ઝાંખી આંખોનાં કોડિયામાં કોઈએ નવું દિવેલ પૂર્યું હોય તેમ ડોળાની દિવેટ-કીકીઓ સતેજ થઈ. ફકીર બોલ્યો : “એક જ સવાલ ફકીર પૂછેગા. જવાબ દેગી, બેટા ?”

ભાવરાણી સામો ઉત્તર આપે તે પહેલાં તો ફકીરે પોતાનો સવાલ છોડી નાખ્યો : “તું સુખી છે ?”

“કેમ ?” ઓરતે ગુજરાતી વેણ સાંભળીને ત્રાઠી હરણીની પેઠે કાન ઊંચા કર્યા.

“એક આદમીએ પુછાવ્યું છે.”

“બાપુ !” સ્ત્રીએ પોતાનાથી મોટી આંખોનાં ભવાં ચડાવ્યાં : “તમે જોગી છો, કે દલાલ છો કોઈના ?”

“હું સિપાઈ છું.” એટલું કહેતાં ફકીરે પૂરા હોઠ ઉઘાડ્યા, ને બત્રીસેય દાંતની હાર એ બોખા મોંમાં ડોકિયાં કરી ઊઠી. ગલોફાના ખાડા ઓચિંતી કોઈ સરવાણી ફૂટી હોય તેમ ઊપસી આવ્યા, ને ભાવરાણી ચમકે તે પહેલાં તો એણે કહ્યું : “સિપાઈ છું, ને સિપાઈ બચ્ચાનો સંદેશો પૂછવા આવેલ છું - એવો સિપાઈ બચ્ચો, જેનું કલેજું ચિરાય છે ને જેણે પોતાનું સત્યાનાશ કરનારને પણ માફી બક્ષી છે.”

ઝુલેખા નરમ પડી. એનું મોં ભોંઠામણના ભારે ફિક્કું પડ્યું. એની સૂરત લોહી વિનાની થઈ પડી.

ફકીરે મક્કમ સૂરે કહ્યું : “તને ભોળવવા નથી આવ્યો. તારો છાંટોય લેવા એ તૈયાર નથી. પણ એને જાણવું હતું - મુખોમુખ જાણવું હતું - કે તું સુખી છો કે નહિ ?”

“એ બાયલો ! મને પુછાવે છે ?” ઝુલેખાએ તુચ્છકારભર્યું હાસ્ય કર્યું.

“બાયલો ! તમને માફી આપનાર બાયલો કે ?”

“સાંઈસા’બ !” ભાવરાણીએ ઠેકડી કરી : “તમે ક્યાંથી સમજી શકો એ મરમ ? હું તો વાટ જોતી’તી કે ભાવર મને ને દરબારને બેયને બંદૂકે દેશે; પણ હું તો નાહકની એ નામર્દની વાટ જોતી’તી.”

ફકીર ચૂપ થયો.

“એને કેમ છે ? - એ દિલાવરીના દાતારને ?” ઓરતે મર્માઘાતો ચાલુ જ રાખ્યા. પણ ઝુલેખાનો અવાજ હવે જૂના જામેલા તંબૂરાના તારોની પેઠે જરીક ધ્રુજારી ખાવા લાગ્યો.

“તેની તને હવે શી નિસ્બત છે ?”

“અને, મારાં સુખદુઃખ પુછાવીને એ શું કરશે ?”

“સુકી સાંભળીને સળગી જશે; ને દુઃખી જાણશે તો દરબારને ગૂડી નાખી તને છૂટી કરશે.”

“સાંઈબાપુ, એને ફકીરી જ વધુ શોભશે. એણે કાંટિયા વરણને લજવ્યું છે.”

“એને હું સિપાઈ બનાવીશ.”

“સિપાઈ ! હા હા !” કહીને ઓરતે નિસાસો નાખ્યો. એ નિશ્વાસનો અવાજ કોઈ ઓરિયાની ખાડના ધસી પડતા ગંજાવર થરના પછડાટ જેવો બોદો હતો.

“કહેજો એને - કે સુખદુઃખના હિસાબ હવે નથી રહ્યા; કડવા-મીઠાનો સ્વાદ જ હારી ગઈ છું.”

“શાબાશ !” કહીને ફકીરવેશધારી ઊઠ્યો. “હવે હું રજા લઈશ, દીકરી !”

ફકીર તરીકે તો બનાવટીય નક્કી થઈ ચૂકેલો છતાં આ આદમી ‘દીકરી’ જેવા નિર્મળ લાડ-શબ્દે બોલાવે છે, તેનું શું કારણ હશે ?

“તમે કોણ છો ?”

“તારા નવા ચૂડલાનો કાળ છું.”

“હેં !!!” ઝુલેખાના મોંમાંથી શ્વાસ નીકળી ગયો.

“ચુપકીદી રાખજે,” ફકીરે નાક પર આંગળી મૂકી : “મારી પછવાડે આખી શહેનશાહત છે. મારું રૂવાડુંયે ખાંડું થયે તારો દરબાર માંડલેનાં કાળા પાણી સુધી પણ નહિ પહોંચે. રાઈ-રાઈ જેવડા એના ટુકડા વહેંચાઈ જશે.”

એમ બોલીને ફકીરે પાછા હોઠ લાંબા કર્યા, આંખોના પડદા ઢીલા મૂકી દીધા. કમરથી ઉપરનો ભાગ ઝુકાવીને એ ચાલતો થયો.

ઝુલેખા ઊંચી પરસાળની એક થાંભલીની જોડે, એ થાંભલીના લાકડામાંથી કોતરામણ કરી કાઢેલી પૂતળી હોય તેવી ઊભી થઈ રહી, ને એના ચીસ પાડવા આતુર મનને કોઈ ચેતાવતું રહ્યું : ‘મારી પછવાડે આખી શહેનશાહત છે !’

‘મારી પછવાડે આખી શહેનશાહત છે’ એવી ખુમારી જન્મ પામ્યાનો એ જમાનો હતો. પ્રથમ પહેલા સરકારી પોલીસની નોકરીમાં જોડાનારા બ્રાહ્મણ-વાણિયાઓને એ ખુમારી ગોરા અધિકારીઓએ આપી હતી. નાનાં-મોટાં રજવાડાંની જ વ સતીમાંથી પેદા થયેલા આ નવા અમલદારો જીવનમાં પહેલી જ વાર આ ઠકરાતોના ઠાકોરો-તાલુકદારોને ‘અન્નદાતા’ શબ્દ કહેવો બંધ કર્યો. એજન્સીની નોકરી કરનાર અનેકના હૃદયમાં એક જ પ્રકારની ઉમેદ જાગી કે ફલાણા ફલાણા દરબારને ક્યારે હાથકડી પહેરાવીએ !

રાજકોટના સિવિલ સ્ટેશનમાં શહેરની નોકરી કરનાર સહુ કોઈ સિપાઈને ખબર પડી કે પોતાનો એક હાથ ઊંચો થયે જામ, બાબી કે જાડેજા નરેશોની આઠ-આઠ ઘોડાળી ગાડીઓને ખડી થઈ રહેવું પડે છે. રાતની રૉન (રાઉન્ડ)ના ‘હૉલ્ટ, હૂ કમસ્જ ધેર ?’નો પ્રત્યેક પડકારો મોટા ચમરબંધીને મોંએથી પણ ‘રૈયત !’ કહેવરાવનારો બની ગયો. અને જ્યુબિલી બાગના હૉલમાં એક દિવસ ગવર્નર સાહેબનો દરબાર હતો તે દિવસે મુકરર કરેલ વખતથી એક મિનિટ પણ મોડા આવનાર દરબારની ગાડીને ન પેસવા દેવી એવો હુકમ લઈ ઊભેલા એક પોલીસે દાજીગઢના ઠાકોર સાહેબની ગાડી પાછી વાળી હતી. સિપાઈ-બેડાનાં નાનાં-નાનાં છોકરાં થાણે-થાણે આવી વીરકથાઓ રટતાં, ને આ જાતની ખુમારીમાં ઊછરતાં. એ ખુમારીનો લલચાવ્યો જ વઢવાણ-લીંબડીનો બ્રાહ્મણ જુવાન, ધારી-અમરેલીનો વેપારી વાણિયો, કે હરકોઈ ગામડાનો કાંટિયો જુવાન રાજકોટની સડકે ચાલી નીકળતો, સોળ શેરની બંદૂકને ખભા પર ઉઠાવતો, શરીર કસતો, પરેડ શીખવનાર સૂબેદારના ઠોંસાને પણ વહાલા ગણી જ્યુબિલીને દરવાજે કોઈક વાર - કોઈક ગવર્નરની સવારી વખતે - કોઈક એકાદ ઠાકોરની ગાડી પાછી કાઢવાનાં સ્વપ્નાં સેવતો. લશ્કરી તોર પેદા થયાનો એ જમાનો હતો. એ જમાનામાં કાંટિયા તેમ જ બ્રાહ્મણ-વાણિયાના ભેદ જ ભાંગી નાખ્યા.

એ જમાનાનો પ્યાલો પીનાર મહીપતરામે વડલા-મેડીનાં ઝાડવાને વટાવી જઈ રાતના બીજા પહોરે એક નાના ગામડાની અંદર એક ઘર ઉઘડાવ્યું. ફકીરન વેશ ઉતારી પોતાનાં કપડાં ચડાવ્યાં. ભાવર જુવાને નીચે બેસીને મહીપતરામના પગની પિંડીઓ ઉપર કાળાં ‘બાંડિસ’ (બૅન્ડેજ) લપેટી રહ્યો હતો. ને મહીપતરામ ઝુલાખાના શા સમાચાર લાવ્યા છે તે જામવા તલપાપડ થઈ રહ્યો હતો.

મહીપતરામે પૂછ્યું : “અલ્યા, તારા વંશમાં કોઈ પીર ઓલિયો પાકેલો ખરો કે ?”

“હા જી; મારો દાદો ભરજુવાનીમાં કફની ચડાવી ચાલી નીકળેલા.” જુવાન ભાવરે છાતી ફુલાવીને જવાબ દીધો.

“શા કારણે ?”

“મારી દાદીની જુવાનીમાં એક ભૂલ થઈ ગયેલી તેને કારણે.”

“હવે હું સમજી શક્યો.”

“શું, સાહેબ ?”

“આની મારી હાર.”

“હાર ? કોનાથી ?”

“તારી રાંડથી.”

“શી રીતે ?”

“મં તારી સિપાઈગીરી ને દિલાવરી ગાઈ. એણે તને ‘બાયલો’ કહ્યો.” ભાવરે નિશ્વાસ નાખ્યો. મહીપતરામે કહ્યું : “ને મનેય હવે ઘડ્ય બેસે છે.”

“શાની ?”

“તને ઝનૂન ન ચડ્યું તે વાતની.”

ભાવર ભય પામ્યો. એના દિલના ઊંડા ઊંડા કૂવાને કાંઠે ઊભીને મહીપતરામ જાણે પાણી પારખતા હતા.

“ને એને હવે સુખદુઃખની લાગણી નથી રહી. દરબારની દીકરીઓને કેળવે છે, ને હિંદુનાં શાસ્ત્રો સાંભળે છે. એની ચિંતા કરીશ મા. ને હવે કોઈક મીરાં-દાતાર જેવી જગ્યાએ ચાલ્યો જાજે.”

“દરબારને દીઠા ?”

“ના; હાથકડી લઈને જઈશ ત્યારે જોઈ લઈશ.”

“આ કાળી નાગણથી ચેતજો.”

“એની દાઢ તો મેં નિચોવી લીધી છે.”

ઘોડીએ ચડીને ચાલી નીકળેલા મહીપતરામના મનમાં એક વાતનો વલોપાત રહી ગયો : સાળું, ઝુલેખાને એટલું સંભળાવવું રહી ગયું કે ‘તારા દરબારને પહેરેલ હાથકડીએ ભદ્રાપુરની બજાર સોંસરો કાઢું તો તો કહેજે કે બ્રાહ્મણ હતો; નીકર તને પાલવે તે કહેજે.’

ઘણાં માણસોને આવા વસવસા રહી જાય છે - કહેવું હોય તે ન કહી શકાયાના.

૨૧. બહેનની શોધમાં

“ઉઘાડો !”

ધજાળા હનુમાનની જગ્યાને ડેલીબંધ દરવાજે કોકે પાછલી રાતે સાદ પાડ્યો.

ડુંગરાની વચ્ચે ટાઢો પવન ઘૂમરી ખાતો હતો.

“ઉઘાડો, બાપ, ઝટ ઉઘાડો. ટાઢ્યે દાંત ડાકલિયું વગાડે છે.” બીજી વાર કોઈ બોલ્યું.

નદીના પાણીમાં બગલાંની ચાંચો ‘ચપચપ’ અવાજો કરતી હતી. ટીટોડીના બોલ તોતળા નાના છૈયાના ‘ત્યા-ત્યા-ત્યા’ એવા ખુશહાલ સ્વરોને યાદ કરાવતા હતા.

ત્રણ જણા દરવાજો ઠોકતા ઊભા હતા. ત્રણમાં એકે કહ્યું : “છોકરું મારું ક્યાંય સૂતું હશે.”

“તું આવું બોલછ એટલે જ મને બીક લાગે છે.” બીજાનો પેલો સ્વર નીકળ્યો.

“કાં ?” પહેલાએ પૂછ્યું.

“છોકરાં સાંભરશે, ને તારાથી નહિ રે’વાય, તું મને દગો દઈશ.”

“જોયું, લખમણભાઈ ?” પહેલાએ ત્રીજા જણને સંબોધીને ફરિયાદ કરી : “તમને - હું વાશિયાંગ ઊઠીને તમને લખમણભાઈને - દગો દઈશ ? આ શું બોલે છે પુનોભાઈ ?”

જવાબમાં એક મીઠા હસવાનો અવાજ ઊઠ્યો. એ હસવામાં, હીરાનું પાણી જેમ અંધારે પણ પરખાય તેમ, હસનારનું મોં પરખાતું હતું. એ મોઢું રૂપાળું હોવું જોઈએ.

“હસો કાં, લખમણભાઈ ? જુઓ, આ ભેરવ બોલી.” વાશિયાંગ નામનો એ કોચવાયેલો જુવાન બોલ્યો. ચીબરીના અવાજમાંથી એણે અપશુકન ઉકેલ્યાં.

“હવે ડેલી તો ઉઘડાવો, બાપા !” લખમણભાઈ નામના આદમીએ આનંદ ભરપૂર સ્વરે કહ્યું : “શિયાળ્ય હાડકાને ચાટે તેમ ટાઢ્ય મોઢાં ચાટી રહી છે.”

“ઉઘાડો...ઓ...ઓ...ઓ.” પુનાભાઈ નામે ઓળખાવેલા ત્રીજા જણે એટલો બોલ બોલવામાં માનવી, શિયાળ અને બિલાડી એમ ત્રણ પશુઓની બોલીના લહેકા મિલાવ્યા. શિયાળુ રાતના મશ્કરા પવને એ લહેકાને પાછા પોતાની રીતે લાંબા-ટૂંકા કર્યા.

“કોણ છો, ભા ?” અંદરથી કોઈક સુંવાળો અવાજ આવ્યો.

મશ્કરા પુનિયાએ ઉત્તર વાળ્યો : “છઈયેં તો ચોર. શાહુકાર તો ત્યાં અમારે ગામ રીયા : અખંડ નીંદરું કરે છે રોગા !”

“ઠેકડી કરો છો દેવસ્થાનાની ?” અંદરથી તપેલો અવાજ આવ્યો.

“આ શું ? બાવે રામકી ગોતી ?” અતિ ધીરે સ્વરે પુનો વાશિયાંગને પૂછવા લાગ્યો.

“બસ, બસ.” લખમણભાઈ નામના માણસનો ગંભીર અવાજ ઊઠ્યો, એણે જવાબ દીધો : “બાઈ, બોન, આંહીં જાણે કે વાય છે કાળી ટાઢ, ઓઢવા ધાબળોય નથી. એટલે હાંસી કરતા કરતા ટાઢને થાપ દેતા રાતભર હાલ્યા આવીએ છીએ. ભલી થઈને ઉઘાડ તો દેવસ્થાનું છે, આશરો છે, નહિ તો પછી તાપણું કરીને બહાર પડ્યા રહીએ.”

“હા, તો પછે બેક લાકડાં બહાર ફગાવજે, બાઈ !” પુનોભાઈ ન રહી શક્યો : “આમેય બાવા તો બન્યા જ છઈયેં ને, એટલે ધૂણી ધકાવશું.”

નાની ગડક-બારી ઉઘાડનાર સ્ત્રી હતી. એણે એક પછી એક ત્રણેય પુરુષોનો જોબન-વેશ ઉકેલ્યો. ખભે અકેક બંદૂક ચામડાના પટે લટકાવી હતી. બોકાનાં બાંધ્યાં હતાં. સુરવાળો પહેરી હતી. બદન પર ટૂંકા ડગલા હતા. માથે પાઘડીઓ હતી.

“હે ધજાળા !” કહેતા ત્રણેય જણાએ અંદરના નાના દહેરાના શિખર ઉપર ઊડતી ધોળી ધજાને હાથ જોડ્યા.

અંધારિયા પક્ષની બારસ-તેરસનો કંગાલ ચંદ્રમા, ગરીબ ઘરના તેલ ખૂટેલી દીવા જેવો, ક્ષયના રોગીના છેલ્લા ચમકાટ જેવો, વસૂકતી ગાયના રહ્યાસહ્યા દૂધની વાટકી જેવો, થોડીક વાર માટે ઉદય પામ્યો. ત્રણેય મહેમાનોના ચહેરામોરા વિશેષ ઉકેલ પામ્યા.

મશ્કરો પુનો બેઠી દડીનો, શિવનો પોઠિયો કોઈક શિવાલયમાંથી સજીવન થઈ ઊઠ્યો હોય તેવો દેખાતો હતો. એના માથા પરનું ફાળિયું પણ એના શીંગડા જેવા બે ઊભા ખૂણા સૂચવતું હતું. એની ગરદન ગરેડી જેવી હતી. પરોણાગત કરનાર ઓરતને સામી નજરે ન જોતાં એ તીરછી નજરે જ જોતો હતો. એને જોતાં જ જણાઈ આવે કે દુનિયાની લગભગ તમામ વાતો તરફ ત્રાંસી નજરે જ જોનારાં માણસો માંહેલો એ એક છે. એના મોં ઉપર માયા-મમતાની કોઈ સુંવાળી લીટી નહોતી. એની મૂછો, બે વીંછીને હોઠ ઉપર સામસામા ચોંટાડ્યા હોય તેવી વાંકડી ને જોવી ભયાનક લાગે તેવી હતી.

વાશિયાંગ, પુનાથી નાનેરો, બાવીસેક વર્ષનો માંડ હશે. એને જોતાં જ ઓરતે કહ્યું : “ભાઈ, શિખાઉ દેખાઓ છો.” એના દીદાર એક શિખાઉને જ શોભે તેવા હતા.

“વાહ, ભલો પારખ્યો ! અંજળી જેટલા અજવાળામાં શો સરસ પારખ્યો !” પુનો આ બાઈની સામે જોયા વિના બોલી ઊઠ્યો. બાઈએ એની સામે નજર કરી, તેટલામાં તો પુનો હનુમાનની મૂર્તિ સામે એક પગે ઊભો ઊભો ગાવા મંડી પડ્યો હતો :

અંજનીના લાલા !

હદમ બાલા !

દોઢ પગાળા !

સમદર ટપવાવાળા સ્વામી !

વજર કછોટાવાળા સ્વામી !

જે જશનામી ! વરદાની !

હનુમાનનું સ્તોત્ર ગાતોગાતો એ તીરછી નજરે પોતાની બગલ નીચેથી બાઈને જોતો હતો.

વાશિયાંગ કશો જવાબ આપી ન શક્યો, છતાં દિલમાં તો પામી ગયો કે આ બાઈએ પોતાને શિખાઉ ચોરની ઉપમા આપી છે.

“કોઈ પુરુષ માણસ કેમ નથી જણાતું આંહીં ?” એવું પૂછનાર લખમણભાઈ નામના ત્રીજા પુરુષને ઓરતે નીરખ્યો. સીધો સોટા સરખો, સવા પાંચ હાથનો ઊંચો એ જુવાન અંધારામાં જેવો રૂડો કલ્પેલો હતો તેના કરતાં વધુ સોહામણો દેખાયો.

એણે ધોતિયું પહેરી તે ઉપર પિછોડી લપેટી હતી. એક સફેદ અરધો ડગલો એની કમર સુધી ખુલ્લે બુતાને પડ્યો હતો. એની પાઘડી એના હાથણાં હતી. એટલે ઉઘાડે માથે અર્ધા ગોળની ટાલ કોઈ લીસા પથ્થરની ખરલ જેવી ચમકતી હતી. ચંદ્રનું બિંબ એ ટાલથી ભવ્ય લાગતા ભાલમાં જળ-રમતી કોઈ માછલી જેવું ઝળકતું હતું. પછવાડે લાંબી કેશવાળી હતી.

“કેમ ? પુરુષ વિનાની પૃથ્વી સૂનકાર બની જશે એવી બીકલાગે છે કે, ભાઈ ?”

“એમ તો નહિ, બેન !” પેલા પુરુષે કટાક્ષની સામે કટાક્ષ ન અફળાવ્યો, પણ ગંભીર ભાવે કહ્યું : “પણ માનવી વિનાનાં એકલાં તો આ દેવલાં નથી શોભતાં.”

“તમારે કોનું કામ હતું ?”

“બાવાજી પ્રતાપગરનું.”

“એ તો ચાલ્યા ગયા છે.”

“કાં ?”

“આંહીં કોઈ બહારવટિયો આશરો લેવા આવશે એ બીકે.”

“બીક શાની ?”

“સરકારે એની ઉપર તવાઈ કરી છે.”

“ક્યારે ગયા ?”

“કાલે સાંજે.”

“તમે આંહીં એકલાં ?”

“હું દુનિયામાં એકલી જ છું.”

“આંહીં કેમ રહ્યાં ?”

“બહારવટિયાને મળવા.”

“તમારો સાદ મને જાણીતો લાગે છે.”

“તમારોયે મને કોઈ જૂના ભણકારા જગાવે છે. મને તો તમે જોઈ પણ હશે.”

“ના; નથી લાગતું.”

“દેવકીગામના છો ?”

“હા; તમને ક્યાંથી ખબર ?”

“લખમણભાઈ પટગર તો નહિ ?”

“હશે.” પુરુષ ચમકતો હતો. તેને આ કોઈક બાતમીદરા બાઈ લાગી. “ધીમે બોલો, બેન !”

“તમે ભગત થઈને - ગાયોના ટેલવા થઈને - થાણદાર ગૂડ્યો ?”

“પણ, બાઈ, આ તો કાઠી ભગત કે’વાય.” પુના નામના બાંઠિયા સાથીએ બજરંગ-સ્તોત્ર ગાતાંગાતાં વચ્ચે આટલો વિસામો લીધો, ને પાછું એનું સ્તોત્ર આગળ ચાલ્યું.

“બાપને પણ ન મૂક્યો ? ગોત્રહત્યા કરી !” બાઈએ બધી જ વાતનું જ્ઞાન બતાવ્યું.

પુરુષના મોંમાંથી ફક્ત આટલો જ ઉચ્ચાર નીકળ્યો : “છઠ્ઠીના લેખ, બોન ! તમે અહીં ડરતાં નથી ?”

“શાનાથી ડરું ?”

“આ થાનક ને આ રાત - એકલાંને માટે અતિ ભેંકાર છે.”

“તો હું એથીય વધુ ભેંકાર ક્યાં નથી ? મને જોઈને તો નિર્જનાય ફાટી પડે.”

“તમે કોણ છો ? આવું કયા દુઃખે બોલાય છે ?”

“તમે કોના ગૌચર બાબત ધીંગાણે ઊતર્યા’તા, ભાઈ !”

“રૂખડ શેઠ - જેને ફાંસી થઈ - તેની રંડવાળ બાઈએ પોતાના ધણીની મિલકત પોતાની ગણી બસો વીઘા ગૌચરના કાઢ્યા. તે માથે હું ગાયું ચારતો. એ સૈયદનો છોકરો પણ પોતાની ગાયને ચારવા આવતો. રૂખડ શેઠના પિત્રાઈઓએ આ ગૌચરનું દાન થાણદાર પાસે જઈ રદ કરાવ્યું. થાણદાર અમને ગૌચર ખાલી કરવા કહેવા આવ્યા. સૈયદની ગાવડી ઉપર થાણદારના મુસલમાન ફોજદારે સીસાના ગઠ્ઠાવાળી સોટી ઝાપટી, ને ગાયના ત્યાં જ પ્રાણ છૂટ્યા. સૈયદના છોકરાએ ત્યાં ને ત્યાં પાણકો લઈ પોતાનું માથું વધેરી નાખ્યું; એટલે મારાથી ન રહેવાયું. બેન ! રાત જેવી રાત છે : પ્રાગડના દોરા ફૂટતા આવે છે : ખોટું નહિ બોલું, બેન ! મેં હાથ પે’લો નહોતો ઉપાડ્યો.”

“ને એ બાઈ ક્યાં ગઈ ?”

“કહે છે કે મલક ઊતરી ગઈ.”

એક ઘોડીની હણહણાટી સંભળાઈ. એટલે લખમણભાઈ નામના પુરુષને યાદ આવ્યું : “આવી જ હાવળ દેતી.”

“કોણ ?”

“એની ઘોડી.”

“એને ખુદને નો’તી દેખી ?”

“ના. ધણી ફાંસીએ ગયો તે પછી ગામ બહાર ચૂડલા ભાંગતી’તી ત્યારે ગામ જોવા ગયેલું. હું નહોતો ગયો.”

“કેમ ?”

“ચૂડીકરમ નથી જોવાતાં મારાથી.”

“ત્યારે બા’રવટુ કેમ કરી શકાશે !”

“પકડાઈ જવાનું મન થાય છે, માટે તો તમારી પાસે જાહેર થઈ જાઉં છું ને ?”

“ફાંસીએ ચડશો તો ?”

“તો કોઈને ચૂડીકરમ કરવું પડે તેમ નથી.”

“બેય વાતો બગાડવી છે ?”

“બગડી તો ગઈ ક્યારની.”

“પણ આ ભેગા બે સાથીઓ છે તેનુંય સત્યાનાશ કાં વાળો ?”

“એને માફી અપાવીશ.”

“અત્યારે તો સરકારની બેસતી બાદશાહી છે. માફી નહિ આપે.”

“મારે માફી નથી જોતી.” વાશિયાંગ નામનો બાળો જુવાન બોલ્યો : “મારે તો હજી ગોદડ વાળાનું નાક કાપવું છે.”

“શા માટે ?”

“એણે એક ભાવરનો ભવ બગાડ્યો છે.”

“પારકા કજિયા શીદ ઉછીના લ્યો છો, ભીયા ?”

“પારકો કજિયો શીનો ? પર-અસતરીને ફસાવનારો પુરુષ તો હરેક મરદનો અપરાધી છે, દેવનો દ્રોહી છે.”

“રંગ, મારા વીરા ! તમે ત્રણ ભેળી મને ચોથી ગણજો.”

“તમે ?” વાશિયાંગ ચમક્યો.

“તમે ? કોણ છો ?” લખમણે ફરીથી પૂછ્યું.

એ સવાલનો જવાબ દેતી પ્હો ફાટી. ડુંગરાની આડે ઊભેલો બાલસૂર્ય કેસૂડાંનાં પાણીની પિચકારીઓ ભરીભરી કોઈ અજાણી અનામી વાદળી-ભાભીનાં ચીર ભીંજવતો લપાઈ રહ્યો હતો. પોતાનો પહેરો પૂરો કરીને ચાલ્યા જતા ચંદ્રમાનો તેજ-પટો દૂરથી દેખાતો હતો.

ત્રણેય જણાએ બાઈનું મોં નિહાળ્યું. અંધારામાં સાંભળેલો અવાજ જાડો હતો; તે પરથી બાંધેલું અનુમાન જૂઠું પડ્યું. બાઈના ઝાંખા પડેલ ચહેરા પર લાવણ્ય હજુયે બેઠું હતું : સાપે ચૂંથેલા માળા પર ચકલું બેઠું હોય તેવી કરુણતાએ ભર્યું.

ઓરતના ઓઢણા નીચેથી ડાબી કમરના ભાગ પર કશુંક ઊપસી આવતું હતું. તેના ઉપર ત્રણેય દોસ્તોની નજર ઠરી. ક્ષણ પછી એ છયે આંખો બેઅદબીના અપરાધથી ડરી ખસી ગઈ.

“તમે ડરશો નહિ, વીરા મારા !”

એટલું કહીને બાઈએ કમર નીચે હાથ નાખ્યો. ઘડી પછી એના હાથમાં એક નાનો તમંચો, પાળેલા બાજ પક્ષી જેવો, રમતો થયો, ને બાઈ એને હાથણાં બેફિકરપણે હિલોળતી હિલોળતી, હસતી હસતી કહેવા લાગી : “આવડો નાનકડો પણ એક ભાઈ ભેળો હોય, પછી આવી એકાંતનો ને બા’રવટિયાનો શો ભો ? આ ભરેલો છે, હો કે !”

પુનાને ત્યાંથી ખસી જવાનું મન થયું : હમણાં જ જાણે ભડાકો થશે.

પ્રભાત પડ્યું. તેને રામરામ કરતી હોય તેમ ઘોડી હણહણી. લખમણભાઈએ ઘોડીને દૂર બાંધેલી નિહાળી. નિહાળથાં જ એ બોલવા ગયો : “તમે - તમે -”

“હું ભાઈની બેન છું. તમને તો, ભાઈ, મેં અવાજે પારખ્યા; કેમકે એક દિવસ તમારા બોલ મેં સાંભળ્યા હતા.”

“ક્યાં ? ક્યે દિવસે ?”

“મહીપતરામ જમાદાર નવા બદલી થઈને આવ્યા, અમારા ઘેરે ઊતર્યા, તેને વળતે દિવસે તમે અમારી ડેલીએ આવેલા. આગલી રાતે ગાડામારગને કાંઠે અમારા ખેતરની થોરની વાડ તમે ગૂડી’તી - તેનો ખુલાસો કરતા’તા તમે.”

“ત્યારે તો શુકન થયાં. બેન જડી.” લખમણભાઈએ બંદૂક પર હાથ દીધો.

“બેન જ જડી માનજો, ભાઈ ! ને એક વાતની ગાંઠ વાળજો : સોંપાજો મા ! ગમે તેવાં વચન આપે તોય ન સોંપાજો ! દગલબાજ છે બધા.”

“ને કાયદાએ ઘાણ કાઢી નાખ્યો છે આપણો.” પુનો ત્રાંસી આંખે બોલ્યો. એણે હવે બેઠાંબેઠાં માળાના જપ માંડ્યા હતા.

“કાયદો શેનો ? હું તમને - અરે, તમારી મરેલી મને - હીણપ દઉં, ને તમે મને મારી નાખો - છડેચોક ચેતવણી દઈને ઠાર મારો - એમા ંકાયદો ક્યાં વચ્ચે આવ્યો ?”

“હા જ તો !” લખમણભાઈએ પણ પોતાના મનોવ્યાપાર પ્રગટ કર્યા : “મને આમાં કાંઈ ગમ પડતી નથી કે બેન, તમારા ધણીની કાઢેલી મિલકત, એમાંથી તમે ગૌચરની ખેરાત કાઢો છો - એમાં કાયદાનો બાપ કોણે માર્યો ?”

“કેમ, કાયદાનો બાપ થાણદાર ચે. ઈ થાણદારને તો તમે માર્યો !” અણસમજુ વાશિયાંગે મુદ્દો પકડ્યો.

“મેં તો માર્યો, કારણ કે એણે સૈયદના છોકરાને મરવા જેવો મામલો ઊભો કર્યો, ને ગાય મારી. ગૌચર ઝૂંટવી લીધું. છતાંય હું ન મારું ? તો પછી ક્યારે મારું ? કોને મારું ?”

લખમણભાઈની આ દલીલ-સરણી હતી. જૂના સોરઠની એ વિચાર-પદ્ધતિ હતી. એણે ઉમેર્યું : “ને એમ હોય તો થામદારનો છોકરો ભલે ને મને કોક દી ઠાર મારે. હિસાબ તો એમ જ પતે છે. એમાં વચ્ચે કાયદાનું પોથું શેનું ગોડો કુદાવે છે ?”

“કાયદો એક ઇંદ્રજાળ છે; એક ફાંસલો છે. ખરો કાયદો તો કોઈ પાળતું જ નથી. જુઓ ને, વાઘેરો ઉપર સરકારી મનવારોએ ગલોલા છોડ્યા. તે ગલોલા તરબૂચ-તરબૂચ જેવડા; ને વાઘેરોની ગોળીઓ તો હતી સોપારી સોપારી જેવડી : એનું નામ જુદ્ધ ? એનું નામ કાયદો ? ઇન્સાફ ક્યાં રહ્યો’તો ત્યાં ?”

પુનાએ કહ્યું : “હવે, ભાઈ, તમે આ ભણતર મેલી દીયો, ને ઝટ ક્યાંઈક આશરો લેવાની વાત પર આવો, નીકર જૂનાગઢની ગિસ્ત આવી જાણો...!”

“આવે તો શું ?” લખમણે કહ્યું : “આંહીં મંદિરમાં કોઈ ઝાલે તેવી મગદૂર નથી.”

“હાલો, તમને આશરો બતાવું.” કહીને એ ઓરત ત્રણેય જણાને દોરી ગઈ. દેવ-પ્રતિમાની પછવાડે એક પથ્થરને જમણી બાજુના ખૂણા ઉપર દાબતાં જ પથ્થર ખસ્યો : ભોંયરું ઊઘડ્યું.

“તમને હું ફસાવતી હોઉં એમ તો નથી લાગતું ને !” એટલું કહી હસતી હસતી એ પોતે જ ભોંયરામાં ઊતરી ગઈ, ને નીચેથી એણે પથ્થર બંધ કરી દીધો.

ત્રણેય મુસાફરોએ, ધરતી જેવી ધરતી ફાળી. થોડી વારે ઓરત પાછી બહાર આવી.

“હવે ચાલો.”

“ક્યાં ?”

“ધજાળા દેવની સન્મુખે.”

“શા માટે ?”

“સોગંદ લેવા, કે ચારમાંથી કોઈ જાન જાતાં પણ ખુટામણ નહિ કરીએ. ખુટામણ કરે તેને ધજાળો પહોંચે ને મરવા સુધી આપણું બા’રવટું ચાલે. તેમાં જે જે દુઃખિયાઓ ભળળા આવે તેને જાણીતપાસી ભેળવવા. તે તમામનાં વેરની વસૂલાત સહુએ સાથે મળીને કરવી.”

બલોયાં, બંગડી કે ચૂડાવિહોણા આ ઓરતના હાથ પ્રત્યેક બોલના તાલમાં હવા જોડે અફળાતા હતા. એ અડવા હાથની તાકાત એના પંજામાં પ્રસરતી હતી. પંજો મૂઠી ભીડતો ત્યારે હથોડો બની જતો. મુઠ્ઠીના આઘાતે આઘાતે જાણે કે હવામાં તરતી કોઈ એરણ પર એ કશો ઘાટ ઘડતી હતી. પ્રત્યેક ઘાટ એના અંતરમાં એકાદ મનસૂબો સરજાવતો હતો. ઠોળિયાં વિનાની એની કાનની બૂટો મોટાંમોટાં છિદ્રો સહિત ઝૂલતી હતી. એ ઝૂલતી કાન-બૂટો એ ઓરતને કોઈ કાનફટા જોગીનો સીનો આપતી હતી.

એણે જ ચારેયને પ્રતિજ્ઞા લેવરાવી. ત્રણ પુરુષો એની સામે તાલીમ લેનારા કોઈ ચેલકાઓ જેવા મૂંગા ને રાંક બની ગયા. પ્રતિજ્ઞા લેવામાં ચારેય જણાએ પોતાનાં હથિયારો પલાંઠી સામે જ રાખ્યાં હતાં; ને પ્રત્યેક પ્રતિજ્ઞાના બોલ બોલવા સાથે પોતપોતાનું હથિયાર આંખોને અડકાડવાનું હતું.

દિવસ ચડ્યો ત્યારે ઊનાઊના રોટલા અને તાજી છાશ, તાજાં માખણ, તાજાં શાકની દેણકી વગેરે લઈને જગ્યાને દરવાજે બે વનકન્યાઓ આવી પહોંચી. આવીને કહ્યું : “લ્યો, મા, આ શિરામણ.”

“લાવ્યાં, બેટા ?”

ઓરત આંહીં રહ્યા પછી થોડા જ મહિનામાં આજુબાજુના માલધારીઓના નેસડાની ‘મા’ થઈ પડી હતી.

“હા, મા ! કાલથી હું તેજુ એકલી જ આવીશ. હીરબાઈ તો જાશે.”

“ક્યાં ?”

“સાસરે.”

“સાસરે જવું ગમે છે ? હેં, હીરબાઈ !”

મોટી કન્યા નીચું જોઈ ગઈ.

“આંહીનાં જેવું રમવાનું-કૂદવાનું નહિ મળે ત્યાં.”

હીરબાઈની આંખમાં આંસુ આવ્યાં.

“તારું સાસરું કયે ગામ ?”

“દોણ-ગઢડા.”

નામ સાંભળીને ઓરતે ઊનો નિશ્વાસ નાખઅયો; પછી કહ્યું “આવજે, બેટા.”

બેઉને વળાવી પાછા દરવાજા ભીડી ઓરતે બહારવટિયાને રોટલા પીરસ્યા.

બેઉને વળાવી પાછા દરવાજા ભીડી ઓરતે બહારવટિયાને રોટલા પીરસ્યા.

પુનો ચકળવકળ આંખે હજુ ડેલા તરફ જોઈ રહ્યો હતો. વાશિયાંગની જીભ પણ પૂછુંપૂછું કરતી તલપાપડ થઈ રહી હતી. લખમણભાઈએ તો પૂછ્યું પણ ખરું : “એ બાઈઓ કોણ હતી ?”

“વગડાની હરણ્યું હતી, ભાઈ ! બહારવટિયાએ બહુમાં બહુ ચેતવાનું હોય તો આ ભોળી છોકરીયુંથી. ડુંગરામાં નદીને ઝરણાંનો જેમ પાર નથી, તેમ આવી કન્યાઓનાય ફાલ ઊભરાયા છે. સીધી સંધ્યાની વાદળીઓમાંથી ઊતરી આવી હોય એવી તો એની મુખકાંતિ છે. મકરાણીઓ એના કાળ બન્યા છે. છોકરીઓ પણ, ભોળી ભટાક, દીવા માથે ફૂદાં ઝંપલાવે તેમ, મિયાંઓના મોહમાં લેવાય છે. એનો કોઈ રક્ષણહાર ન મળે.”

સાંભળતાં જ ત્રણેય પુરુષોના દેહમાં લાગણીઓ દબાઈ ગઈ. તેઓનાં હૃદયમાં રક્ષાનો ભાવ ચેતાયો.

“આ છોકરીઓમાંથી એક હવે જીતી નહિ આવે.” ઓરતે પરોણાઓને ચમકાવ્યા.

“કેમ ?” લખમણભાઈએ પૂછ્યું.

“એ હરણી હાલી છે દીપડાની બોડમાં.”

“ક્યાં ?”

“દોણ-ગઢડે. મકરાણીો એને ચૂંથી નાખશે. આઠેક દિવસમાં સાંભળશું.”

“એટલે ? શું સાંભળવા વાટ જોવી છે ?” વાશિયાંગનો મિજાજ ફાટ્યો.

“એ બાવોજી આવ્યા.” ઓરતે કાન માંડ્યા. “આ ગળુ ંજ અમારા શાદુળાનું.” ઓરતે કૂતરાના ડાઉડાઉ અવાજને પારખ્યો. એ ઉઘાડવા ઊઠી.

“હવે મારો શ્વાસ હેઠો બેઠો.” લખમણભાઈએ સાથીઓને કહ્યું. હજુ સુધી બાંધી રાખેલાં હથિયાર ત્રણેય જણાએ છોડી નાખી ખીંટી પર લટકાવ્યાં.

ધજાળાના થાનકની ડેલી થોડે છેટી હતી. ઓરત બે સાંકળ અને ત્રણ આગળિયારી ઉઘાડતાં ઉઘાડતાં પૂછતી જતી હતી : “શાદુળા ! કેમ બહુ ભસે છે, ભાઈ ? બાપુ કેમ બોલતા નથી ? અમથા તો કાળી રાતે આવે ત્યારેય ‘આદેશ ! આદેશ ! આદેશ !’ જપતાહોય છે.”

‘આદેશ’ એ દસનામ સાધુઓનો મિલન-બોલ છે.

છેલ્લો આગળિયારો ખસેડી દરવાજો ખુલ્લો કર્યો ત્યારે ત્યાં બે ઘોડા જોડેલી એક ઘોડાગાડી ઊભી હતી. હાંકવાની ગાદીવાળી બેઠક ઉપર શિકારીના લેબાસવાળો એક પુરુષ બેઠો હતો, એના હાથના પંજામાં લગામ રમતી હતી. આગળ ઊભો ઊભો એક ખાસદાર ઘોડાની માણેક-લટ પંપાળતો હતો. ગાડીની પાછલી બેઠકો પરથી ચારેક જણાએ ઠેક મારી ડેલીમાં પ્રવેશ કર્યો. નાની બારીને બદલે મોટા દરવાજા ખોલવા માંડ્યા.

કૂતરો એ સર્વની સામે ઝનૂનભર્યા ડાઉકાસ કરી છલાંગો ભરતો હતો, બે જણાાન પગની પિંડીઓમાંથી લોહી ચાલી રહ્યાં હતાં.

કૂતરાએ છેલ્લી તરાપ એ હાંકનાર શિકારી પર કરી. શિકારીના કલેજા સુધી કૂતરો પહોંચે તે પૂર્વે તો શિકારીની બંદૂકનો કુંદો ઊંચો થયો. બરાબર બમણાં પર ફટકો ખાઈને કૂતરો જમીન પર ઝીંકાયો.

“કોણ છો તમે ?” હાક મારતી ઓરત બહાર ધસી. જગ્યાના દરવાજા તરફ ગાડીને ખેંચી જવાનું જોશ કરી રહેલ ઘોડાઓને એણે લગામો ડોંચીને પાછા ધકેલ્યા. પૂછ્યું : “ઊભા રો’, કોણ છો ? આ દેવતાના કૂતરાને ઠાર મારનાર કોણ છો તમે ?”

“તું તો નવી ચેલી ને ?” દાબેલા પાસામાંથી વાજું જેવા સૂર કાઢે તેવા સૂરે શિકારી આગેવાન ગાડીની ઊંચી બેઠક પરથી બોલ્યો. બોલતી વેળા એની આંખો ઘેનમાં ઘેરાયેલ હોય તેવી અરધી મીંચેલી હતી. માથા પર ટેડી પડેલી ખાખી હૅટને એણે વધુ ટેડી ગોઠવી.

નીચે ઊભેલી ઓરતની આંખો તરફડિયાં મારતા કૂતરા તરફ હતી. માથું ઊંચું કરી કરીને કૂતરાએ નેત્રો ધજા ઉપર ઠેરવ્યાં. પછી એ પટકાયો. એના ડોળા રાતી ધજા સામે ફાટતા રહ્યા. એના મોંમાંથી ફીણ ઝરતાં હતાં. ધરતીનું જે ધાવણ પીધેલું તે પાછું ચૂકવીને કૂતરો જિંદગીના કરજમાંથી ફારેગ થઈ ગયો.

બાઈનું હૈયું ભેદીને બોલ નીકળ્યો : “આ ધજાની છાંયડીમાં તમે જીવ માર્યો ?”

ઘોડાગાડી તરફ આગળ વધતી ઓરતને અટકાવવાની મૂંગી ઈશારત કરતો શિકારીનો હાથ ઊંચો થયો. પાસવાનોએ ઓરતના કદમો રૂંધ્યા.

“ઊભી રહે.” શિકારીએ માંજરી અધમીંચી આંખોની પાપણો પટપટાવી. “બીજોય જીવ માર્યો છે, જોતી જા.”

એટલું કહીને એણે ગાડીને મોખરે પોતાના પગ પાસે પડેલા શિકાર પર નજર ચીંધાડી, પણ એની આંખો ઓચિંતી કોઈ તણખો પડતાં દાઝી હોય તેમ ચમકી ઊઠી. એની જીભ પણ જરાક બહાર નીકળી.

પોતાનો માલિક ચમકી ઊઠવાની નિર્બળતા ધરાવે છે, એવો આ પહેલો જ અનુભવ સાથીદારોને થયો. તેઓ નજીક ગયા. ઓરતને પણ અચંબો લાગ્યો.

શિકારીએ શિકાર પરથી આંખો બીજી તરફ સેરવી લીધી. ડાબી બાજુના આકાશ તરફ એ જોઈ રહ્યો. શિયાળુ આકાશની કૂણીકૂણી તડકીમાં વેંતવેંત-વા ઊંડી ઘાટી ઊનથી ભરેલાં હજારો ઘેટાં જેવાં સફેદ નાનકડાં વાદળી-ધાબાં એકબીજાની ગોદમાં લપાઈ ઊભાં હતાં. એક મોટી વાદળી, એ મેંઢાંને ચારતી ગોવાળણ-શી સીધી, પાતળી સુડોલ અને લહેરાતી થોડીક વેગળી ઊભી હતી.

ત્યાંથી ધકેલાઈ હોય તેમ શિકારીની આંખો ફરી એક વાર પોતાના પગ તળે પડેલા શિકાર તરફ ફરી. એણે તાક્યું. એનું મોં ફાટ્યું. બીજાઓ એને ડરી ગયેલો ન માને તેવી સિફતથી એણે પોતાની આંખો પર પંજો ઢાંક્યો : જાણે પોતે સૂરજનાં કિરણોને ખાળવા માગે છે.

“ઉતારી નાખો.” એણે આદેશ આપ્યો.

સાથીદારોએ મૂએલા પ્રાણીને નીચે ઉતાર્યું. ધીરે રહીને ધરતી પર મૂક્યું. બાઈએ એ ઓળખ્યું.

એ એક સસલીનું મડદું હતું. એનું પેટ કોઈ ચીભડાની ગાંસડી ફસકી પડે તેમ ચિરાઈ ગયું હતું. એના નીકળી પડેલા ગર્ભાશયમાં બે બચ્ચાં જાણે કે નીંદર કરતાં હતાં. શિકાર કરીને સસલીને ગાડીમાં નાખી તે વખતે આ દેખાવ તેને નહોતો દેખાયો.

શિકારી કંપતે પગે ગાડીથી નીચે ઊતર્યો. એક શિલા પડી હતી, તેના પર એણે બંદૂકની નળી વતી ઝાલીને પછાડી. એના હાથ જોરદાર હતા. પહેલા જ પ્રહારે બંદૂકના લાકડાના હાથાના છોડિયાં ઊડી પડ્યાં.

એક ઘોડેસવાર તરફ ફરીને શિકારીએ પૂછ્યું : “નજીકમાં કયું શહેર છે ?”

“આપણું.”

“આ લ્યો : આ દસ રૂપિયા. બે સાચી અટલસની સોડ્યો લાવીને અહીં આપી જાજો સાંજ સુધીમાં.”

ઘોડેસવારે ઘોડો દોડાવી મૂક્યો, ને શિકારી આ ઓરત સામે ફર્યો : “આ બેય જીવને દટાવી દેશો તમે ?”

ઓરતે મૂંગી હા કહી. પાંચ રૂપિયા એણે એક બીજા સાથીના હાથમાં મૂક્યા; કહ્યું : “હનુમાનજીને ધરી આવ.”

ફરીફરીને એણે મૂએલી સસલીના ચૂંથાઈ ગયેલ આઉની અંદર બે સૂતેલાં બાળ દીઠાં. “આવું - આવું તો કોઈ દી નહોતું બન્યું.” એ વાક્ય શિકારી ત્રણ વાર બોલ્યો.

ઘોડાગાડી પાછી વળી ગઈ. શિકારીએ લગામ બીજા જણના હાથણાં સોંપી. પોતે પાછળની ગાદી ઉપર ઢીલો થઈ પડ્યો. રસ્તામાં એક-બે વાર એણે પૈડાં નીચે નજર નાખી.

“કેમ, બાપુ ?” કોચમેન પૂછતો હતો : “કાંઈ જોઈએ છે ?”

“ના, એ તો મને પૈડાં હેઠળ કાંઈક ચેપાતું હોય એવો વહેમ આવ્યો.”

“ના, ના; એ તો નદીનું વેળુ હતી.”

ડેલીના ધિંગા દરવાજા ફરીથી બંધ કરીને ઓરત અંદર ગઈ. મહેમાનોને ન દીઠાં. ‘ગોકીરો સાંભળીને ભાગી ગયા કે શું ?’ એવું વિચારતી એ મંદિરમાં પેઠી.

મંદિર તો એનું માત્ર નામ હતું. એ તો હતો એક પુરાતન કોઠો. કાળાંતરના ઇતિહાસને કલેજામાં સંઘરતો એ કોઠો ત્યાં ઊભો હતો.

એ કોઠાની અંદર સાફસૂફી કરીને કોઈ બાવાએ એક પથ્થર પધરાવ્યો હતો, ને ઉપર રાતી ધજા બાંધી હતી.

ઓરત અંદર ગઈ. જુએ છે તો વાશિયાંગના ખભા ઉપર પુનો ઊભો હતો. ને પુનાને માથે લખમણભાઈ ચડ્યો હતો. કોઠાની દીવાલને ઓથે આ ત્રણેય ઉપરાઉપરી ઊભા હતા. લખમણભાઈના હાથમાં બંદૂક હતી. બંદૂકની નાળી એક ઊંચા મોરચા (બાકોરા)ની આરપાર રાખીને લખમણભાઈ કોઠાની ટચે એક ઝીણા જાળિયા વાટે જોઈ રહ્યો હતો.

“ગયા.” કહીને લખમણે બંદૂક પુનાના હાથમાં આપી. પુનાએ વાશિયાંગને દીધી. જીવતા ત્રણ જણાની રચાયેલી નિસરણી વિખેરાઈ ગઈ.

“ત્યાં ઊંચે ચડીને શું કરતા’તા, ભાઈ ?”

“નિશાન માંડતો’તો.” લખમણે કહ્યું : “તમે અમને હાકલ કેમ ન કરી ?”

“મારે તમને છતા નહોતા કરવા. એ બચાડા મને શું કરત ? નાનેરો ભાઈ તો મારી ભેરે જ છે ને !” એમ બોલીને એણે કમ્મર પરના તમંચાને હાથ અડકાડ્યા.

“ઓળખ્યો એને ?” લખમણભાઈએ પૂછ્યું.

“કોણ ?”

“મારો બનેવી. કૉલેજમાં ભણેલોગણેલો રામગઢનો કુંવરડો.”

“તમારો બનેવી ?”

“નહિ ત્યારે ? બેનનો ચૂડો આ બંદૂકની નાળ્યા આડે ન આવ્યો હોત તો એ બાપડો કાંઈ આજ ધજાળાને કોઠેથી જીવતો પાછો વળી શકત ?”

“પાછો વળ્યો - ભલે વળ્યો : માણસાઈ લઈને વળ્યો દીસે છે.”

“કેમ વળી ગયો ?”

“ગાભણી સસલીનો પૂરે માસે શિકાર કર્યો. ફાટી ગયેલ ગાભમાં બે બચ્ચાં જોયાં, તેથી કંઈક થઈ ગયું.”

“અરે, રાખો રાખો, બેન !” પુનાએ કહ્યું : “રાજકોટની કૉલેજમાં ભણેલ રાજકુંવરડાને ગાભણી સસલી જોયે માણસાઈ આવે ? શું બોલો છો તમે ? તો તો ઈલમ શીખવનારા સાહેબોની પત્ય જાય ને !”

“કંઈક થાનકનું સત.” લખમણે કહ્યું.

“બેનનો પોતાનો જ કોઈક દેવતાઈ અંશ એને સૂઝી ગયો.” વાશિયાંગે ટીકીટીકીને ઓરતની સામે જોયું.

“બેનના સતના પ્રતાપે તો અમે ઊગરી ગયા. અમે તો આશા મેલી દીધી’તી. હમણાં ઝાટકે આવી જશું એવી ધારણા હતી.”

“કેમ ?”

“હનુમાનજીને રૂપિયા ધરવા આવનારો આદમી ભે ખાઈને બહારથી જ રૂપિયા ફગાવી ભાગી નીકળ્યો. અંદર આવ્યો હોત તો એને જ અમારે ઠાર રાખવો પડત ને !”

એ જ પળે કોઠાની ચિરાડમાંથી ઘુવડ ઘૂઘવ્યું. તોપના ગોળાને છાતી પર ઝીલનારાઓ નાના-શા અપશુકનને નથી સહી શકતા. ઘુવડની વાણી એ ચારેય જણાને કાળવાણી લાગી : હમણાં જાણે કોઠો ખળભળી જઈ ચારેયના ઉપર કબર ચણી લેશે.

ઓરતે જોયું તો ત્રણ મરદનાં કલેજાં પારેવાંની માફક ફફડે છે. એણે કહ્યું : “ભાઈ, તમે આજ રાતમાં જ બીજો કોઈ આશરો ગોતી લ્યો. માલધારીઓની દીકરીઓને સનસ આવી ગયેલ છે, ને આ શિકારીનું ટોળું પણ ગંધ લીધા વગર નહિ ગયું હોય.”

“અમે પણ, બેન, એક દા’ડાની જ ઓથ લેવા આવ્યા હતા. અમારું પગેરું ઊલટી જ દિશામાં નીકળએ, એટલે, સરકારી ગિસ્તો એક દિવસ તો આ દૃશ્યે આવે જ નહિ, એવો બંદોબસ્ત કરીને અમે આવેલા. હવે અમે ખુશીથી જશું.”

“ને પછી તમારા મુકામની મને જાણ દેજો, હું ચાલી આવીશ.”

“ને જો પકડાઈ જઈએ તો ?”

“તો જેલમાં મળશું. એક વાર જેલને માથે વાવટો ચડાવીને પછી મરશું. પણ મરવા અગાઉ મારું એક કામબાકી રહી જાય છે.”

“કહો, બેન.”

“માણેકવાડાના ગોરા પોલિટિકલ સા’બ સાથે હિસા’બ પતાવવાનો.”

“શાનો હિસાબ ?”

“એ પછી કહીશ. એક વાર તમે ઠરીને ઠામ થાવ.”

રાત્રે ત્રણેય જણાએ તૈયારી માંડી. લખમણભાઈ અને પુનો દારૂગોળાની તજવીજ કરતા હતા, ત્યારે જુવાન વાશિયાંગ ડેલીની ચોપાટમાં બેઠો હતો. ઓરત ડેલીનો દરવાજો તપાસવા જતી હતી.

એના હાથમાં જૂનવાણી ફાનસ હતું.

“કેમ, ભાઈ !” ઓરતે બંદૂકની નાળી પર ટેકવેલું વાશિયાંગનું મોં જોઈને પૂછ્યું : “તમારે તો ઘેરે બાળબચ્ચાં છે, ખરું ?”

વાશિયાંગે દયામણું મોં હલાવ્યું.

“હવે તો એને વીસરવાનાં.” બાઈએ ટાઢો ડામ દીધો.

વાશિયાંગ મોં ફેરવી ગયો. ઓરત વધુ કઠોર બની : “કલેજું વજરનું કરવાનું.”

“મને આંહીં તમારી પાસે રહેવા દેશો ?” વાશિયાંગનું રૂપાળું મોં સહેજ જળે ભરેલી આંખોએ કરી વધુ સોહામણું બનેલું હતું.

“શા માટે ?”

“તમારે માટે મને મરવાનું મન થાય છે.”

“પણ વગર જરૂરે ?”

“મરવું તો છે જ. તો પછી મોતનો કસુંબો મીઠો કેમ ન કરી લઉં ?”

એની આંખ કસુંબલ ચટકી પકડી રહી હતી.

“ભાઈ, તુંને મોહ થયો છે. એવા મોહ તો પગલેપગલે થાશે. ચેતજે, ભાઈ, બેય બગાડીશ મા.”

“મને એક વાર દુઃખણાં લેશો ?”

“ભાઈ, રહેવા દે. ભીતરના ભોરિંગને પડ્યો રહેવા દે. તારા દિલના રાફડાને વધુ ઘોંકાવીશ નહિ.”

એટલું કહેતી જ ઓરત દીવો લઈને અંદર ચાલી ગઈ. પાછળ એક ભડાકો થયો. કોઠો ધણધણ્યો. સૂતાં પક્ષીઓએ કિકિયારીઓ પાડી. ત્રણેય જણાં ડેલીમાં આવીને જુએ છે તો વાશિયાંગને પોતાની બંદૂક ખાઈને પડેલો દીઠો.

“આ શો ગજબ ” લખમણભાઈ આભો બન્યો.

“એ ગજબની વાત હું સમજું છું.” બાઈએ કહ્યું : “પણ તમે બેય હવે નીકળી જાવ. બંદૂકનો ધડાકો આંહીં હમણાં ટોળું ભેળું કરશે. તમારે નાહક ભીંત હેઠળ ભીંસાઈ જવું પડશે. ભાગવા માંડો.”

“લાશને અવજમંજલ -”

“હું પહોંચાડીશ. ભરોસો રાખો.”

વાશિયાંગના હથિયારો ઉઠાવી લઈ બેઉ જણા કોઠાની પાછલી બાજુથી નીકળી ગયા. ઓરત મંદિરમાં દોડી.

હનુમાનના કોઠાની ઝીણીઝીણી ખીલીઓ ઉપર બાવાએ ઘણીઘણી ચીંથરીઓ લટકાવી હતી. તેમાંથી ‘ઘા-બાજરિયા’ નામની વનસ્પતિની ચીંથરી છોડીને ઓરતે ચારેક બાજરિયાં બાળી નાખ્યાં. તેની રાખ વાશિયાંના જખમ ઉપર દાબી, પાટો કસકસાવીને બાંધી દીધો. જખમ એક બાજુ થયો હતો.

બેહોશ પડેલા એ જખમીનું મોં ઓરત જોઈ રહી, ને બોલી : “આખરે તેં તો તારું ધાર્યું જ કર્યુ ં તું મારી પાસે જ રહ્યો.”

એના કલેજા ઉપર બાઈએ પંજો મૂક્યો. સામે બળતું ફાનસ એને કોઈ ચૂપચાપ જોઈ રહેલું જીવતું માનવી લાગ્યું.

થોડી ઘડી હાથ ખચકાયો. પછી એ હાથ જખમીની છાતી પર ચોરની જેમ, અપરાધીની જેમ મંડાયો. જખમીના હૈયાના ધબકારાની ગતિએ એને ગભરાવી. એને ફાળ પડી : ‘આ તો જીવે એવું જણાય છે. શી વીતી ? શી વીતશે ?’

વાશિયાંગ જીવે તેનો ભય ? શા માટે ? ઓરત પોતાના અંતરના અટપટા ભોંયરામાં જાણે કે દીવા વગરની ભટકતી હતી.

૨૨. મરદનું વચન

તે પછીના માઘ મહિનાની બીજે, ત્રીજે, ચોથે... ને પૂનમે - પંદરેપંદર અજવાળિયાંએ રોમાંચક બનાવો દીઠા. ભદ્રાપુરનો કાઠી દરબાર ગોદડ વાળો વીફરીને પ્રગટ ધિંગાણે ઊતર્યો. એના જૂથની બંદૂકોએ ગોળીબારોની ધામી ફોડી. તેની સામે મહીપતરામની પોલીસ-ટુકડીએ રૂનાં ધોકડાંના ઓડા લીધા. શત્રુની ગોળીથી સળગી ઊઠતાં ધોકડાં પર પાણી છંટાવતો, ધોકડાં રોડવી રોડવી તેની પછવાડેથી તાસીરો ચલાવતા મહીપતરામ ગોદડ વાળાના મોરચાની લગોલગ જઈ પહોંચ્યા; ને એણે સાદ પાડ્યો : “ગોદડ વાળા ! જીવતો સોંપાઈ જા. મારું બ્રાહ્મણનું વચન છે કે તને સાચવી લઈશ.”

ગોદડ વાળાએ લાકડી ઉપર ફાળિયું ચડાવીને ધોળી ઝંડી ઊંચી કરી. ગઢની રાંગ આડેથી નીકળીને એ સન્મુખ આવ્યો. બંદૂક એણે ભગાવી નાખી.

મહીપરામને ધોકડાની આડેથી નીકળતા દેખી સિપાઈઓએ એને પકડી રાખ્યા : “અરે સાહેબ ! એ કાઠીનો ભરોસો હોય ? મા જાવ; હમણાં એ દગો દેશે.”

“દગાથી ડરીને હું જૂઠો ઠરું, તે કરતાં તો દગલબાજીથી મરું તે જ બહેતર છે.”

એટલું કહીને મહીપતરામ સામે ચાલ્યા. ગોદડ વાળાની જોડે હાથ મિલાવ્યા. “દરબાર સાહેબ, શાબાશ છે તમને !” કહી પીઠ થાબડી, પછી પૂછ્યું : “એકલા તો શરમાશો ને, દરબાર ?”

“શી બાબત ?”

“હાથકડીનો હુકમ છે.”

“હવે હાથમાં આવ્યો છું, પછી ચાહો તે કરો ને !”

“ના, હું ને તમે જોડીદાર બનશું : નામોશીની પણ વહેંચણ કરશું.”

“કેવી રીતે ?”

“બતાવું છું.”

હાથકડી પોતે પોતાના જમણા કાંડામાં અને ગોદડ વાળાના ડાબા કાંડામાં પહેરાવી. હાથની ભુજાઓ પણ - દરબારની તેમ જ પોતાની, બન્નેની ભુજાઓ - રસીને બે છેડે બાંધવા પોતે હવાલદારને હુકમ આપ્યો.

“ને હવે હું ને તમે ભાઈબંધો છીએ તેવું તમારી વસ્તીને પણ જોવા દો.”

એમ કહી પોતે દરબારને લઈ ભદ્રાપુરની બજારમાંથી નીકળ્યા. પાછળ બેઉની ફુજાઓ સાથએ બાંધેલી રસી ઝાલીને હવાલદાર ચાલતો હતો. તેની પાછળ પંદર પોલીસો હતા. પંદર બંદૂકો ઉપર સંગીનો ચમકતાં હતાં. ગામલોકોને ગમ ન પડે તેવું ગૂઢાર્થભર્યું આ દૃશ્ય હતું. કાઠિયાવાડમાંથી એક રાજા-દરજ્જાના દરબારને હાથકડી પહેરાવી કેદીનો જાહેર તમાશો કરવાનો એ પહેલો બનાવ હતો. ઘડી પૂર્વેના ‘અન્નદાતા’ની આવી અનાથતા દેખનાર વસ્તી આંધળી નહોતી, અબુધ નહોતી. એક વિપ્ર એને પકડી જતો હતો. એક જનોઈધારીએ બડકંદાજી કરી હતી. વસતીની દૃષ્ટિએ મહીપતરામ નવા જુગનો પરશુરામ લાગ્યો. ‘કાંટિયું વરણ’ એ નામથી મૂછોના આંકડા ચડાવનારા મરદો, સંધીઓ, મિંયાણા, ખાંટ, ગધઈ, સપાઈ, મકરાણીઓ - જેઓ જેઓ દરબારને આશરે ભદ્રાપુરમાં આવી રહ્યા હતા તે હુ ડેલીઓમાં, ચોરા માથે, નવીસવી થયેલી પાંચેક હોટેલોમાં ને ગામ-ઝાંપે સ્તબ્ધ બની ગયા. તેોની કડિયાળી ડાંગો ને ફૂમકિયાળી છૂરીઓ ઝૂલવું પણ વીસરી ગઈ. દરબારને પણ ગમ ન પડી કે વસતીની આજની સલામો પોતાની સામે નીચી ઝૂકવાનું ભૂલીને આવી તોછડી કેમ બની ગઈ ! ને એ ઊભી બજારે થઈ રહેલી સલામોને મહીપતરામ કેમ ઝીલી રહ્યા હતા ? શું આ બધી સલામો પોતાને ભરાતી હતી ? - કે મહીપતરામને ?

રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સમાં મોટો મેળાવડો ભરાયો. એજન્સીએ મહીપતરામને સોનાની મૂઠવાળી કીરીચ બંધાવી. મેળાવડામાં હાર રહેલા પોલીસ-ઉપરી, આસિસ્ટંટ ઉપરી અને ત્રીજા ઘોડેસવારોના ઉપરી - એ ત્રણેય ગોરાઓએ ભાષણો કર્યાં. તેનો જવાબ આપવા ઊભા થનાર મહીપતરામને કશું બોલતાં જ ન આવડ્યું. એણે ફક્ત એટલું જ માગ્યું કે “ગોદડ વાળા દરબારને જીવતા રહેવા દેવાનું મેં વચન આપેલ છે તે સરકાર બહાદુર પાળશે તો મારો બ્રાહ્મણનો બોલ રહ્યા ગણાશે.”

પછી સાહેબોએ સિપાઈઓને કહ્યું : “હર એક આદમી કુછ બોલો.” તેના પાલનરૂપે સિપાઈઓમાંથી કોઈકે રાગ કાઢીને ગાયું.

છજાં જાળિયાં માળિયાં ખૂબ છાજે

- એ જૂની ગુજરાતી ચોપડીનું દલપત-ગીત. બીજાએ ‘ભેખ રે ઉતારો રાજા ભરથરી !’ વાળું ‘ભર્તૃહરિ’ નાટકનું ગીત લલકાર્યું. કોઈક બ્રાહ્મણ હતો તે રડ્યોખડ્યો શ્લોક બોલ્યો. દસ રૂપિયાનો દરમાયો પામનાર પોલીસની અને સર્વસત્તાધીશ ગોરા સુપરિન્ટેન્ડેન્ટની વચ્ચે ભેદભાવ ટળી ગયો. ગોરાઓ હસ્યા. સિપાઈઓએ પેટ ભરીને રમૂજ માણી. મહીપતરામને ફોજદારી મળી ને નવા વર્ષના પ્રભાતે ‘રાવસાહેબ’નો ખિતાબ મળ્યો.

‘રાવસાહેબ’નો ખિબાત મેળવનાર એક સાધારણ પોલીસ જમાદાર, તે તો સોરઠના જૂના દિવસોમાં અદ્‌ભુતતાની બીના લેખામી. આ કિસ્સાની ભભક વિશેષ હતી, કેમ કે એ ખિતાબ જીતનાર સીધીદોર મરણિયા સિપાઈગીરી હતી. રાવસાહેબ મહીપતરામને પોતાની સામે ખડા રાખીને ગઈ કાલ સુધી ખુરશીએથી હુકમો કરનાર ફોજદારો એને ઘેર જઈ મુબારકબાદી આપવા લાગ્યા. અને રાવસાહેબે ફોજદારીનો પોશાક ક્યાંથી ખરીદવો, કેટલી બ્રિચીઝ અને કેટલા કોટ કરાવવા, કયા દરજીની કારીગરી રાવસાહેબને શોભથે, તે વિષે વગરમાગી સલાહો મળવા માંડી.

પણ મહીપતરામને હૈયે હોશ નહોતા. એના શ્વાસ ઊંચા થઈ ગયેલા. સરકારી ખિતાબ તેમ જ કીરીચના કરતાં પોતાના નેકીના બોલની કિંમત એને વધારે હતી. એ વળતા જ દિવસે ગોરા ઉપરી પાસે જઈ સલામ કરી ઊભા રહ્યા.

“ક્યોં નિસ્તેજ, હંઈ ? રાવસાહેબ !”

“અરજ છે.”

“અચ્છા !”

“ગોદડ વાળાને મેં બોલ આપીને જીવતો પકડાવેલ છે. એ બોલ મેં સાહેબ બહાદુરના વિશ્વાસે આપ્યો હતો.”

“હમારા વિશ્વાસ ! કાયદો હમારા વિશ્વાસ ? હંઈ ?”

એ પ્રશ્ન પૂછતી વખતે ગોરા પોલીસ-ઉપરીના હૃદયપટ પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કારભારની બેઈમાનીની કાળી કથા ચિત્રપટની ચિત્રમાળા માફક સરતી હતી. ક્લાઈવથી માંડી સત્તાવનની એક કાળસંધ્યા સુધીનાં જૂઠાણાં, દગલબાજ આચરણો ને નાપાકીની પરંપરા એની કલ્પના પર ચમકી ઊઠી.

“હા જી, મને સાહેબ બહાદુરની નેકીમાં વિશ્વાસ હતો.”

“નહિ નહિ, ટૂમ ઉસકો ઉઢર ઠાર ક્યું નહિ કિયા ?”

“ઠાર કરતા તો એ પાપનું પૂતળું મૂઆ પછી સોરઠનો શૂરોપૂરો દેવ બનત. આપણે તો એને જીવતો પકડીને ભરબજારે એની ઈજ્જત લીધી. એની એકની જ નહિ, તમામ રજવાડાની પ્રતિષ્ઠાની દાઢો ખેંચી કાઢી. ગોદડ વાળો એક તરણું બની ગયો.”

“તો અબ ?”

