હુ પ્રથમ ગુજરાતી છું. અને ગુજરાતના ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામનો વતની છું.અને ગુજરાતી વિષયથી એમ.એ સુધીનો અભ્યાસ કરેલ છે. મારો પોતાનો જ નાના પાયાનો એગ્રીક્લચરનો વ્યવસાય કરી રહ્યો છું. હું પરણીત છું. એક સરસ મઝાની આઠ વર્ષની દિકરી પણ છે. અમે અમારી નાની દુનિયામાં ખુબ ખુશ છીએ. લી....આપનો અનજાન દોસ્ત રીન્કુ પંચાલ.

અમે ઓછી કરી છે પાર્થના પણ મન લગાવ્યું છે,
તમે તો સાધુ થઈ ને ધર્મ પર લાંછન લગાવ્યું છે.

ફરક બસ એટલો છે ભક્તિમાં તારી અને મારી ,
મેં માટીથી કરી પૂજા તમે ચંદન લગાવ્યું છે.

લૂંટાશે દ્રોપદીની આબરુ પણ કૃષ્ણ નહિ આવે ,
ફરી આ પાંડવો એ ધૂર્ત રમવા ધન લગાવ્યું છે .

તપસ્યા શબરી જેવી જોઈએ જાહોજલાલી નહિ,
તમે ક્યાં રામ માટે ઘાસનું આસન લગાવ્યું છે .

ગરીબી દૂર કરનારા ય સોદાગર મળી આવ્યાં ,
ઘણી લાચાર સ્રીઓેએ નરકમાં તન લગાવ્યું છે.

જનમ લેતા જ રાવણ ધૂળધાણી થઈ જશે 'સાગર',
સદા મનમાં પ્રભુ શ્રી રામનું શાસન લગાવ્યું છે.
રાકેશ સગર, સાગર ,વડોદરા

Read More

એક જ ઘા 'ને કટકા છે ત્રણ,
સમજણ માટે ગુજરાતી ભણ.

એરણ તો અકબંધ જ રે'શે,
તૂટી જાશે એક દિવસ ઘણ.

જ્યારે પ્હેલું બાળક જન્મ્યું,
ત્યારે જન્મેલી માતા પણ.

ભૂખ ભયંકર લાગેલી બસ,
તેથી વેચી દીધા વાસણ.

તારી સામે નહીં જ નાચું,
હોય ભલે સોનાનું આંગણ.
-હરદ્વાર ગોસ્વામી

Read More

કવિ શ્રી ભરત ભટ્ટ

નદી ખૂબ ગહરી ને કાગઝની કશ્તી
તરે તો પ્રશસ્તિ ને ડૂબે તો મસ્તી !

પ્રથમથી હતી આગ પાણીની વચ્ચે
મેં બોળી હતી આંગળીઓ અમસ્તી!

સવારે જે ચશ્માંથી ઉકલી શકી નહીં ;
સૂરજ ઢળતા થઈ ગઈ એ ઘટનાઓ પસ્તી !

કીડીઓ ગળે જેમ અજગર એ રીતે
ક્ષણો પણ ગળી રહી છે કલ્પોની હસ્તી !

અહીં જંગલો વેન્ટિલેટર ઉપર છે;
આ માણસ ઉગાડે છે ક્રોન્ક્રીટની વસ્તી !

હે, પંડિત ! તું ક્યારેય નહીં થાય સંમત ;
પ્રણામ , શાયરી છે પ્રણયની પરસ્તી!

Read More

મારો અહમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો,
સાલો અધમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.

મેં દૂધ જાતે પીવડાવીને ઉછેર્યો છે છતાં,
જો બે શરમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.

પંપાળીને રાખ્યો હતો અંતિમ નિશાની સમજીને,
દિલનો જખમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.

સાચી હકીકત સમજી લીધી હોત તો સારું થતું,
ખોટો ભરમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.

મેં આંખ આડા કાન કીધા એનું આ પરિણામ છે,
હું, ખુદ સ્વયમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.

તાજું નમક ભભરાવ્યું હોતે તો ફરક પડતો કદાચ,
વાસી મલમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.

'સાગર' થવાનો હું અહમ કરતો હતો ગત જન્મમાં,
જન્મો જનમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
રાકેશ સગર 'સાગર' વડોદરા

Read More

તમે આવી,ગયા છો ત્યારથી અવઢવ યથાવત છે.
તમારો દેહ છે કે કોઈ શિલ્પીની કરામત છે !?!?

