Rudra ni Premkahani - 21 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 21

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 21

રુદ્ર ગુરુ ગેબીનાથ ને મળીને પૃથ્વીલોક જવાની આજ્ઞા મેળવી શતાયુ અને ઈશાન આ સાથે જ કુંભમેળામાં આવી પહોંચે છે.. પૃથ્વીલોકનાં સૌથી વધુ શક્તિશાળી રાજા અગ્નિરાજ ની પુત્રી રાજકુમારી મેઘના સ્નાન અર્થે આવવાની હોવાથી અગ્નિરાજ નાં સૈનિકો કિનારો ખાલી કરાવે છે.. શતાયુ અને ઈશાન તો ત્યાંથી જતાં રહે છે પણ રુદ્ર નદીમાં જ રોકાઈ જાય છે જ્યાં એને રાજકુમારી મેઘના ની અંગૂઠી મળે છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો ઢંઢેરો પીટે છે કે જેને એ અંગૂઠી મળી હોય એ આવીને રાજા અગ્નિરાજ ને આપી જશે તો એને યોગ્ય ઈનામ આપવામાં આવશે.

"તો શું રાજા અગ્નિરાજ ને આ અંગૂઠી આપવાં જઈશ..? "સૈનિકો નાં ત્યાંથી જતાં જ શતાયુ નવાં સવાલ સાથે રુદ્ર ની સામે ઉભો હતો.

"હા મિત્ર, આ અંગૂઠી મને રાજા અગ્નિરાજ સુધી લઈ જશે અને રાજા અગ્નિરાજ મને એ સંધિ સુધી જેને નિમ લોકોની જીંદગીને સદાય માટે અંધકારમય બનાવી દીધી છે. "રુદ્ર એ કહ્યું.

"પણ ભાઈ.. અત્યારે આ વેશમાં જઈશ તો ત્યાં હાજર બધી દાસીઓ શરમાઈ જશે.. "ખુલ્લાં ડીલે ફક્ત ભીનું ધોતિયું વીંટીને ઉભેલાં રુદ્ર ની તરફ જોઈ હસતાં હસતાં ઈશાન બોલ્યો.

"અરે હા.. લાવો મારી પોટલી. હું હમણાં વસ્ત્રો બદલતો આવું.. ત્યારબાદ નિરાંતે બપોરનું જમવાનું પૂર્ણ કરી રાજા અગ્નિરાજ ને મળવા જઈશ.. એમને પણ લાગવું જોઈએ કે આ અંગૂઠી શોધવામાં થોડી-ઘણી મહેનત જરૂર થઈ છે.. "ઈશાન જોડેથી પોતાનાં સામાનની પોટલી હાથમાં લઈ રુદ્ર હસીને બોલ્યો.. અને પછી ત્યાંથી થોડે દુર એક વૃક્ષની આડશમાં જઈને વસ્ત્રો બદલવા લાગ્યો.

અઢાર વર્ષની આયુમાં પણ રુદ્ર નું શરીર સૌષ્ટવ જોતાં જ બનતું હતું.. સ્નાયુબદ્ધ કસાયેલું શરીર, મજબૂત બાજુબંધ અને આકર્ષક ચહેરો રુદ્રને કોઈ દૈવી પુરુષની માફક સોહામણો બનાવતાં હતાં.

"ચલો, થોડો અલ્પાહાર કરી લઈએ પછી અહીં કુંભમેળામાં ફરીશું.. "વસ્ત્રો બદલીને શતાયુ અને ઈશાન જોડે આવતાં જ રુદ્રએ કહ્યું.

શતાયુ અને ઈશાનને પણ ભૂખ લાગી હતી એટલે એ બંને પણ રુદ્રની સાથે જ્યાં કુંભમેળામાં આવતાં શ્રદ્ધાળુઓ માટે જે અલ્પાહાર નું પ્રબંધન રાખવામાં આવ્યું હતું એ તરફ હાલી નીકળ્યાં. અલ્પાહાર કર્યાં બાદ એ ત્રણેય મિત્રો સૂર્ય માથે ચડી ગયો ત્યાં સુધી વિશાળ જનમેદની વચ્ચે અન્ય શ્રધ્ધાળુઓની માફક અહીં-તહીં ઘુમતાં રહ્યાં.

