અંતર આગ મારી પહેલી નવલકથા હતી. એ પછી મૃગજળ, ખેલ, શિકાર, નક્ષત્ર, મુહૂર્ત, સ્વસ્તિક, સંધ્યા સૂરજ, ધ ફેન એ મેડનેસ અને શમણાંની શોધમાં નવલકથાઓ ત્રિવેદી પ્રકાશનમાં છપાઈ. મારી બધી જ નવલકથા બેસ્ટ સેલર બનાવી છે તે માટે બધાનો આભારી છું. - વિકી ત્રિવેદી

દૂર નહિતર ખૂબ નજરોથી સમંદર નીકળે,
હો તરસ તો આંખમાં આખું સરોવર નીકળે!

માન એ પથને ય આપો જ્યાં તમે ચાલો નહિ,
કોણ જાણે એ જ પથ કાલે બરોબર નીકળે!

એમ લાગે છે બધાને કે મળ્યા છે દુઃખ મને,
પણ ફરો જગમાં તમે, રુદન ઘરોઘર નીકળે!

હાથ ખાલી હોય તેથી સૌ દરિદ્ર હોતા નથી,
દિલ તપાસો તો ઘણા લોકો સિકંદર નીકળે!

કે 'ઉપેક્ષિત' આપ બીજાને ન કરતા આજથી,
સંભવિત છે એક માણસમાં જ ઈશ્વર નીકળે!

@ વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'

Read More

જિંદગી

એટલે કાયમ અહીં વીતી લડતમાં જિંદગી,
જે મળ્યા'તા એ રહ્યા નહિ એક મતમાં જિંદગી!

જે કહેતા'તા મરીશું એક સાથે આપણે,
એકલો છોડી ગયા એ એક ખતમાં જિંદગી.

આ હિસાબો છે ભયાનક ને છતાં એ સત્ય છે,
કે નનામી પણ નથી મળતી મફતમાં જિંદગી!

ભેટ ઈશ્વર આપશે ત્યાં જિંદગીની એક બે,
સાચવી છે એટલી શ્રદ્ધા બચતમાં જિંદગી.

હાર તો મારી જ છે પણ જીત કોઈની નહીં,
કે મને સૌએ ગુમાવ્યો છે મમતમાં જિંદગી.

માંગવાની ટેવ હું ક્યારેય ના પાડી શક્યો,
એટલે કાયમ રહ્યો છું હું અછતમાં જિંદગી.

છે 'ઉપેક્ષિત' જીવતો, થઇ જાણ એ રીતે મને,
હજુ કદર મારી નથી થાતી જગતમાં જિંદગી!

@ વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'

#kavyotsav

Read More

છે મજા

જો દુઃખો ખાળી શકો તો છે મજા,
જાત સંભાળી શકો તો છે મજા.

હોય સારા ફૂલ ઊંચી ડાળ પર,
ડાળ એ વાળી શકો તો છે મજા.

છે દુઃખોનું એક કારણ જે ઈચ્છા,
એ ઇચ્છા બાળી શકો તો છે મજા.

દુઃખ પછી સુખના દિવસ પણ આવશે,
બે દિવસ ટાળી શકો તો છે મજા.

રાત પૂનમની ચમકતી હોય છે,
વદ તમે ગાળી શકો તો છે મજા.

ના ગણો, સંબંધ છૂટ્યા કેટલા?
એક બે પાળી શકો તો છે મજા.

આપશે એની દવા પણ જિંદગી,
ઘાવ પંપાળી શકો તો છે મજા.

@ વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'

#kavyotsav

Read More

હોય શુ ?

તું જ તું દેખાય, બીજું આ નજરમાં હોય શુ ?
જો મહોબ્બત હોય નહિ જીવન સફરમાં હોય શું ?

પ્રેમ છે તો સૌ મઝારે ફૂલ ધરવા જાય છે !
યાર, નહિતર ત્યાં મરેલાની કબરમાં હોય શું ?

જ્યાં ભળે છે હૂંફ થોડી ચાર ભીંતો ઘર બને ,
લાગણી જો હોય નહિ તો એક ઘરમાં હોય શું ?

ચાર મિત્ર ને એક પ્રિયજન જો મળે, છે પૂરતું ,
પામવાનું પથ્થરોના આ નગરમાં હોય શું ?

હાથ પકડી એક બીજાનો, જઈએ મંઝિલે ,
સાથ તારો હોય તો ચિંતા ડગરમાં હોય શું?

@ વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'

#kavyotsav

Read More

ડાયરી.....

એક અભિલાષા અધૂરી સાચવે છે ડાયરી,
જખ્મની એ નિશાની સાચવે છે ડાયરી.

રંગ ફૂલોનો બતાવે છે મરેલી ઊર્મિઓ,
પાંખડીઓ સાવ સૂકી સાચવે છે ડાયરી.

કોણ ક્યાંરે ક્યાં મળ્યું ને કોણ છોડીને ગયું,
એ બધું નામું બખૂબી સાચવે છે ડાયરી.

એક પળ મારી નથી દરકાર રાખી જેમણે,
એમને પણ કાળજીથી સાચવે છે ડાયરી!

