હું સામાન્ય વાર્તા લખવાનું પસંદ નથી કરતો. મારી કોઇપણ વાર્તા કે નવલકથા વાંચવી હશે તો મગજના અંદર સુધીના સ્તરનું તથા હ્યદયના ઉંડા સંવેદનોનું કંપન થાય તેની તૈયારી તથા ધીરજ રાખવી પડશે. હું ફક્ત એવા બુધ્ધિજીવી લોકો માટે લખું છું કે જેઓ સંવેદનશીલ પણ છે, અને એવા સંવેદનશીલ લોકો માટે લખું છું જેમની સંવેદનશીલતામાં જડત્વ નથી. મારું લખાણ બધાં માટે નથી. નવલકથા/વાર્તામાં આપને કંઇક ના પસંદ પડે તો રચનાત્મક સૂચનો આવકાર્ય છે.

છેલ્લે હરી ફરીને ખુદનો જ સંગ ફાવે
રંગોની વાત હો તો પાણીનો રંગ ફાવે.

રોકેટ કે વિમાનો આંબી શકે ગગન, પણ...
ઘર એનું છે નજીકમાં, એથી પતંગ ફાવે.

અટકો છો વાત કરતાં એ તો ચલાવી લઉં છું
ચુંબન કદી થશે તો એમાં ના ભંગ ફાવે.

ટુકડે મળે જો સુખ તો જીવનમાં રસ ટકી રહે
બાબત અલગ છે દુખની, દુખ તો સળંગ ફાવે.

આખું જિવન લડીને તાલીમ એ મળી કે
હાર્યા પછી શરૂ હો એવીય જંગ ફાવે.

સૂવું જ છે ને મારે! હો કબ્ર કે ચિતા હો
એનો રિયાઝ કરવા હમણાં પલંગ ફાવે.

જોવા ગયાં સિનેમા, એમાં બબાલ થઇ ગઇ
જોવા ચહે એ 'બરફી', અમને 'દબંગ' ફાવે.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Read More

ઘડીક વાર હોય એ ઘડી પછી જતી રહે
ને રોકવામાં એકને ઘણી બધી જતી રહે.

કબૂલ છે દરદ બધા પરંતુ રુક્ષતા ન દે,
મને ના સાથ આપજે જો લાગણી જતી રહે.

ખભા ઉપર હું ભાર લઇને ચાલતો રહ્યો છું એમ
કે થાકની વ્યથા બધી એ ભારથી જતી રહે.

ફૂલો ભરી દુકાન હોય દેવતાના દ્વાર પર
સુગંધમાં જો લીન થઉં તો આરતી જતી રહે.

સૂકો થઈને પટ પછી બની જ જાય રણ સૂનું
સમંદરોને પામવાને જો નદી જતી રહે.

જવું જ હોય તો પછી તું સ્પર્શ એમ આપ કે
હ્યદયની કોખમાં બીજું હ્યદય રચી જતી રહે.

છે તેજ ત્યાં સુધી હરિફ બધાં જુદા જ લાગશે
સૂરજ ને ચાંદ એક છે જો રોશની જતી રહે.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Read More

દૂર જવાની ઇચ્છા નહોતી, પાસે રહેવા કારણ નહોતું
આ વધતા ઘટતા અંતરનું કોઈ અકસીર મારણ નહોતું.

તું કહેતી કે, 'ઉભા રહો ને!' હું કહેતો કે, 'ચાલને સાથે!'
ચર્ચા એવી છેડી 'તી કે જેનું કંઇ પણ તારણ નહોતું.

શોધું તો શોધું હું ક્યાંથી? ક્ષણ વિતી ગઇ, જગ્યા રહી ગઇ
વફાદાર એ સ્થિર જગ્યાને ક્ષણનું કંઇ સંભારણ નહોતું.

અમુક હતી જે જવાબદારી જકડી શકતી મૂળથી મુજને,
તારા હળવા સંવેદનનું એવું મોટું ભારણ નહોતું.