નાગા સાધુઓ અને અઘોરીઓનાં મોટાં મોટાં અખાડા કુંભમેળામાં મોજુદ હતાં.. એ લોકોએ પોતાની પરમસાધના અને તપ વડે ઘણી બધી અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરી હતી.. આમાંથી ઘણી શક્તિઓ તો મનુષ્યો સમક્ષ જાહેર કરવી હિતકારી નહોતી. નાગા સાધુઓ દ્વારા આમ છતાં પણ જે કંઈપણ કરતબ બતાવવામાં આવી રહ્યાં હતાં એ જોઈ રુદ્ર, શતાયુ અને ઈશાન મંત્રમુગ્ધ બની ગયાં.

એક સામાન્ય દેહ ધરાવતાં નાગા સાધુ દ્વારા જ્યારે પોતાનાં આંખો નાં પોપચાં દ્વારા વિશાળકાય પથ્થર ને ઉંચકવામાં આવ્યો ત્યારે તો રુદ્ર અને એનાં દોસ્તો ની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ.. નાગા સાધુઓનાં ટોળામાં શરીર પર ભસ્મ ચોળેલો એક અઘોરી ઉભો હતો. જેની નજર એકધારી રુદ્ર ઉપર હતી. એ અઘોરી પોતાની તરફ એકધાર્યું જોઈ રહ્યો હતો એ વાત રુદ્રને ધ્યાને તો આવી પણ રુદ્ર એ અઘોરી ને આ વિષયમાં કંઈપણ પૂછે એ પહેલાં તો એ અઘોરી અચાનક ક્યાંક ગાયબ જ થઈ ગયો.

રુદ્ર ને આ ઘટના વિચિત્ર તો જરૂર લાગી પણ એને શતાયુ અને ઈશાન ની આગળ આ ઘટના અંગે એક હરફ ના ઉચ્ચાર્યો.. બપોર નું જમવાનું પૂર્ણ કરી રુદ્ર એ બંને ની સાથે પ્રયાગરાજમાં જે સ્થળે રાજા અગ્નિરાજ નો ઉતારો હતો એ તરફ ચાલી નીકળ્યો.. એ તરફ જતાં રુદ્રએ એ બંને ને સ્પષ્ટ પણે જણાવી રાખ્યું હતું કે શતાયુ એ પોતાની ઓળખ હરિ તરીકે અને ઈશાને કિશન તરીકે આપવાની છે.. આ સિવાય એ લોકોને જો એ ક્યાંથી છે એવો સવાલ કરવામાં આવે તો એમને એવું જણાવવાનું કે ગયા જોડે આવેલાં બાદલપુર ગામનાં રહેવાસી છે.

કોઈપણ કારણોસર પોતાની ઓળખ છતી ના થાય એનું રુદ્ર ખાસ ધ્યાન રાખી રહ્યો હતો.. આ કરવાં પાછળનું કારણ હતું કે જો મનુષ્યો ને ખબર પડે કે એ નિમ છે તો નક્કી એને અને સાથે-સાથે એનાં બંને મિત્રોને જીવથી હાથ ધોવો પડે.. આ સાથે જ નિમ લોકો ને એમનો હક પાછો અપાવવાની જે કામના સાથે એ લોકો ત્યાં આવ્યાં હતાં એ પણ અધૂરી રહી જાય.

ત્રિવેણી સંગમ સ્થાન થી લગભગ એક ગાઉ જેટલાં અંતરે વિશાળ મેદાનની અંદર રાજા અગ્નિરાજ નો ભવ્ય ઉતારો હતો.. રાજા અગ્નિરાજ ની સાથે આ મેદાનમાં અન્ય ત્રણ રાજાઓનાં પણ ઉતારા હતાં જે કોનાં છે એ વિશે હાલપુરતી તો રુદ્રને ખબર નહોતી.. અને એને અત્યારે એ બધી વસ્તુ વિશે વિચારવાનો પણ સમય નહોતો. હાલ તો રાજા અગ્નિરાજ સાથે પહેલી મુલાકાત વખતે કંઈક ભૂલ ના થઇ જાય એ વિચાર સતત રુદ્રનાં મનમાં દોડી રહ્યો હતો.

