દુનિયામાં સૌથી મજબૂત અને સૌથી રહસ્યમય કંઈ હોય તો એ છે માનવ મન. માનવીના મનમાં ઉભરાતા, ઉછાળા મારતાં લાગણીઓના પુર જ નવી નવી ઘટનાઓ ઘટવાનું કારણ બને છે અને એને પેપર પર કંડારીને, આપની સમક્ષ એક વાર્તા રૂપે લઈ આવીશ હું...આપ એ વાર્તાને વાંચજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપજો..

હમણાંનો જાણે સમય જ ચાલી રહ્યો છે વિવાદ કરવાનો..! જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ, કોઈને કોઈ વાતે વિરોધ, વિવાદ કરી રહ્યું છે.

ઠીક છે હવે હાથમાં ફોન હોય અને સોશ્યલ મીડિયામાં બે ચાર પોસ્ટ લખીને મૂકી દો એટલે મગજ શાંત થઈ જાય, જે વાત પચી નહતી, જેના વિશે કંઇક કહેવું હતું એ કહેવાઈ ગઈ એટલી ધરપત થઈ જાય અને એમાંય પછી પોસ્ટ પર આવતી લાઈક અને કૉમેન્ટ્સ જોઇને માણસને જાણે જે કહેવું હોય એ કહેવાનો છૂટો દોર મળી જાય...

તમે કોણ છો અને કોની ઉપર લખી રહ્યાં છો એ મુદ્દા ઉપર તો કોઈ વિચાર કરવા પણ નવરું નથી! કોઇની અંગત લાઈફ વિષે ચર્ચા કરવાની છૂટ તમને કોણે આપી? અહીંયા જે પણ લોકો પોસ્ટ મૂકતાં હોય એને અનુલક્ષીને તમે વિરોધ કરી શકો પણ પછી વાત સીધી સામેવાળાના ઘર સુધી પહોંચી જાય, એના પરિવારને પણ અહીં ઘસડી લેવાય અને અભદ્ર ટિપ્પણીઓ ચાલું થઈ જાય એ કેટલું વાજબી..?

કાજલ ઓઝા વૈદ્ય બેન સાથે થોડાક દિવસો પહેલાં આવો જ કિસ્સો બની ગયો અને એમણે સામેવાળા ઉપર કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો...!

ટુંકમાં હવે કોઈના અંગત જીવન પર પ્રહાર કરતાં પહેલાં વિચારી લેજો... ક્યાંક કોર્ટના પગથિયાં ના ચઢવા પડે..!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Read More

એક નિયમ છે પ્રેમની ફરેબી દુનિયાનો... તમે વિચાર્યું પણ ના હોય એટલું દર્દ સહન કરવાની તૈયારી સાથે જ અખતરો કરવો અને એનો કોઈ અંત તો નથી જ છેલ્લે તમે એ દર્દ એ જ પ્રેમ એમ સમજી જશો!

પ્રેમમાં પડવું એટલે રડતી આંખો અને હસતા હોઠ વાળા ચહેરા સાથે જીવતા શીખવું. જુઠ્ઠું બોલવું એ પણ એની સાથે જેને દિલથી તમે બધું સાચું જ કહેવા માંગતા હો..! ભલે લાખ કોશિષ કરી રહ્યા હોય પણ એની આગળ જીભ જૂઠનો સહારો જ લેવાની... અચકાવું, અટકવું, ભટકવું અને રઝળવું આ ચારે ચાર પ્રેમના ખાસ લક્ષણો છે. કોઈ માઈનો લાલ કે લાલી આ ચાર લક્ષણોને પાર કર્યા વગર પ્રેમ કરી જ ના શકે.

સૌથી વધારે ચિંતા જેની કરતાં હોં એને જ સૌથી વધારે દુઃખી કરવા પડે એવા સંજોગ ચારે બાજુથી આવી જ જાય અને તમે ગમે એટલી તકેદારી રાખી લો... સામેવાળાની સાથે, એની કરતાંય વધારે દર્દ અને તકલીફ તમે ભોગવી રહ્યાં હોય ત્યારે પ્રેમનો સૂરજ ઉગવાની શરૂઆત કરી રહ્યો હોય છે!

