#AB..kunjdeep..enjoying my life with full of love

હા, હું રાવણ દહન કરીશ...

ચારેકોર રાવણ બાળો, રાવણ બાળોનો હોહાપો મચ્યો છે, પણ, રાવણ છે ક્યાં? મને તો એ દશાસન, વિદ્વાન, બાહુબલી ક્યાંય દેખાતો જ નથી!? મને  તો ફક્ત આજનો નિર્લજ્જ માનવી જ દેખાય છે અને સાચું કહું તો એને જોઈને સાચો રાવણ પણ શરમાય!
રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે જ એનો સ્પર્શ કર્યો હતો ત્યાર પછી હંમેશા રાવણે સીતાની મરજી જ પૂછી છે.  રાવણે એને સ્પર્શ પણ નથી કર્યો. આજનો રાવણ મરજી પણ નથી પૂછતો અને કોઈક વાર તો સ્પર્શ પણ નથી કરતો, એ તો ફક્ત આંખોથી જ બળાત્કાર કરી તૃપ્ત થાય છે. જરા વિચારો એ સમયે એક સ્ત્રીની શું  હાલત થતી હશે? પોતાના ઘરની બહેન, દિકરી  સાથે જો કંઈ નાની વાત પણ બને તો લાકડા લઈને ઊભાં રહી જાય. પરંતુ તમે કોઈની બહેન દિકરીની ઈજ્જત તાર તાર કરો એમાં કશું જ ખોટું નથી લાગતું. 

આપણો સમાજ દીકરીઓને કેમ રહેવું, કેમ જીવવું એ શીખવે છે પણ એક દિકરાને કેમ કંઈ નથી શીખવતા કે બીજી સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું!

પહેલાં તું રાવણ બનતા તો શીખ,
એની તોલે આવી તો જો,
પછી રામ બનીને
  રાવણને મારવા નીકળજે.

અને હા એક વાત યાદ રાખવી,

જ્યારે જ્યારે  મને માનવીય નીચ રાવણ મળશે ત્યારે ત્યારે હું, આજની સ્ત્રી, રામની રાહ ન જોઈશ, ન તો ધરતી માં સમાય જઈશ. મારા સ્ત્રીત્વ ના બાણ થી રાવણ વધ કરીશ.
હા, હું  રાવણ દહન કરીશ.

-      કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

Read More

યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।

કદી ઝુકીશ નહીં,કદી હારીશ નહીં,
કોઈ પણ પરિસ્થિતિમાં, પાછળ હું હટીશ નહીં!

બધા જ રુપ મારામાં અને હું બધામાં..
મારામાં જ દૈવિત્વ સ્વરુપ
હા,
હું એજ શક્તિ સ્વરૂપ સ્ત્રી છું!

સુંદરતા,સમજ અને સંસ્કારનો સમન્વય મારામાં,
એથી જ તો હું જ મારી પહેલી પસંદ  છું.
હા,
હું એક સ્ત્રી છું .

ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેવી સ્થિતિનો
સામનો જે હસતાં ચહેરે કરી શકે,
હા,
હું એ જ હું સ્ત્રી છું!

ઋષી પરંપરાને વળગી આધુનિક જીવન જીવતી
હા,
હું એ જ ઘરેલું છતાં મોર્ડન સ્ત્રી છું!

જો હું સીતા બનીને ધરતીમાં સમાઉં. તો,
સમય આવ્યે ખપ્પર ઉપાડતાં ખંચકાઈશ નહીં
હા,
હું એ જ મહાકાળી રુપ સ્ત્રી છું!

આપું હું વચન પોતાને,
કદી હું તૂટીશ નહીં, કદી હું ઝૂકીશ નહીં!
સર્જનહારી હું છું,
તો,
સમય આવ્યે નરસંહાર કરતા પણ શરમાઈશ નહીં!
હા,
હું  એજ જગદંબા  છું!

મને ગર્વ છે કે હું સ્ત્રી છું!

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ "

Read More

#મૃત્યુમહોત્સવ

જ્યારે કોઈને તમારી જરૂર હોય અને
ત્યારે એનો હાથ પકડવાની
જે મઝા હોય છે,
એ મઝા
એના ગયા પછી
એની સાથે થોડે સુધી ચાલવામાં નથી!

માણસે - માણસે
મૃત્યુની અદા જુદી હોય છે.
પરંતુ,
બીજાને સાથ આપીને મેળવેલ
મોક્ષની મઝા જુદી હોય છે.

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

-Kinjal Dipesh Pandya

Read More

#મૃત્યુમહોત્સવ


નનામી નીકળશે શણગારેલી, ત્યારે એનું નામ કોને પૂછશો?
ન-નામી છતાં મહેરામણ ઊમટે, એ નનામી મારી જ જાણશો!