“હવે એને જિવાડો. એ સરકારનો ભિખારી બની રહેશે, ને તે દેખી સોરઠના સર્વ રાજલોક આપોઆપ હીનતા અનુભવશે.”

“મંઈ વો પોલિટિકલ વિઝ્‌ડમ (રાજદ્વારી ડહાપણ) ટુમારે પાસ નહિ સીખને મંગટા.” સાહેબે ભવાંને ભેગાં કરતાં કરતાં કહ્યું : “એક જ બાટ હમેરા દિલમેં ઊટર ગઈ હય : ટુમ હમેરી નેકી પર વિશ્વાસ રખ્ખા. બસ, અબ હમ દેખેંગે.”

મહીપતરામના મોં પર આ જવાબે એક ગર્વમિશ્રિત આનંદની લાગણી છાવરી દીધી. એની છાતી ટટ્ટાર થઈ.

“ઔર કુછ ?” સાહેબે પૂછ્યું : “ટુમારી બદલી કે લિયે ટૈયાર રહેનાં.”

મહીપતરામ અબોલ રહ્યા.

“ક્યોં ! નારાજ ?”

“સાહે બહાદુરને વાંધો ન હોય તો પૂછું.”

“હાં.”

“ક્યાં બદલી કરશો ?”

“પાંચામેં. ઠાનદાર કા ખૂની લોક ઠાંગા હિલ્સ (ડુંગરા) મેં છીપે હય. પકડ કર લાઓ.”

મહીપતરામ કશું બોલ્યા વિના સાહેબની સામે તાકી રહ્યા.

“ક્યોં ચૂપ ! ડર ગયા ?”

“નહિ.” મહીપતરામના મોં પર સાહેબના આક્ષેપે વેદનાનો લેખ લખ્યો. “મારો ભાણેજ હાઈસ્કૂલમાં ભણે છે. તેનું ભણતર રઝળી પડશે. એ એક જ વાતથી હું અચકાયો, સાહેબ.”

“ટબ ક્યોં બોલટા નહિ ? હંઈ ! દેખો : હિઝ હાઈનેસ વિક્રમપુર ઠાકોર સા’બ ઈઢર આટા હૈ. ટુમારા ભાનેજ કે લિયે હમ સ્કોલરશિપ મંગેગા ઉસ્કે પાસ, ડોન્ટ વરી (ફિકર ન કરો), રાવ સા’બ !”

૨૩. વેરની સજાવટ

ઘરે આવીને મહીપતરામે પત્નીને વાત કરી. પત્નીએ પિનાકીને આ હર્ષના સમાચાર આપ્યા. પિનાકીએ ફરીથી પૂછ્યું : “ક્યાંના ઠાકોર સાહેબ ?”

“વિક્રમપુરના. ન ઓળખ્યા, ભાણા ? આપણી જોડે ભેખડગઢ થાણામાં દાનસંગજીકાકા હવાલદાર નહોતા ! તેની દીકરી દેવુબા નહોતી ? તેની વેરે લગન કરનારા રાજા.”

પિનાકી ત્યાંથી ઊઠીને ચાલતો થયો. ‘મારે એ સ્કોલરશિપ નથી જોઈતી’ એવું કશુંક એ બડબડતો હતો.

વળતા દિવસે રાતના અગિયાર વાગ્યે હાઈસ્કૂલના હેડ માસ્તર મહીપતરામને ઘેર આવ્યા. પિનાકી સૂઈ ગયો હતો તેને જગાડવામાં આવ્યો.

હેડ માસ્તરે પૂછ્યું : “તને ગયા મેળાવડા વખતનો ‘સિકંદર અને ડાકુ’નો સંવાદ મોંએ છે ?”

“ફરી જરા ગોખી જવો જોઈએ. કેમ ?”

“આજે રાતરાત મોંએ કરી જઈશ ?”

“ખુશીથી.”

“તો કરી કાઢ. કાલે હાઈસ્કૂલમાં વિક્રમપુરના ઠાકોર સાહેબ પધારે છે; આપણે સમારંભ કરવાન છે.”

પિનાકીને બગાસું આવ્યું. એનું મોં ઊતરી ગયું.

“હવે સુસ્તી ન કર, જા, પાણી પી લે; અથવા માને કહે કે ચા કરી આપે. સંવાદમાંનો તારો ડાકુનો પાઠ પાકો કરી નાખ. ઠાકોર સાહેબનાં નવાં રાણીને હાથે જ તમારાં ઈનામો વહેંચાવવાનાં છે. તું પહેલું ઈનામ જીતવા પ્રયત્ન કર.”

છેલ્લી વાત સાંભળી પિનાકી ઝાંખો પડ્યો. એનાં ઊંઘ-બગાસાં તો ઊડી ગયાં, પણ એનાં મોં પર કોઈ તમાચો પડ્યો હોય તેવી ઊર્મિ તરવરી નીકળી.

“ઊઠ, ભાઈ ; મને તારા પર શ્રદ્ધા છે. તું કાલે મેળાવડાને રઝળાવતો નહિ. ને મારે હજુ બીજાં છોકરાઓને પણ કહેવા જવું છે. થઈ જા હોશિયાર જોઉં ! મારી આબરૂ તારે રાખવાની છે, હોં કે !” એમ કહીને હેડ માસ્તર બહા નીકળ્યા. પિનાકીને મન એ દૃશ્ય અતિ દયામણું હતું. હેડ માસ્તર વાઘ જેવા વિકરાળ ગણાતા. એનો રુઆબ એક જેલર જેટલો ઉગ્ર હતો. એની પ્રતાપી કારકિર્દીનું માપ એણે વિદ્યાર્થીઓના વાંસામાં ભાંગેલી સોટીઓની સંખ્યા પરથી નીકળતું. એની સામે છોકરો આંખ ન ઊંચકી શકે એ હતી એની મહત્તા. અગિયારના ટકોરા પછી કોઈ વિદ્યાર્થી શાળાન કમ્પાઉન્ડમાં પ્રવેશ પણ ન કરી શકે. એનો આદેશ એટલે લશ્કરી હુકમ.

હાઈસ્કૂલના ચોગાનમાં તો શું પણ ચોગાન ફરતી વંડીની નજીક પણ શહેરનો કોઈ રઝળુ ઠેરી શકતો નહિ. વંડી પરથી સિસોટી મારનાર ત્રણ ગુંડાઓને હેડ માસ્તરની સોટીની ફડાફડીએ રાડ પડાવી હતી. પોલીસ પણ એની શેહમાં દબાતી.

આવા કડપદાર હેડ માસ્તરનું મોડી રાતે પિનાકી પાસે આવવું, એ પિનાકીના ગર્વની વાત બની. એની આબરૂ પિનાકીની મૂઠીમાં આવી ગઈ. બત્તી તેજ કરીને પોતે ડાકુનો પાઠ કંઠે કરવા લાગ્યો.

આવતી કાલ પિનાકીના કિરણ-ચમકાટની કાલ હતી, એ વિચારે મહીપતરામને અને એમનાં પત્નીને પણ ઊંઘ ન આવી. આધેડ વયનાં ધણી-ધણિયાણી ધીરે સાદે વાતોએ વળગ્યાં.

“કેવો કડકડાટ અંગરેચી બોલે છે ભાણો ! બાલિસ્ટર બનશે.”

“ના, મારે તો એને દાક્તર બનાવવો છે.”

“એ મડદાં ચીરવાનો નરક-ધંધો મારે ભાણાને નથી કરવા દેવો.”

“બારિસ્ટર થશે તો તારો ગગો જીવતા માણસને ચીરશે.”

“કોને ખબર છે, એ તો કાલ દેવુબા એને ઓળખશે, એટલે કદાચ પોતાના રાજમાં જ એને કોઈ મોટો હાકેમ બનાવી લેશે.”

“ગાંડી રે ગાંડી ! એ દુવાબ જુદી હતી : આજની દેવુબા જુદી હશે.”

“હેં ! ભેળાં રમતાં’તાં તે વીસરી જશે ?”

“એવાં તો કૈંક છોકરાં ભેળાં રમતા’તાં.”

“પણ ભાણાની જોડે એની માયા તો અનોખી જ હતી.”

આવા વાર્તાલાપને પોતાના કાનથી વેગળા રાખવા માટે પિનાકી મોટા હોકારા પાડીને પાઠ ગોખવા લાગ્યો. તેના શબ્દોચ્ચારો દીવાલોને સજીવન કરતા હતા. એનો સીનો, એના હાથકડીમાં જડેલા હાથનો અભિનય, એનું પડકારતું મોં, એની પહોળાતી ને ઊપસતી છાતી - તમામના પડછાયા ચૂનાબંધ દીવાલ પર વિગતવાર અંકાતા હતા. રૂપેરી પડદા પર જાણે નાટક રચાતું હતું. અધૂકડાં બીડેલાં બારણાંની આરપાર ધણી-ધણિયાણી બાજુના ઓરડાની ભીંતો પર પિનાકીના દેહ-મરોડો નિહાળતાં નિહાળતાં ઊંઘી ગયાં. ને મોડી રાત સુધી પિનાકીએ દેવુબા પર કટ્ટર બદલો લેવાી સજાવટ કરી. પછી એ ઊંઘવા મથ્યો; પણ ઊંઘ ન આવી.

‘એવી નપાવટ સ્તરીને આપણે ઘેર લાવીને શું કરવું છે ?’ આવું કશુંક બબડતો બબડતો ભાણો સાઇકલ પર છલાંગ્યો. મોટીબાએ પોતાના ઘરના ઊંચા ઓટા પર ઊભીને ભાણાને જતો નિહાળ્યો. કાળીકાળી ઘોડાગાડીઓનાં મૂંગાં પૈડાંની વચ્ચે થઈને સફેદ કોટ-પાટલૂનમાં સજ્જ થયેલું એ ફૂટતું જોબન સાઈકલને છટાથી રમાડતું સરતું હતું. રાજકોટ શહેરની સોહામણી બાંધણીમાં એ રૂપ રમતું જતું હતું. જ્યુબિલી બાગને નાકે ટટ્ટાર ઊભેલો પોલીસ પિનાકીને સલામ કરતો હતો. રાવસાહેબ મહીપતરામની વીરતાએ એજન્સીના સિપાઈઓને એક નવી જ ખુમારીનો પ્યાલો પાયો હતો. સિપાઈઓ વાતો કરતા હતા કે “ભાણાભાઈ તો રાવસાહેબથી સવાયા થવાના. નાશક જઈને પોલીસ-પરીક્ષા આપે, તો હાલ ઘડી ફોજદારની જગ્યા મળે.”

“હમણાં હમણાં છ મહિનામાં તો ઠીકાઠીકનું ગજું કાઢી ગયો છે જુવાન !”

“એને માથે પંજો છે.”

“કેનો ?”

“રૂખડિયા દેવનો.”

“રૂખડિયો દેવ ?”

“હા, ઓલ્યો રૂખડ શેઠ ફાંસીએ ગિયો ને, તે દેવ સરજ્યા છે. રાવસાહેબના ભાણાભાઈ ઉપર એને માયા રહી ગઈ’તી. સાંભળ્યું છે કે એની પીરાણી ઘોડી લઈને રૂખડદેવ આંહીં ગાંડાવડ પાસે આવે છે ને ભાણાભાઈને સવારી શીખવે છે.”

“એ તો ગપાટા. પણ રૂખડની ઓરત એક-બે વાર આંહીં આવી ભાણાભાઈને મળી ગયેલી, ક્યાંક તેડી પણ ગયેલી.”

“એ તો બા’રવટે નીકળી ગઈ છે ને ?”

“હા, ને ખુદ પ્રાંત-સા’બને જાસા કહેવરાવે છે કે જાગતો રે’જે, છાતીએ ચડીને મારીશ.”

“એ જ લાગનો છે ભૂરિયો. સવારીમાં ધંધો જ એનો એક હોય છે ને ?”

“આ બાઈની પણ છેડતી કરી હશે ?”

“સાંભળ્યું તો છે.”

“શું ?”

“બાઈ આપણા સુપરટીન સા’બની ચિઠ્ઠી લઈ રાવે ગયેલી. ભૂરિયે હદ-બેહદ રૂપ દીઠું; ચક્કર ખાઈ ગયો. એકલી અરજે બોલાવી હશે. નધણિયાતી જાણીને બેઅદબ બન્યો હશે. એટલે બાઈ કાળી નાગણ બની છે. લાગ ગોતી રહેલ છે.”

“ભૂરિયાનોય દી ફર્યો છે ને ! કુત્તાઓ ભૂતખાનાં ખોલીને બેઠાં છે, તોય શા સારુ ઓખર કરવા નીકળે છે ?”

“ચૂપ ! ચૂપ !”

‘ભૂતખાનું’ શબ્દ રાજકોટના વાતાવરણમાં એક ભયાનક, ભેદી, અકળ, અગમ ભાવની ગંધ પ્રસરાવતો હતો. ‘ફ્રિમેસન’નો લૉજ ‘ભૂતખાનું’ નામે ઓળખાતો. ઘણું કીને એ વર્ષોમાં આવો લૉજ કાઠિયાવાડમાં એ એક જ હતો. ત્યાં મહિનાના અમુક અમુક દિવસે જે ક્રિયાઓ થતી, તેની ચોપાસ ગુહ્યતાની ચોકીદારી રહેતી. એજન્સીના મોટામોટા અધિકારીઓ, ગોરા સાહેબો ને કેટલાક રાજાઓ તેના સભ્યો હતા; એટલે ક્રિયાની રાત્રિએ ત્યાં પોલીસોના કડક પહેરા મૂકાતા. આ અણસમજુ પહેરેગીરોની કલ્પના અને વહેમ-વૃત્તિ આવી ક્રિયાની હરેક રાત્રિએ સળગી ઊઠતી. ભૂતખાનામાં મેલા પ્રકારના વિલાસો રમાય છે, ને એનું રહસ્ય બહાર પાડનારની ગરદન કાપવાનો ત્યાં આદેશ છે; તેની પાછળ પણ આવો જ કોઈ ભેદ હોવો જોઈએ, એવા તર્કવિતર્કો પોલીસો કરતા. વાતો કરતાં કરતાં પણ તેો થથરી ઊઠતા.

વાતો કરતા પોલીસો હોશિયાર બન્યા, કેમકે ઘોડાગાડીના ધ્વનિ ગુંજ્યા. ચાર ઘોડા જોડેલી ખુલ્લી ગાડી રબરનાં પૈડાં પર રમતી આવી. ઘોડાના ડાબલાએ પાકી સડક ઉપર મૃદંગ બજાવ્યાં. આગળ ઘોડેસવારો, પાછળ ઘોડેસવારો, સવારોના રંગબેરંગી પોશાક, ગાલો પર સાંકળીઓ, ચકચકિત લોખંડની એડીઓ, બાજુ પર ખણખણતી લાંબી કીરીચો ને હાથમાં નેજાળા ભાલા : એવી રાજસવારીઓ રાજકોટને સવિશેષ સોહામણું બનાવતી હતી.

આ ‘ફેટન’ પસાર થઈ ગયા પછી પોલીસનું મંડળ ફરીથી બંધાયું, ને ચર્ચા ચાલી :

“વિક્રમપુરના ઠાકોર સાહેબ.”

“નવું પરણેતર.”

“મલાજો આજથી કાઢી નાખ્યો.”

“દેવુબાનાં તો રૂપ જ બદલી ગયાં.”

“રાજનું સુખ કેને કે’ છે !”

“આ બૂઢાની સાથે રાજનું સુખ ?”

“રાજા બૂઢો છે : રાજસાયબી ક્યાં બૂઢી છે ?”

“માનવી ! આ-હા-હા-હા-હા !” એક પોલીસે તત્ત્વજ્ઞાન છેડ્યું : “માનવી પોતે તો ચીંથરું જ છે ના ! શી આ છોકરીની સૂરત બની ગઈ ! ભીનો વાન હતો, તેને ઠેકાણે ગુલાબની પાંદડિયું પથરાઈ ગઈ, મારા બાપ ! હા ! હા ! હા!”

“પણ એમાં નિસાપા શીના નાખો છો, દાજી !”

“તાલકું ! તાલકું !” કહીને તત્ત્વજ્ઞાનીએ લલાટ ઉપર આંગળી ભટકાવી.

ને રાજસવારી હાઈસ્કૂલના ચોગાનમાં વળી ગઈ. ઘોડાઓએ અજબ સિફતથી કૂંડાળું ખાધું.

પોશાક પહેરવાના ખંડની અંદર પિનાકીના કલેજામાં તે વખતે એક ધરતીકંપ ચાલતો હતો.

૨૪. સુરેન્દ્રદેવ

હાઈસ્કૂલના મધ્ય ખંડને છેડે ઊંચું ચણેલું વ્યાસપીઠ હતું. તેના ઉપર રંગાલય ગોઠવાયું હતું. શહેરની નાટક કંપની પાસેથી માગી લીધેલો એક પડદો ત્યાં ઝૂલતો હતો.

ખંડની જમણી બાજુએ બીજી એક ઊંચી બેઠક બનાવી હતી. તેના પર માનવંતા મહેમાનોની ખુરશીઓ હતી.

વચલી બે ખુરશીએ જરા વધુ ઠસ્સાદાર હતી. તેના ઉપર ઠાકોર સાહેબ અને રાણી સાહેબ બેસી ગયાં.

એ જોઈને હેડ માસ્તર આકુલવ્યાકુલ બનવા લાગ્યા. વચલી બે પૈકીની એક ખુરશી પોતે ખાલી રખાવવા માગતા હતા.

ધીરેધીરે એ બેઠકો પાસે જઈને હેડ માસ્તરે મીઠો મોં-મલકાટ ધારણ કર્યો, ને કહ્યુું : “મહેરબાન પ્રાંત-સાહેબ વધારવાના છે.”

“ઓહો !” ઠાકોર સાહેબ રાજી થયા કે ગભરાટ પામ્યા તે તો એમની મુખમુદ્રા સ્પષ્ટ ન કહી શકી; પણ પોતે રાણી સાહેબની જમણી બાજુ હતા ત્યાંથી ડાબી બાજુએ જઈ બેઠા. ભરપૂર દાઢી અને મૂછોના વાંકડા વળ ચડાવનાર આ ડાંખરો દેખાતો રજપૂત પ્રાંત-સાહેબના નામમાત્રથી ઝંખવાણો પડ્યો.

ખુરસીઓની પાછલી હારમાં બેઠેલા એક પુરુષે આ ગભરાટ પર આછું સ્મિત વેર્યું. એ પુરુષનો પોશાક સાદો પાણકોરાનો ને સાવ સફેદ હતો. એના માથા પર સફેદ લાંબી ટોપી હતી. એના જોડા ઓખાઈ ઘાટના પમ હળવા ને કુમાશદાર હતા. એની ગુલાબી ચામડી પર ખુલ્લાં ટાઢ-તડકાનું મહેનતુ જીવન આછી છાયા પાડતું હતું.

એનું હસવું જરી જોરદાર બન્યું ને જોડાજોડ એના અંતરમાંથી નિશ્વાસ પણ ઢળ્યો. ઊંડા કૂવામાથી ખેંચાઈને મંડાણ પર આવી થાળામાં ઠલવાતા કોસનો જેવો અવાજ થાય છે, તેવો જ અવાજ એ નિશ્વાસનો હતો.

ઠાકોર સાહેબે પછવાડે નજર કરી. પેલા પુરુષે ઊભા થઈ બે હાથ જોડી રામરામ કર્યા.

“ઓહો !” ઠાકોર સાહેબ ઓળખવા મથ્યા : “આપ સુરેન્દ્રદેવજી તો નહિ ?”

“હા જી, એ જ.”

ઠાકોર સાહેબે પંજો લંબાવ્યો.

સુરેન્દ્રદેવે સામો પંજો આપ્યો. બન્નેના પંજા મળ્યા ત્યારે બન્નેના વેશ-પરિધાન વચ્ચેનો તફાવત પણ વધુ તીવ્ર દેખાયો. ઠાકોર સાહેબના દેહ પર રેશમના ઠઠારા હતા. ખભા પર જનોઈ-પટે ઝરિયાની હમેલ લપેટાઈ હતી. પગમાં રાણી છાપનાં કાળાં બૂટ હતાં. સાફો સોના-સળીનો ગુલાબરંગી હતો.

એ ઠાઠમાઠ જોડે તકરાર કરનાર દાઢી-મૂઢના શ્વેત કેશને ઠાકોર સાહેબે કાળો કલપ લગાવી ચૂપ કર્યા હતા.

આ તફાવતની હાંસીને રોળીટોળી નાખવા માટે ઠાકોર સાહેબે કહ્યું : “સુરેન્દ્રદેવજી ! આપ તો તદ્દન બદલી ગયા ! શું ભેખ લઈ લીધો !”

“નહિ, ઠાકોર સાહેબ ! જોબનના રંગો હું હવે જ માણી રહ્યો છું.”

આવા શબ્દોચ્ચાર તરફ રાણી સાહેબ ખેંચાયાં. એમણે પણ પાછળ જોયું. ઠાકોર સાહેબે પિછાન દીધી : “રાણી સાહેબ, આ કડીબેડીના દરબાર સાહેબ સુરેન્દ્રદેવજી.”

“એમ ! ઓહો !” કહીને રાણી સાહેબે થોડીવાર ઓઢણાનો પાલવ આઘોપાછો કર્યો. માથાના કેશની બેઉ બાજુની સેંથા-પટી પર એણે લીસા હાથ પસાર્યા.

“હું એમને ઓળખું છું.” સુરેન્દ્રદેવે ઠાકોર સાહેબને ચમકાવ્યા.

“ઓળખો છો ! ક્યાંથી ?”

“એમના પિતા ભેખડગઢમાં પોલીસ-હવાલદાર હતા. ત્યાંથી દલી થઈને ગયા ત્યારે એમને મારા ગામ રંગપુરની પાટીમાંથી ગાડાં જોઈતાં હતાં; પણ વેઠના દર મુજબના પૈસા નહોતા ચૂકવવા. વરસાદ પણ અનરાધાર પડતો હતો, એટલા આપણા ઉતારામાં જ સહુને ત્રણ દિવસ સુધી રોકાવું પડેલું.”

રાણી સાહેબ બીજી બાજુ જોઈ ગયાં.

આ સંકડામણમાંથી નીકળવા ઠાકોર સાહેબે વાત પલટાવી.

ત્યાં તો ગણગણાટોનો એક સંયુક્ત જનરવ ઊઠ્યો. ગોરા પ્રાંત સાહેબનો રુઆબી દેહ પગથિયાં પર દેખાયો : જાણે સામ્રાજ્ય ચાલ્યું આવતું હતું. મેજરની લશ્કરી પદવી પામેલો એ પડછંદ અંગ્રેજ હતો. અર્ધે માથે એને ટાલ હતી.

એને દેખીને ઠાકોર સાહેબ ઊઠ્યા, બે ડગલા આગળ વધી હાથ મિલાવ્યો. કમ્મરમાં જાણે કમાન નાખેલી હોય તેવી અદાથી ઠાકોર સાહેબની છાતી સહેજ નમી પડી. ગોરો અક્કડ જ રહ્યો.

“હલ્લો ! યોર હાઈનેસ રાની સાહેબ !” કહેતો ગોરો અઢાર વર્ષની દેવુબા તરફ વળ્યો, ને એણે પંજો લંબાવ્યો ને કહ્યું : “તમે પરદો કાઢી નાખ્યો તે બદલ અભિનંદન !”

નિરુપાયે રાણી સાહેબે પોતાનો નાનો-શો હાથ કાઢીને પ્રાંત સાહેબના હાથમાં મૂક્યો.

ગોરાએ રાણી સાહેબની જમણી બાજુએ આસન લીધું. ઠાકોર સાહેબ અને પ્રાંત સાહેબ વચ્ચેનો તફાવત ત્યાં પોતાની ભાત પાડી રહ્યો. બેઉ કદાવર છતાં એક હીર-ઝરિયાનની ઢીલી-વીલી કોથળી, ને બીજો શાસન-સત્તાનો સીધો સુદૃઢ સુવર્ણ-સ્તંભ.

ગોરાની આંખ પછવાડે ત્રાંસી થઈ, તેણે સુરેન્દ્રદેવને દીઠા. ગોરાના ચહેરા પર કરચલીઓનાં બે વધુ અળશિયાં આલેખાઈ ગયાં.

રંગાલય ઊઘડ્યું. ગુજરાતના એક મહાકવિએ રચેલું ‘રાજેન્દ્રદેવ’ નામે ગીત બોલાવા લાગ્યું. ઠાકોર સાહેબના હાથ આપોઆપ જોડાઈ ગયા.

આખી પ્રાર્થના ચાલુ રહી ત્યાં સુધી ટેડી ગરદને પછવાડે ઝૂકેલા એ ગોરા અફસરને આ સુરેન્દ્રદેવજીને કશોક વાર્તાલાપ થતો રહ્યો. ગોરાના મુખ પર ઉગ્રતાનાં ગૂંચળાં પર ગૂંચળાં વળતાં હતાં. એના ધીરા વાર્તાલાપમાંથી ‘કેક્ટસ’ ‘કેક્ટસ’ એવા શબ્દો ધમણો ધમાતી ભઠ્ઠીમાંથી તિખારા છૂટે તેમ છૂટતા હતા.

‘કેક્ટસ’ એ હાથિયા થોરનું અંગ્રેજી નામ છે. સોરઠમાં તે વખતે દુષ્કાળ ચાલતો હતો. ઘાસચારા વગર દુઃખી થતાં ઢોરને થોરનાં ડીંડલાં કાપીને ખવરાવાની ધૂન કોઈએ આ અંગ્રેજના ભેજામાં પેસાડી હતી. સુરેન્દ્રદેવજીને સાહેબ દમદાટી દઈ રહેલા હતા કે “તમારે ઘાસ હો યા ન હો, મને તેની પરવા નથી. તમારે કેક્ટસ ઢોરને ખવરાવવાં ન હોય તો કંઈ નહિ; પણ તમારે પત્રક તો રોજરોજનાં ભરી મોકલવાં જ પડશે.”

“હું એવું જૂઠું નહિ કરી શકું.”

“સ્ટૂપિડ (બેવકૂફ)...” વગેરે પ્રયોગો સાહેબના વાર્તાલાપમાં વિરામચિહ્નો જેવાં હતાં. સુરેન્દ્રદેવ એને મચક નહોતા આપતા. એના ચહેરા પર પણ લાચાર મગરૂરીના ગુલાબી અંગારા ધગતા હતા.

હાથિયા થોરની વાત પરથી સાહેબ સુરેન્દ્રદેવના એક બીજા અપરાધ પર તરી પડ્યાં : “તમારો છોકરો ક્યાં ભણે છે ?”

“મારા ગામની નિશાળમાં.”

“રાજકુમારોની સ્કૂલમાં કેમ નથી મોકલતા ?”

“ત્યાં જે શિક્ષણ આપવાામં આવે છે તેને માટે મારો છોકરો હજુ ઉંમરલાયક નથી.” કહીને સુરેન્દ્રદેવે મોં પર રમૂજ ધારણ કરી. એ જવાબમાં પ્રકટ ઘૃણા હતી.

“જોઈ લઈશ !” સાહેબે દાંત ભીંસ્યા.

ઠાકોર સાહેબ સુરેન્દ્રદેવ તરફ ઠંડા બનવાની ઈશારતો કરતા હતા.

રાણી સાહેબને ગમ નહોતી પડતી કે આ શો મામલો મચ્યો છે.

એકાએક ગોરા સાહેબના કાન પર શબ્દો પડ્યા :

“આઈ એમ એ થ્રૅશિયન ઍન્ડ એ સોલ્જર (હું એક રાષ્ટ્રપુત્ર છું, અને સિપાઈ-બચ્ચો છું).”

સાહેબની ટેડી ગરદન સીધી બની. વિસ્મયની અને ગભરાટની એક પલ વીતી ગઈ. સાહેબે જોયું કે આ તો રંગાલય પરના બોલ છે. તાબેદાર દેશનાં છોકરાં આ તો વેશ ભજવી રહ્યાં છે. આ સૃષ્ટિ સાચી નથી.

રંગાલય પર શાહ સિકંદર અને ડાકુ સરદારની વચ્ચેનો પ્રસંગ ચાલતો હતો : સિકંદર સિંહાસન પર બેઠો છે. આઠ છોકરાઓએ એના સાયાની ઝૂલતી કિનાર પકડી છે. તખ્તની સન્મુખે જંજીરે જકડાયેલો એક ચીંથરેહાલ જુવાન ઊભો છે. એનો એક કદમ આગળ છે. એની છઆતી આગળ ધસવા છલંગ મારી રહી હોય તેવી ભાસે છે. ને ‘તું જ પેલો ડાકુ કે ?’ એવા સિકંદરના સવાલનો એ છોકરો રુઆબી જવાબ વાળે છે કે ‘હું રાષ્ટ્રપુત્ર છું ને સિપાઈબચ્ચો છું.’

પાઠ ભજવનારાઓએ સભાજનોને એકતાન બનાવી નાખ્યા. ત્યાં બેઠેલાં સર્વ કલેજાંની મગરૂરી જાણે કે મૂર્તિમાન રંગભૂમિ પર ખડી થઈ હતી. સર્વ કોઈના સીના તળે સૂતેલા શબ્દો જ જાણે કે ઉચ્ચારાયા હતા : ‘આઈ એમ ઍ થ્રેશિયન ઍન્ડ એ સોલ્જર.’

ગોરો અફસર મલકાઈ રહ્યો. એણે અંગ્રેજી શબ્દોની સચોટતા દેખી, એણે અંગ્રેજી જબાનની સંજીવની નિહાળી. આ મુડદાલ કાળાં બાળકોને પણ અમારી જબાન કેવી ખુમારી પિડાવી રહી છે ! એ વાણીના છંટકાવે આ શબો બેઠાં થાય છે. વાહ જબાન ! વાહ સાહિત્ય !

પણ એનો આનંદ-ઝરો થંભી ગયો. એને આ તમાશો ન ગમ્યો. આ ડાકુ-પાત્રના હુંકારમાં એણે ભવિષ્યના ભણકારા સાંભળ્યા. નિશાળોમાં નાટક કરતી કરતી આ પ્રજા ભવિષ્યમાં કોઈક દિવસ જીવનમાં તો નાટક નહિ ઉતારી બેસે ને ! આપમી જ ખુમારીને આપણા સામી નહિ પ્રયોજે ને !

એ વિચારે ગોરો ચડી ગયો. ડાકુની તુમાખી એને ન ગમી. એ જો સિર્ફ લશ્કરી અમલદાર હોત તો એને નવો વિચાર ન સૂઝત. પણ એ પાછો રાજદ્વારી અધિકારી હતો. એનો વિચાર આગળ ચાલ્યો. ભાવિમાં ભમવા લાગ્યો. એને ત્યાંથી ચાલ્યા જવાનું મન થયું. સંવાદ અટકાવવાની ઇચ્છા થઈ. પોતાની પૂર્વે અહીં આવી ગયેલા પોલિટિકલ અફસરોએ જ પડાવેલી આ આદતો હતી. આવા તમાસા વડે પ્રાંતના હાકેમોનું સ્વાગત કરનારા ગામગામની નિશાળોના હેડ માસ્તરો આવી કરામત ક્યાં જઈ શીખી આવ્યા છે ? કોણે એમને ચડાવ્યા છે ?... બીજા કોણે ? - અસલના કાળમાં નોકરી કરી ગયેલ પોલિટિકલ એજન્ટોએ. એમણે જ આ કેફ કરાવ્યો છે. આ ધાંધલ જવું જોઈએ.

ગોરો અધવચ્ચેથી ઊઠીને ચાલતો જ થવા માગતો હતો, ત્યાં કોઈએ આવીને એના હાથમાં ચિઠ્ઠી આપી. વાંચીને ગોરાએ મુખમુદ્રા બદલી. ‘બદલી’ એમ કહેવા કરતાં પોતાની જાતે ‘બદલાઈ ગઈ’ કહેવું વધુ ઉચિત થશે. એના મોં પર પ્રસન્નતા રમવા માંડી. એણે વારંવાર પાછળ ફરીને દરબાર સુરેન્દ્રદેવ જોડે પણ મીઠા શબ્દોની આપ-લે કરી. ઠાકોર સાહેબ પ્રત્યે પણ લટ્ટુ બનવા લાગ્યો. સૂર્યનું ગ્રહણ છૂટે ને જગત જેવું ઝાકમઝોળ બની જાય, તેવું તેજોમય એનું મોં બની ગયું.

આ પરિવર્તનનો નર્મ ન ઠાકોર સાહેબ પારખી શક્યા કે ન સુરેન્દ્રદેવજીને સમજાયો. રાણી સાહેબ તો જો કે એ વાતમાંથી જ નીકળી ગયાં હતાં. એની મીટ રંગાલય પર જ જડાઈ ગઈ હતી. ડાકુ-પાઠ કરનારા છોકરાના દેહમાં તેમ જ શબ્દોમાં જે ઠંડી વિભૂતિ ધખધકતી હતી, તેનું એ રાજપૂત સુંદરીને ઘેલું લાગ્યું હતું.

“માફ કરજો, ઠાકોર સાહેબ !” કહેતા સાહેબ ઊઠ્યા : “મારે તાકીદનું કામ આવી પડ્યું છે, એટલે હું આપના તેમ જ રાણી સાહેબના સુખદ સમાગમને છોડી જાઉં છું.”

ઠાકોર સાહેબે ઊઠીને એમને વિદાય આપી.

“ફરી મળશું ત્યારે આનંદ થશે,” કહેતાં કહેતાં સાહેબે સુરેન્દ્રદેવ તરફ એક સ્મિત વેર્યુ.ં

“જરૂર.” સુરેન્દ્રદેવ ઊઠ્યા-ન ઊઠઅયા જેવું કરીને બેસી રહ્યા. એમના પહોળા વદન પર એ-ની એ પ્રસન્નતા રમતી રહી. ભલભલી સ્ત્રીઓને પણ ઈર્ષ્યા કરાવે તેવો સુરેન્દ્રદેવના ભાલ પરનો કંકુ-ચાંદલો સોરઠની સપાટ અને અસીમ ભોમકા વચ્ચે એકલવાયા લચી પડતા કોઈ ચણોઠીના છોડ જેવો સોહામણો લાગતો હતો.

ઈનામોની લહાણી શરૂ થઈ. હેડ માસ્તરે સહુને કહી રાખ્યું હતું કે ઇનામ લેતાં પહેલાં ને લીધા પછી, બન્ને વાર, ઝૂકીને રાણી સાહેબને નમન કરવાનું ન ભૂલશો, હોં ! જે ભૂલ્યો તેણે આ સોટીને સારુ પોતાનો બરડો સજ્જ રાખવાનો છે.

પહેલું જ નામ પિનાકીનું બોલાયું. પિનાકી કશા ઉત્સાહ વગર આગળ વધ્યો. એણે નમન ન કર્યું. એ કોઈ વાઘાની માફક રાણી સાહેબની સામે ઊભો રહ્યો. સાહેબ લોકોનાં છોકરાંને હાથે જીવતાં ઝલાઈને ટાંકણી વતી પૂંઠા પર ચોડાતા સુંદર પતંગિયા જેવી એની દૃષ્ટિ રાણી સાહેબના મોં પર ચોંટી રહી. ઇનામ આપવા માટે બે સુંદર હાથ લંબાયા, પણ પિનાકી ગભરાયો. ઇનામ લેવા જતાં કદાચ પોતે એ હાથને પકડી બેસશે એવી એને ધાસ્તી લાગી. ઇનામ લીધા વિના જ એ પાછો વળી ગયો.

સભાનો રંગ વણસ્યો. હેડ માસ્તરના હાથમાં સોટી ત્રમત્રમી રહી. બીજાં ઇનામો વહેંચાઈ ગયા પછી બહુ આગ્રહને વશ બની સુરેન્દ્રદેવ થોડું પ્રવચન કરવા ઊઠ્યા.

તેમણે કહ્યું : “અહીં એક શહેનશાહ અને એક ડાકુ-સરદારનો પ્રવેશ ભજવાયો છે. વિદ્યાર્થીઓ ! એ એક જ પાઠ તમારે ન વીસરવા જેવો છે. શહેનશાહતો તો સદા એવી જ છે. વીર નરોને ડાકુ બનાવનાર તો જુલમો જ છે. અમે રાજાઓ, નાનામોટા સહુ જ રાજાઓ, એ શહેનશાહ સિકંદરની જ નાની-મોટી આવૃત્તિઓ છીએ. માટે તમે પણ તમારો અવસર જ્યારે આવે ત્યારે અમને એ જ જવાબ આપજો કે અમે હરામખોર નથી, અમે અમારા રાષ્ટ્રના પુત્રો છીએ, ને સાચા સિપાઈઓ છીએ.”

છોકરાઓએ આવા સંભાષણ પર તાળીઓના ગડગડાટ કર્યા. હેડ માસ્તર રાતાપીળા બન્યા. ઠાકોર સાહેબે કશું બોલવાની ના કહી. મેળાવડો ભારેખમ હૈયે વિસર્જન થયો.

હેડ માસ્તરે ગાડી પાસે જઈને રાણી સાહેબ તરફ બેઅદબી થયા બદલની ક્ષમા માગી કહ્યું : “છોકરો ગભરાઈ ગયો હતો.”

“કોણ છે એ ?” રાણીજીએ પ્રશ્ન કર્યો. પોતે તે ક્ષણે પોતાના વિખૂટા પડેલા નરને શોધતી કબૂતરીની જેવી મનોવસ્થામાં પડી હતી.

“એક પોલીસ-ઑફિસરનો ભાણેજ છે. આમ તો ઘણો શાણો વિદ્યાર્થી છે.”

વધુ કશો જ પ્રશ્ન ન કરતાં રાણીએ ગાડી ચલાવવાનો આદેશ આપ્યો. શાળાના સાંકડા દરવાજામાંથી પાણીના રેલા પેઠે નીકળી જનાર ઘોડાઓ ગાડીને ક્યાં લઈ જાય છે તેનું ભાન રાણીએ ગુમાવ્યું હતું.

ઠાકોર સાહેબ શી વાત કહી રહ્યા હતા તેની તેને ગમ નહોતી.

હેડ માસ્તરનાં પગલાં લાદીના પથ્થરોને કચડતાં અંદરના ખંડમાં ધસ્યાં, ત્યાં જઈ ન કાંઈ પૂછ્યું, ન ગાછ્યું, પિનાકીના શરીર પર એણે સપાટા જ ખેંચવા માંડ્યા.

૨૫. તાકાતનું માપ

સોટી ઉપાડવામાં થોડો આંચકો હતો તે એક-બે સપાટા ખેંચ્યા પછી હેડ માસ્તરના હૃદયમાંથી જતો રહ્યો. પછી તો એમાં ઊર્મિ દાખલ થઈ. વેગે ચડેલી આગગાડી વધુ ને વધુ વેગ જેમ આપોઆપ પકડતી જાય છે, તેમ હેડ માસ્તરના હાથની નેતર પણ ગતિ પકડતી ગઈ. ને પછી એને એટલી તો સબોડવાની લહેર પડી કે ફટકો શરીરના કયા ભાગ પર પડે છે તેની ખુદ મારનારને જ શુદ્ધિ ન રહી.

પિનાકી પ્રથમ તો ખચકાયો. પહેલો પ્રહાર પડ્યો ત્યારે જરા નમી ગયો; આડા હાથ પણ દીધા. પછી એનામાં લોખંડ પ્રકટ થયું. એ અક્કડ બની ઊભો રહ્યો. કેટલી સોટી ખમી શકાય તે જોવાની કેમ જાણે પોતે હોડ વદ્યો હોય ને, એવા તોરથી એણે ફટકા ઝીલવા માંડ્યા.

વિદ્યાર્થીઓનું ટોળું ત્યાં જમા થઈ ગયું. હેડ માસ્તર એ ટોળાને દેખી વદુ આવેશમાં આવતા ગયા. વિદ્યાર્થીઓની સહાનુભૂતિ પિનાકી પર ઢળી પડી. સહુ છોકરાઓની આંખોમાં જાણે ખૂન ટપક્યાં. પ્રત્યેકના ગાલ પર ઝનૂનના ટશિયા ફૂટ્યા. હેડ માસ્તરના શરીરના ટુકડેટુકડા કરી નાખવા નાનકડાં દિલો તલસી ઊઠ્યાં. પ્રહારો ઝીલતો મૂંગો ને અક્ષુબ્ધ પિનાકી તેમને યોગી ભાસ્યો. ને ઓચિંતાનું સોટીના સબોડાટ જોડે જાણે કે તાલ લેવા માટે બોલાયું હોય એવું એક વચન સંભળાયું : “શાબાશ !”

હેડ માસ્તર એ શબ્દની દિશામાં વળ્યા, પૂછ્યું : “કોણે કહ્યું શાબાશ ?”

“મેં,” એક છોકરો ધસ્યો.

“મેં,” બીજાએ આગળ પગલાં મૂક્યાં.

“મેં,” ત્રીજાએ એ બંનેને પાછા હઠાવ્યા.

ત્યાં તો‘મેં’-‘મેં’-‘મેં’ના સ્વરો તમરાંના લહેકારની પેઠે બંધાઈ ગયા. ‘મેં’કારાની જાણે મોતન-માળા પરોવાઈ ગઈ.

“હરામખોરો !” એવો સિંહનાદ કરીને હેડ માસ્તરે જ્યારે આખા ટોળા પર તૂટી પડવા ધસારો કર્યો, ત્યારે પિનાકી ન રહી શક્યો. એણે ઝડપ કરીને ટોળાની તેમ જ મારનારની વચ્ચે પોતાનો દેહનો થાંભલો કર્યો. પડતી સોટીને એણે પોતાની મૂઠીમાં પકડી લીધી.

હેડ માસ્તરે તેને ધક્કો મારી સોટીને ઝોંટ દીધી.

ફાટેલા નેતરે પિનાકીની હથેળીમાં ચીરા પાડ્યા, રુધિર રેલાવ્યું.

બીજા પંજાની ઝડપ કરીને પિનાકીએ સોટી ઝૂંટવી લીધી.

દાતણની ચીરો કરે તેમ સોટીનાં બે ફાડિયાં કરી પિનાકીએ તેને દૂર ફેંકી દીધાં ને પછી પહોળી છાતી પર અદબ ભીડીને એ હેડ માસ્તરના ધગધગતા સીના સામ ઊભો રહ્યો.

તમામ છોકરાઓ એની આજુબાજુ ગોઠવાઈ ગયા. શિક્ષકો પણ ત્યાં આવી પહોંચ્યા. એક ગુંડા જેવા છોકરાએ શિક્ષકોને કહી દીધું : “સાહેબ, આબરૂભેર દૂર ઊભા રહેજો.”

ચારસો છોકરાઓના વીફરેલ ટોળાને દબડાવવા ટે જે ઝનૂન તેમ જ સત્તાવાન મનોદશા જોઈએ તે માસ્તરોમાં નહોતાં. બે ચહેરા બીડીઓના વ્યસની હતા. બે-ત્રણ બીજાં મોઢાં પછવાડે ઊભાં રહી હેડ માસ્તરની વધુ બૂરી વલે કરવા માટે વિદ્યાર્થીઓને આંખોના મિચકારા મારતા હતા. અને એ સર્વ શિક્ષકોના ચહેરાઓ ઉપર ટ્યૂશનોની ગરજ વાંચી શકાતી હતી.

હેડ માસ્તરના ખાલી હાથ ફરીથી પિનાકીના ગાલ પર ઊપડ્યા. પિનાકીએ શાંતિથી ગાલ ધરી રાખ્યા, અને ધસી આવતા છોકરાઓ તરફ હાથ પહોળા કરી દીવાલ રચી, એ આટલું જ બોલ્યો : “મને એકલાને ખુશીથી મારો, સાહેબ !”

હેડ માસ્તરના મોં પરથી આ શબ્દોએ તમામ લોહી શોષી લીધુ.ં બિલ્લી જેમ વાસણમાંથી ઘી ચાટી લે તેવી રીતે હેડ માસ્તરની હીણપ એની તમામ વિભૂતિને ચાટી ગઈ. એણે પોતાની ઑફિસ તરફ પગલાં ભર્યાં. પછવાડે જતું શિક્ષકોનું ટોળું કોઈ શબની પાછળ જતા ડાઘુઓની યાદ દેતું હતું.

છોકરાના ટોળા વચ્ચે વીંટળાયેલો પિનાકી પોતાના લડથડિયાં લેતા દેહને મોટા મનોબળથી સ્થિર કરતો કરતો સાઈકલ પકડીને બહાર નીકળ્યો. કોઈ છોકરો એના માથા પરના વાળામં વળગેલી નેતરની છોઈ ચૂંટી લેતો હતો. બે-ત્રણ છોકરા એના કોટના કૉલરની બગડેલી ગડી બેસારતા હતા. ચાર-પાંચ પંજા એના ખભા પર ને એની પીઠના ઊપસેલા સ્નાયુઓ પર થબડાતા હતા.

“પણ થયું શું ?” એક વિદ્યાર્થી પૂછતો હતો : “હેં પિનાકી, તું કેમ ત્યાં ઊભોઊભો થીજી ગયો હતો ?”

“મને ખબર નથી.” પિનાકી હસીને જવાબ દેતો.

“પણ હવે તારે ફરિયાદ માંડવી જોઈએ હેડ માસ્તર પર.”

“શા માટે ?”

“ફરિયાદ શું ! તારા દાદા તો ફોજદાર છે. બે-ચાર પોલીસોને મોકલી સાલાને ઠમઠોરાવ તો ખરો, દોસ્ત !”

“આપણી બધાની દાઝ તું જ ઉતરાવ ને, યાર !”

“પણ તું સોટી ખાતોખાતો જ શું ઊભો’તો ? કંઈ કહેતો કેમ નહોતો ?”

“પૂછ્યા વિના શું કહું ?”

“તારે તો પૂછવું હતું કે, શા માટે મારો છો ?”

“પૂછીને શું કરવું હતું ?”

“હું જો ન્યાયાધીશ હોઉં, તો હેડ માસ્તરોને વીણી વીણીને કેદમાં પૂરું.”

“હું તો હેડ માસ્તરોનાં શરીરો પર ગોળનું પાણી ચોપડીને મકોડાની કોઠીમાં પૂરી દઉં.”

લખી શકાય અને ન પણ લખી શકાય એવી અનેક લાગણીઓની મસ્તીભરી આપ-લે કરતા છોકરા ચાલ્યા જતા હતા, ત્યારે એક બાજુના ફૂટપાથ પર સુરેન્દ્રદેવ ઊભા હતા. તેનું મોં હસતું હતું. તે કોઈની જોડે વાત કરતા હતા.

“છોકરાઓ !” તેમણે કહ્યું : “લડાઈ શરૂ થઈ.”

“ક્યાં ?”

“વાંદરાઓના ઘરમાં.”

છોકરાઓ ન સમજ્યા. સુરેન્દ્રદેવે કહ્યું : “યુરોપમાં.”

“એની રજા પડશે ?” એક છોકરાએ પૂછી જોયું. હરએક સારોમાઠો બનાવ વિદ્યાર્થીની હૃદય-તુલનામાં એક જ રીતે તોળાય છે : બનાવની કિંત રજાના દિવસો પરથી અંકાય છે.

“એ તો પડશે લડાઈમાં ઇંગ્લૅન્ડનો કોઈક મહાન વાંદરો ખફી જશે ત્યારે.”

સુરેન્દર્દેવ જોડેના બીજા માણસે કહ્યું : “હવે તો જર્મન કૈસરની છાપ આંહીંના રૂપિયા-પૈસા પર આવી સમજો !”

“સરસ લાગશે.” એક છોકરાએ કહ્યું : “એની મૂછોના આંકડા ફક્કડ દેખાશે.”

“બસ કે !” સુરેન્દ્રદેવજીના મોં પર તિરસ્કાર દેખાયો. “તમારે તો સિક્કા પર પરદેશી રાજાની જ મૂછો જોઈએ છે ને ? હિન્દ માતાનું ચિહ્ન - ગાયનું મોઢું - નથી જોઈતું કે ?”

“હવે ચાલો ચાલો, સુરેન્દ્રદેવજી !” કહી પેલા સાથીએ એમને બાજુમાં ઊભેલ ઘોડાગાડી તરફ ખેંચ્યા. “નકામું કંઈક બાફી મારશો.”

જતાંજતાં સુરેન્દ્રદેવજીએ સાથીને કહ્યું : “મને તો ખરેખર અજબ લાગેલું કે આ વાંદરો મારા પર આટલો બધો રાતોપીળો થયા પછી પાછો ઓચિંતો એવા શા હેતે ઊભરાઈ ગયો ! પણ હવે મર્મ સમજાયો : વાંદરાને જે ચિઠ્ઠી મળી તેમાં લડાઈ સળગ્યાના જ સમાચાર હોવા જોઈએ. વાંદરો ચેતી ગયો; કેમકે હવે પૈસા કઢાવવા છે ખરા ને ! એટલે અમારી પાસે પૂંછડી પટપટાવશે. અમને કલાકો સુધી બહાર બેસાડતા તેને બદલે હવે કમ્પાઉન્ડ સુધી હસીને સામા લેવા આવશે બચ્ચાઓ !”

૨૬. જતિ-સતીને પંથે

છોકરાઓ ધીરેધીરે, આથમતા તારાઓની જેમ, વીખરાતા ગયા. એકલો પડેલો પિનાકી સાઈકલ પર ન ચડી શક્યો. એને આરામ લેવા રસ્તા પર બેસવાની પણ શરમ લાગી. એણે લડથડતે પગલે સડક પર ચાલ્યા કર્યું.

રસ્તામાં એક બેઠા ઘાટના બંગલાના ચોગાનમાં હોજ હતો. સંધ્યાનાં કેસૂડાં એ હોજના પાણીમાં ઝબકોળાઈ કેસરી રંગની ટશરો મેલતાં હતાં. બે-ત્રણ જુવાન છોકરીઓ કાંઠે બેઠી બેઠી પગ ઝબોળતી હતી. પિનાકી એમને પિછાનતો હતો. પોલીસ-ખાતાના ‘ડીપોટી સાહેબ’ની એ કન્યાઓ હતી. પણ આજે પિનાકીએ તે તરફ ન નિહાળ્યું.

કોઈ કોઈ નળ પાસેના ઓટા ઉપર દૂધ વેચનાર ગવલીઓ નવકૂંકરીની રમત રમતા હતા, અને રમનારાઓની વચ્ચે વાર્તાલાપ થતો હતો :

“આ એક ભરત ભર્યું ને તારો જરમન ઉપાડ્યો.”

“આ એક ભરત ભર્યું ને તારો અંગ્રેજ ખાધો.”

પિનાકીના કાનેથી એ શબ્દો પાછા ન વળી ગયા. એણે જોયું કે યુરોપની લડાઈને ઝડપથી લોકોએ પોતાની કરી લીધી છે. સોગઠીઓનાં પણ તેમણે લડાયક નામ પાડ્યાં છે.

એ બજાર તરફ વળ્યો. બજારામં રોનક જામી પડ્યું હતું. વેપારીઓનાં મોઢાં પર દીવડા પેટાયા હતા. ખૂણે ને ખાંચરે બબ્બે દળ વહેંચાઈ ગયા હતાં. એક દળમાંથી અવાજ ઊઠતો હતો : “જુએ તો ખરા, જર્મન કૈસર અંગ્રેજના ભુક્કા કાઢી નાખશે ભુક્કા છ મહિનામાં.”

“અરે અમારો તુર્કીનો તુલસાન તો જોજો, અંગ્રેજને જેર કરી નાખશે.”

“કૈસરની તો મૂછી જ બોડી નખાવશું અમે.”

સાઈકલ ઘેર મૂકીને પિનાકીએ ઘર છોડ્યું. મોટાબાપુજીના ઉશ્કેરાટનો એને ગભરાટ લાગ્યો. માનભંગ થયેલા હેડા માસ્તર મોટાબાપુજીને કોણ જાણે કેવાય સ્વરૂપમાં વાત રજૂ કરશે ! દેવુબા સામેના મારા વર્તાવમાં મોટાબાપુજીએ મારી હલકટ મનોવૃત્તિની ગંધ આવશે તો !

એવી ગંધ મોટાબાપુજીને વધુમાં વધુ ભયાનક બનાવનારી છે. મારા પર એ મારની ઝડી વરસાવશે. હું જવાબ નહિ આપું તો ઝનૂનમાં ને ઝનૂનમાં એ બંદૂક ઉપાડશે.

એવા ડરનો માર્યો પિનાકી સ્ટેશનને પંથે વળ્યો. ટિકિટ કઢાવવા ગયો. “ક્યાંની ટિકિટ ?” પિનાકી પાસે જવાબ નહોતો. “ત્યારે, મિસ્તર, પ્રથમથી વિચાર કરીને કાં નથી આવતા ?” એમ કહી ટિકિટ-માસ્તરે એને ખસી જવા કહ્યું. સ્ટેશનના પોલીસ કૉન્સ્ટેબલનું ધ્યાન ચૂકવવા માટે પિનાકીએ જે નામ મોંએ ચડી ગયું તે નામના સ્ટેશનની ટિકિટ માગી.

પસાર થતું પ્રત્યેક સ્ટેશન એને કોઈક રોમાંચક અદ્‌ભુતતા તરફ ધકેલતું હતું. ઘર છોડવાનો સંતાપ હજુ એણે અનુભવ્યો નહોતો. રાતની ગાડીમાં ઉતારુઓ વચ્ચે અનેક જાતની વાતો થતી હતી. જેતપુરના બે મેમણો પાડા ઘાસ વાગોળે તેમ પાનનાં બીડાંને બત્રીસે ખુલ્લા દાંતો વચ્ચે કરડતા તુર્કીના પાટનગર કોન્સ્ટાન્ટીનોપલ અને આડ્રીઆનોપલ વિશે સમજણ કરતા હતા. એકે પૂછ્યું : “હી લડાઈ મેં પાંજી તુરકી જો કીં મામલો આય, હેં ભા ? છાપામેં ન્યારેલ આય ?”

“તડેં ? ન્યાર્યા વગર તો કાફર હોઈ ઈ રીયે.”

“ઘાલ હી આય કે પાંજી તુરકી જા બો પુલ : હકડો કનસ્ટી જો પુલ; ને બ્યો આદ્રીઆજો પુલ. હણે રૂશિયા ચ્યે કે, હકડો પુલ પાંજે ખપે, ને અંગ્રેજ ચ્યે કે બોય પુલ અસાંજે ખપે. પાંજી તુરકીએ જવાબ ડનો કે...!”

તે પછી તો બેઉ મેમણ ભાઈઓએ પોતાની એવી સ્વાભાવિક બોલી ફેંકવા માંડી કે એ બોલીનું કલાત્મક ઉચ્ચારણ પુસ્તકો લખવાની બનાવટી ભાષામાં કોઈ વિરલા જ કરાવી શકે. પિનાકી તો એક જ વાત નીરખી રહ્યો હતો, કે હિંદુસ્તાનના એક અંધારા ખૂણામાં પડેલા મેમણો દૂરદૂરની દુનિયામાં પડેલ તુર્કીને ‘પાંજી (આપણી) તુર્કી’ કહી રહ્યા હતા ને એની વહાર કરવા માટે અત્યારથી જ ઉઘરાણાંની ધૂને ચડ્યા હતા.

જેતલસર સ્ટેશન પિનાકીની ટિકિટ ખતમ થતી હતી. એ ઊતર્યો. ‘ક્યાં જવું ? પાછા જ જવું બહેતર નહોતું ? મોટાબાપુજી અને મોટીબા કેટલા ફફડ્યાં હશે આખી રાત ? રૂબરૂ હોત તો કદાચ રોષ કરત; પણ અત્યારે મારી કેવી કેવી દુર્ગતિ કલ્પીને મોટાબાપુજી કોમલ બન્યા હશે ! બહુ અકળાતા હશે. પાછો જ જાઉં.’

પરોઢિયાના પહોરમાં પ્લૅટફૉર્મ ઓળંગવા જતા જ સ્ટેશનની હોટેલમાંથી કોઈકનો લલકાર કાને પડ્યો :

અંગ્રેજ ને જરમર આફળે : બળિયા જોદ્ધા બે;

એવું ત્રીજું લખમણ તેં ગરમાં રણ ગગડાવિયું.

કોઈક મીર પોતાના સતારની ઝણઝણાટીને તાલેતાલે દુહા ગાઈ રહ્યો હતો. પિનાકી સ્ટેશનની સીડી ઉપર થંભ્યો. એણે વધુ દુહા સાંભળ્યા :

થાણદાર થથરી ગયા, લલના-વેશે લપાય;

રાજીનામાં જાય, લાખું મોઢે, લખમણા !

અને વળી -

લખમણિયા ભેળી ભળી ભગની ભગવે વેશ :

પીરાણીના પગ લગી, (જેના) ઝૂલે જોગણ કેશ.

“વાહ, દુલા મીર, વાહ !” સાંભળનારાઓના હાથામં ઝગતી બીડીઓ થંભી ગઈ. “આ દુહા લઈને જો એક વાર ગરના ગાળામાં જઈ પહોંચ ને, તો તારું પાકી જાય, બૂઢા !”

“અરે, મારા બાપા !” બૂઢો મીર ડોકું ડગમગાવતો હતો. “ગરના ગાળામાં તો હવે જઈ રિયા ને લખમણભાઈની મોજ તો લઈ રિયા. આ તો દિલડાાં અક્કેક દુહો, વેળુમાં મગરમચ્છ લોચે ને, તેમ લોચતો હતો, તે આજ તમ જેવા પાસે ઠાલવી દઉં છું.”

પિનાકી પાસે આવ્યો. એણે મીરના ખોળા પર એક આઠ-આની મૂકી. બૂઢા મીરે આંખો પર નેજવું કરીને નજર માંડી.

“કોણ છો, ભાઈ ?”

“વિદ્યાર્થી છું.”

મીર ન સમજ્યો. બીજાઓએ સમજ પાડી : “નિશાળિયો છે નિશાળિયો, મોતી મીર !”

“ભણો છો ?” મોતી મીરની અરધી જીભ ઓચિંતા વિસ્મય અને આનંદને લીધે બહાર લબડવા લાગી.

“હા જી...”

મીરને કોઈકે આજે જીવનમાં પહેલી વાર ‘જી’કાર કહ્યો. એની જીભ વધુ લાંબી થઈ. જીભમાંથી સુખાનુભવની લાળો પણ ઝરી.

“કવિરાજ !” પિનાકીએ પૂછ્યું : “જતિ ને સતી ક્યાં છે ? મને કહેશો ?”

“એક જ ઠેકાણાની ખબર છે.”

“કયું ?”

“મારા અંતરમાં રહે છે.” એમ કહીને મીર એટલું બધું હસ્યો કે એને ખાંસી ઊપડી ગઈ.

બીજા એક જણે કહ્યું : “ભાઈ, તું બાતમી લેવા તો નથી આવ્યો ને ?”

પિનકીને હજુ આ આક્ષેપ સમજાતો નહોતો. બહારવટિયા સરકારના ઘોર ગુનેગારો છે તે વાતનો ખ્યાલ જ એ ચૂકી ગયો હતો. એ તો જાણે કોઈ જૂના યુગનો ઇતિહાસ ભણી રહ્યો હતો. એટલે એ જવાબ ન આપતાં મૂંગો રહ્યો. એના મૌને મિજલસમાં વિશેષ શંકા ઉપજાવી. કોઈકે કહ્યું : “ભાઈ, જાળવજો હો, અમારાં હાંડલાં ક્યાંક અભડાવી દેતા નહિ. અમે તો, મારા બાપા, મોટી માલણ તરફના માલધારિયું છીએં. બે ઘડી સુગલ કરીએં છીએં.”

બધા પિનાકીને હાથ જોડવા લાગ્યા. પિનાકી શરમિંદો બન્યો. આ કોડા જેવડી મોટી આંખો : આંખોમાં ગાંજાની ખુમારીનું અંજન : બાજઠ જેવી આ છાતીઓ : બંદૂકો જેવી આ બબે ભુજાઓ : ધિંગી આ દાઢીઓ : ને થાંભલા જેવા આ પગ : એ જ લોકો, આ સિંહોને તગાડનારાઓ, આટલા બધા ગભરુ ! આટલા બધા રાંકડા ! પિનાકી ખસી ગયો. ભયભીત માલધારીઓ એક પછી એક સરકી ગયા. બેસી રહ્યો ફક્ત એક મોતી મીર. એણે સતાર ચાલુ રાખી. નવો દુહો મનમાં બેસાર્યો :

અંગ્રેજ ! તુંને અકલ નહિ; ડાયા તણો દકાળ;

(નકર) તેડાવત તતકાળ, લાજ રખાવણ લખમણો.

કેમકે, અરે અંગ્રેજ !

તમે માંજરાં મરકટાં : એ રઘુપતનો વીર;

જરમર વાંદરડાં નમત, એની બની અધીર.

પિનાકી નજીક આવ્યો. પૂછ્યું : “કવિરાજ, તમે તો બીતા નથી ને !”

“બીઉં કોનાથી ? બીવા જેવું કાંઈ રિયું જ નથી ને દુનિયામાં !”

“તો મને સમાચાર દેશો ?”

“કોન ?”

“લખમણ બહારવટિયાના અને ભગિની જોગણના.”

“શું કરીશ ?”

“ત્યાં જઈશ.”

“મારા આ દુહા એને હાથોહાથ દઈશ ?”

“જરૂર.”

૨૭. બાપુજીનું તત્ત્વજ્ઞાન

“ત્યારે આ લ્યો આ મારો ખરડો.” એમ કહીને એ બૂઢા લોક-કવિએ પિનાકીના હાથમાં એક કાગળ મૂક્યો. કાગળ તેલથી ખરડાયેલો ને ગંદો હતો. તેામં બોડિયા અક્ષરોથી કાવ્ય ટપકાવેલાં હતાં.

“કે’જો લખમણ બા’રવટિયાને -” મીરનો અવાજ આષાઢના મોરલાની માફક ગહેક્યો : “કે’જો કવિ મોતી મીરે તમને રામરામ કહ્યા છે. કે’જો કે -

મીતર કીજે મંગણાં, અવરાં આળપંપાળ;

જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર.

“તું વીર નર છે. માગણિયાત મીરો-ભાટોની દોસ્તી રાખજે; કારણ કે એ મિત્રો તારા જીવતાં સુધી તો તારા જશડા ગાશે, પણ મૂવા પછીય તને કવિતામાં લાડ લડાવશે એ કવિઓ. બીજાની પ્રીત તો તકલાદી છે, ભાઈ ! મૂવા પછી તને કોઈ નહિ ગાય.”

“પણ મને એ ક્યાં મળશે ?” પિનાકીએ માન્યું કે બહારવટિયાના મુકામ પર તો કોઈ સીધી સડક જતી હશે.

“જુઓ ને ભાઈ !” મીરની આંખો ઘેરાવા લાગી. “આ આંહીંથી ઊપડો તે નીકળો જમીને ધડે. ત્યાંથી તુળશીશ્યામ. ત્યાંથી નાંદેવેલે. ત્યાં ન હોય તો પછી સાણે ડુંગરે. ત્યાંય ન જડે તો પછી ચાચઈને ગઢે, જેસાધારે, વેજળકોઠે...” કહેતો કહેતો મીર ઝોકાં ખાવા લાગ્યો. બહારવટિયાનાં સ્થાનોની નામાવલિ સાંભળતો સાંભળતો પિનાકી મોં ફાડી રહ્યો. એણે પૂછ્યું : “એ બધાં ક્યાં આવ્યાં ?”

“એ કાંઈ મેં થોડાં જોયાં છેં, બાપ !” મીર હસ્યો.

“ત્યારે તમને ચોક્કસ ઠેકાણાંની જાણ નથી ?”

“તો તો પછી હું જ ન જાત ? તમને શા માટે તસ્દી આપત ?”

મીરની આંખો દુત્તી બનતી ગઈ. એક આંખ ફાંગી થઈ : જાણે એ કોઈ નિશાનબાજની માફક બંદૂક તાકતો હતો.

પિનાકીને મીર પક્કો ધૂર્ત લાગ્યો.

“લાવો લાવો મારો ખરડો, તમે જઈ રિયા બહારવટિયાને મુકામે.” કહીને મીરે પોતાનો કવિતાનો કાગળ પાછો ખેંચી લીધો. “સિકલ તો જુઓ, સિકલ !” મીરની ગરદન ખડી થઈ. એનું માથું, ફસકી પડેલા કોળા જેવું, છાતી પર ઝૂક્યું. એ વધુ વિનોદે ચડ્યો : “નિશાળ ભેળા થઈ જાવ, ભાઈ, નિશાળ ભેળા.”

પિનાકીએ પોતાની કમતાકાતનો મૂંગો સ્વીકાર કરી લીધો; અને એને નિશાળનું સ્મરણ થયું. એ ચમક્યો : ‘આજે હેડમાસ્તર કાલના તોફાનવાળા વિદ્યાર્થીઓની શી વલે કરશે ? સદાના એ ગભરુ છોકરાઓને ગઈ કાલે કશાકથી પાણી ચડી ગયું હતું; પણ આજે તો રાતની નીંદે એમના જુસ્સાને શોષી લીધો હશે. મને નહિ દેખે એટલે એ બધા મૂંગામૂંગા ઊભા માર ખાશે, બરતરફ થાશે ને એમનાં માબાપો વડછકાં ભરશે તે તો જુદું.’

આખી દયાજનકતાનો ચિતાર પિનાકીની કલ્પનામાં ભજવાવા લાગ્યો. પાછો જવા એ તલપાપડ થયો. મોટાબાપુજીની બીકના માર્યા નાસી છૂટવામાં પોતે પોતાની પામરતા અનુભવી. હેડ માસ્તરના જાલિમ સ્વરૂપની એણે ઝાંખી કરી. એનાથી ન રહેવાયું, ‘જે થાય તે કરી લે. મારે પાછા જઈ આજે સ્કૂલમાં જ ખડા થવું જોઈએ. નહિ તો ધિક્કાર મને ! મામી જો સાંભળે તો જરૂર ધિક્કાર આપે.’

વળતી ગાડીમાં એ પાછો ચાલ્યો. બારીમાંથી એ જોતો હતો. ગિરનારની મૂછો ઉપર વાદળીઓ ગેલ કરતી હતી. શ્વેત દહેરાં બુઝર્ગ ગિરનારના બોખા મોંના કોઈકોઈ બાકી રહેલા દાંત જેવાં જણાતાં હતાં.

એનીયે પાછળ, કેટલે આઘે, ગીરના કયા પહાડગાળા બહારવટિયાઓને ગોદમાં લઈ બેઠા હશે !

એ હાઈસ્કૂલના વિદ્યાર્થીની ભમવાની ભાવના-પાંખો ફૂટવા લાગી. નાના બાળક જેવા બનીને એને ડુંગરા પરની વાદળીઓમાં બાચકા ભરવા મન થતું હતું. સૂર્યનો ઊગતો ગોળો નજીક રમતા મિત્ર જેવો ભાસતો હતો. નવાગઢ સ્ટેશનના પુલ નીચે પડેલી ભાદર નદી, આ રેલગાડી અકસ્માત પડે તો તેથી ચેપાઈ જવાના કશા જ ભય વગર, નાનાં છોકરાંને માટે પાંચીકા ઘડતી હતી. પિનાકીના હૃદયમાં ભાદર જીવતી હતી. એ ક્યાંથી આવી, એનુ ંઘર ક્યાં, એનાં માબાપ કોણ, એને ક્યાં જવું છે, આટલી ઉતાવળે કોને મળવું છે, કેટલાં ગામડાં એનાં સ્તનો પર ચડી ધાવે છે, કેટલી કન્યાઓ એને કાંઠે વ્રતો રહે છે, કેટલી પનિહારીઓ એનાં પાણીની હેલ્યો ઉપાડી ભેખડો ચડે છે, વાઘરીઓના વાડામાં પાકતી સાકરટેટીને અને તરબૂચોને આ ભાદરની વેકૂરી કેમ કરીને અમૃત પાય છે - આવા પ્રશ્નોની એના મોં પર કતાર ને કતાર લખાઈ ગઈ. પ્રકૃતિના ધ્યાનમાં એ નીરવ બન્યો. અંતરના ઘોડા પહાડો તરફ દોડવા લાગ્યા. ઊલટી દિશામાં દોડતી ગાંડીતૂર ગાડી ચીસાચીસ પાડતી હતી, કેમકે રસ્તામાં ઊંડું કપાણ આવ્યું હતું. એમ કરતાં રાજકોટ આવ્યું.

ઘરમાં દાખલ થતી વેળા પિનાકીએ પોતાની પીઠ અને છાતી સજ્જ રાખ્યાં હતાં. મોટાબાપુજીની ગઠ્ઠાદાર લાકડીને એ ઓળખતો હતો.

“તું આવ્યો ?” બાપુજીએ સાદા અવાજે પૂછ્યું. પિનાકીએ જવાબ ન દીધો.

“તું ન આવ્યો હોત તો હું તને નામર્દ માનત.” બાપુજી બોલતાં બોલતા ંરિવોલ્વરની ‘ચૅમ્બર’માં કારતૂસો ભરતા હતા. “વિક્રમપુરનાં રાણી સાહેબે...” એટલું બોલીને બાપુજીએ ચૅમ્બર બંધ કરી અને રિવોલ્વરની ‘સેફ્ટી-કી’ (સલામતીની ઠેસી) જોર કરી બેસારી.

