Hey, I am on Matrubharti! my Education is Bsc with physics.certified textile diginer.my hobby is reading writing and painting

જિંદગી જીવાય જશે

ચિરાઈ જશે તો હૃદયના તારથી સિવાય જશે,
આત્મબળના જોરે  જિંદગી જીવાય જશે.

ચંદન ઓરસિયા પર ઘસાઈને મહેકી  જશે,
અગરબત્તીની સુગંધ સાથે ભળીને જિંદગી જીવાય જશે.

ઈચ્છાઓની દીવાલો એક પછી એક ચણાતી જશે,
ઉંબરાઓ ઓળંગતા ઓળંગતા જિંદગી જીવાય જશે.

વિષાદ વચ્ચે પણ સ્મિત વિસ્તરતું જશે,
ખુલ્લા રાખી મનના દ્વાર જિંદગી જીવાય જશે.

દિવામાંનું દિવેલ વાટ દ્વારા બળતું રહેશે,
પ્રકાશ ફેલાવતા ફેલાવતા જિંદગી જીવાય જશે.

ઉર્વશી એચ ત્રિવેદી

Read More

નીકળી પડ્યા.

મૃગ - તૃષ્ણા સંતોષવા માટે,
જળ ને શોધવા રણ નીકળી પડ્યા.

શારડીમાં વહોરાવવા માટે,
ઈચ્છાઓના ધણ નીકળી પડ્યા.

લખાયું છે લલાટે તે અફર નથી છતાં
તર્ક-વિતર્ક ની દુનિયા માં વિચારો નીકળી પડ્યા.

કર્મના રહેઠાણમાં રેડ પાડી તો,
પુણ્ય પાછળ પાપ ના ઘડા નીકળી પડ્યા.

ઉપરનું પહેરણ તો ધોઈને સાફ રાખ્યું,
અંદર મેલના થર નીકળી પડ્યા.

સાંજ પડ્યે સાથ છોડયો સહુએ,
પડછાયા પણ ઘેર જવા નીકળી પડ્યા.

ઉર્વશી એચ ત્રિવેદી

Read More

જાય છે

સત્ય સર્જરી જેવું હોય છે
થોડા દર્દ પછી રાહત થઈ જાય છે.

જૂઠાણું પેઇનકિલર જેવું હોય છે
થોડી રાહત પછી આડઅસર રહી જાય છે.

કસોટીઓ આવે જીવનમાં ત્યારે
સંબંધોની ઊંડાઇ ની પરખ થઇ જાય છે.

પ્રયત્નો કરી ઝાંપો ખોલી નાખીએ તો
દ્વાર સુધી ભાગ્ય આપોઆપ પહોંચી જાય છે.

વાણી અને વર્તન કાબૂમાં ન રાખીએ તો
તેની ફાસ ઊંડે સુધી ખૂંપી જાય છે.

ઝાડ ની ડાળી ઘરના મોભ ને આંબવા માંડે તો
કુહાડીના ઘાથી વધેરાઈ જાય છે.
ઉર્વશી એચ ત્રિવેદી

Read More

રહી ગયું.

જિંદગી હાંસિયામાં જ જીવાઈ ગઈ
પાનું તો સાવ કોરું રહી ગયું.

મેઘ- ધનુષ્યમાં રંગો ભરતા ભરતા
આકાશ સાવ કોરું ધાકોર રહી ગયું.

જીવનમાં ખામીઓ શોધવામાં ને શોધવામાં
ખાસિયતો જોવાનું સાવ રહી ગયું.

એકઠા થઈને રહેવાની પળોજણમાં
એક થઇને રહેવાનું સાવ રહી ગયું.

જખ્મો ના જીંડવા ફોલ્યા કર્યા જીવનમાં
હૈયાની ઠેસ વિશે વિચારવાનું સાવ રહી ગયું.

ઉર્વશી એચ ત્રિવેદી

Read More

ભાગમાં

શિખરો શર કરવાની ઈચ્છા ઓ સળવળતી રહી
ધ્યાન કેન્દ્રિત પથ્થરો પર રહ્યું
કાંકરી ની અડચણ આવી ગઈ મારા ભાગમાં.

વહેતા વહેણ માં વહી રહેલા દિવસ-રાતની
ઘટમાળ ને વાંચી શકવાની વેળા ના આવી
તારીખના પાના ફાડવાના આવ્યા છે મારા ભાગમાં.

