સુકેશે પોતાની ઘડીયાળ તરફ નજર કરી. લંચ ટાઇમને હજુ અડધી કલાકની વાર હતી. તેણે પોતે પુરા કરેલા કામ પર નજર કરી. ઓફીસના પેહલા દિવસે તેણે આટલુ બધું કામ પતાવ્યું હતું તે તેના માન્યામાં ન આવ્યું. કદાચ તેણે ઉત્સાહમાં વધારે કામ કર્યું હતું. ઓફીસનું વાતાવરણ હજું તેના માટે નવું હતું. ઓફિસનાં કોલાહલથી હજુ તે ટેવાયો નોહતો. તેણે ઓફિસમાં થતા અવાજો સંભાળવા આંખો બંધ કરી, તેમ કરતા જ જાત જાતના અવાજોએ તેના મગજનો કબજો લીધો. ચાની રકાબીઓ નો ખડખડાટ, સહકર્મીઓના હસવાના અવાજો, વર્ષો જૂનાં પંખાનો મગજને હલાવી નાખતો અવાજ- આ બધા અવાજો હવે કાયમ માટે તેના જીવનનો ભાગ બની જવાના, તેમ વિચારીને એ ખુશ થયો....