મારા જન્મ દિવસે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરે
"જન્મ ઉત્સવ છે તો મૃત્યુ મહોત્સવ છે.."
એવા ટાઈટલથી આર્ટીકલ પોસ્ટ કર્યો છે.

એમાં લખ્યું છે કે, "આપણા જવાથી કોઈની આંખમાં પીડાંના નહીં પરંતુ આપણી સાથે વિતાવેલ સમયમાં મેળવેલ આનંદ થકી જે આંસુ આવે મારા માટે તો એ જ મૃત્યુ મહોત્સવ."

આપણાં જીવતાં જીવ જ અનહદ પ્રેમ એક વ્યક્તિ દ્વારા નહીં પણ અનેકો તરફથી મળે એ જ મારા માટે તો મોક્ષ.
આજ મૃત્યુ મહોત્સવ.

મને કોઈ પણ પૂછે, કે," શું કરે છે, આજકાલ?" તો મારો જવાબ એક જ હોય "મારા મય્યતનું મહેરામણ ઊભું કરું છું." મારી પાછળ રડવાં માટે નહીં. મારા મૃત્યુનો મહોત્સવ ઉજવવા. કારણ હું મારા માધવ પાસે જઈ રહી હોઉં એ વાત મહોત્સવ જ હોય.

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

-Kinjal Dipesh Pandya

Read More

રોજની ઈચ્છાઓ કંઈક અલગ હોય છે,
સાથે આવતી લાગણીઓ અલગ હોય છે!

રહે છે તો કાયમ એકસરખો તું જ હૈયામાં,
બાકી અંતરના ઉતાર ચઢાવ રોજ અલગ હોય છે!

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

Read More

મંજુર છે મને આ દુખ પણ સહન કરવું,
જેમાં તને પ્રેમ કરવાનું સુખ મળતું હોય!

-કિંજલ દિપેશ પંડ્યા " કુંજદીપ "

પ્રાર્થના - પ્રચંડ મન:શક્તિનું પ્રેરકબળ

આપણા હિન્દુ ધર્મમાં હોય કે કોઈપણ ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ વિશેષ બતાવ્યું છે. 

 "પ્રાર્થના એ આત્માનો ખોરાક છે." "પ્રાર્થના એ અંતરનો આર્તનાદ છે."

 આપણે સૌ સવારે ઉઠતાની સાથે પહેલાં જ પ્રભુ સ્મરણ કરીએ છીએ. કે હે, પ્રભુ! આજના નવા દિવસ માટે તારો ધન્યવાદ, આજે કોઈ એક કામ તો તું મારી પાસે સારું કરાવજે, કોઈનું ભલું ન કરી શકું તો કંઈ નહીં પણ એટલું ધ્યાન રાખજે કે મારા હાથે કોઈનું  ખોટું તો ન જ થાય, અને એ જોવાની જવાબદારી તારી છે, કારણકે હું તારો બાળક છું.  તું હંમેશા મારી સાથે રહે છે એનો અહેસાસ કરાવતો રહેજે.

અને રાતે સૂતી વખતે છેક છેલ્લે આંખ બંધ કરતી વખતે..
 હે, પ્રભુ! આજના દિવસ માટે તારો આભાર,  તે આપેલા સુખ માટે તારો આભાર, તે આપેલા શ્વાસ માટે આભાર, મારાથી મન, કર્મ, વચનથી કોઈનું ખોટું થયું હોય તો હું એમની માફી માગું છું. અને  મન,કર્મ,વચનથી કોઈએ મારું ખોટું કર્યું હોય તો હું એમને માફ કરું છું. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. તારા ખોળામાં માથું મૂકીને સૂતો છું તને ઠીક લાગે તો ઉઠાડજે. 

આવી તો ઘણી એ પ્રાર્થના આખા દિવસ દરમિયાન પણ આપણે કરતાં જ હોઈએ છીએ.

પરંતુ,

પ્રાર્થના એટલે શું? પ્રાર્થના ક્યારે કરવી જોઈએ? પ્રાર્થના કેમ કરીએ છીએ?

આપણને નકારાત્મકતાથી દૂર, સકારાત્મક ઉર્જા મળતી રહે એટલે પ્રાર્થના કરીએ છીએ. આપણને આંતરિક,માનસિક અને શારીરિક શક્તિ મળતી રહે એથી પ્રાર્થના કરીએ છીએ.

 મને જરૂર પડ્યે તરત કામમાં આવે કે બીજાને જરૂર  હોય અને હું મારી પ્રાર્થનાનું બળ એને પૂરું પાડી શકું મારે મન તો એજ પ્રાર્થના.

મારા મતે….

  સારા સમયમાં પ્રાર્થના કરી લેવી જોઇએ. કારણ કે ખરાબ સમયમાં પ્રાર્થના કરવાનો સમય જ ક્યાં હોય છે!? નથી જ હોતો. 