પ્રેમમાં પડવું એટલે વિચારી લેવું કે આ જે મને ગમે છે એ હંમેશા મારી સાથે જ રહેશે, મારા પક્ષે જ બોલશે, મારા માટે થઈને આખી દુનિયા સામે લડી લેશે અને એ જ વ્યક્તિ કોઈ વાર જો મજાકમાં પણ જો તમારા વિરોધીઓ સાથે ભળી જાય તો તો એ દુશ્મન નંબર વન લાગવા માંડે. તકલીફ તો ખૂબ પડે પણ થાય શું? છેવટે એની સાથે જ ઝઘડો કરી લેવાનાં જેની વગર દુનિયા નક્કામી લાગતી હોય.

પ્રેમીઓની જીદ પણ કેવી હોય, પોતે કંઈ ના કહે સામેવાળી વ્યક્તિ બધું જ કહી દે એવી અપેક્ષા હોય. પોતે ચૂપ રહે અને સામેવાળું બધું જ સમજી જાય એવી ઈચ્છા હોય... પોતાની સહાયતા કરવા દરેક વખતે એ વ્યક્તિ જ આવે એવું દિલથી ઇચ્છતા હોય અને એ આવે ત્યારે મોઢેથી એને ના જ કહેવાના...!

મગજ ચકરાઇ ગયું? આ તો હજી પ્રેમની શરૂઆત છે સાહેબ... એકરાર કર્યા પહેલાંની વ્યથા, મથામણ, રઘવાટ... એના પછીની લાંબી મજલ કાપવાની તો હજી શરૂઆત પણ નથી થઈ...!

બહુ મુશ્કેલ છે કોઇની યાદમાં હરપળ જીવવું, કોઇની ધડકનો સાથે ધબકીને જીવવું, કોઈને શ્વાસની સાથે અંદર ભરવું અને બહાર ના આવવા દેવું, કણ કણમાં એની હાજરી અનુભવવી... હજી કહું છું ચેતી જજો, પડવા જેવું નથી આ પ્રેમમાં અને મને પ્રેમ છે એવા ખોટા વહેમમાં...

ટુંકમાં આ જે થાય છે એને થવા દો.. તમારી મરજી એમાં ચાલતી જ નથી, ચાલવાની પણ નથી...સફરની મજા લો અંતમાં જે થવાનું હશે એ જ થશે! BTW I love you 😍
© નિયતી કાપડિયા.

Read More

હમણાં થોડા દિવસ પહેલાં કોઈ કે મારા ઘરની જાળી ખખડાવી, મેં દરવાજો ખોલીને જોયું તો એક બહેન ઊભેલા.

હું રોડ ઉપરથી રોજ એમને જતા આવતા જોતી એટલી એમની ઓળખાણ, મને કહે,

“તમારાં ઘરની બહાર પથરા પડ્યા છે એમાંથી એક લઈ જાઉં? મારા ઘરે કામ ચાલે છે અને એક પથ્થર ખૂટે છે!"

મને ખબર હતી કે બહારનું ફ્લોરિંગ કરવા જે પથ્થર વપરાયેલા એમાંના પાંચ મેં કુંડુ મૂકવાના કામે આવશે એમ વિચારી સાઈડમાં મૂકી રાખેલાં... મને થયું ઠીક છે, ભલે એક લઈ જતા. મેં એમને હા કહી. મારે બહાર જવાનું હતું અને મોડું થતું હોવાથી હું બહાર જોવા ન ગઈ, થોડીક જ સેકન્ડ બાદ એ બહેને ફરી જાળી ખખડાવી,

“એ પથ્થરો વચ્ચે મોટી ગરોળી છે, સાવરણી આપોને તો એને ભગાડું.."

