રોજ બરોજ ની ખોજ બસ હું ને આ શબ્દો સાથેની મોજ...........SHILU insta id....shilu parmar 21

જાણી લે મનવા, અહીં ના તન સાથ આપે છે.
ના જિંદગીભર રળેલું ધન સાથ આપે છે.

બાકી રહેલી કેટલીય ઈચ્છાઓ સાથે પણ -
જીવી બતાવનાર મન સાથ આપે છે.

રેતીથી અડકીને લહેર પણ દૂર થઈ જાય છે.
મૃત્યું પહેલા ક્યું કફન સાથ આપે છે ??


ઋતુ પણ બદલાય જશે,સમય આવ્યે.
કહો જરા હરહંમેશ કયું ગગન સાથ આપે છે ??

ના પૂછો કે, અહીં કેટલા જણ તમારા છે .
અરે, કયો ખભો આજીવન સાથ આપે છે ??

SHILPA PARMAR "SHILU"

Read More

"ટેન્શન નહીં લેને કા..."

ટાઈટલમાં લખેલી આજની આ લાઈન ભર ઉનાળામાં પણ પરીક્ષાના ડરને કારણે થથરી રહેલા વિધાર્થીઓ માટે જ છે.એવા વિદ્યાર્થીઓ માટે છે જે બોર્ડની પરીક્ષાની ડેટ નજીક આવતા જોઈને ટેન્શનનો શિકાર બની રહ્યા છે.કોઈએ ક્યારેક વિચાર્યું છે કે, "સત્તર કે ચૌદ વર્ષના બાળકમાં આ ટેન્શન આવે છે ક્યાંથી...??"

વિધાર્થીને ટેન્શન આપનાર બીજું કોઈ નહીં પણ આપણે જ છીએ.આજુ બાજુ રહેલા લોકો જ્યારે એમ કહે કે, તું દસમા ધોરણમાં છે ,"તારે બોર્ડ છે,જોજે ક્યાંક ફેલ ના થઈ જવાય..." વગેરે જેવા વાક્યો સાંભળીને વિધાર્થી બિચારો ટેન્શનમાં ના આવે તો શું કરે...?? મને આજ સુધી સમજાતું નથી કે,પરેન્ટ્સ એમના બાળકની બોર્ડની પરીક્ષાને લઈને આટલા બધા સિરિયસ કેમ થઈ જતા હશે ?? બાળકને એકવાર એની રીતે હેન્ડલ કરવાની તક તો આપો યાર. એને એની જાતે જ પરીક્ષાને એન્જોય કરવા દો.એ કોઈ જગ્યાએ અટકે છે અથવા છટકે છે ત્યારે એને સમજાવો કે શું સાચું છે શુ ખોટું છે.સમજાવા અને સમજવાની પણ એક રીત હોય છે.એ કેળવવી ખૂબ જરૂરી છે.

આ તો માત્ર બોર્ડની સામાન્ય પરીક્ષા છે.આના જેવી તો જિંદગીમાં કેટલીય પરીક્ષાઓ આવશે.પેરેન્ટ્સ જ બાળકને ટેન્શન આપ્યા રાખશે તો બાળક પરીક્ષાને હેન્ડલ કરતા ક્યારે શીખશે ?? પરીક્ષા જીવનનો એક ભાગ છે.મનુષ્યએ આજીવન પરીક્ષા આપતા જ રહેવાનું છે.તમારા બાળકને પરીક્ષા આપવા માટે તૈયાર કરો.નહીં કે સારા માર્ક માટે. તમારા બાળકને શીખવો કે, "પરીક્ષા એક ઉત્સવ છે તારે એ ઉત્સવને બને એટલી સુંદર રીતે ઉજવવા માટે પ્રયત્ન કરવાનો છે."

