Pattano Mahel - 13 books and stories free download online pdf in Gujarati

પત્તાનો મહેલ - 13

 (13)

 

શર્વરીને પાંચમો મહિનો જતો હતો. નિલયે ફ્લૅટ છૂટો કરી દીધો હતો. અંધેરીમાં સારો કિંમતી ફ્લૅટ અને ગાડી લીધી અને બરખાએ તેને સારી રીતે ફ્લૅટ સજાવી દીધો.

 

શર્વરી હવે કામે જતી નહોતી. વિયેરા સાથે નિલયના વર્તનથી તેને દુ:ખ થયું હતું પરંતુ આ કૌભાંડ પછી નિલયની અંદર કેટલો અંગાર ભર્યો છે. તેનો તેને ખ્યાલ આવી ગયો હતો. આ જ એની પ્રગતિને રોકતું , અને સમય આવે પ્રગતિને વધારતું પરિબળ હતું.

 

રાધાને નિલયનું આ કાર્ય અનુચિત લાગ્યું હતું. એ સ્પષ્ટ પણે જાણતી હતી જે હા કહે તેને છોડવો નહીં વાળી નીતિ જ પાપનું મૂળ છે. પરંતુ આ પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનો મામલો નહોતો તેથી તે ચુપ રહી.

એસ. કે. પાટીલની પાર્ટી ફંડમાં ભૂપતના કહ્યા પ્રમાણે દસ ટકા, પેરેમાઉન્ટમાં પચીસ ટકા અને બાકીના દસ ટકા  ઈન્કમટેક્સ, છાપાવાળા એમ સૌને વહેંચતા નિલય પાસે પાંત્રીસ લાખ રહેતા હતા.

 

બનારસીદાસ પણ ખફા તો હતા… પરંતુ દીકરીના માઠા દિવસો પુરા થઈ ગયા માનીને ખુશ હતા.

 

નિલયને અંદરથી ચચરાટ તો હતો જ… પણ તકનો પૂરો લાભ લીધો તે વાતનો આનંદ પણ હતો. ઇન્ડસ્ટ્રિઅલ એરિયાની જગ્યા એના નામે ચડી ત્યારે તેના મગજમાં તેના આવનાર સંતાનનું નામ ફરતું હતું તેથી ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટને નૌકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ નામ આપ્યું. નિલગીરીના પ્લાન્ટેશન ઊછરતા હતા. બે વર્ષમાં એ આખો પ્લૉટ કરોડ ઉપર થનાર હતો.

 

બહુ ઓછાના ભાગ્ય આવા હોય છે. જ્યાં બે દિવસ પહેલા રોડ ઉપર હોય તે માણસ કરોડોની વાતો કરતો થઈ જાય… રાજીવ પ્રસન્ન હતો. ભૂપત શ્યામલી પણ નિલયની સફળતાથી ખુશ હતા.

 

પેરેમાઉન્ટ કન્સ્ટ્રક્શનની ત્રીજી એવરેસ્ટ બિલ્ડિંગનો પાયો નખાયો તે દિવસ સારી એવી મોટી હલચલ હતી. છાપામાં ઍડ્વર્ટાઇઝમેન્ટ પેલા બસો પચીસ નંબરો અને તેમની દ્વારા બનેલા દરેક સભ્યોનો મોટા પાયા ઉપર સાઈટ ઉપર જમણવાર હતો. નાનકડી નૌકા શર્વરીની ડુપ્લિકેટ હતી. પરંતુ મિજાજ બિલકુલ એના પપ્પા જેવો હતો. બનારસીદાસને ખાસી એવી ઊઠબેસ કરાવતી હતી.

 

હપ્તા ભરવામાં નહોતી તેથી પ્રોજેક્ટ ઢીલમાં પડતો હતો. દરેક શહેરમાં પેરેમાઉન્ટનું નામ ગાજતું થઈ ગયું હતું. ટીમ વર્ક અને થ્રી ટાયર સિસ્ટમ દ્વારા મેમ્બર્સની નોંધણી ખૂબ જ Strong હોવાને કારણે માર્કેટ શોધવા જવું નહોતું પડતું.