હવે મને કંટાળો આવી ગયો, એક તો મોડું થતું હતું અને આ વધારાની ઉપાધી, પાછું ઘરની બહારનાં જીવ જંતુ કોઈ મારે એની મને સખત ચીઢ, એમનું ઘર છે એ છોડવા વચ્ચે...

મેં કહ્યું, “આ બાજુમાં એવો જ બીજો પથ્થર પડ્યો છે એ લઈ જાવ."

એ બહેન તરત કહે, “એવો નહીં પેલો કાળો પથ્થર જોઈએ છે!"

હવે મારું ધ્યાન ગયું કે એ બહેન બ્લેક ગ્રેનાઈટના, સીડીના પગથીયા બનાવ્યા બાદ બચેલા પથ્થર માંગી રહ્યાં હતાં... મફતમાં માંગવાની પણ કોઈ હદ હોય કે નહિ! મારી ભલમનસાઈ ખલાસ થઈ ગઈ અને...મેં એમને સાફ સાફ કહી દીધું,

“એ તો કામના છે, એ નહીં મળે."

એ બહેન એવી કાતિલ નજરે મારી સામે જોતા જોતા ગયા... જાણે મેં એમનું કંઇક ઝુંટવી લીધું હોય...બોલો!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Read More

કોઈ વાર એવું થાય... હું એક વાર્તા લખું અને એ સજીવન થઈ જાય?

કલ્પનામાં જન્મેલું, મનમાં વસેલું પાત્ર સાચેસાચ આવીને કહે, હું સાચે જ અસ્તિત્વ ધરાવું છું મને સપનું ગણીને ભૂલી ના જા..."

મારી નવલકથા “મન મોહના" અને “નિયતિ" બંને માતૃ ભારતી પર ધૂમ મચાવી રહી છે... એની શરૂઆતથી લઈને અંત સુધી સાથે રહેલાં, મારા દરેક પગલે એમના કિંમતી સૂચનો આપી મારી નવલકથા આગળ વધારવામાં મદદ કરનાર દરેક મિત્રની હું દિલથી આભારી છું 🌹

Read More

જ્યારે પણ કોઈ માણસને હું પહેલી વખત મળું એની સાથે થોડી વાતચીત થાય એટલે એ માણસની એક છબી મારા મગજમાં કોરાઈ જાય. એમાં મજાની વાત એ છે કે એ છબી એ માણસના રૂપમાં નહિ પણ એને જોતાં વેંત મનમાં જે પહેલો વિચાર આવ્યો હોય એની ઉપરથી બને કે પછી એની કોઈ ખાસિયત નજરમાં આવી ગઈ હોય એની ઉપરથી બને.

મારા મગજની ગેલેરીમાં ભરી પડેલી કેટલીક આવી છબીઓ વિશે આજે તમને જણાવું... જે તે વ્યક્તિનું હું નામ અહીં નહિ લઉં... પણ એની ખાસિયત કહું,

૧) પહેલી જ છબીમાં એક કાચિંડો છે! એ મિત્રનું મોઢું થોડું થોડું મને કાચિંડા જેવું લાગેલું અને એની તરત રંગ બદલી લેવાની ખાસિયત પરથી એ આ રૂપે જ મને હંમેશ યાદ રહી ગયો છે. ઘડીકમાં મસ્તીખોર, ઘડીકમાં શાંત, તમે કલ્પ્યું પણ ના હોય એટલી ઝડપથી તમારી મદદ કરી દે અને એનાથીય ભૂંડી રીતે તમને પરેશાન કરી મૂકે જો તમારી દુખતી રગ એના હાથમાં આવી જાય... કાચિંડા જેવો જ ચપળ અને તરવરાટીયો!