"કોણ છો તમે.. અને આ તરફ ક્યાં ચાલ્યાં..? "અગ્નિરાજ નો વિશેષ તંબુ હતો એ તરફ આગળ વધી રહેલાં રુદ્ર અને એનાં મિત્રોનો રસ્તો રોકતાં એક સૈનિક બોલ્યો.

"મારું નામ વીરા છે.. અને આ મારાં મિત્રો હરિ અને કિશન છે.. આજે સવારે મહારાજ તરફથી મોકલવામાં આવેલાં સૈનિકો દ્વારા નદી કિનારે એક ઢંઢેરો પીટવામાં આવ્યો હતો તો એ અનુસંધાનમાં મારે મહારાજ ને મળવું હતું.. "રુદ્ર સાચી ઓળખ છુપાવતાં એ સૈનિકને ઉદ્દેશીને બોલ્યો.

"એમ કોઈ કારણ વગર મહારાજ કોઈને ના મળે.. "રુદ્ર ની તરફ જોઈ એ સૈનિક રૂક્ષ સ્વરે બોલ્યો.

"જો કારણ આ હોય તો... "રુદ્ર પોતાનાં ખિસ્સામાંથી રાજકુમારી મેઘનાની અંગૂઠી નીકાળી એ સૈનિક ને બતાવતાં બોલ્યો.

રુદ્ર નાં હાથમાં રહેલી રાજકુમારી ની અંગૂઠી જોતાં જ એ સૈનિક રુદ્ર અને એનાં મિત્રોનાં રસ્તામાંથી દૂર થઈ ગયો અને રાજા અગ્નિરાજ નાં રહેણાંક વાળા તંબુ જોડે ઉભેલાં સૈનિકોને પણ રુદ્ર અને એનાં મિત્રોને અંદર પ્રવેશવા દેવાનો ઈશારો કરતાં બોલ્યો.

"આ ત્રણેય યુવકોની તપાસ કરીને એમને અંદર જવાં દેજો.. "

રુદ્ર અત્યારે નિમલોકો નાં સૌથી મોટાં દુશ્મન એવાં રાજા રત્નરાજ નાં પુત્ર એવાં અગ્નિરાજને મળવા જઈ રહ્યો હોવાં છતાં એની ચાલ માં મક્કમતા હતી અને ચહેરા પર શાંતિ.. જ્યારે રુદ્ર ની જોડે મોજુદ શતાયુ અને ઈશાન નું હૈયું તો તંબુ તરફ વધતાં દરેક ડગલાં સાથે બમણી વેગે ધબકી રહ્યું હતું.

તંબુની જોડે મોજુદ ડઝનેક સૈનિકોમાંથી બે સૈનિકોએ રુદ્ર ની અને એનાં મિત્રોની વ્યવસ્થિત રીતે તપાસ કરી લીધાં બાદ એમને અંદર પ્રવેશવાની છુટ આપી. રુદ્ર, શતાયુ અને ઈશાને જેવો રાજા અગ્નિરાજ માટે બનાવાયેલાં વિશાળકાય તંબુની અંદર પગ મૂક્યો એ સાથે જ એ ત્રણેય આભા બની ગયાં.. અસ્થાયી ઉતારો હોવાં છતાં રાજા અગ્નિરાજનો આ તંબુ અંદરથી કોઈ મહેલથી ઉણો નહોતો દેખાઈ રહ્યો.

અંદર પણ સો જેટલાં સૈનિકો મોજુદ હતાં અને આ બધાં ની વચ્ચે રુદ્ર ની નજર એક અલગ જ પ્રકારનાં પરિધાનમાં સજ્જ સશસ્ત્ર સૈનિક પર પડી.. જેનું અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ જોતાં જ રુદ્ર સમજી ગયો કે નક્કી એ વ્યક્તિ રાજા અગ્નિરાજ ની સેના નો કોઈ ઉચ્ચ હોદ્દો ધરાવતો સૈનિક હશે અથવા તો સર સેનાપતિ.

"તો તમારી જોડે છે રાજકુમારીની ખોવાયેલી અંગૂઠી..? "રુદ્ર અને એનાં મિત્રો ની સામે ઉભાં રહી એ મોભેદાર સૈનિક બોલ્યો.

