કુરબાનીની કથાઓ - 6

(22)
  • 2.9k
  • 2
  • 1.3k

આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં. કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં. કોઈ આવીને કહેશે : `બાબા! એકાદ મંત્ર સંભળાવીને મારું દરદ નિવારોને!' કોઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે `મહારાજ! પાયે પડું, એક દીકરો અવતરે એવું વરદાન દોને!' કોઈ વૈષ્ણવજન આવીને આજીજી કરશે કે `ભક્તરાજ! પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરાવો ને!' કોઈ નાસ્તિક આવીને ધમકાવશે કે `ઓ ભક્તશિરોમણિ, દુનિયાને ઠગો નહિ. પ્રભુ પ્રભુ કૂટી મરો છો, તે એક વાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત તો કરો કે પ્રભુ છે!' સહુની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા ને માત્ર આટલું જ કહેતા: `રામ! રામ!'