૨) બ્લેક એન્ડ વ્હાઇટ. ઘણા લોકો મને એક સરખા જ લાગે. એમની હાઇટ, બોડી, સ્વભાવ, બોલચાલની રીતભાત બધું જ સેમ ટુ સેમ હોય બસ ફરક પડી જાય એમની ચામડીના રંગમાં! કોઈક સહેજ શ્યામ હોય, કોઈક વધારે કાળું, કોઈક ધોળું તો કોઈક પીળું પણ પણ એ રંગભેદ બાદ કરતાં બાકીનું બધું સેમ ટુ સેમ! એમના નામ યાદ રાખવામાં મને તકલીફ પડી જાય. ફક્ત ચહેરો યાદ આવે અને રંગ ભૂલી જાઉં એટલે સામટા કેટલાય એવા નામ યાદ આવી જાય જે બ્લેક એન્ડ વ્હાઇટ ના આલબમમાં સેવ થઈને પડ્યા હોય.

૩) ભોળી બકરી! હા મારા મગજની ગેલેરીમા એક બકરીનું ચિત્ર પણ ફીટ છે અને એ પણ પાછી ભોળી, એકદમ માસૂમ! એને જોઇને ક્યારેય ગુસ્સો આવે જ નહિ, એમ થાય કે ચાલ માફ કર્યો જા.. પણ, જ્યારે એ ભોળી, માસૂમ બકરી કોઈકની પાછળ પડી જાય, કૉમેન્ટ - યુધ્ધ છેડી લે ત્યારે સામેવાળાને ધરાર હાર કબુલ કરાવીને જ છોડે. એને જ્યારે આવા રૂપમાં જોવું ત્યારે એની ઈમેજ બદલીને ચિત્તો રાખી લેવાનો વિચાર આવી જાય પણ તરત જ પછી એ ફરીથી ઓલી ભોળી, માસૂમ બકરીના વેશમાં આવી ગયો હોય અને આગળ કહ્યું એમ એની ઉપર જરાય ગુસ્સો કરવાનું મન જ ના થાય...

૪) ચણા, સીંગ, મમરા! કેટલાક લોકો આ રૂપે પણ મારી ગેલરી માં સેવ થઈને પડેલાં છે. એમને જ્યારે જોવું ત્યારે એમના ચહેરામાં મને એક મોટો ચણો કે સીંગ જ દેખાય. કેટલાક પાતળા, લાંબા ચહેરા મમરા જેવા જ લાગે. એમાંય પાછા કલર હોય, સફેદ મમરો, વઘારેલો મમરો, દાજી ગયેલો મમરો...

૫) ક્યૂટ સસલો! સસલા જેવો ધોળો, થોડો ગુલાબી ચહેરો. જેમ સસલું અંધારામાં પણ ચમકતું તરત નજરે ચઢી જ જાય એમ આવી વ્યક્તિ પણ દસ જણાની વચ્ચેય સૌથી પહેલી નોટીશ થઈ જ જાય. માસૂમિયત ની મિશાલ જોઈ લો...

૬) ટામેટું, વોલીબોલ, ખિસકોલી, ગાય, ભેંસ, ચકલી, કબૂતર, પોપટ... એવી એવી તો ઘણી બધી ઇમેજીસ સચવાયેલી પડી છે પણ સમયના અભાવમાં એ બધી વિશે વાત નથી કરતી.

મને એમ થાય કે આ બધામાંથી કોઈને પોલીસ શોધતી આવી ચઢે અને મારે એમના હુલિયા વિશે લખાવવાનું આવે તો હું શું કહું? પોલીસવાળો મને મેન્ટલ જ સમજે...😂😂😂😂

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Read More

રોજ સવારે ઊઠીને તમે ભગવાન આગળ હાથ જોડીને બેઠા હો ત્યારે એની પાસે શું માંગો છો?

