અમદાવાદના નવરંગપુરાની સાંજ હંમેશાની જેમ વ્યસ્ત હતી. રસ્તાઓ પર વાહનોની લાઈટો ચમકી રહી હતી. લોકો પોતાના કામ પૂરા કરીને ઘરે જવાની ઉતાવળમાં હતા.એજ રસ્તા પર એક નાની ચાની કીટલી હતી : “જય અંબે ટી સ્ટોલ”ત્યાં દરરોજ સાંજે એક યુવક આવતો. નામ હતું અનિરુદ્ધ. ઉંમર લગભગ અઠ્ઠાવીસ. ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં કોઈ અધૂરી વાર્તા છુપાયેલી લાગતી.તે ત્યાં બેસીને એક કપ કડક ચા પીતા-પીતા લોકો જોતો રહેતો.દરરોજ સાંજે લગભગ સાત વાગ્યે એક યુવતી પણ ત્યાં આવતી.તેનું નામ હતું માહી.સાદી કોટન કુર્તી, ખભા પર બેગ અને ચહેરા પર હળવું સ્મિત.માહી સામેની કોચિંગ ક્લાસમાં બાળકોને અંગ્રેજી શીખવતી હતી.શરૂઆતમાં બન્ને ફક્ત એકબીજાને જોતા.