Akbandh Rahashy - 5 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | અકબંધ રહસ્ય - 5

અકબંધ રહસ્ય - 5

એકબંધ રહસ્ય

ભાગ - 5

Ganesh Sindhav (Badal)

રઝિયા અને નજમાએ એમ.એ. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. હવે એ બંને જી.પી.એસ.સી. ની પરીક્ષામાં બેસવાની તૈયારી કરી રહી હતી. પરીક્ષાને હજી ત્રણ મહિનાની વાર હોવા છતાં ઘનિષ્ટ રીતે એમનો અભ્યાસ ચાલતો હતો. આ દિવસોમાં રઝિયાની માસી આયશાના આંગણે એમ્બેસેડર કાર આવીને ઊભી રહી. એમાં રઝિયાના ચાચા નૂરમહંમદ અને એની ચાચી ફાતીમા હતાં. એમને આયશાને આવકાર આપ્યો. એમની આગળ ચા અને નાસ્તાની ડીસ પહોંચી. નાસ્તો રઝિયાએ બનાવ્યો હતો.

ચા નાસ્તો કરતાં કરતાં નૂરમહંમદે આયશાને કહ્યું, “તમે રઝિયાને ભણાવી એ મોટું કામ કર્યું છે. આપણામાં પૈસાપાત્ર લોકો પણ છોકરીઓને ભણાવતાં નથી. મારા ભાઈજાન અને ભાભીના મ્રુત્યુ પછીથી તમે રઝિયાનો ઉછેર કર્યો, એને એમ.એ. સુધી ભણાવી એ તમારી ખુદ્દારી છે. અમારા કુટુંબમાં પણ શિક્ષણનું મહત્વ છે. અમારો રહિમ પણ ગ્રેજ્યુએટ થઈને મારી સાથે વેપારમાં જોડાયો છે. એની સૂઝ સારી છે. ધાર્યા કરતાં એ સારી કમાણી કરે છે. રઝિયા એમ.એ. સુધી ભણી છે. એને સારી નોકરી મળવાની પુરેપુરી સંભાવના છે. એણે નોકરી કરવી હોય તો એને છૂટ છે. નોકરી ન કરે તોએ અમારી પર ખુદાની મહેર છે. રઝિયા અને રહીમની જલદીથી શાદી થાય અને એ સુખી બને એવી અમારી ઈચ્છા છે.” રઝિયા અંદરના રૂમમાં બેઠી હતી. ફાતીમાએ પાસે જઈને એને ગળે વળગાડી. એ રઝિયા માટે એક જોડી કપડાં લાવ્યાં હતાં. કાજુ, બદામ અને અંજીરના પેકેટ પણ લાવ્યાં હતાં. એ બધું આયશા આગળ ધર્યું.

આયશા કહે, “મારા જેઠની દીકરી નજમા અને રઝિયા બંને જી.પી.એસ.સી.ની પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે. હમણાં એમને શાદીની વાત કરીને ખલેલ પહોંચાડવી ઉચિત નથી. હવે આ ભણેલી છોકારીઓને શાદી બાબત પૂછવું જરૂરી છે. આયશાને વાત સંભાળીને નૂરમહંમદ અને ફાતીમાના ઉત્સાહને બ્રેક લાગી. નૂરમહંમદની કાર ઘર તરફ રવાના થઈ. મુખ્ય રોડ પર આવીને કારની ગતિ વધી. ત્યારે ફાતીમાએ કહ્યું, “રઝિયાને તો મનાવી લઈશું. એને આપણા જેવું ઘર ક્યાં મળવાનું હતું ? એની માસી ફાચર ન મારે તો સારું.”

રઝિયાએ પોતાના ચાચા ચાચી આવ્યા હતાં એ વાત નજમાને કરી. પોતાની શાદી રહિમની સાથે ગોઠવવાનો પ્રસ્તાવ એમણે મૂક્યો હતો. એમને માસીએ જવાબ આપ્યો કે, શાદીનું નક્કી કરતા પહેલાં રઝિયાને પૂછવું જરૂરી છે. “રહિમ નાનો હતો ત્યારથી એને હું સારી રીતે જાણું છું. મોટો થઈને એ બદમાશ સુધર્યો નથી. એની સાથે શાદી કરવી એનો મતલબ ઊંડા પાણીમાં જાણી જોઇને કૂદી પડવું.”

નજમા કહે, “હમણાં શાદી બાદીની વાત જવા દે. આ વાતથી આપણા ધ્યેયને ખલેલ પડે છે.”

આયશાને ઘરે ફોન આવ્યો. એનો દીકરો રસુલ શાદી કરવાના ઈરાદાથી લાંબી રજા લઈને દુબઈથી હિન્દુસ્તાન આવી રહ્યો છે. એણે આયશાએ ફોન પર કહ્યું કે, “તું ત્રણ મહિના પછી દેશમાં આવજે.” રસુલને એની કંપનીમાંથી રજા મળતી ન હતી. શાદીની વાતે એની રજા મંજૂર થઈ હતી. ચાર દિવસ થયા ને એ દેશમાં આવી પહોંચ્યો.