દરેકની કોઈ ને કોઈ ઈચ્છા હોય, એના સમય અને સંજોગ મુજબ. મારી પ્રાર્થના તો વરસોથી એની એ જ રહી છે... અને જીદ પણ એની એ જ... એ પૂરી થશે કે નહીં એ સવાલ મેં ક્યારેય એને પૂછ્યો નથી, બસ એક વિશ્વાસ છે એની ઉપર, એ જે કરશે એ જ બેસ્ટ હશે! ક્યારેક એમ થાય કે બહુ વાર થઈ ગઈ... આખી જિંદગી એ એક પળ ના મળી જેના માટે જિંદગી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય... ત્યારે આંખમાંથી બે આંસુ વહી જાય છે અને પછી મારા કાનુડા સામે જોતા જ એવું લાગે જાણે એ હસી રહ્યો છે, મને કહી રહ્યો છે,
“બસ, આટલો જ મારો ભરોશો!"
અને હું હસી પડું છું... એમ તે મારો વિશ્વાસ તૂટે? હજી લંબાવ જિંદગીને તારી મરજી હોય એટલી પણ યાદ રાખજે જો મને મારા જીવનની એ બેસ્ટ પળ ના મળી ને તો... તો...! ફરી બે આંસુ વહી જાય અને હું બીજા કામમાં મન પરોવી લઉં છું! ક્યાંકથી અચાનક કોઈ વખત સાંભળેલી પંક્તિઓ યાદ આવી જાય છે..,

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Read More

ધોધમાર વરસાદ વરસી રહ્યો છે... ત્યારે મને મારી જ નવલકથાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...

“જ્યારે ધોધમાર વરસાદ ચાલું હોય, તમે ગમે એટલી કોશિષ કરી લો થોડાંક તો પલળવાના જ.. પ્રેમનું પણ એવું જ છે જ્યારે કોઈ એક તરફથી સતત વરસતું રહે બીજા છેડે અસર થવાની જ..!"
- નિયતિ નવલકથામાં આવેલો એક ટુકડો.

“કોઈ જ અપેક્ષા વગરનો પ્રેમ મેં કર્યો છે...હું સમજણી થઈ ત્યારથી એને ચાહું છું! એ જ એક વ્યક્તિ છે જે ગમે તે ઘડીએ મારા ચહેરા પર સ્મિત લાવી શકે છે... સ્મિત એટલે જ જાણે એનો પર્યાય! એ કોઈ માણસ નથી કે નથી કોઈ ઠોસ વસ્તું જેને હું ક્યારેક સ્પર્શી પણ શકું...અને છતાંય હું એને ચાહું છું આ મુશળધાર વરસતા વરસાદની જેમ જ... વાદળા ખાલી થયે આ વરસાદ તો અટકી જશે પણ મારી ભિંતર જે વરસી રહ્યું છે એ તો અમર છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો ખરું... એ પછી જો જીવન હશે તો ત્યાં પણ મારું વરસવાનું બંધ નહિ થાય. ખબર છે સામે ભીંજાવા ઊભેલું કોઈ નથી અને તોય સતત વરસવું હવે મારી આદત બની ગઈ છે... એક અહેસાસ છે મારા દિલની ભીતરથી ઉઠતો કે કોક, ક્યાંક મારી સાથે જોડાઈ રહ્યું છે, મારી લાગણીના અવિરત પ્રવાહમાં પલળી રહ્યું છે... એની સાથે મારે કોઈ સંબંધ નથી બાંધવો, બસ એમ જ સાત કદમ સાથે સાથે ચાલવું છે. એનો હાથ મારા હાથમાં હોય એટલી પણ અપેક્ષા નથી પણ એ સાથે છે એ અહેસાસને મારે જીવવો છે!"
- ગુલાબ નવલકથામાં આવેલો એક ટુકડો.

ક્યારેક ઘણું બધું લખ્યા પછી એવું લાગે જાણે હું ખાલી થઈ ગઈ.. મારી અંદર જે કંઈ કહેવા જેવું હતું એ બધું કહેવાઈ ગયું. હું બહાર નીકળી વરસતા વરસાદને કે નવી ખિલેલી કુંપળના લીલા રંગને જોતી હોઉં અને તરત એ લીલોતરી મને સ્પર્શી જાદુ કરી જાય... એક નવી ઊર્જા, કેટલીય વાતો મારામાં ભરી દે જેને હજી મારે લખવાની છે! શા માટે હું લખું છું એ સવાલ જ નિર્થક છે એનાથી સારું પૂછો, શા માટે હું જીવું છું?
© Niyati Kapadia.