"હા, અમારી જોડે છે રાજકુમારી ની ખોવાયેલી અંગૂઠી.. હજુ અમે ચોક્કસ નથી કે એ અંગૂઠી રાજકુમારી ની છે.. પણ જે અંગૂઠી મને નદીકિનારે મળી આવી છે એને જોઈ એટલું તો સમજી જ શકાય છે કે આ કોઈ સામાન્ય મનુષ્ય ની અંગૂઠી તો નથી જ.. "રુદ્ર ઉત્તમ અભિનય કરતાં બોલ્યો.

"ક્યાં છે એ અંગૂઠી..? "એ વ્યક્તિએ સવાલ કરતાં રુદ્રની તરફ જોઈને ભારે અવાજમાં કહ્યું.

"અંગૂઠી તો મારી જોડે જ છે પણ તમે પોતાનો પરિચય આપો પછી જ હું એ અંગૂઠી તમને બતાવું.. "રુદ્ર એ કહ્યું.

"હું છું રાજા અગ્નિરાજનાં રાજ્ય નો સર સેનાપતિ અકિલા.. "પોતાનો પરિચય આપતાં અકિલા બોલ્યો.

"મહારાજ અગ્નિરાજ નાં સર સેનાપતિ અકિલા.. અરે તમારી વિરતા નાં કિસ્સા તો અમોએ બહુ સાંભળ્યાં છે.. આજે સાક્ષાત તમારાં દર્શન કરી હું ધન્ય થઈ ગયો.. "અકિલા ને પાણી ચડાવતાં રુદ્ર બોલ્યો.

"તો હું એ અંગૂઠી જોઈ શકું છું હવે.. "પોતાનાં વખાણ સાંભળી ખુશ થયેલો અકિલા રુદ્ર ની તરફ જોઈ નરમ વલણ ધારણ કરી બોલ્યો.

"અવશ્ય.. "આટલું કહી રુદ્રએ અંગૂઠીને અકિલાનાં ચહેરા સમીપ ધરી દીધી.

અકિલા એ ધ્યાનથી એ રત્નજડિત અંગૂઠીને જોઈ અને પછી બોલ્યો.

"આ સાચેમાં રાજકુમારી ની જ અંગૂઠી છે.. તમે મારી સાથે પધારો.. "આટલું કહી અકિલા અગ્રેસર થયો.. રુદ્ર, ઈશાન અને શતાયુ વધુ કંઈપણ વિચાર્યા વગર અકિલા ની પાછળ ચાલી પડ્યાં.

અકિલા એ લોકોને લઈને એ વિશાળકાય તંબુ ની અંદર સુધી લઈ આવ્યો જ્યાં એક અલગ વિશાળ કક્ષ હતો.. રુદ્ર, શતાયુ અને ઈશાન ને એ કક્ષની બહાર ઉભાં રહેવાનું કહી અકિલા એ કક્ષમાં પ્રવેશ્યો.. થોડી વાર થઈ ત્યાં અકિલા એ કક્ષમાંથી બહાર આવ્યો અને ફક્ત રુદ્રને પોતાની સાથે અંદર આવવાં કહ્યું.

શતાયુ અને ઈશાન આ સાંભળી થોડાં ભયભીત જરૂર થયાં પણ રુદ્રએ આંખોનાં ઈશારાથી એ લોકોને ધરપત રાખવાં કહ્યું એટલે એ લોકોને થોડી કળ વળી.. અકિલાની સાથે રુદ્ર મહારાજ અગ્નિરાજ નાં કક્ષમાં પ્રવેશ્યો.. જ્યાં રાજા અગ્નિરાજ પોતાની પત્ની મહારાણી મૃગનયની સાથે આસન પર બેઠાં હતાં. અગ્નિરાજ આજે પણ શરીર શૌષ્ટવ અને કદ કાઠીમાં યુવાનોને શરમાવે એવો બાહુક હતો.. આજુબાજુ ઉભેલી દાસીઓ મહારાજ અને મહારાણી ને વીંઝણા થકી પવન નાંખી રહી હતી.