પિનાકીની છાતીમાં છેલ્લા ધબકારા ઊઠ્યા. બાપુજીએ વાક્ય પૂરું કર્યું : “રાણીસાહેબે તારા માટે પંદર રૂપિયાની માસિક સ્કોલરશિપ કરી આપી છે.”

પિનાકીને શંકા પડી કે પોતાના કાન ખોટા પડી ગયા છે.

“હું તો અત્યારે ઊપડું છું.” બાપુજીએ રિવોલ્વર ચામડાની ‘કેઈસ’માં નાખતાં નાખતાં કહ્યું : “તું ને તારી ડોસી સાચવીને રહેજો, દાદાજીને બરાબર સાચવજો, હું જાઉં છું બહારવટિયા પાછળ. પાછો આવું કે ન યે આવું. જા, નાહીધોઈને ઝટ નિશાળે પહોંચી જા. માસ્તરે માર્યો એમાં નાસવા જેવું શું હતું ! અમારા બરડા પર તો હજુય નાનપણના સોળા છે.”

પિનાકીને એવું થયું કે બાપુજીના પગમાં પડી રડી નાખું. મોટીબા આવીને ઊભાં રહ્યાં. એની પાંપણે આંસુના તારા ટમટમતા હતા.

બાપુજીએ એને દેખી ભાણાને કહ્યું : “એ તો તારા નામનું મોં વાળીને બેઠી’તી. ફકરી પાસે દોડતી’તી કાજળી જોવરાવવા, ને જોષી પાસે જતી’તી ટીપણામાં તને ગોતવા. આખી રાત મને ઊંઘવા ન દીધો. હું તો ખુશ થયો કે તેં એકલા નીકળી પડવાની હામ ભીડી. આખરે તો સહુને એકલા જ જવાનું છે ને ?”

“મોટા તત્ત્વજ્ઞાની !” મોટીબાના મોં પર હર્ષ અને વેદનાની ધૂપછાંય રમવા લાગી.

“મારું તત્ત્વજ્ઞાન તો, આ જો, આમાં ભર્યું છે.” મોટાબાપુજીએ રિવોલ્વર બતાવી. “હું રોતલ નથી. મારા છોકરાને રોતલ બનાવવાય નથી માગતો. પૂછી જો બાપુને; માર ખાઈને હું ઘેર આવતો ત્યારે મને ઘરમાં પેસવા જ નહોતા દેતા. માસ્તર હતો જાલિમ. એને સ્લેટ મારીને હું ભાગ્યો’તો. બાપુજીએ મને ગોતીને શાબાશી આપી હતી.”

બહારની પરસાળમાંથી એક ખોંખારો આવ્યો અને હસવું સંભળાયું. એ તો દાદાજી હતા.

પિનાકી એ વાર્તાલાપનો લાગ જોઈ બીજા ખંડમાં સરી ગયો. ‘ઓરડરલી’ સિપાઈ શેખફરુકની જોડે કૂદાકૂદ કરવા લાગ્યો. શેખફરુક ખોટા સિક્કા પાડવા બાબત પકડાયો હતો, ને પછી ગુનાની કબૂલાત કરવાને પરિણામે નોકરીમાં ભરતી પામ્યો હતો. એટલો નેકીદાર હતો કે આ માણસ ખોટા સિક્કા પાડતો હતો એવું, એ પોતે કહે તો પણ, ન માની શકાય.

મહીપતરામ કપડાં ચડાવીને બહાર નીકળ્યા, પણ પોતે જીવસટોસટના જંગમાં જઈ રહેલ છે એવી કશી જ ડંફાસ એના દીદારમાં ન દેખાઈ.

મોટીબાએ આવીને કહ્યું : “અંબાજી માનો દીવો કર્યો છે, તે જરા પગે તો લાગતા જાવ.”

“હવે ઠઠારો મૂક ને, ઘેલી, એવી શી ધાડ મારી નાખી છે હજુ !” એમ કહી ફરી પાછી બૂટની વાઘરી છોડી. અંદર જઈ પગે લાગી, વળી કંઈક બીજું લફરું પત્ની કાઢી બેસશે એ બીકે વાધરી બાંધી-ન બાંધી ને ઊપડ્યા.

“એક વાત ન વીસરજો.” પત્નીએ કહ્યું.

“શું ?”

“જેની પાછળ ચડો છો એનો આપણા માથે ઉપકાર છે.”

“હા. હા; સરકારને હું કહેવાનો છું કે એને ઘીએ ઝબોળેલી રોટલી પહોંચાડવાનો બંદોબસ્ત કરે ! ભલી થઈને ક્યાંય આવા બબડાટ કરતી ફરતી નહિ.”

રાવસાહેબના એ શબ્દોમાં તોછડાઈનો આડો આંક હતો.

પત્નીએ અંદર જઈ દીવાને પ્રણામ કરતે કરતે ઉચ્ચાર્યું : “હે અંબાજી મા ! સ્વામીની આબરૂ રાખજો, ને પેલાંઓની પણ રક્ષા કરજો !”

બેવડી પ્રાર્થનાના આંચકા એના અંતરમાં લાગતા હતા.

પિનાકી સ્કૂલે ગયો. અજાયબ થયો. વર્ગો શરૂ થઈ ગયા હતા. હંમેશની રસમ ચાલુ હતી. છોકરાઓનાં મોં પર ગંભીરતાનું વાદળ ઘેરાયું હતું. કંઈક થવાનું છે, ઝટ નથી થતું એ વધુ ભયાનક છે, હેડ માસ્તર કોણ જાણે શા મનસૂબા ગોઠવી રહેલ હશે - એવા એવા ભાવોનો મૂંગો ગભરાટ ઘેરો બન્યો હતો, પણ કશું જ ન થયું.

૨૮. પાછા જવાશે નહિ !

સોરઠમાં બે સ્થળોને ‘માનાં પેટ’ કહેવામાં આવતાં : એક જળવાસીઓ માટેનું માનું પેટ, ને બીજું થળવાસીઓનું. ‘બેટ તો માનું પેટ છે, ભાઈ !’ એ કહેવાય છે દ્વારકાના બેટ શંખોદ્ધારના દરિયાને માટે. ચોમાસાનો દારૂડિયો સમુદ્રદેવ જ્યારે હોડકાંને, મછવાને અને સફરી વહાણોને મોતના સંદેશા સંભળાવે છે, ત્યારે સાગર ખેડતા વહાણવટીઓ પોતાનાં નાવ લાવીને બેટની ખાડીમાં નાંગરે છે. મોટો મહાસાગર થોડે જ છેટે પડ્યોપડ્યો ‘ખાઉં-ખાઉં’ના હુંકાટા કરે છે, પણ માતાના પેટમાં સચવાતાં બાળકો સમાં આ વહાણોને સાગરની એક નાનકડી થપાટ પણ લાગતી નથી.

બીજું છે ‘ગિર માનું પેટ’. ભયાનક શિશુઓ એ માના ઉદરનો આશરો લેતાં. નદીઓની ખોપો, પહાડોના ગાળા, વનરાઈની ઘટાઓ, ઊંટ ઓરાય તેટલાં ઊંચા ઘાસ અને ગિરવાસીઓનાં નેસડાં - એમાં એક વાર ગાયબ થનારું માનવી મોટી ફોજોને પણ થકવી શકતું.

લખમણભાઈ અને પુનરવ છૂટા પડ્યા પછી રૂખડ શેઠની ઓરતે જખમી વાશિયાંગનું શરીર એક નેસડેથી બીજે નેસડે ખસેડી ખસેડી સંઘર્યું હતું. એને પાણીઢોળ કર્યા પછી ઓરતે એકાંત શોધી વાશિયાંગને પૂછ્યું : “કેમ, જુવાન ! ક્યાં જવું છે હવે ?”

“તમે રાખો તો તમારી પાસે.”

“નહિ તો ?”

“ઈશ્વર આગળ.”

“તું શા માટે મારી પાછળ પડ્યો છે ?”

“ત્યારે કેની પાછળ જાઉં ?”

“તારે ને મારે હવે શું રહ્યું છે ?”

“તમારે નથી રહ્યું : મારે તો રહી ગયું છે.”

“આયરનો છોકરો આટલો નમાલો !”

“મને ‘નમાલો’ કહીને તો તમે આપણાં લીધાં લગ્ને ભાંગ્યાં, ખરું ?”

“તને કહીને ભાગી’તી ને - કે મને તારા માથે હેત નથી છૂટતું.”

“મેં તમારા પગ આંસુએ પખાળ્યા તોય ?”

“તેથી જ.”

“કાં ?”

“મારે આંસુ પાડનાર નો’તો જોતો. હું ભાગેડુ બની મારાં રૂપ છુપાવવા માટે ઠેકઠેકાણે મજૂરી કરતી રહી. મેં વીરને ગોત્યો.”

“તોપણ મેં તમને ગોતી લીધાં.”

“છોડી દે એ વાતને. સાત વરસ થઈ ગયાં. મારો તો આ ભવ પૂરો થયો.”

“નવો ભવ માંડીએ.”

“તારી જીભ કપાય ! નવું ઘર માંડીશ કોઈક શેઠથી સવાયા મરદની સાથે જે મારીયે જાણે ને મરીયે જાણે. તમારી ત્રણેયની તો હું બેન છું.”

જેમ એ ઓરત વિકરાળ બનતી ગઈ, તેમ જુવાન વાશિયાંગ એના જૂના રૂપને ભાળવા લાગ્યો. પડી ગયેલા ખંડેર વચ્ચે જાણે કોઈક પોલાણ રહી ગયું હતું, ને એ પોલાણમાં જાણે એક તેલની કૂંપી એવી ને એવી અનામત બેઠી હતી.

“મારું તો તમે સત્યાનાશ વાળ્યું છે.”

“શી રીતે ? તારે ઘરસંસાર છે ને !”

“પણ એ તો બળજબરીથી સૌએ મંડાવેલો સંસાર.”

“બળજબરીથી ?” ઓરતે જાણે કે તિરસ્કાર-વૃત્તિનો ઘૂમટો મોં પર તાણી લીધો. “બાયલો તો છો, પણ ઉપર જાતાં ઠગ પણ છો ! પરણેલી સ્ત્રી સાથે આ સંસાર સેવ્યો તો શું બધી લબાડી જ કરી !”

“હું ક્યાંથી આંહીં આવ્યો !”

“પાછા જવું છે ?”

“હા જ તો; બીજું શું થાય ?”

“વાર છે, વાર.”

“કાં?” વાશિયાંગને કૌતુક થયું.

“એક વાર આંહીં આવેલને માટે પાછા જવાનો રસ્ત નથી.”

“કારણ ?”

“કારણ તારું દિલ પોચું છે. આંસુડાં પાડી શકછ ને ? અમારાં ગળાં પણ એટલી જ સહેલથી તું સોંપી દે એવો છો.”

“જોરાવરીથી મને રોકશો ?”

“જોરાવરીથી તને પરણાવી શકાણું તો પછી જોરાવરીથી રોકવામાં શી મુશ્કેલી છે ?”

“ઠીક, હું તો હસતો હતો. હવે મારે જઈને શું કરવું છે ? આંહીં તમારી છાયામાં જ મરવું મીઠું સમજીશ.”

વાશિયાંગે બોલ તો ગોઠવ્યા, પણ એ બોલમાં પોતે સ્વસ્થતાના સૂર ન પૂરી શક્યો. એના ઉદ્‌ગારમાં ગભરામણ હતી. ઓરતની રૂપાળી આંખોમાં એણે ભયાનકતા ભાળી. લાગ્યું કે પોતે કોઈ મગરના ડાચામાં પેઠો હતો.

“ધજાળાની જગ્યામાં તેં કહ્યું’તું ને, કે દોણ ગઢડાના મકરામીને મારવો છે.” ઓરતે ભગવાન ઓઢણાની ગાતરી પોતાના અંગ ઉપર ભીડતાં ભીડતાં પૂછ્યું.

“હા.” વાશિયાંગે એ ગાતરીની ગાંઠ ઓરતનાં બે સ્તનોની વચ્ચોવચ ભિડાયેલી જોઈ. માથાના કેશ પર ઓરતે લીલો રૂમાલ લપેટીને ગરદન સાથે બાંધી લીધો હતો તે પણ જોયો.

“તો ઊઠ, વીરા ! સાસરે ગયેલી ઓલી માલધારીની દીકરી ચૂંથાઈ ગઈ છે. ચૂંથનાર મકરાણી ઈસ્માઈલ છે.”

વાશિયાંગનું પાણી મરી ગયું હતું. એનાં રૂવાડાં ફરક્યાં નહિ. મીઠા સ્વજનની ગોદમાં મળતી હૂંફ સમી જે લાગતી હતી તે આ ઓરત હવે એને ત્રિદોષના તાવ જેવી લાગી.

“ચાલો.” એણે બનાવટી જવાબ આપ્યો.

ધરતીનો તે વખતે વિધવા-વેશ બન્યો હતો. ભૂખરા ડુંગરા ખાખી બાવાઓ જેવા બેઠા હતા. સૂરજ કોઈ વાટપાડુની પેઠે ડુંગરા પાછળ સંતાઈ બેઠો હતો.

હીરણ નદીને તીરેતીરે બેઉ જોડે ચાલ્યાં. પુરુષ પછવાડે ચાલતો હતો. વધુ ને વધુ અંતર એ પાડતો હતો. ઓરતે પણ પતંગનો દોર છૂટો મૂકનાર બાળકની પેઠે વાશિયાંગને છેટો ને છેટો પડવા દીધો. એક નાની કેડી નોખી પડતી હતી. ઓરત એને વટાવી ગઈ. પણ કેડીની ને ઓરતની વચ્ચે વાશિયાંગે એક ધરા આડી સૂતેલી દેખી. વાશિયાંગ કેડી ઉપર થંભ્યો. પળવાર થરથર્યો. પછી ભાગ્યો. પાછળથી એણે પોતાની પીઠ સોંસરો કંઈક સુંવાળો સંચાર થતો અનુભવ્યો. ભડાકો સંભળાયો. છાતી ચિરાઈ ગઈ. વાશિયાંગ ફરંટી ખાઈને થોરના જથ્થા પર ઢળી પડ્યો.

ધાર ઉપર ઊભી ઊભીને ઓરત હસતી હતી. એના હાથમાં બંદૂક હતી. બીડી પીને પછી ઊંડાણમાંથી છેલ્લા ધુમાડા કાઢતી હોય તેવી કોઈ વાઘરણ જેવું એ બંદૂકનું રૂપ હતું.

એ વાશિયાંગના શબની પાસે ગઈ. મોંમાંથી પાણી નીકળતું હતું.

હજુ તો હમણાં જ આવીને માળામાં લપાયેલાં પક્ષીઓ ભડકાના ગભરાટથી ઊડીઊડીને કિકિયાણ મચાવવા લાગ્યાં. ફરી પાછા ઝાડઝાંખરાં શાંત પડ્યા. વનરાઈએ જાણે કે કોઈને વઢી લીધું.

ઓરતે પોતાની છાતી પર પંજો મૂકી જોયો. મનમાં કોઈક કારખાનાના ધડાકા ચાલતા હતા. પણ આંખો ન ફાટી પડી. કંપારી એક વાર છૂટીને રહી ગઈ. હું આટલી તો ઘાતકી બની શકી ચું, એક મોટી તૈયારી થઈ ચૂકી છે - એવી એક લાગણી લઈને એણે પગને વહેતા મૂક્યા.

“પણ એનાં બાયડી-છોકરાં...” એ વિચાર રસ્તામાં એની કાંધ પર ચડ્યો.

‘તને પણ હું રૂંધી નાખીશ.’ ઓરતે પોતાના જ એ વિચારનો જવાબ વાળ્યો.

ડુંગરાને પણ એ જવાબ ન સંભળાયો.

૨૯. નવી ખુમારી

યુરોપનું મહાયુદ્ધ આગળ વધતું હતું. લોકોની અક્કલ પણ આગળ વધતી હતી. નાનાં ગામોની ને મોટાં શહેરોની ટપાલ-ઑફિસોના ઓટા ‘વિન્ડો ડિલિવરિ’ના કાગળો મેળવવા માટે આવનારાં લોકોથી ઠાંસોઠાંસ રહેતા. ચબૂતરાની પરસાળો અને દેવમંદિરોની ફરસબંધીઓ પર છાપાનાં પાનાં પથરાતાં. અમદાવાદ પણ ન જોયું હોય તેવાં લોકો યુરોપની જાદવાસ્થળીના યુદ્ધક્ષેત્ર પર પથરાયેલી લડાયક સડકોને નાનેથી ત્યાં રમ્યાં હોય તેવાં પિછાનદાર બની પકડતાં.

યુદ્ધના મોરચામાં ક્યાં ક્યાં ભૂલો થઈ રહી છે તેનું જ્ઞાન કાઠિયાવાડના નવરા પેન્શનરો પાસે સરકારના સેનાપતિઓ કરતાં વધુ હતું ! લીજ, નામુર અને વર્ડુનના કિલ્લામાં કેમ જાણે પોતે ઈજનેરી કામ કર્યું હોય, તેટલી બધી વાકેફગારી આ વાતોડિયાઓ દાખવતા હતા.

પણ એજન્સી સરકાર એ સોરઠી યુદ્ધ-જ્ઞાનની અદેખાઈ કરવા લાગી. પ્રાંતપ્રાંતના ડેપ્યુટી પોલિટિકલ એજન્ટો ગામેગામ ભમવા લાગ્યા. જાહેર સભાઓમાં તેઓએ નક્શા લટકાવ્યા. સોટીની અણી વડે તેઓએ આ નક્શા પર લડાઈની મોરચાબંધી આલેખી બતાવી. ‘મિત્ર રાજ્યો’ના અને અંગ્રેજી લશ્કરોના દિગ્વિજયો શ્રોતાઓનાં ભેજાંમાં ઠસાવવા તેઓએ સોટીના ધોકા બની શકે તેટલા જોરશોરથી માર્યા. અને સભાએ સભાએ તેઓએ પ્રજાજનોને દર્દભરી બાનીમાં હાકલ કરી કે ‘લડાઈના મોરચા પર ગયેલા આપણા હિન્દી સૈનિકોને ખાવા માટે લવિંગ, એલચી ને સોપારી નથી, પીવા માટે બીડીઓ નથી, ચા નથી. આપણો ધર્મ છે કે તેમને માટે ફાળો ઉઘરાવી આ મુખવાસો મોકલીએ.’

પછી લવિંગનાં, એલચીનાં ને સોપારીનાં ઉઘરાણાં શરૂ થયાં. અરસપરસ આંખના મિચકારા કરતા વેપારીઓ અરધા રતલથી માંડી મણ-મણ તજ-એલચીની ભેટ નોંધાવવા લાગ્યા. ગોરા પ્રાંત-સાહેબની હાજરીમાં આ હિન્દી સૈનિકો પરની વણિક-પ્રીતિ બેપૂર ઊછળી પડી.

છતાં અંદરખાનેથી લોકો રાજપલટો ચાહતા હતા. ‘પૃથ્વીરાજ રાસો’ વગેરે જૂનાં પોથાંમાંથી ચારણ-ભાટો આગમના બોલ ટાંકી બતાવવા લાગ્યા કે

તા પીછ ટોપી આવસી

બહુ અલમ કલમ ચલાવસી...

વગેરે વગેરે વિગતો સાચી પડતી આવે છે, માટે નવો રાજપલટો થયા વિના રહેવાનો નથી. પૃથુરાજ રાસામાં એમ લખ્યું છે !

એવી લોકધારણાએ વાતાવરણને ઘેર્યું હતું ત્યારે સુરેન્દ્રદેવજીના બેડીગામ ખાતેના બંગલામાં સુંદરપુરના ઠાકોર એક છૂપી મસલત કરી રહ્યા હતા. બરકંદાજીમાં જેની રાણીઓ, બહેનો ને પુત્રીઓ પણ બાહોશી ધરાવતી હતી, બહારવટિયાને છુપાવવાનો સંદેહ-ડોળો જેના પર એજન્સી સરકાર ઠેરવી રહી હતી, તે આ ઠાકોર હતા. તેમણે વાતનો પ્રારંભ કર્યો : “રાજપલટો તો આ આવ્યો સમજો, સુરેન્દ્રદેવજી !”

“હા ! મુંબઈને કિનારે ઊતર્યો કે શું ?”

“મશ્કરીની વાત નથી. મશ્કરીનો વખત પણ નથી.”

“આપણને ઠાકોરોને મશ્કરી સિવાયનો બીજો વખત કેવો !”

“હું કહું તે એક વાર સાંભળી લેશો ? પછી હસી પાઢજો.”

“સંભળાવો.”

“મારા ભત્રજા કિશોરસિંહજી લડાઈમાં ગયા છે, ત્યાંથી છૂપો કાગળ છે : મિત્ર રાજ્યોના છૂંદા થવાને હવે વાર નથી.”

“તેથી શું ? આપણે તો જે આવશે તેનો દરબાર ભરી રાજાવેશ ભજવીશું ને આજ સુધી સિંહ-ઘોડાનાં અંગ્રેજી મોરાવાળા ચાંદ-ચગદાં પહેરતા તે હવે પછી ગરુડ-મોરાનાં જર્મન ચગદાં છાતીએ લગાવીશું ને જર્મન પોલિટિકલ એજન્ટને ગમશે તેવા શણગાર સજીશું.”

“એ ઠીક વાત છે. એ વિના તો છૂટકો નથી. પણ જર્મનો આવે ત્યારે એની સત્તા આપણને કેવી સ્થિતિમાં માન્ય રાખશે ?”

“કેવી ?”

“આપણે જેવી સ્થિતિ તૈયાર રાખી હશે તેવી.”

“એટલે ?”

“એટલે એમ કે તમારા કડીબેડીના તાલુકામાં આજે બાજુનાં પચીસ ગામડાં દબાવી દઈને તમે બેસી જાઓ, તો નવી રાજસત્તા તમારો એ કબજો કબૂલ રાખશે. કજિયા સાંભળવા નહિ બેસે.”

“તમે તે આ શું ધાર્યું છે, ઠાકોર સાહેબ ?”

“હું મારી વેતરણમાં જ છું. આપણે બંને પંજા મિલાવી શકશું ?”

“વધુ સાચવવાની મારી તો ત્રેવડ જ નથી. જેટલું વધુ તેટલું ગુલામી વિશેષ.”

“મોકો ચૂકો છો. હું તો કહું છું કે છેલ્લો કડાકો થાય કે તત્કાળ એજન્સીનું વેજળ પરગણું દબાવી બેસો.”

“માફ કરો તો એક વાત કહું...”

“કહો.”

“કહો.”

“પચીસ વર્ષ પછી કોઈ લેખક જો આપનાં સ્વપ્ન વિશેની સાચી વાત લખશે, તો એ દીવાનામાં ખપશે.”

“એની મતલબ તો એ ને કે મને આપ દીવાનો માનો છો ?”

“કારણ કે આપ કોઈ પ્રકારનો નશો તો કરતા નથી એ વાત હું જાણું છું.” સુરેન્દ્રદેવ બહુ મીઠાશથી ગાળો આપી શકતા હતા.

“તમને તો, સુરેન્દ્રદેવજી,” ઠાકોરે ખેદ બતાવ્યો : “રાજાઓ જોડે કદી બંધુભાવ થયો જ નહિ.”

“બંધુભાવની વાત રાજાઓની સંસ્થાનો શોભશે નહિ. સગા ભાઈઓને ઝેર દેવાનો તો આપણો પ્રાચીન સંસ્કાર છે.”

“આપ કોની વાત કરો છો ?” ઠાકોર સાહેબ ભડક્યા.

“હું તો પાંડવ-કૌરવોથી માંડી આજ સુધીના આપણા ઇતિહાસની વાત કરું છું.”

“તો પછી જીવવું શી રીતે ?”

“આપણા જીવવા પૂરતી જ જો ખેવના હોત તો તો આપણે આખા હિંદ પર પીળું પોતું ફેરવી શકત. પણ આપણે તો આપણા મૂવા પછી પેઢાનપેઢી આપણી ઓલાદને કપાળે ગુલામીની ભોજનથાળ ચોકસ ચોડી જવો છે. આપણે આપણાં પોતાનાં બૂત થઈને પણ પૃથ્વી પર ભમવું છે.”

ઠાકોર સાહેબને આ બધી વાતમાં અક્ષાત્રવટ લાગી. એમણે તો સુરેન્દ્રદેવને મોંએ જ ચોડી દીધું : “દેવ ! તમે તમારું તો ટાળશો, પણ છોકરાનીય રાબનું રામપાતર ફોડતા જશો.”

“હું તો પેલા પુરબિયાની મનોદશા કેળવી રહ્યો છું : સબ સબકી સમાલનાં, મૈં મેરી ફોડતા હૂં. મારું સ્થાન તો હિન્દની પ્રજા સાથે છે. હું તો રાજા સાહેબોની સૃષ્ટિમાં વિધાતાની કોઈ સરતચૂકથી મુકાઈ ગયો છું.”

“અધીરાઈ શી આવી ગઈ છે ?”

“શૂળીની અણીને માથે ધીરજ રાખે તેની બલિહારી છે.”

“ઠીક, આપણી વચ્ચે તો વિચારોનું અંતર જમીન-આસમાન જેટલું થઈ ગયું.”

“એ અંતર પર સમય પોતે જ પાજ બાંધી રહ્યો છે.”

“ગમે તેમ, આપણે તો કૉલેજ-કાળના ગોઠિયા.”

“એ મૈત્રી તો કાયમી છે.”

દરબારગઢની ઘડિયાળમાં રાતના નવના ડંકા પડ્યા, ને સુરેન્દ્રદેવજી ઊઠ્યા. ઠાકોર સાહેબને એણે કહ્યું : “ચાલો ત્યારે, વાળુ કરી લઈએ હવે.”

“ઓલો વાંદરો હજુ આવે ત્યારે ને ?”

“કોણ, પ્રાંત-સાહેબ ? હવે એ તો આવીને સૂઈ રહેશે.”

“એનું ખાવાપીવાનું ?”

“મારે ત્યાં તો ટાઈમ બહાર કોઈને ન મળે. મને પોતાને પણ નહિ.”

“ભૂખ્યો સુવાડવો છે એને ?”

“ખાશે - એને ઉતારે પાઉં-બિસ્કિટ તો મુકાવ્યાં છે ને !” સુરેન્દ્રદેવજીના પેટનું પાણી પણ હલતું નહોતું.

“હવે દીવાના બનવાનો તમારો વારો આવ્યો કે, દેવ !”

ઠાકોર સાહેબે મશ્કરી કરતાં કરતાં પણ દહેશત અનુભવી.

“નહિ, નહિ; મારી અહીંની રસમ નહિ તૂટે.” સુરેન્દ્રદેવજીએ પોતાની કડકાઈ ન છુપાવી.

બેઉ ઊઠ્યા.

એક જ કલાક પછી ગામનાં કૂતરાં ભસ્યાં. પાંચ ઘોડેસવારો સાથે પ્રાંત-સાહેબ ઝાંપે દાખલ થયા. ભસતાં કૂતરાંને એણે અંગ્રેજીમાં બે ગાળો દીધી. કૂતરાં એ ગાળોને સમજ્યાં હોવા જોઈએ, કેમકે તેઓ દૂર જઈને વધુ ભસવા લાગ્યા.

ઉતારા સુધી પ્રાંત-સાહેબ જોતા ગયા. એણે આશા રાખી હતી કે ક્યાંઈક ને ક્યાંઈક રસ્તે સુરેન્દ્રદેવજી સામા લેવા ઊભા હશે, એને બદલે તેણે તો ઉતારામાં પણ સૂનકાર જોયો.

પૂછતાં જવાબદાર અમલદારે કહ્યું : “દરબાર સાહેબ તો રોજના નિયમ મુજબ સૂઈ ગયા છે, સવારે મળશે.”

“હમેરા ખાના !” સાહેબે હુકમ કર્યો. જવાબમાં સૂકી અને ઠંડી પડેલી ચીજો હાજર થઈ.

સાહેબને આ તમામ મામલો પોતાની જ નહિ પણ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યની બેઅદબીથી ભરેલો ભાસ્યો. પણ એણે ગમ ખાધી. સોડા અને દારૂનું મિશ્રણ પીને એ સૂઈ રહ્યો. સવાર પડ્યું. સુરેન્દ્રદેવજી આવ્યા નહિ.

સાહેબ પોતે તેમને બંગલે જવા તૈયાર થયા. માણસ જવાબ લઈને આવ્યો કે “દરબાર રોજિંદી પ્રભુ-પ્રાર્થનામાં બેઠા છે. નવ વાગ્યે બહાર આવીને સાહેબને મળશે.”

એજન્સીની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોનાં કૂતરાં પણ આજ સુધી કદી આવી સરભરા નહોતાં પામ્યાં. તુમાખી અને તોછડાઈની હદ વટાઈ ગઈ હતી. ગોરાને સ્થાને કોઈ પણ દેશી અમલદાર હોત તો રમખાણ મચાવીને ગામ છોડત.

પણ ગોરો હાકેમ અપમાનનો ઘૂંટડો પી ગયો - આનંદ રાખીને પી ગયો; કારણ કે એ પીવાનો હતો સામ્રાજ્યની રક્ષાને કારણે. સામ્રાજ્યની ભાવનાએ ગોરાના કલેજામાં પાષાણ અને મીણ બન્ને મેળવીને મૂક્યાં હતાં.

સુરેન્દ્રદેવજીને મળ્યો ત્યારે ગોરો હાકેમ જરીકે દોર ચૂક્યો નહિ. માનપાનની લાગણીને તો એણે હૃદયના પાતાળમાં ઉતારી હતી. દરબારશ્રીના ઓરડાની દીવાલ પર એક ટીડડું બેઠું હતું. તે જોઈને પણ એ બોલી ઊઠ્યો : “ઓહ, વ્હૉટ એ લવ્લી લિટર ફેઈરી યૂ હેવ મેઈડ યોર પેટ ! (ઓહ ! કેવી રમ્ય પરીને તમે પાળી છે !)”

પછી એણે લડાઈની લોન વિશે તેમ જ થોડા રંગરૂટો (યુદ્ધ માટે ફોજમાં ભરતી થનારાઓ) વિશે માગણી કરી.

સુરેન્દ્રદેવજીએ બેઉ વાતોની ઘસીને ના કહી.

છતાંય ગોરો હસ્યો. માણસના મનમાં અગ્નિરસના ઓઘ ચાલી રહ્યા હોય છતાં એ હોઠ પર સ્મિત રમાડતો રહે, ત્યારે એની પાસે એવું યોગીપણું સધાવનાર જે કોઈ ભાવના હોય તે આપણાં માથાંને નમાવે છે - ભલે એ ભાવના સામ્રાજ્યવાદીની હોય.

“કંઈ નહિ, દરબાર સાહેબ, હું તમારી સ્થિતિ સમજું છું. હું ‘એ.જી.’ને યોગ્ય રિપોર્ટ કરી નાખીશ. તમે ચિંતા ન કરશો.”

એટલું કહીને એણે ઘોડાં હંકાર્યાં.

એ વખતે ગિરના એક નાકા ઉપર શિકારનો એક કૅમ્પ નખાતો હતો અને એ કૅમ્પમાં રમખાણ બોલી રહ્યું હતું :

“નહિ મિલેગા : બકરા હમેરી તરફસેં નહિ મિલેગા તુમકો.” એ અવાજ રાવસાહેબ મહીપતરામનો હતો. એ જવાબ સાંભળનારો સાહેબ લોકોનો બબરચી હતો. બબરચી ધૂંઆંપૂંઆં થઈ રહ્યો હતો. કેમકે પ્રાંત-સાહેબના બબરચીના બબરચીને આજે પોતાની કારકિર્દીમાં પહેલી જ વાર સાંભળવું પડ્યું કે ‘બકરો નહિ મળે’.

“અચ્છા ! તબ હમ સા’બકા ખાના નહિ પકાયગા !” એમ કહીને બબરચી રિસામણે બેઠો.

રાવસાહેબ મહીપતરામનું નવું પોલીસ-થાણું બે ગાઉ છેટે હતું. એમની તો નિમણૂંક બહારવટિયાના હંગામને કાબૂમાં લેવા માટે થઈ હતી. ને હજુ તો ગઈ કાલે જ તાબાનું મોજણી ગામ ભાંગ્યું હતું. છતાં, સાહેબ લોકોનો શિકારનો કૅમ્પ ગોઠવવાની ફરજ બીજી સર્વ ફરજોથી અગ્રપદે ગણાતી હોવાથી, એમને અહીં આવવું પડ્યું હતું.

એક તાબેદાર અમલદાર તરીકે એમની તો ફરજ હતી કે સાહેબના બબરચીની પૂરેપૂરી તહેનાત એમણે ઉઠાવવી. પરંતુ રાવસાહેબની અંદર રહી ગયેલા ‘બ્રાહ્મણિયા’ સંસ્કાર રાવસાહેબને ભારે પડ્યા. પ્રમોશનો મેળવવાની સીડીનાં પગથિયાં સાહેબ લોકોની તે કાળની સૃષ્ટિમાં બે હતાં : એક પગથિયું સાહેબને બબરચી; બીજું પગથિયું સાહેબનાં ‘મે’મ સા’બ’. બેઉમાં બબરચીનું ચલણ સવિશેષ હતું.

એવા મહત્ત્વના માણસને રાવસાહેબ મહીપતરામ ન સાચવી શક્યા. એમણે પોતાના તરફથી બકરા-કૂકડાનો બંદોબસ્ત ન કરી આપ્યો. બબરચીએ તો કંઈકંઈ આશાો રાખી હતી, ને મહીપતરામ તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા. બબરચીએ મહીપતરામને ધોળા દિવસે તારા દેખાડવાનો નિશ્ચય કર્યો.

બપોર ધખ્યો ને સાહેબોના ઘોડાની પડઘી વાગી.

બબરચીને શૂરાતન ચડ્યું.

૩૦. બ્રાહ્મતેજ

પસીને રેબઝેબ બે અસલ અરબી ઓલાદના ઘોડા તબડાટ કરતા આવી પહોંચ્યા. બે અંગ્રેજ અધિકારીઓએ છલાંગ મારી ઘોડાનાં જીન છોડ્યાં.

તેઓનાં રેશમી ખમીસો રતુંબડાં શરીરો સાથે પસીને ચોંટી ગયાં હતાં, ભૂખ અને તરસની તેમના પેટમાં લાય લાગી હતી. છતાં, સૌ પહેલાં તેમણે પોતપોતાના ઘોડાઓને જિગર-જાનથી થાબડ્યા. ઘોડાના કપાળ પર, બેટાને સગો બાપ પંપાળે તેવા પ્રેમથી, તેમણે હાથ પસાર્યા; અને ઘોડાનાં નસકોરાંનો જે વધુમાં વધુ પોચો ભાગ, તે પર બેઉ જણાએ બચીઓ ભરી.

બેમાંનો એક પોલિટિકલ એજન્ટ હતો, ને બીજો નવો આવેલ પોલીસ ઉપરી હતો. જૂના ખાનદાન સાહેબની લડાઈના સબબે બદલી થઈ ગઈ હતી.

તે પછી બેઉ અફસરો ‘ખાના ! જલદી ખાના લાવ !’ના પુકાર કરતા એ જંગલમાં બિછાવેલ રાવટીમાં મેજ પર ઢળ્યા, અને બટલર તેઓની સામે ફોજદારની તોછડાઈની કથા લઈ ઊભો રહ્યો.

મોંની સીટીઓ બજાવી જંગલમાં મંગલ કરી રહેલા ગોરા સ્તબ્ધ બન્યા. બેડીગામના બંગલામાંથી ચેતાયેલા પ્રકોપનું છાણું અહીં ભડકો કરી ઊઠ્યું. સુરેન્દ્રદેવજીના તુચ્છકારને ગળી જનાર ગોરો ક્ષુધાની આગને ન સહી શક્યો. બદનને બહુ કસનારા, વિપત્તિઓ ને મુસીબતો સહેવામાં પાવરધા આ અંગ્રેજો આહારની બાબતમાં બાળકો જેવા પરવશ હોય છે. ખાણા ઉપર જ તેઓની ખરેખરી ખિલાવટ થાય છે. એટલે જ હિન્દી ઉપવાસો તેમને હેરત પમાડે છે. અને સુંદર ભાષણો તેઓ સુંદર ભોજનની સાથે જ કરી શકે છે.

તેઓ બન્ને રાવસાહેબ મહીપતરામ પર ઊતરી પડ્યા. એટલી વરાળો ફૂંકવા લાગ્યા કે મહીપતરામ જો માણસ હોવાને બદલે પશુ હોત તો તેઓ એને જ શેક્યા વગર ખાઈ જાત !

“અભી કે અભી ફોરન સવાર ભેજો; તુમારા થાના કે ગાંવસે મટન લેકર આવે.” સાહેબે ફરમાન આપ્યું.

“ત્યાં ખાટકીનું કામ બંધ છે, હજૂર.” રાવસાહેબે જવાબ આપ્યો.

“કાયકો ? કિસકા હુકમસે ? સાહેબનો દેહ કારખાનાના ફાટ-ફાટ થતા બૉઇલરની યાદ દેતો હતો.”

“મારા હુકમથી.”

“ક્યોં ?”

“ખાટકીના ફળિયામાંથી સમળીઓ માંસના લોચા ઉઠાવી હિન્દુઓનાં ઘરોમાં નાખતી હતી. મેં એને તાકીદ કરી હતી કે આયંદે બંદોબસ્ત કરે, પણ એણે બેપરવાઈ બતાવી. કાલે એક સમળીએ ગામના ઠાકર મંદિરમાં હાડકું પડતું મૂક્યું, એટલે મારે મનાઈ કરવી પડી.”

“યુ ડેમ ગધ્ધા સુવર...”

“સાહેબ બહાદુરને હું અરજ કરું છું કે જબાન સમાલો !” મહીપતરામ જેટલા ટટ્ટાર ઊભા હતા તે કરતાં પણ વધુ અક્કડ બન્યા. આ શબ્દો એ બોલ્યા ત્યારે એમની છાતી બે તસુ વધુ ખેંચાઈ.

“ક્યા ! યુ...” કહેતા બેઉ ગોરા ઊભા થઈ ગયા, પણ નવું વિશેષણ ઉમેરે તે પહેલાં તો મહીપતરામે પોતાની કમર પરથી કીરીચ-પટો ખોલ્યો. એ અણધારી ક્રિયાએ બોલતા સાહેબને હેબતાયો, ને કીરીચ-પટો સાહેબની સન્મુખ ધરીને મહીપતરામે જવાબ આપ્યો : “સાહેબ બહાદુર એક પણ અણછાજતો બોલ ઉચ્ચારે તે પહેલાં આ સંભાળી લે ને મને ‘ડિચાર’ (ડિસ્ચાર્જ) આપે.”

ખાખી કોટ, બ્રિચીઝ અને સાફામાં શોભતો આ બાવન વર્ષનો બ્રાહ્મણ સાહેબોની જીભને જાણે કે કોઈ ખીલા જડીને ખડો રહ્યો.

સાહેબો ખમચ્યા. એ એક પળનો લાભ લઈને મહીપતરામે કહી નાખ્યું : “આ કીરીચ સરકારે મને બકરાં પૂરાં પાડવાની તાબેદારી ઉઠાવવા બદલ નથી બક્ષિસ કરી.”

“યુ આર એ શેઈમ ટુ યોર કીરીચ (તારી એ કીરીચની તેં નામોશી કરી છે.)”

એટલું બોલનાર બીજા અંગ્રેજની સામે મહીપતરામે શાંતિથી કીરીચ-પટો છોડી દીધાં ને કહ્યું : “સાહરેબ બહાદુરનો હવે શો હુકમ છે ?”

“તમારી ફોજદારી તોડી નાખવામાં આવે છે. તમને સેકન્ડ ગ્રેડ જમાદારીમાં ઉતારવામાં આવે છે.”

જવાબમાં મહીપતરામે પોતાને બઢતી મળી હોય એવી અદાથી સલામ ભરી, અને ઉપરી સાહેબે ફરમાન કર્યું : “એટેન્શન ! એબાઉટ ટર્ન ! ક્વિક માર્ચ !”

હુકમ મુજબ હોશિયાર બની, પાછા ફરી, ઝડપી પગલે મહીપતરામ રાવટી બહાર નીકળી ગયા. આ બધો શો ગજબ થઈ ગયો તેનું ભાન આવ્યું. ફોજદારી તૂટી એ એમને જિંદગી તૂટ્યા બરાબર લાગ્યું. આવી બેઈજ્જતી લઈ કેમ જીવી શકાશે ? જગતને મોઢું શી રીતે બતાવી શકાશે ? જૂનો જમાનો હંમેશાં પોતાની ઈજ્જત વિશે જીવન-મૃત્યુની લાગણી અનુભવતો.

મહીપતરામ થાણામાં પાછા ફર્યા ત્યારે એક સાદા પોશાકવાળો સવાર ઘોડું દોરીને ઊભો હતો. તેણે મહીપતરામના હાથમાં એક સીલ કરેલ ચિઠ્ઠી મૂકી. માણસે ધીમેથી કહ્યું : “એ ચિઠ્ઠીમાં એક મરદનું માથું છે, માટે જાળવજો.” કહીને એ ચાલ્યો ગયો.

સમજુ મહીપતરામે આ ચિઠ્ઠી સંડાસમાં લઈ જઈને વાંચી. અંદર લખ્યું હતું :

બહાદુર સિપાઈ,

આ દેશની દુર્દશા છે કે એક બહાદુર બીજા બહાદુરનો વિનાકારણ પ્રાણ લેવા નીકળેલ છે. સહુ બહાદુરોને સાચવનારો એક દેશવીર પરદેશથી પાછો ફર્યો છે. તમે થોડા દિવસ ઠંડા રહી શકશો ? તો લખમણને અહીંથી સરકારી લઈને બહાર રવાના કરી શકાય. તમારી સેવા ફોગટ નહિ જાય.

નીચે સહી આ રીતે હતી :

આ ભૂમિની મર્દાઈનો પ્રેમી એક ગુર્જર.

મહીપતરામના અંતરમાં ઘોડાપૂર પ્રલોભનો ધસ્યાં :

સુરેન્દ્રદેવજી સિવાય બીજા કોઈનો આ સંદેશો ના હોય. એજન્ટ સાહેબ બે જ ગાઉ પર છે. જઈને રોશન કરું ? તૂટેલી ફોજદારી હમણાં ને હમણાં પાછી વળશે. છૂટેલી કીરીચ પાછી કમર પર બિરાજશે, કેમકે એજન્ટ વગેરે ગોરાઓને ઘેર તો આ ચિઠ્ઠી થકી ગોળનાં ગાડાં આવશએ. સુરેન્દ્રદેવની તુમાખી પર સહુને હાડેહાડ દાઝ ચડી ગઈ છે.

ને એમ કરવામાં ખોટું પણ શું છે ? એ તો મારી એક નોકર તરીકે પણ ફરજ છે. મારી નિમકલલાલીની લાજિમ છે કે બહારવટિયાને નસાડવાની આવી છૂપી પેરવીને મારે પકડાવી દેવી.

કેટલી બધી નાલાયકી કહેવાય આ સુરેન્દ્રદેવની કે એણે મારી સિપાઈગીરીમાં બાકોરું પાડવાની હામ ભીડી ! મને એ બહારવટિયાના પલાયનમાં ભાગીદાર બનાવવા માગે છે !

પણ આ બાપડાનો શો દોષ ! એણે મારા પર વિશ્વાસ મૂક્યો. હું વિશ્વાસઘાતી કેમ બનું !

નહિ, નહિ; એમાં વળી વિશ્વાસઘાત શાનો ? જાલિમ બહારવટિયાના સાથીનો વળી વિશ્વાસઘાત શો ? કોને ખબર - સુરેન્દ્રદેવને ઘેર બહારવટિયો લૂંટની થેલીઓ ઠાલવી આવતો નહિ હોય ? આ બધા રાજા-મહારાજાઓ શું સારા ધંધા કરે છે ? સુરેન્દ્રદેવ અને સુંદરપુરના ઠાકોર હજુ ગઈ કાલે જ ભેળા થયા’તા, તેનો ભેદ પણ ક્યાં નથી કલ્પી શકાતો ? તેઓ બધા સરકાર વિરુદ્ધ કાવતરું પકવી રહ્યા છે.

ને હું રાજાઓનો કે સરકારનો ? મારું સારું કરનાર તો સરકાર જ ને ! ઉપરી સાહેબને તો મારી ઉદ્ધતાઈથી ક્ષણિક રોષ ચડ્યો. બહુબહુ તો તેઓએ મારી ફોજદારી લઈ લીધી, પણ આ ઠાકોરો માયલો કોઈક હોત તો શું કરત ? શું શું ન કરત ? મને બદનામ તો કરત, ઉપરાંત રિબાવીને મારત.

સરકાર તો આવતી કાલે મારી ફોજદારી પાછી પણ આપશે. સરકાર હજાર દરજ્જે સારી છે. પાડ એના કે અદના સિપાઈને પણ એણે ઠાકોરો-ભૂપાલોનો ડારનાર બનાવ્યો, ને વાંકી વળેલી અમારી કમ્મરોને ઝૂકવાનું વીસરાવી ટટ્ટાર છાતીએ ઊભા રહેતાં શીખવ્યું.

આ કાવતરું ફોડવું જોઈએ. કંઈ નહિ; હું સુરેન્દ્રદેવનું નામ નહિ લઉં. મને ખબર જ ક્યાં છે ? હું તો ચિઠ્ઠી રજૂ કરી દઉં.

સંડાસમાંથી બહાર આવીને એણે ઘોડી પર ફરી સામાન નખાવ્યો.

રકાબ પર એક પગ મૂકે છે તે જ ઘડીએ મહીપતરામે એક ટેલિયા બ્રાહ્મણની ટેલ સાંભળી. મોટા સાદે સવાસો રૂપિયાની ટેલ પુકારતો બ્રાહ્મણ નજીક આવ્યો.

“એમ નહિ, મા’રાજ !” મહીપતરામે પૂછ્યું : “તમને જ્યોતિષ આવડે છે ?”

“હા, બાપુ, કેમ ન આવડે ?”

“હસ્તરેખા ?”

“એ પણ.”

“આવો ત્યારે ઘરમાં.”

બ્રાહ્મણને લઈ પોતે અંદર ગયા. જઈને પૂછ્યું : “કાં, જગા પગી !”

બ્રાહ્મણ વેશધારીએ કહ્યું : “ફતેહ કરો. ચાલો, ઝટ ચડો.”

“શું થયું ?”

“એક પોતે ને બીજા નવ - દસેય જણા બેફામ પડ્યા છે ચંદરવાની ખોપમાં.”

“બેફામ કેમ ?”

“કેમ શું, પેટમાં લાડવા પડ્યા.”

“શેના લાડવા ?”

“અમૃતના તો ન જ હોય ને !”

“એટલે ?”

“કાંઈક ઝેરની ભૂકી મળી’તી.”

“કોના તરફથી ?”

“હવે ઈ તમારે શું કામ ? મેં મારા હાથે જ લાડવા ખવરાવી, લથડિયાં લેતા જોઈ-કરીને ઘોડી આંહીં દોટાવી છે.”

“જગુડા !” મહીપતરામનું મોં ઊતરી ગયું. “ઝેર દીધું ?”

“નીકર શું ઝાટકે ને ગોળીએ મારવો’તો તમારે લખમણને ?”

“હા, જગુ.”

“રામરામ કરો ! ને હવે તમારે વાતું કરવી છે કે ઝટ પહોંચવું છે ?”

“શું કરવા ?”

“બહારવટિયા ઉપર શૂરાતન કરવા.”

“જગુ પગી, તેં નામરદાઈ કરી.”

“સાત વાર. પણ હવે હાલો છો ? કોઈ બીજો પોગી જશે તો તમે રહેશો પગ ઘસતા.”

“જગુ પગી, મારે એ પરાક્રમ નથી જોતું.”

“શું બોલો છો, સા’બ ?”

“લખમણને ઝેર ? બહાદુર લખમણને ઝેર ? મારે તો એને પડકારીને પડમાં ઉતારવો’તો. હા ! હા ! શિવ શિવ !”

જગુ પગીને આ બ્રાહ્મણ પર કંટાળો છૂટ્યો. એણે એ કંટાળાની એંધાણીરૂપે પૃથ્વી પર થૂંક નાખ્યું ને પૂછ્યું : “ત્યારે મને નાહકનો દાખડો કરાવ્યો ને, સા’બ ?”

“ના, ના, જગુ, જા તું ઘાંઘલીને ઘૂને. ત્યાં સાહેબો પોતે જ બેઠા છે. એને સમાચાર દે. ઝેર દીધેલા બહારવટિયાને જીતવાનો જશ ભલે એમને જાતો. મને ખબર આપ્યા છે એવું કહેતો જ નહિ.”

‘બામણું કેવા ઘેરસાગરું ! આ મોકો જાવા દીધો !’ એમ વિચારતો એ ટેલિયો વેશધારી જગુ પગી ઘાંઘલી-ઘૂના તરફ દોડ્યો.

મહીપતરામે ઘોડી પરથી જીન ઉતરાવ્યું. સાંજનો સમય થયો. સવારની બાકી રહેલી સંધ્યા-પૂજા માટે એણે સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં એણે શાંતિના શ્લોકો રટ્યા. કોઈક મરતા આદમીની સદ્‌ગતિ માટે એણે આ શાંતિપાઠ કર્યો, ને પાટલા પર ઘીની ઝીણી દીવી બળતી હતી તેની જ્યોતિમાં એણે પેલી સુરેન્દ્રદેવવાળી ચિઠ્ઠી ઝબોળી.

સળગી ગયેલા કાગળ પર અક્ષરો ઉકેલી શકાય તેવા ને તેવા રહે છે એ વાત પોલીસ-અમલદાર જાણતો હતો. કાગળને એણે ચોળી રાખ કરી નાખ્યો. એનો અંતરાત્મા વકીલોની દલીલબાજીમાંથી મોકળા થયેલા દેહાંત-સજાના કેદી જેવી દશા પામ્યો. આ સારું કે તે સારું ? આ કર્તવ્ય કે બીજું ? - એ પ્રશ્નો જ ન રહ્યા. પૂજાના બાજોઠ પર જ બ્રાહ્મણનું બ્રહ્મતેજ, સાહેબોના ખાણાના મેજની સામે પ્રકાશેલ બ્રહ્મતેજથી જુદી તરેહે દેદીપ્યમાન થઈ રહ્યું. પોતાનાં અંબાજીમાએ આજે એને એક મહાપાપમાંથી બચાવ્યો.

સાચા બ્રાહ્મણની એ પરમ કમાઈ !

૩૧. બહાદુરી !

અહીં ચંદરવાની ખોપમાં - એટલે કે જુગાન્તર-જૂની કોઈ વીજળી ત્રાટકવાથી ડુંગરની છાતી વિદારાઈ ગઈ હતી, તેના પોલાણમાં - ઘેઘૂર આંખે લખમણ પડ્યો હતો.

એ હવે પાંચ-સાત વર્ષો પૂર્વેનો ગૌચારક લખમણ નહોતો રહ્યો. બે વર્ષ પૂર્વેની બહેનનો ડાહ્યોડમરો ને પોચો પોચો ભાઈ પણ નહોતો રહ્યો. લખમણની છાતીમાં મરદાઈના મહોર ફૂટ્યા હતા. એનો અવાજ રણશિંગાના રણકાર જગવતો હતો. એનો સંગાથ અડીખમ આઠ મિયાણાઓનો હતો. ભાષા પણ લખમણની ચોપાસ મરદોની જાડેજી ભાષા હતી મોળો બોલ ઉચ્ચારનાર પણ કોઈ નહોતું લખમણની પાસે.

જગુ પગી લખમણનો વિશ્વાસુ કોળી : જગુને ખોળે લખમણ ઓશીકું કરીને નિરાંતે ઊંઘનારો. એ જ જગુએ લખમણને ને એના સાથીઓને ઝેર ભેળવેલા લાડવા જમાડી આજે પારેવાંને બાફી નાખે તેવા ઉનાળાને મધ્યાહ્‌ને છેલ્લી ઊંઘનાં ઝોલાં લેવરાવ્યાં.

સહુ ઢળી પડ્યા. પણ એકલા લખમણને દગાની સનસ આવી. લડથડિયાં લેતે લેતે એણે ગળાની અંદર આંગળીઓ ઉતારી વમન કર્યું. લાડવાનું ઝેર પાયેલ લીલું અન્ન એના જઠરમાંથી થોડુંક નીકળ્યું. થોડીક આંખો ઊઘડી. તે વખતે લખમણે સામી ઊંચી ધાર ઉપર સાહેબ લોકોની બંદૂકો દીઠી. પછવાડે પચીસેક બીજા ખાખી પોશાક નિહાળ્યા.

લખમણ ખસી તો શકતો નહોતો. અંગ લગભગ ખોટું પડી ગયું હતું. ફક્ત બે હાથ સળવળ્યા. પણ એના હાથમાં બંદૂક સ્થિર કરી શકાતી નહોતી.

“ઓ હો હો !” લખમણે ધા નાખી : “એક વાર એક ભડાકો પણ કર્યા વિના મરી જવું પડશે ? હું જીવતો છું એટલુંય જણાવી નહિ શકું ? કોઈ - આઠમાંથી કોઈ - મને મારી બંદૂક આપવા નહિ ઊઠો ! કોઈક તો ઊઠો ! કોઈક તો બંદૂક દિયો.”

ચમત્કાર બન્યો હોય તેવું લાગ્યું. કોઈકે પછવાડેથી એના હાથમાં ભરેલી બંદૂક મૂકી.

લખમણે પાછળ જોવાં ફાંફાં માર્યાં, પણ આંખોએ એક માનવીનો દેહ જ દીઠો. મુખમુદ્રા ન પારખી શકાઈ.

“કો - કો - કો - કોણ છો ?” લખમણ માંડમાંડ પૂછી શક્યો.

“બેન છું - બેન.” જવાબ મળ્યો.

પણ લખમણ જવાબ ન ઝીલી શક્યો, શબ્દો ન પકડાયા. એણે બંદૂકના ઘોડા ઉપર આંગળાં સ્થિર કરવા માંડ્યાં, એને કોઈકે નિશાન લેવરાવ્યું ને કહ્યું : “ઉડાડ, ઉડાડ બેનની ઠેકડી કરનાર ગોરાને !”

લખમણની બંદૂક છૂટી. ગોળીએ સામી ધાર પર ક્યાંઈક ઠણકારો કર્યો. પણ કોઈ પડ્યું નહિ.

એક પછી એક બંદૂક ભરતી ભરતી એ આવેલી સ્ત્રી લખમણને દેતી ગઈ. બહારવટિયો ભડાકા કરતો ગયો, ને છેવટે એ પડ્યો ત્યારે એટલું બોલી શક્યો : “બેન, હાલોને ગૌધેન ચારીએ ! આ ગોરખધંધો કાંઈ લખમણનો હોય ?”

સામી ધાર સળવળી ઊઠી હતી. દેકારો બોલતો હતો. ને આંહીં સૌને મૂવેલા સમજનાર સાહેબો તાજુબ થતા હતા કે ગોળીઓ ક્યાંથી વરસે છે.

ધાણીફૂટ ગોળીઓ છોડતા સરકારી અમલદારો નજીક આવ્યા ત્યારે લખમણનો દેહ ખોળામાં લઈને બેઠેલી એક સ્ત્રી દીઠી.

ઢળેલા બહારવટિયા લખમણને એ ભગવા વેશધારી ઓરતે પોતાના ખોળાનું ટેકણ આપી બેઠેલો રાખ્યો હતો, ને એના ખભા પર બંદૂક તોલી રાખી હતી.

“હજુ જીવતો છે. શૂટ !” દોડતા આવતા એક સાહેબે તમંચો તાક્યો.

“રહો ! ન ચાંપજો !” બીજા સાહેબે એનો હાથ ઝાલ્યો. “પછવાડે એક સ્ત્રી બેઠી છે. એ વીંધાઈ જશએ.”

“છોડ, છોડ ! એક નાચીઝ ડાકણનું સન્માન ! મોતની પળે !” એમ બોલતા બોલતા એ સાહેબે રિવોલ્વરને ફરી વાર તોળી. પણ તેનો ભડાકો થાય તે પૂર્વ જ બીજા જુવાન સાહેબે એના હાથને ઠેલો માર્યો. ગોળી ધુમાડાનાં ભૂખરાં પિચ્છ ફરકાવતી કોઈ દેવચકલી જેવી આકાશ વીંધીને રમતી ગઈ.

આટલો વખત જવા છતાં સામેથી બહારવટિયાની તાકી રહેલી બંદૂક ન વછૂટી. બહારવટિયો બેઠો હતો તેવો જ સ્થિર કોઈ ધ્યાનધારી જેવો બેસી રહ્યો. ઓરત પણ હવે નજીક પહોંચતાં પૂરેપૂરી પ્રગટ થઈ. દૂરથી ડરામણો દેખાતો ડાકુ ખતમ થયેલો જ માલૂમ પડ્યો. ગોળીઓ વડે વીંધાઈવીંધાઈને એનો દેહ નવરાત્રના ગરબા જેવો જાળીદાર બન્યો હતો. છિદ્રોમાંથી રાતાં રુધિરનાં અજવાળાં નીતરતાં હતાં.

ડુંગરના કાળમીંઢ પથ્થરોને ચગદી ચગદી પોતાના બૂટની એડીને ચિત્કાર બોલાવતો મોટો સાહેબ ઠેકીને નીચે છલાંગ્યો, ને એણે બૂટનો ધક્કો મારી લખમણનું કલેવર જમીનદોસ્ત કર્યું. દાંત ભીંસ્યા. ઓરતે પોતાની રાતી આંખો તાકી. સાહેબે જાણે કે એની દેવપૂજાનો પૂજાપો પીંખી નાખ્યો હતો.

“શું કરો છો તમે ? ઈસુને ખાતર અટકો.” નાનેરા સાહેબે મોટાને ત્યાંથી ધકેલવા પ્રયત્ન કર્યો.

ઓરત બહારવટિયાનું રોળાતું માથું સરખું કરવા ચાલી. સાહેબના ઘુરકાટ હજુ શમ્યા નહિ. એ ઓરત સામે ધસ્યો. ઓરતે એક બાજુ ઊભેલી સિપાહીઓની ગિસ્ત સામે દયામણી નજર નોંધી.

“સા’બ બહાદુર !” સિપાઈઓના હવાલદારે સાદ કર્યો.

છંછેડાયેલો ગોરો થંભીને ઘૂરક્યો.

હવાલદારે કહ્યું : “સાહેબ બહાદુરને હાથ જોડીએ છીએ. લાશને ન અપમાનો !”

નાનેરા સાહેબે - એટલે કે પોલીસ-અધિકારીએ - પોતાની ખાખી હૅટ ઉતારી હાથમાં લીધી.

“ચૂપ રહો !” મોટા ગોરાએ પોતાની માનહાનિ ન સહી.

ઘોડેસવાર પોલીસો થોડે છેટે ઘોડાં દોરીને ઊભા હતા, તેઓ એકાએક ઊતરી આવ્યા. તેમાંના એક સફેદ દાઢીવાળા નાયકે કહ્યું : “સાહેબ બહાદુર, સૈયદ છું. મેં સરકારની ચાકરીમાં મોવરના, વાલાના, રાયદે વગેરેના ઘણા હંગામો ખેડ્યા છે. સાહેબ લોકો પણ અમારી સાથે સામેલ હતા. શત્રુની લાશ પ્રત્યે કોઈએ બેઅદબી કરી નથી. અમારો મજહબ અમને માના ધાવણમાંથી પણ મોટામાં મોટી એક જ વાત પિલાવે છે, કે આદમી ઝીન્દો છે ત્યાં સુધી દુશ્મન : મૂવા બાદ એનું બિછાનું માલેકને ખોળે થાય છે. એને અદબ સાથે અવલમંજલ પહોંચાડવાની અમારી ફરજ છે.”

“આ ઓરત તમને ઉશ્કેરે છે, કેમ ?” સાહેબે ખમચી જઈને કહ્યું.

“એ ઓરતે લાશને બેઠક કરાવી હતી,” સૈયદે સવારે સમજાવ્યું : “તે તો મોતની મરદાઈ બતાવવા. જીવતો ઈન્સાન કુત્તો થઈને ભલે ભમે, પણ એના શબને કોઈ ધૂળ ન ચટાવી શકે.”

“બાબા લોગ !” નાનેરા સાહેબે ગિસ્તના ઉશ્કેરાટ નિહાળીને શાંતિના શબ્દો છાંટ્યા : “તમારું કહેવું ખરું છે. એક બેલગાડી મેળવી લાવો. આપણે લાશને રાજકોટ લઈ જશું. અહીંથી તો લાશને ઝોળી કરીને ઉઠાવી લઈએ.”

પ્રાંત-સાહેબને પોતાનો પરાજય સમજાયો. નાકની અંદર ઊતરી જતા અવાજે એણે નાના સાહેબને કહ્યું : “વિલિયમ્સ, આ કુત્તાઓ જો અહીં ન હોત તો મારે આ ભયંકર ઓરતને એક - ફક્ત એક જ - લાત મારી લેવી હતી. મને તૃપ્તિ થઈ જાત.”

“તારી ક્ષુધા જ તારી પાસે આવું બોલાવે છે, હોટસન ! નહિ તો થોડા જ કલાકોમાં તું આપણા મહાન એમ્પાયર (સામ્રાજ્ય)ની આબાદીનો પ્રશ્ન કેમ ભૂલી જાત ?”

‘આપણા મહાન એમ્પાયર’ એ ત્રણ શબ્દોએ ત્યાં ગાયત્રીના મંત્રની સિદ્ધિ સાબિત કરી. ખરી વાત એ હતી કે સાહેબનાં છેલ્લાં બે ખાણાં બગડ્યાં હતાં. ભૂખ સ્વભાવને બગાડનારી હતી. સિપાઈઓએ જ્યારે લાશને અદબભેર એક ઝોળીમાં ઉઠાવી ત્યારે પ્રાંત-સાહેબે પમ મૃત્યુના માનમાં પોતાની ટોપી ઉતારી.

ઝોળીને પડખેપડખે લાશના માથાને ટેકો આપતી ઓરત ચાલી. કેટલાક સિપાઈઓએ બીજી લાશોને પણ ઉઠાવી. પછવાડે ગોરાઓ ઘોડા દોરતા ચાલ્યા. આખું ટોળું ડુંગરાની બહાર નીકળતું હતું ત્યારે ઘણાંખરાં પક્ષી માળામાં પેસી ગયાં હતાં. પણ મૂવેલા બહારવટિયા માહેલા એકાદનો કોઈ રખડતો કાળો રૂમાલ પગના વળેલા નખમાં ભરાઈ ગયેલો તે ન નીકળતો હોવાથી એક કાગડો એને લઈલઈ ઊડ્યાઊડ્ય કરતો હતો, ને એનો વાંકગુનો તપાસ્યા વગર જ બીજા કાગડાઓ એને ચાંચો મારીમારી કકળાટ મચાવતા ઘૂમતા હતા.

૩૨. વાતાવરણ ભણાવે છે

વિક્રમપુરના દરિયાને આલેશન બારું હતું. એ બારાની દખણાદી દિશામાં ભેંસોનું ખાડું માંદણે પડી મહાલતું હોય તેવા કાળા, જીવતાજાગતા જણાતા ખડકો હતા. લોકવાણીએ એનું ‘ભેંસલા’ નામ પાડ્યું હતું. ત્યાં આઠેય પહોર અફલાતાં મોજાં ફીણ મૂકતાં હતાં. વિરાટ મહિષાસુર વારિધિ જાણે કે વાગોળ્યા કરતો હતો. પાડાઓનું એકાદ ધણ ચાલ્યું જતું હશે તેમાં એકાએક જાણે દરિયાનાં પાણી તેના ઉપર ફરી વળ્યાં હશે ! કેટલાક નાસીને બહાર નીકળ્યા હશે, કેટલાક ગૂંગળાઈને અંદર રહ્યા હશે; એટલે જ, આ બહાર દેખાતા ખડકોની પાધરી કતારમા ંજ કેટલાક ખડકો અઢી-ત્રણ ગાઉ સુધી પાણીની નીચે પથરાયા હતા. ‘વીજળી’ આગબોટ ગરક થઈ ગયાનું પણ આ એક ઠેકાણું મનાતું.

પિનાકીના મીટ સંધ્યાના ભૂખરા ઉજાસમાં એ ભેંસલા ખડકો પર ઠરેલી હતી. રાજના એક અધિકારી એને બંદર વિશેની વાતો કરતા હતા. એક ખારવો પોતાની જળચર જેવી આંખો તગતગાવતો ‘વીજળી’ આગબોટના ભૂત વિશેની વાતો હાંકતો હતો. દૂર એક દરબારી ઘોડાગાડી ઊભી હતી.

પ્રૌઢ વયના ઠાકોર સાહેબ ચોથી વારના લગ્નનું એક રહસ્ય બરાબર પકડી શક્યા હતા, કે યુવાન રાણીના નાનામોટા કોડ જેવા જાગે તેવા ને તેવા પૂરવા જોઈએ, નહિ તો લગ્નરસ ખાટો થઈ જાય. પ્રથમનાં લગ્નોમાંથી જડેલો આવો અનુભવ અત્યારે ઉપયોગમાં આવતો હતો.

એટલે જ તેમણે નવાં રાણી સાહેબની ઇચ્છા થવાથી પિનાકીને વિક્રમપુર તેડાવ્યો હતો. પિનાકી રાજ્યનો માનીતો મહેમાન હતો. અતિથિગૃહમાં એને માટે રોજની ચાર-ચાર મોટી આફૂસ કેરીનાં ફળો આવતાં.

ઠાકોર સાહેબની અને રાણી સાહેબની જોડે એની પહેલી મુલાકાત થઈ ચૂકી હતી. રાણી સાહેબે પિનાકીને બૅરિસ્ટર થવાનો આગ્રહ કર્યો; કેમકે વકીલાતના કામમાં જે વાચાની કળા તેમ જ અભિનયના મરોડ જોઈએ તે પિનાકીામં એમને શાળાના મેળાવડાને પ્રસંગે દેખાયા હતા.

“રાજ તમને મદદ કરશે,” રાણી સાહેબે બોલ પણ આપી દીધો. “કેમ - નહિ, ઠાકોર સાહેબ ?” રાણીએ પતિને પૂછ્યું.

“આપનું દાન સુપાત્રે જ છે.” ઠાકોર સાહેબે પત્નીનો બોલ ઝીલ્યો.

“પછી અહીંયા જ વકીલાત કરશો ને ?” રાણી સાહેબે પૂછ્યું.

“વકીલાત શા માટે ?” ઠાકોરે માગ્યા પહેલાં જ ઢગલો ધર્યો : “એમનામાં દૈવત દેખશું તો ન્યાયાધીશી જ નહિ આપીએ ?”

પિનાકીના હૃદયમાંથી તો મનોરથોના ગબારા ચડ્યા. જીવનનું ગગન જાણે કે સિદ્ધિઓના તારામંડળ વડે દેદીપ્યમાન બની ઊઠ્યું.

“પાંચેક વર્ષનો ગાળો છે તમારે તૈયાર થવાનો,” એમ જ્યારે ઠાકોર સાહેબે યાદ કરાવ્યું ત્યારે પિનાકી પાછો પછડાયો. શિક્ષણની તાલીમમાં હનુમાન-કૂદકો હોતો નથી.

“પણ બારિસ્ટર થવાની જરૂર ખરી ? રાજના ન્યાયાધીશને માટે અહીંનું જ ભણતર ન ચાલે ?” રાણીએ પૂછ્યું.

“શા માટે ન ચાલે ? રાજ તો મારું છે ને ! જેના માથે આપણે હાથ મૂકીએ એની તો વિદ્યા પણ ઊઘડે.”

“તો આને આંહીં જ તાલીમ આપશું ?”

“જરૂર; મેટ્રિક થઈ જવા દો.”

ઠાકોર સાહેબે રાણી પાસેથી પિનાકી પ્રત્યેની મમતાનું કારણ ક્યારનું જાણી લીધું હતું. ભાંડરડાંની માફક જેઓ ભેળાં રમ્યાં-ઊછર્યાં હતાં તેમનો અન્યોન્ય ઉપકારભાવ ઠાકોર સાહેબને અંતરે વસ્યો હતો. ઠાકોર પ્રૌઢત્વમાં પાકટ થઈ ગયા હતા. એમનામાં ઈર્ષ્યાની આગ નહોતી ને એનો મોટામાં મોટો ગુણ હતો. પડદાનો ત્યાગ કરવાની તેમની હિંમત આ વાતને આભારી હતી. પિનાકીના આચરણની છાપ પણ એમના દિલ પર ચોખ્ખી પડી હતી : એની આંખો ગંભીર હતી. તેના હાવભાવમાં કુમાશ હતી : તનમનાટ નહોતો.

‘અહીં દેવુબા સુખી છે. એને જોઈએ તે જડે છે. એની સુંવાળી ઊર્મિઓ પણ સચવાય છે. હું એને સુખમાં જોયા કરું તો મને બીજી કોઈ મનેચ્છા નથી.’ આ હતો પિનાકીનો મનોભાવ.