Read More

ક્યારેક લાગે કે હું વધારે પડતી લાગણીશીલ છું, કેટલીક સાવ નાની નાની વાતો પણ મને સ્પર્શી જાય છે...

હમણાં એક ફોટો ચર્ચામાં રહેલો, એક કુપોષિત બાળક અને ગીધને બતાવતા એ ફોટા નીચે લખાણ હતું, એક બાળક અને બે ગીધ!

એક ગીધ એ જે ફોટામાં દેખાતું હતું અને બીજું ગીધ એ જેણે એ ફોટો લીધેલો. માનવ થઈને જન્મેલા એ ફોટોગ્રાફરે બેસ્ટ ફોટો લેવાની લાહ્યમાં મરી રહેલાં ભૂખ્યા બાળકની મદદ કરવાને બદલે ફોટો ખેંચવાનું વધારે જરૂરી સમજ્યું એ વાતની નોંધ લેવાઈ અને ઘણા લોકોએ ફોટોગ્રાફરને ગીધ સાથે સરખાવ્યો..

અહીં મજાની વાત એ છે કે એ ફોટો સ્પર્ધામાં અવ્વલ આવ્યો! મને સમજાતું નથી કે આવા ફોટાને એ લોકો સિલેક્ટ જ શા માટે કરે છે? એની બદલે હસતાં, માસૂમ ચહેરા વાળા બાળકોના ફોટાને સ્પર્ધા માટે લેવાતા હોત તો કદાચ એ ફોટોગ્રાફર ભૂખ્યા બાળકને ખાવાનું આપી એની ખાતી વખતની ખુશીને કેમેરામાં કંડારવા જહેમત કરત...

આનાથી પણ વધારે દુઃખદ વાત... એ ફોટોગ્રાફરે પછીથી આત્મહત્યા કરી! કેમ? એને લોકોએ ગીધ કહીને વગોવ્યો એટલે કે પાછળથી એને ભાન થયું કે પોતે એક એવોર્ડ વિનિંગ ફોટો ખેંચવાના ચક્કરમાં કેટલી હદે નીચે ઉતરી ગયો... એનો પશ્ચાતાપ. જો ખરેખર એવું હોય તો એણે બાકીનું જીવન એવા બાળકોની મદદ કરવામાં માટે સમર્પિત કરી દીવું જોઈએ...પણ આત્મહત્યા શા માટે?

આટલું વિચારતાં મને ચારેબાજુ દરેક માણસમાં રહેલો ગીધ દેખાય છે જે કોઇનું સારું થતું ક્યારેય જોઈ નથી શકતો! આખું આકાશ ખુલ્લું પડ્યું છે સૌ સૌને એમની તાકાત પ્રમાણે ઉડવા માટે એ છતાં પોતે ઉડવા કરતા બીજાને નીચે પાડવામાં જ કેમ રચ્યો પચ્યો રહે છે આ માણસ! શું મળી જાય એવા લોકોને બીજાને તકલીફ પહોંચાડી? પાશવી અનાંદ જો તમે વિચારતા હોય તો કહી દઉં એ ક્ષણિક હોય છે એ પછી?

જ્યાં આવા ગીધ જેવા માણસો વસતા હોય ત્યાં એમની ભેગા લાગણીશીલ માણસો પણ ભગવાને જ મુક્યા છે..! શા માટે એનો જવાબ મારી પાસે નથી...

ટુંકમાં ગીધ જેવા માણસો ઘણા મળી રહેશે આ દુનિયામાં પણ તમારા જેવા જ લાગણીશીલ માણસનો ક્યાંક ભેંટો થઈ જાય તો એને જતનથી જાળવજો...મને થોડાક મળ્યા છે એવા જેમને હું મારા મિત્ર કહું છું 😊

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Read More

#હું_ને_મારા_સાસુમોમ

મારા સાસુ અત્યંત સફાઈ પ્રિય, એમાંય પાણી અને પથરા એમને અતિ પ્રિય, બંનેનો સન્મય કરાવવામાં એમને પરમ સંતોષ મળે!

