વેવિશાળ - 7

(133)
  • 14.4k
  • 1
  • 9.2k

રાત પડીને મોટર માળા નીચે ઊભી રહી ને થડકારા કરવા લાગી, ત્યારે સુશીલાના હૃદયમાં પણ એવા જ થડકારા થયા. એણે બાપુજીના દાદર પરનાં પગલાં પણ કાન માંડી ગણ્યાં. બ્લોકનું કમાડ ઊઘડ્યું અને બૂટ નીકળ્યા. ત્યાર પછી પા કલાક સુધી બાપુજી સિંહગર્જનાઓ કરતા કરતા અંદર ન ધસી આવ્યા, એટલે સુશીલા નિરાંત પામી. પોતે બાની સાથે રસોડામાં હતી. કોઈક મહેમાન હતું? કોણ હતું? સુશીલાને કોઈએ ઓળખાણ ન આપી. બા અને ભાભુ છાનાંમાનાં કશું મિષ્ટાન રાંધવાની વાતો કરતાં હતાં. જમવાની બેઠક પણ જે આજ સુધી રસોડાની સામેના જ ખંડમાં રહેતી, તે બ્લોકના બીજે છેડે ગોઠવવામાં આવી. અજાણ્યા મહેમાનોને માટે પણ આવો સ્થળબદલો નહોતો થતો, તે આજે થતો દેખી સુશીલાને આશ્ચર્ય થયું.