 

રાજીવ નિલયના ઝડપી વિકાસને  ટોકતો અને કહેતો ધીરી બાપુડિયા… આંબા નવ દિવસમાં ના પાકે .. જરા ખમ્મા કરો… રાજીવની વાતને નિલય સાંભળતો પણ ગણકારતો નહીં એના મનમાં એ હમેશા પૉઝિટિવ થિંકિંગ રાખતો. કદી ખોટું  નહીં થાય તેમ તે દ્રઢ પણે માનતો.

 

રાજીવ સંભાળીને ફૂંકી ફૂંકીને પગ મૂકતો જ્યારે નિલય ગીવ ઍન્ડ ટેકના પ્રિન્સિપલ ઉપર ચાલતો. રાજીવની ધીમી અને શાંત નીતિને કારણે લોન પરત ન થવાના કે પૈસા ડૂબવાના કોઈ જ દાખલા બનતા નહીં. વળી રાજીવ નિશ્ચિત પ્રકારની સમતુલિત જિંદગી જીવતો. રાજીવની જિંદગી કરતા નિલયની જિંદગી બિલકુલ વિપરીત હતી. તે કાયમ સવારના આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સક્રિય રહેતો.

 

Office Administration માં રાધા તથા શ્રીનિવાસન ખૂબ જ ઉપયોગી હતા. મલ્કાપુરકર સાથે આખા મહારાષ્ટ્રમાં દરેક જિલ્લા લેવલે બ્રાંચ તથા તાલુકા લેવલે કલેક્શન સેન્ટર ખૂલી ગયા હતા. જ્યારે ગુજરાતમાં હીરજી પટેલ અને મધ્યપ્રદેશમાં બાજપાઈ સક્રિય હતા. Staff Administration સાથે ફીલ્ડ સ્ટાફનાં પ્રશ્નો અને તેનું મોટીવેશન સંભાળવામાં તે ઘણો સક્રિય રહેતો.

 

નૌકા, શર્વરી અને પેરેમાઉન્ટ આ ત્રણ ચક્રોમાં એ જીવતો હતો. અને આ સફળતાના સ્વપ્ન વર્ષોથી હતા. હાથમાં ભમરડાની ગતિ જોતો અને સાત જાળ… ચૌદ જાળ રમતો નિલય બુચ… લોકોની ઈર્ષાનું કેન્દ્ર બની ગયો હતો….. સફળતાનું પર્યાય બની ગયો હતો. આ વિકાસની ગતિ એકધારી રીતે ઉપર જઈ રહી હતી. પત્તા ઉપર પત્તા ગોઠવાતા જતા હતા… પહેલી હાર તેના પર આડા પત્તા… ફરીથી બીજી હાર ફરી પાછી આડી પત્તાની હાર… ફરી પાછા પત્તા… એમ હાર અને પત્તાનો મહેલ ધીમે ધીમે ઉપર વધતો જતો હતો.

 

શર્વરી ક્યારેક પૂછતી નિલય… તબિયત સંભાળ… પૈસા થોડાક બચાવ… ખોટા ખર્ચો ઘટાડ… પણ શર્વરીની વાત સાંભળવા કે સમજવા નિલય ક્યાં નવરો હતો… દર વર્ષ કરતાં નવા વર્ષનું લક્ષ્ય વધારવા સતત ઝઝૂમતો રહેતો  અને સાથે સ્ટાફને પણ ખડેપગે તૈયાર રાખતો. ફરિયાદ પોથીમાં એક પણ ફરિયાદ બાકી રહેવી જોઇએ નહીં. હપ્તો ઉઘરાવવામાં મુખ્ય કાર્યકરો સાથે કાયમ સંપર્કમાં રહી ફીલ્ડની તકલીફોનો જલદી નિવેડો લાવવા નિત નવા રસ્તા શોધતો રહેતો.