રોજ વહેલી સવારે ઊઠીને એ ઘરની બહારની નાનકડી ચકલીએથી ડોલ ભરી ભરીને પાણી ઊંચકે અને એનાથી ઘરની બહારનાં બધા પથરા ધોઈ નાખે, એ પછી કામવાળા બહેન આવે એમની પાસે પણ ઘરના એક એક રૂમમાં એક એક ચોખ્ખું પાણી ભરેલી ડોલ લઈને પોતા કરાવે અને એ પાણી પાછું બહારના પથ્થર ચમકાવવા રી-યુઝ કરે...!

આસપડોશના કેટલાંક માસીઓ ટકોર પણ કરે, “તમે કેટલી બધી મહેનત કરો છો! બહારનાં પથ્થર પર તો હમણાં એક પવન આવશે ને ફરી ધૂળ ઊડી આવવાની!"

એ ધૂળ ઉડીને ના આવે એટલે મારા સાસુ બીજી બે ડોલ પાણી પથ્થર પરથી રગડાવે...માટીને ચોંટાડી દેવા. આજ પ્રોગ્રામ સાંજે પણ ચાલે. ગમે ત્યાં બહાર જવાનું હોય, ઉપવાસ હોય, તબિયત ખરાબ હોય તો પણ આટલું કામ તો કરવાનું જ... અમારા ઘરની બહારની માટી જો ભીની ના હોય તો લોક પૂછે, “તારા સાસુ ઘરે નથી?"

ઘરનાં બધાં સભ્યો એમને રોકે... હું મનોમન ગભરાઉં કે હમણાં કોઈ મને એ કામ ના વળગાડી દે... હું પાણી છાંટી લઉં પણ મારા છોડવા હોય ત્યાં જ... મારું જે જુદું વળગણ છે અને એમાંથી નવરી પડું એટલે કંઇક લખવાનું હોય, કામ ઉપર જવાનું હોય, ઘર, બાળકો... અધધ કામ હોય, સીધું કહી દઉં તો મને એ પથરા પાછળ સમય ફાળવવાનું નથી પોસાતું!

હવે અહીંયા આવે છે રસપ્રદ વળાંક હું અને મારા સાસુ બંને એકબીજાના કામમાં માથું જ નથી મારતા.. રોજ સવારે એ એમનાં પાણી, પથરા અને પૂજામાં મસ્ત અને હું મારા છોડવા અને લેખનમાં રત... લોકો ઈર્ષા કરે તો કરે હમે ક્યા? 😏

ખરી બબાલ હવે ઊભી હવે થશે એવું હું ભવિષ્યના આવનારા દિવસોમાં જોઈ રહી છું! સરકાર પાટનગરમાં ઘરે ઘરે ચોવીસ કલાક પાણી આપવાની છે અને એ પણ મીટર ઉપર... ચોવીસ કલાક ચાલું પીવાનું પાણી જોઇને મારા સાસુનો પથરા અને પાણી પ્રેમ બેવડાઈ જવાનો એમાં કોઈ શંકા નથી પણ એ પાણીની ડોલ ભરતાં મીટરનો આંકડો કેટલે પહોંચ્યો એના ઉપર પણ એમની ચાંપતી નજર હશે... રૂપિયો વેડફવો તો અમને બંનેને જરાય ના ગમે! તો.. એ પાણીની બચત કરશે, રી-યુઝ કરીને પથરા ધોવડાવશે, મારા છોડવા ઓછાં કરવાનું કહેશે, કે... મને ઘણાં બધાં વિચાર, તુક્કા સુજી રહ્યાં છે પણ એ અગત્યનું નથી મારા સાસુ શું વિચારી રહ્યાં છે એ અગત્યનું છે... ભગવાન કરે ને એ કોઈ ઉકેલ ખોળી લે જેથી મને ડિસ્ટર્બ ના કરે... છોડવાઓને માટે તો પાણી જોઈએ જ અને લખવા માટે સમય ના મળે તો મારું માથું તપી જાય... અબ કરે તો ક્યાં કરે..!?

