નર્સ લીનાને કૌતુક થયું: આ બાઈ તે સ્માર્ટીની તબિયતના ખબર કાઢવા આવી છે કે દવાખાનાનાં દર્દીઓને જોવા આવી છે? લીનાની શંકા પાયા વગરની નહોતી. સુશીલા હજુ સુખલાલ ઉપર એકાગ્ર થઈ જ નહોતી. સુખલાલનું મોં જોવામાં એ કોણ જાણે કોઈક ચોરીછૂપીનું કૃત્ય કરતી હોય, તેવી અદાથી ચકળવકળ ચારે બાજુના ખાટલા તપાસ્યા કરતી હતી ફરી પાછી સુખલાલના મોં પર નેત્રો ઠેરવતી હતી. ગોળ-ઘીના પાંજરામાં પેસેલી ઉંદરડીની જે સ્થિતિ હોય તે સુશીલાની હતી. એને એ મોટા ‘વોર્ડ’માંના પ્રત્યેક ખાટલા પરથી જાણે કે પરિચિત મોં પોતાની સામે તાકતું લાગ્યું. આવી બેચેન અને વિકલ દશા વચ્ચે હિંમત કરીને એણે માંડ માંડ આટલું પૂછ્યું: “શું થયું છે?”