બાળકને ટેન્શન નહીં આપવાનું એનો એવો જરાય મતલબ નથી કે,"પેરેન્ટ્સએ જ બધું ટેન્શન લઈને ફરવાનું." તમારા બાળકને 90% જ આવવા જોઈએ એવી અપેક્ષા રાખવાનું છોડી દેવું જોઈએ. હા,માતા -પિતા તરીકે બાળક પાસેથી અપેક્ષા રાખવી એ તમારો હક છે પણ બળજબરીથી અથવા ગોખણપટ્ટીથી ક્યારેય સારા માર્ક આવતા નથી.દરેક બાળક એની ક્ષમતા પ્રમાણે પ્રયત્ન કરતો જ હોય છે. માટે તમારા બાળકમાં રહેલી ક્ષમતાને જાણો અને એને પ્રોત્સાહીત કરો.બાકી ટેન્શનને કહી દો ટાટા ,બાય -બાય.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

રિમેમ્બર કર લે, જો ડૂબે વહી હોતા હૈ પાર
હર નજર કી યહાં પે સોચો,એક મંઝીલ હી હૈ
મોકા મિલે તો ખોના નહીં,કી આયેંગા ના યે બાર બાર
ધક્કા માર ઝરા જોર સે ધક્કા માર

- SHILPA PARMAR "SHILU"

Read More

જીના યહાં મરના યહાં...

જોકર મુવીના એક સોંગની આ લાઈન મને ખુબ ગમે છે.છે તો માત્ર બે લાઈન જ પણ એ બે લાઈન આપણને આખે આખી લાઈફ સમજાવી જાય છે.જન્મ પણ અહીં જ છે અને મૃત્યુ પણ અહીં જ છે.એ બન્નેની વચ્ચેની જે ક્ષણો છે એ જ મહત્વની છે.એ સમયને તમે કઈ રીતે જીવ્યા છો ?? બસ આ જ સવાલનો જવાબ જાતને પૂછી જુવો.બધા જ જવાબો મળવા લાગશે.

અમુક વાર જીવનને પણ થોડું પંપાળવું પડે છે.એને પણ થોડુંક વ્હાલ કરવું પડે છે.જાતને વ્હાલ કરવાની મજા જ અલગ હોય છે.બાકી તો જીવનમાત્ર બચપન,જવાની અને વૃદ્ધાવસ્થા જ છે. બસ ત્રણ તબક્કામાં જીવન ખલાસ.અસિમ રાંદેરી સાહેબ તો લખે પણ છે કે,“બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,, જીવન પણ છે કટકે કટકે.” ટુકડે ટુકડે વીતતા આ જીવનમાં કેટ કેટલાય અનુભવો મળે છે,દુઃખ મળે છે,સુખ મળે છે,આંસુ પણ મળે છે ને સાથે હાસ્ય પણ મળે છે.તમે શું શોધો છે એ મહત્વનું છે.આપણે જરૂર માત્ર જાતને થોડુંક વ્હાલ આપવાની જ હોય છે.

હું માનું છું ત્યાં સુધી રોજ જીવવા માટેનું સત્ય અહીં બસ એટલું જ છે કે, "મૃત્યું નિશ્ચિત જ છે." ક્યારે અને કેવી રીતે એ અહીં કોઈ જાણતું નથી.આપણા હાથમાં માત્ર એક જ તક છે અને એ છે, "જીવવું." મરતા પહેલા જીવાય એટલુ જીવવું .શ્વાસ એની જાતે ચાલશે અને સમય આવ્યે થંભી પણ જશે પણ કઈ રીતે જીવવું એ આપણા હાથની વાત છે.સુરેશ દલાલની એક રચના છે કે, "મરણ તો આવે ત્યારે વાત,અત્યારે જીવન સાથે ગમતી મુલાકાત"

મૃત્યુ એક પૂર્ણવિરામ સમાન છે.એ પહેલા માણસ ઘણા બધા અલ્પવિરામ,અને ઉદગારને જીવતો હોય છે.માણસ જન્મે છે ,જીવે છે અને મરે છે.જીવન તમારું છે તો એને કેમ જીવવું,એને કેમ અને કેટલો વ્હાલ કરવો છે એ હવે તમારે નક્કી કરવું પડશે. લેખક પી.કે.દાવડા લખે છે કે, "આ મળ્યું જીવન છે જેવું એને જીવી જાણો,અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો...”તો તૈયાર છો ને બધા જીવવા માટે...??

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

ગમ ઔર ખુશી મેં ફર્ક ના મહેસુસ હો જહાં
મેં દિલ કો ઉસ મુકામ પે લાતા ચલા ગયા
મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા
હર ફિકર કો ધુયેં મેં ઉડાતા ચલા ગયા

- SHILPA PARMAR "SHILU"

Read More

"ઉલ્લુ બનાયા ,બડા મજા આયા..."