 

પેરેમાઉન્ટનું ગેસ્ટ હાઉસ સદાય ફીલ્ડનાં કાર્યકરોથી ભરેલું રાખતો.

 

*****

 

નૌકા પાંચ વર્ષની થવાની હતી ત્યારે તેના માનમા કીડ્ડી / કીટી પાર્ટી ગોઠવાઈ હતી એના વર્ગની દસેક વિદ્યાર્થીનીઓએ ભેગા થઈને નૌકાને ગમે તેવું રમૂજી નાટક કર્યું હતું. સ્ટાફના માણસો, પડોશીઓ અને સર્કલનાં મિત્રો થઈને કુલ સો માણસો જમવાના હતા. રમૂજી નાટક શરૂ થયું ત્યારે સૌએ નૌકાને હેપી બર્થડે ટુ યુ નું નાનકડું ગીત ગાઈ સંભળાવ્યું. પછી નાટક શરૂ થયું.એક છોકરી દોડતી હતી… તેની ટોપલીમાં મોટું કાણું હતું એ નીચેથી વસ્તુઓ ઊંચકતી હતી અંદર નાખતી  અને આગળ ચાલતી હતી. તે વસ્તુ ટોપલીમાંથી પડી જતી હતી. તેનું તેને ધ્યાન રહેતું નહોતું… અને એ આગળ જતી રહેતી … પણ એની ટોપલી ખાલી ને ખાલી….

 

અસંતોષની દુનિયામાં દોડતી દુનિયાને શીખ આપતું આ નાટક બાળકોમાં રમૂજ પ્રેરી ગયું… પણ નિલયને અંદરથી ઝણઝણાવી ગયું.

 

પોતે શું કરે છે? ખર્ચા ઉપર ખર્ચા… મળે તે વધુ મેળવવાની આશામાં ખર્ચે છે. પણ ક્યારેક વિપરીત પરિસ્થિતિમાં ખર્ચાઈ જશે અને મળશે નહીં તો? આ કેવા વિષચક્રમાં તું ફરી રહ્યો છે ? કંઈક બચાવ….  કોઈક રીતે તારી ગતિને ઘટાડ… જે જલદી ચઢે છે તે એટલો જ જલદી પડે છે.  તેની વિષમ બેકારીના સમયમાં જે આશાના સંદેશા આપતું બોર્ડ હતું ‘આ દિવસો પણ જતા રહેશે…’ એ બોર્ડ અત્યારે તેને ચેતવણી આપતું હતું… નિલય. આ ‘દિવસો પણ જતા રહેશે…’ ત્યારે તો તું એકલો હતો. હવે તો નૌકા છે… શર્વરીને નોકરી નથી… ઘરનો ખર્ચો ૫ થી ૬ હજાર જેટલો છે. ખમૈયા કર નિલય…. ખમૈયા કર.

 

મલ્કાપુરકર, હીરજી,  બાજપાઈ કમિશનના વધારા માટે નિત નવી પ્રપોઝલો લાવતા… તેમને માટે પેરેમાઉન્ટ મશીન હતું… પૈસાની નોટો કમાવાનું… પણ તારે માટે આ જવાબદારી છે. ક્યારેક તું પૈસાનું રોકાણ કરીને પરત કરવાના સમયે ન કરી શક્યો તો… કમ સે કમ મોં બચાવવા જેટલું છત્ર પણ જોઇશે… રાજીવની જેમ થોડુંક ફૂંકી ફૂંકીને ચાલ… આવા ડરામણા વિચારોને ખંખેરવા તેણે જોરથી માથું ઝંઝોળ્યુ. પાર્ટીમાં મગ્ન થવા મથતો હતો પણ તેને પોતાની ઝોળે પેલી બાળાની ટોપલીની જેમ ખાલી ખાલી જ લાગતી હતી… આ સફળતા પ્રારબ્ધવશ આવી ગયા હોવાનો અંદાજો મનમાં બેસવા માંડ્યો હતો.

