મને એમનો વાર્તાલાપ સાંભળી જરાય હસવું નહોતું આવ્યું. હું એમને હસતાં છોડીને ઓરડામાં અંદર આવી ગયેલી અને ફૂલોથી શણગારેલ પલંગ પર એક કિનારે બેસી ગઈ હતી. “નવા જમાનાની છોકરી છે.” એ લોકો કઈંક બબડતી ચાલી ગઈ હતી. જો કે જતાં જતાં એ દરવાજો આડો કરતી ગયેલી એ એક સારું કામ કરેલું. એ ક્ષણે પલંગ જોઈને મને આડા પડવાની ઈચ્છા થઈ આવી હતી. થતું હતું કે હું બસ સૂઈ જાઉં આરામથી. છેલ્લા બે દિવસથી ઊંઘવાના બિલકુલ ઠેકાણા નહોતા પડ્યા. હું ખરેખર હવે થાકી ગઈ હતી. શારીરિક અને માનસિક રીતે પણ મારે આરામની સખત જરૂર હતી. મને એક ફિલ્મનો સીન યાદ