તે દિવસે રાતે વિક્રમપુરના દરિયાનો કંદેલિયો બુઝાયો. દીવાદાંડીઓના દીવાઓ ન ચેતાવવાનો સરકારી હુકમ બંદરે બંદરે ફરી વળ્યો હતો.

કંદેલિયો ઠર્યો ! ઘેરઘેર વાત ફરી વળી. ગામડાંને ફાળ પડી. કંદેલિયો ઠર્યો ! થઈ રહ્યું. જરમર આવ્યા ! અંગ્રેજની ધરતી ડોલી. કંદેલિયો ઓલવાયો. આ બનાવ અદ્‌ભુત બન્યો. જમાના ગયા, પણ કંદેલિયો ઝગતો હતો. રાજા પછી રાજા દેવ પામયા, છતાં કંદેલિયાને કોઈએ શોક નહોતો પળાવ્યો. કંદેલિયાને ઓલવવાવાળી આફત કોઈ અસાધારણ હોવી જોઈએ.

‘એમડન’ નામની એક જર્મન જળ-નાગણી ઉલ્કાપાત મચાવી રહી છે. અંગ્રેજ જહાજોના મોટા માતંગોને એ ભાંગી ભુક્કા કરે છે. બંદરો અને બારામાં પેસી જઈને એ સત્યાનાશ વાળે છએ, મુંબઈના કંદેલિયા પણ ઓલવી નાખેલ છે. રાતભર ‘એમડન’ના ભણકારા વાગે છે. દરિયાની મહારાણી ગણાતી બ્રિટાનિયા પોતાના હિન્દ જેવા સામ્રાજ્યને કિનારે સંતાકૂકડી રમતી આ નાચીજ નાવડીને પણ નથી ઝાલી શકતી ! સરકારની ગજબ ઠએકડી મંડાઈ ગઈ સોરઠને તીરેતીરે. જર્મનીનો સાથ લઈને નવકૂકરી રમનારાઓએ પોતાની મૂછે તાવ દીધા. અને સૂર્યપુરના ઠાકોરે પોતાના પાડોશી પરગણાને બથાવી પાડવાનો કાળ પાકેલો દેખ્યો.

પિનાકીનું અજ્ઞાની મગજ આટલી વાત તો વણસમજ્યે પણ પામી ગયું કે અંગ્રેજ અજેય નથી : જગતને છાવરી નાખીને પડેલો અંગ્રેજ પણ ત્રાજૂડીમાં ડોલી રહ્યો છે : શેરને માથે સવા શેર : અંગ્રેજનું માથું ભાંગનાર સત્તાઓ દુનિયામા ંપડી છે. ચૌટે ને ચોરે બેસતાં, અંગ્રેજ ટોપીને ભાળવાં વાર જ ભાગવા ટેવાયેલાં લોક આજ અંગ્રેજ સત્તાના દોઢ સૈકાને અંતે એટલું તો વિચારતાં થઈ ગયાં કે અંગ્રેજ અપરાજિત બળિયો જોદ્ધો નથી. પિનાકી એ પ્રકારના લોકમતનું બચ્ચું બન્યો. કોણ જાણે આ કારણથી જ એને અંગ્રેજ શહેનશાહ તેમ જ મહારાણીનાં મોરાં નિશાળોમાં ટંગાતાં હતાં તેના તરફ નફરત આવી. ઇંગ્લંડના ઇતિહાસની ચોપડીમાં જે ચિત્રો હતાં તેમાંનાં પુરુષ-ચિત્રોને એણે કાળાંકાળાં કરી નાખ્યાં, એકાદ સ્ત્રી-ચિત્રને એણે મૂછો આલેખી !

બીજો કંટાળો એણે વળતા જ દિવસે વિક્રમપુરના રેલવે-સ્ટેશન પર અનુભવ્યો. દરબારી ‘લૅન્સર્સ’ની એક ટુકડી લડાઈના યુરોપી મોરચા પર જવાને ઊપડતી હતી. તેઓના ગળામાં ફૂલહાર હતા. તેઓનાં ભાલાં ઉપર રાખડીઓ હતી. તેમનાં કપાળમાં કંકુના ચાંદલા હતા. પ્લૅટફૉર્મની અંદર તેઓનાં નાનાં-મોટાં બાળબચ્ચાં રડતાં હતાં. બહાર થોડે છેટે તેઓની પત્નીઓ પરદામાં પુરાઈને ઊભી હતી. મોરચા પર જઈ રહેલ આ રજપૂતોનાં મોં પર વિભૂતિ નહોતી. પોતે કઈ દેશરક્ષા, જાતિરક્ષા કે કુળરક્ષાને કારણે, કોની સામે લડવા જઈ રહેલ છે તેની તેમને ગમ નહોતી. પડઘમના શૂરાતન-સ્વરો અને જંગનાં આયુધો તેમના આત્માની અંદર જોર નહોતાં પૂરી શકતાં. તેમનાં ગળાંમાંથી કોઈ હાકલ ઊઠતી નહોતી. તેમની મુખમુદ્રા પરનો મરોડ વીરરસના વેશ ભજવનાર નાટકીય પાત્રોનો હોય તેમ દીસી આવતું હતું. ને આગગાડી જ્યારે તેમને ઉઠાવી ચાલી ત્યારે એ કલાક-બે કલાકનો તમાશો પોતાની પછવાડે કોઈ અકારણ નિષ્પ્રયોજનતાની શૂન્યતા પાથરતો ગયો. એક અવાસ્તવિક લીલા ખતમ થઈ ગઈ. ને પાછાં વળતાં લોકોએ વાતો કરી કે ‘બિચારા ઘેટાંની માફક રેં’સાશે.’

ત્રીજા દિવસે વિક્રમપુરમાં બીજી ઝલક છાઈ ગઈ - મિસિસ ઍની બૅસન્ટનું આગમન થયું. ‘હોમરૂલ’ નામનો એક મંત્ર પઢાવનારી એ સિત્તેર વર્ષની વિદેશી ડોશી ભારતવાસી જુવાનોની મૈયા થઈ પડી હતી. ગોરી ડોશી હિંદી સાડી ને ચંપલો પહેરતી હતી. ગળામાં માળા ધારણ કરતી ને ‘ભગવદ્‌ગીતા’ના ઘોષ ગજવતી; સરકારને મુક્કો ઉગામી ડારતી, ને હિન્દુ ધર્મનાં રહસ્યો ઉકેલતી.

ત્રણ મહિનાની નજરકેદ ભોગવીને ‘મૈયા’ દેશ ઘૂમવા નીકળી હતી. મુકામે મુકામે એની ગાડીના ઘોડા છોડી નાખવામાં આવતા ને યુાવનો ગાડી ખેંચતા. એની સભાઓ ભરાતી ત્યારે એની ચંપલો પાસે બેસવામાં પણ એક લહાણ લેખાતી.

વિક્રમપુરે પણ એને અછોઅછો વાનાં કર્યાં. એની ભૈરવ-વાણ સાંભળવા મેદની મળી, ને એ મેદની સમક્ષ પોતાની પ્રભુપ્રેરિત શ્રદ્ધાના જોરે એણે જાહેર કર્યું કે “યુરોપનું યુદ્ધ એ અંતરીક્ષમાં લડાતી દૈવી તેમ જ આસુરી શક્તિઓની લડાઈનું પ્રતિબિંબ છે. ઇંગ્લંડ, રશિયા અને ફ્રાન્સ છે દૈવી શક્તિઓના પ્રતિનિધિઓ, ને જર્મની, તુર્કી વગેરે શત્રુઓ છે અસુરોના પક્ષકારો. આખરે વિજય છે દૈવી સત્ત્વોનો - એટલે કે ઇંગ્લંડનો, ફ્રાન્સનો, રશિયાનો.”

સાંભળતાંની વાર પિનાકી સ્તબ્ધ બન્યો. એની વીરપૂજા પર કોઈ શ્યામ છાયા પડી. એનું દિલ રસભર્યા કટોરા જેવું ધરતી પર પટકાઈને તૂટી પડ્યું. અંગ્રેજી સાતમું ધોરણ ભણનારો વિદ્યાર્થી આવી કોઈ વહેમની દુનિયામાં દાખલ થવા તૈયાર નહોતો. નહિ નહિ : કોઈ પણ દેશનેતાને કહ્યે નહિ : પ્રભુ પોતે નીચે ઊતરીને કહે તોપણ નહિ ! ભાંગી ગયેલી પૂતળીના કકડાને બે ઘડી હાથમાં ઝાલી રાખીને પછી પડતા મૂકતા બાળક જેવો પિનાકી સભામાંથી પાછો વળ્યો, ને વળતે દહાડે રાજકોટ ચાલ્યો.

૩૩. અમલદારની પત્ની

લખમણ બહારવટિયાનો અંજામ પિનાકીએ આગગાડીમાં જ જાણી લીધો. ‘મામી’ પકડાઈને રાજકોટ ગયાની પણ ખબર પડી. ડુંગરામાં બનેલો મામલો મુસાફરોની જીભ ઉપર રમતો હતો.

“પણ આ તો ગોરા બે સાહેબોની જવાંમર્દી, હો ભાઈ !” એક મુસાફર કહેતો : “દેશી અમલદાર તો, કે’ છે કે, ડરીને પૂજામાં બેસી ગિયો’તો !”

પિનાકીને ફાળ પડી : મોટાબાપુજીની વાત તો નથી થતી ને ? મોટાબાપુજી કદી ડરે ?

“ગોરાનાં કશાં જ પરાક્રમ નો’તાં, ભાઈ !” એક ડોશીએ સમજ પાડી : “અફીણ ભેળવીને લાડવા ખવાર્યા લાડવા ! મીણો ચડ્યો ને બહારવટિયા મૂવા.”

“અરરર ! મોટાબાપુજીએ આવો કાળો કામો કર્યો હશે ?” પિનાકીનો આત્મા વલોવાયો. મુસાફરોની વાતો આગળ ચાલી.

“ને કાળાં કામાંની ખરી કરનારી ઓલી વેરાગણ ઉપર તો હવે શી શી નહિ થાય ? જનમટીપ દેશે.”

“તો વળી પાછી એ જોગટી ત્યાંથી જેલ તોડશે.”

“એને ફાંસી કાં નથી દેતા ?”

“એને ફાંસી નયે દિયે. કેને ખબર, કદાચ એના પેટમાં તો લૂંટારાનું ઓધાન હોય.”

“કાળી નાગણી છે, હો ભાઈ ! એક જુવાન આવ્યો એને ઈશક કરવા, એને બંદૂકે દીધો ઈ સાપણે.”

“ઈ બધું જ હવે એના મુકડદમામાં નીકળશે.”

મુકદ્દમો ચાલશે એવું જાણીને પિનાકીને હોશ આવ્યા. ‘મામી’નો મેળાપ થવાનું ઠેકાણું સાંપડ્યું. મામી બહારવટાની આગમાં ભૂંજાઈને કોણ જાણે કેવીય થઈ ગઈ હશે. એનાં દેવતાઈ શીલ ઉપર બદનામી ચડાવનાર લોકો કેટલાં બધાં દોષિત હતાં ! એક બસો વીઘા ગૌચરની જમીનમાંથી આ વિનાશ જાગ્યો, કેટલાં જીવતરો રોળાયાં ! ને મામીને પણ શી વીતી ને શી વીતવી બાકી હશે !

ઘેર પહોંચીને એણે મોટાબાપુજી વિશે તપાસ કરી. કોઈ ન કહી શક્યું કે બહારવટિયા પરની ચડાઈમાં એ શા માટે શામિલ ન થયા. એટલું જ જાણ્યું કે સાહેબના તોછડા બોલ ન સહેવાયાથી એમણે કીરીચ-પટો છોડી દીધાં છે ને સાહેબોને મટન ન મળી શકવાને કારણે એમની ફોજદારી તૂટી છે.

મોટીબાની આંખોમાં દિનરાત આંસુ દડતાં રહ્યાં. અંબાજીની છબી પાસે અખંડ દીવા બાળતી એ સ્ત્રી બેઠી હતી. એણે ઉપવાસો આદર્યા. બેઠીબેઠી એ બોલતી હતી કે ‘અંબાજી મા, તમારા દીવાનાં દર્શન કરીને તો એ ગયા’તા. એની નીતિનું પાણી પણ મરે નહિ. એ તો સાવજ સરીખા છે, ડરીને ભાગે નહિ. નક્કી આમાં કશોક ભેદ છે. તમારી તો મને પૂરી આસ્થા છે, મા ! તમે અમારું અકલ્યાણ કદાપિ ન થવા દો.’

દરમિયાન મહીપતરામને પાછા આવવાનું ફરમાન ગયું હતું. પોતાની ગફલતનો જવાબ આપાવ એ હાજર થયા. રાતના ત્રણ વાગ્યાની ગાડીમાં એ આવ્યા. આવીને પહેલી ભેટ એણે જાગરણ ખેંચતી પત્નીની કરી. એણે કબૂલ કર્યું : “તારાં અંબાજીમાએ આપણી રક્ષા કરી છે.”

“બધું જૂઠું ?”

“ના, બધું સાચું, ને કાલે તો રસ્તે પડવાનું થશે. પણ મને બીજા ધણીની નોકરી જડી ગઈ છે.”

“કોની ?”

“પ્રભુની. એણે મારી ચાકરી ન નોંધી હોત તો હું મારે પોતાને જોરે થોડી જ આ ટક્કર ઝીલી શક્યો હોત ??”

પત્ની ચૂપ રહી. ધણીના નૈતિક વિજયનું મૂલ્ય એને ન સમજાયું. અંબાજી માનું સત ક્યાં ગયું ? ઘીના દીવા શું ફોગટ ગયા ? વાટ્યો વણી-વણી શું હથેળી અને સાથળ નાહક ઘસ્યાં ?

પતિએ કોઈક દૈવી અવસર જતો કર્યો છે, એવું આ સ્ત્રીને લાગ્યું : “જગતમાં આવડી બધી નીતિ અને સચ્ચાઈ પાળવાની શી જરૂર હતી ? એવી સાચુકલાઈની આવતી કાલે કોઈ કરતાં કોઈ વખાણવાનું નથી. બધા તમને વેવલા ગણશે. કોઈ પાઘડી નહિ બંધાવે !”

“તું પણ નહિ ?” મહીપતરામે હસીને પૂછ્યું.

“હું પમ જગત માયલી જ એક છું ને ? તામરું મોઢું જગતને વિશે ઊજળું રહે એ જ મને તો ગમે ને ! કાલ સવારે તો અહીં ચારચાર ઓર્ડરલી પોલીસમાંથી એકેય નહિ હોય. કાલે અહીં સિપાઈઓની બાયડીઓ બેસવા નહિ આવે, સેવપાપડ વણાવવા નહિ આવે, મરા કેરીનાં અથાણાં કરાવવા પણ નહિ આવે.”

“આપણે અહીં રહેશું જ નહિ ને !” પતિએ ખળભળી પડેલી પત્નીના કાનની બૂટો પંપાળી.

“આપણી ઊતરતી અવસ્થા બગડી. હવે જ્યાં જશું ત્યાં નામોશી પણ ભેળી ને ભેળી જ માથા પર ભમશે. મારો ભાણો હવે ઠેકાણે પણ ઝટ નહિ પડે.”

ધણીની સંસારી ચડતીમાં જ જેના હૈયાની તમામ મહત્ત્વાકાંક્ષા અને અભિલાષાઓ સમાપ્ત થતી હતી, ધણીના નોકરી-જીવનને બહાર જેને કોઈ પણ જાતનું નિરાળું જીવન નહોતું, જીવનના કોડ નહોતા, આશા-નિરાશા નહોતી, ઓઢવા-પહેરવાના કે માણવાના મનોરથ નહોતા, અક્કલ નહોતી, નજર નહોતી, વાંછના નહોતી, હર ઉનાળે કેરીનું ‘સોના જેવું પીળું ઘમરક’ અથાણું ભરવું અને સિપાઈઓની ઓરતોને વાટકી વાટકી ભરી એ અથાણું ચાખવા આપવું એ ઉપરાંત જેને કોઈ વર્ષોત્સવ નહોતો, અને ધણીના ઢોલિયામાંથી રોજ રોજ માકડ વીણવાની તેમ જ ધોયેલી ચાદર બિછાવવા માટે ઓર્ડરલી જોડે લમણાઝીક કરવાની જેને આદત પડી હતી - તેવી સ્ત્રી પતિની ‘હાકેમી’ના આવા ધ્વંસની નૈતિક બાજુ ન જોઈ શકે તેમાં નવાઈ નહોતી.

સવાર પડવાને હજુ તો વાર હતી, પણ પત્નીએ પથારી છોડી હતી : તે વખતે પિનાકી આવીને મોટાબાપુને ઢોલિયે બેઠો. એના હૈયામાં ઉમળકા સમાતા નહોતા. મોટાબાપુજીનાં નસકોરાં કોઈ ‘શન્ટિંગ’ કરતા એન્જિનનો આભાસ આપતાં હતાં. એ શન્ટિંગ જરાક બંધ પડતાં જ પિનાકી મોટાબાપુજીના પડખામાં બેઠો. નાનપણની એ ટેવ હજુ છૂટી નહોતી.

“કેમ ભાણા ? ક્યારે આવ્યો ?” મોટાબાપુજીએ ભાણેજના બરડા ઉપર હાથ પસાર્યો. જુવાનીએ ગૂંથવા માંડેલ ગઠ્ઠા અને પેશીઓ ભાણેજના ખભા ને પીઠ ઉપરથી વીણી શકાય તેટલાં ઘાટીલાં લાગ્યાં.

“બાપુજી,” પિનાકીએ પૂછ્યું : “બહારવટિયાને અફીણ તમે તો નથી ખવરાવ્યું ને ?”

“ના, બેટા.”

“તો ઠીક; મેં માન્યું જ નહોતું.”

“ત્યારે તું તો મારી ભેરે છો ને ?”

“કેમ નહિ ?”

“તારી ડોશી તો મોં વાળવા બેઠી છે.”

“હું એની સામે સત્યાક્રહ કરીશ.”

“શું કરીશ ?”

“સત્યાગ્રહ.”

“એટલે ?”

“હું ઘી-દૂધ ખાવું બંધ કરીશ.”

“આ કોણે શીખવ્યું ?”

“ગાંધીજીએ.”

“એ ઠીક. ગાંધીજી હજુ તો ચાલ્યા આવે છે ત્યાં છોકરાંને બગાડવાય લાગી પડ્યા !”

પિનાકીને ઓછું આવ્યું. ગાંધીજીના આવવાની સાથે જ દેશમાં નવી લહરીઓ વાઈ હતી. ‘સત્યાગ્રહ’ શબ્દ ઘરઘરને ઉંબરે આફળતો થયો હતો. પ્રત્યેક ઘરમાં એકાદ છોકરો તો મૂંડાતો હતો. કોઈ પણ વાતમાં પોતાનું ધાર્યું ન થતાં અગાઉ છોકરાં રિસાતાં, તેને બદલે હવે ઘી-દૂધ ત્યજતાં ને કાં ઉપવાસ કરતાં. ‘સત્યાગ્રહ’ એ ‘રિસામા’નું નવું સંસ્કાર-નામ બન્યું હતું.

મોટીબા સાંભળી ગયાં. એ ભેંસની ગમાણમાંથી જ આવતાં હતાં. એણે કહ્યું : “તારે ઘી-દૂધનો સત્યાગ્રહ કરવો જ નહિ પડે. આપોઆપ થશે.”

“કેમ ?” ઊઠેલા મહીપતરામે પૂછ્યું.

“મારી મોરલા જેવી ભેંસ તો જશે ને ?”

“લે બેસબેસ, ઘેલી !” મહીપતરામે જવાબ આપ્યો : “આમાંથી એક પણ ઢોર વેચવાનું નથી. એ ભેંસ, બેઉ ગાયો અને મારી ઘોડી - ચાર જીવ મારા ઘરમાં પહેલાં; ને પછી તું, ભાણો પણ પછી. ખબર છે ?”

“ચારનાં પેટ ક્યાંથી ભરશો ?”

“ચોરી કરીને ! તારે તેનું કાંઈ કામ ?”

“ખરે ટાણે તો મોટા સાધુ પુરુષ થવાબેઠા, ને હવે ઢોરોને માટે ચોરી કરવા નીકળશો ! જોયા ન હોય તો !”

૩૪. કોઈ મેળનો નહિ

તે દિવસે બપોરે મહીપતરામનો ખુલાસો લેવા માટે પોલીસ-ઉપરીએ ખાનગી ઑફિસ ભરી. એમને પૂછવામાં આવ્યું : “બહારવટિયાના ખબર મળ્યા પછી તમે કેમ ન ગયા ?”

મહીપતરામે પ્રત્યુત્તર ન દીધો.

“ડર ગયા ?”

“નહિ, સા’બ !” મહીપતરામે સીનો બતાવ્યો.

“નહિ, સા’બ !” સાહેબે એનાં ચાંદુડિયાં પાડ્યાં. “બમન ડર ગયા.”

“કભી નહિ !” મહીપતરામે શાંતિથી સંભળાવ્યું.

“બહારવટિયા પાસેથી કેટલી રુશવતો ખાધી છે ?”

“સાહેબ બહાદુર તપાસ કરે ને સાચું નીકળે તો હાથકડી નાખે.”

“સુરેન્દ્રદેવની ભલામણથી જતા અટક્યા’તા ?”

“નહિ, સા’બ.”

“સુરેન્દ્રદેવની ભલામણ આવી હતી ખરી ?”

મહીપતરામે મૌન સાચવ્યું.

“અચ્છા !” સાહેબે પગ પછાડ્યા. “બૂઢા હો ગયા. તુમકો સરકાર નોકરીસે કમી કરતી હૈ.”

મહીપતરામે સલામ ભરી રુખસદ લીધી.

મહીપતરામ તૂટી ગયા, એ સમાચાર સોરઠમાં પવન પર પલાણીને પહોંચી ગયા. મહીપતરામને યાદ આવ્યું કે આજ સુધી અનેક નાનાં રજવાડાંઓએ પોતાના પોલીસ-ઉપરી તરીકે એની માગણી કરી હતી પણ એણે જ ના પાડ્યા કરી હતી. એજન્સીને પણ હંગામી સમયમાં એક બાહોશ આદમીની ખોવાની નારાજી બતાવી હતી. અત્યારે મહીપતરામની નજર એ રજવાડાં પર પડી. એણે કાગળો લખ્યા. જવાબમાં અમુક દરબારોએ કહેવરાવ્યું કે એજન્સીનો સંદેહપાત્ર પોલીસ-ઉપરી અમે રાખીએ તેમાં અમને જોખમ છે. બીજા કેટલાકોએ જવાબો જ ન મોકલ્યા. એક ફક્ત સુરેન્દ્રદેવજીનું કહેણ આવ્યું : “મારે ત્યાં રહો. વાટકીનું શિરામણ છે, પણ રોટલો આપી શકીશ.”

મહીપતરામ સામે કહેવરાવ્યું : “આપને સરકાર ખરાબ કરતાં વાર નહિ લગાડે.”

“સરકારડી બાપડી કરીકરીને શું કરશે ?” સુરેન્દ્રદેવે મહીપતરામને રાજકોટમાં રૂબરૂ તેડાવી કહ્યું.

“નહિ નહિ, દરબાર સાહેબ, હું જાણી જોઈને આપત્તિનું કારણ નહિ બનું.”

રાજકોટના મોરબી સ્ટેશનની બાજુએ ખોરડું ભાડે રાખીને મહીપતરામ પોતાના ઢોરઢાંખર લઈ રહેવા લાગ્યા. પિનાકીને ભણાવવાના લોભથી રાજકોટ છોડી ન શકાયું. હાથમાં એ-નો એ ડંડો રાખતા અને ધોતિયા પર ખાખી લાંબો ડગલો તેમ જ ખાખી સાફો પહેરીને એ ગામમાં ફરવા લાગ્યા. થોડા દિવસ તો એમને કેટલીક બેઠકોમાં ને ઑફિસોમાં સત્કાર મળ્યો. પણ નોકરીથી - તેમાંય પોલીસની નોકરીથી - પરવારી જનાર માણસ ભાગ્યે જ કોઈ બેઠકમાં પોતાનો સૂર મિલાવી શકે છે. એની પાસે વાર્તાલાપનો પ્રદેશ એકનો એક જ હોય છે. એ વાતોની કોથળીમાંથી ઝંડુરિયો, કાસુડો, ખોટા રૂપિયા પાડનારો દસ્તગીર, પેથો અને લધો મિયાણો, ઝીણકી વાઘરણ અને મિયાં મેરાણી વગેરે પાત્રોના ખજાના ઝટઝટ ખૂટી ગયા. પોતે જંગલમાં બે-પાંચ શિકાર કર્યા હતા તેની રોમાંચક વાતો પણ ચુસાઈ ચુસાઈને છોતાં જેવી થઈ ગઈ. કંટાળેલા વકીલો, શિક્ષકો અને કામદારો મહીપતરામભાઈને આવવાનો વખત થાય એટલે બહાર ચાલ્યા જવા લાગ્યા.

કોઈકોઈ વેપારી દોસ્તોની દુકાને બેસીબેસી મહીપતરામે અનાજ, પથ્થર, કપાસ વગેરેના વેપારમાં નજર ખૂંચાડવા પ્રયત્ન કર્યો, પણ થોડા જ દિવસોમાં એને ખાતરી થઈ કે શકદારો, ગુનેગારો વગેરેનાં ઝીણામાં ઝીણાં ચહેરા-નિશાનોને વીસ-વીસ વર્ષો સુધી ન ભૂલી જનારી પોતાની યાદદાસ્ત ઘઉંના ગઈકાલના ભાવોને પણ સંઘરવા તૈયાર નહોતી. ભદ્રાસરની ડાકાયટી કરાવનાર રાણકી કોળણને ડાબે ગાલે તલ હતો તેની સંભારણ રોજ તાજી રાખવી સહેલી હતી; પણ ખાવાના તલની કઈ વાનગી કાલે આવી હતી તે સંભારી રાખવું અશક્ય હતું.

મહીપતરામે પોતાની બેકારીને વ્યાપાર-ધંધાથી પૂરવાની આશા છોડી. કોઈની અરજીઓ લખી દેવાનું કામ સૂઝ્‌યું. પણ બંદૂક-તલવારોની મહોબતે રમેલાં આંગળાએ તુમારી કામ કયે દહાડે કર્યું હતું ! અક્ષરો ભાળીને જ માણસો દૂર ભાગ્યા.

આખરે મહીપતરામને એક બૂરી મૂંઝવણનો દિવસ આવી પહોંચ્યો. ચાર ઢોરને માટે ઘાસનાં ભરોટિયાં લેવાના પૈસા નથી રહ્યા. ઘોડીની ઓગઠનું પણ તરણું નથી રહ્યું. પત્ની રસોડામાં બેઠીબેઠી રડે છે. ઢોરને પાણી પાવા લઈ જનાર નોકર પણ સૂનમૂન બેઠો છે. વિક્રમપુરથી પિનાકીની સ્કૉલરશિપનો મનીઑર્ડર આવ્યો હતો તે પણ ઘાસની મોંઘીમોંઘી ભારીઓ લેવામાં ખરચાઈ ગયેલ છે. મહીપતરામને એ વાતનું ભાન નહોતું.

ઘરમાં દાખલ થતાં જ પહેલું કામ પોતે પશુઓ પાસે જવાનું કરતા. તે દિવસે જઈને ચારેયને કપાળે-બરડે હાથ ફેરવ્યો. ઢોરનાં નેત્રોમાં કરુણતા નિહાળી. પશુઓએ ઘાંઘાં થયાં થયાં હોય તેમ ફરડકા નાખી હાથ ચાટ્યા. મહીપતરામે હાક મારી : “એલા, આ ચારેયના ખીલા ખાલી કેમ છે ? આઠમનો ઉપવાસ તો નથી કરાવ્યો ને ! ક્યાં ગઈ ધરમની મૂર્તિ ?”

કોઈએ જવાબ ન આપ્યો. મહીપતરામ ઘાસની ઓરડીમાં જાતે ગયા. ત્યાં કશું ન હતું. પોતે બૂમ પાડી : “ઘાસ ક્યાં ભર્યું છે ?”

જવાબ ન મળ્યો. પોતે અંદર ગયા. પત્નીને રડતી જોઈ પૂછ્યું : “ઘાસ ક્યાં ?”

પત્નીએ આજે પહેલી જ વાર જમણા હાથની આંગળી ઊંચે આસમાન તરફ ચિંધાડી.

પશુઓ ઘરની આજ સુધીની આંતરદશા ઉપર એક ઢાંકણ જેવાં હતાં. પશુઓની બૂમ નહોતી ઊઠી ત્યાં સુધી મહીપતરામને ભાન પણ નહોતું રહ્યું કે રોજ પોતાની થાળીમાં કયું અન્ન પિરસાય છે કે પોતાના કપડાં કેટલે ઠેકાણે જર્જરિત છે. દૂધનો વાટકો બંધ થઈને છાસ ક્યારથી પોતાને પિરસાવા લાગેલી તેનીય એને ગમ નહોતી. ઘરની સજાવટ પણ એણે આજે જ સભાન નિહાળી, ફાટેલાં ગાદલાં રૂના ગાભા બતાવી બતાવી જાણે ડામચિયા પરથી એની સામે ઠઠા કરતાં હતાં. ભાંગેલી ખુરસી, ઘરની કોઈ ચિર-રોગી પુત્રી જેવી, ખૂણામાં ઊભી હતી.

વધુ વિગતોને નીરખી જોવાની હાલત ન હતી. મહીપતરામે ફેંટો ને ડગલો ઉત્રાયં. ચારેય ઢોરને છઓડી પોતે બહાર હાંકી ગયા; અવાડે પાણી પાયું ને પછી નજીકમાં ચરિયાણ જગ્યા હતી ત્યાં જઈ ગાય-ભેંસને મોકળાં મૂક્યાં. ઘોડીની સરકનો છેડો પકડી રાખી એનેય ચરતી છોડી.

ચરતાં ચાર પશુઓનો આનંદ દેખી મહીપતરામનું પિતૃહૃદય કેટલું પ્રસન્ન થયું ! પશુઓ ચારતાં ચારતાં એને નાનપણમાં પગ તળે ખૂંદેલા ઈડરિયા ડુંગરા યાદ આવ્યા. શામળાજીના મેળાની સ્મૃતિઓ જાગી. ઢોરાં ચારીને લાંબા બાળરંડાપા વેઠતી પોતાની ન્યાતની ત્રિવેણી, જડાવ અને ગોરની છોકરી ગંગા સાંભરી. ગંગાની વેરે પહેલાં પોતાનો સંબંધ થવાનો હતો તે યાદ આવ્યું.

“ના, ના, હવે યાદ કરીને પાપમાં ન પડવું. મારી ડોસલી બાપડી દુભાશે ક્યાંક !” એણ વિચારીને પોતે ઈડરનાં સ્મરણો પર પડદો નાખ્યો.

પછી છેવટે એને લખમણ બહારવટિયો યાદ આવ્યો. લખમણ પણ ગાયોનો જ ચારનોરો હતો ને ! ગાયોની જોડે પ્રાણ પરોવનાર લખમણ મારા અત્યારના સુખ કરતાં કેટલા મોટા સુખનો સ્વાદ લેનારો હતો ! ગૌચર ખાતર ખૂન કરનારાનું દિલ કેટલું ખદખદ્યું હોવું જોઈએ !

બે-ત્રણ કલાક ચારીને પોતે પાછા ફરતા હતા ત્યારે ઘરને આંગણે ટપાલી દીઠો.

“આપનું રજિસ્ટર છે, સાહેબ !” ટપાલી હજુ પણ મહીપતરામને ‘સાહેબ’ શબ્દે સંબોધતો.

“ભાણા !” પોતે હાક મારી : “આ તો કશોક અંગ્રેજી કાગળ છે. ને અંદર સો રૂપિયાની નોટો છે. કોનું છે આ ? આ નીચે સહી તો પરિચિત લાગે છે. કોની - અરે - માળું જો ને... હૈયે છે પણ હોઠે નથી. કોની...”

“આ તો બાપુ સાહેબ બહાદુરનો કાગળ છે.”

“હાં હાં, સાહેબ બહાદુરની જ આ સહી. જો ને, એના અક્ષરોનો મરોડ તો જોઈ લે ! વાહ ! ફાંકડી સહી. શું લખે છે ?” મહીપતરામનો હર્ષ મેઘને જોનાર મોર માફક ઊછળવા લાગ્યો. પિનાકી વાંચવા લાગ્યો : લખે છે કે -

મારા વહાલા મહીપતરામ,

મેં ઊડતી વાતો જાણી કે તમને બરતરફ કર્યા છે. તમારી કાંઈ કસૂર થાય એ હું માની શકતો જ નથી. નામર્દાઈ તો તમે કરો જ નહિ ! કશીક ગેરસમજ લાગે છે. હું તો લાચાર છું કે નવા સાહેબોને પિછાનતો નથી. નવો જમાનો નાજુક છે. દુઃખી ન થશો, આ સ્મરણચિહ્ન સ્વીકારજો. જ્યારે જ્યારે મારા તરફથી કંઈક મળે ત્યારે ઇન્કાર ન કરશો ને ભાણાને બરાબર ભણાવજો.

કાગળ સાંભળીને મહીપતરામનું હાસ્ય પાગલ બન્યું. હસતા હસતા એ ગદ્‌ગદિત બન્યા : “ગોરો, એક ગોરો, આંહીંથી બદલી થઈને ચાલ્યો ગયેલ ગોરો સાહેબ મારી આટલી હદે ખબર લે છે ! વાહ સાહેબ, તારી ખાનદાની ! કેટલી રખાવટ !”

“પણ બાપુજી, હજુ ‘તા.ક.’ કરીને એણે લખ્યું છે.”

“શું છે ?”

“કે -

તમારા બાપનો જોષ સાચો પડતો જણાય છે. મને થોડા વખતમાં જ મુંબઈના કમિશનરનો હોદ્દો મળશે. તમારા પિતા મહાન જ્યોતિષી હોવા જોઈએ.

એ સાંભળીને મહીપતરામનું હસવું પાંસળીઓને ભેદવા લાગ્યું.

“એ શું ? હેં બાપુજી ?” પિનાકીએ પૂછ્યું.

ઘરમાં જઈ એણે પત્નીને બોલાવી કહ્યું : “આમ તો જો જૂના જમાનાના સાહેબ લોકોની મહોબ્બત ! ક્યાં એ પડ્યા છે ! ક્યાં હું ! પણ ભૂલ્યા મને ? હવે ? જો તું એક કામ કર. સરસ મજાનાં સેવ, પાપડ અને વડી કર. આપણે સાહેબ બહાદુરને મોકલશું. એને બહુ ભાવતા : યાદ છે ને ?”

“ભેળું મારું અથાણુંયે મોકલીશ : રૂપાળું સોના જેવું ધમરક અથાણું !”

“તું બધું એકલે હાથે કરી શકીશ ?”

“ત્યારે ? હવે સિપાઈઓની વહુને ક્યાંથી લાવીએ ?”

“હવે તો ભાણાની વહુ આવે ત્યારે કરાવવા લાગે, ખરું ને ?” મોટાબાપુજીએ આજે પહેલી જ વાર ભાણેજની હાંસી કરી. પિનાકી ચમકી ગયો. કોઈ અણસમાતા આનંદને કોઈક જ પ્રસંગે બાપુજી આટલા આછલકા બનતા. છતાં આવી હાંસીનો તો આ પ્રથમ જ ઉચ્ચાર હતો.

પિનાકી ત્યાંથી ખસી ગયો પણ હૈયાની આંબા-ડાળે ઝૂલતું કોઈક ચાવળું કાબર પક્ષી ન રહી શક્યું. ‘ભાણાની વહુ આવશે !’ એવા ચાંદુડિયાં એના હૃદયમાંથી એ પાડવા લાગ્યું.

૩૫. પ્રેરણામૂર્તિ

પિનાકી નિશાળે ગયો. રસ્તામાં ઝીણાં પાંખાળાં જંતુઓનું ઝૂમખું હોય તેવો આ વિચાર તેના મોંને વીંટળાતો રહ્યો. ‘વહુ’ એ શબ્દનો ઉચ્ચાર પણ એને ખરાબ લાગ્યો. એના આખા શરીરની ચામડી પર ખાજવણીનાં પાંદ કોઈએ મસળ્યાં જાણે ! ચેન પડતું જ નહોતું. વર્ગમાં સવાલો પુછાય તેના જવાબો આપવામાં પણ પિનાકીને ફાવ્યું નહિ. પરણવું અને વહુ લાવવી ? આંબાના નાનકડા રોપની ડાળીએ કોઈ બનાવટી કેરી લટકાવે તો કેવું વિચિત્ર લાગે ! કેવું કૃત્રિમ, બેડોળ ને બેહૂદું ! વહુનો વિચાર આ સત્તર વર્ષના જુવાનને એટલો નામુનાસબ લાગ્યો. આ મશ્કરી એને ગમી નહિ.

સાંજે ક્રિકેટની રમતમાં એ દાઝેભર્યો ર્મયો. બૅટને પ્રત્યેક ફટકે એ ‘વહુ’ના વિચારને ઝૂડતો હતો. પસીનાના પાણી વાટે જાણે બદનના પ્રત્યેક બાકોરામાંથી ‘વહુ’ને એણે નિચોવી નાખી.

આટલી બધી તકલીફ એને શા માટે લેવી પડી ? સત્તર વર્ષના કિશોરને અંતરે વહુની વાત જોર કરીને કેમ પેસી ગઈ ?

કારણ કે પિનાકીનું હૃદય આટલી કાચી ઉંમરે પણ સાફ નહોતું. કૂંપળોની ટીશી જેવું કપટહીન એનું મન નહોતું. દેવુબાને એ તાજેતરમાં જ જોઈ-મળી આવ્યો હતો. ને દીપડાને પશુની ગંધ આવે તેમ એને કોઈ એક માદક સોડમ તલસાવતી હતી. સત્તર વર્ષનો કિશોર- વીસમી સદીના ચડતા પહોરની દુનિયામાં વિહરતો કિશોર - વેદકાળનાં તપોવનોને સામની ઋચાઓથી ઘોષિત કરતો, વિકારી ભાવોને કડકડટી ટાઢના તારાસ્નાનમાં ગંગા-પ્રવાહે વિસર્જન દેતો બ્રહ્મચારી બટુક તો થોડો જ હોઈ શકે છે !

ત્યાં તો ગંગાનાં વહેણ રાજકોટ મુકામે જ વહેતાં થયાં. બહારવટું જગાવનારી એ જોગણનો, રૂખડ શેઠની ‘રાંડ’નો, ભાણાભાઈની ‘મામી’નો મુકદ્દમો મંડાયો.

અદાલતમાં જવા માટે પિનાકીએ નિશાળના વર્ગો છોડ્યા. અદાલતમાં ઓરડો ઠાંસોઠાંસ દીઠો. પ્રથમ વાર જોતાં તો પિનાકીને ભ્રાંતિ થઈ કે આ તે શું સોરઠની મૂછોનું પ્રદર્શન છે ? દાઢી-મૂછના ત્યાં કૈંક કાતરા હતા, કૈંક થોભિયા હતા, કૈંક વળી વીંછીની પૂંછડી-શા આંકડા વાળેલી મૂછો હતી, કેટલીક મૂછોના જાણે ત્યાં વહાણને બાંધવાનાં દોરડાં વણ્યાં હતાં, કેટલાક હોઠ ઉપર ખિસકોલીની કાબરી પૂંછડીઓ જાણે કે કાપીને ગુંદર વતી ચોડી હતી. કેટલાક જાણે કે લોઢાના સોયા હતા. કેટલાક બૂઢાઓએ પોતાની સફેદ લાંબી મૂછોના છેડા મરોડીને જાણે કે ગાલ સાથે રૂપાનાં ચગદાં ચોડ્યાં હતાં. કેટલીક દાઢીઓ ત્યાં પંખીને માળા કરવા જેવી હતી. કેટલીક ઓળેલી, સેંથા પાડેલી હતી. કેટલીક પડતર ખેતર જેવી હતી.

ગીરકાંઠાનો સોરઠ અદાલતમાં આ રીતે રજૂ થયો હતો. ફાંદાળા ફોજદારો નાક ઉપર ભાંગેલી દાંડલીનાં ગામઠી ચશ્માં ચડાવીને મેલા કાગળિયા વાંચતા હતા. ગામડાંનાં ગાભરા લોકોનું એક એક ટોળું વાળીને ડાઘિયા ‘બુલ-ડૉગ’ જેવા લાગતા અમલદારો સાક્ષી-પુરાવાની સજાવટ કરતા હતા. જુદાં-જુદાં ટોળાંની વચ્ચેથી એ ફોજદારો, જમાદારો ને મુખી પટેલોના ચોખ્ખા બોલ ઊઠતા હતા : “જો, પાંચિયા, તારે કહેવું કે ભાણગઢની ડાકાયટીમાં ભેળી હતી તે આ જ રાંડ છે.”

“પણ પણ...” ગામડિયો પોપટ પઢાવેલું પઢતાં અચકાતો હતો : “સા’બ, ઈ બાઈએ તો તેદુની લૂંટ બંધ પડાવી’તી ને !”

“અરે બોતડા !” અમલદારના શબ્દો એની ફાંદમાંથી ભીંસાઈને નીકળતા હતા : “તારું ડા’પણ તારી પાસે જ રાખ, ને હું કહું છું, તેમ બોલજે.”

“પણ એની વાંસે ગીરના પાંચસેં માલધારીઓ છે, અને, સા’બ, એ અમને જંપવા નહિ આપે.”

“ઠીક ત્યારે, બોલીશ મા, ને પછી જોઈ લેજે, બેટા મારા !” કહેતો અમલદાર જે બે આંખો બતાવતો હતો તે આંખોમાં ગુપ્ત વાંછનાનો અગ્નિ હતો.

ઊનની લોબડીઓ ઓઢેલ ગામડિયણ સ્ત્રીઓ - બૂઢીઓ ને તરુણીઓ - આ અમલદારોની પાસે ગવાહીનું ભણતર ભણતી હતી. ગામડાના ઊભા પાકને તરસ્યા સુકાતા છોડીને ખેડૂતો અહીં પુરાવા આપવા હાજર થયા હતા. આગલી-પાછલી અદાવતોનાં લેણાં-દેણાં જેની જેની જોડે ચોખ્ખાં કરવાનાં હતાં તે તમામ લોકોને લખમણ બહારવટિયાની ડાકાયટીઓમાં સંડોવનારી સાહેદીઓ આ થોભિયાદારીઓએ રચી રાખી હતી. અદાલતની પરસાળમાં તેમ જ ચોગાનમાં સેંકડો મોઢાં ગંભીર, ભયવિહ્‌વળ અને સૂનમૂન હતાં.

કોઈકોઈ પ્રશ્ન કરતાં કે “કેટલા દા’ડા અહીં ભાંગશે ?” કોઈ વળી અમલદારોને કરગરતા કે “એ મે’રબાન ! તમારે પગે પાઘડી ઉતારું : મને ઘેર જાવા દો. મારાં ઢોરાં રઝળતાં રાખીને આવ્યો છું.”

કોઈ કકળાટ કરતાં હતાં કે “ગોળ ને દાળિયા ફાકીફાકીને કેટલાક દિવસ ખેંચાશે ? એમાંય રોજના બે આના ભાંગવા પડે છે.”

“ને પાછાં અમલદારુંનાં સીધાં પણ આપણે જ નાખવાનાં !”

“આ કરતાં કોરટું સમૂળી જ નો’તે તે દા’ડા શા ખોટા હતા ? બા’રવટિયાની સામે પણ લોક જીવતું - પોતાના બળજોરથી. નીકર સમાધાની કરી લેતું. આ કોરટુવાળી હાલાકી તો નો’તી !”

“હળવે બોલ્ય, રૂડા ! કોક સાંભળશે તો ડફ દઈને હાથકડી પે’રાવી જેલખાનામાં ઘાલી દેશે ! અહીં સાસરાનું ઘર નથી.”

કઈ બાબત બોલવાથી કે કરવાથી કેદ મળે છે તેના આ બધા ખ્યાલો વિસ્મયકારી હતા. છતાં એક વાત તો ચોખ્ખી હતી : આ ગામડિયાંઓ ઇન્સાફની વેઠે પકડી આણેલા ગમારો હતા. આ દુનિયામાં તેઓ ભૂલા પડ્યા હતા. તેમના રસ્તા જુદા હતા. તેમનું જગત છેટે પડ્યું હતું. તેમને પીરસાતો ન્યાયનો ભોજનથાળ તેમને માટે ઝેર સમાન હતો. ને જે વાત બે હજાર રૂપિયાનો દરમાયો ખાનાર ગોરા જ્યુડિશિયલ આસિસ્ટંટને નહોતી સૂઝી, તે સત્તર વર્ષના છોકરા પિનાકીના મગજ વચ્ચે, એક જ મામલો જોતાં, ઊગી નીકળી. તેણે વિચાર્યું : ‘શા માટે આ કેસ અહીં ચલાવાય છે ? ત્યં ગામડાઓમાં ક્યાંક વચગાળાના સ્થળમાં અદાલત ન બેસાડી શકાત ! સેંકડો ઉદ્યમી લોકોને એના ધંધા રઝળતા મુકાવી અહીં તેડાવ્યાં. તે કરતાં પાંચ ન્યાય કરનારાઓ જ ત્યાં ગયા હોત તો ?’

એકાએક ગણગણાટ અટકી ગયો. તમામ આંખો દરવાજા પર દોડી. પોલીસોની સંગીનો ઝબૂકી. જંજીર-બાંધ્યા, બાઘા મોંવાળા ગામડિયાઓની જોડે એક ઓરત ચાલતી હતી, ને તેમની પછવાડે પંદર પહેરેગીરોનાં કાળાં ચમકતાં તોતિંગ બૂટ કોર્ટના પથ્થરોને તાલબંધ ચગદતાં ચાલ્યાં આવતાં હતાં.

જોનારાંઓ જોઈ રહ્યાં અને ઘડીભર ભુલાવામાં પડી ગયાં કે આ પોલીસની પેદલ ટુકડી પેલી બાઈનો જાપ્તો રાખતી હતી કે એનો મલાજો સાચવતી હતી ?

એવી ભ્રમણા સકારણ હતી. ઓરતનો કદાવર દેહ દેવમંદિરે સંચરતી કોઈ રાજવણનેય ઝાંખી પાડતો હતો. એના મોઢા ઉપર, એની ગતિમાં, પ્રત્યેક પગલામાં, નજરમાં, ડોલનમાં વાણી હતી - મૂંગા અભયની. અભયનું એ નાટક નહોતી કરતી. જેવી હતી તેવી જ એ ચાલી આવતી હતી. એના મોં પર ગમગીનીએ જાણે માળો ગૂંથ્યો હતો. મેલું ભગવું એના માથાના ઘાટા કેશ-જૂથને અદબમાં રાખતું હતું. હાથ એના એવી તોલદાર રીતિથી ઝૂલતા હતા કે જાણે અત્યારે પણ એના પંજામાં બંદૂકો હીંચતી હોય તેવો વહેમ આવે.

કેટલાય પિછાનદાર ચહેરાને પકડતી એની આંખો ટોળામાં આંટો લઈ વળી. એની ઓળખાણમાં ન આવવામાં જ સાર સમજનાર ગામડિયાં નજર સરકાવી જતાં હતાં, એની મીટ જોડે મીટ મિલાવનાર ત્યાં કોઈક જ હતું.

સાંકડી પરસાળમાં ગિરદીની વચ્ચે કેડી રચાઈ ગઈ. એ કેડી વચ્ચે આ બાઈ ચાલતી. ત્યાં એક બાજુથી પિનાકી સંચાના પૂતળા પેઠે ઊઠ્યો ને બોલ્યો : “મામી !”

“કોણ ?” બાઈએ ઊઠનારની સામે જોયું, ઓળખ્યો; “અરે કોણ - ભાણાભાઈ ! જે ધજાળાની, બાપ ! આવડા મોટા ક્યારુકના થઈ ગયા ! સાદેય બદલી ગયો. ખમા તમને.”

એમ કરતી એ તો નિરાંતે ઓવારણાં લેવા ગઈ. પોલીસના નાયકની મૂંઝવણનો પાર ન રહ્યો. ધીરેથી કહી રહ્યો : “નહિ, નહિ, નહિ બાઈ ! બોન ! નહિ, ભાણાભાઈ ! અહીં નહિ.”

નાયક એકને બહારવટિયાણી જાણી સન્માનતો હતો ને બીજાને પોતાના જવાંમર્દ અમલદાર મહીપતરામભાઈના ભાણેજ તરીકે રમાડી ચૂક્યો હતો.

“થોડીક વાર, ભાઈ, થોડીક જ વાર.” ઓરતે હસતે-હસતે પિનાકીની ગરદન પર હાથ ફેરવ્યો અને નાયકને સમજાવ્યું : “આ મારો બચ્ચો છે. ઘણે વરસે જોયો.”

બોલતાં બોલતાં એની આંખો તો ગંભીર ને ગંભીર જ રહી. પણ પિનાકીને તો ‘બચ્ચો’ શબ્દે ઓગાળી નાખ્યો. મામીના હાથનું અમી એની ગરદનમાં પ્રવેશીને રગેરગે ઊતર્યું.

મામીને પિનાકી પડખોપડખ નિહાળઅયાં. એક વખતનાં નીલરંગી રૂપને માથે દાઝ્‌યો પડી ગઈ હતી. ભર્યાંભર્યાં જોબનમાં ઝનૂન અને જહેમતનાં હળ ખેડાયાં હતાં. મામીની કૂખ નહોતી ફાટી તે છતાંય મામી માતા થવાને યોગ્ય શોભા મેળવી ચૂક્યાં હતાં.

તમાશો વધી પડ્યો. ગામડિયાં ખડાં થઈ ગયાં. ઉજળિયાત કોમનો આ સોહામણો કુમાર કયા સગપણને દાબે બહારવટિયાણીને ‘મામી’ કહી બોલાવી રહ્યો છે ? કેમ નેત્રો નિર્ઝરાવે છે ? શી ખોવાયેલી વસ્તુ ગોતી રહ્યો છે એ મોંની કરચલીઓમાંથી ? સમસ્યાઓ થઈ પડી.

અદાલતની અંદરથી પણ બીજા અમલદારો દોડી આવ્યા. પબ્લિક પ્રોસિક્યૂટર એક મુસ્લિમ હતા. એ તો હજુ બીજા પોલીસ અમલદારો જોડે ચર્ચા જ કરી રહ્યા હતા કે આ ઓરતને જો ફાંસીની ટીપ જડે, તો પછી એને વટલેલી મુસલમાનણ તરીકે દફનાવવાની કે હિન્દુ વાણિયાની ‘રાંડ’ તરીકે દેન પાડવાની ?

ત્યાં તો એમણે પરસાળમાં ઉત્પાત સાંભળ્યો ને ત્યાં જઈ દૂરથી નાયક પ્રત્યે હાકલ મારી : “ઓ બેવકૂફ ! ક્યા કર રહે હો તુમ ?”

“એમાં તપી જવા જેવું શું છે, મારા વીરા !” બહારવટિયાણીએ પ્રોસિક્યૂટરને કહ્યું.

“નાયક,” મુસલમાન પ્રોસિક્યૂટરે બાઈને આપવાનો જવાબ નાયક મારફત આપ્યો : “તહોમતદારણને આરોપીના પાંજરામાં ખડી કરો. - ‘વીરા’ ‘વીરા’ કોને કહે છે એ ?”

“ત્યારે ?” બહારવટિયાણી પાછી ફરી. એનો દીદાર બદલી ગયો. ઉચ્ચારમાંય આગ ઊઠી : “ત્યારે શું તને મારો ધણી કહીને બોલાવું, હેં મિયાં ? આમ તો જો મારી સામે ! એક મીટ તો માંડ ! બોલ તો ખરો : કયું સગપણ ગમે છે તને, હેં સગી બેનને પરણવાવાળા !”

ઓરતનો અવાજ સરખી ફૂંકે ફૂંકાતા દેવતાની જેમ ઊંચો થયો. એણે આગળ ડગલાં માંડ્યાં. પ્રોસિક્યૂટર જાણે કોઈ સાંકડી ગલીમાં સપડાઈ ગયા. એણે ચોગમ નજર કરી. એ નજરમાં મદદની યાચના હતી.

આખલા જેવા, સાહેબ લોકોના બુલ-ડૉગ જેવા ને વૈતરાં ખેંચનાર ઘાણીના બેલ જેવા ફોજદારો દૂર ઊભા હતા, તે ડગલું ભરી ન શક્યા. પણ ગામડે-ગામડેથી પુરાવા આપવા માટે એકઠી કરેલી ડોશીઓ અને દીકરીઓ બધી ધસી આવી વચ્ચોવચ ઊભી રહી. પોતાનાં ફાટેલાં ઓઢણાંનાં ખોળા પાથરતી પાથરતી એ બહારવટિયાણીને વીનવી રહી : “આઈ ! માડી ! આ રૂપ સમાવો. અબુધોના બોલ્યાંના ઓરતા શા : તમે તો સમરથ છો, માતાજી !”

બહારવટિયાણીનો ક્રોધ ઊતર્યો ને હાંસી ચડી. આ ગામડિયાણીઓ શું કલ્પે છે ? મને કોઈ સતી કે કોઈ દેવી સમજે છે ? મને ત્રીસ વર્ષની જુવાનને એ બૂઢીઓ ખોળા પાથરી ‘આઈ’-‘આઈ’ કરે છે ! શું સાચેસાચ હું પૂજવા જેવી છું ?

આ વિમાસણે એના મોં પર ગંભીરતાની લાગણી ઢોળી. એના મનમાં કોઈ ન સમજાય તેવી જવાબદારીનો ભાર ભરાયો.

પોલીસનો નાયક આવી પગે લાગ્યો. ઓરત પાળેલા સાવજની પેઠે આરોપીને પાંજરે પ્રવેશી. આધેડ ઉંમરના પોલીસ-પ્રોસિક્યૂટર તો આ દરમિયાન ક્યારના પોતાની બેઠક સુધી પહોંચી ગયા હતા. કોઈક એને ધકેલી લઈ ગયું હતું. મૂછોની અણીઓને વળ ચડાવતાં ચડાવતાં એણે તીરછી નજરે આરોપીના પાંજરા તરફ નીરખ્યા કર્યું. આંખો જોડે આંખો મેળવવાની એની મગદૂર નહોતી.

“તમે સમજ્યા ને, ખાનસાહેબ ?” એક નાગર વકીલે એની પાસે આવીને હથેળીમાં તમાકુ સાથે ચૂનો ચોળતાં ચોળતાં પૂછ્યું.

“શું ?” પ્રોસિક્યૂટર એ અણગમતા વાર્તાલાપમાં ઊતરવા નારાજ હતા.

“ઓલ્યું - તહોમતદારણે તમને કહ્યું ને, કે સગી બેનને પરણવાવાળા !”

“જવા દો ને, યાર ! બેવકૂફ વાઘરણ જેવી છે એ તો. એને કાંઈ ભાન છે ?”

“ટૂ લેઈટ એ ડિસ્ક્રીશન, ખાન સાહિબ (અતિ મોડું આ ડહાપણ, ખાનસાહેબ).” એક બાજુએ બેઠેલા એક મુસ્લિમ વકીલ બોલ્યા વિના ન રહી શક્યા.

ત્યાં તો પેલા નાગર વકીલે તમાકુ ઉપર તાળોટા દેતેદેતે કહ્યું : “એમ નહિ, ખાનસાહેબ ! એ ઓરતનું બોલવું સૂચક હતું. તમારા મુસલમાન ભાઈઓમાં તો પિતરાઈ ભાઈ-બહેનની વચ્ચે પણ શાદી થઈ શકે છે ને ? એ રિવાજ પર તહોમતદારણનો કટાક્ષ હતો.”

“તમારી મદદની જરૂર નથી મને.” ખાનસાહેબ પ્રોસિક્યૂટરે પોતાની સમજ અને અક્કલ ઉપર આ એક મોટો અત્યાચાર થતો માન્યો.

“ત્યારે તો આપ સમજી શકેલા, એમ ને ?” પેલા વકીલે હજુ આ ભાઈનો પીછો ન છોડ્યો. તમાકુની ચપટી એના મોંમાં ચંપાઈ ગઈ હતી.

“ખસો ને, યાર !” પબ્લિક પ્રોસિક્યૂટરે છણકો કર્યો : “તમારી તમાકુ અહીં આંખોમાં કાં ઉડાડો ?”

ત્યાં જ્યુડિશિયલ ઑફિસરની અક્કડ ગૌરમૂર્તિએ પ્રવેશ કર્યો. પાંજરામાં ઊભેલી કદાવર ઓરતે પોતાના માથા પરનો છેડો અરધા કપાળ જેટલો હેઠો ઉતાર્યો.

એ અદબની ક્રિયા તરફ ન્યાયમૂર્તિની નજર ચોંટી રહી. શિરસ્તેદારોને એણે પૂછી જોયું. એને જાણ પડી કે બદમાસ ટોળીની જે આગેવાન બાઈ, તે જ આ ઓરત પોતે.

આ ગોરા ન્યાયાધિકારીને હિન્દી સ્ત્રીઓ પર પુસ્તકો લખવાં હતાં. સોરઠની લડાયક કોમો, ભેંસો અને ઘોડીઓ પરનું લોકસાહિત્ય એ તારવી રહ્યો હતો. એ તારવણી અહીં જીવતી થઈ. લૂંટારુ ટોળીની સરદાર ઓરતમાં એણે અદબ દીઠી. એ અદબમાં ભયભીતતા નહોતી, નોતો કર્યાં-કારવ્યાં કામોનો કોઈ અનુતાપ, નહોતી કોઈ અણછાજતા આચરણની શરમ, નહોતો આ અદાલતની સત્તાનો સ્વીકાર. હૈયાના અંતરતમ ઝરણ-તીરે નારીનું પ્રકૃતિ-પંખી શરમની પાંખો હલાવતું ઊભું હોય છે, તે જ પાંખોનો આ સંચાર હતો.

‘હું એને મારી એક વાર્તાની નાયિકા બનાવીશ !’ ન્યાયાધિકારીની આ ધૂને એને તહોમતદારણ પ્રત્યે પહેલેથી જ કોમળ કરી મૂક્યો.

‘ને હું એને મારી મર્દાઈની એક હાજરાહજૂર ભાવના બનાવીશ’ એવાં સ્વપ્નો સેવતો પિનાકી પાછલી બેઠકોમાં બેઠો હતો. નિશાળને ખાલી કરી છોકરાની ટોળી પછી ટોળી ત્યાં દાખલ થઈ ગઈ હતી. માસ્તરોના માંદલા ઇતિહાસ-પાઠોને સાટે અહીં એ છોકરાઓ પોતાની જનેતા ધરતીના પોપડા નીરખતા હતા. થોડી વાર થઈ ત્યારે બે શિક્ષકો પણ ચૂપચાપ એ લોક-ગિરદીની અંદર પેસી જઈ કોઈ ન કળી જાય તેવી સિફતથી નીચા વળી બેસી ગયા.

કામકાજ શરૂ થયું. પહેલી જુબાની આપવા દાનસિંહ ફોજદાર ઊભા થયા. એના માથાના ખાખી ફટકાનું લાંબું છોગું આથમણા પવનની લહેરખીઓ જોડે ગેલ કરી રહ્યું હતું. એની મૂછો અને રાણા પ્રતાપની મૂછો મળતી આવતી હતી. એ પોતાને સિસોદિયાના વંશજ કહાવતા હતા. એના અદાવતિયા રજપૂતો નકામી વાતો હાંકતા કે દાનસંગ તો ખવાસનો છોકરો છે.

જુબાની લેતેલેતે પબ્લિક પ્રોસિક્યૂટરે પોરો ખાધો. એટલે આરોપી ઓરતને સાદ સંભળાયો : “દાનસંગ દરબાર !”

ફોજદારની સાથે આખી મેદનીની આંખો એ ઓરત પર મંડાઈ.

“મને ઓળખો છો કે, દરબાર ?” બાઈ મોં મલકાવતી પૂછવા લાગી.

“ઓળખું છું. તું લૂંટનો માલ સંઘરતી.”

“એ નહિ. બીજી એક ઓળખાણ છે આપણી. યાદ આવે છે ? જીંથરકીના નેરામાં આપણે મળ્યાં’તાં : યાદ છે ?”

દાનસિંહનું મોં રાતુંપીળું થઈ ગયું. એણે ન્યાયમૂર્તિને અરજ કરી : “નામદાર, હું આપનું રક્ષણ માગું છું.”

પોલીસ-પ્રોસિક્યૂટરે વિનંતી કરી : “આ ઓરતને બકબક કરતી રોકો, નામદાર.”

“હું બકબક નથી કરતી, ન્યાયના હાકેમ ! હું આ દાનસંગજી બહાદરને એમ પૂછવા માગું છું કે દોલુભા નામના કોઈ બહારવટિયા જુવાનને ને એમને ભેટો થયેલો કે નહિ ?”

“દોલુભા...” દાનસિંહજીએ પ્રયત્ન કરીને વાક્ય ગોઠવ્યું : “દોલુભા નામનો શખસ આ ટોળીમાંથી ગુમ થયો છે, નામદાર ! એના વાવડ કરાંચી તરફના સાંભળ્યા છે.”

“ભૂલી જાવ છો, દાનસંગજી બહાદર ! કરાંચી તરફ તો જૂના કાળમાં કાદુ વગેરે મકરાણીઓ ભાગતા’તા, કેમકે એ મકરામીઓ હતા. એની ભોમકા આંઈ નો’તી, એ હતા પરદેશીઓ. એને આ ભૂમિંની માટી ભાવે નહિ. પણ અમે તો સોરઠમાં જલમ્યાં, સોરઠને ધાવી મોટાં થયાં, સોરઠને ખોળે જ સૂવાનાં. એટલે, દાનસંગ બહાદર, દોલુભા આ દેશમાં મસાણ મેલીને પારકી ભોમમાં મરવા ન જાય. દોલુભા નથી ભાગી ગયો. જીંથરકીને વોંકળએ તમે ને એ મળ્યા’તા. સંધ્યાટાણે તમને પરોણો મારી ઘોડીએથી પછાડ્યા’તા, તમારા તરવાર-પટો ને બંદૂક ત્યાં વેરાઈ ગિયાં’તાં. ને તમે બહુ રગરગ્યા, કે દોલુભા, મારાં છોકરાં રઝળશે ને મને કોઈ ટોયોય નહિ રાખે, ત્યાર પછી દોલુભાએ તમારાં હથિયાર પાછાં દઈ તમને વિાય દીધેલી. એ વાત તમારી કોઈ ડાયરીમાં તમે સરકારને જણાવી છે, દાનસંગજી બહાદર ? આ ઊભો એ-નો એ જ દોલુભા.”

એમ કહીને બહારવટિયાણીએ પોતાની છાતી પર હાથ થાબડ્યો.

“બટ સર, બટ સર,” એમ બોલતા પબ્લિક પ્રોસિક્યૂટર, તહોમતદારણની ધરધર વહેતી વાગ્ધારાને રૂંધવા ફોગટ મથતા રહ્યા. ન્યાયમૂર્તિએ એના સામે મોં મલકાવી ઈશારતતી બેસી જવા કહ્યું. ઓરતના એકેએક બોલને, મોરલો દાણા ચણી લે તેવી મીઠાશથી ન્યાયાધિકારીએ ઝીલી લીધો, ને એ હસ્યા એટલે આખી મેદનીનું હાસ્ય કોઈ દડતા ઘૂઘરાની પેઠે ઝણઝણી ઊઠ્યું.

બાઈનાં વચનોએ નવી અસર પાડી. એક પછી એક સાહેદ ઊભું થઈ થઈ બોલી ગયું કે દોલુભા નામના બહારવટિયાએ તો દરેક ડાકાયટી વખતે ગામની સ્ત્રીઓની રક્ષા કરી છે, છોકરાંને રોતાં રાખઅયાં છે, અને જે જે ડાકાયટીમાં દોલુભા શામેલ થયો હતો તે દરેક કિસ્સાનાં લૂંટાયેલાં ખોરડાંની કોઈક ને કોઈક વિધવા પિત્રાઈઓને હાથે અન્યાય પામતી હતી ને દોલુભા બહારવટિયો એ નિરાધરા વિધવાનો ધર્મભાઈ બની ત્રાટકતો. સિતમગર સગાંઓને લૂંટીને પાછો દોલુભા બહારવટિયો તો આવી ધર્મબહેનોને આપતો.

હાજર થયેલી ગ્રામ્ય સ્ત્રીઓમાંથી જેણેજેણે દોલુભાને દીઠો હતો, તેણે એ ઝાંખા રાત્રી-તેજમાં દીઠેલી સૂરત આ ઓરતના ચહેરામાં દેખી. ‘આ પંડે જ દોલુભા ?’ એવા ઉદ્‌ગારો કાઢતાં બૂઢી બાઈઓનાં ડાચાં ફાટી રહ્યાં. પુત્રવતીઓ હતી તેમાંથી કેટલીકે હેતની ઘેલછામાં ધાવણાં છોકરાંને કહ્યું : ‘આ આપણા દોલુભામામા !’

કોઈકોઈએ દૂરથી બાઈનાં વારણાં લીધાં.

‘મરદનો લેબાસ પણ શો ઓપતો’તો આને !’ કેટલીક સ્ત્રીઓના પ્રાણ બોલી ઊઠ્યા.

ન્યાયાધિકારી અંગ્રેજને એ વીસમી સદીનો યુગ હોવા - ન હોવા વિશે જ સંભ્રમ થયો. નવી સદીના ઝગમગતા પ્રભાતમાં સોરઠ આ ગેબી બનાવોનું ધામ હતું, એમ કોણ માનશે ? એના અંતરમાં તો મધ્યયુગની એક રોમાંચક કથા ગૂંથાતી હતી.

રોજરોજ લોક-ભીડ વધતી ચાલી. પબ્લિક પ્રોસિક્યૂટરની તપાસ - ઉળટ તપાસ ઊંધી જ ગમ પોતાનું જોર પૂરવા લાગી. ફોજદારે જે બાજી ગોઠવી લાવ્યા હતા તે તો બગડી ગઈ.

ત્રીજે કે ચોથે દિવસે અદાલતમાં ઠઠ જામી હતી. તહોમતદારણના પ્રત્યેક સવાલમાં સાક્ષીઓ થોથરાતા હતા. અમલદારોએ હરએક હંગામ વખતે ડાકાઈટીવાળા ગામે જઈ ખુદ લૂંટાનાર વર્ગને જ કેવા ખંખેર્યા હતા તે વાતો ફૂટવા લાગી. બાઈ પૂછતી :

“ત્રિભોવન ફોજદાર, તે તમે રોડકી ગામ ભાંગ્યા પછી કેટલીક વારે પોગ્યા ? દૂધપાક માટે દૂધ મંગાવ્યું’તું કે નહિ ? અમરા ભરવાડ અને ટપુડી રબારણનાં ભર્યાં બોઘરાં ઉપાડ્યાં’તા કે નહિ ? દૂધપાક કરવા ગોમટી ગામના કંદોઈને તેડાવ્યો’તો કે નહિ ? ને છેલ્લે મકનજી શેઠ પાસેથી દક્ષિણા કેટલી કોથળીની લીધી’તી ? વળી, બહારવટિયાએ સામેથી કહેણ મોકલેલું કે સરોદડની કાંટ્યમાં અમે તમારી વાટ જોઈએ છીએ, છતાં તમે નો’તા ચડ્યા એ ખરું કે નહિ ?”

જવાબમાં ફોજદારો મૂંગા મરી રહ્યા. ઈન્કાર કરવાથી ભવાડો વધવાની દહેશત હતી. કેમકે એક-બે વાર ન્યાયાધિકારીએ ઈચ્છા બતાવી હતી કે આ ડાકાઈટીઓનાં ‘ફ્યૂનરલ ફીસ્ટ્‌સ’ (કારજો) વધુ સંભાળી લેવાની પોતાને પોતાના પુસ્તક-લેખનમાં જરૂર છે; માટે બોલાવીએ તે શખસોને, જેઓનાં આ ઓરત નામ આપે છે.

તડાકાબંધ મુકદ્દમો ચાલે છે. તહોમતદારણ આ ત્રાસકથાઓનાં ઝડપી ચિત્રો દોરી રહી છે. ગોરા સાહેબના મોં પરથી મરક મરક કરતો મલકાટ ઊતરતો જ નથી. બાઈના વામીવેગે બાઈને એટલી તો ઉત્તેજિત કરી મૂકી છે કે માથા પરથી છેક ખભે ઢળેલા ઓઢણાનું પણ એને ભાન નથી. તેવામાં ઓચિંતી તેની નજર સામા ખૂણા પર પડી. એણે એક પુરુષને જોયો, ઓળખ્યો અને એકાએક એ બોલતી અટકી ગઈ.

એણે ઓઢણું સરખું ઓઢ્યું. એટલું જ નહિ પણ એક બાજુ લાંબો ઘૂમટો ખેંચી લીધો. એના બોલ પણ ધીમા અવાજની લાજ પાછળ ઢંકાયા. એની આંખો ન્યાયાધિકારી તરફ હતી, આંખોનાં પોપચાં નમ્યાં હતાં. કોઈ એવા માણસની ત્યાં હાજરી હતી, જેણે આ નફટ બહારવટિયાણીને નાની, શરમાળ, વિષાદભરી વહુ બનાવી નાખી.

