×

અસ્તિત્વ પર જ્યારે ઘણાં "ઉઝરડા" થાય છે,
ત્યારે એક માણસ "સમજદાર" થાય છે...

મારા શબ્દોમાં પોતાને કેમ તું શોધવા મથે છે?
તું તો મારા બે શબ્દો વચ્ચે લેવાયેલા શ્વાસમાં વસે છે...

હતુ તે પતંગિયું તૂટેલી પાંખ સાથેનું,
છતાં પણ બાગનું દરેક ફૂલ તેની મુલાકાત ઝંખી રહ્યું છે..!!

તુટીને ખરી પડ્યુ, એ ગુલાબ પણ જમીન પર...
આવ્યું હતું પતંગિયું, બે પલની ખુશી આપવા માટે...

વાંચે દુનિયા
સમજી એને વાર્તા
છે આપવીતી!!!

તરસતી એ
એકલતા ઢીંચીને
વરસાદમાં..!

શું કહું...
કેટલું મુશ્કેલ છે જીવવું...
જેના માટે જીવવું...
એના વગર જીવવું...

તારો હાથ હાથમાં હોય છે ત્યારે એવું લાગે છે જાણે આખું જગત મારી મુઠ્ઠીમાં છે. તું  હોય છે ત્યારે સમયને પાંખો લાગી જાય છે. હવામાં એવી માદક ખુશ્બૂ પ્રસરાઈ જાય છે કે હું ખોવાઈ જાઉં છું. ધરતી અને સ્વર્ગ વચ્ચેનું અંતર ઘટી જાય છે. ફૂલો વધુ ખીલેલાં લાગે છે. પંખીઓનો કલરવ આહલાદક બની જાય છે. સૌંદર્યને પણ શરમાઈ જવાનું મન થઈ જાય એટલું નીખરી જાય છે. મારા ચહેરા પર સ્નેહની ચમક તરવરી જાય છે. ટેરવામાં ઝંખના જાગી જાય છે. સ્પર્શ મૃદુ બની જાય છે. મારો અવાજ મધુરતા ઓઢી લે છે. જેવો તું જાય છે કે તરત જ બધા માહોલ ઉપર પડદો પડી જાય છે. ઉદાસી અને એકલતા મને ઘેરી વળે છે. મને એ જ સમજાતું નથી કે હું મને શોધતી હોઉં છું કે તને?

તારાથી વિશેષ આ દુનિયામાં 
બીજું કંઈ છે જ નહીં!

તને એક નજર જોવા તરફડી જાઉં છું. પ્રેમ જેટલો ઉત્કૃષ્ટ હોય છે એટલો જ વિરહ કેમ ઉગ્ર બની જતો હોય છે? અચાનક જ વાતાવરણ મારી ત્વચાને દઝાડતું હોય એવું બની જાય છે. કંઈ જ ગમતું નથી. માત્ર શરીર હાજર હોય છે. મન તો ફાંફાં મારતું હોય છે.

વિરહ મીઠો લાગે. શરત એટલી કે એ વિરહ ટૂંકી અવધિનો હોય. મિલનની રાહનું માધુર્ય અલૌકિક હોય છે. અલબત્ત, જે ક્યારેય પાછા નથી આવવાના એનું શું? જિંદગીભરનો વિરહ વેદના બનીને હૃદયને કોતરતો રહે છે અને શ્વાસને રૂંધતો રહે છે. ગળામાં બાઝી ગયેલા ડૂમાને ઓગાળવામાં બહુ મહેનત પડે છે. નસેનસમાં ફરતી યાદો શ્વાસ ફુલાવી દે છે. આંખો બંધ કરી દઈએ તો પણ એ ચહેરો નજર સામેથી હટતો નથી. હા, ખબર છે તું આવવાનો નથી. હવે ક્યારેય તું મળવાનો નથી. મારે આખી જિંદગી હવે ઝૂરવાનું છે. કેમ કરીને ભૂલવો તને? કેટલીક સ્મૃતિઓ પથ્થર પર કોતરાયેલા શબ્દો જેવી હોય છે. એ ભૂંસાતી નથી. ભુલાતી નથી. એ ધડકતી રહે છે અને થડકાવતી રહે છે.

તમારી પાસે તમારી વ્યક્તિ છેને? તો બસ એની સાથે જીવી લો. દરેક ક્ષણ માણી લો. સાંનિધ્યને સજીવન રાખો. સમય છે ને,,,એ બહુ દગાખોર હોય છે, એનો ભરોસો રાખવા જેવો નથી. કોણ, ક્યારે અને કેવી રીતે ચાલી જાય છે એ નક્કી નથી હોતું. તું છે તો બધું જ છે, તું નથી તો કંઈ જ નથી. તું છે તો જ હું છું. મારે તારી સાથે જીવવું છે. જીવી લેવું છે. જીવવાની એકેય ક્ષણ, એકેય તક ન ગુમાવો, કારણ કે દરેક ક્ષણ એકસરખી નથી હોતી!

Read More

अब जबकि तुम नहीं हो
मेरी जिंदगी में शामिल
तुम्हारा न होना
उतना ही शामिल होता गया है
मेरी जिंदगी में..!!

તું જ સફર
આ બંજારા દિલની
તું જ મંજીલ

પ્રેમ એટલે હું નહીં...
પ્રેમ એટલે તું નહીં...
પ્રેમ એટલે...
હું થી તું સુધી પહોંચવાની
પ્રણયની નાનકડી કેડી...