મનના કમાડો વાસી દીધા તા અક્બંધ
બારી ઓ પણ રાખી તી સજ્જડ બંધ
તિરાડો ખુલ્લી થઈ ગઈ છે મારા ભાગમાં.

સોબત તેવી અસર સાચી ઠરી
મંથરા કેરી વાતને હૃદયમાં ધરી
કોપભવન છે કૈકેયી તારા ભાગમાં.

શ્વાસના ઘોડાઓને રથ સાથે જોડયા
હંકારવા હૃદયને સારથી બનાવ્યુ
જિંદગી, યુદ્ધ લડવાનું છે તારા ભાગમાં.

ઉર્વશી એચ ત્રિવેદી

Read More

હોય તેવું લાગે છે.

શ્વાસ લીધા પછી થાક ઘણો વર્તાય છે
નક્કી કંઇક ભેળસેળ થઇ હોય તેવું લાગે છે.

અર્ધ બિડાયેલી કળીને ખીલવા ને કેટલી વાર?
તેના મન પર ઝાકળ નો ભાર હોય તેવું લાગે છે.

ખરી પડેલા ફૂલોમાં ખુશ્બુ તો હજી અકબંધ છે
પાનખર નહીં પણ વીતેલી વસંત હોય તેવું લાગે છે.

અણી કાઢી એ કે તરત જ બટકાઇ જાય છે
જિંદગી બટકણી પેન્સિલ હોય તેવું લાગે છે.

વિશાળ ઝંખનાઓ હૃદયના ખૂણામાં સંગ્રહિત છે
રાત્રિને હવે શમણાંઓનો થાક હોય તેવું લાગે છે.

મોતી સંતાઈ ગયા છે છેક ઊંડે દરિયામાં
પરપોટા થી છીપલા દબાયેલા હોય તેવું લાગે છે.

સૂરજ તો આથમી રહ્યો છે છેક સંધ્યાટાણે
ટમટમતા દીવાને અજવાળાનો થાક હોય તેવું લાગે છે.

ઉર્વશી એચ ત્રિવેદી

Read More

રાખી છે

અંધવિશ્વાસમાં વિશ્વાસ રાખ્યો છે
નરી આંખે આંખોને સૂરદાસ રાખી છે.

ક્રોસ પર ટીંગાઈ ગઈ છે ઇચ્છાઓ આકાંક્ષાઓ
ફક્ત ખીલી ખોડવાની બાકી રાખી છે.

પ્રેમ હુંફ અને લાગણીઓ ના સરવાળા ખોટા પડે છે
લાગે છે દાખલો ગણવાની રીત જ ખોટી રાખી છે.

નસીબનું પાંદડું ઘર તરફ આગળ વધ્યું ત્યારે
કમાડ વાસી ને બારી ઉઘાડી રાખી છે.

જીવનના માર્ગોમાં ફાંટા જ દેખાય છે
લાગે છે શરૂઆતથી દિશા જ ખોટી રાખી છે.

શતરંજની રમતમાં પાસા અમારે પાડવાના.
મોહરા ની ચાલ ઇશ્વર તેં તારા હાથમાં રાખી છે.

શ્રદ્ધાના દીપકને બુજાવવા ના દેતો હે ઈશ્વર
હલેસા વગરની હોડી તારા નામે તરતી રાખી છે.

ઉર્વશી એચ ત્રિવેદી

Read More

મન રાહ જોઈ બેઠું છે

મન અને મૃગજળ વચ્ચે નો ભેદ નથી સમજાતો
મૃગલા બધા જ મારીચ થઈ બેઠા છે.

જે સરોવરમાં હંસ મોતી શોધે છે તેમાં
બગલા મીન માટે મીટ માંડીને બેઠા છે.

ખિસ્સામાંથી તકો સરકી ન જાય તે માટે
આકાંક્ષાઓ સોય દોરો સાથે લઈને બેઠી છે.

કપાયેલી પાંખે વાટ શ્રીરામની જોવે
ઈચ્છાઓ બધી જટાયુ થઈને બેઠી છે.

પડઘમનો ભણકારો ચૌદિશામાં સંભળાય
એકલતા મનમાં વિસામો લઈ બેઠી છે.

યાદોના બીજ મૂળમાં રોપાણા હશે.
ફૂલોની વેલી થોરને વિંટળાયેલી બેઠી છે.

ઉડી જવાનું છે ક્યારેક પારેવું તન છોડી.
આયખું જીજીવિષા ના ધણ લઈને બેઠું છે.
ઉર્વશી એચ ત્રિવેદી

Read More