હેરત પામેલા અધિકારીએ બાઈની સામે ટગરટગર તાક્યા કર્યું. બાઈને લાગ્યું કે સાહેબ જાણવા માગે છે.

“સા’બ,” એણે કહ્યું : “મારા ભાણાભાઈના દાદા ત્યાં બેઠેલ છે. એ અમારે પૂજવા ઠેકાણું છે. અમ કારણે તો એના બૂરા હાલ બન્યા છે. મને બધીય ખબર છે, સા’બ !” એમ કહેતી એની કંઠવાણી જાણે કોઈ ભેજમાં ભીંજાઈ ગઈ.

લોકોએ પેલા ખૂણામાં જોયું. એક બૂઢો માનવી બેઠો છે. એની આંખો ખીલના જોરે લાલાશ પકડી ગઈ છે. કપડાં એનાં સહેજ મેલાં છે. ગાલ એના લબડેલા છે. દાઢીની હડપચી હેઠળ પણ ચામડી ઝૂલે છે. એની નજર ભોંય તરફ છે.

ઘણાંએ એને પિછાન્યા. રાવસાહેબ મહીપતરામનો જાણે એ એક કરુણ અવશેષ હો. એના રાઠોડી હાથની કેવળ આંગળીઓ જ જાણે હજુ બંદૂકોનાં બેનપણાં ભૂલી ન હોય તેવી જણાતી હતી.

શિરસ્તેદારે સાહેબને ટૂંકમાં સમજાવ્યું કે એ આદમી કોણ છે અને એની શી ગતિ થઈ છે.

મહીપતરામે પાંચેક મિનિટ જવા દીધી. એણે જોયું કે એની હાજરીએ વધુ પડતું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં વધુ નાજુક અવસ્થા એણે બહારવટિયાણીની દીઠી. એ ધીરે રહીને ઊભા થયા. ધીરાં ડગલાં દેતા એ બહાર નીકળી ગયા.

અદાલતમાં ગણગણાટ ઊઠ્યો હતો. શબ્દો પકડાતા હતા : ઝેર - બહારવટિયાને - બહાદુર - ન સહી શક્યો - ઘેરે બેઠો - નામર્દ નથી - કાઠી દરબારને એકલો હાથકડી પહેરાવીને લાવ્યો હતો - વગેરે વગેરે.

૩૬. ચુડેલ થઈશ !

વીસમા દિવસે અદાલતે ફેંસલો સંભળાવ્યો. એમાંનો એક ભાગ આ હતો :

“મરી જતા પુરાતન કાઠિયાવાડનું આ બાઈ એક રોમાંચક પાત્ર છે. અસલ કુંછડી નામના બરડા પ્રદેશની આ મેર-કન્યા હતી. એનું નામ ઢેલી હતું. માવતરે નિર્માલ્ય ધણી જોડે પરણાવવા ધારેલી, તેથી એ નાસી છૂટી. ભાગેડુ બની. છુવાવા માટે સિપારણનો વેશ લીધો. જંગલ દફેર કોમના દંગામાં સપડાયેલી, તેમાંથી એને દેવકીગઢના ભારાડી વાણિયા રૂખડ શેઠે બચાવી. શેત્રુંજી નદીનાં કોતરોમાંથી બે દફેરોની લાશો નીકળી હતી, તેના ખૂનીનો પતો નહોતો લાગ્યો, પણ બાઈ ઢેલી પોતે જ એકરાર કરે છે કે એ બન્નેને ઠાર કરનાર વાણિયો રૂખડ જ હતો. રૂખડે આ ઓરતને છોડાવવા માટે કાયદેસર પગલાં ન લેતાં બે દફેરોનાં ખૂન કર્યાં તે અંગ્રેજી ‘સેન્સ ઑફ જસ્ટીસ ઍન્ડ સેંક્ટીટી ઑફ હ્યુમન લાઇફ’ અર્થાત્‌ ન્યાયબુદ્ધિ તેમ જ માનવ જિંદગીની પવિત્રતાના અંગ્રેજ આદર્શને ન શોભે તેવું કૃત્ય કહેવાય. એ ખૂનોની તલસ્પર્શી તપાસ ન કરી શકનાર આપણું પોલીસ ખાતું ઠપકાને પાત્ર ગણાય.

પછી રૂખડ તો ઢેલીને બેન તરીકે પાળવા તૈયાર હતો, છતાં ઢેલી એના ઉપર મોહિત થઈ એના ઘરમાં બેઠી. અહીં પડેલા સાક્ષી પુરાવા પરથી એમ જણાય છે કે આ ભાગેડુ બાઈએ રૂખડની ઓરત તરીકે પૂરતાં લાજ-મલાજો પાળ્યાં હતાં ને પોતાનાં હિન્દુ સગાંથી બચવા માટે મુસલમાની નામઠામ ધારણ કર્યાં હતાં.

પછી મજકૂર રૂખડને એક બીજા ખૂન બદલ ફાંસી થઈ. મજકૂર ઓરત ઢેલી ચાહે તેવી પતિપરાયણ ઓરત છતાં, ને વૈધવ્ય પાળવા તૈયાર હોવા છતાં, કાયદો એને - એક મેરાણીને - કોઈ વાણિયાની ઓરત ઠરાવી શકે નહિ. પણ મજકૂર ઓરત ઢેલીએ તો કાયદો પોતાના હાથમાં લીધો, ઘરખેતરનો કબજો - ભોગવટો ન છોડ્યો અને ગેરમુનસફીથી પોતાનું એક ખેતર ગૌચર ખાતે વેડફી દીધું. ગાયો પ્રત્યેના આવા ‘અનઇકોનોમિક સેન્ટીમેન્ટ’થી - નુકસાનકારક દયાવેશથી - હિંદને ઘણું નુકસાન થયું છે. ને સરકારી ફરજ આવા બેકાયદે આચરણને અને જમીનના સાચા હકદારો એટલે રૂખડના પિતરાઈ વાણિયાઓની હિતરક્ષાર્થે અટકાવવાની જરૂર હતી. તેથી સરકારી થાણદાર સ્થાનિક જગ્યા પર પોલીસ ટુકડી લઈને હાજર થતાં, બાઈ મજકૂરની ઉશ્કેરણીથી મજકૂર ગામના એક લખમણ નામના રઝળુ કાઠી જુવાને થાણદાનું ખૂન કર્યું.

મજકૂર લખમણે મજકૂર ઓરતની ઉશ્કેરણીથી હરામખોરોની ટોળી બાંધી, અને કાયદો હાથમાં લઈ કેટલાક આબરૂદાર જમીનદારોના સાંસારિક વ્યવહારમાં માથું માર્યું. મજકૂર જમીનદારોના કુટુંબની કોઈ રાંડીરાંડ બાઈઓને બારોબાર ઈન્સાફ અપાવવાના તોરમાં હરામખોરોની ટોળીએ ત્રણ જમીનદારોને ઠાર માર્યા. પણ છેવટે તો મહાન અંગ્રેજ સત્તાના લાંબા હાથ તેમને પણ પહોંચી વળ્યા, ટોળીનો ફેજ થય અને ઓરત ઢેલીને બે અંગ્રેજ ઑફિસરોએ બહાદુરીથી હાથ કરી.

મજકૂર ઓરત ઢેલી આ ટોળી પાછળનું મુખ્ય બળ હતી તે તો અહીં પહેલી જુબાનીઓ પરથી સ્પષ્ટ થાય છે. પરંતુ એકેય સાહેદ એમ નથી કહી શક્યું કે એક પણ ખૂન બાઈ મજકૂરે સ્વહસ્તે કર્યું છે.

આથી કરીને ઓરત મજકૂરને અમે સાત વર્ષની જ સખત કેદ આપીએ છીએ.” ફેંસલાનો એ શેષ ભાગ પૂરો વંચાઈ રહ્યો.

“તારે કાંઈ કહેવું છે ?” ન્યાયમૂર્તિના સૂચનથી શિરસ્તેદારે બાઈને પ્રશ્ન કર્યો.

“હા.”

“બોલ.”

“મારે કહેવાનું આટલું જ છે, કે જે ખેતરની ધરતીમાં ભેખડગઢનો થાણદાર મૂઓ, ઈ ખેતર સરકાર ગૌચરમાં કઢાવે અને તેની વચ્ચોવચ એક દેરી ચણાવે. ઈ દેરીમાં બે ખાંભિયું મેલાવે : એક ખાંભી ઈ થાણદારની ને બીજી ખાંભી મારા ભાઈ લખમણ પટગીરની.”

“એનો ભાઈ લખમણ ! હા-હા-હા !” દાઢીવાળા પબ્લિક પ્રોસિક્યૂટર એવી સિફતથી બોલી ગયા કે એ સ્વરો કદડાની ધાર જેમ ગળણીમાં રેડાઈ જાય તેમ દાઢીમાં ઊતરી ગયા.

પણ ઓરતની આંખોમાંથી તો કોઈએ જાણે ચીપિયા વતી કીકીઓ ખેંચી કાઢી. એણે પ્રોસિક્યૂટરથી નજીક હોવાથી આ બોલ સ્પષ્ટ પકડ્યા હતા. એણે સંભળાવ્યું : “સાંભળી લ્યો, મિયાં ! સાત વરસને વીતતાં વાર કેટલી !”

શિરસ્તેદારે સિસકારા કર્યા. ઓરતને પહેરેગીરોએ ચૂપ રહેવા ફરમાવ્યું. ન્યાયમૂર્તિ પણ તપી ગયા. એમણે કહ્યું : “ઓરત, તારી માગણીઓ સાથે આ કોર્ટને કશી નિસબત નથી.”

“તો પછી પૂછો છો શિયા માટે કે બાઈ, તારે કાંઈ કે’વું છે ?”

“અદાલતનો એ વ્યવહાર છે.”

“સારું બાપા ! વે’વાર માતર કરી લીધા હોય તો હવે મને મારું સાત વરસનું મુકામ બતાવી દિયો. પણ ઊભા રો’. હું કહેતી જાઉં છું. આંહીં બેઠેલાં તમામને, સરકારને, સરકારના હાકેમોને, અને ત્રિભુવનના નાથને પણ કહેતી જાઉં છું, કે સાત વરસે જો જીવતી નીકળીશ તોય દેવકીગામનું ઈવડું ઈ ખેતર ગાયુંને મોઢે મુકાવીશ, અને જો મરીશ તો ચુડેલ થઈને ત્યાં બેસીશ. બે કરતાં ત્રીજો કોઈ હાલની આશા રાખતા હો તો મેલી દેજો.”

એમ કહીને એ પોલીસ-ચોકી વચ્ચે ચાલી નીકળી.

“બોલ્યાંચાલ્યાં માફ કરજો, માતાજી !”

“આવજો, ભાઈયું-બેન્યું ! મારાય અવગણ માફ કરજો ! ઘણાંને સંતાપવા પડ્યાં છે.”

“બોલો મા, બીજું મા એવું, આઈ ! કાંઈ હુકમ ?”

“હુકમ તો શું ? સૌને વીનવું છું કે ત્યાં ડુંગરામાં મારા ભાઈ લખમણની અને બીજા નવેયની ખાંભિયું બેસાડજો, અને એની તથ્યે ગાયુંને કપાસિયા નીરજો.”

બાઈને અંદર લેવા માટે જ્યારે જેલના દરવાજા ઊઘડ્યા ત્યારે એને વળાવવા આવેલાં ગામડિયાં જોડે ત્યાં આટલી વાતો થઈ. બાઈ અદૃશ્ય બની. લોકો બધાં ઊભાં થઈ રહ્યાં. માંહોમાંહ તેમણે વાતો કરી લીધી :

“છે ને કાંઈ ભેંકાર ઊંચો કોટ : કાળો અજગર જાણે મોંમાં પૂંછડું નાંખીને ગોળ કૂંડાળે બેઠો છે !”

“બરાબર આપણી હીપાપાટની મગર જઈ લ્યો !”

બીજી ડોશી બોખા દાંત માથે હાથ ઢાંકીને બોલી : “આ દરવાજા ઊઘડ્યા : જાણે ઈવડી ઈ આપણી માણસમાર મગરના ડાચાં જોઈ લ્યો.”

“થઈ ગઈ ઈ તો ગારદ.”

“જીવતી નીકળે ત્યારે સાચી.”

“નીકળ્યા વિના રે’ નહિ. જાસો દઈને ગઈ છે. જોગમાયા છે.”

“બાપડો ઓલ્યો મિયાં, હવે સાત વરસ લગી સખની નીંદર કરી રિયો !”

જેલના કિલ્લાની રાંગેરાંગે ગામડિયાં ચાલતાં ગયાં અને જૂનાગઢ વગેરે જુનવાણી નગરોની પુરાતન જેલો જોડે રાજકોટની નવી જેલને સરખાવતાં ચાલ્યાં. પાછલી દીવાલનાં કોઈકોઈ બાકોરાંમાં ભૈરવ પક્ષીઓ પોતાનું માનવી જેવું મોં ડોલાવતાં જાણે કશીક ખાનગી વાત કરવા બોલાવતાં હતાં. પાછળના ભાગમાં એક પથ્થર ઉપર સિંદૂરનું લેપન કરેલ હતું. આજુબાજુ કોઈ કારમા કાળમાં નિર્જળાં રહીને ઠૂંઠાં બની ગયેલાં ઝાડ ઊભાં હતાં. થોડાં વર્ષો પર ત્યાં એક પરદેશી (ઉત્તર હિંદુસ્તાની) રજપૂત સિપાઈએ આપઘાત કર્યો હતો. ત્યારથી ત્યાંથી પાછલી ગુપ્ત બારીનો પહેરો નીકળી ગયો હતો.

“મૂવેલો સિપાઈ ભૂત થિયો છે.” ટોળામાંના એકે કહ્યું : “ને આંહીંથી એક-બે કેદીને ભગાડી ગિયો છે.”

“કુંવારો ને કુંવારો જ મૂવો હશે.”

“હા, ને એનું મન સરકારના એક ગોરા હાકમની જ દીકરી સાથે મોહેલું.”

૩૭. લોઢું ઘડાય છે

અદાલત ચાલી ત્યાં સુધી પિનાકી મસ્ત હતો. પળેપળ એને આસવની પ્યાલી સમી હતી. મામીના શબ્દો અમલદારોને અને વકીલોને હંફારનારા હતા. પિનાકીની તો રગરગમાં એ નવરુધિર સીંચનારા હતા : ને જે દિવસે મામીએ ભરઅદાલતમાં બાપુજીની અદબ કરી હતી તે દિવસથી ભાણેજ મામીને પોતાનું વહાલામાં વહાલું સ્વજન ગણતો થયો હતો.

એણે સ્વપ્નો સેવ્યાં હતાં આવાં : આવી બહાદુર સોરઠિયાણીને કદરબાજ ન્યાયાધિકારી છોડી મૂકશે. ને છોડી મૂકશે તો તો હું એને આપણા ઘેરે લઈ જઈશ, ઘેરે જ રાખીશ. મોટીબાનો એને સહવાસ મળશે. અથાણાં અને પાપડ-સેવ કરવામાં મોટીબાને જે સાથ જોઈએ છે તે આ મામી જ પૂરો પાડશે.

પણ ચૌદથી વીસ વર્ષ સુધીની અવસ્થા અબુધ છે. પિનાકીને સાન નહોતી કે દરેક અંગ્રેજના દેહમાં એક કરતાં વધુ માનવીઓ વસે છે : એક હોય છે કળા-સાહિત્યનો અને અદ્‌ભુતતાનો આશક માનવી; બીજો હોય છે કાયદાપાક વ્યાપારી અથવા અમલદાર માનવી. મામીના ન્યાયાધિકારીની અંદર પણ બે જણા ગોઠવાઈ સમાયા હતા : અમલદાર માનવી મામીને તહોમતદાર હરામખોર ગણી સાત વર્ષની ટીપ ફરમાવે છે, ને એ-નો એ સાહિત્યપ્રેમી માનવી મામીનાં શૂરાતનની રોમાંચક વાર્તાઓ પણ ઘેર જઈ રાતે લખે છે.

જેલ જતી મામી ભાણાભાઈને ન મળતી ગઈ. પિનાકીને એની બાઈસિકલ પાછી ઘેર લઈ આવી. બીજે દિવસે એ સ્કૂલે ગયો ત્યારે એને અભ્યાસ પર કંટાળો છૂટ્યો. અંગમાં આળસ ને મોંમાં બગાસાં આવ્યાં. પણ ત્યાં તો એને એક રોનક સાંપડ્યું. કુલ ત્રીસ છોકરાના વર્ગમાંથી પાંચ ડાહ્યાડમરા છોકરા અદાલતના ઉધામે ચડ્યા નહોતા, તેથી તેમને હેડ માસ્તરે વચન આપ્યું હતું કે આ વર્ષના મેળાવડામાં પ્રામાણિકતા, વિનય, ચારિત્ર્ય, ચોખ્ખાઈ અને ધાર્મિકતાનાં પાંચેય ઈનામો હું તમને પાંચને જ મીંઢોળગઢના નામદાર મહારાણાશ્રીને હાથે અપાવવાનો છું. એવી આશા મળ્યા પછી તો એ પાંચેય છોકરાંઓ યોગી જેવા બન્યા હતા. આંખો લગભગ અરધી મીંચેલી જ રાખતા. ચાલતા એટલી સંભાળથી કે મેજ, ખુરસી અને બાંકડાના મન ઉપર પણ તેમની સારી ચાલચલગતની છાપ પડે. પટાવાળાને પણ તેઓ ‘ભાઈશ્રી દેવજી’ કહીને તેડવા જતા. કહેતા કે “ભાઈશ્રી દેવજીભાઈ, વર્ગમાં એક મરેલી ખિસકોલી પડી છે. તેને ઉપાડવા આવશો ?”

ઇનામ મેળવવાની આવી તૈયારી કરી રહેલા હરિકૃષ્ણને પિનાકીએ ખભો ઝાલી ઢંઢોળ્યો : “એલા એય મુડદાલ !”

“કહે.” હરિકૃષ્ણે વિનય ન છોડ્યો. ઈનામનો મેળાવડો એની નજરમાં જ રમતો હતો.

“ઢોંગ કરતો હવે આંખો તો ઉઘાડ ! ધ્રુવજીના અવતારી !”

“હું હેડ માસ્તરને કહી આવીશ.”

“જો કહેવા ગયો છે, તો બે અડબોત ખાધી જાણજે ! નાલાયક, મામીનો મુકદ્દમો જોવા પણ ન આવ્યો ? આવ્યો હોત તો મુડદાલ મટીને કંઈક મરદ તો બનત !”

“વારુ !” હરિકૃષ્ણે પાછાં પોતાનાં વિનીત લોચન અધબીડ્યાં કરી લીધાં.

“હવે ડાહ્યો થા, ને મને ચાલી ગયેલા પાઠ જરા બતાવી દે.”

“હેડ માસ્તર સાહેબે બતાવવાની ના પાડી છે.”

હરિકૃષ્ણ વગેરે પાંચેય ઈનામ-સાધના કરવાવાળાઓએ ના કહી. બાકીના જેઓ પિનાકીની જોડે રઝળુ બન્યા હતા તેમણે પમ બૂમાબૂમ કરી મૂકી :

“પિનાકી, સાહેબને કહીએ : પાઠ ફરીથી જ ચલાવે.”

“ચલાવવા જ પડશે. નહિ ચલાવે તો ક્યાં જશે ?”

“ને નહિ ચલાવે તો ?”

“તો આખો ક્લાસ મળીને કહેશું.”

“પણ એ તો આ પાંચ વિનયનાં પૂતળાં જો આપણી જોડે કહેવા લાગે તો જ બને ને !”

“એ બરાબર છે.” કહેતો પિનાકી પાંચેય જણાની પાસે ગયો, એકની બગલમાં ચાંપીને એક હળવો ઠોંસો લગાવ્યો, ને ડોળા ફાડી કહ્યું : “કાં, અમારી જોડે સામેલ થવું છે કે નહિ ?”

વિનયમૂર્તિ વિદ્યાર્થીએ પિનાકી સામે દૃષ્ટિ કરી. હસતાં હસતાં પિનાકીએ બીજો ઠોંસો લગાવ્યો. કહ્યું : “બોલોજી !”

એ વિનયવંતાએ પોતાના ચાર સાથીઓ તરફ નજર કરી, એટલે પિનાકીએ પોતાના સહરઝળુ છોકરાઓને ઈશારો કરી કહ્યું કે “આ મુરબ્બી બંધુને હું વીનવું છું, તેવી રીતે તમે સર્વે પણ અન્ય ચારેયને વિનતિ કરશોજી !”

પરિણામે પાંચેય વિનયવંતોની બંને બાજુમાં તોફાની છોકરા ચડી બેઠા, ને તેમનાં પડખાં દબાવી બારીક ચૂંટીઓ ખણવા લાગ્યા. કોઈ કલાપ્રેમી સ્ત્રી પોતાના કાપડ પર જે છટાથી ભરતગૂંથણની સોયનો ટેભો લ્યે, તેવી જ સિફતવાળી એ ચૂંટીઓ પાંચેય વિનયવંતોની કમ્મર પર લોહીના ટયિસાનું ભરતકામ કરવા લાગી. પાંચેય વિનયવંતોની ટોપીઓ ત્યાં ફૂટબોલો બની ગઈ. ઠોંસા ખાતાખાતા પણ તેઓ, ઈનામને લાયક રહેવાના મક્કમ નિશ્ચયી હતા એથી, ચોપડીઓ જ વાંચતા રહ્યા. એટલે પિનાકીએ તેમના હાથમાંથી ચોપજીઓ ઝૂંટી લીધી.

હેડ માસ્તર ઓચિંતા કોઈ વંટોળિયા જેવા આવી ચડ્યા. તેમણે આ ગુંડાશાહી નજરે દીઠી. તેના ભમ્મર ચડી ગયાં. તેમણે હાથમાં સોટી લીધી. જે પહોળા બરડાનું રુધિરસ્નાન કરવા તેમની સોટી ગયા મેળાવડાથી આજ સુધી તલસી રહી હતી, તે બરડો આજે વધુ પહોળો ને ભાદરવાના તળાવ-શો છલકાતો બન્યો હતો.

હેડ માસ્તરે પાંચેય વિનયવંતો તરફ જોઈ પૂછ્યું : “હરિકૃષ્ણ, શું હતું ?”

તોફાન કરનારા છોકરાઓએ પાંચેય સુશીલો પર સામટી આંખોનું ત્રાટક કર્યું.

“કંઈ નહોતું, સાહેબ !” હરિકૃષ્ણે ચોપડીમાં મોં ઢાંકી રાખીને જ જવાબ આપ્યો.

“કંઈ નહોતું ?” હેડ માસ્તરે સિંહ-ગર્જના કરી : “નાલાયક ! અસત્ય ? બોલો તમે, કિરપારામ : શું હતું ?”

“કાંઈ જ નહોતું, સાહેબ !” પાંચેય જણ સરકસનાં પારેવાં પેઠે પઢી ગયા : “કાંઈ નહોતું, વિનોદ કરતા હતા.”

બહુ ભૂખ ખેંચ્યા પછી માણસની ભૂખ મરી જાય છે, ખાવાની વૃત્તિ જતી રહે છે. સોટીબાઈની પમ સ્નાન-ઝંખના શમી ગઈ.

“કેમ ગેરહાજર રહ્યો’તો મારા સમયમાં છેલ્લા પંદર દિવસોથી ?” હેડ માસ્તરે પિનાકી પ્રત્યે જોઈ નવું પ્રકરણ ઉપાડ્યું.

“બહારવટિયા-કેસ સાંભળવા જતો’તો.”

“કેમ ? ત્યાં કોઈ તારી કાકા-માસી થતી’તી ?”

“મારી મામી થતાં’તાં એ.”

“મશ્કરી કરે છે, એમ ?”

“મશ્કરી નથી કરતો.”

હેડ માસ્તર શા માટે આ બધી લપ કરતા હતા ? પોતાની કરડાઈ માટે આખા કાઠિયાવાડની જાણીતી હાઈસ્કૂલોમાં ધાકભર્યું વાતાવરણ મૂકી આવનાર આ સરમુખત્યાર સરીખો, જૂના યુગના ગામડાના ફોજદાર જેવો મામસ સીધી સોયાબાજી કરતાં કેમ ખચકાતો હતો ?

કારણ કે ગયા મેળાવડામાં પિનાકીએ એની સોટીને ઝાલી હતી; બીજું તો કશું નહોતું કર્યું, ફક્ત અન્ય વિદ્યાર્થીઓ ઉપર પડતી સોટીને હિંમત કરી પકડી હતી. હેડ માસ્ટર કંટા હતા તે સાથે દેશી રાજ્યોની જ શાળાઓમાં નોકરી કરનાર તરીકે ચકોર વધુ હતા. ચેતી ગયા હતા કે કાલે જે હાથે એની નેતર ઝાલી હતી, તે હાથ તે જ નેતરને આંચકી લેતાં વાર નહિ લગાડે; સામી સબોડતાં પણ એ હાથને આંચકો નહિ આવે. શરમનો પડદો આશકોના પ્રણયમંદિરમાં શાસકોના સત્તાભુવનમાં, માખીની પાંખ થકી પણ વધુ પાતળો હોય છે : એક વાર ચિરાયા પછી એની અદબ સદાને માટે જતી રહે છે. પિનાકીની આંખના ખૂણામાં ઈશાન ખૂણાની વીજળી સળગવા લાગી હતી, તેટલું આ વિદ્યાગુરુ જોઈ શક્યો હતો ને એને ખબર હતી કે કોઈ વિદ્યાર્થીનો હાથ જે દિવસે એના ઉપર ઊપડશે, તે દિવસથી એની હેડમાસ્તરી ખતમ થઈ જશે. અને તે દિવસથી કાઠિયાવાડની કેળવણી તો એને નહિ જ સંઘરે. તે દિવસથી એને કાં ટ્યૂશનો રાખવાં પડશે, ને કાં રજવાડાની બીજી કોઈ નોકરી શોધવી પડશે.

એટલે એણે મારપીટની પદ્ધતિ છોડી દઈ બીજા જ માર્ગે પોતાનું ખુન્નસ વાળી દીધું. અને પિનાકીને કહી લીધું કે અંગ્રેજીના વર્ગો ગુમાવનારને મેટ્રિકનું ફોર્મ નહિ મળી શકે.

“પ્રિલિમિનરિમાં પાસ માર્ક મેળવે તો પણ નહિ ?” પિનાકીએ સામું પૂછ્યું.

“એ તો જોવાશે - કેવી રીતે પ્રિમિનરિમાં પાસ થશો તે.”

પિનાકી માંડમાંડ પોતાના મનને રોકીને કહેતો રહી ગયો કે ‘તમે તો, સાહેબ, પહેલેથી નક્કી જ કરી રાખ્યું છે કે કોનેકોને પાસ-નાપાસ કરવા.’

બીજા જ દિવસે પાણી પાનાર બ્રાહ્મણ પટાવાળાએ હેડ માસ્તર પાસે જઈ ફરિયાદ કરી કે પિનાકીએ પાણીની ઓરડી પર ટંટો મચાવ્યો છે. પોતાની પ્રિય સહચરી સોટીને ઉઠાવતા હેડ માસ્તર પાણીની ઓરડી પર દોડ્યા. પિનાકી પર ધસી ગયા. પિનાકીના હાથણાં પ્યાલો હતો. પ્યાલો એણે હેડ માસ્તર તરફ ધર્યો. પાણીમાં લીલના પાંદડીઓ તરતી હતી અને ત્રણ પોરા તરફડતા હતા.

છોકરાનું ટોળું તરસ્યાં હરણાં જેવું ચકળવકળ આંખે ઊભું હતું. આખું દૃશ્ય જ એક મર્મોચ્ચાર જેવું હતું. કહેવાની જે વાત હતી તે તો પાણીનો પ્યાલો જ કહી રહ્યો હતો.

“તારે કશુંક બહાનું જોઈતું હતું, ખરું ને ?” હેડ માસ્તરે ‘ડૂબતો તરણું ઝાલે’ની કહેવત તાજી કરી.

“આ બહાનું છે ?” પિનાકી હસવા લાગ્યો.

ત્યાં તો બ્રાહ્મણ બરાડી ઊઠ્યો : “પણ અહીં તો જુઓ, સાહેબ !”

પાણીની ઓરડીમાં માટલાંનાં કાછલાં વેરણછેરણ પડ્યાં હતા.ં

“કોણે ભાંગ્યો ગોળો ?”

“મેં.” પિનકી જૂઠું બોલ્યો. કોઈ બીજા જ છોકરાએ એ ભાંગફોડ કરી હતી.

“શા માટે ?”

“કાછલાં જુઓ ને !”

સાપના ઝેર સરખી લીલ એ કાછલાંએ પહેરી હતી.

હેડ માસ્તરે અન્ય છોકરાઓ તરફ હાક મારી : “એને તો બહારવટું કરવું છે, પણ તમારા બધાનો શો વિચાર છે ? બાપના પૈસા કેમ બગાડો છો ? પાણી વિના શું મરી જાવ છો ? પાણી ઘેરથી પીને કાં નથી આળતા ? એક કલાકમાં તરસ્યા મરી ગયા શું ? વિપરાવી દઉં પાણી ? કે પહોંચો છો ક્લાસમાં ?”

તરસે ટળવળતા છોકરા, કેટલાક તો દસ-દસ જ વર્ષના, ભારે ડગલાં ભરતાં પાછા વળ્યા. એકલો પિનાકી જ ત્યારે ઊભો રહ્યો.

ને એને ભાસવા લાગ્યું કે જાણે એ લોઢાનો બનતો હતો. જાણે કોઈક અદૃશ્ય શક્તિનો હથોડો એના પ્રાણને જીવનની એરણ ઉપર ઘડી રહ્યો હતો.

૩૮. ફૂટપાથ પરનો ટ્રાફિક

“શું કરું ?” હેડ માસ્તરે ચૂલે ચડેલા હાંડલાની જેમ વરાળ ફૂંકી : “તારા વયોવૃદ્ધ દાદાની મને દયા આવે છે. તને કાઢી મૂકીશ તો એ ડોસો રઝળી પડશે, નહિ તો તને... શું કહું ? બધું અધ્યાહાર જ રાખું છું હવે તો !”

એકએક શબ્દ પિનાકીના પ્રાણ ઉપર તેજાબના છાંટા જેવો પડ્યો. એથી પણ અધિક, શીળીનો એકેક દાણો બગડી બગડીને કાળી બળતરા લગાડતો સમાઈ જાય તેવા વસમા તો હેડ માસ્તરના અણબોલાયલા, અધ્યાહાર રહેલા શબ્દો બન્યા. અધ્યાહાર શબ્દો હંમેશાં વધુ વસમા હોય છે.

એની આંખો ડોળા ઘુમાવી ઘુમાવી હેડ માસ્તર તરફ નિહાળી રહી. અઢાર વર્ષનો છોકરો આંસુ પાડવાનો શોખીન નથી હોતો. એનાં વિરલાં આંસુ સમજવાં પણ મુશ્કેલ હોય છે. પિનાકીનાં આંસુ ગુલાબની પાંદડીઓ પરનાં ઝાકળ-ટીપાં નહોતાં. હેડ માસ્તર એ ન સમજી શક્યા. એણે માન્યું કે આ છોકરાને પોતાનો ઠપકો અસર કરી રહ્યો છે. એટલે એણે ઉમેર્યું : “યાદ તો કર : તું મારો કેટલો માનીતો વિદ્યાર્થી હતો ! આજે તને આ થઈ શું ગયું ? તારા નિરાધાર દાદાની પણ તને દયા નથી આવતી, ગાંડા ?”

એટલું કહેતાં હેડ માસ્તર પિનાકીને પસ્તાયેલો ગણી પંપાળવા માટે નજીક ગયા, પણ જેવો એ પિનાકીના ખભા પર પંજો મૂકવા ગયા તેવા જ પિનાકીએ ધગાવેલા સળિયા જેવા એ હાથને ઝટકોરી નાખી, એક ઉચ્ચાર પણ કર્યા વિના, ત્યાંથી ચાલવા માંડ્યું. ને એનાં મૂંગાં હીબકાં છેક દરવાજા બહારથી પણ સંભળાતાં ગયાં.

બીજું બધું જ સાંખી લેવા એ તૈયાર હતો, પણ એને અસહ્ય હતું એક મોટાબાપુજીનું અપમાન. ને હેડ માસ્તરની મોટાબાપુજી પ્રત્યેની અનુકંપાનો એકેએક શબ્દ અપમાનના અકેક ડામ જેવો હતો.

મારા મોટાબાપુજી... રઝળી પડ્યા છે ? કોણે કહ્યું કે એ રઝળી પડ્યા છે ? એની દયા ખાનારો આ દાતાર કોણ આવ્યો ? મારા મોટાબાપુજી કયે દહાડે એની પાસે દિલસોજી ભીખવા ગયા હતા ? મેં શું નથી જોયું કે રસાલાના નાળા ઉપર જે જે માણસો ફરવા જાય છે તે બધા મારા મોટાબાપુજીને પહેલાં ‘જે જે’ કરે છે ! પૃથ્વીપુરના પેલા રિટાયર થયેલા દીવાન સાહેબ તે મારા મોટાબાપુજીની પાસે રોજ એ ગરનાળા ઉપર બેસી સોરઠના ગામડાના તકરારી સીમાડા વિષે માહિતી માગે છે. જોરાવરગઢના શિકારી દરબાર ગિરનો લૂલિયો સાવજ કઈ બોડમાં રહે છે તેની પૂછપરછ કરવા તો મારા બાપુજીને ઘેરે મળવા આવે છે ને બાપુજી હજામત કરાવતા હોય તો એટલી વાર ગાડી બહાર થોભાવી વાટ જુએ છે. એવા મારા બાપુજીને રઝળી પડેલ કહેનાર કોણ છે આ કંગાલ ? એને ઘેર મારા બાપુજી ક્યારે ચા પીવાનો સમય જોઈને પેઠા હતા ! એની કને બાપુજીએ કયે દા’ડે ઉછીના પૈસા માગ્યા છે ! મારી ફી ભરવામાં એક દિવસનું પણ મોડું બાપુજીએ ક્યારે કર્યું છે !

ત્યારે ? - ત્યારે - ત્યારે - આ શું બોલી ગયો એ માણસ ? એને મેં બોલતાં ચૂપ કાં ન કરી નાખ્યો ? મેં એની ત્યાં ને ત્યાં પટકી કાં ન પાડી નાખી ? હું અઢાર વર્ષનો જુવાન કેમ ન કકળી ઊઠ્યો ? મેં એની બોચી જ કાં ન પકડી ? મેં શરીરના ગઠ્ઠા શા માટે જમાવ્યા છે ? હું તે શું નર્યા લોહીમાંસનો કોથળો જ નીવડ્યો ?

રસ્તાની એક બાજુએ ઘસાઈને એ ચાલ્યો જતો હતો. પ્રત્યેક વિચાર એના હીબકામાં જોર પૂરતો હતો. પોતાને ધ્રુસકા નાખતો કોઈ જોઈ કે સાંભળી જશે તો ઊલટાની નામોશી વધશે એ બીકે પોતે હીબકાંને રૂંધવા પ્રયત્ન કરતો હતો, પણ હેડ માસ્તરને કશું ન કરી શકાયું એ પોતાની કંગાલિયત પર એના હૃદયને વધુ ને વધુ ભેદતી હતી. આંસુ લૂછવા માટે ને હીબકાં દાબવાને માટે એ મોં આડે વારંવાર હાથ દેતો હતો. રૂમાલ ઘેર ભૂલી ગયેલ હોવાથી આપત્તિ થઈ પડી ! અને નાક લૂછવાનો દેખાવ કરી એ આંસુ લૂછતો હતો.

પણ ચોરી કરવા નીકળનાર માણસ કદી ન કલ્પેલા હો એવા કોઈ સાક્ષીની નજરે પકડાય છે. પિનાકીને ભાન ન રહ્યું કે રસ્તાની પગથી ઉપર એક અથડામણ થતી થતી રહી ગઈ. એના હાથ એની આંખો આડે હતા. એનું મોઢું રસ્તાની ઊલટી બાજુએ હતું.

ઓચિંતું જાણે કે કોઈકની જોડે એનું પડખું ઘસાયું. કોઈક પછવાડેથી બોલ્યું પણ ખરું કે ‘જરા જઈને તો ચાલતો જા, ભાઈ !’

પોતે જોઈને નથી ચાલતો એવી ચેતવણીનો સ્વર જ્યારે કોઈ પણ જુવાન માણસને કોઈ નારીના કંઠમાંથી સંભળાય, ત્યારે એણે જરૂર સમજવું કે ટ્રાફિકના નિયમનો કોઈક મહાન ભંગ પોતાને હાથે થયો હોવો જોઈએ, અને ફૂટપાયરી ઉપર તો ટ્રાફિકની દોરવણી કરનારો કોઈ પોલીસ રાખવામાં આવતો નથી, તેથી, ખાસ કરીને બપોર વેળાના બળબળતા રાજકોટ શહેરના અમુક અમુક નિર્જન પડતા રસ્તાઓ પર, આવા સ્ત્રી-કંઠો જરા સવિશેષ કડક રહેતા હોય છે.

વીફરેલા મિજાજની આ ક્ષણોમાં પોતાને વસ્તુતઃ આંધળો કહી અપમાનનાર આ અજાણ્યા કંઠ પ્રત્યે પિનાકી બેદરકાર ન રહી શક્યો. હેડ માસ્તરને ચૂપ કરવાની એણે જવા દીધેલી તક એને અત્યારે ઉપકારક નીવડી. એણે મિજાજથી પાછળ જોયું. પણ એના પગ આપોઆપ અટક્યા. એની આંખો ખબરદાર બની. વિફરાટ ઊતરી ગયો. નરમાશે આંખોનાં કિરણોમાં શીતળતા મૂકી. એની નજર જાણે કોઈ વૈસાખ મહિનાના લીલુડા છાસટિયાની નાનકડી એક વાડી ઉપર ઊતરી.

બે જણાંને એણે જોયાં. બંને સ્ત્રીઓ હતી. એક દૂબળા દેહની, કાળા વેશની, કંકણ વિનાનાં કાંડાં, આંખો પર દાક્તરી પાટો. બીજી સોળ-સત્તર વર્ષની : આજથી બે’ક દાયકા પહેલાંના સોરઠને સહજ એવી જુવાનીના લાલ વેલા જાણે કે ચડતા હતા, ઝાલરદાર છીંટના ઝૂલતા ચણિયા પર એક પાટલીએ પોમચાનો પહેરવેશ તે કાળમાં હજુ અવિવાહિત કન્યાઓને આપોઆપ ઓળખાવી આપતો હતો. ને ફૂલેલ બાંયનાં આછાં ગુલાબી પોલકાંનો શોખ હજુ રાજકોટને છોડી નહોતો ગયો. બંગડીઓ અને કાંડાં, એકબીજાનાં વેરીઓ જેવાં, દિવસ-રાત ઝઘડ ઝઘડ કર્યા કરે - અથવા બંગડીઓ, કોઈ વાંદરીઓ જેવી, કાંડાની ઉપર-નીચે ચડઊતર જ કર્યા કરે - એવી નાજુક હાંઠી પણ હજુ સોરઠની કન્યાઓને નહોતી સાંપડી. એવી ચપોચપ બંગડીમાં રાજીખુશીથી બંધાયેલ બે કાંડાં પર થઈને પિનાકીની નજર વનમાં રમતી ખિસકોલી સમી, જ્યારે આ સત્તર વર્ષની કન્યાનાં નેત્રોને મળી, ત્યારે બન્નેના ચહેરા પર ધગધગાટ ઊતરી ગયા.

“કેમ થંભી રહી ? કોણ છે એ ?” આંખે પાટા બાંધેલ આધેડ સ્ત્રીએ કન્યાને પૂછ્યું. “હાલવા માંડો, બેટા ! એવા તો ઘણાય મવાલીઓ હાલ્યા જાતા હોય.”

“રહો - રહો, બા ! કોઈક આપણી ઓળખાણવાળા લાગે છે.” દીકરીએ જવાબ દઈને પિનાકીને, કોઈ સિપાઈ કેદીની જડતી લેતો હોય તેટલી બધી ઝીણવટથી, તપાસ્યો.

પિનાકીનાં હીબકાં કોણ જાણે ક્યાં શમી ગયા. કન્યાએ પૂછ્યું : “તમે અહીંના છો ? તમારું નામ શું છે ?”

“હું તમને ઓળખતો હોઉં એવું લાગે છે.” પિનાકીએ નામ પ્રકટ કરવાને બદલે પોતાની સ્મરણ-શક્તિ પ્રકટ કરી.

બરાબર તે જ અરસામાં પિનાકીનો અવાજ ફાટતો હતો - એટલે કે કિશોરી અવસ્થાનો કોકિલ કંઠ જાણે માંડમાંડ, કોઈક ભીંસામણમાંથી નીકળીને જુવાનીના ભર્યા રણકારમાં પ્રવેશ કરતો હતો. ઘંટીનાં બે પડ વચ્ચે જાણે કે ગળું ભરડાતું હતું. એટલે જ એ કિશોરાવસ્થાના સૂર, હજુ પારખી શકાય તેવા, કોઈ કોઈ વાર દેખાતા હતા.

“તમે - તમે ભાણાભાઈ તો નહિ !”

“ઓહોહો, પુષ્પાબેન ! તમે અહીં ?”

કન્યાએ આધેડ સ્ત્રીને કહ્યું : “બા, આપણા ભેખડગહઢવાળા જમાદાર સાહેબના ભાણાભાઈ છે.”

“ઓહો ! ભાણો ! ભાણા બેટા, હા જ તો ! અમે તો હવે અહીં જ હોઈએ ને, બેટા ! પુષ્પાના બાપનં તો ઢીમ ઢાળી નાખ્યું રોયા કાઠીઓએ. તે પછી બીજે ક્યાં જઈએ ? આંહીં અમારાં ઘરખોરડાં છે.”

પિનાકી મૂંગો રહ્યો. પુષ્પાના પિતા, ભેખડગઢના થાણદાર સાહેબ, જાડાજાડા કોઠી જેવા, મોટીબા જેમનું નામ લેવાને બદલે હંમેશાં બે હાથ પહોળા કરી ઈશારે નિર્દેશ કરતા - તે થાણદારનું સ્મરણ મામીએ અદાલતમાં કરાવ્યું હતું.

“તમારાય બાપુજીની નોકરી ગઈ : કાં ને, ભાણા ?” પેલી વિધવાએ કહ્યું : “નોકરી તો આખર નોકરી જ, ઈ કાંઈ ખોટું કહ્યું છે ? અમારેય એવું થયું ને તમારેય એવું થયું. સરકારે બેમાંથી કોઈને ન્યાલ ન કરી દીધાં, ભાણા ! નોકરી તે નોકરી : કરી તોય છેવટ જાતાં નો જ કરી !”

નોકરી શબ્દનો આવો નિગૂઢાર્થ તે વખતે સોરઠમાં ખૂબ પ્રચલિત હતો. પેન્શનરો, સાધુઓ, શાસ્ત્રીઓ વગેરે લોકોની તે વખતમાં એ એક ખાસિયત જ હતી કે બધા શબ્દોના આવા અર્થો બંધ બેસાડવા.

“પણ એમ તો એનુંય મારા પીટ્યાનું સત્યાનાશ થઈ ગયું ને ? જુઓ ને ઈ રાંડ ચુડેલ પણ ટિપાઈ ગઈ ને ? હજાર હાથવાળો ઈશ્વર કાંઈ લેખાં લીધા વિના રે’ છે ? પુષ્પાના બાપ તો દેવ હતા દેવ. એને મારીને તે સુખી થાય કે’દી કોઈ ?”

આંખે પાટા બાંધેલી સ્ત્રી જ્યારે ઈશ્વરી જ્ઞાન રેલાવી રહી હતી ત્યારે એને પૃથ્વીનું જ્ઞાન નહોતું કે પોતાની આંખોના આંગણામાં જ શી લીલા ચાલતી હતી. નહોતો પિનાકી બોલતો, નહોતી પુષ્પા બોલતી, છતાં બેમાંથી એકેયના કાન, પીઠ ફેરવીને ઊભા રહી ચોરી થવા દેનાર સિપાઈઓની પેઠે, પોતાનું કાર્ય જ બંધ કરી બેઠા હતા. સત્તર-અઢાર વર્ષનાં બે છોકરાંની આંખો જ એકબીજીને જાણે કે સામસામી નવરાવી રહી હતી. થોડુંક બીજું કામ નાસિકેન્દ્રિય કરી રહી હતી - એટલે કે બેઉને નજીક નજીક ઊભવાથી પરસ્પરનાં શરીરોની એક એવી ઘેરી, ધીરી, ખટમીઠી અને માદક ગંધ આવતી, જે ગંધ અમુક ચોક્કસ અવસ્થાએ, અમુક ચોક્કસ લોહચુંબકતાનો અનુભવ કરનારાં સ્ત્રી-પુરુષોને જ સામસામી આવી શકે છે.

“કેમ, શું થયું છે બાને ?” પિનાકીએ પૂછ્યું.

ઝીણા, છોકરી જેવા, ને ઘેરા પુરુષ જેવા : એ બે સ્વરોની ભરડાભરડ પિનાકીના ગળામાં ચાલતી જોઈને પુષ્પાને ખૂબ રમૂજ થઈ. એનાથી હસી જવાયું, એટલે બાએ જ જવાબ આપ્યો : “મારી તો આંખો જવા બેઠી છે, ભાણા ! ઇસ્પિતાલે ગયાં’તાં. પુષઅપી બાપડી મને રોજ દોરીને લઈ જાય છે.”

પિનાકી જો જરાક મોટી વયનો હોત તો વિવેક કરત - કંઈક આવા શબ્દોમાં : “અરેરે ! આવું શાથી થયું ?” તેને બદલે પિનાકીએ તો પુષ્પાની બાના વાક્યનો એક જ શબ્દ પકડ્યો : “રોજ ?”

પુષ્પાએ પિનાકી સામે મોં હલાવીને હા પાડી. એનું પણ ધ્યાન એ એક જ બોલ પર સ્થિર થયું.

“આ જ રસ્તેથી ?” પિનાકી અંતરના કશા વાંકઘોક વિના સીધું પૂછી ઊઠ્યો.

પુષ્પાએ ડોકું ધુણાવ્યું. આંધળી સ્ત્રીનો બોલ એણે તે પછી જ સાંભળ્યો : “હા ભાઈ, નજીકમાં જ અમે રહીએ છીએ. સદરમાં જ અમારે ડેલો છે.”

“આ જ વખતે ?” પિનકીએ પાકી ખાતરી કરી લીધી. બાએ માન્યું કે પુષ્પા દીકરી શરમાતી હશે તેથી જ કશા જવાબો દેતી નથી.

“તારાં મોટાંબાને કેમ છે, ભાણા ? એ બાપડાં હવે તો મારી જેમ ખળભળી ગયાં હશે.” પુષ્પાની બાએ લાગણીપૂર્વક પૂછ્યું.

“હું મોટાંબાને વાત કરીશ.”

“જરૂર કરજે, ને એક વાર અમારે ઘેર લઈ આવજે, હો !”

“જરૂર.” પિનાકીને નોતરું ગમ્યું. પણ પુષ્પાએ મોં મચકોડ્યું. પિનાકી જોઈ શક્યો કે પુષ્પા નાનપણમાં છેક નિર્માલ્ય હતી તેને બદલે હવે ટીખળી અને ધૃષ્ટ બની છે.

“ને, ભાણા.” પુષ્પાની બાએ કહ્યું : “મોટાબાપુજીને અમારા ખબર દેજે, અમારી વતી ખબર પૂછજે. કે’જે, હો ભાઈ, કે પુષઅપાની બાનું અંતર એમને માટે બહુ બળે છે. ઓહો ! કેવા કાહેમ જેવા ! પુષ્પીના બાપુજી સાથે થોડી બનતી, છતાં અમારી સહુની તો શી ખબર રાખતા ! મારો ચંપક ઘોડેથી પડ્યો’તો ત્યારે દવાદારૂ માટે પોતે જાતે કેટલી દોડાદોડ કરી મૂકેલી ! એવા લાખેણા માણસ માથે પણ કેવી કરી ! ઓહોહો ! હે વિશ્વંભર ! નોકરી એટલે તો કરીકરી તોય નો જ કરી !”

પુષ્પાની બાએ દાખવેલી દિલસોજીને પિનાકી હેડ માસ્તરના બોલ જોડે સરખાવતો ગયો. પણ આમાંનો એકેય શબ્દ એને અળખામણો ન લાગ્યો. મોટાબાપુજીના લગભગ શત્રુ સરખા કે અમલદારની સ્ત્રી, જે સ્ત્રીને વૈધવ્ય પણ કંઈક અંશે તો મોટાબાપુજીની જ આડાઈને પરિણામે મળ્યું, તે સ્ત્રીના શબ્દો ને હેડ માસ્તરના શબ્દો વચ્ચે ફેર હતો. હેડ માસ્તરના શબ્દો ભેખડગઢના દીપડિયા વોંકળાને સામે કાંઠે ઊગતી દારૂડીનાં ઝેરીલા ફળો જેવા હતા : પુ,્‌પાની બા જાણે માવાદાર જાંબુને ચાસણીમાં ઝબોળી ઝબોળી ખવરાવતાં હતાં.

“હો, હું મોટાબાપુજીને પણ કહીશ.”

“તું અત્યારે આંહીં ક્યાંથી ?”

“નિશાળેથી.”

“છૂટી થઈ ગઈ ? અત્યારમાં ? કોઈક સા’બ-બા’બ મરી ગયો હશે કાં તો.”

“ના, ના...”

પિનાકીએ પૂરો જવાબ ન આપ્યો. પણ પુષ્પાના મોં મચકોડેલા મલકાટ બતાવી દેતા હતા કે પુષ્પા સમજી ગઈ છે : હાથલા થોરનાં ઘોલાં જેવી રાતીચોળ આંખો લઈને કુવેળાની નિશાળ છોડનાર છોકરો ઉપરથી જેવો દેખાય છે તેવો જ ડાહ્યોડમરો તો અંદરખાનેથી ન જ હોય ! એ વાતની પાકી ખાતરી જુવાન છોકરીઓને નહિ તો કોને હોય !

પિનાકી ચાલતો થયો. તે પચી તેની પીઠ પર પુષ્પાએ પણ પાછા ફરીફરી કેટલીય નજર નાખી; અને એવી છલકતી પીઠ પર ધબ્બા લગાવવાનું મન એને વારંવાર થતું ગયું.

૩૯. ચકાચક !

જંક્શન સ્ટેશનમાં એક પણ ગાડીની વેળા નહોતી, તે છતાં ત્યાં ઊભું ઊભું એક ચકચકિત મોટું ‘પી. ક્લાસ’ એન્જિન હાંફતું હતું. હાથીનાં નાનાં મદનિયાં જેવા ત્રણ ડબા એ એન્જિનને વળગ્યા હતા. પોલીસોની ટુકડી એક ડબામાં બ્રીજલોડ બંદૂકો સહિત ગોઠવાઈ ગઈ હતી.

“ક્યોં ? ચકાચક કરને કો ચલે, હવાલદાર !” જંક્શનનો હેડ કોન્સ્ટેબલ પોતાના બે પંજાની વચ્ચે ચૂરમાનો લાડુ વાળતો હોય તેવી ચેષ્ટા કરતો કરતો પૂછતો હતો.

“હાં હાં, તકદીર કી બાત બડી હે, ભાઈ, આજ ફજીર કો જ હમ કોટર ગ્યાટ સે છૂટ ગયે.”

પોલીસ પાર્ટીનો હવાલદાર એ હરેક ઉચ્ચારને ઉત્તર હિન્દુસ્તાની બોલીની હલકમાં લડાવતો હતો.

ફર્સ્ટ ક્લાસના ડબામાં નેતરની પેટીઓ ને ચામડાની ઠસ્સાદાર પટારીઓ ભરાતી હતી. એ પેટીઓ ઉપરથી વિલાયતની કોઈ આગબોટની છાપેલ ચિઠ્ઠીઓ પણ હજુ ઊતરી નહોતી. મૂળ હિંદુસ્તાનમાં જ બનેલી એ પેટીઓનો આ છાપેલ પતાકડાનો મદ યુરોપ જઈ આવતા તે વખતના દેશીઓના પદવી-મદને આબેહૂબ મળતો આવતો હતો.

એક શિરસ્તેદાર, એક ‘રાઈટર’, બે કારકુનો ને એક પોલીસ ઇન્સ્પેક્ટર મૂંગા અવાજમાં કશીક ગંભીર વાતો કરી રહ્યા હતા. પણ તેમાંના જે શિરસ્તેદાર હતા, તેમના મોં પરનો મલકાટ ગંભીરતાના પડને ભેદીને બહાર આવતો હતો. એમને આ પ્રસંગ કોઈક ભાવિકને તીર્થયાત્રાનો પ્રસંગ હોય તેટલો પ્રિય લાગતો હતો.

ખબ, ખબ, ખબ : રબર-ટાયરની ગાડીના ઘોડાની પડઘી સ્ટેશનની કમાન નીચે વાગી. સૌ હોશિયાર બન્યા : “પ્રાંત-સાહેબ આવ્યા.”

એન્જિનની વરાળે જોશ પકડ્યું. નીચે ઊભેલો કાળો દેશી ખ્રિસ્તી ડ્રાઇળર એન્જિન પર ચડ્યો. ગોરા પોલિટિકલ એજન્ટ લાંબી, ધીરી ડાંફો ભરીને આવી પહોંચ્યા, નાની એક બંસી બજાવીને એન્જિને ત્રણ ડબા ઉપાડ્યા. નિર્જન જંક્શન પર કોઈ છૂપા કાવતરાની હવા ગાડી પછવાડે રહી ગઈ. નાનકડી એ સ્પેશ્ય આગગાડીએ દેદીપ્યમાન દિવસને પણ અંધારી રાત્રીનો પોશાક પહેરાવી દીધો.

“પ્રાંત-સાહેબની એ સ્પેશ્યલ ટ્રેન ક્યાં જતી હતી ?” પિનાકીએ જંક્શનની તારની વાડ્ય પર રમતાં છોકરાંને પૂછ્યું.

“કોઈક રાજો મરી ગયો છે, ઈયાં ગીયો છે મારો પે.” કોઈક મિયાણા પોલીસના છોકરાએ કહ્યું.

થોડી વાર પછી દુનિયાને જાણ થઈ ગઈ : વિક્રમપુરના ઠાકોર સાહેબ ગુજરી ગયા. થઈ તો ગયા હતા બે દિવસ, પણ એજન્સીને ખબર આજે જ પહોંચ્યા. શબને પથારીમાં જ સાચવી રાખી, માંદગી ચાલુ છે એવી વાત જ રાજમહેલમાંથી જાહેર કર્યા કરી હતી.

રાજાઓનાં અવસાનો તે વખતમાં રોમાંચકારી બનાવો હતા. મૃત્યુ શક્ય તેટલું ગુપ્ત રખાતું. અને તે દરમિયાન જામદારખાનાનાં જવાહિરો અને ખજાનાનાં દ્રવ્ય અનેક અણદીઠ હાથોની આંગળીઓ વડે હેરફેર પામતાં. રાજભંડારોને સીલ મારવા પોલિટિકલ એજન્ટોની સ્પેશ્યલો દોટાદોટ કરતી. કૈક ન્યાલ થતા, કૈક નીતિમાન નોકરો ઝડપમાં આવી પાયમાલ થતા.

અઢાર વર્ષની બાલસખી દેવુબા અત્યારે કેવી દુર્દશામાં પડી હશે ! એ ધ્રુસકાં મૂકીને રોતી હશે. એને દિલાસો દેનાર કોણ હશે ? એના શત્રુઓ એને લૂંટી લેશે ? શું કરશે ?

એવાં વલોપાતનાં વમળો પિનાકીને જંક્શનની સડક ઉપર અહીંતહીં હડસેલતાં રહ્યાં. એમ કરતાં કરતાં એનું મનપંખી પાંખો ફફડાવીને વિક્રમપુરના આભ-કેડે ઊડવા માંડ્યું.

ત્રણ જ કલાક પછી વિક્રમપુરના દરબારગઢને ઓરડે ઓડે પ્રાંત-સાહેબનું ટાલિયું માથું નીચું વળીવળી દાખલ થતું હતું. કડીઓ લગાવવા માટેની દીવાની કાકડી અને લાખનો ટુકડો પેટીએ પેટીએ ભમતાં હતાં. દસ વર્ષના એકના એક વારસદાર કુંવરને ચોકીપહેરામાં સાચવીને જૂનાં રાજમાતા ચૂપચાપ બેઠાં હતાં. એને ટિલાવી તો લીધો હતો સવારમાં જ. એને શા માટે ટિલાવવામાં આવ્યો, તે વાંધો ઉઠાવીને ગોરો અધિકારી ધમપછાડા કરી રહ્યો હતો. કુંવરના મામાએ ઠંડા કલેજે જવાબ વાળ્યો હતો કે પ્રથમ ગાદી-વારસને ટિલાવવો પડે; પછી જ મરહૂમ રાજવીની નનામી કાઢી શકાય.

ટિલાવેલ કુંવર બનાવટી છે, રાણીના પેટનો નથી, એવી ખટપટની ફૂંકો પ્રાંત-સાહેબને જમણે કાને ફૂંકાતી ગઈ. તેની બીજી બાજુ ડાબા કાનમાં બીજી વાત રજૂ કરવામાં આવી કે નવાં રાણી દેવુબાને બે મહિના ચડેલ છે. એ આખી વાત જ મોટુ ંતૂત છે તેવા પણ અવાજો આવી પહોંચ્યા. ભાતભાતની ભંભેરણીઓ વચ્ચે ગોરો ભવાં ખેંચતો બેઠો હતો. કડી જડેલા જામદારખાનાને ખોલાવીને પછી તેની તમામ સામગ્રીની નોંધ ગોરો લેવરાવવા લાગ્યો. દરેક પેટીનાં નંગ-દાગીના ગણાવા લાગ્યાં. એમાં એક પેટી જરા છેટેરી, એક કમાડની ઓથે પડી હતી, કોઈકે સાહેબનું ધ્યાન ખેંચ્યું. સાહેબે જામદારખાનના મુખ્ય અમલદારની સામે સૂચક દૃષ્ટિ કરી. એ અધિકારી પોતે જ હજુ તો વિસ્મયની લાગણીમાંથી મોકળો થાય તે પૂર્વે સાહેબે એને ત્યાં ને ત્યાં હુકમ ફરમાવ્યો : “નિકલ જાવ.”

સાહેબનો છાકો બેસી ગયો. પહેલા દરજ્જાનો અધિકારી ચોર ગણાઈ બરતરફ થયો. એ અમલદારની લાંબી, ટાઈપ કરેલી, ખુલાસાવાર અરજીને સાહેબે ફગાવી દીધી. એને રૂબરૂ અરજે આવવા પણ રજા ન આપી. સાહેબનો એક મહાન હેતુ સધાઈ ગયો ! પોતાના નામનો છાકો બેસી ગયો : એ છાકો બેસાર્યાથી રાજવહીવટની અરધી શિથિલતા આપોઆપ ઓછી થઈ ગઈ.

ધાસ બેસારવી, જતાં વેંત થરથરાટી ફેલાવી દેવી, એકાદ કિસ્સામાં દારુણ અન્યાય થતો હોય તો તેને ભોગે પણ કડપ બેસારી દેવો - એવી એકાદ ચાવીએ જ અનેક અંગ્રેજ અફસરોને કાબેલ કહેવરાવ્યા છે. ટાલિયા પ્રાંત-સાહેબને પણ એ ચાવી હાથ આવી ગઈ. વળતા જ દિવસથી એણે રાજના સહકારી વહીવટકર્તા તરીકેનો ચાર્જ સંભાળી લીધો, અને તેલ પૂરેલાં પૈડાંની પેઠે રાજના નોકરો કામ કરવા લાગી પડ્યા.

૪૦. લશ્કરી ભરતી

“હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો.”

“પણ, દીકરી, તું રાજરાણી છો. તારે એવું કર્યે જ સારાવાટ છે.”

“શી સારાવાટ ?”

“ગાંડી, છોકરો હશે તો ચાર ગામનાં ઝાળાં પણ મળશે. નીકર તને એકલીને સુખનો રોટલોય ખાવા નૈ દીયે. જાણછ ?”

“નહિ ખાવા દીયે ? શું બોલો છો આ ?”

“સાચું બોલું છું. તને કલંક લગાડીને કાઢી મેલશે.”

“એવી ગાંડી વાતો કરો મા. મને કોઈ નહીં કાઢી મૂકે. હું ક્યાં રખાત છું ! મને, ભલા ઝઈને, આ ઢોંગમાં ન ઉતારો. મારાથી ઢોંગ નહિ ચાલુ રહી શકે. ને પ્રભુએ મને દીકરો દેવાનું સરજ્યું હોત તો તો દીધો જ ન હોત ?”

એવું કહેતી એ જુવાન રજપૂતાણી દાંત કચરડીને રોતી હતી. એ વિક્રમપુરની માનેતી વિધવા રાણી દેવુબા હતી. એની આંખો પોતાના ઓરડાની ભીંતો પર ઠાંસોઠાંસ ભરેલી તસવીરોમાં રસ્તો કરતી હતી. પોતાની ને પોતાના મરહૂદ ખાવિંદની એ તરેહતરેહ ભાતની તસવીરો હતી : ઠાકોર સાહેબને ચાનો પ્યાલો પીરસતી દેવુબા : દારૂની પ્યાલી પાતી દેવુબા : ડગલાનાં બટનો બીડી દેતી દેવુબા : ચોપાટે રમતી દેવુબા : દેવુબાના નામની ગૌશાળા ઊઘડે છે : ‘દેવુબા સેનેટોરિયમ’ની ઉદ્‌ઘાટનક્રિયા થાય છે : દેવેશ્વર મહાદેવના મંદિરનું ખાતમુહૂર્ત ચાલે છે : રત્નાકરને પૂજતી દેવુબા : કન્યાઓને ઈનામો વહેંચતી દેવુબા પુરુષવેશે શિકારમાં - અપરંપાર છબીઓ : દેખી દેખીને દેવુબાએ છાતી ધડૂસી, માથાં પટક્યાં, કપાળ કૂટ્યું. ‘વહાલાજી મારા ! ઠાકોર સાહેબ !’ને યાદ કરતી એ ઝૂરવા લાગી.

એની મા એને બનાવટી દીકરો ધારણ કરાવવા આવી છે. અઢાર-વીસ વર્ષની દેવુબાને એ પ્રપંચજાળ જાળવી રાખતાં આવડવાનું નથી. પણ એનાં સગાં, એના પાસવાનો, એના ખવાસો, એના કામદારો અને રાજ્યના કૈક મુત્સદ્દીઓ-મહેતાઓ દેવુબાને પોતાની સોગઠી સમજી બેઠા હતા. તેઓની મતલબ દેવુબાને હાથે આ નાટક કરાવવાની હતી. એ નાટક ભજવવાનું જોમ દેવુબામાં રહ્યું નહોતું.

“મને રોઈ લેવાનો તો વખત આપો ! મને ચુડેલો વીંટળી વળી હોય તેમ કાં વીંટી છે તમે ?”

એવાં ધગધગતા બોલ બોલતી એ બાળા એકાંતનો વિસામો માગતી હતી. પણ રાજમહેલમાં એકાંત નથી હોતી. દેવુબાની મેડી દિવસરાત ભરપૂર રહેતી. અંગ્રેજ ઑફિસરના ફરમાનથી છેક એની દેવડી સુધી પહેરેગીરો બેઠા હતા. શોક કરવા આવનારા માણસોમાંથી પણ કોણ હેતુ છે ને કોણ શત્રુ છે તે કળાતું નહોતું. રાણી સાહેબનાં જવાહિર અને દાગીના પણ જ્યારે ગોરા હાકેમના હુકમથી ચૂંથાવા લાગ્યાં ત્યારે દેવુબાને ભાગી જવાનું દિલ થયું.

ભાગતું ભાગતું એનું હૈયાહરણું સીમાડા ઓળંગતું હતું. ઝાંઝવાનાં જળ સોંસરું ધીખતી બાફમાં બફાતું જતું હતું. એની પાછળ જાણે કે ગોરો હાકેમ શિકારી કુત્તાઓનું અને શિકારગંધીલા મામસોનું જૂથ લઈને પગેરું લેતો આવતો હતો. બોરડીનાં જાળાં અને થૂંબડા થોરની લાંબી કતાર એક પછી એક એના હૃદયવેગને રોધતી હતી. જો પોતે ગરીબ ઘરની કોઈ બ્રાહ્મણી હોત તો રંડાપો પાળવામાં પણ એને એક જાતનું સુખ સાંપડત. ભરીભરી દુનિયાના ખોળામાં એ બેસી શકત, સીમમાં જઈ ખડની ભારી લઈ આવત, છાણાંની ગાંસડી વીણી આવત, આંગણે ગાયનો ખીલો પાળત ને તુલસીનો ક્યારો રોપત, આડોશીપાડોશીનાં બાળકો રમાડીને મન ખીલે બાંધત.

પણ આ તો રાજ-રંડાપો ! એના છેડા સંકોરીને હું શી રીતે બપેસીશ ? હું હવે કોઈની રાણી નથી, કોઈની માતા નથી, કોઈની પુત્રી કે બહેન નથી : હું તો સર્વની શકદાર છું, કેદી છું, ખટપટનું કેન્દ્ર છું, ચુગલીખોરનું રમકડું છું. મારા પ્રત્યેક હલનચલનમાં કોઈક કારસ્તાનનો વહેમ પોતાના ઓળા પાડશે. મારે ઘેર કોઈ રાજકુટુંબી જન ભાણું નહિ માંડે, કેમકે એને ઝેરની બીક લાગશે. હું વ્રજપૂજા કરીશ તો કોઈ કામણટૂમણ કરતી મનાઈશ. મારું આંખ-માથું દુઃખશે તો કોઈ ગુપ્ત રોગનો સંશય ફેલાશે. ક્યાં જાઉં ? કોને ત્યાં જાઉં ? દેવુબા બહુ મૂંઝાઈ. એને પણ પિનાકી યાદ આવ્યો. બાળપણાનો એ ભાંડુ મને રાજપ્રપંચની જાળમાંથી નહિ છોડાવે ? કેમ કરીને છોડાવી શકે ? એની હજુ ઉંમર શી ? એને ગતાગમ કેટલી ? ક્યાં લઈ જઈને એ મને સંઘરે ?

ઢળતી પાંપણોનાં અધબીડ્યાં બારણાંની વચ્ચે પોતાનાં ને પિનાકીનાં અનેક સોણાં જોતીજોતી દેવુબાને દીવાલને ટેકે ઝોલું આવી ગયું.

આઠ જ દિવસમાં તો ગોરા હાકેમે વસ્તીનાં હૈયાં વશ કરી લીધાં. રાજના અધિકારીઓને પણ ગોરો પ્રિય થઈ પડ્યો. મરહૂમ ઠાકોર સાહેબના ધર્માદાઓ તમામ એણે ચાલુ રાખ્યા, નવા વધારી દીધા. નહાવાનો ઘાટ બંધાવ્યો, ઠાકોર સાહેબના નામ પર નવું સમાધિ-મંદિર બંધાવ્યું, બુલંદ કારજ કર્યું, નોકરોને રજા-પગારનાં ધોરણ કરી આપ્યાં, પોલીસની અને કારકુનોની લાઈનો બંધાવવા હુકમ કર્યો.

અને એ લોકપ્રેમના પાયા ઉપર ગોરાએ યુરોપના મહાયુદ્ધમાં મોકલવા માટે રંગરૂટો ભરતી કરવાની એક ઑફિસ ઉઘાડી. રાજના લગભગ તમામ અધિકારીઓને એણે ‘રિક્રૂટિંગ’ અફસરો બનાવી વગાર વધારી આપ્યા ને નવા વર્ષના ચાંદ-ખિતાબોની લહાણીની લાલચો આપી.

એક મહિનાની અંદર તો રાજના બેકાર પડેલા કાંટિયા વર્ણના જુવાનો, માથામાંથી ટોલા પકડાય તેમ, હાજર થવા લાગ્યા ને દેશી અમલદારો પોતાની મીઠી જબાનથી એમનાં કલેજાંને વેતરવા લાગ્યા.

“જો, સાંભળ, ઓઢા ખુમા, દેવરાજીઆ, પીથલ, હોથી, વીરમ - તમે સૌ સાંભળો. તમતમારે બેફિકર રે’જો. ઉવાં તમને કાંઈ લડવા લઈ જાવાના નથી. લડે છે તો ગોરી જ પલટણો. તમારે તો એ...ય ને લીલાલે’ર કરવાની છે.”

જુવાન વીરમે માથું ઊંચું કરીને આ ભાષણ કરનાર અમલદારની સામે સંદેહભરી મીટ માંડી.

બીજા બધા શૂન્યમાં જોતા બેઠા હતા.