 

નાની નૌકા પોતાની  ફ્રેન્ડ્ઝમાં લઈ જવા ઇચ્છતી હતી. શર્વરી – રાધા, સ્ટાફ સૌના આશ્ચર્ય વચ્ચે નિલયે તેને ના પાડી… પોતાની જાતને એક રૂમમાં બંધ કરીને તે બેસી ગયો.

 

નૌકા બહાર પપ્પા પપ્પા કરીને રડતી હતી. અંદર નિલય નૌકા નૌકા કરીને આંસુ સારતો હતો. હવે સફળતા જોયા પછી તેની મનની તાકાત નિષ્ફળતાનો સામનો કરતા ડરતી હતી અને પેલું બોર્ડ ‘આ દિવસો પણ જતા રહેશે…’ તેની સામે હસતું હતું.

 

*****

 

તે દિવસે નાની વાત માટે રાધા ઉપર નિલય ખૂબ જ ચીડાઈ ગયો. રાધા ચુપચાપ ઠપકો સાંભળતી રહી. નિલયે કોઈક ડિપૉઝિટરને તેનો ડ્રાફ્ટ મોકલવાનો કહ્યો હતો. તે ડ્રાફ્ટ ડિસ્પેચમાંથી સમયસર નીકળ્યો નહીં અને તેમ થવાનું કારણ રાધા સમજાવવા ગઈ ત્યાં તેના ઉપર તે તૂટી પડ્યો. દસ પંદર મિનિટ બોલ્યા પછી તેને લાગ્યું કે તે વધારે બોલી ગયો છે. તેથી થોડીક ખામોશી પછી બોલ્યો – ‘રાધા આઈ એમ. સોરી.’

 

રાધા માટે આ વર્તન નવું ન હતું. પણ આજ કાલ આવું વલણ સર્વસામાન્ય બની ગયું હતું. તેથી તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. તે ધીમે રહીને બોલી  ‘નિલયભાઈ, તમારું માન જળવાવવું હોય તો આ ચીકાશ છોડી દો ભૂલ થઈ છે. તેની બીજી બાજુ પણ હોઈ શકે તે સમજાવવા હું તો આવી હતી. વળી ક્યાંય મારો વાંક તો હતો નહીં… તમારી આંતરિક ઉલઝનો અને વ્યથાઓ આજે ગુસ્સા સ્વરૂપ આવી ગયા. આવું એક બે વખત થાય તો સામાન્ય ગણાય … પણ જો આવું દર અઠવાડિયે થાય તો તે માનસિક હતાશાનું કારણ બને આ ડિપ્રેશનને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. શર્વરી ભાભી પણ અકારણ તમારા ગુસ્સાના ખૂબ જ ભોગ બનતા હતા.’

 

નિલય ચુપચાપ સાંભળતો હતો. રાધા સાચી હતી. નિલયની સફળતાનું એક અંગ હતી. Office Administration માં કદી જોવું પડતું નહોતું. છતાંય આજે એનું મગજ ક્યા કારણોસર છટકી ગયું તે ઘટના તે સમજી ન શક્યો.

 

રાધા તું સાચી છે. ફરી એક વખત ‘સોરી મને પોતાને નથી સમજાતું કે હવે આવું બધું કેમ થાય છે. પહેલાં જે હિમ્મત અને દિલેરીથી હું કામ કરતો હતો તે હિમ્મત હવે મારા ધોળા થતા વાળની જોડે જોડે અદ્રશ્ય થતી જાય છે એવું હું વારંવાર અનુભવું છું…. ખેર … શર્વરીને ફોન કરી દેજે હું આજે બપોરે પ્રેસ કૉન્ફરન્સમાં જે બોલવાનું છે તેની તૈયારી કરું છું તેથી જમવા નહીં જાઉં તું તારુ બીજું કામ પતાવ.’

