Akbandh Rahasya - 18 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | અકબંધ રહસ્ય - 18

અકબંધ રહસ્ય - 18

એકબંધ રહસ્ય

ભાગ - 18

Ganesh Sindhav (Badal)

આ વરસે વરસાદ સારો હતો. બાજરી, મકાઈ, તુવેર અને જીરૂનો પાક ધાર્યા કરતા વધુ હતો. દિવાળી પછી ઘઉં, મગ અને કપાસનો પાક લીધો. આજુબાજુના ત્રીસ જેટલા ગામોના ખેડૂતો અવારનવાર સંસ્થામાં આવીને ખેતીનું નિરક્ષણ કરતા હતા. એ ખેડૂતોને વિઠ્ઠલભાઈ જરૂરી માર્ગદર્શન આપતા. તેઓ જિલ્લા ખેતીવાડી સંઘના સભાસદ હતા. સંસ્થાની ખેતી જોવા આવનાર ખેડૂતોને પણ તેઓ સંઘના સભાસદ તરીકે નોંધતા. આ ખેડૂતો માટે વિઠ્ઠલભાઈ માર્ગદર્શક મિત્ર હતા.

આ વરસે સંઘના હોદેદારોની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈએ ઉમેદવારી નોંધાવી. તેમાં તેઓ વિજયી થયા. સંઘના પ્રમુખ મંત્રી વેપારી હતા. એમને પૈસા સાથે સંબંધ હતો. એમને મન ખેડૂતોનું હિત નહોતું. જ્યારે વિઠ્ઠલભાઈને હૈયે પ્રથમ ખેડૂતોનું હિત હતું. આ કારણે ખેડૂતોમાં તેઓ પ્રિય હતા.

રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને ઇઝરાયલની ખેતી જોવા માટે મોકલવાનું સરકારે નક્કી કર્યું. એ માટે દરેક જિલ્લામાંથી પ્રયોગશીલ ખેડૂતોના નામો મંગાવ્યાં. એમાં વિઠ્ઠલભાઈ પટેલના નામની પસંદગી થઈ. ઇઝરાયલના પ્રવાસે જવા માટે લાગવગીયાઓની લાંબી યાદી હતી. એમાં મોખરે રહેવું મુશ્કેલ હતું. વિઠ્ઠલભાઈ પાસે એમના કામનું બળ હતું. અવારનવાર અખબારના પાને એમના કામની તારીફ થતી હતી. એથી તેઓ આગળ હતા. એમના હરીફોએ બેસી જવું પડ્યું.

નિયત તારીખે વિઠ્ઠલભાઈએ પ્રવાસની તૈયારી કરી લીધી. ભાડાની ગાડીમાં સુરેશ, રઝિયા, રેવાબા, આયશા વગેરે બેઠાં. બીજી ગાડીમાં વિઠ્ઠલભાઈના ખેડૂત મિત્રો હતા. અમદાવાદના વિમાનઘર સુધી એમને મૂકવા માટે સૌ આવ્યા હતા. એ રીતે બીજા જિલ્લામાંથી લોકો આવ્યા હતા. મહેસાણા જિલ્લામાંથી વિરમની પસંદગી થઈ હતી. તેને મુકવા માટે ચતુરભાઈ, વિરમની પત્ની મંજુલા અને એનાં બાળકો આવ્યા હતા. આ બધાને વિઠ્ઠલભાઈ અને એમના પરિવારને જોઇને નવાઈ લાગી. જયા, સુમન અને મધુ એકબાજુ ઊભા રહીને એ બધાને જોતા હતા. જયાની મા મધુ સુરેશ તરફ આંગળી ચીંધીને સુમનને કહેતી હતી, “જો પેલો વચ્ચે ઊભો છે એ તારો બાપ છે. એ નફ્ફટને તારી કંઈ પડી છે ? એ તારી સામે જોતો પણ નથી.” થોડે દૂર કેટલાક ખેડૂતો વચ્ચે ઊભેલા વિઠ્ઠલભાઈ તરફ હાથ લંબાવીને એણે સુમનને કહ્યું. જો એ વચાળે ઊભા એ તારા દાદા છે. એની પાછળ પેલી સ્ત્રીઓ આગળ તારી દાદી ઊભી છે. તું તારા દાદા પાસે જઈને બોલ કે, ‘હું તમારો પૌત્ર સુમન છું.’