મટી ગયું જે બહુ દુખ્યું 'તું, કાળે રુઝ આવી ગઇ ઘા પર
ડાઘ રહ્યાં જે વાગેલાનાં એનું કંઇ નિવારણ નહોતું.

ચહેરા પર સ્મિત ધરી શક્યો હું, ક્ષમા ધરી 'તી મનમાં તો પણ...
ભૂલીને આગળ વધવા ઝંખનનું દિલમાં ધારણ નહોતું.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Read More

શ્રાવણની હળવી હેલી છે કે એ તું છે?
ગલગોટો, ચંપા, ચમેલી છે કે એ તું છે?

જ્યાં જ્યાં જોયા જેને જેને જ્યારે જ્યારે
મેં એક જ વાત કહેલી છે કે એ તું છે.

ટોળામાં સઘળાં ચહેરા સરખાં લાગે છે
એ તારી કોઈ રેલી છે કે એ તું છે?

તારા કરતાં પણ સુંદર તુજને ધારી છે,
એ તારી ખાસ સહેલી છે કે એ તું છે?

કૂણાં કૂણાં મુખડા જોઈ કાબૂ રાખું...
હા! ભાન નથી એ પેલી છે કે એ તું છે!

વેલાં રસ્તામાં આવે તો ચૂમી લઉં છું,
મારી ઈચ્છાઓ મેલી છે કે એ તું છે?

હર દિલમાં કોઈ ને કોઈનો વાસો છે
'પગુ'ની કિસ્મત ચમકેલી છે કે એ તું છે.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Read More

તું કલ્પનની ચાહતમાં વાસ્તવ વિસારે?
ભૂલી આજ ખુદની, સ્મરણને શું ચાહે!

બધી ચાહના બુદ્ધ થઇને એ ત્યાગે...
તું મીરા બની એક જણને શું ચાહે!

હતું માટલું માટીમાંથી બનેલું
ને ફૂટીને માટી મહીં એ મળી ગ્યું...
એ કણ કણથી એવું તો છૂટું પડી ગ્યું
કે એક કણ બીજા કોઇ કણને શું ચાહે!
હતું ખુદ એ રણ, તો એ રણને શું ચાહે!
તું મીરા બની એક જણને શું ચાહે!

તું ચાહે તો ચાહી લે આખો સમંદર,
જ્યાં ચાહતનું પાણી ઊછળતું નિરંતર.
ભલા! ખુદ જે પર્વતને ત્યાગીને આવ્યું
એ ચંચળ પ્રવાસી ઝરણને શું ચાહે!
તું મીરા બની એક જણને શું ચાહે!

એ ચાહે છો તત્વો, વિચારો ને જીવન
ભલે ચાહતો એ સરંજામ સાધન...
સકળ વિશ્વ ચાહી એ ત્યાગી શકે છે
જે ત્યાગે એ ત્યાગીને ચાહી શકે છે!

બધી ચાહના બુદ્ધ થઇને એ ત્યાગે...
તું મીરા બની એક જણને શું ચાહે!

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Read More

પાણીની વાત કર પછી અમરતની વાત કર,
સઘળી મમત ભૂલીને પછી સતની વાત કર.

આખી કુરાન સમજી શકું એ ગજું નથી
ઉપદેશ છે સબરનો એ આયતની વાત કર.

મૂર્છા જ છે આ આયખું એવી ખબર તો છે,
સંજીવની મળે નહીં, પર્વતની વાત કર.

જો વાત હોય ત્યાગ તણી, ગર્વ ના કરીશ
છૂટી હતી જે માંડ એ આદતની વાત કર.

ખાટી ને ખારી હોય જો ઘટમાળ રોજની
તો ખાંડ નાખ સ્મિતની ને શરબતની વાત કર.

રેતી ઉપર લખેલ એ અક્ષર ઉડી જશે,
આતમ ઉપર જે કોતરી સંગતની વાત કર.

તું મળ મને એ રીતથી કે દેહ ના મળે,
છે ચાહતોથી દૂર એ ચાહતની વાત કર.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Read More