પ્રેમ બે વ્યક્તિ વચ્ચે સર્જાતી આત્મિક ઘટના છે. એક તું છે. એક હું છું. આપણે બંને એક છીએ. પ્રેમ બેને એક કરે છે. એક અને અખંડ. અખંડ ત્યારે જ રહેવાય જ્યારે પ્રેમ પ્રચંડ થાય. પ્રેમ છલકવો જોઈએ. ચહેરા ઉપર ખીલવો જોઈએ. ગાલ થોડાક ગુલાબી થવા જોઈએ અને ચાલ થોડીક શરાબી થવી જોઈએ. હાલ થોડાક બેહાલ થવા જોઈએ અને નસીબ થોડાંક ન્યાલ થવાં જોઈએ. પ્રેમ વર્તાવો જોઈએ. પ્રેમ છૂપો ન રહેવો જોઈએ. પકડાઈ જાય એ જ સાચો પ્રેમ. પ્રેમ રીઢો ન હોય, પ્રેમ મીંઢો ન હોય, પ્રેમ તો સીધો જ હોય. એક દિલથી સોંસરવો બીજા દિલમાં ઊતરે એવો સીધો ને સટ. પ્રેમ દેખાતો ન હોય તો સમજવું કે કંઈક ખૂટે છે.

એક યુવાને એક ફિલોસોફરને પૂછ્યું. પ્રેમ કેવો હોવો જોઈએ? મૌન કે પછી બોલકો? ફિલોસોફરે હસીને કહ્યું કે, તારી પ્રેમિકા તારા પ્રેમને સમજી શકે એવો. જરૂરી માત્ર એટલું જ છે કે તમારા બંનેની પ્રેમની ભાષા એક હોવી જોઈએ. એ તારું મૌન સમજતી હોય તો મૌન રાખ, પણ એને જો તારા શબ્દો જોઈતા હોય તો તેને દિલ ખોલીને કહે કે હું તને પ્રેમ કરું છું. આપણે ભૂલ એ કરતા હોઈએ છીએ કે પ્રેમને આપણે આપણી ભાષામાં સમજીએ, માણીએ અને જીવીએ છીએ. હકીકતે પ્રેમ આપણી
વ્યક્તિની ભાષામાં થવો જોઈએ. તારી વ્યક્તિને જેવો પ્રેમ ગમતો હોય એવો પ્રેમ કર.

એ કદી પાસે
અને ક્યારેક અંતર હોય છે,

એ ખરે વખતે
અહીં ગાયબ સદંતર હોય છે,

ખૂબ ઝંઝાવાતમાં
પણ ક્યારેય બુઝાતો નથી,

એક દીવો આપણામાં
ક્યાંક અંદર હોય છે.

દરેક ઘટનાનું એક વાતાવરણ હોય છે. વરસાદ પડવાનો હોય એ પહેલાં વાદળો છવાય છે. મેઘધનુષ વરસાદ પછી
જ સર્જાય છે. રાત પહેલાં સાંજ થાય છે. ઝાંઝવાનાં જળ પણ ખરા બપોરે જ દેખાય છે. અંધારામાં ઝાંઝવા ન સર્જાય. વાછટ વરસાદના અસ્તિત્વની હાજરી પૂરે છે. સંબંધોનું પણ એક વાતાવરણ હોય છે. આત્મીયતાનું એટમોસ્ફિયર હોય છે. પ્રેમ, લાગણી, સ્નેહ, ઉષ્મા, હૂંફ, સાંનિધ્ય અને આત્મીયતાની અનુભૂતિ થવી જોઈએ. પ્રેમ હોય એ પૂરતું નથી, પ્રેમનો અહેસાસ થવો જોઈએ. બે હાથ મળે ત્યારે દિલ ભરાઈ જવું જોઈએ. ગળે મળીએ ત્યારે સાંનિધ્ય ખીલી ઊઠવું જોઈએ. ચુંબન ચુંબકીય હોવું જોઈએ. નજીક લાવે એવી નજાકત વગરનો પ્રેમ અધૂરો છે. અધૂરો ઘડો છલકાઈ જાય છે. મધુરો સંગાથ બેવડાઈ જાય છે.

પ્રેમની કોઈ સાર્વત્રિક વ્યાખ્યા હોઈ ન શકે..!હા, પ્રેમની વ્યક્તિગત વ્યાખ્યા હોઈ શકે. તમારા પ્રેમની વ્યાખ્યા તમે જ કરી શકો. દરેક પ્રેમ આગ‌વો હોય છે. દરેક પ્રેમ અલૌકિક હોય છે. પ્રેમ કોઈના જેમ ન થાય. પ્રેમ તો આપણે કરતા હોય એમ જ થાય. કોઈ કોઈને કેવો પ્રેમ કરે છે, તેનાથી કોઈને કશો ફેર પડતો નથી. તું મને કેવો પ્રેમ કરે છે તેનાથી મને મતલબ છે. દરેક પ્રેમી એ પ્રેમનું જીવતું જાગતું ઉદાહરણ છે. ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે આ ઉદાહરણ ‘જીવતું’ અને ‘જાગતું’ રહે! આ ઉદાહરણ મરવું ન જોઈએ કે સુષુપ્ત ન રહેવું જોઈએ. પ્રેમ એક ક્ષણ કે એક દિવસનો ન હોય, પ્રેમ તો જિંદગીનો હોય. પ્રેમ અટકવો ન જોઈએ. પ્રેમ અવિરત રહેવો જોઈએ. શ્વાસની સાથે પ્રેમ અંદર ઊતરતો રહેવો જોઈએ અને ઉચ્છવાસની સાથે પ્રેમ સ્પર્શતો રહેવો જોઈએ.

પ્રેમ એટલે...
ચાર આંખોથી જોવાતું અને જીવાતું એક સપનું.

Read More