જયાએ એની માને છણકો કરીને કહ્યું, “આ બધું સુમનને કહેવાની તારે શું જરૂર છે ? આ તારા ટીખળવેડા બંધ કર. મધુ કહે, એમાં ટીખળવેડા શાના ? મારે એ જોવું છે કે એમનામાં કંઈ લાગણી જેવું છે કે નહીં ?”

મધુબાએ પોતાને જે કહ્યું એને મમ્મી ટીખળ કહે છે. નાવમા ધોરણમાં ભણતા સુમનને આ વાત સમજાતી નહોતી. એણે એની મમ્મીને કહ્યું, “ટીખળની તારી વાતમાં મને કંઈ સમજાતું નથી.”

વિમાનઘર આગળ જુદા જુદા જિલ્લામાંથી આવેલા લોકોની ભીડ હતી. એ ભીડ વચ્ચે ચતુરભાઈએ વિઠ્ઠલભાઈને જોયા. એ ઝડપથી એમની પાસે પહોંચ્યા.

એણે કહ્યું, “બનેવી, તમે ઇઝરાયલ જાવ છો ?” વિઠ્ઠલભાઈએ હકારમાં ડોકું હલાવ્યું.

ચતુરભાઈ કહે, “તમને ખૂબ ખૂબ અભિનંદન !”

વિઠ્ઠલભાઈ કહે, “તું મને અભિનંદન આપે છે. એની જાણ નાતને થશે તો તારે દંડાવું પડશે.” ચતુરભાઈએ મૂંગા રહીને સાંભળી લીધું.

એ એની બહેન રેવા પાસે જઈને બોલ્યો, “બૂન મારા માથે હાથ મેલ. હું ઘણા વરસે તારી પાસે આવ્યો છું. મારી ભૂલને માફ કરી દે. બૂન હું નાનો હતો ત્યારે તારા ભાગની મીઠાઈ તું મને આપી દેતી. આપણી મા જેટલું જ હેત તેં તારા આ ભઇલાને કર્યું હતું. એ દા’ડા હું ભૂલ્યો નથી.” એની આંખો ભીની હતી. સામે ઊભેલી રેવાની આંખોમાંથી અશ્રુ વહેતા હતા. એણે ચતુરના માથે હાથ મૂક્યો. રઝિયા અને આયશાની આંખોમાં પણ ઝળઝળિયાં ડોકાઈ રહ્યાં.

વિમાનઘરમાં પ્રવેશવાનો સમય થઈ ગયો હતો. પ્રવાસીઓ પોતપોતાનો સામાન લઈને અંદર જવા લાગ્યા. વિઠ્ઠલભાઈ પણ અંદર ગયા.

રાજ્યના પંદર ખેડૂતોને લઈને વિમાન જેરુસલેમ પહોંચ્યું. આ ખેડૂતોનું નેતૃત્વ રાજ્યના કૃષિમંત્રી કરતા હતા. વિરમ એ મંત્રીનો પડછાયો બનીને એમની પાછળ ચાલતો હતો. બધા ખેડૂતોને થ્રી-સ્ટાર હોટલમાં ઊતારો આપ્યો હતો. મંત્રી અને વિરમ ફાઈવ સ્ટાર હોટલમાં અલગ ઊતર્યા. અહીં શરાબ અને સુંદરીનો સુમેળ હોવો એ સ્વાભાવિક હતું.

Rate & Review

yogesh dubal

yogesh dubal 11 months ago

Gordhan Ghoniya
Vipul

Vipul 4 years ago

Rana Pushprajsinh
Nilam Viradiya

Nilam Viradiya 4 years ago