મારા રડવાનો અવાજ છેક બહાર સુધી જતો હતો અને મારી નાની બહેન મારી પાસે દોડી આવી હતી. એને જોતાં જ મેં જાતને સંભાળવાનો પ્રયત્ન કરેલો અને તોય હું મારા આંસુને રોકવામાં નિષ્ફળ નિવડેલી. એણે પાસે આવીને મને બાથ ભીડી હતી અને એ લાગણીમાં હું આખી ઓગળી ગઈ હતી. એ પછી યાદ નથી કે કેટલા દિવસે હું સ્વસ્થ દેખાતી થઈ હતી, ક્યારે મારા બાબાપુએ મને આલોક વિશે વાત કરી હતી, ક્યારે મેં એની સાથે લગ્ન કરવાની ‘હા’ કહી હતી, ક્યારે મેં મારા ફોનમાંથી કેદારનો નંબર કાઢી નાંખ્યો હતો અને કસમ ખાધી હતી કે આજીવન કેદારને દરેક જગ્યાએ બ્લૉક કરી રાખીશ.