તમે ચૂમી ગયા છો હોઠને હું ત્યારથી માનું,
તમારામાં 'ને અમૃતમાં કશોએ ક્યાં તફાવત છે !!!

ફિકર ના કર,નવા હું તેજ સાથે કાલ મળવાનો,
હા,સુરજ જેમ ખર્ચાઈ મને સુવાની આદત છે !!

ગમે તેવું લખીને હું કલમ ઝાંખી થવા નહીં દઉં,
ખુલાસો આપવો પડશે,એ પૂર્વજની અમાનત છે.

તમારી નજરે જુઓ એ તમારો વાંક છે,બાકી
ગઝલ મારા હૃદયમાં મોજથી છે 'ને સલામત છે.

મુબારક ઘોડીવાલા 'દર્દ' ટંકારવી.

Read More

થોડો નશામાં છું અને થોડો સભાન છું ,
જે બોલું છું સાચું જ છે પાક્કી જબાન છું.

ભૂકંપ જેવો આંચકો ના આપતા કદી,
હું કૈંક વર્ષોથી ટકી રહેલું મકાન છું.

સૌ પોતપોતાની ઉદાસી ઓંકી ને ગયા,
હું શહેર વચ્ચે દારૂની સસ્તી દુકાન છું.

બે આંખથી જોઈ તમે અનુમાન ના કરો,
હું આઈનાની બ્હાર છે એ આસમાન છું.

ડસ્ટર હરીફો હાથમાં લઈ ને ભલે ફરે,
ભૂંસી શકે શું!! હું વિધાતાનું વિધાન છું.

ઊઠી ન શકવામાંય છે આનંદ કંઈ જુદો,
મંઝિલ મળ્યાં ની બાદ આવે એ થકાન છું.

મારી દિશા બદલાવવી સહેલી નથી પવન,
'સાગર' હું પોતે નાવ ,નાવિક ને સુકાન છું.
રાકેશ સગર ,સાગર ,વડોદરા

Read More

અહીંથી સ્હેજ આગળ ચાલશો તો બાગ દેખાશે,
ને ત્યાંથી સ્હેજ આગળ શહેરિયતનો નાગ દેખાશે.

હજારો ઝાડ કાપી વૈભવી ફ્લેટો બનાવ્યાં છે,
બખોલોમાં વસેલા પંખીઓનો ત્યાગ દેખાશે.

તમારી નબળી ક્ષણનો લાગ જોઈ ચાંચ મારે છે,
અહીં સૌ માણસોમાં અેક કાળો કાગ દેખાશે.

ધણા વીઆઇપીઓ વૃક્ષ પણ મોંઘાં જ વાવે છે,
તેઓનાં ફાર્મ હાઉસમાં સીસમ ને સાગ દેખાશે.

બચેલી મિલ્કતોનો એક છે માલિક, બીજો બોજો,
અહીં સૌ દીકરાને બાપમાં બે ભાગ દેખાશે.

વધારે તેલ પડવાથી ઘણાં ભડકે બળેલાં ઘર,
ને ઓછા તેલથી ઝળહળ ઘણા ચિરાગ દેખાશે.

હું વધતી ગરમીને 'સાગર' ચિતા માનું છું ધરતીની,
હવે થોડા વખતમાં એ. સીમાં પણ આગ દેખાશે.
રાકેશ સગર, સાગર, વડોદરા

Read More

ગામ નાનું અને ભાગલા ચાર પાંચ
રોજ ભડકે અહીં આખલા ચાર પાંચ

ડોઢ ડાહ્યાની છે ફોજ મોટી અને
એની પાછળ ફરે ચાંપલા ચાર પાંચ

ભીખ માંગ્યા કરે ધન કુબેરો સતત
હોય છે ગામમાં બાપલા ચાર પાંચ

આધુનિક ઘર થયાં ને હૃદય સાંકડા
કોણ રાખે હવે ખાટલા ચાર પાંચ

ધારણા સાચી પડતી નથી દર વખત
સાવ ખોટા પડ્યાં દાખલા ચાર પાંચ

શ્વાનને માણસોમાં ફરક શું કહો
શોધી નાંખો હવે થાંભલા ચાર પાંચ

એમ 'સાગર' મળ્યાં કામના માણસો
ઓઢણીમાં બચે આભલા ચાર પાંચ
સગર રાકેશ ,સાગર, વડોદરા

Read More