એમ કહો ને કે  મળતો જ નથી. ત્યારે તો મક્કમ મનોબળ સાથે ફક્ત અને ફક્ત કર્મ જ કરવાનું  હોય છે.  આગળ કરેલી પ્રાર્થના આ સમયે કામ લાગે છે.

પ્રાર્થનામાં એટલી પ્રચંડ શક્તિ છે કે આપણે ગમે એટલા નબળા હોઈશું તો પણ પ્રાર્થનાના બળ થકી સામે આવેલી અતિમહાકાય પરિસ્થિતિને પણ પાર કરી શકીશું માત દઈ શકીશું. 
પ્રાર્થના એ પ્રચંડ મન:શક્તિ નું પ્રેરકબળ છે.

 આ મારો જાત અનુભવ છે અને મારું દ્રઢ પણે માનવું પણ છે.
 હું કૃષ્ણ ભક્ત છું એટલે કર્મમાં જ માનું છું. એટલે એનો અર્થ એવો નથી કે હું પ્રાર્થના નથી કરતી. હું કરી લઉં છું. પરંતુ  સમય આવ્યે તો હું કર્મ જ કરું છું. કૃષ્ણ કહે છે કે, "ફક્ત પ્રાર્થના એ કાયરતાની નિશાની છે, જે સમયે કર્મ કરવાનું હોય એ સમયે જ ફક્ત હાથ જોડીને પ્રાર્થના જ કરવામાં આવે તો કદાપિ સફળતા મળતી જ નથી અને ભગવાન પણ આવતો જ નથી."

 આપણે આપણાં સારા સમયમાં જો પ્રાર્થના કરી હશે અને હરિ નો એહસાસ કર્યો હશે તો જ કપરા સંજોગોમાં એની મદદ અને એનો સાથે હોવાનો અહેસાસ પળે પળે થતો રહેશે. આપણે એને જાણતાં જ ન હોઈએ કે ઓળખતાં જ ન હોઈએ તો એનો 
પગરવ ક્યાંથી ઓળખાશે!?

એથી જ, જો ભગવાનનો અહેસાસ  કરવો હોય તો સારા સમયમાં પ્રાર્થના કરવી અને કપરાં સમયે કર્મ કરી સફળતા મેળવવી, તો જ કૃષ્ણ ખુશ થશે કે આપણા પોતપોતાના ભગવાન રાજી થશે. મારા મતે તો આ જ પ્રાર્થના અને આ જ પ્રાર્થનાનું  મૂલ્ય. 

-કિંજલ દિપેશ પંડ્યા. "કુંજદીપ"

Read More

જો ને, આ કેવું થઈ ગયું!?
મેં કદી ન ધારેલું એ થઈ ગયું !

મારું નામ તારા હોઠો તો ઠીક,
હૈયે પણ આવતું બંધ થઈ ગયું!

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

Read More

હૈયે તારી યાદ'ને, હોઠે સ્મિત રાખતા આવડી ગયું,
જો ને મને પણ આ નવું હુનર રાખતા આવડી ગયું !

પરવા કર્યા વગર કોઇની,બેહદ મહોબ્બત કરી છે તને,
જો હવે મને પણ પ્રેમનો હિસાબ રાખતા આવડી ગયું!

- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ "

Read More

એ કહેતી રહી કે મારે તને જોવો છે,
અને હું કહેતો રહ્યો કે મારે મને જોવો છે!
રાહ જોતી રહી, ને હું પરખતો રહ્યો એને,
આજે એ નથી ત્યારે એનો ચહેરો જોવો છે!
એ કહેતી રહી કે મારે તને જોવો છે.

હારી ગઈ એ મારા પ્રેમમાં ભલે, છતાં જીતી ગઈ,
જતાં જતાં પણ એની ચાહત મને આપતી ગઈ!
બેહદ મહોબ્બતની મિશાલ મારી મહેબૂબા,
મારી તરફ હંમેશા વહાલથી ઉઠતો એ હાથ જોવો છે!
એ કહેતી રહી કે મારે તને જોવો છે.

પ્રેમમાં પારખા ન હોય કદી, એ વાત મને ધીમેથી કહેતી ગઈ
ચૂપચાપ આવી મારા હ્રદય ને એ સ્પર્શી ગઈ!
ન જાણું એવું શું નડ્યું મને કે, જતાં રોકી ન શક્યો એને,
મારા પ્રેમ માં પાગલ એ ચહેરો જોવો છે!
એ કહેતી રહી કે મારે તને જોવો છે!

જો તું હોય ઈશ્વર અહીયાં તો આપ એક વરદાન,
જન્મો જનમ હવે એક જ ચહેરો મારે જોવો છે!
પકડી હાથ કાયમ, એને મારા હૈયે રાખીશ,
આજે એ નથી ત્યારે એનો ચહેરો મારે જોવો છે!
એ હંમેશા કહેતી રહી કે મારે તને જોવો છે!

- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ "

Read More