“ઉવાં તમારે બીડિયું, સોપારિયું, સિગરેટું, ખાવાનાં, પીવાનાં, ને વળી દારૂના પણ ટેસ. તે ઉપરાંત -”

ઑફિસરે આમતેમ જોઈને આંખ ફાંગી કરી. પછી વીરમની પીઠ થાબડતે-થાબડતે ધીમેથી કહ્યું : “તમને ઘર સાંભરે ઈ શું સરકાર નથી સમજતી ? આ લાખમલાખ ગોરા જુવાનો શું ઠાલા મફતના લડવા આવે છે ? શું સમજ્યા ? સમજ્યો મારું કહેવું ? સૌ સમજ્યા ?”

સૌએ ઊંચે જોયું. અમલદારે સ્પષ્ટ કરીને કહ્યું : “આરબોની ને યહૂદીઓની છોકરીઓ દીઠી છે કોઈ દી જનમ ધરીને ?”

બધા રીક્રૂટોએ ડોકાં ધુણાવ્યાં.

“તયેં પછી ઈષ્ટદેવનું નામ લઈને ઝટ ચડી જાવ આગબોટમાં. આંહીં શીદ અવતાર ધૂળ મેળવો છો ?”

“તયેં તુંય હાલ ને, સા’બ, અમ ભેળો !” પેથાએ રમૂજ કરી.

“અરે ગાંડિયા ! મને વાણિયાને જો ભરતીમાં લેતા હોત તો હું શું તારા કે’વાની વાટ જોઈ બેસત ! હું તો ઘરનાં માણસોને ખબરેય ન પડવા દેત, ભૂત !”

લશ્કરી લોહીના બનેલા આ સોરઠી જુવાનોનાં મન સૂનાં હતાં. બિનરોજગારી તેમને દિવસરાત ખાઈ જતી હતી. વિક્રમપુરનો દરિયાકાંઠો જેઓની આજ સુધીની જીવનસૃષ્ટિનો છેડો હતો, તેમની સામે આગબોટ, દરિયાની અનંત છાતી પર પ્રયાણ, બગદાદ-બસરાના અદીઠ પ્રદેશો અને પેલેસ્ટાઈનની ગોરી લલનાઓ તરવરી ઊઠ્યાં. વશીકરણ પ્રબલ બન્યું. તેમાં અમલદારે મંત્ર મૂક્યો.

“આ લ્યો !” કહીને પોતાની ગાદી ઉપર એણે રૂપિયા બસો-બસોની ઢગલી કરી. “આ તમારાં બાળબચ્ચાંનો પ્રથમથી જ બંદોબસ્ત. લ્યો, હવે છે કાંઈ ?”

રૂપિયાની ઢગલી દેખ્યા પછી આ સોરઠી સિપાઈગીર જુવાનોનાં મનને આંચકા મારતી જે છેલ્લી વાત હતી તે પતી ગઈ. પોતાની પછવાડે બાલબચ્ચાંની શી વલે થાય ! એ એમની છેલ્લી વળગણ હતી. સાવજ જેવા પણ એ બાળબચ્ચાંની ફિકર સામે બકરા બની જતા.

“કે’દી ઊપડવાનું, સા’બ ?” રણવીરે પૂછ્યું.

“પરમ દિવસ.”

“ઠેક.” કહીને તેઓ ઊઠ્યા.

“ને આ લ્યો.” અધિકારીએ બીડીઓનાં મોટાં બંડલો તેમની સામે ફગાવ્યાં. “ઉપાડો જોઈએ તેટલી.”

સોરઠી જુવાનોનાં દિલ ભરચક બન્યાં. તેમને લાગ્યું કે કોઈક વાલેશ્રી અમારા ઉપર અથાક વહાલપ ઠાલવી રહેલ છે. સામે તેઓ કહેવા લાગ્યા : “હાંઉ હાંઉ; હવે બસ, સા’બ ! ઢગ્ય થઈ ગઈ !”

“લઈ જાઓ. લઈ જાઓ ઘેર. સૌને પીવા દેજો.” એમ આગ્રહ કરી કરીને અધિકારીઓએ બીડીઓ બંધાવી.

ત્રીજા દિવસે બસરાની આગબોટમાં પહોંચવા માટે જ્યારે જાલીબોટ ઊપડી ગઈ ત્યારે પચાસેક ઓરતો અને પચીસ-ત્રીસ બાળકોનું જૂથ સમુદ્રના હૈયા પર પડતા જતા રૂપાવરણા પાટા પર પોતાની આંખોને દોડાવતું મૂંગું મૂંગું ઊભું હતું.

૪૧. વટ રાખી જાણ્યું

“ભાણા,” મહીપતરામ ડોસાએ પથારીમાં પડ્યાંપડ્યાં કહ્યું : “ઘોડીને લઈ જા. દરબાર સુરેન્દ્રદેવજીને સોંપી આવ. હવે એ પશુ આપણા ઘરને ખીલે દુઃખી થશે.”

મહીપતરામના જીવનમાં આ પ્રથમ-પહેલી હાર હતી. સંસારનું ‘હુતુતુતુ’ રમતાં એણે પહેલી વાર ‘મીણ’ કહ્યું. સોરઠના છોકરા હુતુતુતુની રમતમાં સામી બાજુનો પટ ખૂંદે છે, અને ઝલાઈ ગયા પછી મરણતોલ થયે જ ‘મીણ’ કહે છે.

આજી નદી સોરઠિયાણી છે, વંકી અને વિકરાળ છે. મરદ મહીપતરામના પગ કમજોર પડ્યા પછી એક દિવસ ત્યાં ઘોડીને ધરાભર પાણીમાં ધમારતાં ધમારતાં પથ્થર પરથી લચક્યા હતા. એની છાતીન જમણા પડખામાં એક સટાકો નીકળ્યો હતો. વર્ષો પહેલાં ગોરા સાહેબ સાથે શિકારે ગયેલ ત્યારે વછોડેલી બંદૂક અક્સમાત પાછી પડી હતી : ફેફસા પર કંદો ભટકાયો હતો. એ પછડાટ ઉપર તો બેપરવા જુવાનીએ લોહીમાંના થર ઢાંક્યા કર્યા હતા. દગલબાજ દીપડાની પેઠે લપાઈ રહેલું એ દર્દ અત્યારે મહીપતરામના દેહના સ્નાયુઓ ખળભળથાં તરાપ મારી ઊઠ્યું. એનો દેહ પથારીવશ બન્યો. એણે જીવનની સાથેના જુદ્ધમાં હાર કબૂલી. પોતાનાં પ્યારાં પશુઓને ઠેકાણે પાડવાનો વિચાર એણે સૌ-પહેલો કર્યો.

સુરેન્દ્રદેવજી રાજકોટમાં હતા. મેડીએથી રેશમ ઘોડીનો અસવાર નીરખ્યો. ફૂટતી જુવાની ઘોડાની પીઠ પર જેવી રૂડી લાગી છે તેવાં રૂડાં જગત પર ઘણાં ઓછાં દૃશ્યો જડે છે.

“મારા બાપુજીએ આ ઘોડી આપને સોંપવા મોકલેલ છે.” પિનાકી વધુ કશું સમજાવી ન શક્યો.

કાઠિયાવાડની એ રસમ સુરેન્દ્રદેવજીને માલૂમ હતી. બદલી પર જતા અમલદારો પોતાનાં પશુઓ લાગતાવળગતા દરબારોને ભેટ દાખલ મોકલતા. એવી ભેટનાં મૂલ બજારભાવ કરતાં ઘણાં વધારે મળતાં. પણ મહીપતરામની એ રસમ ન હોય. એ આજ છેલ્લે પાટલે હોવો જોઈએ !

સુરેન્દ્રદેવજીએ પૂરા ચારસો રૂપિયા પિનાકીને ગજવે ઘાલ્યા. સુરેન્દ્રદેવજીના સુંવાળા પંજા નીચે પોતાની રેશમી રુંવાટી થરથરાવતી ઘોડી દરબારી તબેલામાં ચાલી અને પિનાકી હર્ષ પામતો પામતો ઘેર પહોંચ્યો.

“લ્યો આ,” કહીને એણે બાપુજીની પથારી પર નોટોની ઢગલી કરી ઉમેર્યું કે “દરબાર સાહેબ તો ઊલટાનું બહુ રાજી થયા.”

મહીપતરામ જોતા હતા કે ભાણાના મોં પર આનંદની ફાળો ચાલી રહી છે - જેવી ફાળ પાંચાળના આષાઢ-ઝરતા ડુંગરા પર પોતાની રેશમ ઘોડીના પગડા રમતા હતા એક દિન.

એ સૂતા હતા તેમાંથી કષ્ટાતા કષ્ટાતા ઊઠ્યા. પિનાકી ટેકો આપવા ગયો તે એણે ન લીધો. ઊઠીને એણે બેઠક રચી, આંખો ફાડી પૂછ્યું : “મેં તને ઘોડી વેચવા મોકલ્યો હતો ?”

પિનાકીના મોંમાંથી જવાબ તો શું છૂટવાનો હતો ? - મહીપતરામના હાથની એક અડબોત છૂટી. પિનાકીના ગાલ ઉપર લોહી ધસમસ્યુ ં- નવા ઘાસની મોકળી ચાર ચરીને ડામણ સોતા વછેરા ઊભી વાટે ધસે છે એવી રીતે.

એ અડબોતના શ્રમે મહીપતરામને ગાદલામાં પાછા પછાડ્યા. એની આંખોએ ભાગ્યે જ કદી આંસુ ભાળ્યાં હતાં. ઘણાં વર્ષો પછી પ્રથમ વાર ફક્ત એક જ રેલો એની પાંપણોના વાળ પલાળીને એના કાનને કોઈ છાની કથા સંભળાવવા ચાલ્યો ગયો. છાતી પર હાથ દબાવીને એ પડખું ફરી ગયા. રડતા પિનાકીએ એના પગોને અડકીને કહ્યું : “બાપુજી, મારી ભૂલ થઈ.”

એનો જવાબ મહીપતરામે પગના ધીરા ધક્કાથી વાળ્યો. ખાટલા પરથી ઊઠી જવાનો એ મૂંગો આદેશ હતો.

લબડેલ કાયાવાળાં મોટીબા ત્યાં આવીને ચૂપચાપ ઊભાં રહ્યાં. એણે પિનાકીને ઓરડાની બહાર લીધો.

થોડી જ વાર પછી ખડકીની બહાર એક ‘ડૉગ-કાર્ટ’ (નાની ઘોડાગાડી) રણઝણી. હાથણાં ચમરી લઈને સુરેન્દ્રદેવજીનો કોચમેન અંદર આવ્યો, કહ્યું : “દરબાર સાહેબ તબિયત જોવા આવે ?”

પિનાકીની તો પૂછવા જવાની તાકાત નહોતી. મોટીબાએ પથારી પર જઈને પૂછ્યું “દરબાર સાહેબ આવ્યા છે.”

“ભેળું કોઈ છે ?”

“ડીપોટી સુપ્રિન્ટન સાહેબ લાગે છે.”

“હાં - હાં ? મારો વાલેશરી આવ્યો છે ? મને ટાંટિયા ઢસરડતો જોવા કે ? ઊભા રહો. મારો ડગલો લાવો. મારો ફેંટો લાવો ને મારી લાકડી લાવો. મને-મને ઝટ ઝટ પૂરાં કપડાં પહેરાવો.”

કોણ જાણે ક્યાંથી શરીરમાં કાંટો આવ્યો. ગળાની હાંફણને એણે હોઠ અને દાંતની ભીંસ પછવાડે દબાવી રાખી. પૂરા પોશાકે એ ખુરસી પર ચડીને બેઠા. ઢોલિયા પર નવી ચાદર બિછાવરાવીને તે પર પરોણાનું આસન રખાવ્યું. પોતે હાથમાં ડંડો ઝાલીને બેઠા.

“કાં !” ભાદરવાના મોરલાના ભરપૂર કંઠીલા કેકારવ જેવો સુરેન્દ્રદેવજીનો ભર્યોભર્યો બોલ આલ્યો.

મહીપતરામ ખુરસી પરથી ખડા થવા ગયા. “બેઠા રો’, બેઠા રો’ હવે.” કહેતા સુરેન્દ્રદેવજી સામા દોડી ગયા, કહ્યું : “અરે વાહ ! રંગ છે ! આમાં મંદવાડ જ ક્યાં છે ? અમને નાહક આંટો થયો. કેમ શુક્લ સાહેબ !” એમ કહેતાં સુરેન્દ્રદેવજી ખાખી બ્રિચીઝ અને કાબરા હાફકોટવાળા પોતાના સાથી તરફ ફર્યા.

“આપને... તો... ઠીક... પણ... સાહેબને... તો... સાચે...સાચ આંટો થયો !” મહીપતરામ હાંફતાં હાંફતાં બોલ્યા. ને બોલતાં બોલતાં એ ડેપ્યુટી પોલીસ અધિકારી તરફ ખૂબ કતરાતા ગયા.

“મારી તો ફરજ છે ને !” પોલીસ અધિકારીએ શેરડીના ચુસાયેલા છોતા જેવો ચહેરો રાખીને કહ્યું.

પા કલાક, અરધો કલાક, કલાક સુધી સુરેન્દ્રદેવજી બેઠા. એ તો કંઈકંઈ વાતોએ ઊકળ્યા. એમને લાગતુ ંહતું કે મહીપતરામને સુવાણ થઈ રહેલ છે. એની પ્રત્યેક વાતચીતનો મુખ્ય મુદ્દો એક જ હતો કે “આ રાજનું હવે આવી બન્યું છે. શહેનશાહત તૂટવાની તૈયારી છે. એના કાળ-ઘડિયાળા વાગી રહેલ છે. એના પાપ-ભારે જ એ ડૂબશે.”

પોલીસ-ઑફિસર એ પ્રત્યેક બોલને પોતાના મનની સ્મરણપોતીમાં ટપકાવતો હતો. કાળી શાહીના અખૂટ બે ખડિયા જેવી એની આંખો હતી.

ઊઠીને પરોણા ચાલ્યા. સુરેન્દ્રદેવજીના મોંમાંથી ઘોડીના સંબંધમાં જો શબ્દસરખો પણ પડસે તો પોતાનું શું થશે તેનો મહીપતરામને મોટો ભય હતો. પણ બીજી સર્વ વાતોમાં ભખભખિયા બનનાર સુરેન્દ્રદેવે ઘોડીને વિશે ઇશારો સરખોય ન કર્યો. એણે ઊઠતાં ઊઠતાં ફક્ત એટલું જ કહ્યું કે “કોઈ પ્રકારની જુદાઈ જાણશો નહિ.”

ડૉગ-કાર્ટના ઘોડાના ડાબલા ઊપડીને થોડે દૂર ગયા પછી જ મહીપતરામનો શરીર પરનો કાબૂ વછૂટી ગયો. એ પટકાયા. તે પછી બીજે દિવસે એમનું અવસાન થયું. પણ છેલ્લી ઘડી સુધી એમણે પિનાકીની સામે ન જોયું. આઠ-દસ બ્રાહ્મણો જઈને એમને બાળી આવ્યા. એમનું લૌકિક કરવા પણ બહુ લોકો ન આવ્યા.

૪૨. ઓટા ઉપર

વિક્રમપર શહેર વધુ રળિયામણું લાગતું હતું ? તેના ઊંચા ટાવરને લીધે ? એના કનેરીબંધ, પહોળા ‘અમરુ ચોક’ને લીધે ? ચાંદની રાતોમાં ધાબે કૂટેલી અને ખારવણોના રાસડાનો ફળફળતો રસ પાયેલી એની છોબંધ અગાસીઓને લીધે ?

ના, ના; જરાક નિહાળીને જોશો તો વિક્રમપુરનું ખરેખરું રૂપ તમને એનાં મકાનોના ઊંચા ઓટલામાંથી ઊઠતું લાગશે - જે ઓટા માથે બેસીને હર પ્રભાતે ઘર-માલિકો પલોંઠીભર દાતણ કરતા હોય છે ને સૂરજ બે’ક નાડા-વા ઊંચો ચડે ત્યાં સુધી સામસામા ઓટા પરથી વકીલો-અધિકારીઓ વાતોના ફડાકા મારતા હોય છે.

એ ઓટા પરથી ઊઠવું ગમે નહિ. એ ઓટાને કશું પાથરણું પાથરવાની જરૂર નહિ. રાજના મોટા અધિકારીઓ પ્રભાતે એક બાંડિયા પહેરણભર એ ઓટા પર જેવા દમામદાર ને ડાહ્યા લાગે છે, તેવા એ કચેરીઓની ખુરસીઓ પર નથી લાગતા. એ ઓટા પર માણસ હાથી જેવાં દીપે છે. પાણીભર્યા રૂપેરી લોટાઓ એ ઓટાની વિભૂતિમાં વધારો કરે છે ને દાતણ કરનારાઓ એ ઓટા પરથી જે પૂર્ણ શાસ્ત્રીય, બુલંદસુરીલી ઊલ ઉતારે છે, તેનો જોટો તો કદાચ જગતભરમાં નહિ જડે ! છએક અરધા ગળા સુધી પેસતી ને લીલા દાતણની સુંવાળી સરખી ચીર પ્રચંડ ઊબકાના સિંહનાદો મચાવે છે. વાઘરણો ત્યાં જે દાતણ નાખવા આવે છે તે અક્કે છડીના બબ્બે જ ટુકડા કરેલાં દાતણો હોય છે. વળી એ પ્રત્યેક ઓટાની નીચે ઇતિહાસનું અક્કેક પાનું પડેલું હોય છે. પાડોશીની કે જાહેર પ્રજાની ફૂટ - અરધો ફૂટ જમીન દબાવી લેવી, એ બીના ઐતિહાસિક નથી શું ? એની લડતનાં દફ્તરો વિક્રમપુર શહેરની સુધરાઈ-ઑફિસના ઘોડાઓ પર તવારીખના થરો પર થરો ચડાવતાં આજે પણ ઊભાં હશે.

એવા એક ઐતિહાસિક ઊંચા ઓટા પર હજુ સૂર્યનું કિરણ નહોતું ઊતર્યું. ઘરધણી ત્યાં હજુ આંખો ચોળતા જ બેઠા હતા. એમની બાજુમં પાણીની લોટો, દાતણ અને મીઠાની વાડકી ગોઠવાતાં હતાં.

નજીકમાં એક પીપર હતી. પીપરના થડ પાસે ત્રણ વર્ષના નાના છોકરાને સડક પર જતો રોકતી એક જુવાન ઓરત ઊભી હતી. ઓરતનો પોશાક આહિરો-કાઠીઓની જાતનો હતો. સાથે બીજી એક ઓરત સાઠેક વર્ષની બૂઢી હતી. એના મોંમાં પીપરનું દાતણ હતું.

“આમ આવ, ગગા; જો, આપણા સા’બ બેઠા : એને સલામ ભર.” એણ કહેતી એ બૂઢી નાનકડા છોકરાના હાથને જોરાવરીથી એના કપાળ ઉપર મુકાવતી હતી.

એનો અર્થ સર્યો. દાતણ કરનારનું ધ્યાન એ તરફ ગયું. બાઈઓ બહુ પિછાનદાર હોય તે રીતે સાહેબની સામે હસી; અમલદારની પાસે ગઈ; કહ્યું : “કેમ બાપા, આણંદ-મજામાં છો ને !”

“આવો,” સાહેબે અરધીપરધી ઓળખાણ પામીને કહ્યું : “શું છે અત્યારમાં ?”

“ઈ તો ઈમ આવેલ છીએ, સા’બ, કે અમારા વીરમના હજી કેમ કાંઈ સમાચાર નથી ?”

“વીરમ કોણ ?”

“આ નઈ - તેં ફાટ ભરીભરીને બીડિયું બંધાવી’તી ને રૂપાળા ઢગલો ઢગલો રૂપિયા દીધા’તા ને ઈ પીળો દરેક પેરાવીને આગબુટમાં સડાવ્યો’તો ? મારો વીરમ નથી ઈયાદ આવતો ? શીળીના ધોબાવાળો જવાન ઈ વીરમ, લડાઈમાં મેલ્યો છે ને રાજે ?”

“મોઢે મને થોડું યાદ રહે, ડોશી ? બપોરે કચેરીએ આવજો, ને એનો નંબર તમને આપ્યો હોય ને, એ લેતા આવજો. નંબર હશે તો એનો પત્તો મળશે : નામથી પત્તો નહિ મળે.”

આ પણ એક અકળ કોયડો હતો : માણસ જેવો માણસ - જીવતોજાગતો ને બોલતોચાલતો, શીળીના ધોબાવાળો જુવાન માણસ પોતાના વીરમ એવા નામથી ન ઓળખાતાં સંખ્યાવાચક કોઈ આંકડા વડે ઓળખી શકાય, એવી તે રચના કોની હશે ? એ દુનિયા કઈ હશે ?

ડોશીને કશી ગમ ન પડી. એટલામાં તો ડોશી જોડેની એ જુવાન ઓરતે પોતાના રાતા રંગના ઓઢણાનો એક છેડો કમ્મરમાં ખોસેલ હતો તેને બહાર કાઢી તેની ગાંઠ વાળેલ હતી તે છોડવા માંડી. હાથની આંગળીઓ ન છોડી શકી એથી એણે પોતાના દાંત વડે ગાંઠ છોડી. એ છોડતી હતી ત્યારે ઓટા પર બેઠેલ અમલદારની નજર એના આગલા દાંત પર પડી. આવી ગંદી સ્ત્રીના દાંત આટલા બધા સફેદ ! આટલા ચકચકતા ! એ પણ સમસ્યા જ હતી. લીલુંછમ દાતણ નહિ પણ નીરોગી હોજરી જ દાંતને સફેદી આપનાર છે એ વાતને વીસરી રહેલ નવયુગનો અર્ધદગ્ધ બનેલો એ અમલદાર હતો.

ઓઢણાના છેડાની ચીંથરીમાંથી એક બીજી ચીંથરી નીકળી. એની અંદર મેલી એક કાગળની કટકી હતી. તેમાં સંખ્યા લખી હતી. બાઈએ કટકી ડોશીને દીધી.

“ત્યાં કચેરીમાં લાવજો, ડોશી.” અમલદારે આ બાઈના લંબાયેલા હાથને પાછો કાઢતાં કહ્યું.

“ભલે બાપા, પણ હવે તો મારા વીરમના વાવડ મળશે ને ?”

“કેમ નહિ મળે ?”

“ના, ઈ તો ઓલ્યો પેથાપરવાળો અમરો પાછો આવ્યો છે ને, એણે અમને ફડકો પડાવ્યો.”

“અમરો કોણ ?”

“ગાંડો થઈને પાછો આવેલ છે ને ? તી ગમે તેવું લવ્યા કરે છે.”

અમલદાર ચૂપ રહ્યા. ડોશીએ પૂછ્યું : “તી, હેં સા’બ, ઉવાં માણસ ગાંડા શેં થઈ જાય છે ? મારો વીરમ તો નરવ્યો હશે ને ?”

“એ બધી ખબર કચેરીમાં પડશે.”

“પણ તયેં, હેં સા’બ, આપણા દરિયામાં અંધારું કીમ કરી નાખ્યું ? હું તો અગણોતરા કાળમાં જલમી છું. ને ચાર વરસની ધાવણી હતી તેદુથી મને સાંભરે છે કે આપણા દરિયામાં કે’દી અંધારું નો’તું થયું, આપણો કંદેલિયો તો રૂડો દરિયાપીરની આંખ્યું જેવો આટલા વરસથી ઝગતો ને ઝગતો રીયો’તો. મોટા મોટા રોગચાળા આવ્યા, સાત તો કાળ પડ્યા - તોય આપણા દરિયાલાલના દીવા કે’દી નો’તો ઓલવાણા. આ વખતે જ એવડું બધું શીયું દંગલ થીયું કે દરિયે અંધારું કરવું પડ્યું ય”

“પા-પ-પા-પ” ડોશીનો નાનો પોતરો જીભના ગોટા વાળતો કાંકરો વીણતો હતો.

“આવી કઈ આફત આવી પડી છે, સા’બ ? મારા વીરમને તો કાંઈ વપત્ય નથી પડી ને ?”

“અરે ગાંડી !” અમલદારને હવે તો ખુલાસો કરવાની જરૂર પડી. “તને શી ખબર પડે ! દરિયામાં અંધારું તો આપણે એટલા સારુ કર્યું છે કે દુશ્મનોને છેતરીને સાંપટમાં લઈ લેવાય. તમે ભૂત જેવાં માણસ ! આવી વાત કોઈને અમે કરીએ નહિ : વખત છે ને દુશ્મનોને ખબર પડી જાય કે આપણે શી રમત રમીએ છીએ. ભલી થઈને આ વાત પેટમાં રાખજે. તારો વીરમ તો એ...ઈને અત્યારે અમનચમન કરતો હશે કોક આરબાણી...”

અમલદાર પૂરી વાત કરતા અટકી ગયા. એને ભાન આવ્યું કે આરબાણીઓ અને યહૂદણોની વાત સાંભળીને ધરાઈ ધાન નહિ ખાય એવી એક સ્ત્રી ત્યાં હાજર હતી.

એણે વાત બદલી : “તારા વીરમને માટે તો આંહીંથી કોથળા ને કોથળા ભરી બીડી-સોપારી મોકલાય છે; એલચી, લવિંગ ને તજ મોકલાય છે; ચાની પેટીઓ અને -”

“તો તો તમ જેવો ઈશઅવરેય નહિ. પણ જોજે હો, સા’બ; વીરમને ઉંવાં દારૂ પીવા નો દે. એને દારૂ વધુ પડતો ચડી જાય છે; ને ચડ્યા પછી આ વહુને કાંક વધુ પડતી મારે છે.”

“અરે ડોશી, વીરમ પાછો આવે ત્યારે તો તું જોજે ! એની આખી છાતી સોનાને ચાંદે મઢી હશે. ને આંહીં તો મોટા મોટા હાકેમો એને સામા લેવા જાશે. એને રાજની મોટી નોકરી આપશે. પછી તો તારો છોકરો ધૂળ નહિ ચૂંથે : બગીમાં ફરશે.”

“તો તો તારા મોંમાં સાકર, મારા બાપ !” કહેતી વેવલી ડોશી હસવા લાગી. જુવાન ઓરત સામા મકાનોની હાર પાછળ પડેલા દરિયાના કેડાવિહોણા અનંત વેરાન ઉપર મનને દોડાવવા લાગી. અને સાક્ષાત્‌ જાણે વીરમનો મેળાપ થયો હોય એવા ભાવ લઈને એ બાઈઓ પાછી વળી.

વળતાં વળતાં ડોશીએ પાછા આવીને અમલદારની ત્યાં બેઠેલી છોકરીના હાથમાં કંઈક સેરવ્યું, ને અમલદારની સામે હાથ જોડીને કહ્યું : “અમારી ભાણીબાને... તારે એમાં કંઈક કે’વું નહિ, સા’બ ! બોલે એને આ મારા વીરમના દીકરાના સમ છે.”

અને અમલદારે એ આકરા સોગંદ પાળ્યા.

૪૩. વાવાઝોડું શરૂ થાય છે

વીરમ નામના લડાઈમાં ગયેલા રંગરૂટની આ બે સગી બાઈઓ ત્યાંથી પાછી વળી. અને આંહીં ઓટાવાળા અમલદારના ઘરમાં બધાં છોકરાં વચ્ચે કજિયો મચ્યો કે ડોશીએ આપેલા અરધા રૂપિયામાં કોનો કેટલો ભાગ. અમલદાર પોતે ઓટલા પર હજામત કરાવવા બેઠા. એમના હાથનું આભલું સૂરજના કિરણોને ઝીલી લઈ, કોઈક કટારની માફક, રસ્તે જતી આવતી પનિહારીઓનાં શરીરો પર રમાડતું હતું.

“ફુઈ,” ડોશીની દીકરાવહુએ કહ્યું : “આટલે આવ્યાં છીએ ત્યારે હાલોને દરિયે નાળિયેર નાખી આવીએ.”

“હાલો, માડી; આ ગગાને પણ રતનાકરને પગે લગાડી આવીએ.”

એક દુકાનદારને હાટડે નાળિયેરનાં પાણી ખખડાવીને કાને માંડતી બંને જણીઓ ઊભી હતો. પૂરેપૂરું પાણીભર્યું શ્રીફળ હજુ જડ્યું નહોતું. પાસે ઊભેલ બાળક દુકાનદારની ટોપલીઓમાંથી આખા અડદના દાણાનો મૂઠો ભરી રહ્યો હતો. તે વખતે ત્રણ-ચાર પોલીસના સિપાઈઓ દોડતા આવ્યા, અને એ માંહેલા એકે કહ્યું : “ડોશી, નાળિયેર પછી લેજે, હાલો હાલો ઝટ બેટ જણીયું સ્ટેશને.”

“કાં, ભાઈ ? શીદ હાલીએ ?”

“હવે ત્યારે ‘કાં’ ને ‘શીદ’ કરવાનું શું કામ છે ? ત્યાં કોઈ તારી પૂજા તો થોડી જ કરવાની છે, મારી મા !” પોલીસે એના હાથમાંથી નાળિયેર મુકાવી દીધાં.

“પણ, ભાઈ,” જુવાન બાઈએ કહ્યું : “અમે અહીંના શે’રનાં નથી : ગામડેથી આવેલ છીએ.”

“એટલુંય હું તારા મોં પરથી નહિ વરતી શકતો હોઉં ?” પોલીસે જુવાન બાઈને પોતાની અક્કલની ખાતરી આપી. “માટે તો તમને તેડવા આવેલ છું.”

એમ કહીને સિપાઈએ છોકરાને ઉપાડી લીદો, એટલે પછી બંને બાઈઓ, વાછરું પાછળ ગાય જાય તેમ, ચાલી. છેટેથી તેમણે સ્ટેશન પરનો શોરબકોર દેખ્યો. ખચ્ચરગાડીના પીળા રેંકડા ત્યાં એક પછી એક આવી આવીને મુસાફરીનાં બિસ્તર વગેરે સામાન ઠાલવતા હતા. અંદર એક ટ્રેન તૈયાર ઊભી હતી.

બાઈઓ સમજી ગઈ કે આ સરકારી-દરબારી સામાન સારી રીતે ગાડીમાં મૂકવા માટે જ પોલીસ તેમને પકડી લાવતો હતો.

બીજા બે-ત્રણ માર્ગો પરથી પણ અક્કેક પોલીસ બબે, ત્રણ-ત્રણ ગામડિયાં મુસાફરોને ધકેલી ધકેલી સ્ટેશન તરફ લાવતો હતો.

દરિયાનો ખારો ત્યાંથી દેખાતો હતો. ખારામાં એક ભેંસનું મડદું પડ્યું હતું. એના ઉપર ગીધડાંના થર જામી પડ્યા હતા. વચ્ચે પેસવા માટે થોડા કાગડા અને એક-બે કૂતરાં મહેનત કરતાં હતાં.

“બેય જણીયું વાળો કછોટા અને ઉપાડો જોઈએ આ સામાન !” પોલીસ હુલાવવા ફુલાવવા લાગ્યો.

“ના, ભાઈ;” જુવાન બાઈએ કહ્યું : “મારી સાસુ નહિ ઉપાડે. એને છે દમનો રોગ. મારું છોકરું એને દઈ દીયો.”

“હા, જમાદાર;” ડોશીએ પોતાનો દમનો ઇતિહાસ કહેવાનું શરૂ કર્યું : “પરારની સાલ સુધી તો મને નખમાંય રોગ નો’તો, પણ મારા વીરમનો બાપ પાછા થયા -”

“પણ, ડોશી, દરિયાકાંઠે તો દમ મે’નત કર્યે જ મટે. હુંય વૈદું જાણું છું.” સિપાઈ જાતનો વાણંદ હતો.

“પણ અત્યારે તમારું વૈદું નથી કરવું. છોકરો મારી સાસુને દઈ દીયોને ઝટ ! લાવો, હું તમારા બે ફેરા ફગાવી દઉં.” વહુએ રકઝક કરવા માંડી.

ડોશી છોકરાને લેવા ગઈ, એટલે પોલીસ પાછો ખસી ગયો ને બોલ્યો : “છોકરો તારો નહિ મરી જાય. છાનીમાની ઉપાડવા માંડ સામાન.”

છોકરાએ આ વખતે સમજી લીધું કે પોતે કોઈક પરાયા પુરુષના હાથમાં છે. કોઈ પણ પરાયા માણસને પોતાના પર હક હોઈ શકે નહિ, એ હોય છે પ્રત્યેક બાળકની ઈશ્વરદત્ત ખુમારી. એ પછાડા મારવા લાગ્યો.

સિપાઈની ને ડોશીની રકઝક ચાલુ થઈ. તે અરસામાં તો ત્યાં ત્રણ-ચાર અમલદારો ઉપરાછાપરી આવી ગયા, ને સિપાઈને ઠપકો દઈ ગયા.

હવાલદારે કહ્યું : “હવે કેટલી વાર છે ? ગફલત કરશો ત્યાં સાહેબ આવી પહોંચશે.”

જમાદાર આવ્યા ત્યારે બૂટના ચમચમાટ બોલ્યા, ઝીણી સોટી એમની જમણી જાંઘની બ્રિચીઝ પર ‘પટ-પટ’ થઈ. એણે પોતાની ટોપીનો કાળો પટો બરાબર દાઢીની ધાર પર ઠેરવતે ઠેરવતે કહ્યું : “નોકરો કરો છો, મિસ્તર ? આંહીં છોકરાંની નિસાળ ભણાવવા આવ્યા નથી. ઝટ સામાન ઉપડાવી જાઓ.”

દરમિયાન ફોજદારની પણ ઘોડાગાડી આવી પહોંચી. છોકરો તે વખતે પોલીસની બગલમાં લગભગ ચેપાઈને લબડતો હતો, તેને એણે જમીન પર પડતો મૂક્યો. ડોશીના માથા પર એણે એક કાળી મિલિટરી ટ્રંક મૂકી. ડોશીથી એ બોજો ન ઊપડ્યો. એક બાજુ ટ્રંક પડ્યો : બીજી બાજુ ડોશી પટકાઈ ગઈ.

ફોજદારે આવીને હવાલદાર-જમાદાર બેઉને કહ્યું : “આંહીં શું હજામત કરો છો તમે ? કોઈ મજબૂત વેઠિયા નથી મળતા, તે આવા મુડદાલોને લઈ આવો છો ? વખત કયો છે તે તો સમજો ! નહિ તો રાજીનામું આપો. હમણાં કાકો આવીને ઊભો રહેશે.”

થોડાં કદમો આગળ જઈને ફોજદાર પાછા ફર્યા; તેમણે કહ્યું : “આ પ્રદર્શનને દૂર તો કરો હવે. નાહક લોકો કાં ભેળાં કરો ?”

એ પ્રદર્શન ડોશીના વેરાઈ ગયેલા શરીરનું હતુ. નાનું છોકરું ડોશીની છાતીએ ઢળી ચીસો પાડતું હતું.

રાતની મોડી ગાડીમાં આવેલ એક મુસાફર મોં ધોઈને ચાલ્યો આવતો હતો, તેણે આ મામલો જોયો. તેણે ત્યાં આવીને ડોસીના દેહ પરથી બાળકને તેડવા માંડ્યું. દરમિયાન બાળખની મા પોતાનો ફેરો નાખીને આવી.

“આ કોણે કર્યું ? કોમ રોયાએ મારી સાસુને ભોં ભેળાં કર્યાં ?” જુવાન બાઈ ત્રાડો પાડી ઊઠી : “એનાં મરે રે મરે એનાં માણસું !”

પોલીસ અમલદારો દૂર ઊભા હતા, તેમણે જોયું કે કોઈક ઉજળિયાત જુવાન આ વેઠિયાઓની મદદમાં આવી પહોંચ્યો છે : એણે પાટલૂન અને કોટ પહેરેલ છે, ને એનું બદન જોબનના ધ્વજ જેવું છે.

“એય મિસ્તર,” એક અમલદારે સ્વાભાવિક હુકમદારની ઢબે કહ્યું : “એ ડોશીને લઈ જાવ, મા’જનમાંથી કંઈક મદદ મેળવી આપો. સ્વયંસેવક છો ને?”

જવાબમાં જુવાન થોડી વાર ધગધગતી નજરે તાકી રહ્યો. ને પછી એણે બેઉ સ્ત્રીઓને કહ્યું : “ચાલો, હું તમને રાજમાં લઈ જાઉં.”

“કોણ છો તમે, મિસ્તર ?”

સોરઠનાં પોલીસખાતાં તે કાળમાં ‘મિસ્તર’ શબ્દ વાપરતાં થઈ ગયાં હતાં. એ પ્રયોગોનો લાભ પોલીસો સહેજસહાજ ઉજળિયાત જુવાનોને જ આપતા. એ પ્રયોગ કરતી વખતે પોલીસની જીભનું ટેરવું વીંછીના આંકડાની ટોચે રહેલી આગનું એકાદ ફોરું પકડતી હતી.

“માણસ છું.” સોરઠી જુવાન પણ આડોડાઈથી ઉત્તર દેતાં શીખતો હતો.

“એ તો હવે જાણ્યું અમે કે તમે જાનવર નથી : પણ તમારું નામ ?”

“પિનાકીદેવ.”

“અહીં કેને ત્યાં જાવાના છો ?”

“દેવુબા સાહેબને ત્યાં.”

પોલીસના માણસોએ એકબીજાની સામે જોયું. પછી ફોજદારે કહ્યું : “જવા દો એમને.”

“આ બાઈઓને પણ હું સાથે લઈ જાઉં છું.”

“ડોશી ભલે આવે. બીજી બાઈને તો કામ કરવા રોકવાની છે.”

“મારે મારે ગામડે પોગવું છે. બપોરે કચેરીમાં જાવું છે. મને છોડો.” જુવાન બાઈએ ગાતરી છોડી નાખીને કહ્યું.

“જાવા દીયો.” મોટા અમલદારે કોઈ ડાઘા બુલ-ડૉગ જેવો અવાજ કાઢ્યો.

“અમારી મજૂરી ?” જુવાન બાઈએ પૈસા માગ્યા.

“મજરી ?” અમલદારો હસ્યા : “તને વહેલી છોડીએ છીએ એ જ તમારી મજૂરી.”

“કેમ ? કરેલા કામની મજૂરી નહિ મળે આ બાઈઓને ?” પિનાકીએ ચકિત બનીને પૂછ્યું.

“હવે, મિસ્તર,” ફોજદારે નજીક આવીને પિનાકીનો ખભો ધુણાવ્યો : “કાંઈક સમજો તો ખરા ! આ તો લડાઈમાં જનાર રસાલાનું બધું દંગલ છે. અત્યારે કોઈએ કોઈની દયા ખાવાનો વખત નથી. તમે વધુ વાર ઊભા રહો તો તમને પણ વેઠે લેવા પડે. અમારો એકેક સિપાઈ અને એકેક અમલદાર દિવસરાત હેરાન હેરાન છે. જેનાથી રફુચક થઈ જવાય તેટલા ઊગરી ગયા. સમજો ને, મારા ભાઈ !”

“ના, ના, એમ કેમ સમજું ? આને મજૂરી ચુકાવો.”

“ભણો છો કે હજી ?” અમલદારે આંખ ફાંગી કરીને પૂછ્યું.

“હા જી.”

“વણનાથ્યો વાછડો વધુ કૂદકા મારે : ખરું ને ?”

“એ વાત પછી કરશું. આને મજૂરી ચુકાવો.”

“બસો ત્યારે આંહીં. તેજુરી ખૂલે ને, ત્યારે આપીએ !”

રકઝક થતી રહી ને થોડીક વેળા વીતી પછી પોલીસ અમલદારે પૂછ્યું : “તમે કોને મજૂરી અપાવવાની વાત કરો છો, મિસ્તર ?”

“આ બાઈઓને...” કહીને પિનાકી પાછળ જોવા ફર્યો.

- ત્યાં કોઈ નહોતું. ગામડિયણો ચૂપચાપ સરી ગઈ હતી. નવી કમબખ્તીઓનો તેઓને ડર હતો. પોતાના મદદગારને તેઓ ઓળખતી નહોતી. અજાણ્યા ફસાવનારાઓ રેલગાડીઓમાં ઘૂમતા હોય છે, અને તેમને નવી ભાષામાં ‘મુંબઈના સફેદ ઠગ’ કહેવામાં આવે છે, એટલું આ બાઈઓ જાણતી હતી. ‘મુંબઈનો સફેદ ઠગ’ એ શબ્દોમા ંધાક ભરી હતી : ગુપ્તી-લાકડીમાં તલવાર ભરી હોય છે તે પ્રકારની ધાક.

પિનાકીનું મોં ઊતરેલ ધાનનાં હાંડલા જેવું બન્યું. અમલદારે એને આશ્વાસન આપ્યું : “કાંઈ ફિકર નહિ, મિસ્તર ! એ બચાડાંઓને રાતદિવસ રહેવું જાણે કે અમારી સાથે. તમે તો આવી ચડ્યા પરોણા દાખલ. તમને રીઝવે કે અમને ? તમે જ કહો.”

રસાલો આવ્યો. બેન્ડવાજાનાં વીર-સ્વરો ધણધણ્યા. અને સ્ટેશન પર ગિરદી મચી ગઈ.

એ ગિરદીમાં પિનાકીએ ચહેરાઓ જોયા : એક જૂથ સોહામણા, દૂધમલ ચહેરાઓનું; ને બીજાં નાનાં નાનાં ઝૂમખાં કુટિલ કાળાદાવાદાર, કરડી કરચલીઓવાળાં મોઢાંનાં. એ મોઢાં હતાં રંગરૂટોના ભરતી-અમલદારોનાં. જુદાંજુદાં અનેક રાજ્યોની નોકરીઓમાં ડામીજ થઈને રાત લઈ નાસેલા જે કાળઆં કામના કરવાવાળા અમલદારો, તેઓ લડાઈના ટાણાનો લાભ લઈને સરકારને ઉંબરે પહોંચી ગયા હતા, ને ‘રિક્રૂટિંગ’ ઑફિસરોનાં ચગદાં ધારણ કરી સર્વ ગુનાઓથી પાવન થઈ ચૂક્યા હતા. એમાંના બે-ત્રણ ચહેરાઓની તો પિનાકીને અણસાર યાદ આવતી હતી. મોટાબાપુજીની નોકરી દરમિયાન બે-ત્રણ જણા એજન્સીમાંથી બરતરફ થયા હતા. અત્યારે તેઓ ગોરા ને કાળા મોટામોટા હાકેમોની જોડે હાથ મિલાવી રહ્યા છે ! ને મોટાબાપુ મારા... એને કાળ ખાઈ ગયો.

ઘોડાગાડી કરીને પિનાકી રસ્તે પડ્યો. પણ જ્યારે ગાડીવાળાએ એને જવાનું ઠેકાણું પૂછ્યું ત્યારે જ પિનાકીની આંખ ઊઘડી કે પોતે દેવુબાની દેવડી પર જઈને બિસ્તર શી રીતે ઉતારી શકવાનો હતો ? પોતે જ્યાં પરોણા બનવા જઈ રહ્યો હતો એ કાંઈ દસ વર્ષ પૂર્વેના દાનસંગકાકાની દીકરીનું ઘર થોડું હતું ? એ તો રાજમહેલ. ને રાજમહેલોને મહેમાનો ખખડાવી શકે એવી સાંકળો નથી હોતી. રાજમહેલોને આંગણાં પણ નથી હોતાં. રસોડામાં રોટલા કરતી બાને ‘મે’માન આવ્યા ! મે’માન !’ એવી વધાઈ દેનારાં જે છોકરાંઓ સાધારણ ઘરને આંગણે રમે છે, તે છોકરાં રાજમહેલોમાં રમતાં નથી. ખડકી ઉપર ઊતરનારો અજાણ્યો અતિથિ અંદરના ઉંબરા સુધી પહોંચે તેટલી વારમાં તો પોતાનું સ્થાન ઘરની ધરતી ઉપર આપોઆપ સાબિત કરી બેસે છે. રાજમહેલો આવા અતિથિભાવને ઓળખતા નથી.

“દેવુબા સાહેબને ત્યાં જવું છે, ભાઈ, તમારે ?” ગાડીવાળો નવાઈ પામ્યો : “ગાડી સામે નો’તી આવી ?”

“ઊભા રો’ ને !” પિનાકી મૂંઝવણમાં પડ્યો.

“પ્રથમ જ વાર પધારતા લાગો છો.”

પિનાકી ન બોલ્યો.

“રાજના મે’માન થવું હોય ને, ભાઈ, ત્યારે આગલે જંક્શનથી એક અરજન્ટ તાર ઠોકરડી દેવો ને બે’ક સ્ટેશન બાકી હોય ત્યાંથી સેકન્ડ ક્લાસની ટિકિટ કઢાવી લેવી, શું સમજ્યા, સાહેબ ? પછી ભલે ને આપ છ મહિના ઉતારામાં પડ્યા. રહો, કોઈ ખસ ન કહે : શું સમજ્યા, મે’રબાન ? હું તો કહું છું કે હજી પાછા જઈને આ ઈલાજ અજમાવો. પછે મને અહીં મળો ત્યારે સનકારો કરજો - કે, ના, કાંથડ, તારું કે’વું સોળેસોળ આના સાચું પડ્યું !”

ને કાંથડ ગાડીવાળો ધીરેધીરે ઘોડાગાડી આગળ લેતો લેતો એક ઝપાટે કહેવા મંડ્યો : “હમણાં જ અમારે રાજમાં એક રોનક બન્યું’તું : કોઈક ઉત્તર હિંદુસ્તાનની ફસ્ટ કીલાસ રિયાસતના પાટવી સા’બ પધાર્યા’તા. નહિ નહિ ને બે વરસ મે’માન રિયા. મરહૂમ બાપુુ ભેળાં ખાણાં ખાધાં, શિકારું કર્યાં, એ...યને, તમે જુઓ તો, સેલગાઉં કરિયું, ને દેવુબા સા’બના હાથની પણ રસોઈયું જમ્યા; ને છોકરિયુંની નિશાળ પણ ખુલ્લી મૂકી. પછે તો અમારા દોલતસંગજી સાહેબે ભોપાળું પકડ્યું : એ નામની કોઈ રિસાયસત જ ન મળે ! બનાવટી કુંવર પોપટની જેમ બધી બનાવટ કબૂલ કરી ગયા. તે પછી પણ એમને ઠેઠ વઢવાણ જંક્શન સુધી ફસ્ટ ક્લાસની ટિકિટ કઢાવીને વળાવી આવ્યા. આ એવું છે રાજનું તો !”

“હું તો વિદ્યાર્થી છું. ને મને દેવુબા સાહેબ મદદ આપે છે, તેની બાબતમાં મળવું છે.” પિનાકીએ કહ્યું.

“ત્યારે તો મળી રહ્યા. એ તો આજ સાંજની ગાડીમાં જાત્રાએ નીકળનાર છે. અત્યારે તમારો ભાવ પુછાય તો મારું નામ કાંથડ નહિ !”

“તો કોઈ ધર્મશાળામાં હાંકશો, ભાઈ !”

“હા, ખાસી વાત. બાકી, અટાણે દેવુબા સાહેબને એની જાત્રાયું ને એની હજાર જાતની જંજાળું. એમાં તમ જેવો નિશાળિયો તો સંજવારીમાં જ નીકળી જાય ને ! દેવુબા એટલે અટાણે શી બાબસ્ત !”

“શી વાત ?”

“ઈ ઠાકોર સાહેબની વેળા જુદી, ને આજની વારી જુદી ”

“કઈ રીતે જુદી ?”

“જુદી, ભાઈ, જુદી ! તમે ન સમજો. અમે પ્રથમથી જ સમજતા’તા, કે જાત્રાએ જવું જ પડશે બા સાહેબને !”

ઘોડાગાડીવાળો કાંથડ કશીક કથા કહેવા માગતો હતો. કશીક મર્મની કથા એના મનમાં સંઘરી જાણે કે સંઘરાતી નહોતી. કોઈકને પણ કહી નાખવા એ તલખતો હતો. પણ રાજસ્થાની જબાનો હંમેશા ચકર ખાઈને ચાલે છે : સીધા ચાલવાનો એને ડર હોય છે. ગાડીવાળાએ ધીરેધીરે કબૂલ કરી નાખ્યું કે દેવુબા સાહેબને દેહનું કોઈ એવું પાપ ધોવા જાત્રાએ નીકળવું પડે છે, કે જેનું બીજી કોઈ રીતે નિવારણ કરવાનું શક્ય નથી.

પિનાકીના જીવનમાં આ પહેલી છાયા પડી. એ સૂનસાન બનીને ધર્મશાળામાં ઊતરી પડ્યો. એક ખૂણામાં બિસ્તર પટક્યું. પછી બિસ્તર પર મોં દબાવીને ઘણી વાર પડ્યો રહ્યો.

૪૪. બધાં એનાં દુશ્મનો

બિસ્તરા પર પડ્યાંપડ્યાં પિનાકીની આંખો ધર્મશાળાની દીવાલ પર ચોંટેલી આરસની તક્તીઓ પર ચડી. અંદર લખ્યું હતું કે -

બાશ્રી દેવુબાના સ્વ. કુમાર બલવંતસિંહજીની યાદગીરીમાં.

લેખના એકએક અક્ષરે પલ પછી અક્કેક બાળકનું રૂપ ધર્યું. પંદર દિવસની આવરદા એ પ્રત્યેક બાળકમાં ઊછળી રહી. લીલી અને કુમાશનો નાટારંભ કરતી એ બાલમંડળી તક્તીના આરસ પર લોટપોટ થતી થતી લપસી ગઈ. અને પિનાકીની આંખો પણ એ બાળકોની ટોળીની જોડે લસરતી લસરતી નીચે ઊતરી. એ આંખોએ દીવાલ પર બીજાય લેખો ઉકેલ્યા. ઉકેલતી ઉકેલતી એ આંખો દીપડાની આંખો જેવી બની. આંખોમાંથી અગ્નિના દોરિયા ફૂટ્યા.

ધર્મશાળાની દીવાલો પરના એ લેખ, કોલસાના અક્ષરે, ઈંટના ટુકડાના અક્ષરે, બૂઠી પેન્સિલોના અક્ષરે, ચૂનાની પડતરી પર ચીરા પાડતા નર્યા કોઈ અણીદાર લોઢા-લાકડાના અક્ષરે, કાતર, સોયા અને બાવા ફકીરોની છૂરીની અણી વતી લખાયલા અક્ષરે, અનંત લાગે તેવી ભાત પાડીને ચીતરાયા હતા. ને એ ચિતરામણ ગઈ કાલની રાજરાણીની આજે મચેલી ચકચારનું ચિતરામણ હતું. લોકોએ ઇતિહાસ લખ્યો હતો. દોહરા ને સોરઠા જોડીજોડી કંડાર્યા હતા. કોઈ વિદ્વાન મુસાફરે તો વળી મુસાફરખાનાને એક કાવ્ય-પ્રસંગથી પણ શણગાર્યું હતું. એક સુંદર મોં અને એની સામે એક કદરૂપ મોં - એવાં બે સ્ત્રીનાં મોરાં ચીતરીને નીચે એક્કેક લેખ લખ્યો હતો : ‘લૂક એટ ધિસ ફેઇસ ઍન્ડ લૂક એટ ધૅટ (આ મોં નિહાળો, ને પછી પેલું મોં નિહાળો) !’

થોડી વારે ત્યાં એક માણસ આવ્યો. એના હાથમાં એક કૂચડો હતો. ડબામાં કૂચડો બોળીબોળીને એ દીવાલ પરના લોક-લેખોને ભૂંસવા લાગ્યો.

એક પોલીસ ત્યાં ચોકી કરતો હતો. તેણે ચૂનાવાળાની પાસે આવીને કહ્યું : “ભગત ! ખડી જરા ઘાટી કરવી’તી ને !આ તો એકાએક અક્ષર માલીપાથી ડોકિયું કરે છે !”

જવાબમાં -

ધોયાં ન ધોવાય,

લુયાં લુવાય નહિ;

જાળ્યાંબાળ્યાં જ જાય

પાતક તારાં, પ્રાણિયા !

- એવા આપજોડિયા સોરઠાને ચૂનો છાંટનાર પોતાના ઘંટલા જેવા ગળા વચ્ચે ભરડવા લાગ્યો.

“રંગ રે કવિ ! રંગ દુવાગીર ! તું તો ભવેશરના મેળામાં ભલભલાને ભૂ પાઈ દઈશ,” એવું કહીને પોલીસે પોતાની છાતીમાંથી ઈયળ જેવો બળખો કાઢ્યો ત્યારે ધર્મશાળાની કૂંપળદાર નાની લીંબડી ઉપર પીરોજી રંગનું એક જાંબુડા જેવડું પક્ષી હીંચકતું હીંચકતું ગાતું હતું. એનાં ગાનમાં ઝરણાનાં નીર હતાં, વાદળની નીલપ હતી.

પિનાકીએ એવું પંખી ઘણાં વર્ષો પછી જોયું, આઠ-દસ વર્ષો પહેલાં જોયું હતું - દીપડિયા વોંકળાને સામે કિનારે, બોરડીના ઝાળામાં બોર વીણવા પોતે ને દેવુભા ભમતાં હતાં ત્યારે. ભેખડગઢ થાણાની ઊંચાઈ પરથી ત્યારે સાંજની નમતી વેળાએ દસ-પંદર ગાઉ માથેથી ગિરના ડુંગરાની ધારો પર લાગતી લાંપડા ઘાસની આગ દેખાતી. એ વગડાઉ દાવાનળ રાતી-પીળી રોશની જેવો લાગતો હતો. આ સિપાઈ પી રહ્યો છે એવી કોઈક બીડીનું ઝગતું ખોખુટં જ એ ડુંગરાઉ દવનું નિમિત્ત બન્યું હશે.

અગિયારના ટકોરા વાગ્યા. ભૂખ્યો પિનાકી ગોરા રાજશાસકની ઑફિસે ગયો. શિરસ્તેદારની પાસે જઈ એણે હકીકત મૂકી કે “મને મળતી સ્કૉલરશિપ આ વખતથી ંધ થઈ છે, તો શું કારણ છે ?”

શિરસ્તેદારે એને પટાવાળાઓને બેસવાના બાંકડા પર રાહ જોવાનું કહ્યું. ને પોતે પિનાકીનં નિવેદન લઈ, કોટનાં બટન બરાબર બીડેલાં હતાં તેમ છતાં પણ ચાર વાર બટનો પર હાથ ફેરવી, ગળું સાફ કરી સાહેબની ‘ચૅમ્બર’માં ગયો. પિનાકીને કાને શબ્દો તો ન પડ્યા પણ સ્વરો અફળાયા. એ સ્વરોમાં નરમાશ તો નહોતી જ.

બહાર આવીને શિરસ્તેદારે પિનાકીને સંભળાવ્યું : “સાહેબ બહાદુર તમને મુલાકાત આપવાની તો ના પાડે છે. પણ કહે છે કે તમારે લખી આપવું પડશે.”

“શું ?”

“કે હું આજે અથવા ભવિષ્યમાં રાજ કે શહેનશાહ વિરુદ્ધની કોઈ પણ ચળવળમાં જોડાઈશ નહિ.”

“આનું કારણ ?”

“તમારા હેડ માસ્તર તરફથી રિપોર્ટ થઈ આવેલ છે કે તમે એક ભયંકર બનો તેવા વિદ્યાર્થી છો.”

“શા પરથી ?”

“રાજકોટની જ્યુબિલીમાં આંહીંનાં રાજ તરફથી જે સોનાનાં એરોપ્લેન મૂકવામાં આવેલ છે, તેને લડાઈમાં ગયેલા આપણા સિપાઈઓના લાભાર્થે પ્રદર્શન તરીકે મૂકવામાં આવેલ છે. તેની એકેક આનો ફી લઈને વિદ્યાર્થીઓને બતાવવાની તજવીજ થતી હતી ત્યારે તમે વિદ્યાર્થીઓને હેડ માસ્તરની સામે ઉશ્કેર્યા હતા.”

“પણ એમાં ઉશ્કેરવાનું શું હતું ? હેડ માસ્તર સાહેબની જ નોટિસમાં લખ્યું હતું કે જોવા જવું કે ન જવું તે મરજિયાત છે.”

“તમે વિદ્યાર્થીઓમાં એ જોવા જવા વિરુદ્ધની ચળવળ તો કરી હતી ને ?”

“ના; મેં તો કહ્યું કે હું નથી જવાનો.”

“પણ તમે છોકરાઓનાં મન ઉપર ખોટી અસર કરી તે તો ખરી વાત ને ?”

પિનાકી મૂઢ જેવો ઊભો રહ્યો. શિરસ્તેદારે કહ્યું : “બોલો, સહી કરી આપશો ?”

જવાબમાં ‘ના-હા-ના’ એવા ઉચ્ચારો, કોઈ ભૂતગલીમાં દોડ્યાં ગયેલાં નાનાં છોકરાની પેઠે, ગળાની અંદર જ દોડી ગૂંચવાઈ ગયા.

પિનાકીને દયામણું મોં કરતા આવડ્યું નહિ. એ રોષ પણ સળગાવી શક્યો નહિ. અઢાર વરસની અંદરના છોકરાઓને જે વિચિત્રતાઓ અકળાવતી, તેમાંથી પિનાકીએ પોતાનો રસ્તો ન જોયો. એ ફક્ત આટલું જ વાક્ય લાંબે ગાળે બોલી શક્યો : “ઠીક ત્યારે, હું પછી વિચાર કરીને આવીશ.”

એને હેડ માસ્તર પર દાઝ ચડી. ગોરા સાહેબ પર એણે દાંત કચકચાવ્યા. શિરસ્તેદાર પણ કેવા ઠંડાગાર કલેજે વાત કરતો હતો તે યાદ કરતાં એને ખિજવાટ આવ્યો. દેવુબાએ પોતાને રઝળાવ્યો છે, એવી જાતની ઘૃણા ઊપજી. મોટાબાપુજીને આટલો બધો મિજાજ કરીને મરી જવાની શી જરૂર હતી, એ સવાલ પણ એના દિલનો કાંટો બની ગયો. આખી દુનિયા એની દુશ્મન ભાસવા લાગી. સર્વે જાણે કે સંપ કરીને પોતાનો ભુક્કો બોલાવવા માગતા હોય એવો એને ભાસ થયો. એણે પોતાના હાથ હવામાં વીંઝઅયા. પછી તો મોં પર માખી બેસવા આવી તે પણ એને કાવતરાખોર લાગી. એને રસ્તે ચાલતાં ઠોકર લાગી તેમાં પણ એણે પોતાના પ્રત્યેનું કોઈક ઈરાદાપૂર્વકનું શત્રુકાર્ય કલ્પ્યું. માણસની - ખાસ કરીને કાચેરી વયના જુવાનની - કલ્પના જ્યારે આવે ચકડોળે ચડે છે ત્યારે એને આખું બ્રહ્માંડ પોતાની આસપાસ ચક્કર ફરતું લાગે છે.

૪૫. ઉજળિયાતોનાં રુદન

પિનાકી પ્રભાતે રાજકોટ પહોંચ્યો ત્યારે ઘરના આંગણે એક ગવલણ ઊભી હતી. એના હાથમાં ખોળનો કાળો ટુકડો અને કપાસિયાની ટોપલી હતાં. મોટીબા ખીલેથી ગાયને છોડતાં હતાં, પણ ગાય મોટીબાને છોડતી નહોતી. ઊભેલી ગવલણના ખોળ-કપાસિયા ગાયને આકર્ષી શકતા નહોતા. ગવલણ ‘ આવ ! આવ ! બા...પો ! બા...પો ! આ લે ! આ લે !’ એવા મીઠા મીઠા બોલે ગાયને બોલાવતી હતી.

“કેમ, મોટીબા ! આ શું ?” પિનાકીએ પૂછ્યું.

“ગાય વેચી નાખી આ ગવલણને, ભાણા !” મોટીબાનું બોખું મોં જાણે ડાકલી બજાવતું હતું.

“કોઈ જાતની ચિંતા ન કરજો, બા !” ગવલણે કહ્યું : “મારે ઘેર એક ગાદલા ને ખાટલા સિવાય આ ગાય સારું બધી જ વાતની જોગવાઈ છે. કોઈ વાતે તમારી ગાયને હું દુઃખી નહિ થવા દઉં.”

“એ તો હું પાછી આઠ-આઠ દા’ડે જઈને જોઈ આવીશ ને, બેટા !” મોટીબાએ પિનાકીનું મોં પડી ગયેલું જોઈ દિલાસો દીધો.

“ને તમે મારું જ દૂધ બંધાવજો ને, બા; એટલે ભાઈને દૂધ પણ ઈની ઈ જ ગા’નું ખાવું ભાવે.” ગવલણે પણ ભાણાની ઊર્મિઓ ઓળખી લીધી.

“ભલે ભલે; જાવ, માતાજી ! હવે સુખેથી જાવ !” એમ કહીને મોટીબાએ ગાયને થાબડ મારી.

પણ ગાય ન ખસી. કપાસિયાની સૂંડીમાં એણે મોઢું પણ ન નાખ્યું. આખરે ગવલણે જ્યારે એક મહિનાની નાની વાછડીને હાથમાં ઉઠાવી તેડી લીધી, ત્યારે પછી ગાય ‘ભાં-ભાં’ કરતી પછવાડે ચાલી ગઈ.

ઘરમાં બેસીને પિનાકીએ નાના બાળકની માફક રડવા માંડ્યું. એણે પોકો મૂકી. મોટાબાપુજી ગયા, એની પોતાની બા પણ ગઈ, ઘોડી ગઈ - તેમાંના કોઈ પણ પ્રસંગે એને એટલું નહોતું લાગ્યું - જેટલું આજ ગાય જતાં લાગ્યું.

“એલા, આ ભેંકડા કોણ તાણે છે ?” કરતો એક પાડોશી ખેડૂત ખંપાળી લઈને ખડકીએ ડોકાયો. એ ગાડામાં બહારના ઉકરડો ભરતો હતો. એણે મોંએ મોહરિયું બાંધી લીધું હતું. એનાં ફાટેલાં કપડાં વાંદરાંને શરીરે રૂછાં હોય છે તેના કરતાં જરી પણ વધુ રક્ષણ શરીરને આપતાં નહોતાં.

“કેમ રોવો છો, ભાઈ ? કોણ - કોઈ...” ખેડૂતને કોઈક સગુંવ હાલું મરી ગયું હોવાનો વહેમ આવ્યો, કેમકે તે સિવાયનો કોઈ જીવન-પ્રસંગ ખેડૂતને રોવા જેટલો વિસામો આપતો નથી.

“ના રે, નરસીંભાઈ,” મોટીબા પણ ભીની પાંપણે જ બોલ્યાં : “એ તો ગાય વેચી ખરી ને, તે... એમ કે ભાણાને ગાય જરા વા’લી હતી.”

“ઓય ભાણાભાઈ !” ખેડૂતને આ ઉજળિયાત આપત્તિમાં રમૂજ જ લાગી. “સગી બાયડી અને છોકરાં વેચી નાખનારાને કે’ દી જોયાં કે સાંભળ્યાં નથી લાગતાં ! રોવે જ ને !”

ભણેલા પિનાકીને આ ચીંથરેહાલ માણસની મશ્કરી લજ્જાસ્પદ લાગી. બાયડી અને છોકરાંના વેચાણની કોઈક પરીકથા સાંભળવા એના કાન ઊંચા થયા.

“શું કહો છો, નરસીંભાઈ !” મોટીબાએ વાત કઢાવવાનું બહાનું ઊભું કર્યું. એનો શોકનો કાળો સાડલો આગમાંથી સળગીને ઊભી થયેલ સ્ત્રીના શરીરની ખોળ સરખો લાગતો હતો. કણબીએ લાંબા હાથ કરીકરીને કહ્યું : “શું કહો છો શું ? આ પરમ દા’ડે જ અમારા દેવરાજિયાની બાયડીને ઉપાડીને કબાલાવાળા સંધીઓ હાલ્યા ગયા. ને મારી જ દસ વરસની છોકરીને વીરચંદ શેઠના મારી કનેના લેણા પેટે શેઠને ઘેર મારે મૂકવી પડી છે. મળવા જાઉં છું તો મોઢુંય જોવા નથી પામતો.”

“કેમ ?”

“શેઠાણી કામમાંથી માથું ઊંચું કરવા જ દીયે નહિ. મારો છોકરો માંદો હતો ત્યારેય ન મોકલી ને !” એમ કહેતાં કહેતાં નરસી પટેલે પોતાના કાંડા વતી નાકનાં પાણી લાંબે લસરકે લૂછ્યાં.

પિનાકી જોતો હતો કે આવી વાતો કરનાર માણસના કંઠમાં કોઈ વેદનાનો ઝંકાર પણ નહોતો : એ જાણે મેથી અને રીંગણાંની વાતો કરતો હતો.

“છોકરી ગજાદાર છે ?” મોટીબાએ પૂછ્યું.

“ગજાદાર તો ક્યાંથી હોય ? એની માને મૂએ ને મારી ભેંશને મૂએ આજે પાંચ વરસ થયાં. પણ દસ વરસની છોકરી ગજાદાર હોય કે ન હોય, કાંઈ નાની કહેવાય, બા ? એનો સાસરો રાડ્યેરાડ્યું દીયે છે, કે ઝટ વિવા કર ! ઝટ વિવા કર !”

“વિવા ? અત્યારથી ?”

“તયેં નહિ ? એમાં એના સાસરાનોય શું વાંક ? દસ વરસની વહુ ઘરમાં હોય તો રોટલા તો ટીપ્યા કરે ને ! વાસીંદા-બાસીંદા કરવા લાગે ને ! એની બચાડાની દૂબળી ખેડ્યમાં દસ વરસની વહુ સો રૂપિયા બચાવી દીયે ને ! પણ આંહીંથી એને વીરચંદ વાણિયો શેનો છોડે ? એને છોડાવું તો વીરચંદ લેણું વસૂલ કરવા કોરટે ધ્રોડે. દઃખ કાંઈ થોડાં છે ?”

એમ બોલીને ખેડૂત હસ્યો. પિનાકીના સ્થિર બનેલા મોં પરથી આંસુ સુકાઈને લપેડા રહ્યા હતા. વહાલી ગાયની જુદાઈ એને સતાવતી ઓછી થઈ હતી, કેમકે એણે વહાલી વહુ-દીકરીઓનાં વેચાણોની કથા સાંભળી. એવી કથાનો કહેનારો ઊલટાનો હસતો હસતો પાછો ચાલ્યો ગયો. એની વેદના ઉકરડાની ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ.

૪૬. એ બહાદુરો ક્યાં છે ?

૧૯૧૮મું વર્ષ : અગિયારમો મહિનો : અગિયારમી તારીખ : અગિયારના આંકડા પર ઘડિયાળના કાંટા ચડ્યા : અને તારનાં દોરડાં ગુંજી ઊઠ્યાં. તોપોના અગિયાર-અગિયાર ધુબાકાએ હવાને ધુણાવી મૂકી.

જગતનાં હથિયાર હેઠાં મુકાયાં. તલવારો મ્યાન બની, જીવતા હતા તે જુવાનો પડઘમોના પ્રેમ-સ્વરો જોડે તાલ પાડતાં, પગલાં દેતાં ઘેર ચાલ્યા. મૂઆ હતા તેમનાં માતાપિતાઓને ખોળે લશ્કરી ચાંદ અને ચગદાં રમ્યાં. લાખો અનામી લડવૈયાઓનાં નામ પર એક એક ખાંભો ખડો થયો હતો. એવાં ખાંભા તે દિવસે ફૂલોના હારો તળે ઢંકાયા.

યુદ્ધવિરામનો દિવસ હતો. ગામડે રમાતી નવકૂકરીઓની રમતો તે દિવસે ઊઠી ગઈ. જર્મનીનો પક્ષ તાણનારા અને કૈસરની મૂછો ઉપર મુગ્ધ બનેલા ગામડિયા ડોસાઓ તે દિવસે જાણે કશું જાણતા પણ નથી એવા ગંભીર મોઢે કામગીરીમાં ચડી ગયા; અને નાના ગામડાની નિશાળોના માસ્તરોને આવા આવા જર્મનપક્ષી નવકૂકરી રમનારાઓ વિરુદ્ધ સરકાર પર નનામા કાગળો લખવાનું કામ જડી ગયું.

સભાઓ ભરાઈ. સરકારી ઑફિસરો પ્રમુખો બન્યા. વકીલોએ વફાદારીનાં વ્યાખ્યાનો કર્યાં. ગોરા પ્રમુખોએ યુદ્ધમાં જનાર બહાદુર હિંદી જુવાનોની તારીફના હોજ પછી હોજ છૂટા મૂકી દીધા. એવી એક દબદબાદાર સભામાં એજન્ટ સાહેબ પોતે પ્રમુખ હતા. રાજા-મહારાજાઓ પૈકી પણ કેટલાકોની હાજરી હતી, અને હાઈસ્કૂલના હેડ માસ્તરે ગજગજ છાતી ફુલાવી ઉછાળા મારતે મારતે ઘોષણા કરી કે - “આપણા બંદા બહાદુરો, જે પોતાના પ્રાણ આપવા ગયા હતા તેને...”

“તેને કોઈને આંહીં હાજર તો કરો; અમારે તેમને જોવા છે.” આવો એક અવાજ સભામાંથી ઊઠ્યો. જે બાજુ દરબાર સાહેબો બેઠા હતા તે બાજુથી ઊઠેલા આ અરધો રમૂજી ને અરધો ગંભીર ઘોષ હતો.

