આજે સાયકલ આવીને ફૂલોના સ્ટોલ પાસે રોકાઈ ગઈ. હજુય એ ફૂલોની સુંદરતા મને મોહી રહી હતી. પણ, જેના માટે હું અત્યારે ફૂલોના ગુલદાસ્તા જોઈ રહ્યો હતો, એનું રૂપ આ દરેકના સ્વરૂપને અને સુંદરતા સાથે ફૂલોની કોમળતાને પણ પડકારે એટલું સોહામણું હતું. ગુલાબની પાંખડી જેવા ગાલોમાં લસરતું હાસ્ય અને લજામણીના છોડ જેવી સ્પર્શ બાદ તરત જ વીંટળાઈ વળતી એની આંખોની અકથ્ય લાગણીઓનું બંધન એનામાં દૂર હોવા છતાં ડૂબાવી રહ્યું હતું.