આજે છે પહેલી એપ્રિલ.ઉલ્લુ બનવાનો અને બનાવવાનો દિવસ.હસવાનો અને હસાવવાનો દિવસ. આમ તો એપ્રિલ મહિનામાં એક પણ તહેવાર આવતો નથી પણ મહિનાની શરૂઆતમાં જ નાની નાની , રમુજી અને મુર્ખતાભરી મસ્તી કરવાથી આખો મહિનો ખુશખુશાલ બની જાય છે. ઘણા લોકો ઉલ્લુ બનાવીને ખુશ થાય છે તો ઘણા લોકોને ઉલ્લુ બનવાની પણ મજા આવતી હોય છે. પળ બે પળની આ મસ્તી આપણી બીઝી લાઈફને હળવી ફુલ બનાવી દે છે.

તમને વિચાર આવતો હશે કે ,એપ્રિલ મહિનામાં લોકોને ઉલ્લુ બનાવવાની શરૂઆત કોણે કરી હશે...??તો જાણવી દઉં કે,આ દિવસની શરૂઆત 1381 માં થઈ હતી.જેમાં ઇંગ્લેન્ડના રાજા રિચર્ડ દ્વિતિય અને રાણી એનીના લગ્નન તારીખ 32 માર્ચ 1381 થશે એવી ઘોષણા કરવામાં આવે છે, જેનાથી કસબાના લોકો ખરેખર મુર્ખ બની જાય છે. આ ઘટના બાદ એક એપ્રિલને મુર્ખ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ કસબાનો ઉલ્લેખ લેખક જેફ્રી ચોસરના 'ધ કેંટરબરી ટેલ્સ' નામના એક પુસ્તકમાં પણ કરવામાં આવ્યો છે.

પહેલી એપ્રિલના દિવસે ઘણી બધી મુર્ખતાભરી ઘટનાઓ બનતી હોય છે.જેને સાંભળીને આપણે આપણી જાતને પેટ પકડીને હસવા માટે રોકી શકતા નથી. ખરેખર, જીવનનો સાચો આનંદ તો આજ છે ને કે, "હસો અને હસાવો. " પેલું કેહવાય ને કે, "હસે એનું ઘર વસે." જો તમારે પણ ઘર વસાવવું હોય તો હસવાનું અને હસાવવાનું ચાલુ કરી દો. મારુ તો માનવું છે કે, માણસની જેમ કયારેક દુઃખોને પણ આમ જ એપ્રિલ ફુલ બનાવી દેવા જોઈએ. ડૉ.રંજન જોશી લખે છે કે, "સુખના કોઈ રંગ નહીં છો 'રંજ' મળે...રંગ ઉડાડી જાતને કહીયે એપ્રિલ ફુલ..."

તો તૈયાર છો ને બધા હસવા અને હસાવવા માટે ?? આ દિવસની મજા પુરેપુરી લઈ લેવી પરંતુ ખાસ ધ્યાન રાખવું કે, આપણી થોડીક વારની મસ્તી- મજા કોઈના માટે સજા ના બનવી જોઈએ. મેં ક્યાંક એક શાયરી વાંચી હતી કે, "ઇસ કદર હમ આપકો ચાહતે હે...કિ દુનિયા વાલે દેખ કે જલ જાતે હે...યું તો હમ સભી કો ઉલ્લૂ બનાતે હે...લેકિન આપ થોડા જલદી બન જાતે હે

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

એપ્રિલ ફુલ બનાયા
તો ઉનકો ગુસ્સા આયા
તો મેરા ક્યા કસૂર,
જમાને કા કસૂર,
જિસને દસ્તુર બનાયા

- SHILPA PARMAR "SHILU"

Read More

રંગ આ જિંદગીભરનો કઈંક એવો રે ચડ્યો,,
દોસ્ત,આ દોસ્તીથી તે મને હર રોજ રંગ્યો....

- SHILPA PARMAR "SHILU"

"મુજે રંગ દે..."

તક્ષક મુવીનું એક સોંગ છે જેની આ લાઈન છે, "મુજે રંગ દે..." હોળી અને ધુળેટી નજીક જ છે અને કોઈ ગમતી વ્યક્તિ આવીને કહે કે, "મુજે રંગ દે..." ખરેખર આ એક લાઈન સાંભળીને દિવસ કેવો મસ્ત રંગીન બની જાય હે ને..!! પ્રજ્ઞા દાદભાવાળા લિખિત કવિતાની એક પંક્તિ યાદ આવે છે કે, "તમે છાંટયા ગુલાલોને અમેતો મહેકી ગયા અને પછી ફાગણ આવ્યા , કહેવું જ શું ?"

લગભગ દરેક શહેરના લોકો હોળી અને ધુળેટી માનવતા જ હોય છે .હા,બધાની ઉજવણીની રીત થોડી અલગ હશે પણ છેવટે બધા માટે તહેવાર એટલે તો આનંદ જ આનંદ.પેલું કેહવાય ને કે, "ન જીત કા હૈ ન હાર કા, ત્યોહાર બસ પ્યાર કા હૈ " દરેક તહેવાર માણસને કઈંક ને કઈંક શીખવે જ છે.હોળી તો આપણને જૂનું ભૂલીને નવી શરૂઆત કરતા શીખવે છે.એટલે જ તો લોકો એકબીજાને રંગ લગાવીને કહે છે કે,"બુરા ના માનો હોલી હૈ..."જો તમારા થી કદાચ કોઈ રિસાય ગયું હોય તો પણ મનાવવા માટે આ દિવસે બેસ્ટ છે. રંગ લગાવીને કહી જ દેજો કે,"બુરા ના માનો..."

જીવન પણ હોળીના રંગો જેવું જ છે એકદમ રંગીન. ક્યાંક આપણે જ એના રંગે રંગાવામાં મોડું કરતા હોઈએ છીએ.કલ્પના રઘુ લખે છે કે, "જીવનમાં રંગો પુરાતા જાય છે,પુરાતા જાય છે. અને રંગીન જીંદગી જીવાતી જાય છે." આપણા જીવનમાં ઘણા લોકો પણ એવા હોય છે જે જીવનની દરેક ક્ષણને રંગીન બનાવતાં હોય છે.આપણે માત્ર એ રંગોને જીવનમાં ઉતરવાની શરૂઆત કરવાની હોય છે .પછી, યે જવાની હે દિવાની મુવીના સોંગની જેમ તમે પણ કહેશો કે, "ઇતના મજા ક્યોં આ રહા હૈ, તુને હવા મેં ભાંગ મિલાયા..."

ગુલાલથી તો આપણે હર સાલ હોળી માનવીએ છીએ પણ આ વર્ષે કોરોના કાળને ધ્યાનમાં રાખીને થોડીક સાવચેતી રાખીશું. હોળીકા દહનનો આનંદ માણીશું અને ઘરે રહીને જ એક બીજાના રંગે રંગાઈશું. તો તૈયાર છો ને આપ સૌ રંગીન રંગોમાં રંગાવા માટે..??

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

ગીલે શિકવે ભૂલ કે દોસ્તો
દુશમન ભી ગલે મિલ જાતે હૈ
હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ
રંગો મેં રંગ મિલ જાતે હૈ

- SHILPA PARMAR "SHILU"

Read More

"તરસતી હૈ નિગાહે..."

તરસતી હૈ નિગાહે નામનું આ ગીત ઘણા દિવસથી મને સાંભળવા મળે છે.ઘણા લોકોનું તો આ ફેવરિટ સોંગ હશે. બરાબર ને...!! આંખ વિષયને કેન્દ્રમાં રાખીને ઘણા ગીતો,ગઝલો અને કવિતાઓ લખાઈ છે.ગીતોની વાત કરીએ તો આંખ પર લખાયેલા બધા ગીત હિટ જ થયા છે પછી એ, "તારી આંખોનો અફીણી" હોય કે, "નયનને બંધ રાખીને" હોય અથવા તો, "તેરે મસ્ત મસ્ત દો નેન" હોય.ટીક ટોકમાં પણ વચ્ચે તેરી પ્યારી પ્યારી દો અંખિયા નામનું ગીત ખૂબ ચાલ્યું હતું.

