રાજાનું રહસ્ય : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

Gujarati   |   06m 18s

The King has a secret nobody should know. What can it be? રાજાનું રહસ્ય સાન્તાલી લોકકથા એક રાજા હતો. તેને બળદના કાનવાળો દીકરો હતો. રાજાને તેની શરમ આવતી હતી, અને કુંવરને મહેલના એકાંત ઓરડામાં છુપાવીને રાખ્યો હતો. દરમિયાન કુંવરની મુંડન વિધીનો અવસર આવ્યો. રાજાએ બીજા રાજ્યમાંથી રાજવી હજામને બોલાવ્યો. અને ખાનગીમાં પ્રસંગ ગોઠવ્યો. જયારે મુંડનવિધિ પતી ત્યારે રાજાએ હજામને તેના અંગત દરબારમાં બોલાવ્યો અને ચેતવણી આપી, “કુંવરના કાન વિશે ક્યારેય કોઈને કહીશ નહીં. જો કહીશ તો હું તને જેલના અંધારા ઓરડામાં પૂરી દઈશ!” હજામે આ વિશે ક્યારેય કોઈને કશું જ નહિ કહેવાનું વચન આપ્યું. પણ અફસોસ! એ ખાનગી વાત છાની રાખી શકે એમ ન હતો. દિવસો પસાર થતાં તેનું પેટ ફૂલવા માંડ્યું. “મારે પેલી છાની વાત કોઈને કરવી જ પડશે, નહીં તો મારું પેટ ફૂટી જશે,” હજામે વિચાર્યું. તરત જ એને એક અદભૂત વિચાર આવ્યો. એક ઘરડા ખખડધજ ઝાડ પાસે ગયો અને ઝડપથી છાની વાત તેના કાનમાં કહી દીધી. તેનું પેટ તરત જ મૂળ સ્થિતિમાં સંકોચાયું, અને તેને સારું લાગ્યું. “આ ઝાડ તો રાજાની ખાનગી વાત જરૂર ખાનગી રાખશે જ,” હજામે પોતાને જ કહ્યું. થોડા દિવસ પછી એક ઢોલવાળો નવું ઢોલ બનાવવા સારા લાકડાની શોધમાં ત્યાંજ આવ્યો. પેલા હજામે ખાનગી વાત જે ઝાડના કાનમાં કહી હતી તે જ ઝાડ સામે આવી તે ઊભો રહ્યો. “હું જેની શોધમાં છું તે જ આ ઝાડ!” તેણે મનોમન વિચાર્યું, ઝાડ સામે જોઈ રહ્યો. તેણે તરત જ એ ઝાડના લાકડામાંથી નવું ઢોલ બનાવ્યું અને રાજા સામે ગાવા માટે મહેલમાં ગયો. દરવાજે ઊભેલો દરવાન તેને જોઈ રાજી થયો. “રાજાને ખુશ કરવા કશુંક ગા. એ આજે જરા ઉદાસ છે,” દરવાને કહ્યું. અચાનક જ ઢોલ તેની પોતાની મેળે વાગવા-ગાવા લાગ્યું. “કોઈએ ન સાંભળી હોય તેવી ખાનગી વાત મારી પાસે છે. રાજાના દીકરાને બળદ જેવા કાન છે.” દરવાને ઝડપથી ઢોલ પડાવી લીધું અને ઢોલવાળાને તાડૂકીને કહ્યું, “રાજાની ખાનગી વાત કોઈ પ્રગટ કરી શકે નહીં. કોઈ તને પકડી લે તે પહેલાં અહીંથી ભાગી જા!” પણ ઘણું મોડું થઈ ગયું હતું. રાજાએ ગીત સાંભળી લીધું હતું અને ઢોલવાળાને અંદર લાવવાનો હુકમ કર્યો. બિચારા ઢોલવાળાને દરબારમાં ખેંચી લાવવામાં આવ્યો. “જેલના અંધારા ભોંયરામાં તેને નાંખી દો,” રાજા બરાડ્યો. “પણ એણે એ ગીત નહોતુ ગાયું,” દરવાન બોલ્યો. “એ તો એનું ઢોલ હતું, નામદાર!” “તો ઢોલને પણ જેલના અંધારા ભોંયરામાં નાંખી દો. અને મારી ખાનગી વાત જેમણે સાંભળી હોય તે સૌને એ સજા કરો,” રાજાએ ત્રાડ નાખી. એ એટલો ગુસ્સે થયો હતો કે તેની મૂછો ધ્રૂજતી હતી. દરવાન બહાદુરીપૂર્વક આગળ આવ્યો, “તો તો નામદાર, તમારે તમારા આખા રાજ્યને જેલના અંધારા ભોંયરામાં નાખવું પડશે કારણકે અમે બધા તમારી ખાનગી વાત જાણીએ છીએ” રાજા સ્તબ્ધ થઈ ગયો. તેણે તેના સૌથી વધુ વિશ્વાસુ પ્રધાન સામે જોયું. “આ વાત સાચી છે?” તેણે પૂછ્યું, “હા નામદાર, પણ અમે એ ક્યારેય કહ્યું નથી કારણકે અમે તમને દુઃખી કરવા માગતા ન હતા.” પ્રધાને જવાબ આપ્યો. રાજાએ શરમ અનુભવી. પોતાના દીકરાને આટલાં બધાં વર્ષો સુધી છુપાવી રાખનાર પોતે કેવો ક્રૂર પિતા છે એ તેને સમજાયું. રાજાએ બીજા દિવસ માટે રજા જાહેર કરી. એણે ખાસ કૂચ યોજી અને દીકરાને ગૌરવપૂર્વક સાથે લઈ આખા રાજ્યમાં ફર્યો. બળદના કાન છતાં પોતાના યુવાન રાજકુંવરને બધાએ સત્કાર્યો. દરવાને આખા સરઘસની આગેવાની લીધી અને નવા ઢોલને વગાડતો વગાડતો, ઢોલવાળો તેની પાછળ ચાલ્યો. Illustration : Emanuele Scanziani Music : Ladislav Brozman & Riccardo Carlotta Animation: BookBox

×
રાજાનું રહસ્ય : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા