Sadguno - 2 books and stories free download online pdf in Gujarati

સદગુણો ૨

ભાગ નં. ૨

ક્ષમાભાવ

ક્ષમાભાવ તો વીરનું આભૂષણ છે. ક્ષમા આપવી એ કોઈ નાનાસૂના માનવીનું કામ નથી. ક્રોધી કમજોર હોય છે. ક્રોધના પ્રસંગો તો ઘણા આવવાના, વેરના પણ. કિંતુ મનુષ્યનું કર્તવ્ય એ છે કે એને ઓળંગીને ચાલે. ક્ષમાશીલ જગતમાં ઉમદા માનવી છે.

ઈસુ ભગવાનને ક્રૂસ ઉપર લટકાવ્યા છતાં તેઓ બોલ્યાં હતા : ‘પ્રભુ, આ લોકો શું કરી રહ્યા છે તેનો તેને ખ્યાલ નથી. તેઓને માફ કરી દેજે !’

ક્ષમા દિલથી આપવી એ એક ઊંચી સિદ્ધિ, ભારે તપશ્ચર્યા, ઉત્કટ કલા છે. ક્ષમા આપવાથી સમાજનો વ્યવહાર સરળ બને છે. મનને શાંતિ મળે છે. દિલને અપૂર્વ શાંતિ મળે છે. ક્ષમાભાવ રાખવાથી અને આપવાથી ભગવાનની ક્ષમા મળે છે. તેનું એ પ્રતીક અને ખાતરી છે.

ચંબલના ખૂંખાર ડાકુ. લોકનાયક જયપ્રકાશ નારાયણ આગળ શસ્ત્રો મૂકી પડી ગયાં હતાં અને હ્રદય પરિવર્તન કર્યું હતું. આ ઘટના પાછળ જયપ્રકાશ નારાયણનો ક્ષમાભાવ સમાયેલો છે.

પ્રાયશ્ચિત્તનાં ત્રણ પગથિયાં છે.

(૧) આત્મગ્લાની (૨) ફરી પાપ ન કરવાનો નિશ્ચય (૩) આત્મશુદ્ધિ.

આમાં ક્ષમાભાવ ઉચ્ચ સ્થાને છે. ક્ષમાથી અનેક લોકોના જીવન સુધાર્યા છે. રામાયણ, મહાભારત, ભાગવત વગેરે જેવા ગ્રંથોમાં પણ ક્ષમાભાવના અનેક પ્રસંગો વાંચવા મળે છે. ખરેખર ક્ષમા એ વીર લોકોનું આભૂષણ જ છે.

કરુણા

પૂ. મોરારિબાપુએ તા. ૦૫-૦૮-૨૦૧૨થી તા. ૧૩-૦૮-૨૦૧૨ હિરોશિમા (જાપાન) ખાતે રામકથાને ‘માનસ’ કરુણ નામ આપ્યું હતું. કરુણા એટલે માત્ર દયા નહીં કરુણાનો અર્થ વ્યાપક છે, વિશાળ છે. કરુણા કરુણરસ સાથે જોડાયેલી છે. કરુણા અર્થાત્ રુદન,કરુણા એટલે નિત્ય નૂતનતા અને કરુણાનો સંબંધ આશ્રય સાથે પણ છે.

આપણે ભજન ગાઈ છીએ ને,

‘હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી.’ ભજન ગાતાં-ગાતાં આંખ આંસુથી ભરાઈ જાય છે એટલે તો કરુણા હંમેશાં નેત્રોમાં નિવાસ કરે છે. પ્રભુ તો કરુણાનિધાન છે.

જયારે-જયારે આપણે સત્સંગ કરીએ છીએ ત્યારે-ત્યારે અનંત કરુણાની આપણા ઉપર વૃષ્ટિ થાય છે. કરુણાનો સાગર વિશાલ છે. તેમાંથી ચૌદ જેટલાં રત્નો પ્રાપ્ત થાય છે. જેમ ક્રોધ નર્કનું દ્વાર છે, તેમ કરુણા સ્વર્ગનું દ્વાર છે.

તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નાં સાતેય સોપાનોમાં ‘કરુણા’ શબ્દ પ્રયોજ્યો છે. આરામ કરુણા વગર અસંભવ છે. સદગુરુનો હાથ આપણા મસ્તક પર હોય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ. સદગુરુના હાથની કરુણાનું નામ છે, સ્પર્શ. સૌની આંખોમાં કરુણાની કુંપળો ફૂટે. કરુણાનું અંજન સૌ આંજી લે. કરુણા આજની માંગ છે. કરુણા વિના કોઈ ઉપાય નથી. આવો આપણે કરુણાસભર બનીએ અને બનાવીએ.

દાન

દાનનો મહિમા ગ્રંથોમાં પણ બહુ ગવાયો છે. દાનના અનેક પ્રકાર છે. રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, સમયદાન વગેરેમાં વિદ્યાદાનને મહાનદાન ગમ્યું છે. દાન એ પરોપકાર માટે છે. પરોપકાર એ માનવીને માટે સ્વધર્મ છે. તેથી પ્રત્યેક માનવે દાન કરી પરોપકારમાં ભાગ લેવો જોઈએ. એમ કહેવાય છે કે,

‘નાણું મળશે પણ ટાણું નહીં મળે’

અર્થાત્ દાન કરવા માટે સમય મળે તો તે ક્ષણનો લાભ લેવો જોઈએ. માનવનો જન્મ સુખ ભોગવવા નહી, બીજાને સુખ આપવા, દાન આપવા માટે મળ્યો છે. પ્રત્યેક જીવનમાં ઈશ્વર બેઠો છે. તમારી સેવા લેનારમાં પણ ઈશ્વર બેઠો છે એમ વિચારી ભક્તિથી સેવા કરવી, દાન કરવું જોઈએ.

પ્રભુએ ધન વધારે ન આપ્યું હોય તો બીજા માટે તન ઘસજો, સમયદાન કરજો પણ પરોપકાર અવશ્ય કરજો. તમને જો પ્રભુએ સારા પૈસા આપ્યા હોય તો તે પ્રભુનાં બાળકોની સેવા કરી શકો, દાન કરી શકો. એટલા માટે જ આપ્યા છે એમ માની દાન કરજો.

કહ્યું છે કે, મુક્તિ કરતાં પણ દાન શ્રેષ્ઠ છે. શરીરને દાનસેવામાં ઘસવાનું છે, ત્યારે તો એ આત્મજ્ઞાન મેળવવા માટે યોગ્ય બને છે. દેહ દાન દેવા કાજે છે, લોભ વધારવા માટે નહીં. નિષ્કામ સેવા કે નિ:સ્પૃહી બની દાન કરવામાં આનંદ સમાયો છે. આ વાત અનુભવથી જ જાણી શકાય છે. સેવા કરીએ, પ્રેમ આપીએ, દાન દઈએ, આશા ન રાખીએ અને પાછા મુક્ત રહીએ. આ વાણી તો ‘વિનોબાવાણી’માં છે. સોમાં એક શૂરવીર હોય છે, હજારમાં એક પંડિત થાય છે અને દાન આપનાર દાતા તો લાખોમાં એક હોય છે એમ યથાર્થ જ કહ્યું છે ને ?

દયા

દયા ડાકણને ખાય એવી દયાની શું કામના ? જોકે દાન કરતા દયાનું મહત્તવ વધુ છે અને એટલે તો વિશ્વમાં અસંખ્ય જીવદયા સંસ્થા અને જીવદયા પ્રેમીઓ કાર્યરત છે.

ચાણક્યના મત પ્રમાણે દયા જ ધર્મનું મૂળ છે. જેનું હ્રદય જીવદયાથી પીગળી જાય છે તેને જ્ઞાન, મોક્ષ મેળવવાની અને જરા ધારણા તેમ જ શરીર પર ભસ્મ લગાવવાની શી જરૂર છે ?

દયાભાવ બધાં જ ધર્મોથી ઊંચું સ્થાન ધરાવે છે. જીવદયા રાખનાર વ્યક્તિ ક્યારેય પાપકર્મમાં નથી પડતી, આનાથી વિશેષ જ્ઞાન શું હોઈ શકે ? જે વ્યક્તિ કોઈ પણ જીવને મુશ્કેલીમાં નથી જોઈ શકતી તેને જ્ઞાન મેળવવા કે મોક્ષ મેળવવા તપ કરવાની જરૂર નથી રહેતી.

અહીં આઇનસ્ટાઈન યાદ આવે જ. તેઓ કહે છે કે, ‘મારા જીવન પથને ઉજાળનારાં ત્રણ પરિબળો છે:

કરુણા (દયા) સુંદરતા અને સત્ય.

દયા અને કરુણાની મૂર્તિ ભગવાન રામને માનવામાં આવે છે. દયા રાખો પણ ભયથી નહી, તેમ આશાથી પણ નહી. જેને મોહ નથી તેને દુઃખ નથી પણ દયા છે. જેને તૃષ્ણા નથી તેને લોભ નથી પણ દયા છે. જેની પાસે લાભ કરવા જેવો કોઈ પદાર્થનો સંગ્રહ નથી પણ દયાનો ધોધ વહેતો હોય, તેનામાં લોભ હોય જ નહી.

વ્યક્તિને બચાવવા સંપત્તિ જયારે લાચાર થઈ જાય છે ત્યારે દયા મદદે આવે છે. સત્તા જયારે હાથ ઊંચા કરી છે ત્યારે દયાનું સૌજન્ય હાથ ઝાલે છે. પ્રતિષ્ઠા જયારે પાંગળી બની જાય છે ત્યારે દિલની મહાનતા, દયા પહાડ બનીને અડીખમ ઊભી રહે છે.

આજે પણ દયાળુ માણસો પશુ-પંખીની માવજત કરે છે. ગરીબ-ગુરબા, અંધ-વિકલાંગ, નિરાધાર વૃદ્ધ માતા, વૃદ્ધ પિતા સમા વડીલો પ્રત્યે અપાર દયા રાખે છે.

સેવા-શુશ્રૂષા

સેવાથી ભવસાગર તરીએ, સેવા સમરથ ધ્યાન,

સેવા વિશ્વંભર વશ કરે, હરી નહીં સેવા સમાન.

કેવી સરળ છતાં હ્રદયસ્પર્શી વાત. સેવા-શુશ્રૂષા તો ભાગ્યશાળીને જ મળે. સેવાથી ભવસાગર તરી શકાય. અન્ય રીતે ભવસાગર તરવો કઠિન છે. સેવા જેવું ઉત્તમ ધ્યાન એક પણ નથી. સેવા કરવાથી શું ન મળે ? વિશ્વંભર જેવા વિશ્વંભર વશ થઈ જાય છે. હરિની સેવા જેવી અન્ય એક પણ સેવા નથી.

કહેવાયું છે ને કે, ‘સેવા પરમો ધર્મ !’ સેવા પરમમાં પરમ ધર્મ છે. ‘જો કરો સેવા તો પામો મેવા.’ આ ઉક્તિ પણ યથાર્થ જ છે ને ?

પ્રભુની સેવામાં જીવન જીવીને સાચી ચેતનાને પ્રાપ્ત કરવી એ ટૂંકમાં ટૂંકો રસ્તો છે. પરમસુખ તો એ છે કે ભગવાનના સેવક બનીએ.

વિનોબભાવેની અમૃતવાણી અહીં યાદ આવે જ, તેઓ કહે છે કે,

સેવા કરીએ, પ્રેમ આપીએ,

આશા ન રાખીએ, મુક્ત રહીએ.

સેવા કરતાં કરતાં બધાને પ્રેમ કરીએ. સેવા કરીએ. શુશ્રૂષા –સરભરા કરીને કાંઈ લેવાની આશા ન રાખીએ અને વળી પાછા મુક્ત રહીએ. શરીરને હંમેશાં સેવામાં ઘસવાનું છે, ત્યારે તો એ આત્મજ્ઞાન મેળવવા માટે યોગ્ય બને છે. ખરેખર સેવા કરવાથી મનને આનંદ મળે છે. હૈયું પુલકિત થઈ જાય છે. કંઈક કર્યાનો સેવા ઓડકાર અનુભવાય છે.

ત્યાગ-સમર્પણ-બલિદાન

ત્યાગ એટલે માત્ર છોડી દેવું એટલું જ નથી પણ ત્યાગ કરીને ભોગવવું. હૈયું બાળીને, દિલને દુઃખ આપીને ત્યાગ કરવો એ ત્યાગ, ત્યાગ નથી. હસતાં મોઢે ત્યાગ કરવો જોઈએ. કહેવાયું છે ને કે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના.

હૈયે વડવાનલ જળે, તોય સાગર ગાય;

હસી જાણે જગ ઝેર પી, સંત તે કહેવાય.

ત્યાગ માનવીનું પરમ સત્કર્મ છે. સમભાવ, સમર્પણ ભાવ પણ અનન્ય છે. પોતાનું સર્વસ્વ કોઈ મોહ રાખ્યા વિના અર્પણ કરવું તેને સમર્પણ ભાવ કહેવાય છે. એક મુક્તક જોઈએ તો,

જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે;

ઘસીને જાતને સંતો અનન્ય સુખિયાં કરે.

એકલવ્યનું ગુરુ દ્રોણ પ્રત્યે,સ્વામી વિવેકાનંદનું રામકૃષ્ણ પરમહંસ પ્રત્યેનું સમર્પણ પ્રેરક છે.

બલિદાન અર્થાત્ પોતાની આહુતિ. ફતેહ મેળવવા, ધર્મની કે રાષ્ટ્રની રક્ષા કરવા, સંસ્કૃતિની રક્ષા

કરવા અર્થે કેટકેટલાય વિરલાઓએ બલિદાન આપ્યાં છે. કવિ નર્મદ કહે છે તેમ,

‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે.’

ડગલું ભર્યુ કે ના હઠવું, ના હઠવું, પોતાની, પરિવારની, સમાજની કે રાષ્ટ્રની રક્ષા કરવા બલીદાનની ક્ષણ તો ભાગ્યશાળીને જ મળે છે. કહેવાયું છે ને કે,

જીંદા રહને કે મોસમ બહુત હે

મગર જાન દેને કી ઋતુ રોજ આતી નહીં.

સમતાભાવ

બધા પ્રત્યે સમાન ભાવ રાખવો તેને સમતાભાવ કહેવાય છે અને કોઈના માટે રાગ, દ્રેષ ન રાખવો તેને પણ સમતાભાવ રાખવો એમ કહેવાય છે. કેટલાક લોકો અજાતશત્રુ હોય છે. આવા સજ્જનોના કોઈ શત્રુ જ હોતા નથી. તેમને કોઈ પણ દુશ્મન હોતા નથી. માટે સૌ સાથે સમતાભાવ રાખીએ.

સૃષ્ટિ ઉપર બધા સાથે સમતાથી રહેતા લોકોનો સમતાભાવ અનેરો હોય છે. આવા સજ્જનોના દર્શન માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે સંતપુરુષનો સમતાભાવ સાક્ષાત તીર્થ સ્વરૂપ હોય છે. તીર્થયાત્રા કરનારને પણ યોગ્ય સમયે જ ફળ મળે છે. જયારે સમતાભાવ રાખનારા સંતમહાત્માના સત્સંગથી તત્કાળ લાભ થાય છે.

આમ જોઈએ તો સમતુલા એટલે સમતોલ હોવાપણું એમ થાય સમત્વ-બુદ્ધિનો અર્થ પણ સમતાભાવને સમર્થન આપે છે. જેમ કે રાગ-દ્રેષ વગેરે દ્વન્દ્ર અભાવવાળી રમજ. જયારે સમતાભાવ, સમદર્શિતા પણ આપણને ઘણું સૂચવે છે : નિષ્પક્ષપાતી વલણ. સમત્વ બુદ્ધિમાંથી જ સમતાભાવ જન્મે છે.

તુલસીદાસજી કહે છે કે –

દુર્જન સંગ ન દેહ વિધાતા |

ઈસ સે ભલો નરક કા વાસા ||

દુર્જન સાથે મિત્રતા કરવા કરતાં નર્કનો વાસ સારો. પણ બધાં પ્રત્યે સમતાભાવ રાખનારા ઋષિ સંત, મહાત્માનો ભાવ જ શાલિન હોય છે. એમને મન કોઈ નાનું કે મોટું હોતું નથી. ઊંચ કે નીચ હોતા નથી. માત્ર ને માત્ર સૌં પ્રત્યે સમાનભાવ જ હોય છે.

એકને ગોળ, બીજાને ખોળ એવું સમતાભાવ રાખનારા સજ્જનના મનમાં હોતું જ નથી. એમની સ્થિતિપ્રજ્ઞાતા, નિ:સ્પૃહીતાને વંદના કરવા જ ઘટે !