બધા ચકળવકળ જોઈ રહ્યા. એજન્ટ સાહેબે થોડો ગભરાટ અનુભવ્યો. હેડ માસ્તરની વાણી-ધારાને જાણે કોઈક ભાડિયો ખાડો ગળી ગયો.

કોણે આ પ્રશ્ન પૂછ્યો ? પાણીમાં નાનો પથ્થર પડે ને લાખલાખ કૂંડાળાં દોરાય, એમ ‘ક્યાં છે એ બહાદુરો ?’નો ધીરો બોલ પડ્યો, ને સભાજનોનાં હૈયાંમાં ચક્રો છવાયાં- ચિંતાનાં, ધાકનાં, દિગ્મૂઢતાનાં.

હેડ માસ્તર હાંફળાં-ફાંફળાં તઈ ઊભા. એજન્ટ સાહેબે દરબારોના વડંદ તરફ ત્રાંસી આંખ નાખી. દરબારો એ ગોરાની દૃષ્ટિનાં ભાલાં ચુકાવવા પછવાડે જોઈ ગયા. કોઈ છછુંદર ત્યાં જાણે ફરતી હોય તેવો ગુસપુસ અવાજ એક મોંએથી બીજે મોંએ પેઠો : “કોણે પૂછ્યું ?”

“એ તો હું પૂછું છું.” કહેતા એક દરબાર પછવાડેની ખુરસી પરથી ઊઠ્યા.

એ સુરેન્દ્રદેવજી હતા. એમનો વેશ આગળ હતો તે કરતાં વધુ વિચિત્ર બન્યો હતો. એ વેશના ઘાટઘૂટ કાઠિયાવાડી ખેડૂતને મળતા આવતા હતા. કપડાંનું કાપડ પાણકોરું હતું- જાડું પણ ધોઈને ફૂલ જેવું કરેલું પાણકોરું હતું. વહાણને જેમ શઢ ચગાવે છે તેમ ખેડુના દેહને ચગાવનાર પવન-ફૂલતા ઘેરદાર કેડિયાને બદલે સુરેન્દ્રદેવજીએ લાંબો ડગલો પહેર્યો હતો.

“હું સાહેબ બહાદુરને વિનંતી કરું છું...” એમણે એજન્ટ સાહેબ તરફ મલકાતે મોંએ જોતાંજોતાં ચલાવ્યું : “કે-કે-કે”

આંહીં સુરેન્દ્રદેવજીનો અવાજ, બેશક, જરા થોથરાયો. એક પલ એના હાથપગ પાણીપાણી થયા. એજન્ટ સાહેબની આંખો કરતાં બીજી બે આંખો એની છાતીને જાણે કે પરોવી લેવા ધસતી હતી. એ આંખોને એણે ઓળખી લીધી. ને સુરેન્દ્રદેવજીએ એ આંખોની જ જલવાર-ધારનો ટેકો લીધો. એણે વાક્ય પૂરું કર્યું : “- કે સરકાર બહાદુર પ્રત્યેની ભક્તિ કરનાર એ સોરઠિયા દેશવીરોનાં અમને સહુને દર્શન કરાવો, જેથી અમો આંહીં બેઠેલા સહુ પાવન થઈએ.”

‘થઈએ’ શબ્દનો એ ઉચ્ચાર વીંછીને પૂંછડે વળેલા કાંટા જેવો કારમો હતો. સોરઠનાં રજવાડાંને જે વખતે મૂછનાં આંકડા સિવાય બીજો કોઈ મરોડ રહ્યો નહોતો, ત્યારે સોરઠનાં આઠ-દસ ગામડાં ખાતો આ ગામધણી અવળવાણીનો એક્કો લાગ્યો સર્વને.

તમામ દરબારોનાં મોં પર માંખો બેસી ગઈષ કેમકે એજન્ટ સાહેબ પોતે જ પ્રમુખની ખુરસી પરથી ખડા થયા, પણ જાણે કશો જ ઉત્પાત ત્યાં બન્યો નથી, સુરેન્દ્રદેવજીનો પ્રલાપ કેમ જાણે કોઈ પાગલના મોંમાંથી નીકળ્યો હોય, એવી શાંત લાપરવાઈ ધારણ કરીને એજન્ટે સભાને સમેટવાના બોલ ઉચ્ચાર્યા. એ બોલવા દરમિયાન એણે એક પણ વાર સુરેન્દ્રદેવજી બેઠા હતા તે બાજુએ નજર સરખીય ન નાખી. એણે વારંવાર પોતાની તારીફની ફૂલઝડીઓ પોતાની ડાબી બાજુએ બેઠેલા એક ગોરા પર વરસાવી. એણે કહ્યું કે “સામ્રાજ્યની સેવા કરનારા બહાદુર રાજભક્તોનો મોટામાં મોટો ફાળો તો વિક્રમપુર રાજને નામે ચડે છે, કે જે રાજ્યનું ભાગ્યવિધાન મારા આ બાહોશ સાથીના સલામત હાથોમાં સુપરત થયું છે.” વગેરે વગેરે.

એ ઉચ્ચારો નીકળતા હતા તે જ વખતે વિક્રમપુરના એ ગોરા ભાગ્યવિધાતાની આંખોનાં અગ્નિચક્ર સુરેન્દ્રદેવની આંખો જોડે અફળાતાં હતાં. એજન્ટ સાહેબની તારીફમાં વિક્રમપુરના હાકેમને રસ નહોતો રહ્યો. એ રસમાં માખી પડી હતી - સુરેન્દ્રદેવજીના પેલા પ્રશ્નની : ક્યાં છે એ બહાદુરી ?

પ્રમુખના મોંમાં હજુ તો ‘સામ્રાજ્યનાં સર્વ એકસરખાં બાળકો’ એવો સખુન રમતો હતો, એ શબ્દો પર વકીલોના ‘હીઅર હીઅર’ ઘોષ ગાજતા હતા, તાળીઓના તો હવે આંતરા જ નહોતા રહ્યા તે વખતે સભાજનોને લાગ્યું કે બહાર ચોગાનમાં કશીક ધડાપીટનો મામલો મચ્યો છે.

રીડિયા અસ્પષ્ટ હતા, તે ઘડી પછી સ્પષ્ટ બન્યા. ચાબુકોના ફડાકા સંભળાયા, ને વિચાર કરવાનોય સમય રહે તે પહેલાં તો ચોગાનમાં પગથિયાં પરથી ચસકા પડ્યા કે “ગરીબ પરવર, અમરો માથે ચાબુકો પડે ! અમારું સાંભળનાર કોઈ છે કે નહિ ? સરકાર જીવતી છે કે મરી ગઈ છે ?”

૪૭. એક જ દીવસળી ?

બીજી જ પલ - અને આખું દંગલ જ્યુબિલી બાગના કૉનોટ હૉલને દરવાજે આવી પહોંચ્યું. પોલીસના હાથમાંથી વછૂટીને પંદર-વીસ ગામડિયા હૉલની અંદર ધસારો કરતા હતા.

તમામ સભાજનો - એજન્ટ સાહેબ સુધ્ધાં - ખડાં થઈ ગયાં, અને એ ગામડિયાની કાગારોળ મચી રહી. સ્પષ્ટ અવાજો પણ સંભળાયા : “ગરીબપરવર ! અમને મોકલ્યા તે ટાણે અમારા ખોળામાં ખજૂર નાખ્યો ! ને હવે અમે પાછા આવ્યા તે ટાણે આ શું થઈ ગયું ?”

“ક્યા હય ?” કોઈ તોતિંગ ઝાડને વેરતા કરવત જેવો અવાજ કાઢતા વિક્રમપુરના ગોરા હાકેમ આગળ ધસી આવ્યા : “ક્યા, હુલ્લડ મચાના હય ? કોન હય ?”

“ગરીબપરવર !” એ વીસ માણસોનો આગેવાન ફાટેલાં ખાખી કપડાં પહેરીને ટટાર ઊભો રહ્યો. બાંયના લબડતા ચીરાને ઝુલાવતો એનો જમણો હાથ તાજી શીખેલી લશ્કરી સલામીની છટાથી લમણા પર મુકાયો, ને એણે કહ્યું : “ગરીબપરવર ! અમે તમને જ ગોતીએ છીએ. આ તે સરકારને થઈ શું ગયું ? અમને બસરે મોકલ્યા તયેં અમે સરકારના લાડકા દીકરા હતા, ને આજ પાછા ત્યાંથી અમને કોઈ ચોર-લબાડની જેમ ધકેલી શા માટે મૂક્યા ? શ્યા વાસ્તે અમારી આંહીં કોઈ સાર નથ લેતું ? આ ત્રણ-ત્રણ મહિનાનાં અમારાં પેન્શન પણ કેમ અટકીને ઊભાં છે ?”

પાગલની પેેેઠે એ બોલતો રહ્યો, ને એજન્ટ સાહેબ, દરબાર સાહેબો, અન્ય સભાસદો વગેરેને પોલીસે પાછલે બારણેથી પસાર કરી દીધા.

“અચ્ચા ! અચ્ચા ! બાબાલોગ !” ગોરો હાકેમ પ્રલાપને રૂંધતો એકલો ઊભો. “ટુમ કીડરસે આટે હો ?”

“આપણે ગામથી, સા’બ; વિક્રમપુરથી. અમને ન ઓળખ્યા ? હું વીરમ, આ ભાણો, પેથો...” બોલનાર આગેવાને ઓળખાણ કરાવવાનો પ્રયત્ન માંડ્યો.

ગોરા હાકેમે પોતાની આજુબાજુ જોયું. ડાબી બાજુ જરા દૂર સુરેન્દ્રદેવજીને ઊભેલા જોયા. પોતાના હાથ વચ્ચે સુરેન્દ્રદેવની ગરદન ચીપીને કેરીના છોતરાની માફક ફગાવી દેવાનું એને દિલ થયું. પણ એણે મિજાજને મ્યાન રાખ્યો. એણે પેલાઓને કહ્યું : “બાબાલોગ, ઉપર ચલો ! હમારે પાસ આઓ ! અપને ગામ ચલો. ઈડર ગરબડ મટ મચાવો.”

એમ કહીને એ બહાર ચાલી ગયા, ત્યારે સુરેન્દ્રદેવજીએ પેલા ચીંથરેહાલ વીસ ખાખી પોશાકધારીઓ પ્રત્યે હાથ જોડીને કહ્યું : “કાઠિયાવાડી બહાદુરો, મારે તમારાં જ દર્શન કરવાં હતાં.”

ચાલ્યા જતા ગોરાને કાને એ વાક્ય પહોંચી શકે તેટલી કાળજી તો સુરેન્દ્રદેવના કંઠે ઈરાદાપૂર્વક રાખી જ હોવી જોઈએ, કેમકે ગોરા હાકેમે એક વાર પછવાડે જોયું.

“અરે, મશ્કરી કાં કરો, બાપુ ?” વીસ જણામાંથી એક જુવાનના એ શબ્દોમાં કચવાટના સૂર હતા : “અમે જાણી લીધું છે કે હવે તો અમે કાળમુખા બની ગયા.”

“અમને ગાડીએ ને આગબોટુંમાં બેસાર્યા’તા તે દી જોવા આવવું’તું ને, ભાઈ મારા !” બીજાએ પણ મિજાજ ખોયો.

“હાલો હાલો હવે પાછા.” ત્રીજાએ પોતાની સામેના ખંડમાં સૂનકાર જોઈ કહ્યું : “આંહીં કોની પાસે - આ મૂએલા દાઢિયાળાની છબીયુંની પાસે રાવ કરો છો ?”

સહુનું ધ્યાન ગયું. સોરઠના જૂના રાજાઓની છબીઓ ત્યાં પ્રેતો જેવી ચોંટી હતી. આખું સભાગૃહ ખાલી હતું. પટાવાળો ઝાડુ કાઢતો હતો.

“ના ના, બેસો ને !” એક પહેરેગીર પોલીસે આંખના ખૂણા તીરછા કર્યા.

“તમને સહુને મોકલ્યા હોત તો ખબર પડત કે આવાં વેણ અમારાં હૈયાંમાં કેવાં ખૂંચતાં હશે.”

આગેવાનનો આટલો ઠપકો પોલીસ પર ઝડપી અસર કરી ગયો. પોલીસનું મોં ઝંખાયું.

પેલા વીસમાંથી એકે ઉમેર્યું : “તમે ને અમે - સૌ ભોળા ભોટ છીએ, સૌ ગામડિયા ! ચડાઉ ધનેડાં ! કોઈક વાંસો થાબડે ત્યાં તો કટકા થઈ જવા તૈયાર !”

“સાચું કહ્યું.” પોલીસને પોતાને વશે પણ પોરસ ચડ્યો.

“લ્યો, બીડી પીશો ?” વીસ રંગરૂટો માંયલા એકે પોતાના ખાખી સાફામાંથી એક થોકડી બીડીની કાઢીને પોલીસની સામે ધરી.

પોલીસ એ બીડી લઈ શક્યો નહિ. એણે પા જ કલાક પર આ જુવાનને દરવાજામાં દાખલ થતો રોકતાં રોકતાં પોતે ચાબુક ફટકાવ્યો હતો. ચાબુકની શેડ્ય ઓચિંતી એના ગાલ ઉપર ચોટી ગઈ હતી. જુવાન જરા ગોરાવર્ણો હતો. એવા ઊજળા ગાલ ઉપર ચાબુકની શેડ્યનો ડાઘ લીલો કીડો જાણે કે ચામડી નીચે પેસી ગયો હોય તેવો દેખાતો હતો.

“લ્યો લ્યો, પીવો પીવો; બસરાની બીડી છે.” જુવાને પોલીસને આગ્રહ કરીને બીડી આપી. પોતે જ દીવાસળી ઘસી. તેની એક જ જ્યોતમાંથી પોતે, એ પોલીસે ને બીજા ત્રણ-ચાર જણાણે બીડીઓ ચેતાવી લીધી.

પોતાના શબ્દોથી દુભાયેલા આ રંગરૂટોને છોડી સુરેન્દ્રદેવજી થોડે દૂર ગયા હતા. બગીચાની ફૂલવેલીઓ પર હાથ ફેરવતા ફેરવતા એ હજુ આ લોકોને દૂરથી નીરખતા હતા. તેમણે આ લોકોને પોલીસની જોડે એક જ દીવાસળીની જ્યોતમાંથી બીડીઓ પેટાવતા જોયા ત્યારે એનું દિલ વિચારે ચડ્યું : આ નાનું અને રોજેરોજનું દૃશ્ય શું પોતાના હૈયામાં કોઈ આગાહી સંઘરી રહ્યું હતું ? એક જ દીવાસળીએ બીડીઓ ચેતાય છે, તે શું ફક્ત બીડીઓ જ છે ? હૈયાં પણ નથી ચેતાતાં ? ઓ પેલા ખેડૂતો જ્યુબિલી જોવા નીકળ્યા. એ પણ, જુઓ, રંગરૂટોના જૂથની પાસે થંભ્યા. દીવાસળી માગી. ચલમો ચેતાવી. ચલમ એક પછી એક પંદર હાથમાં ફરી રહી છે. પ્રત્યેક મોં એ એકની એક નળીમાંથી કલેજામાં તમાકુના ધુમાડાની ફૂંકો ભરે છે. નાની એવી ચલમની ભૂંગળી આ સર્વની ઉપરછલી વિવિધતાને ભુલાવી અંદરનું એકપણું જગાવે છે. ધુમાડાની અક્કેક સટ તેમના ભેદોને ભૂંસે છે. જો જો : ચાબુક મારનારનો ચહેરો અને ચાબુકના ફટકા ઝીલનાર ચહેરો, અજાણ્યા બીજા બધા ચહેરા - સર્વ ચહેરા - પર એક જ જાતની રેખાઓ અંકાય છે; એક જ ધૂમ્રલેખા છવાય છે; એક જ લાગણીઓનું વાતાવરણ ગણાય છે. તેઓ કોણ જાણે શી વાતો કરતા હશે ! એવાં ચિંતનોની નાવ આ એકલવિહારી દરબારને ભાવિના અસીમ સાગર પર રમાડતી ગઈ. સુરેન્દ્રદેવજી દરવાજા તરફ ચાલતા થયા.

“કોણ છે આ ધોબો ?” એક રંગરૂટે પૂછ્યું. પોલીસની એને હવે બીક નહોતી રહી. “વકીલ છે ?”

“દરબાર છે.” સિપાઈએ બસરાની બીડીઓનો અણધાર્યો લહાવ પેટ ભરીભરીને લેતેલેતે કહ્યું.

“ઠેકડી કરવા આવ્યો’તો મામો !”

“ના, ના; તમે જાણતા નથી. ઊંધી ખોપરી છે. સરકારને ગાંઠતો નથી.”

“રાજા થઈને શીદ આવા ગામડિયા વેશ કાઢે છે ? માનતો કાં નથી ?”

“રાજા ને રૈયત - એવા ભેદને એ માનતો નથી. સહુને સરખા ગણે છે.”

“ગણ્યાંગણ્યાં સૌને સરખા ! મારો બેટો મખીચૂસ હશે. મૂડી ભેળી કરતો હશે. અહીંથી મૂડી જમાવીને મારા દીકરા બધા વલ્યાતે જઈ વાડિયું ને બંગલાની જમાવટ કરી રિયા છે. ભાઈના સમ ! અમને આગબોટમાં બધીય ખબરું પડી.”

“પણ આમનું એવું નથી.”

“ગરાસિયો છે ને ? એનાં ઊડાં પેટ તમે ન સમજો.” બોલનાર જુવાન પોતાને બડો અનુભવી માનતો હતો.

“લ્યો, હવે હાલોહાલો; ધાન ભેળા તો થાયેં.” એક ભૂખ્યા થયેલાએ યાદ કરાવ્યું.

“જવાય નહિ;” પોલીસે કહ્યું : “હાલો, હોટલમાં ચા પિયે.”

“પણ, ભાઈ, અમે ઝાઝા જણ છયેં.”

“જેના રામ રાજી હોય તેને જ ઝાઝા જણ હોય. હાલો.”

ખેંચીતાણીને પોલીસ આ પંદર-વીસ જણને હોટલમાં લઈ ગયો. ‘એકવીસ ડબલ કોપ’નો ઓર્ડર દીધો. પછી હજામત વિનાની પોતાની ઝીણીઝીણી વધેલી દાઢીને કાતર મનાવવા માટે પોતે વારેવારે દાઢી ઉપર હાથ નાખવા લાગ્યો.

૪૮. વિધાતાએ ફેંકેલો

“બહુ ખોટું કર્યું. આપ ઉતાવળિયા છો. આ લોકોને ઓળખતા નથી. કોના જોરે કૂદંકૂદા કરો છો ?”

આવા ઠપકા તે રાત્રિએ સુરેન્દ્રદેવજીના ઉતારાના ઉંબરામાંથી ઉપરાઉપરી શરૂ થયા.

વકીલ મિત્રો તેમ જ અમલદાર સ્નેહીઓ પગરખાં ઉતારતાં ઉતારતાં જ એમના ઉપર વાક્યોની ઝડી વરસાવવા લાગ્યા. સૌની જોડે પોલીસના નાના ઉપરી સાહેબ પણ શિખામણ દેવા આવ્યા. સહુની વતી તેમણે કહ્યું : “આપને શું એમ લાગે છે કે અમે આંહીં બેઠેલા બધા દેશાભિમાનથી પરવારી ગયેલા છીએ ?”

“પણ શું છે આટલુ બધુ ?” અનુસ્વારો વગરનાં ઉચ્ચારણોવાળું આ વાક્ય સુરેન્દ્રદેવજીના મોંના મલકાટની વચ્ચે મઢેલ કોઈ તસવીર જેવું લાગતું હતું. એમના મોંમાં હૂક્કાની રૂપેરી નળી હતી.

“બીજું તો શું ? તમે રાજદ્વારી બનવા સર્જાયેલ જ નથી.” એક વકીલે એમ કહીને એવો ભાવ મૂક્યો કે પોતાનામાં રાજનૈતિક ડહાપણ ભાવિના કોઈ મોકાની રાહ જોતું ભરાઈ બેઠું છે.

“આમાં રાજદ્વારી લાયકી-નાલાયકીની વાત ક્યાં આવી ?” સુરેન્દ્રદેવજીએ કહ્યું : “મારું તો લોહી ઊકળે છે એક જ વાત માટે કે વિધાતા મને આંહીં સોરઠમાં તેડી લાવેલ છે. તમારા લોકો અને ઇતિહાસકારો સોરઠી શૂરાતનોની વાતો લખે છે, પણ આ બહાદુરોને હાથમાં લેનાર કોઈ ક્યાં છે ?”

“તમે હાથમાં લેશો ?” પોલીસ અધિકારીએ પૂછ્યું.

“શા માટે નહિ ? જુઓ, તમારાથી કશું અજાણ્યું નથી. તમે મારે ત્યાં આવીને આડીઅવળી, ત્રાંસી નજર કરો તે કરતાં તો હું જ તમને હમેશાં મારી પ્રવૃત્તિ ખુલાસાવાર કહેતો રહ્યો છું. હજુ પણ હું તમને વીનવું છું કે ત્રાંસી નજરે તમે મને પૂરેપૂરો નહિ જોઈ શકો : મને સામોસામ નિહાળો.”

“પણ - અરે - આ -” પોલીસ-ઑફિસરે પોતાની સજ્જનતાનો પરપોટો ફૂટી જતો જોયો.

“હું તમને પ્રહારો નથી કરતો. હું તમને પણ મારો સ્નેહી ગણી, એક કાઠિયાવાડી ગણી ઠપકો આપું છું કે મને સીધી નિગાહમાં નિહાળો. જુઓ, જામનગરની સીમના રાજરક્ષિત દીપડાને બથોબથ લડી મારનાર આ વખતુભા : જુઓ, એ મારી સામે જ બેઠો છે. એને દરબારે સીમનો દીપડો મારવાના અપરાધ બદલ દંડ્યો ને કેદમાં પૂર્યો. એ અત્યારે મારી પાસે આવેલ છે ને મેં અને મારી સીમમાં ખેડૂતોના ખેતરોની ચોકી કરવા રોકેલ છે. લખી લ્યો તમારી ડાયરીમાં, એ એનો ફોટો પણ પાડવો હોય તો પાડી લ્યો.”

એ વખતુભા નામનો જુવાન એક ખૂણામાં ઊભો હતો. એના એક હાથના પંજા પર પાટો હતો. એ પંજાને દીપડો ચાવી ગયો હતો.

“શાબાશ !” પોલીસ-અધિકારીએ વખતુભાની સામે જોઈ આંકો એકાગ્ર કરી : “તું ક્યાનો છે, છોકરા ?”

“ક્યાંના છો તમે, વખતુભા ?” સુરેન્દ્રદેવજીએ પોતાના તોછડા વાક્યને વિનયવંતું કરીને ઈરાદાપૂર્વક સુધાર્યું છે, તે વસ્તુ પોલીસ-અધિકારી જોઈ શક્યા.

“સડોદરનો છું.” વખતુભાએ સુરેન્દ્રદેવજી સામે જોઈને જવાબ વાળ્યો.

“અને ઓલ્યો રઘુવીર પણ આપને ત્યાં રહીને રસ્તે ચડી ગયો, હો !” પોલીસ-અધિકારીએ પોતાની ગરુડ-દૃષ્ટિ પુરવાર કરી.

“શા માટે ન બને ? એનો પૂર્વ-ઇતિહાસ હું પૂછતો નથી. કોઈ કહે છે કે એ સરકારી જાસૂસ છે ને કોઈના પ્રમાણે એ નાસી છૂટેલો રાજદ્રોહી જન્મટીપિયો છે. મેં તો એને ગામેગામ અખાડાની જ કામગીરી સોંપી છે. મારા ખેડૂતો એક વર્ષ પૂર્વે તમારા આવતા-જતા પોલીસોની વેઠ્ય કરતાં વટાવમાં ગાળો ખાતા. તેઓ આજે બળદનાં જોતર છોડી નાખીને જવાબ આપે છે. તે મારા આ રઘુવીરના પ્રતાપે.”

“મને ખેદ એક જ વાતનો થાય છે,” પોલીસ-અધિકારી ચાલીત વાતને રેલગાડીના ડબાની માફક પાછલા પાટા પર ધકેલી નવી વાતનું વેગન મૂળ લાઈન પર ખેંચી લાવ્યા : “કે રાવસાહેબ મહીપતરામ નિરુપયોગી થઈને મૂઆ. તે જો આપના હાથમાં પડ્યા હોત તો તો પૂરાં એંશી વર્ષની આવરદા ભોગવીને જ જાત.”

“હા, ઠીક સંભાર્યું. વખતુભા, સવારે આપણે રજવાડે જતાંજતાં મહીપતરામભાઈને ખોરડે થતા જવું છે, હોં કે ! ભાણાની ખબર કાઢવી છે.”

“હા જી.”

“એ છોકરો પણ ઊંધી ખોપરીનો છે. આપ ઠેકાણે પાડશો તો પડશે.” પોલિસ-અધિકારી દિલસોજીના હોજ ઠાલવતા હતા.

“જોઈ લેવાશે.”

“આપના આખા તાલુકાને જ ‘ઊંધી ખોપરી ઍન્ડ કો.’નું નામ આપવા જેવું છે,” એક વકીલે કહ્યું.

“મહીપતરામભાઈની પાસે અમારો પેલો મોપલો સિપાઈ દસ્તગીર હતો, તેને તો પછી આપે જ રાખી લીધો છે ને ?” પોલિસ-અધિકારી જાણે કે કોઈના ખુશીખબર પૂછતા હતા.

“હા; એની પાસે હતો ખોટા સિક્કા પાડવાનો કસબ, એટલે અમને એ કામ આવી ગયો.”

“દરબારી ટંકશાળ તો શરૂ નથી કરી ને !” વકીલ-મિત્રે મર્મ કર્યો.

“પૂછો ને આ સાહેબને !” સુરેન્દ્રદેવજીએ પોલીસ-અધિકારી તરફ આંખ નોંધી. “મને નહિ હોય તેટલી જાણ મારે ત્યાંની પ્રવૃત્તિઓ વિષે એમને તો હશે જ ને ?”

“મને આપ એટલો નીચ ગણો છો ?”

“ના, કાબેલ ગણું છું. એ કાબેલિયત આજે નીચ માણસોના હાથમાં પડી છે એટલું જ હું દુઃખ પામું છું.”

“એ દુઃખનો અંત આપના આવા ઉધામાથી આવવાનો છે ?” વકીલે પૂછ્યું.

“મને તો મોટો ડર હવે પછીના મામલાનો લાગે છે.” પોલીસ-ઉપરીએ જાણીબૂઝીને એક પ્રસંગની યાદ કરાવી.

“શો મામલો ?”

“વાઈસરૉય સાહેબનો દરબાર.”

“ને ભય શાનો ?”

“વાઈસરૉયના દરબારમાં તો પધારવું પડશે જ ને !”

“હા. આવીશું.”

“કયા પોશાકમાં ?’’

“બીજા કયા વળી ? - જે પહેરું છું તે જ પોશાકમાં !”

“સાંભળો !” પોલીસ-ઉપરીએ વકીલને એવી તરેહથી કહ્યું કે પોતાને અંતરમાં ઊંડું લાગી આવે છે.

“ત્યારે શું ભવૈયાનો વેશ કાઢીને જાઉં દરબારમાં ?”

“અરે બાપુ !” વકીલે ટેબલ પર થપાટ લગાવીને કહ્યું : “રશિયાના લેનિને એના સાથીઓને હમણાં હમણાં શું કહ્યું છે, જાણો છો ?”

“શું ?”

“ઘાઘરા પહેરી જવું પડે ને, તોપણ જવું, બેલાશક જવું - જો એમ કર્યે આપણો અર્થ સરતો હોય તો !”

“હા, એ એક વાત હવે બાકી રહી છે ! વારુ ! પણ અર્થ સરતો હોય તો ને ? કયો અર્થ ?”

“આ સોરઠિયા શૂરવીરોની જમાત બાંધવાનો.” પોલિસ-ઉપરીએ કહ્યું : ‘આપનો તાલુકો હાથમાં હશે તો બધું જ કરી શકશો.”

“તાલુકો ! તાલુકો વળી હાથમાંથી ક્યાં જવાનો છે ?”

“રીતસરનો પોશાક પહેરીને દરબારમાં નહિ જાઓ તો તાલુકો જશે.”

“એમ ? એટલી બધી વાત ?”

“હા, મહેરબાન !”

“પણ હું તો એક ખેડૂત છું, કહો કે મોટો ખેડૂત છું. ખેડૂતના પોશાક ખેડૂત ન પહેરે ?”

“ઠીક, હું તો એટલું જ કહું કે પહેલેથી લખી પુછાવજો, નીકર આપને દરવાજે રોકશે.”

“વારુ ! આવવા દો નિમંત્રણ.”

“કાઠિયાવાડમાં આપ બે’ક વર્ષ પહેલા આવ્યા હોત ?”

“તો ?”

“તો ચારેક બહાદુરોની બૂરી વલે થતી રોકી શકાત.”

“કોણ ચાર ?”

“આજે તો એમાંનું કોઈ હાથ આવે તેમ નથી. એક રૂખડ વાણિયો, બીજો સુમારિયો, ત્રીજો લખમણ પટગર, ને ચોથી રૂખડ શેઠની બાયડી.”

“એ બાઈ તો જન્મટીપમાં છે ને ?”

“હા - એટલે કે જીવતે મુરદું.”

“જોઈશું.” કહીને સુરેન્દ્રદેવજીએ કોઈક અંતરીક્ષમાં ગુણાકાર-ભાગાકાર કરનાર જ્યોતિષીના જેવો ચહેરો ધારણ કર્યો. એ ચહેરા ઉપર અંકાતી ને ભૂંસાતી એકેક રેખામાં પોલીસ-અધિકારી કશુંક પગેરું લેતો હતો.

“મને બતાવ્યા પહેલાં કોઈ પણ જવાબ નથી લખી નાખવાનો, હો કે ! સાફ કહી રાખું છું.” વકીલ-મિત્રે ઊઠતાં ઊઠતાં સુરેન્દ્રદેવજીનો હાથ ઝાલ્યો.

“ને હું પણ ઉપયોગનો લાગું તો મને બેલાશક બોલાવજો, બાપુ.” પોલીસ-અધિકારીએ લશ્કરી સલામ કરી.

“હવે એ પંચાત અત્યારથી શી કરવી ? થશે જે થવું હશે તે !” કહીને સુરેન્દ્રદેવજીએ સ્નેહીઓને વિદાય આપી. એક ઢોલિયા પર ફક્ત ધડકી બિછાવીને જ સૂઈ જવાની ટેવ હતી તે પ્રમાણે એ સૂઈ ગયા. નાના બાળક જેવા એ પુરુષનાં પોપચાં પર નીંદર એક જ મિનિટમાં તો પોતાનાં સસલાં ચરાવવા લાગી.

૪૯. નવો ખેડુ

ત્રીજી-ચોથી વારકી વિંયાતલ કોઈ આહિરાણી જેવી હાલારી નદી પહોળાવેલ દેહે પડી હતી. પાએક ગાઉના ઘેરાવમાં એનાં વાંસજાળ પાણી, કોઈ હઠીલા ઘરધણીને ઘેર અસૂરું રોકાણ પામેલા પરોણલાઓની માફક મૂંગાં બનીને ઊભાં હતાં. ખોરડા-ખોરડા જેવડા જંગી કાળમીંઢોના બિહામણા ગદેડાની વચ્ચે ભૂલાં પડીને એકબીજાને ગોતતાં છોકરાં જેવાં હાલારીનાં પાણીનું અહીં જાણે કોઈ ધણ ઘોળાતું હતું.

ઓતરાદી હેઠવાશે એક ઊંચો પથ્થર-બંધ ઉગમણી-આથમણી ચોકી બાંધીને પડ્યો હતો. બંધની ટોતને ઓળંગી હાલારીનાં પાણી ધોળાં ઘેટાં ઠેકી પડે એમ ઠેકતાં હતાં. ફરી પાછા કાળમીંઢોની મૂંગી ભેરવ-સેના વચ્ચે બીતાં બીતાં એ નીર દરિયા ભણી ધાતાં હતાં.

ભૂતિયા કાળમીંઢોને જોતો ઊભેલો બંધ, કોઈ પહાડની જાંઘ જેવો, આ ભાગતાં પાણીને ભાળીભાળી અઘોર હાકોટા પાડતો : ‘જાવ મા, જાવ મા, તમારી મા મારે ઘેર મહેમાન છે.’

બંધની વાણી વગરની એક ટોચ ઉપર એક આદમી ઊભો હતો. એનો પોશાક શિકારી જેવો, રંગે ખાખી, હતો. એના માથા પર વાણિયાશાહી આંટી પાડેલ પાઘડી હતી. ઊંચા એના બૂટ હતા. ખભે એને બે-જોટાળી બંદૂક હતી. હજુ તો પરોઢ હતું. ફાટતી પ્હો એની વિગતવાર આકૃતિને રજૂ કરી શકે તેટલી જોરાવર ન હતી. કોઈ ચિતારાએ આંકેલી છાયા-છબી જેવો માનવી ઊભો હતો.

એ માનવીના ડાબા હાથની બાજુ ત્રણેક ગાઉનો લીલુડો ને ઘટાદાર ઘેરાવ પથરાયો હતો. પાંચાળની આછી-પાંખી ડુંગરિયાળ ભોં ચોપાસ થોડાં થોડાં જુવાર-બાજરાનાં લીલાં બાટાંને છુપાવતી હતી - જાણે કોઈ સમૃદ્ધિમાંથી સંકટમાં આવી પડેલી સ્ત્રી પોતાના સાડલાની ચીરાડો ઢાંકતી હતી; ત્યારે ત્રણેક ગાઉનો આ એક જ ભોંય-ટુકડો વહેવારિયા વેપારી સમો સજીવન ઊભો હતો.

થોડીવાર થઈ. પરોઢનાં અજવાળાં સતેજ થયાં. ને ઊંચે ઊભેલા આદમીની બંદૂક ખભેથી ઊતરી છાતીસરસી ઠેરવાઈ ગઈ. પાણીમાં પડતા પથ્થરને જોરે જેમ હજારો કૂંડાળાં દોરાય તેમ એના ગોળીબારથી વગડાની હવામાં ચક્કરો પડી ગયાં. પંખીઓની કિકિયારી ઊઠી, અને શેરડીના વાઢની કાંટાળા તારથી કરેલી વાડ્યની પાસે પહોંચે તે પહેલાં તો બીજી ગોળી પાળા પર ઊભેલ પુરુષની બંદૂકમાંથી છૂટી. સૂવરડો પોતાના જખમને રૂઝવનાર પાણીથી અનંત યોજનને અંતરે રહી ગયો.

પાળા પરથી એ માનવીએ બંદૂકભેર દોટ દીધી. શેરડીના વાઢ પછવાડેની થોરની વાડેવાડે એણે હડી મૂકી. એની મોખરે એક શાહુડી નાસતી હતી.

“હો-હો-હો-” એવી એક કારમી ડણક આ બંદૂકધારી માનવીના ગળામાંથી ગડૂદિયાના ગડડાટની પેઠે વછૂટી. દોડતી શાહુડીને એ અવાજે હેબતાવી નાખી; કોઈક મોટું કટક જાણે પોતાની ચોગરદમ ફરી વળ્યું છે. હેબતાઈને પશુ ઊભું રહ્યું. પછવાડે ફર્યું. એના અણીદાર પિછોળિયાં ઊભાં થઈ ગયાં. ‘સમમમમ્‌’ એવા સ્વરો એ પિછોળિયાના રોમાંચમાંથી ભેદાઈ ઊઠ્યા. સહસ્ર-સહસ્ર તીણાં તાતાં તીરની બાંધેલી કોઈ ભારી જેવી શાહુડી પોતાની પીળીપીળી આંખોના ડાકણ્યા ડોળાને ઘુમાવતી ને લાલલાલ મોઢાના દાંત કચકચાવતી જ્યારે સામી મંડાઈ ત્યારે ભલભલા શિકારીઓનાં રોમેરોમે સ્વેદ બાઝી જાય તેવો એ મુકાબલો બન્યો.

બન્ને ભડાકાને ખાલી કરી નાખનાર એ શિકારીની પાસે નવો કારતૂસ ભરવાનો વખત નહોતો. એણે સામી દોટ દઈ. બંદૂકને નાળીથી ઝાલી શાહુડીના ડાચા ઉપર કંદેકંદે પ્રહાર કરી ત્યાં ને ત્યાં એને પીટી નાખી.

મૂએલાં બેઉ જાનવરો તરફ તુચ્છકારભરી આંખ નાખીને બંદૂકધારી ફરી પાછો નદીના પાળા પર ચડ્યો. ભરવાડો ડાંગ ટેકવે છે તે રીતે એણે ગરદન પર બંદૂક ટેકવી. ટેકવ્યા પૂર્વે એણે બંદૂક ભરી લીધી હતી. કારતૂસનો પટો એના જમણાખભા પરથી છાતી પર પથરાયો હતો.

સાણસામાં માણસ જેમ સાપ પકડે તેમ એની નજર ચોમેરના સીમાડાઓને પકડતી હતી.

‘કુત્તો બાડિયો દાતરડીવાળો ને !’ એ પોતાની જાણે જ બડબડ્યો. ‘એક વાર આંહીં પાણી પીવા આવે તો ખબર પાડું કુત્તાને, કે હું બીજાઓની જેમ વેઠિયો નથી : હું ઊભડ પણ નથી : હું તો છું ખેડૂત : ધરતીનાં આંતરડાં ખેંચીને પાક લઉં છું હું.’

પોતાના બેઉ પંજાઓનાં દસેય આંગળાં પર દૃષ્ટિ કરીને એ બબડ્યો : ‘વાણિયાઈના રંગનો ક્યાંય છાંટોય ન રહ્યો.’

પછી એણે નજર વિસ્તારી : પાળાના પડછંદ બાંધકામ ઉપર, સરોવર-શા ઝીલતા નદી-પટ ઉપર, અને તેનીયે ઉપરવાસ કાળમીંઢોના ગદેડા સોંસરી ચાલી આવતી હાલારી નદીની વાંકીચૂંકી નીક ઉપર.

વળાંક લઈને એ નજરે પોતાની સીમને માથે પાંખો પસારી : આંબાનું એક હજાર થડવાળું આંબેરણ : પચાસ વીઘામાં હેલે ચડેલો શેરડીનો વાઢ : ભાજીપાલાના ભોંપાથર્યા વેલા : અને ફૂળફૂલના માંડવા - જ્યાં પોતાની દસ આંગળીઓએ કેટકેટલી કલમોનાં આંતરલગ્નો ઊજવી સોરઠભરમાં ક્યાંય ન જડે તેવાં નવીન રસ-સુગંધનાં તેમ જ ઘાટઘાટનાં ફળોની સુવાવડ કરાવી હતી.

નદીની એક બાજુ આવી વસુંધરા, ને સામે કાંઠે એવાં જ સજીવન કૂવા-વાડીઓ. બંદૂકધારીએ નિહાળીને વાડીઓના ઊંચા વડપીપળા પર મીટ માંડી. એ હસ્યો, ને બબડ્યો : “આ વાડિયુંના માલિકો મને મારવા આવનાર ! ‘બચાડું વાણિયું શું અમાર નદી-કાંઠે ખેડ કરશે ?’ એમ ડાઢીને મારા પાળાનું ચણતરકામ ચૂંથનારા - મારાં હાથ-હાથ-વા લાંબાં મરચાંની મરચિયું ગૂડી જનારા : આજ કેવી લીલાલહેર થઈ ગઈ છે એને ! પાળો મેં બાંધ્યો, પણ મારા સંઘરેલાં પાણીએ નવાણ તો એમનાંય સજીવન કર્યાં. હવે પૂજે છે મને ! મારી તાકાત હોત, ને આ રજવાડાંના ઘોલકાંઘોલકીને ભાંગીકરી મારા રાવળજી બાપુ જેવા એકને જ ઘેર આખી સોરઠ ધરા પધરાવી શકત, તો તો કાઠિયાવાડની કુલ-ઝપટ નદીયુંને નાથી લઈ કુત્તા ખારા-ધુધવા દરિયાને ડાચેથી તો આ બધાં પાણીને પાછાં વાળી લેતા.”

એની નજરમાં આખી ધરા તરવરતી થઈ. એ બબડતો રહ્યો : ‘ભાલ બાપડો ! ભાલ શા માટે પાણી વગરનો સળગે ? રાંકાં એનાં માનવીઓ ધર્માદાના લોટકા પી-પી જીવે ? હેઠ, નામર્દ કાઠિયાવાડ ! ડુંગરે ડુંગરનાં પાણી ન સંઘરાવી લેત હું !’

સૂર્ય ચડતો હતો. એનો જમણો ગાલ વધુ ને વધુ કાળપ ઘૂંટતો હતો. એણે બંદૂકનો પટો ગળામાં નાખ્યો. એ બબડ્યો : ‘આ મારી જનોઈ !’

પાળા ઉપર થઈને એ નદીની ઉપરવાસ ચાલ્યો, આંખો પર હાથની છાજલી કરીને જોયું : ‘કોની ઘોડાગાડી તબકે છે ? મામા તો નહિ હોય ? આવીને વળી પાછા પરડ હાંકશે - જીવ-હત્યાની ને છકાયના જીવની, અઢાર પાપસ્થાનાંની ને પજોસણની, મોટી પાંચમનું પડકમણું કરવા રાજકોટ આવવાની !’

જમણી બાજુ કંઈક સંચાર થયો. બંદૂકધારીએ ગળેથી પટો કાઢીને ક્યારે બંદૂક હાથમાં લીધી, ક્યારે તાકી, ક્યારે ભડાકો કર્યો ને કયું પ્રાણી ઢળી પડ્યું તેની વખત-વહેંચણી કરવી દોહ્યલી હતી. એણે ફક્ત પોતાના ફલ-બાગની બહાર પટકાઈ પડેલ કાળિયારને એટલું જ કહ્યું : ‘કાં, જાને મારાં મીઠાં મરચાં અને મારી દરાખ ચરવા ! રોજ હળ્યો’તો ! બાપે વાવી મૂક્યું હશે !’

બંદૂકની નાળ વતી એ તોતિંગ કાલિયારના મડદાને ખાડામાં રોડવતો-રોડવતો એ શિકારી હસ્યો : ‘ગોળીબાર સાંભળતાં સાંભળતાં મામા મારાં પાપનું પોટલું નજરોનજર જોતા હશે. મારો ઉદ્ધાર કરવા માટે કોઈ સાધુ-મુનિ મહારાજને અહીં લઈ આવશે તો ભોગ મળી જશે મારી ખેતીના !’

કાળિયારના શબ ઉપર થોડો વખત માટી વાળી દેવાની એને જરૂર લાગી. ‘મામાને ખાવું નહિ ભાવે - જો આ નજરે ચડશે તો’, એમ બબડતો બંદૂકધારી મહેમાનની ગાડીની સામે ચાલ્યો.

“એ... જવાર છે, શેઠિયા, જવાર !” દૂર ઘોડાગાડીમાંથી કોઈ ગોવાળ અથવા ખેડુના જેવો રણકાર સંભળાયો.

‘મામા ન જ હોય.’ વિચારીને બંદૂકધારીએ સામા ‘જુવાર’નો ટહુકો દીધો. ‘આ તો દરબાર સુરેન્દ્રદેવજી,’ શિકારીને મહેમાન ઓળખાયો. ‘વાહ ! સોનાનો સૂરજ ઊગ્યો.’

શિકારીએ સામે દોટ દીધી દોડતો એ પુરુષ બાળક જેવો લાગ્યો.

“આપ આંહીં ક્યાંથી, મારા બાપા ! નૈ આ પોશાક !...” એમ બોલતો બંદૂકધારી સુરેન્દ્રદેવજીને બાથમાં ભીંસીને મળ્યો, ને પછી હસતે મોંએ દરબારના દીદાર જોઈ રહ્યો.

“છેલ્લી વારકીનો તમારો ગોળ ચાખવા.”

“ગોળ ને ! હા, હવે તમને કાળો કીટોડો નહિ પીરસું, બાપુ ! હવે તો આખા કાઠિયાવાડને મોંએ સોના જેવા ભીલાં પોગાડીશ; હવે હું જીતી ગયો છું.”

“ને ચીકુડીના શા હાલ છે ?”

“ચીકુડીઓને તો સાસરું ગોઠી ગયું હવે. હાલોહાલો, એનાં બચ્ચાં દેખાડું.”

મહેમાનના હાથ ઝાલીને બંદૂકધારી પોતાની વાડી તરફ ચાલ્યો. સુરેન્દ્રદેવજીએ પોતાની જોડના જુવાનને કહ્યું : “ચાલ, ભાણા.”

“કોણ છે ?” બંદૂકધારીનું ધ્યાન પડ્યું.

“મારો ભાણિયો છે : મહીપતરામભાઈનો પોતરો. તમને સુપરત કરવા લાવ્ય છું.”

“અરે માબાપ, એ હં માનું જ કેમ ? કાઠિયાવાડનો જુવાન તો મુંબઈ-અમદાવાદની કૉલેજોના ઝરૂખે જ શોભે.”

ંબંદૂકધારીએ એમ કહેતાં કહેતાં પિનાકીના દેહ પર પગથી માથા સુધી નજર કરી. એની આંખોમાં તિરસ્કાર નહોતો.

પિનાકીનું દિલ છૂપુંછૂપું આ બંદૂકધારીની સૂરતને કોઈક બીજી એક આકૃતિ જોડે મેળવવા લાગી પડ્યું. કોની આકૃતિ ! હૈયે છે પણ હોઠે નથી. કોણ... રૂખડ મામાની આકૃતિ તો નહિ ? હાં હાં, એની જોડે મળે છે. આ વાણિયો ! આ નગરશેઠનો પુત્ર ! સોરઠની આ ઓલાદમાં કુદરતે શું લોઢાનો રસ રેડ્યો હશે !

૫૦. એક વિદ્યાપીઠ

રાજ-સામૈયામાં ચાલતો કો’ ચપળ રેવતની જેમ એ કદાવર બંદૂકધારી ઘડીવાર પોતાની જમણી બાજુ સુરેન્દ્રદેવજીને, તો ઘડીવાર પોતાની ડાબી બાજુ જરાક પાછળ ચાલ્યા આવતા પિનાકીને પોતાની વંકી નજરમાં લેતો.

“આપે તો સંચોડો જનમ-પલટો કરી નાખ્યો, બાપા !” બંદૂકધારીએ તાજા તલના તેલ-શી ઝલકતી આંખે સુરેન્દ્રદેવજીના દીદાર ફરીફરી નિહાળ્યા.

“છેલ્લો મને ક્યારે દીઠેલો, શેઠ ?” સુરેન્દ્રદેવજીએ શરમાતે પૂછ્યું.

“રાજકોટની નાટકશાળામાં રાજસિંહનો ખેલ હતો. તમે તે રાતે, બાપા, રાણીપાઠ કરનાર છોકરાને પોશાકનું ઈનામ આપેલું : યાદ છે ?”

“બહુ વહેલાંની વાત !”

“સાત સાલ પહેલાંની વાત. આપનો લેબાસ પણ તે દી તો...” બંદૂકધારીએ જોયું કે સુરેન્દ્રદેવજીને આ સ્મરણો ગમતાં નહોતાં. એટલે એણે વાત પડતી મૂકીને કહ્યું : “જાણે વાસુકિએ કાંચળી ઉતારી નાખી.”

“બસ ?” સુરેન્દ્રદેવજી હસ્યા : “અંદરખાને તો સાપનો સાપ જ રહ્યો છું ને ?”

“સાપ તો હજો આપના શત્રુઓના. હું તો વગડાનો વાસી છું. સાપ જોડે ભમું છું. વાદીના મૂઠને ન માને એવા વિષધર મને ગમે છે.”

“મૂઠ તો પડી ચૂકી છે, શેઠ !” સુરેન્દ્રદેવજીએ કહ્યું.

“હા. આંહીં બધીય વાતું મારે કાને પડે છે. જાણું છું.”

“માટે જ કહ્યું ને મેં કે છેલ્લી વારકો શેઠની શેરડીનો સ્વાદ લેવા આવેલ છું.” કહેતાં કહેતાં સુરેન્દ્રદેવજીની લાલચટક મુખમુદ્રા ઉપર વાદળીઓ ભમવા માંડી.

“શા માટે બલિદાનના બકરા બનો છો ?”

“શું કરું ? કાળી ટીલી કરાવું તો જ સોરઠમાં જીવી શકાય તેવું છે.”

“ના, બાપા !” ‘ટીલી’ શબ્દ સાંભળતાની વાર જ બંદૂકધારીની મીટ મહેમાનના લલાટ પરના નાજુક લાલચટક ચાંદલા પર લાગી. આવેશમાં આવીને એ બોલી ઊઠ્યો : “વાહ ! લલાટની એ લાલ ટીલડી તો નથી જ ગઈ ને શું ! જેવા ચેલછબીલા જોયા’તા તેવા ને તેવા આજ જોઉં છું. બે જુગના સીમાડા ઉપર આ એક લાલ ટીલી જ અનામત રહી છે, ને રે’વાની છે.”

વાડીની વૃક્ષ-ઘટા નીચે ત્રણેય જણાનાં મોં પર ઊગતા સૂર્યનાં તીરછાં કિરણો સોના-રસ રેલવતાં હતાં. વાઢમાંથી શેરડીની અને વાડીમાંથી બકાલાની, પપૈયાંની, દ્રાક્ષ, કેળા અને ચીકુ વગેરેની સુવાસ ઘૂંટી-કરીને કોઈ એક માદક મિશ્રણની પ્યાલીઓ ભરીભરી હવાની લહેરો ચાલી આવતી હતી.

“એલા, આજે ઢોલિયો ન પાથરતો.” બંદૂકધારી શેઠે બંદૂક નીચે ઉતારીને મોં ધોતે ધોતે પોતાના નોકરને કહ્યું. પથરાયેલું બિછાનું સંકેલાવા લાગ્યું.

“કેમ ? અત્યારે પથારી કોને માટે ?” સુરેન્દ્રદેવજીએ પૂછ્યું.

“મારા માટે.” શેઠે જવાબ આપ્યો : “મારું તો જાનવર જેવું જીવતર છે ને, બાપા ! સહુ સૂએ ત્યારે મારે બંદૂક ખભે ઉપાડી આખી રાત સીમ ભમવાની, ને આખું જગત જાગે ત્યારે મારે થોડી વાર જંપી લેવાનું.”

“જાનવર જેવું નહિ, મુનિવર જેવું ! આખી રાત ચોકી કરો છો ?”

“બીજો શો ઈલાજ ? નહિ તો આ મારાં બચળાંને કોણ જીવવા આપે ?” એમ કહેતાં કહેતાં બંદૂકધારી શેઠની નજર બબ્બે માથોડાં ઊંચાઈએ ઝૂલતી શેરડી પર અને વાડીનાં ફળઝાડો પર, માના હોઠ પરતા હોય તેવી રીતે, ફરી વળી.

“શેરડીનો સાંઠો કેવડો કર્યો, શેઠ ?”

“કાલ જોખી જોયો : ત્રેવીસ રતલ પાકા ઊતર્યો.”

“મરચું ?”

“અગિયાર તોલા.”

“શું બોલો છો ?”

“ભોમકાની તાકાત છે, મારી નહિ.” શેઠે ધરતી તરફ આંગળી ચીંધી. “પણ શું કરું ? આ અભાગણી ભોમકાને માથે - માફ કરજો, બાપા ! - તમારા જેવા પોણોસોના પગ ખુંદાય છે. આમ જુઓ : એક લાખ બાવળનાં થડ મેં નાખ્યાં છે. ને રાજગઢ જેવું નગર સાત જ ગાઉને પલ્લે પડ્યું છે. પણ શું કરું ?” નિશ્વાસ નીકળી પડ્યો.

“કેમ ?”

“રાજની ટ્રામે રાજગઢનો કુલ વહેવાર પોતાને કબજે લીધો છે. મારો માલ હું મારાં વાહનોમાં ન લઈ જઈ શકું ! મારી જ જનમભૂમિ ! મારા જ રાજવી ! મારી પોતાની જ જાંઘ ઉઘાડી કરવી ને ? ચૂપ થઈને બેઠો છું.”

ડગલો ઉતારીને શેઠે ગરદન પર હાથ ફેરવ્યો, મહેમાનનું ધ્યાન પણ એ ચૂંથાયેલા દેહભાગ પર ગયું : પૂછ્યું : “આ શું ?”

“બહારવટિયાની આપેલ ભેટ.” શેઠની મૂછોના વાળ ફરક ફરક તઈ રહ્યા. “બાપડા રાંક હતા. એક દી ભળકડે મારી ઊંઘનો લાગ લીધો. બાપડાઓની ગોળી જરાક આ ગરદનનો લોચો ચાખી ગઈ. ખેર ! થયા કરે.”

શેરડીના રસનાં રામપાતર ભરાઈને આવ્યાં. દ્રાક્ષ, ચીકુ વગેરે કાઠિયાવાડમાં મળવાં દુર્લભ એવાં કૈંક ફળો કેળનાં પાંદડાંમાં પીરસીયાં.

પિનાકી તો આ માનવીની એકેએક છટાને નીરખવામાં તલ્લીન બન્યો હતો. એનું બેસવું, બાજુમાં બંદૂકને રાખવી, પાઘડીને નીચે મૂકવી, ચાકુ કાઢીને શેરડી છોલવી વગેરે દરેક ક્રિયામાં રસ હતો : શેરડીના સાંઠામાં ભર્યો હતો તેવો જ જીવન-રસ.

રસનું રામપાતર શેઠની સામે પડ્યું જ રહેલું જોઈને સુરેન્દ્રદેવજીએ યાદ કરાવ્યું : “તમે તો પીઓ !”

“ના, બાપુ.” શેઠે જવાબ વાળ્યો.

“કાં !”

“નથી ભાવતી. વાયુ ઊપડે છે.”

બાગાયત વાવેતરમાં બે કલાક ઘૂમ્યા પછી સુરેન્દ્રદેવજીએ પિનાકીની ગરદન પર હાથ થાબડતે પૂછ્યું : “કાં ભાણા, ગમે છે અહીં ?”

“બહુ જ ગમે છે.”

“શું ગમે છે ? વધુમાં વધુ કઈ વાત ગમે છે ?”

પિનાકી શરમિંદો બન્યો. શેઠ પણ જાણે કે એના જવાબની રાહ જોતા તાકી રહ્યા.

“ખચકાય છે શીદ ? કહે, સહુથી વધુ શું પ્યારું લાગે છે ?”

“ભરી બંદૂકે રાતભરની ચોકી.”

“તારો બાપુજી યાદ આવ્યો કે શું !”

“આ છોકરો ટકશે.” શેઠે હસીને કહ્યું : “ચાર આવી ગયા. સોરઠભરમાં મેં કહેવરાવેલું કે જુવાનોને મોકલો : મારી ગાંઠના રોટલા ખવરાવી તૈયાર કરું. ચાર આવ્યા. પણ રોજ છાપાં માટે વલવલે, ટપાલના હલકારા માથે ટાંપ માંડીને બેઠા રહે. નોવેલું વાંચે. પંદર દિવસમાં તો ભાગ્યા.”

“આ નહિ ભાગે ?”

“બનતાં સુધી તો નહિ ભાગે. એનું ધ્યાન આ જિંદગાનીની ખરી ખુમારી ઉપર ઠર્યું છે.”

“ત્યારે સોંપી જાઉં છું.”

“સુખેથી.”

બપોર સુધી સુરેન્દ્રદેવજી અને શેઠ વચ્ચે શાંતિભર વાર્તાલાપ ચાલ્યો. પિનાકીના રુધિરમાં તરવરાટ મચી ગયો. હાલારી નદીના પાણી-બંધ ઉપર ચડીને એણે પણ પાંચાળના જોગંદરો જેવા ડુંગરાઓને નિહાળ્યા કર્યું. એના પ્રાણમાં બાપુજીનો માનસિક તોર જાગી ઊઠઅયો. એણે પોતાની નજીકમાં પીરાણી ઘોડીનો અસવાર રૂખડ શેઠ ઊભેલો જોયો. એની આંખોમાં પહાડો પીને આવતા વાયરાનો મદભર્યો સુરમો અંજાયો. એ હવાની વચ્ચે એકાદ-બે લહેરખીઓ જુદેરી પણ વાઈ જતી હતી : મોટીબા એકલાં થઈ પડશે : દેવુબા ક્યાં હશે ? પુષ્પાને તો હવે નહીં મળાય ને ! એનો જીવ ઊંડેઊંડે બળતો રહ્યો.

સાંજે સુરેન્દ્રદેવજીએ વિદાય લીધી. કહેતા ગયા કે “ભાણા, તારા દાદીમાની ચિંતા કરતો ના. હું એને સંભાળીશ. તું જીવ હેઠો મેલીને આંહીં શીખજે. આંહીં જ તારી યુનિવર્સિટી, ને આ જ તારો મુર્શદ. બીજું તો તારું ચાહે તે થાવ, પણ તું ગુલામ તો નહિ જ થાય એ નક્કી રાખજે.”

૫૧. ખેડૂતની ખુમારી

એ જ રાતથી પિનાકીનું યુનિવર્સિટીનું શિક્ષણ શરૂ થઈ ગયું. લઠ્ઠ અને લોહીભરપૂર એનું બદન આ મરદ ખેતીકારના હૃદયમાં વસી ગયું. રાત્રીએ એણે પિનાકીને પોતાની સાથે રાતભરને રખોપે ચડાવ્યો.

પહેલો પાઠ પિનાકીને પહેલી જ રાતે મળ્યો. પોતાના માલિકનો બોજ કમતી કરવાના ઈરાદાથી એ ખીંતી પરથી માલિકની બંદૂક ઉતારવા હાથ પહોંચે તે પૂર્વે તો માલિકે બંદૂકને હાથ કરી લીધી. ઠપકાનો એક શબ્દ પણ કહ્યા વગર જ શેઠ ચાલ્યા, ને પિનાકીને કહ્યું : “ચાલો !”

પિનાકીએ જોઈ લીધું. મુર્શદની મુર્શદી મૌનમાં રહી હતી. બીજે દિવસે પિનાકીનાં અંગો પર બીજું શેર લોહી ચડ્યું. બપોર વેળાએ રાજવાડા ગામની પછવાડે ગોટંગોટ ધુમાડા ઊઠ્યા, ને ઠાંગા ડુંગરની હાલારી ધાર પર ઘાસની એક ગાઉ ફરતી વીડી સળગી ઊઠી.

“એલા, કોની વીડીને દા લાગ્યો ?” શેઠ રીડિયા સાંભળીને જાગી જઈ પૂછ્યું.

“આપણી નથી.” માણસોએ આવીને કહ્યું.

“આપણી નથી. પણ કોની છે ? કયા ગામની ?”

“રણખળાના કોળીની, ઈજારાની વાડી.”

“આપણી નહિ, આપણા પાડોશીની તો ખરી ને ?”

એમ કહીને શેઠે ખભે બંદૂક નાખી પિનાકીને જોડે લીધો. રસ્તામાં માણસો, ઘોડેસવારો, પગપાળા પોલીસો, ખાખી પોશાકવાળા શિકારીઓ વગેરેની તડબડાટી સાંભળી. એ બધાના રીડિયા અને ચસકા પહાડી ભોમના કોઈ અકાળ ગર્ભપાતની કલ્પના કરાવતા હતા.

એક બાઈ અને બે છોકરાં દોડ્યાં આવતાં હતાં. ત્રણેય જણાંનાં ગળામાંથી કાળી ચીસો ઊઠતી હતી.

“શું છે, એલાં ?” શેઠે પૂછ્યું.

“અમારી વીડી સળગાવી મૂકી.”

“કોણે ?”

“બાપુએ પોતે જ.”

“આપણા બાપુએ ? રાવલજી બાપુએ ?”

“હા.”

“શા માટે ?”

“એના શિકારનો સૂવરડો વીડીમાં જઈ ભરાણો એટલા માટે.”

“એમ છે ?” થોડી વાર તો બંદૂકધારીએ ગમ ખાધી. પાછા ફરી જવા એના પગ લલચાઈ રહ્યા. થોડી વાર પછી પોતાના ફરતા પગને એણે સ્થિર કરીને આગળ ચલાવ્યા. ને એની કસોટીનો કાળ આઘો ન રહ્યો. નવલખા નગરથી શિકારે ચડેલા રાજા રાવલજીની મોટર એને રસ્તામાં જ સામી મળી. શેઠે રાજાને રામરામ કર્યા.

ગુલતાનમાં આવી ગયેલ રાવલજી પોતાના વિશિષ્ટ આશ્રિત ખેતીકારને શોભીતો જોઈ મલકાતા ઊભા.

“શિકાર - શિકાર તો આપે બહુ ભારી કર્યો, હો બાપુ !” ખેતીકારની જબાન બીજી કોઈ પણ જાતની વિધિ કરવાનું વીસરી બેઠી.

“હા, ખૂબ મુશ્કેલી -” આવું બોલવા જતા રાવલજીની જીભ થોથવાઈ ગઈ; કેમકે પોતાના ખેતીકારની મુખમુદ્રા પર એણે પેલા શબ્દોનો ઉજાસી ભાવ ભાળ્યો નહિ. ને રાવલજીના થોથરાતાંની વાર જ ખેતીકારે હિંમત કરી કહ્યું : “નવલખા ધણીને શોભે તેવો શિકાર કર્યો, બાપુ !”

“કેમ ? તમે આ કોની-”

“હું જાણું છું હું કોની સામે બોલું છું. હું રાવલજીનો આ આશ્રિત ખેડુ, ગાદીના ધણીની જ સામે, ઓગણીસસો ને વીસની સાલમાં આ બોલી રહ્યો છું.”

“તમારે શું કહેવું છે ?”

“એટલું જ, કે બાપુ ! તમે આજ એક જાનવર ઉપરાંત ત્રણ માણસોનાય શિકાર ખેલ્યા છો.”

રાવજીના મોં પર રુધિરનો ધમધમાટ થઈ રહ્યો, એટલે વાણિયો ખેડુ વધુ ગરમ બન્યો : “તમે જેની વીડી સળગાવી મૂકી એ ત્રણ જણાં આ ચાલ્યાં જાય ધા દેતાં. જરા ગાડીને વેગથી ઉપાડો, તો બતાવું.”

રાવલજીનું મોઢું પડી ગયું. એ ગાડીમાંથી નીચે ઊતર્યા. એણે નરમ બનીને કહ્યું : “આખી વીડી સળગી ગઈ ?”

“પાંચાળનું લાંપડું સળગતાં શી વાર ?”

રાવલજીએ ધુમાડાના થાંભલા ગગને અડતા જોયા. વીડીના ઘાસમાંથી નીકળતા ભડકા દિક્‌પાળના વછૂટેલા દીપડાઓ જેવા દીસ્યા.

“કેટલી નુકશાની ગઈ હશે ?” રાવલજીએ પસ્તાવાભર્યા સ્વરે પૂછ્યું.

“એ મને ખબર નથી, બાપુ.”

“અત્યારે આટલું કરશો તમે, શેઠ ? નુક્શાની નક્કી કરજો. તમારી જીભે જે આંકડો પડશે, તે ચૂકવી અપાશે.”

પછી કોઈ કશું બોલી ન શક્યું. સ્મશાનયાત્રા જેવી રાજસવારી શેઠની વાડીએ ગઈ. ત્યાં રાવલજી એકાદ કલાક રહ્યા. આખો વખત એના મોં ઉપર અપરાધીપણું તરવર્યા કરતું હતું.

એ અનુભવે પિનાકીને પુસ્તકોનાં પુસ્તકો પઢાવ્યાં. એને લાગ્યું કે ફાંસીએ લટકેલ રૂખડ મામો નવા યુગના નવસંસ્કાર પામીને આંહીં ઊતરી આવ્યો છે.

રાતે જે આંગળીઓ મોત વરસાવતી, તેમાંથી દિવસે જીવન ઝરતું. ચીકુડીના રોપ, દ્રાક્ષના માંડવા, અને સીધા સોટા સમા છોડવા ઉપર ખિસકોલી-શા પગ ભરાવીને ઊંચેઊંચે ચડતી નાગરવેલડીઓ શિકાર શએઠનાં ટેરવાંમાંથી અમૃતનું પાન કરતી. અન શેઠના પ્રત્યેક વેણમાં પણ પિનાકીએ કદી ન સાંભળેલી એવી નવી ભાષા સાંભળી. સાથીઓ જોડે વાતો કરતા શેઠ જીવનભરી જ વાણી વાપરતા : “કુંકણી કેળનાં બચળાં રમવા નીકળ્યાં કે ? માંડમાંડ વિયાણી છે બિચારી !” - “ચીકુડીને આ જમીન ભાવતી નથી, સીમમાંથી હાડકાં ભેળાં કરાવો, ખાંડીને એનું ખાતર નીરશું.” - “આ બદામડીની ડોક કેમ ખડી ગઈ છે ?” - “જમાદારિયા આંબાની કલમને ને સિંદૂરિયાને પરણાવ્યાં તો ખરાં, પણ એનો સંસાર હાલશે ખરો ? લાગતું નથી, વાંધો શેનો પડે છે ? ગોતી તો કાઢવું પડશે ને ભાઈ, કોઈનું ઘર કાંઈ ભાંગતું જોવાશે ?”

આ ભાષાએ પિનાકીના મનમાં વનસ્પતિની દુનિયા જીવતી કરી. સચરાચરનાં ગેબી દ્વાર ઊઘડી ગયાં. ખપેડી, ખડમાંકડી અને જીવાતને ખાઈ જનારી ચીબરી-ચકલીથી લઈ વાઘ-દીપડા સુધીની પ્રાણીસૃષ્ટિના એણે કડીબંધ સંબંધો જોયા. એ બધા સંબંધોની ચાવીઓ પોતે નિહાળતો ગયો તેમ તેમ સારુંય સચેતન જગત એને માનવીનું મુક્તિ-રાજ્ય દેખાયું. માનવી એને મરદ દેખાયો. મરદાઈની બંકી સૂરત એની સામે વિચરતી હતી. શિયાળાનાં કરવતો આ માનવીનાં લોહી-માંસ પર ફરતાં હતાં, પણ કટકીય કાપી શકતાં નહોતાં. ઉનાળાની આગ એને શેકી, રાંધી ખાઈ જવા માગતી હતી, પણ ઊલટો આ માનવીનો દેહ તાતું ત્રાંબું બની ગયો હતો. રોજ પ્રભાતે, વહી જતી રાતને ડારો દેતો માનવી ઊભો હતો- પાણીબંધની ઊંચી પાળ ઉપર : અણભાંગ્યો ને અણભેદાયો.

હવે પિનાકીને એનું ભણતર રગદોળી નાખનાર હેડ માસ્તરની ગરદન ચૂસી જવાની મનેચ્છા રહી નહિ.

છ મહિના ગયા છતાં એણે એકેય વાર રાજકોટ જવાનું નામ પણ નથી લીધું, એ વાત શેઠની નજરમાં જ હતી. પોતે પણ પિનાકીને કદી ઘેર જવાનું યાદ ન કરાવ્યું.

એમાં એક દિવસ મોટીબાનું પત્તું આવ્યું.

ઢળતો સૂરજ જંગલનાં જડ-ચેતનને લાંબે પડછાયે ડરાવતો હતો ત્યારે પિનાકીએ શેઠની રજા માગી.

“ટ્રામ તો વહેલી ઊપડી ગઈ હશે. કાલે જાજો.”

“અત્યારે જ ઊપડું તો !”

“શી રીતે ?”

“પગપાળો.”

“હિંમત છે ? પાકા સાત ગાઉનો પંથ છે.”

“મારાં મોટીબાને કોણ જાણે શું-શું થયું હશે. હું જાઉં જ.” પિનાકીએ પોતાની આંખોને બીજી બાજુ ફએરવી લીધી ને ગળું ખોંખારી સાફ કર્યું.

“ઊપડો ત્યારે. લાકડી લેતા જાજો.”

પિનાકીને શેઠના સ્વરમાં લાગણી જ ન લાગી. પાસે આટલાં માણસો છે, ગાડાં ને બળદો છે, ઘોડી ને ઊંટ પણ છે. એક પણ વાહનની દયા કરવાનું દિલ કેમ આજે એની પાસે નથી રહ્યું ?

ખાખી નીકર અને કાબરા ડગલાભેર એ બહાર નીકળ્યો.

“ત્રીજે દિવસે પાછા આવી પહોંચજો.” શેઠના સૂકા ગળામાંથી બોલ પડ્યા.

પિનાકીના ગયા પછી શેઠે પોતાની ઘોડી પર પલાણ મંડાવ્યું.

“તમાચી,” એણે બૂઢા મિયાણા ચોકીદારને બોલાવીને કહ્યું : “તમે ચડી જાઓ. આપણો જુવાન હમણાં ગયો ને, એનાથી ખેતરવા - બે ખેતરવા પછવાડે હાંક્યે જજો. ઠેઠ એના ઘરમાં દાખલ થઈ જાય ત્યાં સુધી સાચવતા રહેજો. એને ખબર પડવા ન દેજો. ને જુઓ : ભેળાં પચાસ કટકા આપણી બિયારણની શેરડીના, થોડુંથોડું શાક અને ચીકુ એક ફાંટમાં બાંધી લ્યો. ઘોડીને માથે નાખતા જાવ. સવારે જઈને એની ડોશીમાને દેજો. છાનામાના કહી આવજો કે ખાસ કહેવરાવેલ છે મેં, કે તમારા ભાણાની ચિંતા ન કરજો.”