કેટલા દિવસ હું રડ્યો ને હું હસ્યો છું કેટલો,
જિંદગીની આપવીતી સાચવે છે ડાયરી!

- વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'

#kavyotsav

Read More

નમસ્કાર મિત્રો,

આજથી માતૃભારતી પર "સંધ્યા સૂરજ" નવલકથા ચાલુ થઈ છે.

રસ ધરાવતા વાંચકોએ દર બે દિવસે અહીં હપ્તો લાગશે એની નોંધ લેવી.

Read More

તમારી જાતને એક દોસ્ત તરીકે એક બીજી વ્યક્તિ તરીકે દેખો. એની તકલીફો દેખો પછી એ તકલીફો સામે તમારી જાત કેટલી લડી છે એ દેખો. એની કદર કરો. નહિ કે ફક્ત તમારા સપનાઓને ટાર્ગેટ કરો. ફક્ત સપના પાછળ ભાગીને પોતાની જાતને જ તમે ચિટ કરો છો કેમ કે અનેક સમસ્યાઓ સામે લડતા લડતા પણ તમારી જાત તમને ખુશ રાખવા માટે સપના બતાવે છે. અને એ પુરા કરવા પ્રયત્ન પણ કરે છે. એટલે તમારી જાત તમારી બેસ્ટ ફ્રેન્ડ છે.

જેણે તમને સપના બતાવ્યા છે એને પ્રેમ કરવો એ તમારી પહેલી ફરજ છે. અને તમને સપના તમારી જાત બતાવે છે. સો લવ યોર સેલ્ફ. હું કઈ નથી મેં લાઈફમાં કઈ નથી કર્યું એવા વિચાર કરવા એટલે કે તમારી જાતને નફરત કરવી અને તમને સપના બતાવનારને તમે નફરત કરી શકો તો પછી તમે સપનાઓને લાયક જ નથી.

- વિકી ત્રિવેદી
# કી 2 વિકી #

Read More

મૃગજળ : નવલકથા ગઈ કાલથી માતૃભારતી પર શરૂ થઈ ગઈ છે. આ પહેલા પ્રકરણની લિંક છે. નવા પ્રકરણ દર બીજા દિવસે આવશે.

https://www.matrubharti.com/book/19862799/

Read More

ગુડ મોર્નિંગ,

મારી નવલકથા 'મૃગજળ' 29 ડિસેમ્બર 2018'થી માતૃભારતી પર હપ્તાવાર ( ધારાવાહિક ) આવશે. દર બે દિવસે એક હપ્તો આવશે. મૃગજળ નવલકથા હાર્ડ કોપીમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે એટલે વાંચકો એ પુસ્તક મેળવી શકતા નથી તેથી જેમને વાંચવાની રહી ગઈ છે તેમના માટે અહીં માતૃભારતી પર મુકવાનું નક્કી કર્યું છે.

ભૂતકાળ અને ભવિષ્ય બંનેને સાચવવા મથતી વૈભવીની કથા જેમાં સસ્પેન્સ , થ્રિલર , એક્શન , ઇમોશન અને દાવ પેચ છે. 21 હપ્તાની આ નવલકથામાં દરેક પ્રકરણ સસ્પેન્સ અને ઇમોશનથી વણાયેલી છે. અલબત્ત સસ્તા વર્ણન અને વલગારીટી વગરની નવલકથા એક સ્ત્રીના જીવન પર આધારિત છે તેથી બહેનોએ ખાસ વાંચવી.

Read More

તે ચિલ્લાઈ ઉઠી. એક નાની 13વર્ષની બાળકી હોવાને લીધે જરાય ખચકાટ વિના એ બરાડી ઉઠી , " આઈ હેટ યુ મમ્મી, આઈ હેટ યુ...... તે મને સ્કૂલ માટે સારી નવી બેગ ન લાવી આપી એના માટે નહીં પણ સ્કૂલથી હું આવું ત્યારે તું મારા ખભા પરથી બેગ નથી લેતી એટલે." સોનિયા પગ પછાડીને બોલી , "મમ્મી તને ખબર છે ઘરમાં હું જ્યારે દાખલ થાઉં ત્યારે તું ટાઇપિંગ જ કરતી હોય છે. અરે મમ્મી આજે મને કહેવા દે કે હું ઘરે આવું એની ખબર પણ તને ત્યારે પડે છે જ્યારે હું ફ્લોર પર બેગ પછાડું છું."

પણ મમ્મીએ મોબાઈલમાં ટાઈપિંગ ચાલુ જ રાખ્યું. સોનિયા ઉભરો ઠાલવીને સજળ આંખે ત્યાં જ ઉભી રહી.

સોનિયાની બિલાડી સોફાના પાયા પાસે બેઠી હતી એણીએ મોબાઈલમાં કઈક ગડમથલ કરતી સ્ત્રી તરફ કડક નજરે જોયું અને પછી બિચારી વ્હાલી સોનિયાની આંખોમાં ઉપસેલા મોતી ઉપર તરવરતી લાચારી સામે દયાભરી નજરે જોઈ રહી. પણ અફસોસ બંને લાચાર હતા !

- વિકી ત્રિવેદી

Read More