રાજેશ રેડ્ડી સાહેબનો એક શેર છે કે, "લેકીન હમારી આંખોને કુછ ઔર કહ દિયા , કુછ ઔર કહતે રહ ગયે અપની જુબાં સે હમ ।।" ખરેખર જે વાત શબ્દો દ્વારા નથી કહી શકાતી એ મુંગી આંખો એક પળમાં કહી જતી હોય છે.માણસ શબ્દોથી ખોટું બોલી શકે છે પણ આંખોથી ખોટું બોલવું લગભગ અશક્ય છે.એટલે જ આપણે આંખમાં આંખ નાખીને વાત કરતા ડરતા હોઈએ છીએ. કિશોર કુમાર સાહેબ તો પોતાના ગીતમાં ગાય પણ છે કે, "સાગર જેસી આંખો વાલી..." અહીં આંખોને દરિયા જેવી ગણાવી છે.દરિયો ઘણું બધું સમાવી લેતો હોય છે એમ ,"આંખ પણ વળી ક્યાં ઓછું સમાવે છે...!! સફર મુવીનું મને ખુબ ગમતું એક સોંગ છે , "જીવન સે ભરી તેરી આંખે મજબૂર કરે જીને કે લિયે."ઘણી આંખો એવી હોય છે જેને જોઈને આપણે થોડુંક વધારે જીવી જતા હોઈએ છીએ.

ગજબ કેહવાય ને કે, "બ્લેક એન્ડ વ્હાઇટ એવી નાનકડી આંખોમાં માણસ આખે આખી દુનિયાને સમાવી શકે છે." ઘણી બધી યાદો,ઘણા બધા દ્રશ્યો,સુખ ,દુઃખ,આંસુ,હરખ, વિરહ બધું જ માત્ર બે આંખોમાં આરામથી વસી જાય છે.બંધ આંખે સપના જોતો માણસ એ જ સપના પુરા કરવા કેટલીય રાતો જાગતો હોય છે.કહેવાને નાની અમથી આ આંખો કેટલાય મોટા મોટા સપના જોય લેતી હોય છે.જીવી લેતી હોય છે.ઘણી ક્ષણો કેમેરામાં કેદ નથી થઈ શકતી પણ યાદગાર એવી પળોને આ આંખ જિંદગીભર સાચવી રાખે છે. આપણે ઈચ્છીએ તો આ જ આંખોમાં કેટલીય રંગીન સુંદરતાને સમાવી શકીએ છીએ તો બીજી બાજુ ગુસ્સો અને નફરત પણ આ જ આંખોમાં સમાવી શકીએ છીએ.પેલું કેહવાય ને કે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો તમારે તમારી આંખોમાં કેટલું અને કેવું સમાવું છે એ તો હવે તમારે જ વિચારવું પડશે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

નિગાહો મેં દેખો મેરી
જો હૈ બસ ગયા
વો હે મિલતા તુમસે હુબહુ
જાને મેરી આંખે થી,
યા બાતેં થી વજહ...

- SHILPA PARMAR "SHILU"

Read More

ગજબ કેહવાય ને કે, "બ્લેક એન્ડ વ્હાઇટ એવી નાનકડી આંખોમાં માણસ આખે આખી દુનિયાને સમાવી શકે છે."
ઘણી બધી યાદો,ઘણા બધા દ્રશ્યો,સુખ ,દુઃખ,આંસુ,હરખ, વિરહ બધું જ માત્ર બે આંખોમાં આરામથી વસી જતું હોય છે.

- SHIlPA PARMAR "SHILU"

Read More

"જીવથી શિવ સુધી...."

આજના મહાશિવરાત્રીના પર્વની સૌ ભક્તોને હાર્દિક શુભકામનાઓ.આમ તો શિવરાત્રી દર મહિને આવે છે .પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે.દેવોના પણ દેવ એવા મહાદેવનો તહેવાર એટલે મહાશિવરાત્રી.માત્ર મનુષ્યો જ નહીં પણ રાક્ષસો,ભૂત, ભુવા પણ જેમની પૂજા કરે છે એવા દેવ એટલે ભગવાન શિવ.નીલકંઠ,ભૂતનાથ,અર્ધનરનારીશ્વર,ભોળાનાથ વગેરે નામોથી પ્રચલિત દેવ એટલે મહાદેવ.