“ને જો !” શેઠને કંઈક સાંભર્યું : “રસ્તે એકાદ વાર એનું પાણી પણ માપી લેજો ને !”

ધણીનું આ છેલ્લું ફરમાન બૂઢા તમાચીને બહુ મીઠું લાગ્યું. એ ચડી ગયો.

“વજાભાઈ,” શેઠે સાંજે વાળુ કરીને હોકો પીતેપીતે પોતાના વહીવટકર્તાને ભલામણ કરી : “નવા ઘઉંનું ખળું થાય, તેમાંથી એક ગાડી નોખી ભરાવજો. એક ડબો ઘીનો જુનો કઢાવજો, ને એક માટલું ગોળનું. આપણે રાજકોટ મોકલવું છે.”

“ક્યાં ?”

“હું ઠેકાણું પછીથી કહીશ. પણ કોઈને ખબર ન પડવી જોઈએ.”

રાતે શેઠ રખોપું કરવા ચાલ્યા ત્યારે એને પહેલી જ વાર એક પ્રકારની એકલતા ખટકી. એને ઉચાટ પણ થયો : ‘મેં ભૂલ કરી. મિયાણો ક્યાંઈક છોકરાને હેબતાવી ન બેસે. બૂઢો કાંઈ કમ નથી ! મેં પણ કાંઈ ઓછાં નંગ એકઠાં કર્યાં છે ! ચોરી-ડાકાયટીમાં ભાગ લીધેલ ભારાડીઓનો હું આશરો બન્યો છું. પણ હું હુંકાર શેનો કરું છું ? આશરો તો સહુને આ ધરતીનો છે. એક દિવસ ધરતીનો ખોળો મૂકીને ભાગી નીકળેલા આ બધા થાકીને એ ખોળે પાછા વળ્યા છે. ઠરીને ઠામ થઈ ગયા બચાડા. શા માટે ન થાય ? આંહીં એની તમામ ઉમેદો સંતોષાય છે. તમાચીનો જીવ શિકારનો ભૂખ્યો હતો. એના ગામની સીમમાં એણે કાળિયાર માર્યો, એટલે જીવદયાળુ મા’જનનો એ પોતે જ શિકાર થઈ પડ્યો. મારપીટ કરીને કેદમાં ગયો. આંહીં તો એને કોણ ના પાડે છે ! માર ને, બચ્ચા, ખેડુનાં ખેતરો સચવાય છે !

‘એક-એક બંદૂક !’ રાતનો સીમ-રક્ષક પોતાની બંદૂકને હાથમાં લઈને બોલ્યો : ‘હરએક ખેડૂતના પંજામાં આવી બે-જોટાણી એકેક બંદૂક હું જે દી ઝલાવી શકીશ તે દી હું ધરાઈને દાન ખાઈશ. આજ તો હું એકલો મરદ બની આ માયકાંગલાઓની વચ્ચે જીવતો સળગી મરું છું.’

૫૨. પુષ્પા ક્યાં ગઈ ?

રાજકોટના સીમાડા પરથી પિનાકીએ પહેલા ડંકા સાંભળ્યા ને પછી લાંબા સાદની એક પછી એક પાંચેક ‘આ...લ...બે....લ !’ સાંભળી.

‘દસ બજી ગયા !’ એ વિચારની સાથોસાથ એણે સ્મશાનની છાપરી દેખી. એ છાપરીની પાછળ એણે એક ઘોડેસવારનો અચલ, મૂંગો આકાર ભાળ્યો. ઘોડો જાણે કે ઊંચોઊંચો બની આકાશે ચડતો હતો. અસવારના પગ લાંબા ખેંચાઈને જમીન સુધી લટકવા લાગ્યા. એક જ પલ પિનાકીનાં ગાત્રોને ઓગાળી રહી. પણ એને યાદ આવ્યું કે આંહીં મારા મોટાબાપુને સુવરાવ્યા છે. આંહીં રૂખડ મામાનો દેહ બળ્યો છે. એ વિચારે સ્મશાન એનું પરિચિત સ્થાન બની ગયું. એ પસાર થઈ ગયો. ને એણે જોયુ ંકે એ સાદો ઘોડેસવાર કાફી ગાતોગાતો પોતાનાથી દૂર ચાલ્યો આવે છે.

એ હતો બૂઢો તમાચી. તમાચીએ મૂંગા મોંએ છોકરાનું પાણી માપી લીધું હતું.

“મોટીબા, ઉઘાડો !” એણ કહીને એણે પોતાની નાની ડેલી પર બૂમ પાડી તે વખતે એક આદમીને પિનાકીએ મકાનના ખૂણાની પાછળ સરકી જતો જોયો.

ડોશીએ બાળકને બારણાની અંદર લઈ પહેલો જ હાથ એના આખા મોં પર પસવાર્યો. એ સ્પર્શમાં જીભ ન કથી શકે તેવી વાણી હતી.

“મોઢે શું ગૂમડાં થયાં’તાં, ભાઈ ?” ડોશીએ પૂછ્યું. એણે બાળકનો ચહેરો જે દિવસે છેલ્લે પંપાળીને વળાવ્યો હતો તે દિવસની કુમાશ એની આંગળીઓ નહોતી વીસરી શકી. કેમ જાણે નવા પહેરેગીરો તિજોરીનાં તાળાં તપાસી રહ્યા હોય તેવી અદાથી ડોશીના ંઆંગળાં છ મહિના પરના બાલકનું કૌમાર-ધન તપાસતાં હતાં.

“ખીલનાં ઢીંમણાં હશે એ તો.” પિનાકીએ જવાબ દીધો.

ખીલનાં ઢીમણાં એટલે ફાટતા જોબનનાં પગલાં. ડોશી સમજી ગઈ. પૌત્રના ચહેરા પર જુવાની જાણે ગાર ખૂંદતી હતી.

“મોટીબા !” પિનાકીએ ધીમે સ્વરે પૂછ્યું : “કોઈ હતું આંહીં ?”

“ક્યાં ?”

“બહારને ઓટે.”

“તેં જોયું ?”

“એક આદમીને.”

“પોલીસ હશે.”

“શા માટે ?”

“તને ખબર પડ્યા ?”

“શાના ?”

“જેલ તોડીને તારી મામી ગઈ તેના.”

“ક્યારે ?”

“પરમ દા’ડે રાતે. અને કાલ સવારથી આપણા ઘર ઉપર પોલીસની આવ-જા થાય છે. મને પણ પૂછપરછ કરવા પોલીસના માણસો આવવા માંડ્યા એટલે મેં તને સંદેશ મોકલ્યો, ભાઈ ! હું પોતે જ ઘરડી આખી ઊઠીને ટ્રામના સ્ટેશને જઈ કાગળ આપી આવી’તી.”

પિનાકી ચૂપ થઈ ગયો. ડોશીએ કહ્યું : “તારા બાપુજીની હાકેમી હતી ત્યારે પોલીસ આપણે ઘેરે આવતા ને આજ આવે છે, એમાં બહુ ફેર પડી ગયો છે, ભાઈ ! મને જૂના દિવસો સાંભર્યા ને મારાથી ન રહેવાણું. આપણા ઘરને માથે શું છે તે પોલીસના ચોકીપે’રા ! શરમાતા નથી રોયાઓ ?”

ડોશી રડવા જેવાં થઈ જતાં હતાં ને વચ્ચે પાછાં રોષ કરી ઊઠતાં હતાં. તપેલી લોઢી જાણે પાણીનાં છાંટાને રમાડતી હતી. પછી ડોશીએ પિનાકીને ઓરડામં લીધો. અંધારું હતું ને બારી બંધ હતી તોપણ ચોમેર તાકી તાકીને જોયું, અને હવા પણ ન સાંભળે તેવી ધીમાશથી કહ્યું : “થાણદારની છોકરી પુષ્પા તને કાગળો લખતી’તી ?”

“ના.” પિનાકી આભો બન્યો.

“એ ક્યાં છે ?” ડોશીએ પિનાકીને વધુ ચોંકાવ્યો.

“મને કેમ પૂછો છો ? કેમ, ક્યાં છે ? પુષ્પા ક્યાં ગઈ ? નથી ?”

ડોશીએ ડોકું હલાવ્યું.

“સાચું કહો છો, મોટીબા ?”

“કાલ રાતથી નથી. એની બા આંહીં શોધવા આવેલા. મને છાને ખૂણે લઈ જઈ કંઈક વેણ સંભળાવી ગયાં. છોકરી તારી પાછળ આવી હશે એવો એને વહેમ છે.”

“શા પરથી ?”

“તારા માથે લખેલો એનો કાગળ પકડાઈ ગયો.”

“પછી ?”

“એના ભાઈએ ને એની બાએ એને પુષ્કળ માર માર્યો. પોલીસમાં પણ તારું નામ ગયું લાગે છે.”

પિનાકીને આભાસ થયો કે પોતે કોઈક અજાણી પૃથ્વી પર માર્ગ ભૂલીને આવી ચડ્યો લાગે છે. એ પોતાના હાથની ડાંગ પણ નીચે મૂકવાનું ભૂલી ગયો. એને પાણી પીવું હતું એ વાતની સરતચૂક થઈ ગઈ.

“મોટીબા !” એણે કહ્યું : “હું અત્યારે જ જાઉં.”

“ક્યાં ?”

“પુષ્પાને ઘેર.”

“ના. અત્યારે નહિ. એ રોષે સળગતા ઘરમાં તારું જવું સારું નહિ, બેટા !”

ડોશી એમ કહેતાં રહ્યાં, ને પિનાકી ડાંગ લઈને ઘરની બહાર નીકળ્યો.

મૂંગા તારાઓ આજે પહેલી જ વાર એને પુષ્પાની આંખો જેવા લાગ્યા. એ તારાઓના ઝળકાટમાં કાકલૂદી હતી, ઠપકો હતો, ઘણુંઘણું હતું. પોતે ઓચિંતાનો જ જે પ્રભાતે સુરેન્દ્રદેવજીની જોડે રાજવાડે ઊપડી ગયો હતો, તે પ્રભાતે તે પુષ્પાને મળવાનું વચન આપ્યું હતું. તે પછીથી આજ સુધી પુષઅપા એના અંતરની એકાન્તે જ પુરાઈ રહી હતી. ખરેખર શું આ છોકરીએ મારા સારુ થઈને માર ખાધો હશે ?રાજવાડાને માર્ગે નીકળી પડી હશે ? તો આવી કાં નહિ ? સામે કાં ન મળી ? જ્યાં ગઈ હોય, જ્યાં ગુમ થઈ હોય, જ્યાં એનું અસ્તિત્વ હોય યા તો મડદું હોય, ત્યાં અને તે સ્વરૂપે પુષ્પા મારી કહેવાય.

“માશી !” પિનાકીએ પુષ્પાની બાને ઘેર જઈ સાદ દીધો.

“કોણ - ભાણોભાઈ ?” બા દોડતાં આવ્યાં. “ભાઈ, તું લાવ્યો છો પુષ્પાને ? ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં મળી તને ?”

“માશી, મને કશી જ ખબર નથી.”

“એવું ન બોલ્ય, મારા દીકરા !” કહેતી એ પુત્રીની માતાએ પિનાકીને મોંએ હાથ મૂક્યો : “મને આમ કહીને ન મારી નાખતો, બેટા ! હું તને કહું છું કે હવે તારે કશો જ વાંધો નથી. મારી પુષ્પા તારી જ છે. તને જ હું આપી ચૂકી છું. પણ તું મને એક વાર મારી પુષ્પા જીવતી દેખાડ : બસ, એક જ વાર.”

ગાભરી બનેલી માતાનું એવું દર્શન અર્ધી રાતના કલેજાને ભેદી નાખનારું હતું. પિનાકીની જીભમાં જવાબ નહોતો.

“મને જવાબ તો આપ, બચ્ચા !” પુષ્પાની બાએ લગભગ પાગલના જેવી ચેષ્ટાઓ આદરી : “તેં એને તારા કોટમાં તો નથી સંતાડી ને ? તું એને બહાર ઊભી રાખીને આવેલ છો ? એ મને ઓચિંતી જ આવીને બાઝી પડે એવું શીખવીને તું એકલો આવેલ છો ? તને એ મળી ત્યારે ભૂખી કેવીક હતી ? ભૂખી તો હશે જ ને, ભાઈ ! એને મારું ધાવણ ધવરાવ્યાં ઘણાં વરસ થઈ ગયાં. તે પછી હું એને છાતીે લેવાનું જ ભૂલી ગઈ. હું પણ કેવી ભુલકણી ! હી-હી-હી-હી-”

એમ હસીને એ આધેડ નારી હેઠે બેસી ગઈ, અને પોતાની છાતી પરથી સાડલાનો છેડો ઊંચો કરતી કરતી બહારના દરવાજા પાસેથી નાના બાળકને બોલાવી રહી હોય તેમ સાદ દેવા લાગી : “પુપડી !...એ પુપડી ! હાલ્ય હાલ્ય ઝટ દૂ-દૂ...ઉ પીવા.”

વધુ વાર પિનાકી ન ઊભો રહી શક્યો. એને પોતાની બા સાંભરી. દીકરીની માના દિલમાં પડેલી દુનિયાઓ આજ સુધી એને અકલિત હતી. એ દુનિયાઓનું દર્શન જેટલું કરુણ હતું તેથી વિશેષ ભયાનક હતું.

એ પાછો ફર્યો ત્યારે પુષ્પાની બાએ એની પછવાડે દોડીને એને ઝાલી લીધઓ; કરગરવા લાગી : “જો ભાઈ, ભલે તું જુદી નાતનો રહ્યો. નાતજાત જાય ને ચૂલામાં ! દીકરીની માને વળી નાતજાત શી જોવી રહી ? હું તો તને આપી જ ચૂકી છું, હો કે ! મને તો સુધારો ગમે છે, હો માડી ! હું કાંઈ જૂના વિચારની નથી, ફક્ત આટલું જોજે, ભાઈ, કે તું એક દારૂને, બીજી પરમાટીને - બે ચીજને ન અડજે. પુષ્પાના બાપ હતા, તે એ લતે ચડી ગ્યા’તા, ભાઈ ! આ તો તને એકને જ કહું છું, હો કે !”

આ બધી કાકલૂદીઓમાંથી પિનાકીના પુરુષત્વે પોતાની નપાવટ હાંસી સાંભળી. પોતાની જાતને જોડા મારતો એ બહાર નીકળ્યો.

બહાર પોલીસના બે માણસો બેઠા હતા. તેમાંના એક બૂઢા શંકર બારોટ હતા. તેણે પિનાકીને ઓળખીને બોલાવ્યો.

પિનાકીને એક બાજુ લઈ જઈને એણે કહ્યું : “છોકરી તમારી કને આવવા નીકળેલી તે વાતની તો કડીઓ મળે છે. હાલારીના નાગ-ધરા સુધીના એના વાવડ છે. ત્યાંથી પછી બાતમી આગળ નથી ચાલતી. એટલે અમને સૌને તો ફાળ પડી ગઈ છે.”

“શેની ?”

“પ્રવીણગઢના પાટવી રાજકુંવરની. ત્યાં બાજુમાં જ છે. ને એનાં કામાં મશહૂર છે.”

“પોલીસ તપાસ નહિ કરે ?”

“રામરામ કરો.”

“કાં ?”

“સોનાં મોંમાં કાગળોના ડૂચા માર્યાં છે.” શંકર બારોટે નોટોની રુશવત માટે ગામડિયો શબ્દ વાપર્યો. “ને પાછું ઓલી મેરાણી જેલ તોડીને ભાગી છે ને, એટલે એની પાછળ જ બધા રોકાઈ ગયા છે.”

“ઠીક.” એટલું કહીને પિનાકી ઊપડ્યો. એના માથાની ખોપરીમાં કપાસ પીલવાના ચરખાઓનું આખું કારખાનું સમાઈ ગયું હોય એટલો ધમધમાટ ઊઠ્યો. એ બાળકના અજ્ઞાત અંતરમાં પહેલો જ પ્રશ્ન એ ઊઠ્યો કે ‘આજે - આજે આ, આ વીસમી સદીના વીસમા વર્ષણાં શું રાજસ્થાનનો રાજકુંવર રસ્તે ચાલતી છોકરીઓનું હરણ કરી જઈ શકે ? આ તે કયો જમાનો ? કયું શાસન ? કયા કાયદાનું રાજ ? આવી એક છોકરી ઊપડી જાય છે, છતાં હજુ રાજકોટ શહેર સૂતું છે ? એજન્સીની બત્તીઓ બળે છે ? એજન્ટ સાહેબના બિછાનામાં નીંદ પેસી શકે છે ? વાયરા વાય છે ? વકીલો પ્રેક્ટિસ કરે છે ? દુનિયા શું એમ ને એમ જ ચાલે છે ?’

૫૩. એ મારી છે

ત્રણ લાગણીઓનું ત્રેવડ કૌતક પિનાકીની રગરગમાં છલબલી ઊઠ્યું : એક તો, પુષ્પા મારી થવાને માટે સગી જનેતાને પણ ત્યજીને અગમ પંથે નીકળી પડી છે તે વાતનો પોરસ; બીજું, મારી પુષ્પાને ભીડ પડી હશે તેની વેદના; ને ત્રીજું, મારા બરડા પર સુરેન્દ્રદેવજી, રાજવાડાના શેઠ, મૂએલા મોટાબાપુજી અને રૂખડ મામાની જોગમાયા-શી સ્ત્રીના પંજા પડ્યા છે.

એવાં જુદાં જુદાં જોમ અનુભવતો પિનાકી ત્યાંથી પરબારો જ ઊપડ્યો. મોટીબાની રજા લેવા. એ ન રોકાયો. એનાં અંગેઅંગ તૂટી પડતાં હતાં. પણ વાયુ વિમાનને ઉપાડી ચાલે તેમ અંતરનો વેગ એના દેહને અધ્ધર લેવા માંડ્યો.

શહેરમાં પાનવાળાની દુકાનો છેલ્લી બંધ થતી હતી. પુષ્પાના ઘરવાળી શેરીને નાકે ભૂતનાથ મહાદેવના મંદિરમાંથી હરિકથાનો શ્રોતાસમૂહ વિસર્જન પામીને બહાર નીકળતો હતો, તેમની નાનીનાની મંડળીઓ વેરાઈને ચાલી આવતી હતી. પિનાકીને કાને બોલ પડતા હતા : “મદોન્મત્ત બની’તી હો, સારાકાકા ! રાજીખુશીથી જ પલાયન કરી ગઈ જણાય છે.”

“પણ કોની સાથે ?”

“બીજો કોણ હશે - કાં બંગડીવાળો, ને કાં પલટનિયો પઠાણ !”

“સાળું, કંઈ ગમ નથી પડતી કે આવાની જોડે ભાગામાં કયો રસ રહ્યો છે !”

“ત્યારે શું તમારી જોડે ભગાડવી’તી, ગુલાબશંકરભાઈ !”

“આ...હા !” આધેડ ઉંમરના ગુલાબશંકરે નિશ્વાસ નાખી ઊંડી વેદનાઓભર્યા અવાજે કહ્યું : “અમારા પણ દિવસો હતા, ભાઈ, હતા !”

પાછળ પાછળ ચાલ્યા જતા પિનાકીના કાન એના પગને હળવા પાડતા હતા. એના હાથમાં લાકડી હતી. એના યૌવને આ શબ્દો સાંભળી પોતાની જ હીનતા અનુભવી. એનો પંજો લાકડીના કાષઅઠ ફરતો ‘ત્રમ્‌-ત્રમ્‌’ થઈ રહ્યો. એમાંના એકનો બરડો ફાડવાની ઊર્મિ એની આંગળીઓમાં છલાંગી ઊઠી. પણ એવા કજિયાની આ વેળા ન હતી. પિનાકીએ પગ ઊપાડ્યા.

ફરીવાર એ જ સ્મશાન, રાખના ઢગલા, સૂમસામ રાત્રિ, અનંત લાગતી ઉજ્જડ સડક, ઓખર કરતી કોઈકોઈ ગાય, ઝાડના ઠૂંઠા પર એકલવાયા બેઠેલ ઘુવડની બિહામણી વાણી, અને ઊંડા ઊંચા ઘાસની અંદર કેમ જાણે કોઈ મોટાં જાનવરો ભમતાં હોય તેવો ભાસ આપનાર ઝીણાં જીવડાંની કૂદાકૂદ ! પકડેલા ઉંદરને જરા છૂટો મૂકતી ને પાછી ઝપટ કરી ચાલતી બિલાડી જેવી કાળી વાદળીઓ આકાશમાં અજવાળી આઠમના ચંદ્રને વારંવાર ઉઘાડઢાંક-ઉઘાડઢાંક કરતી હતી. અથવા તો ચંદ્રમા થોડાએક કાગડાઓની ચાંચો વચ્ચે ચૂંથાઈ રહેલ દહીંથરા જેવો દીસતો હતો. અર્ધ-દુકાળમાં ઉપરાઉપરી વર્ષો ખેંચતો પવન ખેતરાઉ ધરતીમાંથી કોઈ ભ્રષ્ટ થયેલી સ્ત્રીના શરમદાબ્યા કંઠ-સ્વર જેવો હોતો હતો.

પછી શ્વાન જેવું કાબરું ને ભૂખરું સવાર આવ્યું અને વાદળીઓ તેમ જ ચંદ્રનાં જાણે ચૂંથાયેલાં શબો જ સૂર્યરૂપી ભંગિયાની વાટ જોતાં આકાશે સડતાં પડ્યાં.

પિનાકીને સીમમાં કોઈકોઈ માણસો મળ્યાં, તેને એણે પ્રશ્નો કર્યા. કોઈકોઈ ઝૂંપડીઓ એણે ખેતરોમા ંજોઈ, ત્યાં જઈ ખબર પૂછ્યા. સીમમાં લોકો એકબીજા સામે સનકારા કરીને વહેમના તાંતણા સાંધ્યા : કોઈક બાતમીદાર ફુલેસવાળો હશે ! આફી દો જવાબ : ‘અમને ખબર નથી, ભા !’ એટલું કહીને સહુ પોતપોતાને કામે લાગી ગયાં. આગળ ચાલતા પિનાકીની પાછળ ટીકા સંભળાતી હતી કે “આમ કહે કે અમે ઊંચાં વરણ. માંહી તો સડી ગયેલાં ! આપણી છઓકરીયું એમ કે’ દી ભાગી છે ! કામધંધા વગરના ઉજળિયાતોનું પછએં એમ જ હોય ને, બાપા !”

સરખા પવનની પાંખો ઉપર ચડતા એ ટીકાના ટહુકા વધુવધુ ચોખ્ખા થયા :

“એ ભાઈ, મારી રૂડકી ભાગી ગઈ’તી. ખતા ખાઈને આવી પાછી. મંડી આંસુ પાડવાત. અમે એકેય બોલ પણ ન કહ્યો. ભળકડે એની જાણે જ બેસી ગઈ ઘંટી તાણવા. સવારે મેં પકડાવી દાતરડી. કહ્યું કે - જા, બાઈ, નીંદવા. આખા ગામની ભેળી એ તો મંડી નીંદણું કરવા. આજની ઘડી ને કાલ્યનો દી : કોઈ હવે સંભારતુંય નથી. પરણી-પશટીયે ગઈ. ઘોડિયે બે છોકરાંય એ રમે રીયાં !”

“ને આ તો આબરૂદાર માણસ ! હવે એ છોકરીને કોઈ સૂંઘશેય નહીં, એનાં માવતર સોત નાત-બહાર મુકાશે, ને એનો ભાયડો સગપણ જ મૂકી દેશે.”

“પછેં તો છોકરીને કૂવો જ બૂરવો રીયો ને !”

ઊંધાં માથાં નાખીને કપાસનાં જીંડવાંમાંથી ત્રીજી વારનો ફાલ વીણતું આ ટોળું ભૂલી ગયું હતું કે તેમના સૂર સારી પેઠે ઊંચા બન્યા હતા.

એ વાતો પિનાકીના હૃદય-નગારા પર દાંડીની પેઠે પડી. હૃદયમાં ઘોષ જાગ્યા. બે વાતના એ ઘોષ હતા : એક, હવે એ છોકરીને કોઈ સૂંઘશેય નહિ; ને, બીજું, એનો ભાયડો હશે એય સગપણ તોડી નાખશે : પછી તો છોકરીને કૂવો જ બૂરવો રહેશે ને ?

આજ સુધીના અભઅયાસમાં કોઈ ચોપડીએ એને આવું સુઝાડ્યું નહોતું : પુષ્પા કૂવો પુરશે, કેમકે એને કોઈ સંઘરશે નહિ ! એને કોઈ સંઘરશે નહિ, કેમકે આ ઉજળિયાતોને કામધંધાની કાંઈ પડી નથી; આબરૂની જ પેટીઓ ઉફર બેઠાંબેઠાં ખાવું છે !

પુષ્પા કૂવો પૂરશે એ વાતનું સ્મરણ એને સતાવવા લાગ્યું. પુષ્પાએ કંઈ ન કરવાનું કામ કરી નાખ્યું હશે એ કલ્પના એને દંશવા લાગી. એ કૂવા-વાડીઓ તપાસવા આડમાર્ગે ખેતરો ખૂંદવા લાગ્યો.

થોડી વારે એના કાન પર ઊંચા અવાજે શબ્દો પડ્યા. એ શબ્દો મોટી સડક પરથી આવતા હતા. પોતે સડક તરફ વળ્યો. પહેલાં તો ખાખી પોશાકો અને ત્રણ બંદૂકો દેખાયાં. પછી ગાડું દેખાયું. ગાડું નજીક આવ્યું. પિનાકીના માથાની નસો ફાટવા લાગી. ગાડામાં પુષ્પા હતી ? - કે પુષ્પાનું પ્રેત હતું ?

પિનાકીને દેખતાંની વાર પુષ્પાની છાતી ફાટી પડી; એના મોંમાંથી ચીસો ઊઠી. એણે મોં પોતાની લીરેલીરા બનેલી સાડીમાં છુપાવી દીધું. પિનાકીના ઈશારા પરથી ગાડું ઊભું રહ્યું.

“ક્યાં લઈ જાઓ છો ?” પિનાકીએ પોલીસની ટુકડીને પૂછ્યું.

“રાજકોટ. આ તમારું માણસ છે ? આમ રેઢી કેમ મૂકો છો કુંવારી છોકરીને ? આ બાઈને હરામના હમેલ રહ્યા છે. કૂવે પડતી’તી ત્યાંથી ઝાલી છે.”

“કયા રાજના છો તમે ?”

“પ્રવીણગઢના.”

“છોડી દો એને. હું તેડી જઈશ.”

“એમ ન છોડાય.”

“ત્યારે કેમ ?”

“રાજકોટની પોલીસમાં સોંપવી જોશે.”

પિનાકી થોડી ક્ષણ ચૂપ રહ્યો. એના અંતરમાં એક લાંબા અને લોહીલુહાણ સંગ્રામની રણભેરીઓ બજી ઊઠી.

“તમારે શું સગપણ છે આ બાઈ જોડે ?” પોલીસના નાયકે બીડી સળગાવીને પૂછ્યું.

પિનાકીને માટે આ સંગ્રામની પ્રથમ પહેલી હાકલ હતી. પુષ્પાના દેહનું, નોળિયાએ લોહીલુહાણ કરેલ સાપના જેવું નિર્જીવ ગૂંચળું એણે ગાડા ઉપર જોયું. બીજી બાજુ પોતાની મોટીબા, પોતાનો મુર્શદ શેઠ, સુરેન્દ્રદેવજી, આખો સમાજ અને પોલીસ-અદાલત, જેલ, ઘંટી, મુકાદમોના માર, અને - અને કોઈક દિવસે પણ આ કલંકકથા જેને કાને જવાની છે તે ‘મામી’ના મૂંગા ફિટકાર એની આંખ સામે વીજળી વેગે સરકી રહ્યા.

આ પુષ્પા કોણ ? કેવી ચાલની ? કેવા વિકરોથી ભરેલી ? કેનાં કરતૂકોની આ સજા પોતાના શિર પર આવી પડવાની છે ? જવા દે ! એ નીચને એની નીચતાનો દંડ ભરપાઈ કરવા દે ! મારી કારકિર્દી, મારું ઊઘડતું જીવન-પ્રભાત, મારી મુરાદનાં પુષ્પો...

નહિ, નહિ, એ કશું જ નહિ. પુષ્પાનું મોં મારી સામે જોઈ રહ્યું છે. એ મોં પર મારી ચિતા ખડકી છે કે મારી લગ્ન-ચૉરી ? ગમે તે - ગમે તે

“એનો મારી જોડે વિવાહ થવાનો છે. છોડો એને.” પિનાકીએ જવાબ દેતાં છાતીને સવા ગજ પહોળાવી. એની ગરદન ટટ્ટાર થઈ ગઈ. ને પુષ્પાએ પોતાનું મોં પૂરેપૂરું પિનાકી તરફ ફેરવ્યું. ઝાડ પરથી પક્ષી બોલ્યું તેમાં જાણે શબ્દોની રચના હતી કે ‘સાચું કહ્યું, સાચું કહ્યું.’

“ચાલો ત્યારે તમે પણ રાજકોટ. ત્યાં તમને એજન્સીની પોલીસ સોંપે તો સંભાળી લેજો.” પોલીસ-નાયકે કહ્યું.

“ચાલો.”

“આ કોની - તમારી જ મરદાઈ હશે : ખરું કે, મિસ્તર ?” રસ્તે ચાલતાં નાયકે ટકોર કરી. અને પછી તો વટેમાર્ગુઓનો પણ ઠીકઠીક મેળો ગાડા ફરતો ઘેરી વળ્યો, એટલે વિનોદનું ત્યાં રોનક જામી ગયું. ટોળાની વાતચીતનો મુખ્ય બોલ એક જ હતો : ‘આબરૂદાર વરણના પણ કેવા ભવાડા છે, બોન !’

ગાઉ - બે ગાઉ ગયા પછી ગાડાની પાછળ છેટે ચાલતો પિનાકી ધીરે ધીરે ગાડાની નજીક ગયો. તે પછી ધીમે રહી એણે ગાડાનું ઠાઠું પકડી ચાલવા માંડ્યું. તે પછી રાજકોટના બંગલા ડોકાવા લાગ્યા અને પુષ્પાના કંઠની ચીસ પણ બંગલાઓના કરતાંય વધુ ઊંચે ચડી ત્યારે પિનાકીના મોંમાંથી પહેલો બોલ પડ્યો : “પુષ્પા ! ગભરાટ છોડ. તું મારી થવા કબૂલકરે છે ? તો આપણે મરશું છતાં વિખૂટાં નહિ પડીએ. હું તને આગલું પાછલું કશુ ંજ પૂછવાનો નથી.”

જવાબમાં પુષ્પાએ ફક્ત પોતાની આંખનાં આંસુ જ લૂછ્યાં.

“હવે બહાદુર બની જા, પુષ્પા ! રાજકોટ આવી પહોંચ્યું. હું તારી જોડે જ છું.” એટલું કહીને પિનાકી ગાડીની એક બાજુએ થઈ ગયો. ને એણે જેટલું બની શક્યું તેટલું પોતાની ને પુષ્પાની વચ્ચેનું અંતર ઓછું કર્યું.

સરઘસ-પ્રેમી શહેરી જનોમાં તે સવારે આનંદ આનંદ વર્તી રહ્યો. પોલીસોને હંમેશાના કઠોર અને રસહીન જીવનમાં આવુ ંકોઈ રમકડું હાથમાં આવે છે ત્યારે એની પૂરી મજા લેવાનો લોભ સહજ હોય છે. તેમણે ગાડું ગામની વચ્ચે થઈને હંકાવ્યું. પોતાનું જીવ્યું અને માણ્યું તેમને સફળ લાગ્યું. પોલીસ થયા તેને બદલે તેઓ જો દેશના સ્વયંસેવક થયા હોત, તો આ જ મોજ તેઓ લોકનેતાઓનાં સરઘસોમાં નેતાઓની મોટરોના ‘મડ-ગાર્ડ’ પર ઊભા રહીને મેળવી લેત.

એજન્સીની પોલીસ-કચેરીમાં પુછાયેલા સવાલોના પ્રત્યુત્તરો પિનાકીએ સંતોષકારક આપ્યા : પુષ્પાની જોડે મારે સંબંધ હતો : અમે પરણવાનો સંકલ્પ કર્યો છે : અમે મનથી તો પરણી જ ચૂક્યાં હતાં.

“શી રીતે ? ચાંદા-સૂરજની સાખે ? સદેવંત સાવળીંગાના અવતારી લાગો છો !” પોલીસ-અધિકારીએ એમ કહીને આનંદ મેળવ્યો.

અને કચેરીથી થોડે દૂર કિકિયારીઓ સંભળાઈ : “એ તારાં વાંજિયાં લઉં ! તુ ંકાળો નાગ ! તારું ધનોતપનોત નીકળજો!”

એ શાપ પુષ્પાની માતાના મોંમંથી ઊઠતા હતા. અને ભાંગી પડું-પડું થતી પુષ્પાને પિનાકી ધીરજ દેતો હતો કે “જરાય ગભરાઈશ નહિ.”

ઝાઝી વાર નહોતી થઈ ત્યાં બીજાં પણ એક ડોશી દેખાયાં. એનાં મોંમાં શબ્દોચ્ચાર નહોતો. એના શબ્દો એની આંખમાં હતા, એના બોખા મોંની ડાકલી બોલતી હતી. એની કરચલીઓના ચીરા ઊડી ગયા હતા. એને ઓળખનાર પોલીસોએ એને ‘બા’ કહીને બહારના બાંકડા ઉપર બેઠક આપી. એને ગમ નહોતી પડતી કે પિનાકી દીકરાએ આ શું આદર્યું છે.

“છોકરી, તારે ક્યાં - તારી માને ઘેર જાવું છે કે ?” અમલદારે પૂછ્યું.

“નહિ નહિ, મારી સાથે આવશે એ.” કહીને પિનાકીએ પુષ્પાનું કાંડું પકડ્યું.

“જબરો હિંમતબાજ !” પોલીસોને રોનક વધતું જતું હતું : “ત્યારે તો આ હમેલ તમારા જ છે કે, મિસ્તર ?” અમલદારે ફરીવાર એ પ્રિય સવાલ પૂછ્યો.

“હા જ તો.”

“સાચવીને સુવાવડ કરજો. દુનિયા પર દેવ ઊતરશે.”

“આપની દુવા.” એટલું કહીને પિનાકીએ પુષઅપાને પોતાની જોડે દોરી.

પુષ્પાનાં કાંડાની નસોમાં એવું થતું હતું કે જાણે કોઈ ઊંડી લાંબી રેલ્વે ‘ટનલ’માં એક પછી એક આગગાડીઓ માર માર વેગે ચાલી જતી હતી.

સોરઠના સંસાર-જીવનમાં આવો બનાવ સૌ-પહેલો હતો. આટલી નફટાઈ કોઈ જુવાનના જોબને નહોતી રમી દેખાડી. બહાર નીકળેલાં પુષ્પા-પિનાકીને જોઈ પુષ્પાની માતા અને તેનો ભાઈ ન બોલાય તેવી ગાળો બોલતાં નાસવા લાગ્યાં. અને એ ઊંચી જ્ઞાતિના કેટલાક રક્ષપાલો રસ્તામાં તોફાન કરવાની નેમથી ખડા થયા હતા, તેમણે પિનાકીના હાથમાં જુદ્ધ પડકારતો ધોકો જોયો. તેઓ પણ ‘બદમાશ’, ‘શેતાન’, ‘નાગો’ વગેરે શબ્દોનાં શરો વરસાવતા પછવાડે રહી ગયા. છાયાવાળું એક ગાડું ભાડે કરીને બંને જણાં રાજવાડાને માર્ગે પળ્યાં.

પાછળ અવાજ આવતા હતા : “ભાણા ! ભાણા ! ભાઈ ! વાત કહું”

ગામની બહાર મોટીબા દોડતાં આવતાં હતાં. ગાડું ઊભું રાખી, આવી પહોંચેલાં મોટીબાને પિનાકી પગે પડ્યો. પુષ્પાને એણે કહ્યું : “પુષ્પા, પગે પડ !”

એક ક્ષણ ડોશી આઘી ખસી ગઈ. પછી તરત નજીક આવી. નમેલી પુષ્પાની પીઠ ઉપર એણે હાથ પસવાર્યો. ઊઠતી પુષ્પાના મોં પર એ હાથ સરતો સરતો આવ્યો, ડોશીથી કશું જ બોલાયું નહિ. ડોશીએ ધીરે રહીને પુષ્પાને હૈયાસરસી લીધી, સાડલા નીચે ઢાંકી રાખેલી વાટકી કાઢીને ડોશીએ ગોળધાણા લીધા. “ભાઈ, બેય જણાં એક એક કાંકરી ચાખશો ? બીજું તો શું કરું આંહીં ? મને કશીય સૂઝ પડતી નથી. ”

“કશું જ કરવું નથી, મોટીબા, તમારા પુત્રને આશિષો જ દેજો; બીજું કશું નહિ. હું પાછો આવું છું તમને તેડવા !”

ડોશીનું મોં જરા ઓશિયાળું બન્યું. ગાડું આગળ ચાલ્યું. પિનાકીએ પૂછ્યું : “મોટીબા, લોકોનો ડર લાગે છે ?”

“કોને ? મને ? ડર ? લોકોનો ? કાચાં ને કાચાં ખાઈ નહિ જાઉં લોકોને ? જા તું-તારે, મારી ફકર કરીશ નહિ.”

મેણાની મારી ડોશી પડકારા કરીને પાછી વળી. ધગધગતાં આંસુ એના ગાલે અને ગળા સુધી જાણે ચોમાસાના ધોધવા પેઠે ચરેરા પાડતાં હતાં.

પિનાકીએ પહેલી જ વાર પુષ્પાની સામે નિહાળી જોયું. પૂછ્યું : “તું મારી પાસે આવવા નીકળી હતી ?”

પુષ્પાએ મોં ધુણાવ્યું.

“બહુ મૂંઝાઈ ગઈ હતી ?”

પુષ્પા ભયની મારી બીજી બાજુ જોઈ ગઈ. એને ફાળ હતી કે હમણાં જ ત્રીજો પ્રશ્ન થશે : કેમ કરીને, કોના હાથમાં ફસાઈ પડી હતી, પ્રવીણગઢમાં શી શી વલે થઈ - તે વાતનો.

એવું કશું જ પિનાકી ન બોલ્યો. “બહુ થાક્યો છું.” એટલું કહીને એણે શરીર ઢાળી દીધું. અકસ્માત્‌ જ એનું માથું પુષ્પાના ખોળાની નજીક ઢળ્યું. પુષ્પાએ એ માથાને ઊંચકી પોતાની ભરાવદાર જાંઘ પર ટકાવ્યું. પિનાકીને ગાઢી ઊંઘ ચડી ગઈ.

૫૪. કલમી દુનિયાનો માનવ

કેટલી નિરાંત કરીને આ માથું મારે ખોળે ઊંઘે છે ! એને કોઈનો ભય નથી શું ? એણે મને કલંકિતને લઈ પોતાના કપાળમાં તિલકને સ્થાને ચડાવી. એને મારી જોડે જોઈને કોઈ સંઘરશે નહિ તો ? મારો ભાઈ એના પ્રાણ લેવાનું કાવતરું કર્યા વગર કંઈ થોડો રહેવાનો છે ? હજી પોલીસે થોડાં જ અમને છઓડી દીધાં છે ? આટલી બધી ગાંઠડીઓના બોજ ફગાવીને આ માથું નીંદર કરે છે !

પુષ્પાને એ માથું જરા તોછડું લાગ્યું. એણે એને ખોળામાં નજીક ખેંચ્યું. ખેંચતી વેળા એના બે હાથની વચ્ચે એ માથું કોઈ લીલા શ્રીફળ જેવું લાગ્યું. સૂતેલી આંખોના ગોખલામાં ભરાયેલી ધૂળને પુષ્પા ઓઢણના છેડા વડે લૂછવા લાગી. કાનનાં પોલાણોને પણ દેવતાના થાનક પેઠે સ્વચ્છ કર્યા. પોતે નવી પરણીને આવેલી જાણી કે પોતાનો ખંડ શણગારતી હતી. ચાલી જતી બેલગાડીના પછડાટ પિનાકીને પુષ્પાના ખોળામાં વધુ ને વધુ મુકાવવામાં મદદ કરી રહ્યા હતા.

ગાડીવાન વોરો બેવકૂફ હતો, તેથી થોડો ઈમાનપ્રેમી પણ હતો. વગર કામે પોતાના ગાડાની અંદર બેઠેલ મુસાફરોની ચેષ્ટા ન જોવી એવો એનો નિયમ બંધાઈ ગયો હતો. આજે એ નિયમ એને વધુમાં વધુ સાલવા લાગ્યો. આખા રાજકોટને ચકડોળે ચડાવનાર આ બે જુવાનિયાંનાં પૂરાં મોઢાં પણ પોતે જોયાં નથી, બેઉ આટલાં બધાં નજીક છતાં પણ પોતે એ લાભથી વંચિત રહ્યો છે, તેમ સમજી પોતે દાઝમાં ને દાઝમાં બળદનાં પૂંછડાંને વળ ચડાવતો હતો. આખરે એ પોતાના કૌતુકને ન રોકી શક્યો, તેમ એને કારણ પણ જડ્યું.

“એ... મોટો રોદો આવે છે હો ભાઈ, ધ્યાન રાખજો.” કહેતાં એણે પછવાડે જોયું કે તત્કાળ પુષ્પાના હોઠ છેક પિનાકીના ગાલને અડુંઅડું થવા જેટલા નીચા નમેલા; પણ શિકારીનો સંચાર થતાં નવાણને કાંઠેથી મોં પૂરું પલાળ્યા વગર જ નાસી છૂટતાં હરણાંની પેઠે એ હોઠ પાછા વળી નીકળ્યા.

બીજી જ ક્ષણે ગાડાના પૈડા નીચે ઊંડો રોદો આવ્યો. ગાડું પટકાયું. પુષ્પાના હોઠ અનાયાસે પિનાકીના ગાલને મલ્યા.

બે-ત્રણ મોટરો ધૂળના ગોટા ઉરાડતી ગાડા પાસેથી ઘસાઈને આગળ નીકળી ગઈ, તોપણ પિનાકી જાગ્યો નહિ, ને ગાડું હજુ ચારેક ગાઉ પછવાડે હશે ત્યારે - એટલે કે હાલારી નદીનાં પાણીમાં નમતા સૂરજની ભગવી પિછોડી બોળાતી હતી તે ટાણે - મોટરો રાજવાડાના ખેડૂત શેઠને ઝાંપે ભેંસોને ભડકાવતી હતી. ભૂંકણગાડીનું કૌતુક હજુ ગામડાંનાં લોકોમાંથી ગયું નહોતું. માણસો ટોળે વળીને એ આશ્ચર્યને નિહાળતાં હતાં.

ને વડલાના છાયડામાં શેઠ આ પરોણાઓને લઈ બેઠા હતા.

“અમે તો એવી ખાતરીથી જ આવેલ છીએ કે આ ઢેઢવાડાને તમે તો નહિ જ સંઘરો.” મહેમાનોમાંથી એક જણે કહ્યું.

બીજાઓએ પણ બીજું ઘણુંઘણું કહી નાખ્યું હતું. અને શેઠ જાણે કે એ તમામ વાતોમાં મળતા થતા હોય તે રીતે મોઢું હલાવતા, જરા મલકાયા કરતા બેઠા રહ્યા હતા.

“છોકરીની ઉંમર કેટલી છે ?” આખરે શેઠે પ્રશ્ન કર્યો.

“અઢાર વરસની, પણ સાવ પશુડું !”

“તો તો પછી પત્યું. એને ફાવે એમ કરવા દો ને !” શેઠે જાણે કે કોઈ કાદવના ખાડામાં પથ્થર પછાડ્યો. સર્વ મહેમાનો ચમકી ઊઠ્યા.

“તમે ઊઠીને આમ બોલો છો ? હાઉં ! ધરતીનં સરું આવી રહ્યું.”

“ધરતીનાં સરાં એમ ન આવે. ને, ભાઈ, તમે આવતા દિવસની એંધાણી ઓળખો. જુવાનોને છંછેડો મા. હશે, બેય ઠેકાણે પડ્યાં.”

શેઠ બોલતા હતા ત્યારે એના પેટમાં પાણી પણ હાલતું નહોતું.

“ત્યારે તો તમે એને આંહીં સંઘરશો, એમ ને ?”

“મારે ત્યાં તો ડાકાયટીઓ ને ખૂનો કરનારાઓ પણ સચવાયા છે.”

“ડાકાયટી અને ખૂનને પણ લજવે એવો આ અપરાધ -”

“જુઓ ભાઈ,” શેઠે કહ્યું : “મારે ત્યાં તો વનસ્પતિનું જગત છે. મારા આ બે હાથે કૈક કલમોને આંહીંથી ત્યાં ને ત્યાંથી આંહીં લાગુ કરી નવા નવા રસ, રંગ અને ગંધના મેળ નિપજાવેલ છે. હું અખતરાથી ડરતો નથી. મારી દુનિયા નિરાળી છે. હું માનવીના સમાજનો માણસ નથી. મારી દુનિયા ઝાડવાંની છે. હુંય ઝાડવું છું. ઝાડવું બનીને અહીં આવનારનો હું ન્યાતભાઈ છું. હવે ઝાઝી માથાકૂટ મને ન કરાવો.”

“સાંભળો, શેઠ : મારી સામે જુઓ.” એક વકીલ જેવા જણાતા માણસે વાચાને અક્કડ કરી.

શેઠે કહ્યું : “આ જોયું. લ્યો ફરમાવો.”

“આ અરધું રાજકોટ જે શાક-પાંદડું ઉપાડે છે ને -”

“હા.”

“તેની વખારો નહિ ભરી શકાય : ખબર છે ?”

“તો સીમમાં જાનવરોને ચારી દઈશ. રાજકોટને કહી દેજો કે આ વાણિયાની દયા ન ખાય. જાવ, કરી દો મારા શાકનો બહિષ્કાર.”

બોલતાં બોલતાં શેઠની આંખોએ મહેમાનોની સામે જ જોવું બંધ કર્યું. એ આંખો ઊંચે ઝૂલતી શેરડી તરફ જ જોઈ રહી.

“સારું ત્યારે, શેઠ; બીજી તો એમાં શી આશા રાખી શકાય !” એક નગરજને નિશ્વાસ નાખ્યો.

“ધૂળનાં ઢેફાં સાથેનો સહવાસ છે તમારો, ભાઈ !” બીજાએ સ્પષ્ટીકરણ માંડ્યું : “એટલે મતિ પણ જાડી બની જાય. નીકર રાજકોટના ફરજંદને...”

“ભૂલો છો તમે,” શેઠે કહ્યું : “રાજકોટના ફરજંદો જમાનાને પિછાનવામાં પહેલે મોરચે રહ્યાં છે. આખા સોરઠે રાજકોટની દીકરીઓને માથે માછલાં ધોયાં છે, કેમકે એ ભણવા માટે પહેલી ચાલી. રાજકોટના મોહનદાસે દરિયો ઓળંગ્યો એટલે એનાં પીંછડાં પીંખ્યાં’તાં સોરઠે. આજ એ દુનિયાનો ‘મહાત્મા’ બનીને આવ્યો, એટલે એના ખોરડાની ધૂળ મસ્તકે ચડાવો છો બધા ! રાજકોટને હું નહિ લજવું, ને મોટા થોભિયા ધારણ કરનારા, દીવાનપદાં ઠોકનારા, કોરટોની ભીંતો ફાટી જાય તેટલા અવાજ કરનારા તમે સહુ, તમારામાંથી એક તો ઊઠો. આ લ્યો : હું મારી બે-જોટાણી ભરીને હાથમાં આપું, જાય છે કોઈ પ્રવીણગઢના રાજ-ચોક વચ્ચે ? છે કોઈની છાતી આ રાજકોટની કુંવારકાનું શિયળ રોળનારના મોઢામાં ચપટી ધૂળ નાખી આવવાની ? છે કોઈ તમારા માયલો તૈયાર એ રાજકુંવરડે ચૂંથેલી આ રાજકોટની દીકરીને પોતાના દીકરાની કુળવધૂ કરવા માટે ? બોલો, કઈ મૂછોનાં ગૂંચળાં માથે લીંબુડાં લટકાવીને તમે મને કહેવા આવ્યા છો કે તમારાથી કોઈથી ન સંઘરી શકાઈ તેવી એક બાળકીને શરણ આપનાર એક જુવાનની સામે મારે મારાં ઘરબાર બંધ કરવાં, ભાઈ ? કઈ મૂછોમાંથી એટલું પાણી ટપકે છે ? પાણી હોય તો પહોંચો પરબારા પ્રવીણગઢ : લ્યો આ બે-જોટાળી. ઉપર મારું નામ કોતરેલું છે. કોરટમાં આવીને કહીશ કે ‘હા, હા, મેં જ દીધી’તી એ બંદૂક મેં મૂકી હતી એને મારા બહાદરિયા રાજકોટિયાના હાથમાં, ને મારી છાતી ફાટે છે એ જોઈને કે મારી બે-જોટાળીનો રંગ રહી ગયો છે.’ છે કોઈ માટીમાર ? તો આ લ્યો.”

એમ કહેતાં કહેતાં શેઠે પોતાની બાજુમાં પડેલ બંદૂકને ઉઠાવી હાથ મહેમાનો તરફ લાંબો કર્યો, સામે એક પણ હાથ ન લંબાયો. એકેક મહેમાને મોં બગાડી શેઠની નજર ચુકાવી.

બાગમાંથી અને વાડીમાંથી શેઠના સાથીદારો ટોળે વળી ગયા હતા. તેઓ જ્યાં ઊભા હતા ત્યાં થીજી ગયા. તેઓએ તે દિવસે પહેલી જ વાર પોતાના ધણીને ઉશ્કેરાયેલો દીઠો. છેલ્લા આખા મહિનામાં શેઠ નહિ બોલ્યા હોય તેટલા બોલ તે વખતે એકસામટા બોલી ગયા હતા.

ધીરે રહીને એણે બંદૂક પોતાના ખોળામાં ધરી દીધી. એણે પોતાનો અવાજ ધીરો પાડી દીધો. એની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. એણે દુપટ્ટા વડે મોં લૂછીને કહ્યું : “મને તો લ્યાનત છે કે હું આ બધો મામલો જાણતો જાણતો પણ અહીં સમસમીને બેસી રહ્યો છુ.ં મેં મારાં હથિયારને લજવ્યાં છે. મેં મારા પૂર્વજોને આજ પાણી વિના ‘પાણી ! પાણી!’ પોકારતા કર્યા હશે. પણ શું કરું ? મેં આજ આંહીં આટોલ પથારો કર્યો છે. મેં પારકાના - મારી બહેનોના ને ફઈઓના, મારા ભાઈબંધોની રાંડીરાંડોના - રૂપિયા લઈલઈને આ ધરતીમાં રેડ્યા છે. એ સૌનાં નાણાં દૂધે ધોઈને હું પાછાં પહોંચતાં ન કરું ત્યાં સુધી હું મારી આ શેરડીના ભર્યા સાંઠામાં કળોયાંનું લોહી ભાળું છું. મેં મારી શેરડીને હજુ મોંમાં નથી નાખી. હું તો કેદી છું મારી ઈજ્જત-આબરૂનો, ને મારાં વિશ્વાસુ માણસોનો, એટલે કે હું અત્યારે કંગાલ છું, મરદ નથી રહ્યો. કંગાલ છું તેથી જ હું એ બે છોકરાંને માટે આથી વધુ કાંઈ કરી શકીશ નહિ. બાકી તો આ ધરતી મારા એકલાની મા નથી. એનામાં જેટલી પહોળાશ હશે તેટલી તો એ એનાં બચ્ચાંને છાંયડી કાઢી જ આપશે.”

“આ તો બધી આડી વાતે ઊતરી ગયા તમે, શેઠ ! કાંઈ નહિ. ખેર ! અમે રજા લઈએ છીએ.” કહીને મુખ્ય મહેમાન ઊઠ્યા. તેમની પછવાડે બીજા સહુ ઊઠ્યા. સહુને શેઠે હાથ જોડ્યા.

બહારથી કંઈક નવી સંતલસના ગુસપુસ અવાજો આવ્યા. શેઠે એ સૂર પકડ્યા. એમણે બહાર નીકળીને મોટરોને વળાવતાં વળાવતાં પૂર્ણ ગંભીર ચહેરે કહ્યું : “જો આપ હવે રાવળજી બાપુને મળવા જવાનો વિચાર કરતા હો તો નવલખાનો મારગ આ સામે રહ્યો. અહીંથી ત્રીસ ગાઉ થાય છે. રસ્તો લાંબો છે ને વાંકો પણ છે. ઉતાવળ હોય તો મારા ચોકિયાતને ભેળો મોકલું. રાત રોકાઈને સવારે નીકળવું હોય તો વાળુપાણીને તૈયાર થતાં વાર નહિ લાગે. પથારીઓ પણ તૈયાર છે.”

“ના ના. રાજકોટ જ જશું.”

“મારી દયા ન ખાતા, હો કે ! રાવળજી બાપુ મને દબાવી તો નહિ જ શકે. બાકી, હાં, કાઢી મૂકી શકશે.”

એ શબ્દોના ધગધગતા ડામ અનુભવતા મહેમાનો વધુ વાતનો પ્રસંગ શેઠને ન દેતાં પાછા વળ્યા.

“આ ચાલ્યાં આવે બેય જણાં.” ચાલતી મોટરે મહેમાનોએ રસ્તામાં બળદગાડીમાં પિનાકી-પુષ્પાને આવતાં દીઠાં.

“સાલાંને આંહીં ઠમઠોરવાં જોઈએ.”

“થોડાક પાણકા લઈ લીધા હોત, તો દોડતી મોટરે એનાં માથાં રંગી શકાત.”

“બહુ થયું હવે, ભાઈ !” અંદરથી એક વૃદ્ધના શબ્દો જુદા તરી નીકળ્યા.

“કેમ, કાકા ?”

“આપણે નામર્દો છીએ. મને શેઠના બોલના ભણકારા વાગે છે : આપણે નામર્દો છીએ. આ છોકરા સામે તો જુઓ ! સાચો મર્દ તો એ છે. હવે આપણા બડબડાટ બંધ કરો.”

તે પછી કોઈ કશું જ બોલ્યું નહિ. મોટરો ગાડાને વટાવી ગઈ.

૫૫. ધરતીને ખોળે

“હું ઊંઘતો’તો ત્યારે આ મોટરો નીકળી હતી ?” ગાડામાં જાગીને પિનાકીએ પુષ્પાને પૂછ્યું.

અબોલ પુષ્પાએ માથું હલાવ્યું.

પિનાકી આખી વાતનો ભેદ પામી ગયો. થોડી વાર એ મૂંગો રહ્યો. પછી એણે પુષ્પાને પૂછ્યું : “કદાચ આંહીંથી જાકારો મળશે તો ?”

પુષ્પા મૂંગીમૂંગી હસી.

“તો ક્યાં જશું ?” પિનાકીએ પૂછ્યું. પુષ્પાએ ફરી વાર મોં મલકાવ્યું.

“કેમ હસે છે ? જવાબ કેમ નથી આપતી ?”

“મને કેમ પૂછો છો ? મારે ક્યાં ક્યાંય જવાની ચિંતા છે ?”

“એટલે ?”

“એટલે કે હું તો તમારી પાસે ગયેલી જ છું. હવે મારે બીજે ક્યાં જવાનું છે ? તમે પણ શા સારુ ચિંતા કરો છો અત્યારથી ?”

“અત્યારથી ! આ સામે ગામ છે. પેલા લોકો પાકું કરીને જ પાછા વળ્યા લાગે છે.”

“તમને મેં ફસામણમાં નાખ્યા ત્યારે તો.” પુષ્પા થંભીને ચારે દિશે જોવા લાગી. “હું આંહીં ઊભી રહું ? તમે જઈને પૂછી જુઓ. એ હા પાડે તો જ હું આવીશ.”

“નહિતર ?”

એ પ્રશ્નનો જવાબ પુષ્પા દસેય દિશાઓના સૂનકારમાંથી શોધતી હતી.

પિનાકીને ભોંઠામણ આવ્યું : આ છોકરીને હું અટવાવું છું શા માટે ? એ મારે શરણે આવી છે એટલા માટે ? એને શું કોઈ મુસલમાન નહિ મળી રહે ? હું એક જ શું તેનો તારણહાર છું ? અમને શેઠ નહિ સંઘરે તો પણ મારું ને પુષ્પાનું અંજળ હવે ન છૂટી શકે.

“પુષ્પા, આ ખેડુ-સંસાર તારાથી સહેવાશે ?” એણે બીજો સવાલ કર્યો.

“અત્યારે સહેવું પડ્યું છે તે કરતાં તો ખેડુ-સંસાર વસમો નથી ને ?”

“વખત જતાં કંટાળી તો ?”

“તે બધી વાતની જંજાળ અત્યારથી કાં કરો ? તમે આવડી બધી આફતને ઉપાડી લીધા પછી ‘શું થશે શું થશે ?’ કરી કેમ ડરો છો ?”

“પુષ્પા, તું તો કઠણ બની ગઈ ! મનેય ખૂબ હિંમત આપે છે તું તો.”

“તો બસ.”

બેઉ જણાં આવળની લંબાયેલી ડાળીઓને હીંચોળતાં ચાલતાં હતાં. ઓચિંતી બાવળની નમેલી ડાળીઓ બેઉના ગાલને ઉઝરડા કરતી જતી હતી. હાલારી નદીનું વહેમ જરીક દૂર સંતાઈ પાછું તેમની જોડાજોડ થઈને ચાલ્યું આવતું હતું. ને થોડે છેટે સામા બંદૂકધારી શેઠ ચાલ્યા આવતા હતા.

પિનાકીના કાળજામાં કબૂતરો ફફડવા લાગ્યાં. પુષ્પા પછવાડે પછવાડે ચાલવા લાગી.

પડી ગયેલું મોં લઈને પિનાકી ઊભો રહ્યો. શેઠે આવીને પહેલો સવાર એ પૂછ્યો : “ઓલ્યા મોટરવાળાઓએ રસ્તામાં કાંઈ ઉત્પાત તો નહોતો કર્યો ને ?”

એટલું કહેતાં કહેતાં તેણે પિનાકીની ગરદન પરથી બાવળની એક શૂળ ચૂંટીને ફગાવી દીધી. પિનાકીએ ફક્ત ડોકું હલાવ્યું.

“મને તો એટલી જ બીક હતી.”

આથી વિશેષ એક બોલ પણ ઉમેર્યા વિના શેઠે કહ્યું : “ચાલો ત્યારે.”

બંદૂકને ખભે ચડાવી શેઠ આગળ ચાલ્યા ત્યારે આકાશમાં ત્રીજનો ચંદ્ર લલાટની કંકુ-ટીલડી જેવો તબકી રહ્યો. હરણાંના ટોળાને લઈ એક ઉચ્ચશીંગો કાળિયાર બંકી-ટેડી મુખ-છટા કરીને ગરદન મરોડતો નદીને સામે તીરે ચાલ્યો ગયો. થાકીને લોથ થયેલ કોઈ નાસેલ કેદી જેવું અંધારું ધરતીને ખોળે ઢળતું હતું.

૫૬. ઉપસંહાર

“ટીડા મહાાજ !” શેઠે પોતાના બૂઢા રસોઈયાને તેડાવ્યો, કહ્યું : “મૂરતબૂરત નથી જોવાં, ઘડિયાં લગન લેવાં છે. મારે કન્યાદાન દેવું છે. કાલ સવારે અહીં રાજનું કે સરકારનું બુમરાણ મચે તે પહેલાં પતાવવું છે. છે હિંમત ?”

“હવે હિંમત જ છે ના, ભાઈ !” ટીડાએ બોખા મોંમાંથી થૂંક ઉરાડતે ઉરાડતે કહ્યું.

“તમારેય જેલમાં જવું પડે કદાચ !”

“પણ તમ ભેળું ને ?”

“હા, મને તો પે’લો જ ઝાલે ને !”

“ત્યારે ફિકર નહિ, હું અનુભવી છું, એટલે તમને જેલમાં વાનાં માત્રની સોઈ કરી દઈશ.”

“સાચું. તમે કેમ ન ડરો તે તો હવે યાદ આવ્યું.”

ટીડો મહારાજ સાત વર્ષની ટીપમાં જઈ આવેલ હતો.

એના હાથે ચોરી રોપાઈ. આખા રાજવાડામાં ધામધૂમ મચાવીને ધડૂકતે ઢોલે શેઠે પુષ્પાનું કન્યાદાન દીધું.

“જો, જુવાન !” શેઠે ચોરી પાસે બેઠાંબેઠાં કહ્યું : “ચેતાવું છું. આ મારી કન્યા ઠરી. એને સંતાપનારો જમાઈ જીવી ન શકે, હો બેટા !”

પિનાકીએ નીચે જોયું. પુષ્પાનું મોં તો ઘૂમટામાં હતું. એનો ઘૂમટો સળવળી ઊઠ્યો.

દિવસો એકબીજાને તાળી દઈદઈ ચાલ્યા જતા હતા. બેસતા શિયાળાને વાયરે વનસ્પતિનાં પાંદડાં ફરફરે તેમ પુષ્પાના પેટનું પાંચેક મહિનાનું બાળ સરવળતું હતું. પિનાકીની હથેળી એ સળવળાટનો સ્પર્શ પામતી સ્વાગત દેવી હતી. પુષ્પાનાં નયન પ્રભાતની તડકીમાં આંસુએ ધોવાઈ સાફ થતાં હતાં.

શેઠ પિનાકીને વાડીની વાડ્યેવાડ્યે રમતા જાતજાતના વેલાની અને ભોંય પર પથરાયેલી તરેહ તરેહ વનસ્પતિઓની પિછાન આપતા હતા : “જો, હાથપગના સોજા ઉપર, અથવા તો મોંની થેથર ઉપર આ વાટીને ચોપડાય. સાંધા તૂટતા હોય તો આને પાણીમાં ખદખદાવી નવરાવાય.” વગેરે વગેરે.

પિનાકી સાંભળી સાંભળીને સમજતો હતો કે આ બધી વનસ્પતિ-શિક્ષણનું લક્ષ્ય હતી ગર્ભિણી કર્મકન્યા પુષ્પા. મુર્શદે બતાવેલી તે તમામ ઔષધિઓને પિનાકી ઉપાડી લેતો હતો.

“અરે રામ !” શેઠ અફસોસ પણ કરતા જતા હતા : “સોરઠમાંથી જેકૃષ્ણ જેવો ઓલિયો કચ્છમાં ધકેલાણો. આવડી મોટી વસુંધરા એક જેકૃષ્ણને ન સાચવી શકી. કોણ એને પાછા લાવશે ? કોણ એના ઈલમનો વારસ થશે ? આ ઝાડવાંને કોણ હોંકારો દેતાં કરશે ?”

ફરીને પાછા આવ્યા ત્યારે પાણકોરાના મોટા બગલથેલાવાળા ત્રણેક મહેમાનો આવી પહોંચ્યા હતા. મગફળીની શિંગો, ખજૂર અને કાજુનો તેઓ નાસ્તો કરતા હતા.

“હો ! હો ! હા ! હા ! હા !” એક ચકચકિત મોંવાળા પડછંદ અતિથિનો ખંજરી જેવો રણઝણતો અવાજ આવ્યો : “શુભ સમાચાર ! શુદ્ધ બલિદાન ચડી ગયું છે. દુષ્ટોના દિવસો ભરાઈ ચૂક્યા છે.”

“શું છે પણ ?”

“પરમ આનંદ ! મંગલ ઉત્સવ ! સુરેન્દ્રદેવજીએ ગાદીત્યાગ કર્યો. શું પત્ર લખઅયો છે સરકાર પર ! ઓહ ! વાહ ક્ષત્રિવટ ! આ તો સોરઠનો રાણો પ્રતાપ પાક્યો !”

“હં ! થઈ પણ ચૂક્યું ?” શેઠે ગંભીર, ઊંડા અવાજે બંદૂક ખભેથી હેઠી ઉતારી અને શ્વાસ હૈયેથી હેઠો ઉતાર્યો.

“બસ !” મહેમાનોએ લલકારવા માંડ્યું : “જ્વાલા પ્રગટી સમજો હવે !”

શેઠને આ શબ્દોમાં સ્વાદ ન રહ્યો. એણે પોતાની આંખો ચોળી : જાણે કશુંક ન દેખાતું નિહાળવું હતું એને.

“કહો.” મહેમાને કહ્યું : “હું તો ઝોળી ધરવા આવ્યો છું. તમે હવે ક્યારે આ બધું છોડો છો ? મને વચન ન આપો ત્યાં સુધી હું જમનાર નથી.”

શેઠ ચૂપ રહ્યા. મહેમાને બગલથેલીમાંથી છાપું કાઢીને ફગાવ્યું.

“આ વાંચો : શો જુલમવાટ ચાલી રહ્યો છે ! વિક્રમપુરનાં રાજમાતા દેવુબાને ત્યાંથી હુડેહુડે કરી કાઢ્યાં, ને રાજમાતા છાજિયાં લેતાંલેતાં, છાતી કૂટતાં કૂટતાં એક અદના સિગરામમાં સ્ટેશને પહોંચ્યાં ! આટલું થયા પછી પણ તમારાં રૂંવાડાં ખડાં થતાં નથી ?”

મહેમાનની વાગ્ધારા વહેતી રહી, અને શેઠની આંખો છાપાના એક-બે બીજા જ સમાચારો પર ટકી ગઈ : પ્રવીણગઢના દરબારશઅરીને ‘સર’નો ઈલકાબ મળે છે !

“વાંચ્યું આ ?” શેઠે પાનું પિનાકી તરફ ફેંક્યું.

વાંચીને પિનાકી ત્યાંથી ઊઠી ચાલ્યો ગયો.

ધોળી ટોપી અને ખાદીના બગલથેલાવાળા મહેમાનો ખાવાપીવામાં ભાતભાતના છંદ કરીને પછી નિરાશ થઈ ચાલ્યા ગયા. શેઠે જે એમ કહ્યું કે “મારે રાંડીરાંડોને ભેગી કરી ‘આશ્રમ’ના મહંત નથી બનવું...” એથી મહેમાનો ચિડાયા હતા.

રાત ‘ઝમ્‌-ઝમ્‌’ કરતી હતી. તારાઓ આકાશની છાતીમાં ખૂતેલાં ખંજર જેવા દીસતા હતા. પિનાકી પાણીબંધ પર એકલો બેઠો હતો. એને ચેન નહોતું.

“શું છે ?” શેઠે શાંતિથી આવીને એનો ખભો પંપાળ્યો.

પિનાકીએ સામે જોયું. એના મોં પર ઉત્તાપ હતો.

“વહુને કેમ છે ?” શેઠે પૂછ્યું.

“બહુ કષ્ટાય છે.” જવાબ ટપાલીએ ફેંકેલા કાગળ જેવો ઝડપી હતો.

“અહીં કેમ બેસવું પડ્યું છે ? ચાલો ઘેર.”

“એ નહિ જીવે તો ?”

“તો ?”

“તો હું શું કરીશ, કહું ?”

“કહો.”

“પ્રવીણગઢ જઈને હિસાબ પતાવીશ.”

“તે દિવસ હું તને નહિ રોકું. પણ એ દિવસને જેટલો બને તેટલો છેટો રાખવા માટે હું તારી મરતી વહુને બચાવીશ. ચાલ, ઊઠ.”

પિનાકીને પોતે આગળ કર્યો. નદી-બંધ ઉપર ચંદ્ર-તારા ફરસબંધી કરતાં હતાં. એ ફરસબંધી પર ચાલ્યા જતા શેઠની પ્રચંડ છાયા પિનાકી ઉપર પડતી હતી. નદીનાં વહેતાં પાણી ઉપર ચંદ્રમા જલતરંગ બજાવતો હતો.

“તું મારે ઘેર સુરેન્દ્રદેવજીની થાપણ છો, એ તને યાદ છે, બેટા ?” બંદૂકધારીએ પિનાકીને એક વાર નદી-બંધ પર થોભાવ્યો.

પિનાકીએ સામે જોયું. શેઠે ફરીથી કહ્યું : “એ તો ગયા.”

“મારાં તો ઘણાંઘણાં ગયાં.”

“એ પાછા આવે ત્યાં સુધી વાટ જોવાની.” પિનાકીના મોં પર ત્રાટક કરતા હોય તેવી તરેહથી આંખો ચોડીને શેઠ છેલ્લો શબ્દ બોલ્યા : “વાટ જોતાં શીખજે. હું શીખ્યો છું.”

- ને પછી બેઉ ચાલ્યા ગયા. નદી-બંધના હૈયામાં તેમનાં પગલાં વિરમી ગયાં.

Rate & Review

Mms

Mms 1 month ago

Pravin Gondaliya

Pravin Gondaliya 2 months ago

Pravinkumar

Pravinkumar 2 months ago

Shaili

Shaili 4 months ago

Vb Gondalia

Vb Gondalia 5 months ago