 

‘ નિલયભાઈ એ વાત નહીં ચાલે. ટિફિન અહીં મગાવી લઉં છું. ખાવા નહીં જવાય તે બિલકુલ નહીં ચાલે. ’

 

‘ભલે ભાઈ ભલે, તું કહે તેમ… બસ?’

 

‘હું ભાઈ લાગું છું?’

 

‘ના, મારી નાની બેન છે બસ..! ’

 

‘રાધાના મોં પર મુસ્કાન આવી ગઈ. નિલયને દરેક મુસ્કાનમાં હવે નૌકાની મુસ્કાન દેખાતી હતી.’

 

આ બાજુ શર્વરી ફોન ઉપર રાધાને નિલયની જ ફરિયાદ કરતી હતી. આજકાલ એમને શું થઈ ગયું છે તે સમજાતું નથી. નૌકાને વઢે છે. મને પણ વઢે છે. જિંદગીના વીસ વીસ વર્ષો બાદ હવે એમનો ગુસ્સો સહન નથી થતો.

 

રાધાએ શર્વરીને આશ્વાસન આપતા કહ્યું ‘એ વાતથી નિલયભાઈ પણ વાકેફ છે. ભાભી,  આજે તમે ટિફિન લઈને આવો ત્યારે થોડો સમય શાંતિથી બેસાય તે રીતે આવજો. આજે કોઈક ડૉક્ટરને બતાવી આવશું.

 

ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.

 

******

 

પ્રેસકૉન્ફરન્સમાં  શર્વરી – રાધા હાજર રહ્યા હતા. પ્રેસકૉન્ફરન્સ સામેથી બોલાવી હતી તેથી પ્રશ્નો પૂર્વયોજિત હતા. જવાબો પણ તૈયાર હતા. પણ ચિત્રરંગની રિપૉર્ટરને સ્કૂપ જોઇતું હતું તેથી તેણે પૂર્વયોજિત પ્રશ્નોને તોડી મરોડીને બે ચાર પ્રશ્નો અંગત જીવનને લગતા પૂછ્યા, જેમાં શર્વરી અને રાધાનો ઉલ્લેખ થયો.

 

નિલય અંદરથી રાતો પીળો થઈ રહ્યો હતો તે શર્વરી જોઇ શકતી હતી. તેથી ચિત્રરંગની રિપૉર્ટરને સામેથી શર્વરીએ પૂછ્યું – ‘બહેન ! પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનની કાર્યવિધી જણાવવા આ કૉન્ફરન્સ બોલાવી છે. અમે તેના શેર હોલ્ડર કે કાર્યકર હોઈ શકીએ પરંતુ અંગત જિંદગીને તમારે લાવવી હોય તો તે માટે આપને ઘરે  આવવાની છૂટ છે. અહીં આ પ્રશ્નો અસ્થાને છે.’

 

રિપૉર્ટર તીખી અને તેજ બંને હતી. ‘નિલયભાઈની બાહરી સફળતાને અમારે તમારી રીતે જોવી નથી – અમારે તો તેમની આંતરિક સફળતામાં તમે બંને જણાએ શું ટેકો આપ્યો તે જાણવું છે અને જે મેં વાત સાંભળી છે તે પ્રમાણે કૉલેજકાળમાં નિલયભાઈ શ્યામલીને કે જે Managing Director છે તેમને ચાહતા હતા અને રાધાબહેન કે જેઓ તેમના પર્સનલ સેક્રેટરી છે તેઓ નિલયભાઈને ચાહતા હતા. તમે આ ટ્રાઈએંગલનો ચોથો ખૂણો છો – તે ખબર તો હશે જ…’

 

નિલયને આ દબાયેલો મુદ્દો ઉપાડતા રિપૉર્ટર ઉપર ભયંકર ગુસ્સો આવતો હતો. અને ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈક બોલવા જતો હતો ત્યાં રાધાએ તેને રોકી લીધો.