હું અચરજ પામું છું, તેની નિસ્પૃહતાને જોઈને! હું પણ નાના બાળકના જેવી વિહ્વળતા અનુભવતો, કંઈ ન સૂઝતાં બિસ્તરો બંધાવવા તેની મદદે પહોંચી જાઉં છું. હું બિસ્તરા ઉપર પગ ટેકવીને પટ્ટી ખેંચું છું, તે ક્લિપ લગાવે છે. હું તેના ચહેરા ઉપરનો ભાવ વાંચવા મારી આંખ તેના ઉપર ખોડું છું. તેના ચહેરા ઉપર વિવશતાનું એકેય ચિહ્ન મને નથી વરતાતું! હું સાવ અંગત કહી શકાય તેવી વાતોએ તેને વાળવાનો પ્રયત્ન મૂકી દઉં છું અને એના બદલે ઘરગથ્થુ સર્વસામાન્ય વાતો અને ભલામણો કરતો રહું છું.