"મહારાજ અગ્નિરાજ મારાં પ્રણામ સ્વીકાર કરો.. "અગ્નિરાજ ની સંમુખ આવતાં જ સહેજ પણ ખચકાટ વગર રુદ્ર શાલીનતા સાથે બોલ્યો.

જેનાં પ્રતિભાવમાં અગ્નિરાજે પોતાની ગરદન હલાવી અને રુદ્રની તરફ જોઈને કહ્યું.

"તો નવયુવક તને અમારી દીકરી ની અંગૂઠી મળી છે..? "

"હા મહારાજ, હું અને મારાં મિત્રો આપશ્રીનાં સૈનિકોનો ઢંઢેરો સાંભળ્યાં બાદ નદી કિનારે અંગૂઠી શોધતાં હતાં તો મારાં હાથે આ રત્નજડિત અંગૂઠી હાથ લાગી.. હું જોતાં જ સમજી ગયો કે આટલી કિંમતી અંગૂઠી જરૂર રાજકુમારી જી ની હશે.. "રુદ્ર પોતાનું માથું નીચું રાખી હાથમાં મેઘનાની અંગૂઠી રાજા અગ્નિરાજ નાં સેનાપતિને આપતાં બોલ્યો.

અકિલાનાં હાથમાંથી એ રત્નજડિત અંગૂઠી પોતાનાં હાથમાં લઈ નીરખીને જોતાં અગ્નિરાજ ખુશ થતાં બોલ્યો.

"આ મેઘના ની જ અંગૂઠી છે.. "

"હા મહારાજ.. આ આપણી દીકરી ની જ અંગૂઠી છે.. આટઆટલાં આભુષણો હોવાં છતાં ખબર નહીં એ અંગૂઠી જોડે એને એવો તે શું લગાવ છે કે આ અંગૂઠી ખોવાઈ ગયાંની ખબર પડ્યાં બાદ એને પાણી પણ નથી પીધું.. "રાણી મૃગનયની બોલ્યાં.

"નિહારિકા, જા તું જઈને રાજકુમારી ને બોલાવતી આવ.. "પોતાની દાસી ને આદેશ આપતાં મહારાણી મૃગનયની બોલ્યાં.

"નવયુવક તારો પરિચય..? "રુદ્ર ની તરફ જોઈને અગ્નિરાજે સવાલ કર્યો.

"મારું નામ વિરા છે.. હું ગયા જોડે આવેલાં બાદલપુર ગામનો રહેવાસી છું.. અને અહીં મારાં બે સખા હરિ અને કિશન સાથે કુંભમેળામાં ભાગ લેવાં આવ્યો છું.. "રુદ્ર પોતાની ઉપજાવી કાઢેલી ઓળખ રજૂ કરતાં બોલ્યો.

"તે આ અંગૂઠી પાછી આપીને અમારાં ઉપર મોટો ઉપકાર કર્યો છે.. કેમકે અમારી દીકરીની આંખોમાં આવેલાં આંસુ અમારાં માટે અસહ્ય બની ગયાં હતાં.. માંગ તારે આ અંગૂઠી નાં બદલામાં શું જોઈએ છે.. "અગ્નિરાજે હાથનાં ઈશારાથી રુદ્ર ને જે કંઈપણ ઈચ્છતો હોય એ માંગવાનું કહ્યું.

રાજા અગ્નિરાજ નાં આમ બોલતાં પોતે એમની જોડે શું માંગે એ અંગે રુદ્ર હજુ વિચારતો જ હતો ત્યાં એનાં કાને નૂપુર નો ધ્વનિ સંભળાયો.. આ સાથે જ રુદ્ર એ ત્રાંસી નજરે કક્ષનાં પ્રવેશદ્વાર તરફ નજર કરી.. અને બીજી જ ક્ષણે રાજકુમારી મેઘના દોડતાં દોડતાં રાજા અગ્નિરાજનાં કક્ષમાં પ્રવેશી.. !!

★★★

વધુ નવાં અધ્યાયમાં.

રુદ્ર અંગૂઠીનાં બદલામાં શું માંગશે. ? રુદ્રનું મેઘના તરફનું આકર્ષણ આગળ જતાં શું અધ્યાય રચવાનાં હતાં..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***