આપણા વેદ અને પુરાણોમાં પણ શિવની શક્તિ અને મહિમા જણાવવામાં આવ્યો છે.રામાયણ અને મહાભારતમાં પણ શિવને મોટા દેવ ગણવામાં આવ્યા છે.આપણા અઢાર પુરાણોમાંથી એક પુરાણ એવા શિવપુરાણના રચનાકાર ભગવાન શિવ પોતે જ છે.વેદ વ્યાસે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું છે.શિવ પુરાણમાં 24,000 જેટલા શ્લોકો છે.આમાંથી જો એક પણ મંત્રનું શ્રદ્ધાથી ધ્યાન ધરવામાં આવે તો પણ ભોળાશભું પ્રસન્ન થઈ જાય છે.શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે પ્રભવશાળી મંત્ર કોઈ હોય તો તે છે ,"મહામૃત્યુંજય મંત્ર." આ મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી.તેનું વર્ણન આપણને ઋગ્વેદમાંથી પણ મળી આવે છે.સમુદ્રમંથન સમયે જ્યારે શિવજી એ હળાહળ વિષ પી ને જગતના જીવોને જીવનદાન આપ્યું હતું ત્યારથી શિવ મર્ત્યુંજય સ્વરૂપે પૂજાય છે.

અંતે વિચારવા જઈએ તો જીવ અને શિવ બને એક જ છે. જરૂરિયાત માત્ર જીવથી શિવ સુધીની સફર આરંભ કરવાની છે.શિવજી આપણને એજ શીખવે છે કે,જરૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં ક્રોધ,ભોળપણ ,તાંડવ બધું જ જરૂરી છે.ભક્તિનો અર્થ એ નથી કે, એક દિવસ પૂરતું શિવને જળ અથવા દૂધ અર્પણ કરવું જ કરવું. હું દુગ્ધાભિષેકની જરાય વિરોધી નથી.પણ તમારી સામે કોઈ બાળક ભૂખ્યું હોય અને તમે એ બાળકને દૂધ આપશો ત્યારે શિવજી ખરેખર વધારે પ્રસન્ન થશે. લેખક જયદેવ પુરોહિત પણ કહે છે કે,આત્મશ્રુદ્ધિ,વિચારશ્રુદ્ધિ અને નજરશ્રુદ્ધિ થાય તો જ મહાશિવરાત્રી ઉજવાય.

છેલ્લે દિલથી કહું તો કમલેશભાઈ પટેલ રચિત એક ગીત યાદ આવે છે :

એ જી વા'લા જીવ ને શિવ દો'નો એક છે,
જાણી લે હંસલા અજ્ઞાની...
બીજમાં બેઠો જેમ વડલો,
બેઠો એમ ઘટ ઘટ શિવલહેરી...
એ જી વા'લા અકળ લીલા નિલકંઠની,
સમજી લે જીવડા ગુમાની...

- SHILPA PARMAR "SHILU"

Read More

HAPPY WOMEN'S DAY ....

"100 માંથી એક પુરુષ એવો બતાવો જે,દર રવિવારે પોતાના ઘરની સ્ત્રીઓ માટે ચા બનાવે અને હાથમાં છાપું આપીને વાંચવાની સલાહ આપે છે...!!" આ વાત આમ તો સાવ સામાન્ય છે પણ આપણા સમાજની સમજણ એવી છે કે, ઘરના કામ માત્ર સ્ત્રીઓ જ કરે.માત્ર સ્ટેટ્સ મુકવાથી સમાજ નહીં બદલાય,સ્ત્રીને સાચા અર્થમાં માન આપવું હોય તો આવી માનસિકતા પણ કેળવવી પડે. ગુણવંત શાહે પણ કહ્યું છે કે,” એક જ સંતાનની શક્યતા હોય ત્યારે કોઈ બાપ જો પરમેશ્વર પાસે દીકરાને બદલે દીકરીની યાચના કરે તો તે બાપનો જેન્ડર બાયસ રળિયામણો જાણવો."

-SHILPA PARMAR "SHILU"

Read More