રસુલની શાદી નજમા સાથે થાય એવું આયશા ઈચ્છતી હતી. નજમા હાલ જે પરીક્ષાની તૈયારી કરી રહી હતી એની વચ્ચે શાદીની વાત કરવી એ આયશાને ઉચિત લાગતું ન હતું. એણે રસુલને આ વાત સમજાવીને પાછો દુબઈ રવાના કર્યો. રસુલે જતાં પહેલાં નજમાને કહ્યું કે, “દુબઈમાં આપણે સુખચેનથી રહીશું. તને ત્યાં ફાવશે.” નજમા અનુત્તર રહી. દુબઈ જવાની એની મરજી બિલકુલ નથી.

રઝિયા અને નજમાની દોસ્તી અજબ ગઝબની હતી. બંનેને જ્યાં જવું હોય ત્યાં એ સાથે સાથે જતી. પીક્ચર જોવા સાથે, ખરીદી કરવા સાથે, જી.પી.એસ.સી. ની પરીક્ષાનું માર્ગદર્શન મેળવવા માટે સુરેશને ઘરે સાથે જ જતી. એ બંનેના સ્વભાવમાં તફાવત હતો. રઝિયા લાગણીસભર અને ઉર્મિલ છે. નજમાનો સ્વભાવ ડંખીલો અને તડફડીયો છે.

આ એવી સ્પર્ધા છે જેમાં મૂક રહીને હરીફની આગળ નીકળવાનું છે. બંને હરીફોમાંથી એકેયને પોતાનો રકાસ મંજૂર નથી. બંને ચબરાક અને ચતુર છે. શિક્ષણની લાંબી સફરમાં એક સંગાથે રહીને પારંગત મેળવી છે. રોજબરોજની ઝીણી ઝીણી વાતો એક બીજીને કહ્યા વિના રહી શકાતું નહોતું. બહેનપણીને મળ્યા વિના દિવસ જતો નહોતો. એ બંનેનું લક્ષ સુરેશને પામવાનું છે. બંનેમાંથી એકેયની જીભે સુરેશ સાથે શાદી કરવાની વાતનો અણસાર આવતો નથી. દિલના ખૂણે સંતાડીને મુકેલી વાત જો કસમયે જાહેર થાય તો પોતે સાધેલું નિશાન ચુકી જવાનો ડર બંનેને છે.

રઝિયાની ઘાટીલી દેહલતા અને એના ઉમદા વિચારોથી સુરેશ પ્રભાવિત છે. બીજી તરફ નજમાના નજાકત લાવણ્યને સુરેશ નજરઅંદાજ કરી શકતો નથી. સુરેશના ગામઅણગમાનો ખ્યાલ નજમાને હોવાથી એ એને સમર્થન આપ્યા કરતી. નજમાની આ હરકતની નોંધ રઝિયા લેતી હોવા છતાં એની પ્રતિક્રિયા એ આપતી નહોતી. કોઈવાર સુરેશ એને પૂછે તો એ ટૂંકમાં હા, ના કેહતી.

સુરેશના મનમાં દ્રિધા છે. એ કોઈ નિર્ણય લઈને આગળ ચાલતો નથી. કોઈએ કહ્યું છે, ‘સ્ત્રીના મનને પામવું કઠીન છે.’ એ રીતે રઝિયા કે નજમા એ બંનેમાંથી કોઈ એકની આગળ લગ્નનો પ્રસ્તાવ મુકતાં જ તોફાની ઝંઝાવાતનો સામનો કરવો પડશે. એમના રૂઢીચુસ્ત વલણને કારણે વાતનું વતેસર બનીને કોમી તોફાન થઈ શકે છે. એવું ન બને તોય બેમાંથી કોઈ એક સાથે લગ્ન કરીને સુખી થવું સરળ નથી. સ્ત્રીની ઈર્ષ્યા આગ બનીને ભસ્મીભૂત કરી શકે છે. આ મુશ્કેલીઓની સંભાવના હોવા છતાં એ લગ્ન માટે સજ્જ હતો. આ લગ્ન બાબત જયાને જે કરવું હોય તે કરે. એની એને ચિંતા ન હતી.

સુરેશ માનોમન વિચારતો હતો. પોતાના પરિચિત એવા ઘણા પટેલ મિત્રો શહેરમાં આવીને પોતે ઈચ્છેલી સ્ત્રી સાથે લગ્ન કરીને સાથે રહે છે. ગામડે રહેતી પરણેતર પત્નીને તેઓ કોઈ દિવસ અહીં શહેરમાં લાવતા નથી. એ બીચારી ગામમાં રહીને છાણવાસીંદા કરીને જીવ્યાં કરે છે. એનો પતિ અહીં શહેરમાં સુખેથી જીવે છે. એમાંના કેટલાકને ગોળના આગેવાનોએ કદાચ દંડ કર્યો હશે. કોર્ટે કોઈને જેલમાં પૂર્યા હોય એવું સાંભળ્યું નથી. જો કે એ બધાએ હિન્દુ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. પોતાની સ્થિતિ અલગ છે. જે સમયે જે પ્રશ્ન ઊભા થશે ત્યારે જોયું જશે.

Rate & Review

Hims

Hims 7 months ago

yogesh dubal

yogesh dubal 11 months ago

Gordhan Ghoniya
Naresh Bhai

Naresh Bhai 2 years ago

Bhavesh Sindhav

Bhavesh Sindhav 3 years ago