ટુંકમાં આજુબાજુ વાળા જે જે માસીબાએ મારા સાસુની અને એમની વહુની પ્રતિભા જોઈ પાણી રૂપયેથી મળતું હોય તો સારું એવી ઇચ્છાઓ કરેલી એ બધાયને કહેવાનું વધારે ખુશ ના થતા...અમારા પથરા અને છોડવા ચોખ્ખાં જ રહેવાના... પાણીનું તો કૈંક કરી જ લેહું, એના ચક્કરમાં તમને અમારી કોઈ નવી પ્રતિભા જોવા મળે તો નવાઈ ના પામતાં 😜

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Read More

મને ખબર નથી પડતી લોકોને સ્ટેજ પર ચઢી માઈકમાં બોલવાનો આટલો ક્રેઝ કેમ છે?

અમારાં ઘરમાં કે અમારાં મિત્રવર્તુળમાં કોઈનેય એવો શોખ નથી.. અમે તો આરામથી લોકોની વચ્ચે બેસી પ્રોગ્રામની મજા માણતા હોઈએ અને તોય કેટલીક વાર કોમેડી થઈ જ જાય છે...એક પ્રસંગ કહું ધ્યાનથી વાંચજો હોં,

અમારાં એક દૂરના મિત્રએ ફલાણી જગ્યાએ જઈને સ્ટેજ ઉપર ચઢી પાંચ મિનિટ એમનું વક્તવ્ય આપેલું, પછી એનો વિડિયો બનાવ્યો, ફોટો ખેંચ્યા અને એને બધા ગ્રુપમાં શેર કર્યા, ફેસબુક પર પણ પોસ્ટ લખી, આટલેથી સંતોષ ના થયો તે બધાને પર્સનલી પણ મેસેજ કર્યો અને છેલ્લે હદ તો ત્યારે થઈ કે સામેથી મળવા આવીને બધાને પૂછવા લાગ્યા, “મારો વિડિયો જોયો. ફલાણી જગ્યાનો હું મેમ્બર છું ત્યાં એક પ્રોગ્રામમાં હું બોલેલો, સ્ટેજ ઉપર જઈને!"

હવે આપણે શરમમાં પણ એ ભાઈના વખાણ કરવાં પડે.. પછી ભલે ને એમનો વિડિયો જોયો જ ના હોય.

આટલે સુધી તોય ઠીક હતું હદ તો ત્યારે થાય જ્યારે એ પાછા તમને સલાહ આપે છે, એમણે કહ્યું, “તમે લોકો ક્યાંય સ્ટેજ ઉપર નથી જતા! હું તમને કોઈ જગ્યાએ જોતો નથી. હવે એમ ના કહેતા કે તમને રસ નથી."

હવે આવા વખતે અમે લોકો તો બોલવાનું બંધ કરી મરક મરક હસતાં હોઈએ પણ કોઈક ટકોર કરનાર મિત્ર નીકળી જ આવે જે એ ભાઈને મોઢામોઢ કહી દે, આઇ મીન ચોપડાવી દે, “ઓય ઘન ચક્કર તું નવો નવો જે ગ્રુપમાં જોડાયો છે એ ગ્રુપ સાહેબે જ બનાવેલું, પ્રેસિડેન્ટ પદેથી પણ એમણે નવા લોકોને તક મળે એટલે જ રાજીનામું આપ્યું હતું..."

પછી પાછા એ મુરબ્બી ફરતા ફરતા ફરી મળવા આવે, આ વખતે પૂરી તપાસ કરીને આવે અને કહે, “તમે તો બઉ ઊંડા હોં... હું બોલતો હતો તો વચમાં રોક્યો પણ નહિ કે કશુંય કહ્યું પણ નહિ..!" પછી ખોટું ખોટું હસે..

મને થાય ભાઈ શ્રી અમે ક્યાં તમને આમંત્રણ આપીને અમારા અવગુણ અને તમારાં ગુણ ગાવા બોલાવેલા... બસ ચાલ્યા જ આવો છો તે...😏

Read More