પ્રો.ડો.મનોજ જોશી. પ્રાધ્યાપક,પત્રકાર,કોલમીસ્ટ,લેખક......નેચરોથેરાપીસ્ટ અને યોગાચાર્ય.....માતૃભારતી સાથે જોડાવાનો આનંદ છે.આશા છે-મારા લેખ-કવિતા-વાર્તા આપને ગમશે.

નારી

                                           


પરમાત્માએ નિજાનંદ કાજે સૃષ્ટિનું સર્જન કર્યું. સૂર્ય-ચંદ્ર, તારલાં રૂપે તેજ પ્રગટાવ્યું. મહાસાગર અને મેઘ દ્વારા જળ જન્માવ્યું. મહોદધિને પણ ધારણ કરનાર પૃથ્વીતત્વ પેદા કર્યું. ઉષ્મા અને ઊર્જા કાજે અગ્નિતત્વનો ઉદ્ભવ કર્યો. અને આ સમગ્ર સૃષ્ટિ - સંરચનાને જીવંત રાખવા પ્રાણ તત્વ - વાયુને વહાવ્યો.

વૈવિધ્યથી સભર સૃષ્ટિના સર્જન પછી પરમેશ્વરે એના પર વનસ્પતિ ઉપરાંત જળચર, નભચર અને ભૂચર એવી ચોર્યાસી લાખ જીવ-જાતિઓ સર્જી દીધી. પ્રભુએ વિચાર્યું કે આ તો ચિત્રવત્ બની ગયું !!  સૃષ્ટિ આમ અવિચળ અને સ્થિર રહે અને જીવ - જગત અમર જ રહે, તો પછી નવીનતા શું રહે ?  પ્રભુને તો જીવંતતા જોઈતી હતી! બ્રહ્મને, બ્રહ્મ સામે જ લટકા કરવા હતા.  અને એ માટે સર્જન સાથે વિસર્જનની પ્રક્રિયા અનિવાર્ય હતી. પણ વિસર્જન પછીના નવસર્જનનો ઉપાય શો ?

પરમાત્માએ એક અનન્ય આકૃતિનું સર્જન કર્યું. સ્વયંની સર્જનશક્તિ , સૂર્યનું તેજ, ચંદ્રની શીતળતા, જળની નિર્મળતા, વાયુની સુગંધ, ધરતીની ધીરજ અને સહનશીલતા, અગ્નિની ઉષ્મા અને ઊર્જા, આકાશની વિશાળતા અને અગમ્યતા - એમ પાંચે તત્ત્વની શ્રેષ્ઠતા લીધી. આ તમામનો સમન્વય કરીને નારી દેહરૂપે એમણે પોતાની જ વિભૂતિનું નિર્માણ કર્યું ! નારીનું સર્જન કર્યા પછી પરમાત્મા અતિ પ્રસન્ન થયા. આટલા શ્રેષ્ઠ અને સુંદર સર્જન પછી સંતુષ્ટ થઈને સૃષ્ટિ પર નારી જાતિનો પ્રાદુર્ભાવ જે દિવસે થયો, તે દિવસે અનંત બ્રહ્માંડના સ્વામિએ સચરાચરની સાથે ઉત્સવ ઉજવ્યો. એ દિવ્ય દિવસ એટલે દીપાવલિ!!

ખરેખર માતૃ શરીર એટલું મહિમાવંત છે! પુરુષ અને પ્રકૃતિનું સાયુજ્ય જ સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે અને અશુભનું ઉચ્છેદન કરે છે. દિપાવલીના પર્વ પર આપણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી - આ ત્રણ માતૃ ચેતનાઓનું પૂજન-અર્ચન કરીએ છીએ. મહાલક્ષ્મી એ જ ગૃહલક્ષ્મી છે, પુરુષની અર્ધાંગિની છે. એના થકી જ ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે, તેથી તે લક્ષ્મી સ્વરૂપા છે. ગૃહલક્ષ્મી પ્રેમ સ્વરુપા છે.

માતા સરસ્વતી એ પુત્રી છે. પુત્રીને પરિવારમાં પ્રેમ-વાત્સલ્ય મળે, તે ઘરમાં આનંદ ઉલ્લાસ રહે છે. આધ્યાત્મિક અર્થમાં સ્ત્રી કન્યા કુમારી હોય ત્યારે તે સત્ય સ્વરૂપા છે.

મહાકાલી એ ગૃહમાતા છે. માતા આસુરી વિચાર કે વૃત્તિને નિર્મૂળ કરી નાખે અને સદૈવ સંતાનનું શુભ ઇચ્છે છે. આધ્યાત્મિક અર્થમાં સ્ત્રી માતા તરીકે કરૂણા સ્વરૂપા છે.
આમ જીવન- સાફલ્ય માટેની ત્રિવેણી - સત્ય પ્રેમ, કરૂણા વ્યવહાર જગતમાં માતૃ દેહે પ્રકટ થાય છે. નારીનું મમતામય સ્વરૂપ માતા છે. પરમેશ્વરને પ્રગટ થવા માટે માની કૂખ પસંદ કરવી પડે છે. માતા પરમાત્મા કરતાંય પ્રથમ પ્રણામને યોગ્ય છે. તેથી માતા તરીકે નારી પ્રથમ પૂજ્ય છે.

માતૃશરીરનું બીજું સ્વરૂપ પ્રેમમય છે. પુરુષની પૂરક અને પત્ની તરીકેનું સ્ત્રીનું બીજું રૂપ છે. પરમ વૈરાગી ભોળાનાથે પણ પાર્વતીજીને પોતાના અર્ધા અંગ તરીકે પ્રતિષ્ઠિત કર્યા છે. વાસ્તવમાં જ્યાં સુધી કોઈ પણ પરણિત પુરુષ સ્ત્રીને પોતાના જ પૂરક તરીકે આવકારે, સ્વીકારે અને ઉપાસે નહીં, ત્યાં સુધી તે અધૂરો છે!
માતૃશરીરનું ત્રીજું વાત્સલ્ય સ્વરૂપ દિકરી છે. દીકરી પરિવારનો તુલસી ક્યારો છે. પિતાના અંતિમ શ્વાસ સુધીનો સહારો છે. જે ઘરની ધરતી પર  દિકરીના કોમળ પગલાં પડ્યાં નથી, તે ઘર તેજહીન છે.
દીપોત્સવીના પાવન પર્વ પર આપણે મહિમાવંત માતૃશરીરા નારીશક્તિને મહિમામંડિત કરીએ.યુગ પ્રભાવથી, વૈજ્ઞાનિક ઉપકરણોના દુરુપયોગથી અને સ્ત્રીની માસુમિયત, ભોળપણ, વિશ્વાસ અને પ્રેમનો ગેરલાભ લેનારા આસુરી વૃત્તિને નાથીએ અને સ્ત્રીને તેના સ્થાન મુજબ પ્રેમાદર આપીએ.?

 
મનોજ જોશી.
મહુવા.
૯૮૨૪૫૪૩૪૯૭
manojhjoshi53@gmail.com 

 

Read More